- ઉત્પલ ભટ્ટ
(બે વરસ અગાઉ શરૂપુર ટીમ્બીની પ્રાથમિક શાળાએથી યુનિફોર્મ પ્રોજેક્ટનો આરંભ થયો હતો. બે વરસ પછી ફરી એ જ શાળાની મુલાકાત, તેમ જ માલેગામની એક આશ્રમશાળાની મુલાકાતનો અહેવાલ અમદાવાદનિવાસી મિત્ર ઉત્પલ ભટ્ટ દ્વારા.)
નાતાલની રજાઓનો મૂડ જામી રહ્યો છે અને જાતભાતની ચીજોની ખરીદીનો માહૌલ છે. લાલ લૂગડાંવાળાં સાન્તાક્લૉઝ ઠેરઠેર દેખાઈ રહ્યા છે. ઠંડા પ્રદેશોમાંથી યાયાવર પંખીઓ મુસાફરી કરીને આવી રહ્યા છે, તો વિદેશી મહેમાનો પણ ઠલવાઈ રહ્યાં છે. તેમને કારણે સ્થાનિક બજારો ગરમ થઈ રહ્યાં છે. દિવાળી જાય પછી દુકાનદારો ભાગ્યે જ નવરા પડે છે. દિવાળી અને નાતાલની વચ્ચેના દિવસોમાં જે તે ચીજ પર નવી પ્રાઈસ ટેગ લગાડવામાં તે વ્યસ્ત હોય છે. હવે તો જો કે, કામની- ના કામની, પણ ખરીદી કરવી એ જાણે કે જીવનમંત્ર બની ગયો છે. ઘણા લોકો પોતાને ‘શોપિંગ’નો શોખ છે, એમ ગર્વથી જણાવે છે. તેમના આ શોખને પૂરો કરવા માટે ‘કમાવાનો શોખ’ કોને છે એ તપાસ કરવી પડે. પણ ધૂમ ખરીદીના આ માહૌલમાં એક સવાલ પૂછવાનું મન થાય છે.
બે જોડ કપડાં કેટલું ચાલે?
વાપર્યા વિના મૂકી રાખો તો આજીવન ચાલે.
પણ બે જ
જોડી કપડાંમાં ચલાવવાનું હોય તો?
આવા સવાલોના જવાબ વિચારવા ન જોઈએ. ખરેખર તો આવા સવાલ જ ન પૂછવા જોઈએ. પણ ‘પ્રોજેક્ટ
યુનિફોર્મ’ નામની મનગમતી અને જાતે ઉભી કરેલી પ્રવૃત્તિનો
સળવળાટ એવો છે કે એ જંપીને બેસવા દેતો નથી. અજબગજબના સવાલો મનમાં પેદા થતા રહે, અને એને અહીં આપ સૌની સાથે વહેંચતા રહીએ. જવાબ શોધવાની આ મથામણ નથી, પણ જવાબ ઉભો કરવાની આ કવાયત છે.
શરૂપુર ટીમ્બી ગામની પ્રાથમિક શાળાથી ‘પ્રોજેક્ટ યુનિફોર્મ’
નામનું એક અનૌપચારિક અભિયાન બે વરસ અગાઉ શરૂ થયું હતું. અને ત્યાર પછી વખતોવખત આ
બ્લોગ પર તેના અહેવાલ લખાતા રહ્યા છે. (શરૂપુર ટીમ્બીના એ સૌ પ્રથમ પ્રોજેક્ટનો અહેવાલ અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.) આ શાળાનાં શિક્ષિકા તારાબહેન સાથે સતત
સંપર્ક છે અને તારાબહેને પોતે પછાત વિસ્તારની બે-ત્રણ શાળાઓ ચીંધવાનું પુણ્યકાર્ય
પણ કર્યું છે. બે જોડી કપડાં આપ્યાને બે વરસ થયા હોય તો કમ સે કમ એટલો ખ્યાલ હોવો
જોઈએ કે હવે ફરી એક વાર એનો વારો આવવાનો સમય થઈ ગયો છે. કેમ?
