"હૃષિદા માટે ઓછા બજેટની વ્યાખ્યા તેમની ખુદની જ ઓળખ સમાન હતી. જેમ કે, પોતાના જ મકાનમાં તેઓ ડ્રોઈંગ રૂમનો સેટ ઊભો કરતા. પછી ઑફિસના દૃશ્યની જરૂર પડે તો એ જ સ્થળેથી બધું હટાવીને નવું ફર્નિચર મૂકાવી દેતા. બેડરુમના દૃશ્ય માટે પછી આ જ ઑફિસના ફર્નિચરને સ્થાને પલંગ વગેરે મૂકાઈ જતાં. હૃષિદાનો સાળો આર્ટ ડિરેક્ટર હતો અને છાશવારે આ બધી જફામાંથી પસાર થવાનું તેના ભાગે આવતું. અચાનક હૃષિદા તેમને કહેતા, 'આ બેય દીવાલોને ફટાફટ રંગાવી દો.' કેમ કે, એમ ન કરે તો બીજા દૃશ્યમાં એ જ ઘર કોઈ બીજા, નવા ઘર જેવું ન લાગે. આ રીતે એનો એ જ રુમ અલગ અલગ રૂમ કે અલગ અલગ ઘરને દર્શાવવા માટે વાપરી શકાતો. લઘુથી લઘુતર બજેટમાં શી રીતે કામ કરવું એ હૃષિદા પાસેથી શીખી શકાતું."
Friday, March 31, 2023
કરકસરનો પર્યાય
Thursday, March 30, 2023
ગાયક, સંગીતકાર, નિર્માતા...અને છુપાયેલા કવિ હેમંતકુમાર
Wednesday, March 29, 2023
પાગલ જીનિયસ
"તમારામાંના ઘણાને આ સાંભળીને નવાઈ લાગશે કે 'આનંદ'ની મુખ્ય ભૂમિકા માટે કિશોરદા તૈયાર હતા. બધું નક્કી થઈ ગયેલું. શૂટના થોડા દિવસ અગાઉ ફિલ્મમાંનો પોતાનો લૂક, કોસ્ચ્યુમ્સ વગેરેની ચર્ચા કરવા કિશોરદા અમને મળવાના હતા. તેઓ આવ્યા- સાવ ટકલું કરાવીને. અમને બધાને આંચકો લાગ્યો! આટલું ઓછું હોય એમ કિશોરદા નાચતાં નાચતાં ઓફિસમાં ફરવા અને ગાવા લાગ્યા, 'હવે શું કરીશ, હૃષિ?' (ફિલ્મના નિર્દેશક હૃષિકેશ મુખોપાધ્યાય). આખરે, ટૂંક સમયમાં રાજેશ ખન્નાને એ ભૂમિકા સોંપવામાં આવી. કદાચ કિશોરદા એ પાત્ર કદી ભજવવા જ માંગતા નહોતા. પોતાને આ રીતે નુકસાન કરીને અન્યને કષ્ટ આપનાર મેં કદી જોયો નહોતો. એય ખરું કે કિશોરદા એવી વ્યક્તિ હતી કે એના પર તમે લાંબો સમય ગુસ્સે ભરાયેલા રહી ન શકો. એમ કરીએ તો નુકસાન આપણું. એમ કરવાનો મતલબ આ વિશ્વના સત્વથી- કિશોરકુમારના સત્વથી વંચિત રહી જવું. એનું એક આગવું ગૌરવ, નશો અને અનુભૂતિ હતાં- અને એ તદ્દન અનન્ય હતાં."
