હનીફ સાહિલ |
ગઈ કાલે ઉર્વીશે પઠાણસાહેબની
ચીરવિદાયના સમાચાર આપ્યા. એ સાથે તેમની સાથેના ચારેક દાયકાના પરિચયની ફિલ્મ રિવાઈન્ડ
થઈ ગઈ.
અગિયારમા ધોરણમાં
મેં વિજ્ઞાનના વિષયો લીધેલા. એ અગાઉ એસ.એસ.સી. સુધી ટકાવારી ઠીકઠીક જળવાઈ રહેલી,
એટલે ‘હોંશિયાર વિદ્યાર્થી’ તરીકે
મનમાં એવું પણ ખરું કે ફર્સ્ટ ક્લાસ તો આવી જ જાય. જો કે,
ત્યારે સમગ્ર વિષયોમાં આવેલા ટકા ગણાતા, અને કયો વિષય વધુ
ફાવે છે એ સમજ ખાસ ઉગી નહોતી. ન ફાવતા વિષયમાં મહેનત વધુ કરી લેવી એવું વલણ
રહેતું.
દરમિયાન મારાં દાદીમા
(કપિલાબેન કોઠારી)નું અવસાન (5 ડિસેમ્બર, 1979) થયેલું. એ જ અરસામાં શાળાની પરીક્ષા
હતી. થોડા સમયમાં પરિણામ આવ્યું ત્યારે જીવવિજ્ઞાનમાં હું નાપાસ થયેલો. છેક પહેલા
ધોરણથી લઈને એસ.એસ.સી. સુધીમાં નાપાસ થવાનો આ પહેલવહેલો અનુભવ હતો! જો કે, મને લાગેલા આઘાત કરતાં ઘેર સૌને શી રીતે આ જણાવવું એની ફિકર વધુ હતી. ખાસ
તો કનુકાકા, જેમને અમારા અભ્યાસની સૌથી વધુ ફિકર રહેતી. મેં
ડરતે ડરતે ઘેર જણાવ્યું તો ખરું, પણ નાપાસ થવાના દેખીતા કારણ
સાથે બાના અવસાનની ઘટના જોડી દીધી. એ રીતે આંચકો થોડો હળવો થઈ શક્યો, પણ આનો ઉપાય તો કરવો જ રહ્યો! ત્યાં સુધી હું એક માત્ર ગણિતના ટ્યુશનમાં
જતો હતો. રાબેતા મુજબ પાઉલભાઈ સાથે પપ્પા અને કનુકાકાએ સલાહમશવરો કર્યો. જેમ
પ્રત્યેક કુટુંબના ‘ફેમીલી ડૉક્ટર’ હોય
છે, એમ પાઉલભાઈને અમારા ‘ફેમીલી ટિચર’ કહી શકાય. (તેમના વિશેનો લેખ અહીં વાંચી શકાશે.) પાઉલભાઈની ખાસિયત એ હતી
કે વડીલોને તેઓ જેમ પોતાના લાગતા, એટલા જ અમને પણ તેઓ પોતાના
લાગતા. તેમનો પોતાનો વિષય ગુજરાતી અને સમાજ નવરચના હોવા છતાં તેઓ અન્ય વિષય મને
ભણાવતા, અને એ અગાઉ પોતે તેની પૂરતી તૈયારી કરી લેતા. તેઓ
કહેતા પણ ખરા, ‘અમે બન્ને સાથે શીખીએ
છીએ.’ (આ ચેષ્ટા કેવી દુર્લભ હતી, એ તો
આજે સમજાય છે!) પાઉલભાઈને બરાબર ખ્યાલ હતો કે અગિયારમા ધોરણના જીવવિજ્ઞાનના વિષયનો
પ્યાલો પોતે મોંએ માંડી શકે એમ નથી. આથી તેમણે સૂચવ્યું, ‘હનીફને કહીએ. એ ભણાવશે.’
