સેલ્ફ મેઈડ સ્ટ્રક્ચર
|
આમ છતાં, અમુક વસ્તુઓ મારા જેવા માટે સદાય વિસ્મયકારક હોય છે. આમાં તરત યાદ આવે એવી બે મુખ્ય બાબતો એટલે જાદુનો ખેલ અને સર્કસ. આપણને ખબર હોય કે જાદુબાદુ જેવું કંઈ હોતું નથી અને બધી હાથચાલાકી જ હોય છે. તેમ છતાંય જોતી વખતે એની સરત રહેતી નથી અને એમાં ઓતપ્રોત થઈ જવાય છે. એ વખતે ‘આમાં શી નવાઈ? એ તો અમુકતમુક રીતે કરતા હશે’ એવું કહીને આપણે વિજ્ઞાનના માણસ છીએ એવું (આપણી જાત આગળ જ) દેખાડવાનું ગમતું નથી.
એવું જ સર્કસનું છે. બલ્કે એથી વધારે. ગામમાં કે શહેરમાં સર્કસ આવે એટલે પહેલાં તો છાપામાં એની જાહેરખબરો જોઈને મનમાં માહોલ બંધાવા લાગે. ફરતી રીક્ષામાં થતી સમજાય નહીં એવી ભાષામાં થતી જાહેરાતો, રીક્ષામાંથી ફેંકાતા સાવ રદ્દી, પાતળા, મોટે ભાગે પીળા રંગનાં ચોપાનિયાં, એમાં કાળા ધાબા જેવા છપાયેલાં એકાદ બે ચિત્રો, જેમાં એકાદું ચિત્ર હાથીનું હોય એવો ખ્યાલ આવે અને એકાદમાં કોઈક છોકરીને અંગકસરતના દાવની મુદ્રામાં દેખાડી હોય. સર્કસની એક નિરાંત હોય. એનો મુકામ લાંબા સમય માટે હોય. એટલે મનમાં ધીમે ધીમે એ જોવાની તૈયારી થતી રહે. ફિલ્મની જેમ નહીં કે એક અઠવાડિયામાં જોઇ લેવી પડે, નહીંતર ‘ઊડી જાય.’
આ હાથી અંદર કામ કરે છે. |
સર્કસ એટલે સહકુટુંબ પિકનીક માટે જવાનું સ્થળ. તમે ક્યારેય કોઈ પ્રેમીપંખીડાને સર્કસમાં એકાંત શોધતા જોયા? કુટુંબકબીલાવાળા જ અહીં વધુ જોવા મળે. સર્કસ જોવાની ખરી મઝા રાતના છેલ્લા શોમાં. સાંજના શોમાંય ચાલે. પણ રાત્રે એનો ઠાઠ જુદો જ હોય. રાત પડે એટલે અમુક સર્કસવાળા ફોકસ લાઈટ ચાલુ કરે,જેનો શેરડો દૂર દૂર સુધી પડે. એ શેરડો ફળિયામાં પડે કે ઓટલે બેઠેલા છોકરાઓ ‘ઓય ઓય’ કરીને બૂમો પાડે. સર્કસ જોવા જઈએ એટલે દૂરથી એના તંબૂ પર કરેલી રોશની જોઈને દિલ ખુશ થઈ જાય. જેમ નજીક જઈએ એમ આદમ કદનાં ચિત્રો મૂકેલાં દેખાય, જેમાં મોં ફાડીને ઉભેલો, બે મોટા દાંત દેખાડતો હીપ્પોપોટેમસ તો હોય જ. એકાદ બે જોકરના ચહેરા દોરેલા જોવા મળે. મોટરસાયકલ અને જીપના સ્ટંટનાં દૃશ્ય પણ ચીતરેલા જોવા મળે. પહેલાં સાયકલ ચલાવતા રીંછનું કે વાઘનું ચિત્ર ખાસ જોવા મળતું. આ ચિત્રો અને દક્ષિણ ભારતીય ફિલ્મોનાં પોસ્ટરની શૈલી સરખી જ લાગે. તેનાં રંગોનું સંયોજન, ચહેરા બધું દક્ષિણ ભારતીય જણાય. સર્કસની ખરી મઝા એ હોય કે અહીં એકે એક ચીજો સર્કસના જ માણસોએ ‘ઈનહાઉસ’ તૈયાર કરેલી હોય. ટિકીટબારીથી જ શરૂ કરો ને! પતરાં મારીને બનાવેલી કેબીન, પાંજરા જેવી જાળીની પાછળ લાલ,પીળા, લીલા વગેરે જેવા રંગોની ટિકીટોની થપ્પી લઈને બેઠેલો દક્ષિણ ભારતીય ચહેરાવાળો માણસ, ટિકીટબારી પર લખેલા વિચિત્ર ગુજરાતી અક્ષરોમાં ટિકીટના દર વગેરે. રનીંગ લાઈટોની રોશની હોય, એની સાથે સાથે ડીઝલથી ચાલતા જનરેટરનો તાલબદ્ધ ‘ઢકઢક, ઢકઢક ’ અવાજ ભળી ગયો હોય, અને સાઉન્ડ સીસ્ટમ પર ન સમજાય એવાં હિંદી ગીતો વાગી રહ્યાં હોય.