"કિશોરકુમારને અતિ પ્રિય બાબતો પૈકીની એક પોતાના નિર્માતાઓને મુશ્કેલીમાં મૂકવાની હતી. એ કદી નિર્માતાઓને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે નહોતી. એમાં અડધી રમૂજ, અને અડધું વાજબીપણું રહેતું. એક વાર અમે 'ભરોસા' ફિલ્મના ગીતોનું રેકોર્ડિંગ નક્કી કરેલું. ઘણા સમયથી રિહર્સલ થઈ રહ્યા હતાં અને સહુ તૈયાર હતા. ફાઈનલ રેકોર્ડિંગ શરૂ થાય એ પહેલાં કિશોરદાએ અમને જણાવ્યું કે એમને થોડી ચા જોઈશે. તેમના ડ્રાઈવર અબ્દુલને ચા લઈ આવવા માટે કહેવામાં આવ્યું. અબ્દુલ ઊપડ્યો અને સહુ તેના આવવાની રાહ જોતા રહ્યા. અબ્દુલના આવવાનાં એંધાણ જણાતા નહોતાં. અમે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહેતાં, 'ચાલો ને, દાદા, રેકોર્ડિંગ પતાવી દઈએ. અબ્દુલ હમણાં આવી જશે.' ત્યારે એ કહેતા, 'અબ્દુલને આવી જવા દો. હું ચા પીઉં એ પછી જ વાત.' અમે વારેવારે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ ટસના મસ ન થયા. આખરે અબ્દુલ આવ્યો કે તરત જ કિશોરદાએ જાહેર કર્યું, 'ઓકે, ચાલો, રેકોર્ડિંગ કરીએ.' અમે પૂછ્યું, 'કેમ? તમારે ચા નથી પીવાની?' અમારી વાત પર ધ્યાન આપ્યા વિના તેઓ રેકોર્ડિંગ માટે તૈયાર થઈ ગયા. હકીકતમાં એમના માટે ચાનું કશું મહત્ત્વ જ નહોતું. તેઓ ઈચ્છતા હતા કે નિર્માતા નાણાં ખર્ચે અને વાદકો તેમજ અન્ય કર્મચારીઓ માટે ચા મંગાવે. આ આખું નાટક એના માટે હતું."
"એક વાર શૂટ દરમિયાન કિશોરદાએ રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું, 'બીમલદા (બીમલ રૉય), કાલે એક નિર્માતા મને મળવા આવેલો. મેં કહ્યું કે હું ફિલ્મ સાઈન કરીશ, પણ એક શરતે. તેણે મારે ઘેર ચડ્ડી પર કૂરતો પહેરીને આવવું પડશે. તેણે એ રીતે પાન ચાવતાં ચાવતાં આવવું પડશે કે હોઠના બન્ને ખૂણેથી લાલ રેલા દદડતા દેખાય. મારે ઘેર બે ટેબલને ભેગાં કરવામાં આવશે, અને એક ટેબલ એ ઊભો રહેશે, બીજા પર હું. એ પછી અમે હાથ મિલાવીશું અને કરાર પર સહી કરીશું.' બીમલદાએ પૂછ્યું, 'આવું ગાંડપણ શા માટે, કિશોર?' અકળાઈને કિશોરદાએ કહ્યું, 'બીમલદા, આજે એ નિર્માતા બિલકુલ આવાં કપડાં પહેરીને મને મળવા આવેલો. તમે જ કહો, પાગલ કોણ? હું કે એ?' આ તર્કનો કશો જવાબ નહોતો."
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
ટીપ્પણી: 'ભરોસા' નામની કુલ બે ફિલ્મો બની છે. એક 1940માં અને બીજી 1963માં. 1940ની ફિલ્મમાં કિશોરકુમાર કે ગુલઝાર હોવાની શક્યતા નથી, જ્યારે 1963ની ફિલ્મમાં ગુરુદત્ત અને આશા પારેખની ભૂમિકા હતી, જેના નિર્માતા હતા વાસુ મેનન. આ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં અને સંગીતકાર હતા રવિ. ગુલઝારે જે 'ભરોસા'નો ઉલ્લેખ કર્યો છે એ ફિલ્મ સેન્સર થઈ નથી, પણ તપાસ કરતાં એટલી વિગત મળી કે રાજેશ ખન્ના અને ઝાહીરાની ભૂમિકાવાળી આ ફિલ્મ 1981માં બનવાની શરૂ થઈ હતી અને તેનાં ગીત ગુલઝારે લખેલાં. દિગ્દર્શક હતા મેરાજ.