હનીફ એટલે
એચ.એમ.પઠાણ, જેમને અમે ‘પઠાણસાહેબ’ તરીકે ઓળખતા. સાહિત્યજગતમાં ‘હનીફ
સાહિલ’ તરીકેની તેમની ઓળખ વિશે અમને ખાસ ખ્યાલ નહોતો. હા, શાળામાં પ્રાર્થના પછી બે એક વખત તેમણે પોતાની રચનાઓનું પઠન કરેલું. એટલે
તેઓ કવિતા લખતા, અને બહાર જાણીતા હતા એટલી ખબર. આ રીતે તેમણે
રજૂ કરેલું ગીત ‘થૂઈથપ્પા’ના આ શબ્દો
શાળાના ઘણા છોકરાઓને મોઢે ચડી ગયેલા.એમની સાથેનો વાર્તાલાપ રેડિયો પરથી પ્રસારિત
થવાનો હતો એવું એક વાર શાળામાં જાહેર કરાયેલું, અને અમે
રેડિયો પર એ સાંભળવા પ્રયત્ન કરેલો, પણ સ્ટેશન બરાબર
પકડાયેલું નહીં. એવું આછું યાદ આવે છે કે પાઉલભાઈને ત્યાં અમે ભણવા જતા ત્યારે
કદીક તેઓ ત્યાં આવતા. એ રીતે આછોપાતળો પરિચય ખરો, પણ ખરેખરો દ્વિપક્ષી પરિચય અગિયારમા ધોરણમાં તેઓ જીવવિજ્ઞાન લેતા થયા ત્યારથી શરૂ થયો.
પાઉલભાઈએ
વ્યવસ્થા એવી ગોઠવેલી કે પઠાણસાહેબ મારે ઘેર ભણાવવા આવે. ધીમે ધીમે એ વ્યવસ્થા
અમને ફાવી ગઈ. તેઓ આવતા, શીખવતા. વચ્ચે મમ્મી ચા આપવા આવે ત્યારે
સહેજ બ્રેક પડતો. ભણવાનું પૂરું થાય એટલે થોડી વાતો સાહિત્યની પણ થતી. પઠાણસાહેબના
ટ્યુશનને કારણે હું જીવવિજ્ઞાનમાં પાસ તો થઈ ગયો, પણ તેમની
સાથે પરિચય થયો, અને એ પરિચય આગળ જતાં ગાઢ બનતો ગયો.
એકાદ વાર મેં
તેમણે લખેલી કવિતાઓ વિશે પૂછપરછ કરી. એક-બે દિવસમાં તેઓ એક નોટબુક લઈને આવ્યા અને
મારા હાથમાં મૂકી. મેં જોયું તો અંદર સુઘડ અક્ષરે પોતાના હસ્તાક્ષરમાં તેમણે ગઝલો
ઉતારી હતી. એક પાન પર એક ગઝલ. અને એ જ પાન પર નીચે એ ગઝલ જ્યાં છપાઈ હોય એનું કટિંગ.
આ ઉપરાંત પેન વડે દોરેલાં ચિત્રો. એ ચિત્રોની શૈલી ‘નવનીત સમર્પણ’ના કાવ્યવિભાગમાં આવે છે એ પ્રકારની. એ નોટબુક ઘણા દિવસ મારે ઘેર પડી
રહેલી. મેં તેમાંની કવિતાઓ વાંચવા પ્રયત્ન કર્યો. કેટલુંક સમજાયું, કેટલુંક ન સમજાયું. પણ એ બરાબર સમજાયું કે તેમની કવિતાઓ અન્ય મેગેઝીનોમાં
પ્રકાશિત થાય છે.
અગિયાર અને બાર
બન્નેમાં તેઓ અમને જીવવિજ્ઞાન ભણાવતા. તેમના વર્ગમાં સામાન્યપણે હળવું વાતાવરણ
રહેતું. પ્રેક્ટિકલમાં વિશેષ. મોટી ઉંમરના કોઈ મિત્ર હોય એવું અમને વધારે લાગતું.
