Wednesday, May 29, 2024

બાળવિશ્વમાં પા પા પગલી

 ઓશોના એક પુસ્તકનો સૌ પ્રથમ વાર અનુવાદ કરવાનું બન્યું ત્યારે પ્રકાશક રમેશભાઈ પટેલને પહેલવહેલી વાર મળ્યો. તેમનો પહેલો સવાલ: 'ઓશોનું તમે શું વાંચ્યું છે?' મેં કહ્યું, 'કશું જ નહીં. હું મારી ભાષાકીય સજ્જતાના જોરે અનુવાદ કરવાનો છું. એમાં ઓશોનું અગાઉ શું વાંચ્યું છે કે નહીં એનું મારા માટે કોઈ મહત્ત્વ નથી.' આ સાંભળીને તેઓ ઘડીક થોભ્યા. આથી મેં સૂચવ્યું, 'હું એમના કોઈ પણ લખાણના એક-દોઢ પાનનો ગુજરાતી અનુવાદ કરીને તમને મોકલું. તમે એ જુઓ. વાત બને તો આગળ વધીએ, નહીંતર પૂર્ણવિરામ.' એ મુજબ મેં એમને એક દોઢ પાનનો અનુવાદ કરીને મોકલ્યો. બસ, એ પછી ઓશોનાં કુલ ચાર પુસ્તકનો અનુવાદ તેમણે કરાવ્યો. તેમને તો બીજાં ઘણાંનો અનુવાદ કરાવવો હતો, પણ બીજી અનુકૂળતા ન ગોઠવાઈ.

આ વાત માંડવાનું કારણ એ કે, ઓશોના 'અઘરા' મનાતા અનુવાદની સરખામણીએ સાવ બાળકથાઓનો અનુવાદ વધુ મુશ્કેલ છે. છાયાબહેન ઉપાધ્યાય દ્વારા મોકલાવાયેલાં દિલ્હીની 'પ્રથમ બુક્સ' દ્વારા પ્રકાશિત ચાર અંગ્રેજી પુસ્તકો મળ્યાં. પુસ્તક શું, પુસ્તિકાઓ પણ ન કહેવાય. એક પાન પર 70-75 % જેટલી જગ્યામાં ચિત્ર, અને બાકીની જગ્યામાં બાળકોના પુસ્તકમાં હોય છે એવા મોટા ફોન્ટમાં થોડી લીટીઓ. મારે એનો અનુવાદ કરવાનો હતો. આ પુસ્તકને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા- એમ વાંચનના ચાર તબક્કા અનુસાર જે તે તબક્કામાં વર્ગીકૃત કરાયા હતાં. આથી એ કયા વયજૂથ માટે છે એનો પણ ખ્યાલ આવે. અનુવાદનો ગમે એટલો અનુભવ હોય, મા વાંચે અને બાળક સમજી શકે, અથવા તો બાળક જાતે વાંચે અને એ ખુદ સમજી શકે એવી ભાષામાં એને અનુવાદિત કરવાનું. એ કરવાની મઝા તો આવી, પણ પછી આ અનુવાદિત પુસ્તકો બીજા એક રીવ્યૂઅરને મોકલવામાં આવે, અને એમને કશી પૃચ્છા હોય તો એને સંતોષવી પડે. એક પુસ્તકનું મૂળ નામ હતું Pishi and me', જેનો સીધો અનુવાદ થાય 'પીશી અને હું.' વાત તો એક ફોઈ અને એમના નાનકડા ભત્રીજા વચ્ચેના સંબંધની હતી. શબ્દ બાબતે વધુ ખાંખાખોળાં કરતાં ખ્યાલ આવ્યો કે 'પીશી' બંગાળી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'ફોઈ'. આથી મેં શિર્ષક રાખ્યું 'ફઈબા અને હું.' એ પછી છાયાબહેન સાથે ચર્ચા ચાલી. એમાં એ તારણ નીકળ્યું કે હવે 'ફઈબા' શબ્દ ઓછો ચલણમાં છે, અને હજી એ ઘટતો જાય છે. 