Tuesday, March 28, 2023
પંચમની અકળામણ
Monday, March 27, 2023
બીમલદા, સચીનદા અને 'બાલની ખાલ' પ્રકારની ચર્ચા
એક વાર સચીનદા (એસ.ડી.બર્મન), બીમલદા (બીમલ રોય) અને હું ચર્ચા માટે ભેગા થયેલા. બીમલદા સમજાવી રહ્યા હતા- 'જુઓ, છોકરી કદી પોતાના ઘરની બહાર નીકળી નથી. લોકો તેના પિતાને મળવા આવે છે, અને આ મુલાકાતમાં તેઓ વૈષ્ણવ કવિતા વાંચે છે. છોકરી આ સાંભળે છે અને પ્રેરિત થાય છે.' અચાનક સચીનદાએ આશ્ચર્ય દર્શાવતાં કહ્યું, 'શું વાત કરે છે! છોકરી ઘરની બહાર નીકળી નથી તો પછી આ શી રીતે થશે? મેં એ રીતે સંગીત તૈયાર નથી કર્યું. ના, ના! તારે એને બહાર કાઢવી જ પડશે.' અમે નવાઈ પામી ગયા! સચીનદા (સંગીતને બદલે) પાત્ર વિશે વાત કરી રહ્યા હતા, અને તેને બહાર કાઢવા માટે કહી રહ્યા હતા. 'એને કહે કે બહાર નીકળે.' પણ બીમલદા એને બહાર નહોતા જવા દેવા માંગતા. સચીનદાએ પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, 'તને કહી દઉં છું, એને બહાર નીકળવા દે.' બીમલદાએ કહ્યું, 'તમે શું કહી રહ્યા છો, કોરતા (સાહેબ)?' મારા પાત્રે બહાર નીકળવાનું?' આખરે સચીનદાએ પોતાનો મિજાજ અમુક અંશે ગુમાવ્યો, 'એમ જ હોય તો તું સલીલ (ચૌધરી)ને સંગીત તૈયાર કરવાનું કહી શકે છે.' ત્યાં સુધી બીમલદા પોતાનું હાસ્ય દબાવી રાખવાનો બરાબર પ્રયત્ન કરી રહ્યા હતા. ફિલ્મના સહલેખકો પૈકીના એક એવા પૉલ મહેન્દ્રે પૂછ્યું, બીમલદા, એ છોકરી પોતાના પિતાજીની હાજરીમાં શી રીતે રોમેન્ટિક ગીત ગાવાની?' એ સાથે જ સચીનદાએ પોતાની હથેળીમાં તાળી આપી, 'બિલકુલ! હું એ જ કહું છું!' પોતાને પક્ષે રહી શકે એવું કોઈક એમને મળ્યું હતું. એટલે પરિસ્થિતિ એવી હતી કે બે વરિષ્ઠ લોકો એક ગીતના દૃશ્યાંકનની ચર્ચા કરી રહ્યા હતા, એમ કહો ને કે લગભગ ઝઘડી રહ્યા હતા, અને અમે નવોદિતો એ સાંભળી રહ્યા હતા. આ 'બાલની ખાલ' પ્રકારની ચર્ચામાં ખરેખર ઘણું શીખવા જેવું હતું. ગીત હતું 'મોરા ગોરા અંગ લઈ લે...' એ 'બંદિની' માટે લખાયેલું અને નૂતન પર ફિલ્માવાયેલું.
Sunday, March 26, 2023
રમત, રમતિયાળપણું અને સલીલદા!
એમની પાસેથી કામ લેવું બહુ અઘરું. બીજું બધું જ થાય, સિવાય કે મૂળ કામ. અમે કદીક એમને કોઈ ચોક્કસ ધૂન યાદ કરાવીએ કે તરત જ એ કહે, 'કરી દઈશું.' પછી કહે, 'મેં હમણાં જ કાર ખરીદી છે, ચાલો, આપણે પવઈ ઉપડીએ. ટ્રાયલ રન પણ થઈ જશે અને ટ્રીપ પણ.' અને અમે બહાર નીકળીએ કે ગીતની વાત હવામાં ઊડી જતી. એ વખતે અમે 'કાબુલીવાલા' શૂટ કરી રહ્યા હતા. કલકત્તાની ગલીઓ અને સડકોમાં ટાઈટલ શોટ્સનું ફિલ્માંકન કરીને હું હજી મુમ્બઈ આવ્યો જ હતો. બીમલદા (બીમલ રોય)એ જણાવ્યું કે બે ગીતો રેકોર્ડ થઈ ગયાં છે. તેમણે મને એ સાંભળી લેવા કહ્યું. મેં એ સાંભળ્યાં અને કહ્યું કે મને ભજન ખાસ પસંદ નથી. બીમલદાએ એમની લાક્ષણિક શૈલીમાં 'હંમ' કહ્યું અને પછી સલીલદા સાથે એની ધૂન ફાઈનલ કરી લેવા જણાવ્યું. પણ એ ગીત લખવાનું કોણ હતું? પ્રેમ ધવને બાકીનાં ગીતો લખેલાં, પણ હું અચાનક કેમનો વચ્ચે ઝંપલાવી દઉં?
