ભ્રષ્ટાચાર’ જેવો શબ્દ બોલવામાં ‘સદાચાર’, ‘શિષ્ટાચાર’ શબ્દોની નજીક લાગે છે, તેથી ‘લાંચ લીધી’ એમ બોલવા કરતાં ‘ભ્રષ્ટાચાર આચર્યો’ કહેવાથી બોલનારનું વજન પડે છે. સવાલ એ છે કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા શી? કોઈ પોતાની મરજી વિરુદ્ધ યા જાણબહાર ભ્રષ્ટાચાર આચરી શકે? કોઈ કાયદેસરનું કામ કરાવવા માટે પણ 'વહેવાર’ કરવાનો થાય તેને સામાન્યપણે ‘ભ્રષ્ટાચાર’ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને ‘લાંચ લીધી’ કહેવાય છે. માત્ર શ્વેતશ્યામ જોઈ શકતા લોકો માનતા હોય છે કે પોતાની જાણબહાર યા મરજી વિરુદ્ધ ભ્રષ્ટાચાર થઈ જ ન શકે. અલબત્ત, દુનિયા રંગબેરંગી હોય છે, અને ભ્રષ્ટાચાર ‘જૂજવે રૂપે અનંત ભાસે’ એવો હોય છે.
આ અનુભવ મારી નોકરીના સાવ શરૂઆતના ગાળામાં થયેલો.
હજી આ નોકરીમાં મારું પહેલું જ વર્ષ હતું. હું ત્યારે ‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ’માં મૂકાયેલો હતો. આ લખાણના સંદર્ભ પૂરતી પ્લાન્ટલક્ષી તેની કામગીરી જણાવું. અમારા પ્લાન્ટમાં ત્યારે આ વિભાગમાંની પોસ્ટ ફરતી હતી. એટલે કે દર છ-આઠ મહિને આ વિભાગમાં ઓપરેટર બદલાતો રહે. સામાન્યપણે પ્લાન્ટ પર શિફ્ટમાં કામ કરતા ઓપરેટરને આ છ-આઠ મહિના દરમ્યાન ત્રણ શિફ્ટના ચક્કરમાંથી મુક્તિ મળે, કેમ કે અહીં તેણે વારાફરતી જનરલ શિફ્ટ (૮.૩૦ થી ૫.૦૦) અને ફર્સ્ટ શિફ્ટ (સવારના ૬.૦૦ થી ૨.૦૦) માં આવવાનું હોય. ‘ફર્સ્ટ શિફ્ટ’ને બદલે ‘ફસ્સીપ’ કે એથી સંક્ષેપમાં ‘ફસ્સ’ તરીકે તેનો ઉચ્ચાર સામાન્યપણે કર્મચારીનાં કુટુંબીજનો દ્વારા થતો હોય છે.
આ વિભાગમાં કામનું ભારણ સખત રહેતું. સવારના દસ સુધી તો વિશેષ. કેમ કે પ્લાન્ટ આખાની વિવિધ બાબતોનું સ્ટેટસ પ્લાન્ટમાંની લોગબુક તેમજ લોગશીટને આધારે તૈયાર કરવાનું હોય અને પ્લાન્ટ બહારની વિવિધ એજન્સીઓને કાં સામેથી ફોન કરીને, કાં તેમનો ફોન આવે તેના જવાબમાં લખાવવાનું હોય. અમુક એજન્સીને કાચા માલનો સ્ટોક આપવાનો હોય, અમુકને પમ્પીંગનું શેડ્યુલ કહેવાનું હોય, કોઈકને ફીનીશ્ડ પ્રોડક્ટના સ્ટોકની જાણ કરવાની હોય. સતત ફોન રણક્યા કરતો, અને ફોન પર જે હોય તેણે જવાબ આપતા જ રહેવાનું. ટેબલ પર કાગળો ઉપરાંત ફોનનું ડબલું અને એક મોટું કેલ્ક્યુલેટર રહેતું.