ટિકીટબારી પર લાંબી લાઈન ભાગ્યે જ જોવા મળે. ટિકીટ લઈને લોખંડના ઉભા કરેલા પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થઈએ એટલે લાંબો પેસેજ હોય. અહીં પ્રવેશતાં જ ઘાસ, પ્રાણીઓની લાદ વગેરેની મિશ્ર સુગંધ આપણા નાકમાં પ્રવેશી જાય. આ પેસેજની બન્ને બાજુએ બે-ચાર હાથી, ત્રણ-ચાર ઘોડા અને ઊંટ બાંધેલા હોય અને એ ઘાસ ખાતા હોય. એની પાછળ અસંખ્ય નાના નાના તંબૂઓ બાંધેલા જોવા મળે. આ જોઈને જ જલસો પડી જાય અને સર્કસના માહોલમાં પ્રવેશી ગયા હોઈએ એવું લાગે. વિચાર તો કરો. સિનેમામાં આવું શક્ય છે? ‘શોલે’ જોવા જઈએ અને સિનેમાગૃહમાં દાખલ થતાં પહેલાં બહાર પેસેજની આસપાસ સંજીવકુમાર, અમિતાભ, ધર્મેન્દ્ર, અમજદ, હેમા માલિની, જયા બચ્ચન વગેરે બેસીને સમોસાં ખાતાં જોવા મળે ખરા?
સર્કસના લાંબા પેસેજમાં ક્યારેક બન્ને બાજુએ વિવિધ તસવીરો પણ લગાડેલી જોવા મળે,જેમાં જે તે સર્કસને મળેલા ઈનામની કે કોઈ વી.આઈ.પી. સાથે સર્કસના માલિકની તસવીર હોય. હમણાં અમે ‘જમ્બો સર્કસ’ જોવા ગયા ત્યારે એ સર્કસના માલિકની જવાહરલાલ નહેરુ સાથે તેમજ ડૉ. રાધાકૃષ્ણન સાથેની તસવીરો લગાડેલી હતી. એ શું દેખાડે છે? એ જ કે પહેલાંના જમાનાના વડાપ્રધાનો, રાષ્ટ્રપ્રમુખો સર્કસ જોવા તંબૂમાં આવતા હતા. હવે તેમણે એ માટે સંસદની બહાર પણ નીકળવાની જરૂર પડતી નથી. વખત વખતની વાત છે!
લાંબો પેસેજ પસાર કર્યા પછી છેવટે આવે મુખ્ય પ્રવેશદ્વાર. દ્વાર શેનું? લાંબા લાંબા પડદાને એક બાજુએ ભેગા કરીને બાંધી દીધા હોય. અહીંથી જ વિવિધ દરવાળી ટિકીટના વિભાગ પડે. આ ‘દ્વાર’ પર એટલી બધી સંખ્યામાં સર્કસના માણસો ઉભેલા જોવા મળે કે ભૂલથીય સસ્તી ટિકીટવાળો મોંઘી ટિકીટવાળા વિસ્તારમાં પહોંચી ન જઈ શકે. મલ્ટીપ્લેક્સ થયા પછી તો એ બાબતેય સર્કસમાં સુખ લાગે છે કે અંદર પ્રવેશતાં કોઈ તમારા થેલા તપાસતું નથી કે એમાંની ખાદ્યચીજો બહાર મૂકાવતું નથી. જો કે, મલ્ટીપ્લેક્સમાં આવું થાય છે અને એની સામે કોઈને વાંધો પડતો નથી, એ પણ સર્કસ કે જાદુ જેવા જ વિસ્મયની વાત કહેવાય.