આપણે શું શરૂપુર ટીમ્બીની શાળાનાં છોકરાંને કપડાં પહેરાવવાનો ઠેકો લીધો છે? આપણે નહીં જઈએ તો એ લોકો કપડાં વિના રહેવાના છે? એમ
જ હોય તો આપણે ત્યાં ગયા એ અગાઉ એમને કપડાં કોણ પૂરાં પાડતું હતું? આવા સવાલો કોઈ પણને થાય એ ‘રેશનલ’ છે. પણ ઉપરવાળો તદ્દન ‘ઈરરેશનલ’ છે. એ એક જણને એવા પરિવારમાં જન્મ આપે કે પાણી માંગે તો જંતુનાશક દવાની
ગંધ ધરાવતી ‘પેપ્સી’ કે ‘લીમ્કા’ જેવું પીણું મળે. તો બીજાને એવે સ્થળે જન્મ
આપે કે એને પાણી માંગતા પાણી જ મળે. આપણાથી કોઈ પણ બાબતે ઉપરવાળા સાથે ઝઘડવા ન
જવાય. એટલે સવાલો ઉભા કરવાને બદલે, અથવા સવાલો ઉભા થાય તો
એના જવાબ શોધવાને બદલે જવાબ ઉભા કરવાનો વિકલ્પ રાખીએ એ શ્રેષ્ઠ રસ્તો છે.
એટલે સો વાતની એક વાત એ કે શરૂપુર ટીમ્બીમાં મિત્ર જયેશ પરમારને બાળકોનાં માપ
લેવા મોકલવામાં આવ્યા. રેલ્વે, બસ, રીક્ષા એમ વિવિધ
સાધનોના ઉપયોગ થકી તે સ્વખર્ચે શરૂપુર ટીમ્બી પહોંચ્યા. સૌનાં માપ લીધા. પાછા એ જ સાધનોનો ઉપયોગ કરીને અમદાવાદ આવ્યા. ભારે ઉત્સાહપૂર્વક તેમણે
યુનિફોર્મ સીવ્યા. આ ગાળામાં દિવાળી વેકેશન આવી ગયું, એટલે
વિતરણનું કામ સહેજ ખોરંભે પડ્યું. દિવાળી પછી શાળાઓ શરૂ થઈ, એટલે. ૩૦ નવેમ્બર,
૨૦૧૩ ની વહેલી સવારે અમારા સૌની સવારી ઉપડી શરૂપુર ટીમ્બી ખાતે. વચ્ચે વડોદરા પસાર કર્યું ત્યારે ‘પેલેટ’માં અનેક રંગોની અનાયાસ મેળવણી કરવાનો દાવો
કરનાર રંગારા શ્રી કોઠારીસાહેબને
યાદ કર્યા, એટલું જ નહીં, તેમનો ખાસ આભાર માન્યો, અને તે આ વખતે આવી શકે એમ ન હોવાને કારણે અમને વાહનમાં જે થોડીઘણી મોકળાશ
મળી એ બદલ તેમનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જયજયકાર કર્યો.
સવારના ૯:૩૦ માં તો શરૂપુર ટીમ્બી પહોંચી ગયા. બાળકો અમારી રાહ જોતા હતા. અમે પણ એ લોકોને બે વર્ષ પછી મળીને ખુશ થઇ ગયા. પણ એ ખુશી વધુ સમય ટકી ન શકી. મોટા ભાગના બાળકોએ યુનિફોર્મ
નહીં, પણ તેના અવશેષ પહેર્યા હતા. બે વર્ષ પહેલાં જે યુનિફોર્મ મળેલો એ જ સૌના શરીર પર હતો. એ લોકો તો કદાચ ઠંડીથી ટેવાઈ ગયા હશે,
પણ અમારા શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું. પ્રોજેક્ટ શરૂ કર્યાના બે વર્ષ પછી પણ સરકારી
શાળાઓની એ જ દશા?
શરૂપુર ટીમ્બીની શાળાનાં બાળકોની બે વરસ પછી મુલાકાત |
અને આ જ સ્થિતિ
હોય તો આપણે કયા વિકાસનું ગૌરવ લઈએ છીએ? ક્યાંક શોપિંગ
મૉલ બંધાય, નવા ફ્લાયઓવર બને કે રેસ્તોરાં ખૂલે ત્યારે આપણે વિના કારણે
રાજી થઈએ છીએ. પણ અહીં તો દુ:ખી થવાનું કારણ હોવા છતાં આપણું
રૂંવાડુંય ફરકતું નથી. એમ પણ લાગે છે તકલીફ
આપણી દૃષ્ટિમાં કે સંવેદનતંત્રમાં નથી ને? પીળીયો થયો હોય એમ આપણને બધું પીળું કેમ દેખાય છે? આજકાલ તો ‘બૌદ્ધિક’ શબ્દ ગાળની જેમ વપરાય છે, અને તેની આગળ ‘કહેવાતા’ શબ્દ પૂર્વગની જેમ લાગી જાય છે. પણ
બુદ્ધિમાનોની સભામાં આવા પ્રશ્નો જેના મનમાં પેદા થાય એને મૂર્ખ ગણવામાં આવે છે.
