Monday, December 10, 2012

અશ્વિની ભટ્ટની ચિરવિદાય: જીવંત રહેશે દિલમાંઅશ્વિની ભટ્ટ 

નશ્વર દેહ 
(૨૨-૭-૧૯૩૬ થી ૧૦-૧૨-૨૦૧૨) 

શબ્દદેહ 
(અનંત ) 

જીવતે જીવ જ દંતકથા સમું બની ગયેલું આ નામ. અને છતાંય તેમને રૂબરૂ મળીએ ત્યારે તેમના વ્યક્તિત્વનો જરાય ભાર ન લાગે. લોકપ્રિયતાની ટોચે બિરાજીને તેને બરાબર પચાવી જાણનાર બહુ જૂજ વ્યક્તિઓમાંની એક એટલે અશ્વિની ભટ્ટ. મારા જેવા અસંખ્ય વાચકોની આખી પેઢી દર સોમવારે પ્રકાશિત થતી અશ્વિની ભટ્ટની નવલકથાના આગામી હપ્તામાં શું આવશે તેની જોશભેર ચર્ચા, અટકળ અને અનુમાનો કરતી ઉછરી છે. અને હપ્તાવાર નવલકથા વાંચ્યા પછી પુસ્તકરૂપે પણ એ જ કથાને એટલી જ રસપૂર્વક માણી છે.
તેમને વાંચતી વખતે તો એમ જ લાગતું કે આ લેખક કોઈક પરીકથાનું પાત્ર હશે! વરસો પછી તેમને મળવાનો અવસર પ્રાપ્ત થયો, ધીમે ધીમે આત્મીયતા પણ પ્રાપ્ત થઈ ત્યાર પછી જ્યારે મળીએ ત્યારે થતું કે કેટકેટલું પૂછવાનું છે એમને!