બહુ અસ્વસ્થતા અનુભવતાં મેં સલીલદા (સલીલ ચૌધરી)ને આ મામલે ફેરવિચાર કરવા કહ્યું અને મેં એકરાર કર્યો કે મને એ યોગ્ય લાગતું નથી. સલીલદાએ મને જણાવ્યું કે ખુદ પ્રેમે જ તારું નામ સૂચવ્યું છે, કેમ કે, એનો 'ઈપ્ટા'ની ટૂરનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. બીમલદા એમને જતા રોકી શકે એમ ન હોવાથી, પ્રેમે સૂચવ્યું કે ગીત મારી પાસે લખાવવું. કંઈક રાહત અનુભવતાં હું સંમત થયો. એને ધૂનમાં બેસાડવાનું હતું. બીમલદાએ મને એ બાબતે વારંવાર કહ્યું ત્યારે છેવટે મારે એમને કહેવું પડ્યું કે સલીલદાને એ માટે સમય નથી મળતો. એ કશું ન કરે ત્યાં સુધી....
એ સમયે રાજન તરફદારની (બંગાળી ફિલ્મ) 'ગંગા' રજૂઆત પામેલી અને તેના (સલીલદાએ સંગીતબદ્ધ કરેલા) ગીત 'આમાય દુબાઈલી રે' ગીતની મધુરતાથી હું રીતસર ખેંચાતો ગયેલો. થોડા દિવસ પછી હું સલીલદાને ઘેર ગયો. એમના ઘરમાં એક મ્યુઝીક રૂમ હતો. તેઓ નીચલા માળે ટેબલટેનિસ રમી રહ્યા હતા. મેં કહ્યું, 'સલીલદા, 'કાબુલીવાલા'ના આ ગીતમાં આપણે 'આમાય દુબાઈલી રે'ની ધૂન ન વાપરી શકીએ?' કામની વાત કરીને મેં એમની રમતમાં ભંગ પાડ્યો એટલે સહેજ અકળામણ અને ટાળવાના ભાવથી એમણે કહ્યું, 'હા, હા. ઠીક છે. ઉપર જઈને કાનુ પાસેથી નોટ્સ લઈ લે.' એ મુજબ, હું સલીલદાના સહાયક કાનુ ઘોષને મળવા ઉપર ગયો. અમે કામ માટે બેઠા કે થોડી જ વારમાં એક સ્ટેશન વેગન આવવાનો અવાજ સંભળાયો. સલીલદા કોઈ તોફાની છોકરાની જેમ ઉપરની તરફ દોડ્યા અને પિયાનો પર ગોઠવાઈ ગયા. તેઓ એટલી ગંભીરતાથી અને તન્મયપણે બેઠા કે જોનારને એમ જ લાગે કે તેઓ વરસોથી આવી સંગીતસાધના કરી રહ્યા હશે. તેમને બરાબર જાણ હતી કે બીમલદા ક્યારે ઉપર આવશે અને બારણે પહોંચશે. પોતે એ રીતે મગ્ન થઈ ગયા કે જાણે એમને આસપાસ કોણ છે, શું ચાલી રહ્યું છે એની સૂધ ન હોય. અચાનક જ બીમલદા પર નજર પડી હોય એમ એ બોલ્યા, 'બીમલદા, મને એમ હતું કે આપણે 'આમાય દુબાઈલી રે'ની ધૂન 'કાબુલીવાલા'ના આ ગીત માટે વાપરીએ તો કેવું?' આમ કહીને તેમણે આંખો મીંચી અને પિયાનો પર આંગળીઓ ફેરવવા લાગ્યા. પછી બોલ્યા, 'હું આવું કંઈક વિચારતો હતો.' બીમલદા બોલ્યા, 'કોકને ડૂબાડવા માટે ખાસ પ્રયત્નો કરવા ન પડે, સલીલ! તારું કામ કર.' આમ કહીને તેઓ ફર્યા અને અકળાઈને ચાલ્યા ગયા. એમની કાર દરવાજાની બહાર નીકળી એ સાથે જ સલીલદા ખુરશીમાંથી જાણે કે ઉછળ્યા, મારી તરફ ફર્યા અને એક કડક શિક્ષકની જેમ બોલ્યા, 'ગુલઝાર, તારે કાનુ સાથે બેસવાનું છે અને તું જાય એ પહેલાં બધું પતાવી દેવાનું છે.' કેમ જાણે, આટલા વિલંબ બદલ હું કારણભૂત ન હોઉં! જાણે કે કામને ઠેલવા માટે હું જવાબદાર ન હોઉં! આટલું કહ્યું ન કહ્યું અને તેઓ દાદર ઉતરીને પાછા ટેબલટેનિસ રમવામાં પરોવાઈ ગયા. હું શું બોલું? હું આમાં મૂક પ્રેક્ષક બની રહ્યો હતો. એ ગીત હતું, 'ગંગા આયે કહાં સે....'