હવે મોટે ભાગે લોકો 'ફોઈ' કહે છે. આથી અમે શિર્ષક રાખ્યું 'ફોઈ અને હું.' સાવ બે-ચાર લીટી હોય એવાં પૃષ્ઠોમાં પણ ઘણા શબ્દો બાબતે આવી 'બાલની ખાલ' પ્રકારની ચર્ચા થતી રહી, અને એક જુદા પ્રકારનો સંતોષ થયો.
આ પુસ્તકોમાં છેલ્લે લેખક, ચિત્રકાર અને અનુવાદકનો ત્રણ-ચાર લીટીમાં પરિચય મૂકાયેલો હોય છે. મેં 'વડોદરામાં નિવાસ કરતા બીરેન કોઠારી પૂર્ણ સમયના ચરિત્રકાર, અનુવાદક, સંપાદક છે' પ્રકારનો પરિચય લખી મોકલ્યો. છાયાબહેનનું સૂચન આવ્યું, 'આ રીતે નહીં, બાળકોને રસ પડે એ શૈલીએ પરિચય લખો.' અનુવાદ કરવા કરતાંય વધુ મૂઝવણ આ પરિચય બાબતે થઈ. છેવટે છાયાબહેનને કહ્યું, 'તમે જ કંઈક સૂચવો. મને ખ્યાલ નથી આવતો.' એ પછી છાયાબહેને જે પરિચય લખ્યો એ વાંચીને મને પણ મજા આવી ગઈ. એ પણ સમજાયું કે બાળકથાનાં પુસ્તકોમાં નાનામાં નાની બાબત પણ કેટલી મહત્ત્વની બની રહેતી હોય છે.
'પ્રથમ બુક્સ'નાં આ ચારે પુસ્તકો હવે પ્રકાશિત થઈ ગયાં છે.




સાવ જુદા વયજૂથ માટે અનુવાદ કરવાનો આ અનુભવ ઘણો પડકારજનક અને યાદગાર રહ્યો.
'પ્રથમ બુક્સ'નાં બીજાં અનેક પુસ્તકો વિવિધ વયજૂથનાં બાળકો માટે તેની વેબસાઈટ www.storyweaver.org.in પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

Wednesday, May 1, 2024

કિસ્સા કુર્સી કા


અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' થિયેટર ખાતે 26 એપ્રિલના રોજ 'કહત કાર્ટૂન' શ્રેણીની સાતમી કડી 'Oh! Sit: किस्सा कुर्सी का'ની રજૂઆત થઈ. કાર્ટૂનમાં દર્શાવાયેલા દૃશ્યાત્મક પ્રતીકોના વિષયવસ્તુ પર આધારિત આ વિશિષ્ટ કાર્યક્રમ અહીંના શ્રોતાગણની સજ્જતા અને 'સ્ક્રેપયાર્ડ'નાં કબીર ઠાકોર-નેહા શાહ દંપતિની ઉલટનું પરિણામ છે, કેમ કે, આ કાર્યક્રમની પહેલવહેલી કડીની રજૂઆત વખતે મનમાં એમ હતું કે કોઈ ને કોઈ વિષય આધારિત કાર્ટૂન દર વખતે બતાવીશું. તેને બદલે આ શ્રેણીએ સાવ જુદું જ સ્વરૂપ લીધું અને એક પછી એક દૃશ્યવિષયો પર આધારિત કાર્યક્રમ બનતા ગયા. જેમ કે, Metamorphosis, Inspiration, Maps, Shadows વગેરે. એ જ ક્રમમાં આ વખતનો વિષય હતો ખુરશી.

આમ તો ખુરશીનો સીધો સંબંધ સત્તા સાથે આપણા મનમાં સ્થપાયેલો છે, એટલે મુખ્ય વાત એ હોય એ સ્વાભાવિક છે. પણ એ ઉપરાંત ડેન્ટિસ્ટ, વાળંદ જેવા ખુરશી આધારિત વ્યવસાય તેમજ ખુરશીની પોતાની વર્તણૂક વગેરે જેવાં વિષયોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો. સત્તાના કેન્દ્ર જેવી ખુરશીમાં પણ મુખ્ય વિષય હતું ખુરશીનું વૈવિધ્ય. એટલે કે શક્ય એટલા અલગ અલગ પ્રકારની ખુરશીઓ, જે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપતી હોય.

પહેલી વખત અજાણ્યા જણાયેલા ઘણા ચહેરા હવે પરિચીત બની રહ્યા છે, એટલું જ નહીં, તેમની સાથે કશી ને કશી વાતચીત પણ થતી રહે છે. નાનામાં નાની રમૂજનો પ્રતિઘોષ તત્ક્ષણ મળે, અને ખાસ સંજોગોમાં માહિતીની પણ પૂર્તિ થતી રહે એવા શ્રોતાઓ અહીં હોવાની ખાતરી થયા પછી આ કાર્યક્રમને વધુ ને વધુ રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવતા જવાનું બળ મળતું રહે છે.
હવે આ કાર્યક્રમની આઠમી કડી મે મહિનાના ચોથા શુક્રવારે છે. દરમિયાન સાતમી કડીમાં બતાવાયેલા ખુરશીવિષયક કાર્ટૂનના કાર્યક્રમની તસવીરી ઝલક.

કાર્યક્રમ દરમિયાન. (તસવીર: બિનીત મોદી)

અરબી ગાદી (Cartoonist: Emad Hajjaj)

લેબેનોનની સંયુક્ત સરકાર (Cartoonist: Shadi Ghanim)


જનતાનું રક્ત એ જ સરમુખત્યારનું ઈંધણ
(Cartoonist: Mohammed Sabra)

ઈરાનની ટ્વિટર ક્રાંતિ
(Cartoonist: Hassan Karimzadeh)