તેમની સરખામણીએ કેમિસ્ટ્રીના મગનભાઈ સાહેબની રીતસર ધાક હતી. એકાદ વખત શાળામાંથી
અમારે વિજ્ઞાનમેળામાં (લગભગ) બોરસદ જવાનું ગોઠવાયેલું,
અને બસની વ્યવસ્થા પણ કરવામાં આવેલી, એવું યાદ છે. એ વખતે
પઠાણસાહેબ પણ સાથે આવેલા. તેમને જોઈને બધા ખુશ થઈ ગયેલા. સાથે
તેમનો દીકરો શકીલ પણ હતો, જે ત્યારે ઘણો નાનો હતો. તેને અમે
કેટલાક છોકરાઓએ અમારી સાથે રાખેલો, અને ‘શકીલ બદાયૂંની’ કહેતા.
પઠાણસાહેબના
ચહેરાની આકૃતિ એવી હતી કે એ ગંભીર પ્રકૃતિના જણાય. ભણાવતી વખતે તેઓ એ રીતે જ બોલતા
રહે. અમારા વર્ગમાં છોકરીઓની સંખ્યા ત્રણ કે ચાર હતી. એમાંની એક સિમ્મી (સમીતા કે
સ્મિતા) દિલ્હીથી આવેલી. અન્ય છોકરીઓની સરખામણીએ તે થોડી (ત્યારની વ્યાખ્યા
પ્રમાણે) ‘આઝાદ’ મિજાજની હતી. તેને શી મસ્તી સૂઝી
કે શિક્ષકનું ટેબલ અને ખુરશી ભેગાંભેગાં ગોઠવી દીધાં, જેથી
શિક્ષકે બેસવું હોય તો ખુરશીને ખેંચીને ખસેડવી પડે. યોગાનુયોગ એવો કે રિસેસ
પઠાણસાહેબનો પિરીયડ હતો. તેઓ આવ્યા, અને તેમણે આ જોયું. તેઓ
મોટે ભાગે ઉભા ઉભા જ ભણાવતા હતા. પણ આવું ઈરાદાપૂર્વકનું તોફાન તેમને ન ગમ્યું.
તેમણે અતિ ગંભીર ચહેરે પૂછ્યું, ‘કોણે
કર્યું છે આ?’ ક્લાસમાં સોપો પડી ગયો. સામાન્ય રીતે હળવું
રહેતું તેમના પિરીયડનું વાતાવરણ સહેજ ગંભીર બની ગયું. જવાબ તો સૌને ખબર હતી, પણ સાહેબને શું કામ એ કહેવો? એ દિવસે પઠાણસાહેબે
નક્કી કર્યું હશે કે આ સાંખી ન લેવાય. એટલે તેમણે ફરી એવા જ ટોનમાં સવાલ
દોહરાવ્યો. સૌને લાગ્યું કે એક જણના તોફાનને કારણે આખા ક્લાસે કદાચ શિક્ષા સહન
કરવી પડશે. છેવટે નરેન્દ્ર કોન્ટ્રાક્ટર ધીમા અવાજે બોલ્યો, ‘સાહેબ, છોકરાઓમાંથી કોઈએ આ
કર્યું નથી.’ પત્યું. હવે તો આરોપીઓ ઘટીને સાવ ત્રણ કે ચાર જ
રહ્યા. આખરે સીમ્મી ઊભી થઈ. તેણે નીચા મોંએ કબૂલાત કરી અને ‘સૉરી’ પણ કહ્યું. પઠાણસાહેબે તેને વર્ગની બહાર નીકળી જવા જણાવ્યું. એ ચૂપચાપ
નીકળી ગઈ.
એ ગઈ કે
પઠાણસાહેબે હાથમાં ચૉક લઈને ભણાવવાનું શરૂ કર્યું. વાતાવરણ એકદમ ગંભીર બની ગયેલું.