તંબૂ મેં બમ્બૂ |
રીંગની સૌથી નજીક સૌથી મોંઘા દરની ટિકીટ હોય છે. ઘણા બધા મધ્યમવર્ગીઓ પોતાને આ ટિકીટનું પોસાણ છે, પણ પોતે એ કેમ ખરીદતા નથી, એનું સજ્જડ કારણ આપે છે: “ આ તો સર્કસ છે, ભાઈ! વાઘસિંહ કે રીંછ જેવા જંગલી પ્રાણીઓ ભૂલેચૂકે વિફરે અને આપણે નજીક બેઠા હોઈએ તો?” અમુક આરોગ્યપ્રેમી લોકો કહે છે: “રીંગની નજીક બેસીએ એટલે ધૂળ બહુ ઉડે. અને હાથીબાથી પોદળા પાડે તો નકરી ગંધ આવે. ભઈ, પૈસા આપીને ઉપરથી આવી ગંધ લેવાની? જા, ભઈ જા.” હેમ્લેટીયા મનોવૃત્તિવાળા અમુક પ્રેક્ષકો વચ્ચેના દરવાળી ટિકીટ ખરીદે છે, જેથી પોતે ગરીબીરેખામાં નથી આવતા, એવો સંતોષ એમને પોતાને થાય અને શો ચાલુ થયા પછી આગળની બેઠકો ખાલી હોય તો કૂદીને એમાં ક્યાં બેસી નથી જવાતું? હકીકત એ છે કે સર્કસ જોવાની અસલી મઝા છે ‘ગેલેરી’ તરીકે ઓળખાતી ઊંચાઈવાળી પાટલીઓ પર, જેનો દર સૌથી ઓછો હોય છે. એ સૌથી છેલ્લે હોય એ વાત બરાબર, પણ એ પગથિયાંની જેમ ઊંચાઈમાં ગોઠવેલી હોવાથી કોઈનું માથું વચ્ચે નડતું નથી કે નથી કોઈ ફેરિયો ત્યાં આવતો. ચાલુ સર્કસે આવતા ફેરીયાઓનીય એક અલગ તાસીર હોય છે. એની વાત પછી.
તંબૂમાં દાખલ થયા પછી ખરી મઝા છે યોગ્ય બેઠક શોધવાની. અહીં સીટ નંબર તો હોય નહીં. અને આખો તંબૂ એટલા બધા વાંસડાઓના ટેકે ઉભો કરેલો હોય કે બેઠા પછી કોઈ વાંસડો વચ્ચે ન નડે એનું ખાસ ધ્યાન રાખવું પડે. અમુક જાણકારો તો એ પણ જાણતા હોય કે અહીં બેસીશું તો ઝૂલાનો ખેલ બરાબર દેખાશે,પણ જીપ કૂદાવવાવાળી આઈટમ જોવાની મઝા નહીં આવે.