વિકાસપ્રેમી લોકો તેને પાકિસ્તાનનો જાસૂસ ગણાવે તોય નવાઈ નહીં. ખેર! બાળકોને બે જોડી નવા યુનિફોર્મ
વહેંચવાની વિધિ પૂરી કરી. આ વખતે એક દાતાની સહાયથી કંપાસબોક્સ અને બિસ્કીટ-ચોકલેટ પણ આપવાનાં હતાં. રાજી થયેલા બાળકોના ચહેરા જોઈને
અમે પણ રાજી થયા. હવે અમારે પાછા અમદાવાદ વળવાનું નહોતું,
પણ આગળ વધવાનું હતું.
**** **** ****
એક વાર સાપુતારા જવાનું બન્યું ત્યારે ‘માલેગામ આશ્રમશાળા’નું
પાટિયું વાંચીને કશી ઓળખાણ-પીછાણ વગર સીધી જ ત્યાંની મુલાકાત લીધી. ત્યાંના શિક્ષક
બાબરભાઈએ પ્રેમથી આવકાર આપ્યો અને શાળા બતાવી. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરાવી.
વિદ્યાર્થીઓને જોતાં જ નજર તેમનાં કપડાં પર ગઈ. આ તો આશ્રમશાળાના નિવાસી
વિદ્યાર્થીઓ હતા. વાતો કરતાં ખબર પડી કે આ શાળામાં મોટા ભાગે અનાથ બાળકો રહે છે અને ભણે છે. જેમના મા-બાપ છે તેઓ પણ ઘરથી દૂરના વિસ્તારોમાં ખેતમજૂરી કરવા જતા હોવાથી
પોતાનાં બાળકોની સંભાળ રાખી શકે તેમ નથી. આવાં
બાળકો પણ અહીં રહે છે. અહીં ધોરણ ૧ થી ૭ ના મળીને કુલ ૧૨૦ બાળકો છે. તેમને પણ યુનિફોર્મ આપવાનું નક્કી કરી લીધું હતું.
શરૂપુર ટીમ્બીથી નીકળ્યા અને સાંજે પાંચ વાગતામાં તો માલેગામની આશ્રમશાળામાં પહોંચી ગયા. માલેગામથી જ સાપુતારાનું ચઢાણ શરૂ થાય છે. શાળાના મેદાનમાં છોકરાઓ રમતા હતા. અમને જોઇને સૌ ભેગા થઇ ગયા. આ શાળામાં બાબરભાઇ અને
તેમના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાબરભાઇએ રસપૂર્વક અમને શાળા, રહેઠાણ,
રસોડું,
બાગ-બગીચો બતાવ્યા. અમે પણ ધ્યાનપૂર્વક દરેક વિભાગ જોયો. રસોડા વિભાગમાં ૫-૬ છોકરાઓ રોટલીનો લોટ ગુંદી રહ્યા હતા, લુઆ બનાવી રહ્યા હતા અને રોટલી વણી રહ્યા હતા. આટલા નાના બાળકો એટલી સરસ મજાની, એકધારી ગોળ રોટલી વણતા હતા કે અમને જોવાની મઝા પડી ગઇ. ચૂલા પર રસોઇયો બેસીને એ રોટલીઓને શેકી રહ્યો હતો.
ચૂલા પર શેકાતી ગરમાગરમ રોટલીની સોડમ |
આપ બનાયેં, આપ હી ખાયેં |
અહીં રોજ સવારે ૯:૩૦ વાગ્યે રોટલી-શાક-દાળ-ભાત અને સાંજે ૬:૦૦ વાગ્યે રોટલી-કઠોળ આપવામાં આવે છે. સરકારી સહાયમાં કેવળ આટલું જ આપી શકાય તેમ છે. એટલે કે
અહીં જ રહીને ભણતાં બાળકોને ફક્ત બે ટંક ભોજન જ મળે. નાસ્તો-બાસ્તો કંઈ જ નહીં.