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ 'ગંગા' (1960) ના ગીત 'આમાય દુબાઈલી રે'ની ધૂન સલીલદાની હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ગીત અહીં સાંભળી શકાશે.
Saturday, March 25, 2023
હરિ એટલે....
Thursday, March 23, 2023
વ્યંગ્યચિત્રોમાં ભગતસિંહ
(Cartoon by Manul) |
(Cartoon by Kushal) |
(Cartoon by Sandeep Adhwaryu) |
(Cartoon by Sandeep Adhwaryu) |
Name of Cartoonist not known BAE = Before Anything Else |
Sunday, March 12, 2023
અકાદમી જેવા એકલવીરના જન્મદિને
જ્યોતીન્દ્ર માનશંકર ભટ્ટનો આજે 89મો (જન્મવર્ષ 1934) જન્મદિન છે. આ નામ કદાચ થોડું અજાણ્યું લાગે, પણ 'જ્યોતિ ભટ્ટ' કહેતાં તેમની ઓળખાણ તરત પડી જાય. 'જ્યોતિભાઈ' તરીકે જાણીતા આ કલાકારને કોઈ એક ઓળખમાં બાંધવા મુશ્કેલ છે. ચિત્રકાર, પ્રિન્ટમેકર, તસવીરકાર તરીકે તેઓ જાણીતા છે. ઉપરાંત તેમનું લેખન પણ ઉત્તમ કક્ષાનું છે. તેમનાં લખાણો મુખ્યત્વે કળાવિષયક અને ગુજરાતીમાં હોય છે.
Friday, March 10, 2023
એન.આર.ત્રિવેદીની સ્મૃતિમાં
નવનીતરાય આર. ત્રિવેદી એટલે કે એન.આર.ત્રિવેદીની આજે બીજી પુણ્યતિથિ છે.
10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. તેમની સાથેનો મારો વિશિષ્ટ અનુબંધ હતો.
જીવનકથા કે જીવનચરિત્રના લેખન ક્ષેત્રે મારો અધિકૃત પ્રવેશ એપ્રિલ, 2007માં પ્રકાશિત 'પુરુષાર્થની પેલે પાર'થી થયો. અધિકૃત એ રીતે કે એ પુસ્તકના ટાઈટલ પર રજનીકુમાર પંડ્યા સાથે મારું પણ નામ મૂકવામાં આવેલું. આ જીવનકથા મુંબઈસ્થિત નવનીતરાય આર. ત્રિવેદીની હતી. વીસનગરથી શરૂ થયેલી તેમની જીવનસફર ઈંગ્લેન્ડ- સ્વીત્ઝરલેન્ડ-જર્મની થઈને મુંબઈમાં આગળ વધી હતી. આટલા બહોળા ફલકવાળી કથા બે ભાગમાં, કુલ આઠસો પાનામાં પ્રકાશિત કરવામાં આવી, જે કદાચ આજ સુધી અમે લખેલી સૌથી દીર્ઘ કથા છે. એક રીતે જીવનચરિત્રલેખન માટે આ પુસ્તક એક માપદંડ બની રહ્યું. કેમ કે, એ પછી કોઈની પણ કથા આટલા બહોળા ફલક પર અમે જોઈ નથી. ત્રિવેદીસાહેબ મુંબઈ, રજનીકુમાર અમદાવાદ અને હું વડોદરા હોવાને કારણે આખી કાર્યપદ્ધતિ અને સંકલન બહુ વિશિષ્ટ રીતે ગોઠવાયેલું. ત્રિવેદીસાહેબ પોતાનું કથન કેસેટમાં રેકોર્ડ કરીને મને મોકલે, હું એની શબ્દશ: સ્ક્રીપ્ટ તૈયાર કરું અને એ રજનીકુમારને મોકલું. રજનીકુમાર વચ્ચે વચ્ચે મુંબઈ જઈને એમનો ઈન્ટરવ્યૂ પણ કરે. ક્યારેક ત્રિવેદીસાહેબ પણ અમદાવાદ આવે. તેમની સાથે બે-ત્રણ વખત તેમની જન્મભૂમિ વીસનગરની મુલાકાત પણ લેવાનું બન્યું.