એક વાર એવો સંયોગ ગોઠવાયો કે અશ્વિનીભાઈ સવારથી છેક સાંજ સુધી મહેમદાવાદના અમારા ઘેર આવ્યા. બિનીત મોદી, પ્રણવ અધ્યારૂ, ચંદ્રશેખર વૈદ્ય, હસિત મહેતા જેવા અશ્વિનીભાઈ સાથે અંગત પરિચય ધરાવતા મિત્રો તો ખરા જ, સાથે સાથે બીરેન મહેતા, વિપુલ રાવલ, દેવેન્‍દ્ર ગોહીલ, પૈલેશ શાહ જેવા અશ્વિનીભાઈના ચાહક-વાચક મિત્રો પણ હાજર રહેલા. એજન્‍ડા એક જ- અશ્વિનીભાઈ બોલે અને અમારે સાંભળવાનું, પૂછવાનું. જરાય અતિશયોક્તિ વિના કહું તો હાજર રહેલા સૌના જીવનના સૌથી યાદગાર દિવસમાંનો એક એ બની રહેલો. અશ્વિનીભાઈ એટલી સહજતાથી, હેતુલક્ષિતાથી વાત કરતા કે વાતનો જવાબ આપતા રહ્યા. ખરેખર તો એ દિવસે કેન્‍દ્રમાં તે જ હતા, પણ તેમણે એવું જરાય લાગવા ન દીધું.
તેમના વિષે અમે શું ધારતા, કેવી અટકળ કરતા એ બધું પણ અમે તેમને જણાવ્યું. તેમના દીર્ઘ અને વિગતપ્રચૂર વર્ણનોને કારણે મારા અમુક વર્તુળમાં અશ્વિની ભટ્ટ એક વિશેષ નામ નહીં, પણ વિશેષણ બની ગયેલું. કોઈ પણ વ્યક્તિ કશી વાતને જરા લંબાણપૂર્વક કહે એટલે બીજો તરત બોલી ઉઠે, “હવે આ અશ્વિની ભટ્ટ શરૂ થઈ ગયા! ઘણી વાર એમ બનતું કે આ વિશેષણ વાપરનારને ખ્યાલ પણ ન હોય કે અશ્વિની ભટ્ટ શું લખે છે. એને એટલી જ ખબર હોય કે અભિયાનમાં પેલી વરસો સુધી ચાલતી વાર્તા લખે છે એ અશ્વિની ભટ્ટ.
એ પછી હિમાંશુભાઈ પાઠકના ફાર્મહાઉસ પર રાખેલા એક અનૌપચારિક મેળાવડામાં ઉપર ઉલ્લેખ છે એ મિત્રો સહિત અશ્વિનીભાઈ-નીતિભાભી સહિત રજનીકુમાર પંડ્યા-તરૂબેન, મહેશભાઈ યાજ્ઞિક હાજર હતા. એ વખતે એજન્‍ડા એવો રાખ્યો હતો કે આ સૌ પોતપોતાના લગ્નની કથા કહે. અશ્વિનીભાઈએ નીતિભાભીની હાજરીમાં જે રંગતથી પોતાની લગ્નકથા કહી, એ યાદગાર અનુભવ હતો. તેમના લેખનની જેમ જ તેમનું કથન પણ એટલું જ રસપ્રદ અને આકર્ષક હતું એ વાતનો સૌને અહેસાસ થયો.
અમેરિકાથી તે જ્યારે આવતા અને મળવાનું બનતું ત્યારે તેમની નાદુરસ્ત તબિયતને કારણે સતત છૂપો ભય રહેતો કે આ મુલાકાત છેલ્લી નહીં બની રહે ને! એ ભય છેવટે સાચો જ પડ્યો. પોતાના શરીરમાં મૂકેલા પેસમેકરને તે દાબડી તરીકે ઓળખાવતા. “જવા દે ને યાર, પેલી દાબડી....”
તેમની નવલકથાઓ અને તેનાં પાત્રોની સર્જનકથા પણ ઓછી રોચક નથી. તેમ તેમની જીવનયાત્રા પણ તેમની નવલકથા જેટલી જ વિવિધરંગી છે. તેમનાં આ પાસાંઓનું આલેખન ઉર્વીશ કે ધૈવત જેવા મિત્રોએ કરવું રહ્યું. (ઉર્વીશે અશ્વિનીભાઈનાં વિવિધ પાસાંઓ વિષે તેના બ્લોગ પર વખતોવખત લખ્યું છે, જે અહીં http://urvishkothari-gujarati.blogspot.in/search/label/Ashwinee%20Bhatt પર ક્લીક કરવાથી વાંચી શકાશે.)  અશ્વિની ભટ્ટ જેવા સર્જક કદી મૃત્યુ પામતા નથી. તેમનું સર્જન આપણા દિલોદિમાગમાં છવાયેલું રહેશે ત્યાં સુધી આપણા મનમાં તે જીવંત રહેશે.
અહા!જિંદગીમાં તેમના વિષે લખેલા લેખની પી.ડી.એફ. અહીં મૂકું છું, જે જુલાઈ, ૨૦૦૮માં પ્રકાશિત થયો હતો. આ લેખમાં ઘણી વાતો આવરી લીધી હોવાથી અહીં તેનું પુનરાવર્તન ટાળું છું. અશ્વિનીભાઈના વ્યક્તિત્વને શબ્દોમાં પકડવું એટલે મેઘધનુષના રંગોને તસવીરમાં ઝડપવા જેવું અઘરું કામ, પણ મેઘધનુષની રંગછટાઓનો કંઈક અંદાજ આવી શકે તોય ઘણું. (ઈમેજ પર ક્લીક કરવાથી તે એન્‍લાર્જ થશે.) 
(નોંધ: ગયા માર્ચમાં તેમણે મુંબઈ ખાતે 'જો આ હોય મારું અંતિમ પ્રવચન' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમનો સતસવીર અહેવાલ બિનીત મોદીના બ્લોગ પર http://binitmodi.blogspot.in/2012/03/blog-post.html વાંચી શકાશે.)  

10 comments:

 1. few ppl can live (in reality) and AB has done it, with bang.

  RIP

  ReplyDelete
 2. Sad to know. I join you in paying tribute to Ashwinibhai.

  ReplyDelete
 3. એકી શ્વાસે વાંચી ગયો ! અદ્ ભુત સાહીત્યસાધના..
  સર્જક અમર છે.. તે કદી મરતો નથી !!

  ReplyDelete
 4. અશ્વીની ભટ્ટના અવસાનના સામાચારે મોટો આઘાત આપ્યો. એમની નવલકથાનો હું મોટો ચાહક. લગભગ બધીજ નવલકથાઓ મે મારી લાઇબ્રેરીમાં વસાવી છે. એમની લઢણ જ અનોખી હતી.