અચાનક તેઓ કહે, ‘કેમ? શું થયું? તમે બધા આટલા ગંભીર કેમ થઈ ગયા?’ એ સાથે જ ક્લાસમાં
ખડખડાટ હાસ્ય ફરી વળ્યું.
જીવવિજ્ઞાનના
પ્રેક્ટિકલ આમ તો અભ્યાસ દરમિયાન જ કરવાના હોય. એ વખતે દેડકાંનું ડિસેક્શન આવતું.
પણ ક્યારેક રજા હોય અને દેડકાં વધુ હોય ત્યારે પઠાણસાહેબ ‘એકસ્ટ્રા’ પ્રેકટિકલ ગોઠવતા. પ્રેકટિકલ પૂરા થઈ જાય પછી અધમૂઆ કે ચિરાઈ ગયેલા
દેડકાંઓના મૃતદેહના નિકાલનું કામ કરવું મુકેશ પટેલ (મૂકા) ને બહુ ગમતું. અમને એમ
કે આ પ્રેક્ટિકલ છેક માર્ચ સુધી કેમના યાદ રહેશે? આથી એકાદ
વાર અમે વિચાર્યું કે એનો અખતરો ઘેર કરી જોવો. દેડકો તો પકડી લાવીએ, પણ પછી એને બેભાન કેમનો કરવો? તરત પઠાણસાહેબ યાદ
આવ્યા. તેમને વાત કરી. તેમણે ક્લોરોફોર્મ આપવાની તૈયારી બતાવી, એટલું જ નહીં, એક પ્લાસ્ટિકની શીશીમાં તે ભરી
આપ્યું. અમે જાસૂસી નવલકથાઓ વાંચેલી હોવાથી ક્લોરોફોર્મના દુરુપયોગ વિશે બરાબર ખબર
હતી. કદાચ તે લાયસન્સ હેઠળ શાળાને જ મળતું. પણ પઠાણસાહેબે અમારા પર વિશ્વાસ
મૂકીને, અને એવા કોઈ શબ્દો વાપર્યા વિના અમને એ આપેલું.
બારમા ધોરણનું
પરિણામ આવ્યું, એ પછી વધુ અભ્યાસ અને તરત મળેલી નોકરીને કારણે વચ્ચે સાત-આઠ
વરસનો અરસો એવો આવ્યો કે તેમની સાથેનો સંપર્ક ઘટી ગયો.
**** **** ****
નોકરીમાં સ્થિર
થયા સુધીના ગાળામાં સાહિત્ય પ્રત્યેનો ઝોક વધ્યો હતો. મનમાં અનેક સવાલો થતા હતા.
ટૂંકી વાર્તા ગમવા લાગેલી, હાસ્યવ્યંગ્યમાં રસ વધતો હતો, સાથેસાથે ગઝલ વિશે પણ જિજ્ઞાસા થતી રહેતી હતી. આની સમાંતરે જૂના
ફિલ્મસંગીતમાં પણ રુચિ પોષાતી ગઈ હતી. એવે વખતે અમને પઠાણસાહેબ યાદ આવ્યા. અલબત્ત, મારા ભણી રહ્યા પછી ઉર્વીશને પણ તેઓ ભણાવતા હતા.
લગભગ 1989-90 ના
અરસામાં એ સંપર્ક પુનર્જીવિત થયો. ઉર્વીશે પોતાના બ્લૉગ પર આ સમયગાળાની વાત વિગતે
લખી છે, જે અહીં વાંચી શકાશે.