તેમનો બ્રેકફાસ્ટ એ જ લંચ, અથવા લંચ એ જ બ્રેકફાસ્ટ. આ બ્લોગ પરની
અગાઉની પોસ્ટ વાંચીને ઉચ્છલનિવાસી
(જી.તાપી)
શ્રીમતી કલ્પનાબહેન દેસાઇએ તરત જ સંપર્ક કર્યો. કલ્પનાબહેન ‘ગુજરાતમિત્ર’નાં કોલમિસ્ટ પણ છે, અને તે મઝાના હાસ્યલેખો લખે છે.
તેમણે પોતાના સંપર્કોથી આ બાળકો માટે આખા વર્ષના પૌંઆના સ્ટોકની વ્યવસ્થા કરાવવાની
બાંહેધરી આપી. ગણતરીના દિવસોમાં તેનો અમલ પણ થઈ ગયો. એટલે હવેથી બે ટંક જમવા ઉપરાંત આ બાળકોને દરરોજ પૌંઆનો નાસ્તો પણ મળતો થયો છે. લંચ પહેલાં તેઓ બ્રેકફાસ્ટ લેતા થયા છે. કલ્પનાબહેનના નામનો
ઉલ્લેખ અહીં કરવાથી તેમની નારાજગી કદાચ વહોરવી પડે એવો ડર છે,
છતાં નારાજગી વહોરવાના ભયે પણ આ બાબતની જાણ થાય એ જરૂરી છે કે જેથી કોઈક આવા કામ
માટે પ્રેરાય.
સબકા રંગ એક |
અમે પહોંચીને યુનિફોર્મ,
અને સાથે કંપાસબોક્સનું વિતરણ શરૂ કર્યું. બાળકોએ
તરત જ યુનિફોર્મ પહેરી પણ લીધા. સૌના ચહેરા પર ખુશાલી દેખાતી હતી. બાબરભાઇએ બધાને નવા યુનિફોર્મમાં જોઇને કહ્યું, “અમારાં છોકરાંઓ શહેરની ઇંગ્લીશ મિડિયમની સ્કૂલના બાળકો જેવા લાગે છે.” આ સાંભળીને
મનમાં થયું કે શહેરની ઈંગ્લીશ મિડીયમ સ્કૂલનાં બાળકોનાં માબાપને આવું કહીશું તો એ
લોકો પોતાના બાળકને એ સ્કૂલમાંથી ઉઠાડી લેશે. પહેલી છાપ એવી પડી કે અહીંના બધા જ બાળકો શિસ્તપૂર્વક વર્તન કરતા હતા. એમને રહેવા માટે મોટો ડોરમેટરી જેવો ઓરડો છે અને એમાં ડબલડેકર બેડની વ્યવસ્થા છે. રહેઠાણ, શાળા, બાગની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગતી હતી. શાળાની પાછળના ભાગમાં રીંગણ, ટામેટા, તુવેર જેવા શાકભાજી પણ બાળકોએ જ વાવેલા જોવા મળ્યા.
નવાં કપડાં ચડાવીને તરત રમવા... |
પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સરકાર તરફથી તેમને
રોજનું માથામાં નાખવાનું કોપરેલ, મહિને કપડાં ધોવાનો એક સાબુ અને એક નહાવાનો સાબુ અપાય છે. મહિને નહાવાનો એક સાબુ ઓછો પડે છે અને માથું ધોવા માટે શેમ્પૂ નથી મળતો. એટલે યુનિફોર્મની અપીલ ભેગી આ પણ અપીલ કરી દઈએ કે જેમને ‘વિદ્યાર્થી-મિત્ર’ બનવાની ઇચ્છા હોય તે વર્ષના ૧૪૪૦ નહાવાના સાબુની વ્યવસ્થા કરી શકે તો છોકરાંઓને ઘણું સારું પડે. તેને મોકલી આપવાની જવાબદારી ઉઠાવવા અમે તૈયાર છીએ. આ શાળામાં વર્ષભરનો
શેમ્પૂનો સ્ટોક મોકલવાની પણ ઇચ્છા છે. અહીંની નાની -
નાની છોકરીઓના લાંબા, સિલ્કી વાળ જોઇને શેમ્પૂ મોકલવાની ઇચ્છા બેવડાઇ ગઇ છે. એવી તો અનેક
ઈચ્છાઓ થતી રહે. ‘હર ખ્વાહિશ પે દમ નિકલે’ જેવી સ્થિતિ છે. શું કરવું?