આ નિમિત્તે
ત્રિવેદીસાહેબનો પરિચય અંતરંગ બન્યો. એ વિશેની રસપ્રદ વાત 'સાર્થક જલસો'ના 13મા અંકમાં ત્રણ લેખશ્રેણીરૂપે વિસ્તૃત
આલેખાયેલી છે. (વ્યાવસાયિક જીવનચરિત્રલેખન વિશેનો મારો લેખ- એની પરથી રજનીકુમારને
સૂઝેલી વાર્તા- અને એ વાર્તાની રજનીકુમારે લખેલી કેફિયત) અતિશય સાહસિક અને
હકારાત્મક વ્યક્તિત્ત્વ ધરાવતા ત્રિવેદીસાહેબ પોતાના જીવનમાં વિવિધ તબક્કે પોતાને
ઉપયોગી બનેલા લોકોનું ઋણ વિશિષ્ટ રીતે અદા કરવા માંગતા હતા. એક પછી એક એમ કુલ પાંચ
એવી વ્યક્તિઓની જીવનકથા તેમણે અમારી પાસે લખાવડાવી. આ ઉપરાંત તેમની પોતાની કથા 'પુરુષાર્થની પેલે પાર'નો અંગ્રેજી અનુવાદ પણ મેં કર્યો, જેનું પરામર્શન પ્રો. હરીશ મહુવાકરે કરેલું. આ
અંગ્રેજી પુસ્તક તેમણે પોતાના બિનભારતીય મિત્રો અને કુટુંબીઓ માટે કરાવેલુ અને
તેનું વિમોચન પણ બર્લિનમાં યોજેલું. (તેમનાં જીવનસાથી રોઝમેરી ઉર્ફે સંધ્યાબેન
જર્મન હતાં).
10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. ઘણા વખતથી તેમની તબિયત નરમગરમ રહેતી હતી. સ્મૃતિભ્રંશ પણ થવા લાગ્યો હતો. આખરે 90 વર્ષની વયે તેમણે વિદાય લીધી. તેમના બન્ને પુત્રો હરિત અને શરદ પણ એટલા જ પ્રેમાળ અને ઉષ્માસભર છે. તેમની સાથે વાત થતાં તેમણે બહુ પ્રેમપૂર્વક પિતાજીની યાદો અને અમારી સાથેના તેમના વિશિષ્ટ સંબંધને પણ તાજો કર્યો.
તેમની જીવનકથાના
વિમોચન સમારંભમાં તેમણે મારો ઉલ્લેખ 'An expert on my life who
knows more about me than myself' કહીને કર્યો હતો. મારા જેવા ત્યારે સાવ નવાસવા અને અજાણ્યા જણને બિરદાવીને
તેમણે પોતાની ખેલદિલી અને સૌજન્ય દર્શાવ્યાં હતાં. તો રજનીકુમારે પણ આ પુસ્તકના
આલેખનમાં મારું પ્રદાન જોઈને બહુ ઉદારતાપૂર્વક મારું નામ તેમની (નીચે કે પુસ્તકની
અંદર નહીં, પણ) સાથે
મૂકવાનો આગ્રહ રાખ્યો હતો.
નવીસવી વ્યાવસાયિક કારકિર્દીના આરંભે આવા અનુભવો આગળ વધવાનો જબરદસ્ત ધક્કો પૂરો પાડે છે.
ત્રિવેદીસાહેબની
સ્મૃતિને વંદન.