તેમની સાથેના
પરિચયનો આ બીજો અધ્યાય વધુ રસપ્રદ અને સઘન બની રહ્યો. મહેમદાવાદમાં અમુક
અનૌપચારિકતાઓ રિવાજ જેવી હોય. તેઓ ઘણી વાર અમારે ત્યાં આવતા,
એમ અમે પણ તેમને ત્યાં પહોંચી જતા. સામેવાળી વ્યક્તિ ઘેર હોય એટલે એને ફુરસદ જ હોય
એ માની લેવાનું. તેમને ત્યાં કદી કોઈ મિત્ર બહારથી આવેલા હોય અને ગોષ્ઠિ ચાલી રહી
હોય એમ બનતું. આમ છતાં, તેઓ અમને પ્રેમથી આવકારતા, અને પોતાના ‘વિદ્યાર્થીઓ’
તરીકે નહીં, પણ ‘સાહિત્યના ભાવકો’ તરીકે અમારો પરિચય સામેની વ્યક્તિને કરાવતા. તેમનાં ઘરનાં સભ્યો પણ બહુ
પ્રેમથી આવકારે. એક વાર એમને ત્યાં ચતુર પટેલને મળ્યા હોવાનું બરાબર યાદ છે. એ
વખતે તેમનો ‘કંદીલ’ સંગ્રહ બહાર પડી
ચૂક્યો હતો. પઠાણસાહેબ પાસેથી મળેલી ગઝલને લગતી સમજણને કારણે ઉર્વીશ અને હું એક
સમયે ગઝલ લખતા થયેલા. પણ એ સમજણ એવી પાકી મળેલી કે બહુ ઝડપથી અમે એ છોડી દીધું.
આ અરસામાં જ અમને
નુસરત ફતેહ અલી ખાનની કવ્વાલીઓનો પરિચય મિત્ર મયુર પટેલના લંડન રહેતા જગદીશમામા
દ્વારા થયેલો. એ અરસામાં એક વાર પઠાણસાહેબ બજારમાં ભેગા થઈ ગયા. તેમની સાથે એક
મિત્ર હતા, જે મુંબઈથી આવેલા. તેમનું નામ ભૂલી ગયો છું, પણ તેઓ ‘મુંબઈ સમાચાર’માં
હતા. તેમને એક ‘અદ્ભુત ચીજ’ આવી
હોવાની જાણ કરી, અને પૂછ્યું કે ઘેર આવવું ફાવે એમ છે? તેઓ તરત કહે, ‘ચાલો. હમણાં જ.’ અમે ઘેર આવ્યા અને નુસરતની કેસેટ ચડાવી. કલાક-દોઢ કલાક લગી રમઝટ બોલી.
તેઓ પણ આફરીન થઈ ગયા. અમુક શબ્દોના અર્થ સમજાવ્યા, તેને લઈને
એ કવ્વાલીની મઝા બેવડાઈ ગઈ.
1997થી હું
વડોદરા આવીને સ્થાયી થયો એ પછી અમારા સંબંધમાં એક નવું પરિમાણ ઉમેરાયું.
તેમનો દીકરો શકીલ પણ વડોદરાની
શાળામાં શિક્ષક તરીકે જોડાયેલો. (હવે તે આચાર્યપદ સંભાળે છે.) તે આજવા રોડ રહેતો,
અને હું સુભાનપુરા, એટલે કે સાવ સામા છેડે. તેઓ વડોદરા આવે
એટલે વડોદરાના શાયર મિત્રોને મળે. મને ફોન દ્વારા જણાવે કે પોતે આટલા દિવસ રહેવાના
છે. અમે એક દિવસ નક્કી કરીએ કે સવારે હું એમને લેવા જાઉં અને તેઓ મારે ઘેર આવે.