  ReplyDelete
 5. સમાચાર અત્યંત દુખદ,પણ નિયતિ ટળતી નથી.
  ઘણા સ્વપ્નો પણ દુષ્કર હોય છે, જયારે આ તો હકીકત ..
  વિખુટા પડેલા આત્માને સર્વશક્તિમાન ઈશ્વર પોતાનામાં સમાવી લ્યે એજ હૃદયથી પ્રાર્થના .
  હરીઓમ તત્સત।।।

  ReplyDelete
 6. Sad to know death news of Ashwini Bhatt.

  May his soul rest in peace.

  ReplyDelete

 7. સ્નેહી બિરેનભાઈ:
  મારા બાળપણના મિત્ર અશ્વિન (સાહિત્ય જગતના અશ્વિની ભટ્ટ)ની આખરી અલવિદાના સમાચાર
  ચોંકાવનારા છે. જુના અનેક સ્મરણો ઉભરાઈ આવ્યા. તેના પિતા હરભાઈ ભટ્ટ્નો પરિવાર અમારો
  શાખ પાડોશી એટલે તેની નાનપણથી ઓળખાણ. પિતાનો આનંદી અને 'સિધી વાત'નો સ્વભાવ
  નાનપણથી પણ સુષુપ્ત 'નવલસમ્રાટ'નો અણસારો પણ નહી.મારાથી 6 વર્ષે નાનો એટલે મને
  મોટાભાઈ ગણે. ઘણા વર્ષોથી મળ્યા નહોતા પણ ફોન પર વાત થાય.તેને ઈ-મેલની માથાકુટ
  ફાવે નહી.

  તેની સાથે ખુબ નજીકથી મૈત્રી અનુભવવાની તક 1947માં મળી. ગુરુદેવ ટાગોર ક્રુત "અચલાયતન"
  નાટકનો ગુજરાતીમાં જુગતરામભાઈ દવેએ અનુવાદ કરેલો અને તેના પ્રયોગો પ્રેમાભાઈ હોલમાં
  કરેલા.તેમાં મારું 'પંચક'નું પાત્ર અને તેનુ નાના રમળિયાત 'સુભદ્ર'નું. ખુબ મજા આવી હતી.
  આ સાથે ત્યારે 'પ્રજાબંધુ' અને 'સંદેશ' માં રીવ્યુ છપાયા હતા તેનો એક ફકરો આ સાથે બીડુ છું.
  તેના પાત્રના નામ નીચે લાલ અંડર લાઈન કરી છે.
  આખો લેખ જોવાની ઈચ્છા હોય તો જણાવજો.

  ઉપરવાળો તેને કેમ આવકારશે તેનો ક્યાસ કાઢવો આપણા ગજાની બાર છે પણ તેની વાર્તાઓ જરુર
  સાંભળશે અને ફરી એકવાર આપણી પાસે નવા અવતારે મોકલી આપવાનું પણ વિચારે!

  -કનકભાઈ

  ReplyDelete
 8. I am very sad to hear such loss. I read his stories when I was young. He was really a best writer. Love live Ashwin uncle.....

  ReplyDelete
 9. બિરેનભાઈ! ખુબ લાંબા સમય પછી આપનો બ્લોગ વાંચ્યો.કામનુ ભારણ કે એવુ કશુ તો નહી, માત્ર આળસ કહી સકાય.ખુબજ સુંદર લેખ કહીશ તો એ વાક્ય પ્રયોગ બરાબર નહી લાગે,પરંતુ ખુબજ ગમગીન કરી મુકતો લેખ ચોક્કસ. મારા પ્રિય લેખક,અને કદાચ બે-ચાર નવલકથા પુરતા તો હરકિશન મહેતા કરતા પણ વધારે ગમતા ગુજરાતી નવલકથાકાર. માત્ર એક વખત એમની શાથે ટેલીફોનીક વાત થઈ શકી હતી, પરંતુ યાદગાર.( હું અંહી આપેલ PDF file નથી ખોલી શક્યો please વાંચવુ છે.)

  ReplyDelete
 10. @kavita- પી.ડી.એફ.ની ઈમેજ પર રાઈટ ક્લીક કરીને save as image કરશો તો લેખ કમ્યુટર પર ડાઉનલોડ થશે અને પછી વાંચી શકાશે. અને છતાંય ન ફાવે તો તમારું ઈ-મેલ મને bakothari@gmail.com પર મોકલો તો હું મેલ કરી દઉં.

  ReplyDelete