ગેલેરીમાં બેસનારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે કે ચાલુ ખેલે થેલામાંથી કોઈ વસ્તુ કાઢીને તેઓ પોતે ખાવા જાય કે સાથીદારને આપવા જાય ત્યારે ચમચી કે બોટલ કે બીજી કોઈ ચીજ નીચે પડી ગઈ તો ખલાસ! એને લેવા માટે તંબૂની બહાર જઈને પાછળથી આવવું પડે. ગેલેરી પછી સરકસના મુખ્ય તંબૂનું કાપડ એ રીતે હોય કે નીચેના ભાગમાંથી તંબૂની પાછળનું દૃશ્ય અને હિલચાલ બરાબર દેખાય. ક્યારેક વાઘસિંહના પાંજરા પણ નજરે પડે. અને એમના ઊંહકારા ' ઉંઅઅઅઅઅ’ સંભળાય. પહેલાં અમે એને ગર્જના કહેતા, પણ પછી ખ્યાલ આવ્યો કે સર્કસનું કોઈ પણ પ્રાણી જે અવાજ કાઢે એને ઊંહકારો જ કહેવાય. આ ઊંહકારાની નકલ મન થાય તો હજીય અમે ઘરમાં ક્યારેક કરીએ છીએ અને ભૂખ લાગે ત્યારે એવો જ અવાજ કાઢીને વાઘ કે સિંહ ભૂખ્યો થયો છે એવી સૂચના ઘરનાને એક શબ્દની આપ-લે વિના આપીએ છીએ. હવે તો,જો કે, મેનકા ગાંધીને પ્રતાપે એ અવાજો સર્કસમાંથી સંભળાતા બંધ થયા છે. હા, પ્રાણીબાગમાં જઈએ ત્યારે એ સંભળાય છે. પણ આ લુપ્ત થયેલા સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી માટે જાળવી લેવા માટે આપણે સૌએ ઘરમાં કમ સે કમ દિવસમાં એક વાર,મોં ખોલ્યા વિના, પેટમાં ઉંડેથી શક્ય એટલો મોટો અને લાંબો અવાજ કાઢવો જોઈએ. ભલે ને વર્તમાન પેઢીનું જે થવાનું હોય એ થાય! (આને યુ ટ્યૂબ પર ના મૂકાય! જેને ન ફાવે એ મને કે ઉર્વીશને ફોન કરીને એનો ‘ડેમો’ સાંભળી શકે. પણ પોતે દિવસમાં એક વાર ઘરમાં આવો અવાજ કાઢવાના હોય તો અને તો જ ‘ડેમો’ આપવામાં આવશે,જેની સૌએ નોંધ લેવી.)
અહી થશે ઝૂલાના ખેલ
|
પોતાની બેઠક લેવાઈ જાય, સૌ કુટુંબીઓ સર્કસ પૂરતા ઠેકાણે પડી જાય, ત્યાર પછી બધાની નજર રીંગ પર સ્થિર થાય છે. ખેલાડીઓને આવવાના પ્રવેશદ્વાર પર ઢાંકેલો પડદો અને તેની પર ચમકતા જરીવાળા અક્ષરે અંગ્રેજીમાં લખેલું જે તે સર્કસનું ‘ગ્રેટ રેમન સર્કસ’, ‘એપોલો સર્કસ’, ‘ગોલ્ડન સર્કસ’ જેવું નામ, પ્રવેશદ્વારની બરાબર ઉપર સાજિંદાઓને બેસવા માટેનું પ્લેટફોર્મ, મોટે ભાગે પ્રવેશદ્બારની જમણી બાજુએ ગોઠવેલો જાળીવાળો ‘મોતનો ગોળો’, રીંગની છેક ઉપર બાંધી રાખેલા ઝૂલા, રંગીન ફોકસ ફેંકવા માટેની લાઈટનાં બે પ્લેટફોર્મ, જેના સુધી પહોંચવા માટેની સીડી ઝૂલાના ખેલાડીઓ વાપરે છે એવી જ લટકતી હોય, જીપ કે મોટરસાઈકલ કૂદાવવા માટે મૂકેલું ઢાળવાળું પાટિયું અને ઉપર લટકતી બીજી અનેક ચિત્રવિચિત્ર ચીજો.
એક વાર બેસી જઈએ પછી બંધિયાર તંબૂમાં ખાસ્સો ઊકળાટ થાય છે. હવે સર્કસ ચાલુ થવાની કેટલી વાર, એવું વિચારીને વારંવાર ઘડિયાળમાં સમય જોઈએ ત્યાં ઘંટડી વાગે છે. ટ્રીનનનનનનનનનનન....હવે ગણતરી શરૂ થાય છે કે બસ, બીજી ઘંટડી વાગશે, ત્યાર પછી ત્રીજી અને પછી ખેલ શરૂ.
(સર્કસનો ખેલ શરૂ થયા પછીની વધુ વાતો હવે પછી...)
(તમામ તસવીરો: બીરેન કોઠારી)