બીજી મુખ્ય જરૂરિયાત શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરસાની છે. ગિરિમથક હોવાથી અહીં ઠંડી ઘણી વધુ પ્રમાણમાં પડે છે અને લાંબો સમય સુધી ચાલુ રહે છે.
આ બાળકો પાસે ઓઢવા માટે પાતળી ચાદરો છે. તેમને સારામાંના ચોરસા આપીએ તો થોડાં વરસો સુધી ઠંડીમાં ઓઢવા માટે ટેકો થઇ જાય. ધાબળા એટલા માટે નથી આપવા, કારણ કે
તે ઓઢતી વખતે શરીરને કરડે છે. અને આપણને જે વસ્તુ કરડતી હોય તે બીજાને પણ કરડે જ! એના કરતાં ચોરસા હોય તો ઓઢે ત્યારે લીસા પણ લાગે.
અમદાવાદ પાછા આવીને હોલસેલમાં સાબુ અને ચોરસાના ભાવની તપાસ કરતાં કંઈક આવી માહિતી મળી છે. રેપર વગરનો સારામાંનો ૨૫૦ ગ્રામ સાબુ રૂ.૧૨/-
માં પડે. એ જ રીતે સારી ગુણવત્તાવાળો
લગભગ દસેક વર્ષ ચાલે તેવો ચોરસો રૂ.૩૫૦/-
માં પડે. એક વખત ફંડ એકઠું થઇ જાય પછી આ ભાવને પણ શક્ય એટલો ખેંચવાનો પ્રયત્ન કરી શકાય. એ જ રીતે 'હેરિકા' હર્બલ શેમ્પૂનો ફાઇનલ ભાવ એક લિટરના રૂ.૧૦૦/- મળ્યો છે. શરૂઆતમાં ૫૦ લિટરનો પૂરવઠો મોકલવાનો વિચાર છે. જેને પોતાની રીતે સાબુ, શેમ્પૂ કે ચોરસા ખરીદીને મોકલવા હોય તો એ રીતે પણ થઇ શકે તેમ છે. કુલ ૧૨૦ બાળકો છે એટલે આ કિંમતને ૧૨૦ વડે ગુણી
કાઢવી.
હા. મહત્વની વાત એ છે કે આમાંની એક પણ જરૂરિયાત અંગેની માંગણી કોઈ શિક્ષકે કે એક પણ બાળકે માગણી કરી નથી. જે જોયું અને જરૂરિયાત લાગી તે મુજબ આપણી ફરજના ભાગરૂપે જ આટલું આપવાની વાત છે. તેમની જરૂરિયાતને જોતાં હવેથી છઠ્ઠા ધોરણથી ઉપરની વિદ્યાર્થીનીઓને યુનિફોર્મની સાથે બે સ્લીપ અને એક દુપટ્ટો આપવાનું નક્કી કર્યું છે. તેની
કિંમત અલગ થાય. અઢી મીટરનો ઓટેલો એક દુપટ્ટો રૂ.૪૭ માં અને એક સ્લીપ રૂ.૪૮ માં પડશે. જેને
એક જોડ યુનિફોર્મના રૂ. ૩૫૦/- માં ઉમેરવાથી એક જોડ યુનિફોર્મના કુલ રૂ. ૪૪૫/- થાય.
અને બે જોડના કુલ રૂ. ૮૯૦/- થાય.
દરેક વખતે અહીં આ યોજનાની
વાત મૂકી ત્યારે ત્યારે તેના સુંદર અને નક્કર પ્રતિભાવ સાંપડ્યા છે. આ બ્લોગના
માધ્યમ ઉપરાંત મારો સીધો સંપર્ક bhatt.utpal@gmail.com પર કે ફોન +91 97129 07779 દ્વારા થઈ શકે. ‘આપણે
તો રોજ સવારે બ્રેકફાસ્ટમાં ફલાણા સિવાય ન ચાલે’ એમ બોલીને
ગૌરવ લેવામાં વાંધો નથી, પણ એ વખતે સહેજ આ છોકરાંને પણ યાદ
કરી લેજો કે જેમના માટે લંચ એ જ બ્રેકફાસ્ટ છે.