આખી બપોર અમે ભેગા બેસીને જૂનાં ગીતો સાંભળતા રહીએ. એ વખતે સી.ડી. હતી, પણ ઈન્ટરનેટ નહોતું. સાંજ પડે એટલે તેમને હું મૂકવા જાઉં ત્યારે આખે
રસ્તે વાતો ચાલતી રહે. ડાયાબિટીસ હોવાથી તેઓ કાયમ શર્ટના ઉપલા ખિસ્સામાં ચોકલેટ
રાખતા. મારે ઘેર આવે એટલે શચિને તરત જ એ ચોકલેટ આપે. મને નવાઈ લાગે કે આખે રસ્તે
તેમણે ક્યાંયથી ચોકલેટ ખરીદી નથી, તો શર્ટમાં આવી ક્યાંથી? પૂછતાં તેમણે જ ડાયાબિટીસવાળું કારણ જણાવેલું. અમે સાંજે પાછા વળીએ
ત્યારે તેઓ વચ્ચે ક્યાંકથી ક્યારેક ચોકલેટનો (પોતાનો) સ્ટૉક ભરી દેતા.
**** **** ****
લેખનના
ક્ષેત્રમાં મારે આવવાનું બન્યું, એ અરસામાં રજનીકુમાર પંડ્યા સાથે રુસ્વા
મઝલૂમીની જીવનકથા પર કામ ચાલતું હતું. અમારી પાસે રુસ્વાસાહેબની ઉર્દૂમાં છપાયેલી
ગઝલ હતી. આ જ ગઝલ રુસ્વાસાહેબે ગુજરાતી લિપિમાં લખેલી હતી.
અમને થયું કે પુસ્તકમાં તેને લેતાં અગાઉ કોઈની પાસે તપાસી લેવડાવીએ. રજનીભાઈ હજી
વિચારે એ પહેલાં મેં કહ્યું, ‘એ હું
કરાવી લઈશ.’ મારા મનમાં તરત પઠાણસાહેબ જ ઝબકેલા. કેમ કે, મને ખ્યાલ હતો કે તેઓ ઉર્દૂ જાણે છે, એટલું જ નહીં, ઉર્દૂમાં લખી પણ શકે છે. અગાઉ અમારી મુંબઈ મુલાકાત વખતે નૌશાદ અને મજરૂહ
સુલતાનપુરીએ અમારી ડાયરીમાં ઉર્દૂમાં જ સંદેશ અને હસ્તાક્ષર આપેલા, જે અમે મહેમદાવાદ આવીને પઠાણસાહેબ પાસે જ ઉકલાવેલા. હું બેય ગઝલ લઈને
પઠાણસાહેબ પાસે ગયો, અને તેમણે એ ચકાસી આપી. રુસ્વાસાહેબ
વિશે બે વાત પણ કરી. પુસ્તક થયા પછી તેની નકલ તેમને આપવા ગયેલો.
મહેમદાવાદ અમે
રહેવા જઈએ ત્યારે મોટે ભાગે તો તેઓ રસ્તામાં જ મળી જાય. એ વખતે અમે ખૂણો શોધીને
પા-અડધો કલાક વાતો કરી લેતા. હમણાં હમણાં મળ્યે ઠીક ઠીક વખત વીતેલો. વચમાં કોઈક
કામસર તેમનો ફોન આવેલો, પણ પેલી બેઠક કર્યે અરસો વીતી ગયેલો. આ
વખતના મહેમદાવાદના રોકાણ દરમિયાન કામિનીએ યાદ પણ કર્યું કે સાહેબને મળ્યે ઘણો સમય
થઈ ગયો. જો કે, મળવા જવાનો યોગ ન જ ગોઠવાયો.
મારા આવા શિક્ષકના
પરિચયમાં મારી પત્ની અને સંતાનો પણ આવ્યાં એની ખુશી છે. વર્ગખંડની દિવાલોની બહાર નીકળીને
અમારો સંબંધ પાંગર્યો, અને આજે શબ્દના ક્ષેત્રે કારકિર્દી અપનાવી એના
પાયામાં ઈંટ મૂકનારાઓમાંના એક એવા પઠાણસાહેબનું સ્થાન જીવનમાં અને મનમાં આગવું છે, રહેશે.
(તસવીર: ઉર્વીશ કોઠારી)
No comments:
Post a Comment