(પેપર કોલાજ: બીરેન કોઠારી) |
આ ક્રમ રોજિંદો થઈ ગયેલો એટલે ધીમે ધીમે તેમાં ફાવટ પણ આવી ગયેલી. મારા અગાઉ મારા સિનીયર ઓપરેટર એમ.બી. રાજપૂત હતા. મારે શરૂઆતમાં તેમની પાસે તાલિમ લેવાની હતી. હું તૈયાર થઈ જાઉં એટલે મને સ્વતંત્ર હવાલો આપવામાં આવે અને એમ.બી.રાજપૂત પાછા પ્લાન્ટમાં મૂકાય એવી ગોઠવણ હતી.
‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ’માં એક ઓપરેટર ઉપરાંત એક એન્જિનિયરનું પણ પોસ્ટીંગ રહેતું, જેમની મુખ્ય જરૂર સહી કરવા માટે રહેતી. અમારી ઉપર ત્યારે એક મરાઠીભાષી એન્જિનિયર હતા. યુવાન, હસમુખા, અને જૂનાં ફિલ્મી ગીતોના શોખીન. અહીં તેમનો ઉલ્લેખ ‘મરાઠે’ તરીકે કરીશું.
આ વિભાગમાં કામનું ભારણ એટલું રહેતું કે ઓપરેટર અને એન્જિનિયરના ભેદ રાખવા પોષાય જ નહીં. અમસ્તાય આવા ભેદ જાહેર સાહસોમાં હોતા નથી. રાજપૂતે મને બહુ સારી રીતે તાલિમ આપવા માંડી હતી. કયા વિભાગમાં કોણ હોય છે અને તેને શી માહિતી આપવાની એ તેમણે મને સારી રીતે સમજાવેલું. તેમની હાજરીમાં ફોન હું જ લેતો, જેથી મને ખ્યાલ આવતો જતો હતો. હું જે તે વિભાગની સંબંધિત વ્યક્તિનું નામ પૂછતો અને એ નામ યાદ રાખીને ફરી વખત તેને નામથી સંબોધતો, ‘કેમ છો?’, ‘ગુડ મોર્નિંગ’ જેવી ટૂંકી વાતચીત કરતો. આને લઈને સાવ ઔપચારિક અને યંત્રવત થતું કામ કંઈક રસપ્રદ અને આત્મીય બને એમ મારું માનવું હશે.
આઈ.પી.સી.એલ. જેવા વિશાળ સંકુલમાં એકે એક વિભાગમાં ઈન્ટરકોમની સુવિધા હતી. સંકુલની બહાર ફોન કરવો હોય તો એ સુવિધા મર્યાદિત હતી. સંકુલના મુખ્ય દરવાજે પણ ઈન્ટરકોમ સુવિધા હતી, જેથી દરવાજેથી પણ પ્લાન્ટ પર વાત કરી શકાતી.
ઈન્ટરકોમ પર અનેક ફોન આવતા, જેમાં પ્રધાન અટકધારી એક વ્યક્તિનો ફોન અવારનવાર આવતો. આ ભાઈ પોતાના વિભાગનું નામ ન બોલતા. તેઓ પોતાનું નામ જ બોલતા. પ્રધાનનો ફોન આવે ત્યારે તેઓ સૌથી પહેલાં મરાઠેસાહેબ વિષે પૂછપરછ કરતા. મરાઠે નજીકમાં હોય તો અમે તેમને ફોન આપતા. મરાઠે તેમને જરૂરી સ્ટોક આપતા અને તેઓ બન્ને મરાઠીમાં બીજી વાતો પણ કરતા. ક્યારેક એવુંય બનતું કે તેઓ આસપાસમાં ન હોય કે અન્યત્ર વ્યસ્ત હોય. ત્યારે હું કહેતો, “પ્રધાનસા’બ, આપકો ક્યા ચાહિયે વો બતા દિજીયે. હમ યહીં કામ કરતે હૈ. મરાઠેજી નહીં હૈ તો ક્યા હુઆ.” એમ એક ‘એચ.એન.પી.’ (હેવી નોર્મલ પેરાફીન) નામના એક ચોક્કસ કેમિકલનો સ્ટૉક અમે એમને જણાવતા. જવાબમાં પ્રધાન ‘થેન્ક યુ’ કહેતા.
થોડા સમય પછી મરાઠેનો વિભાગ બદલાયો. તેઓ પાછા પ્લાન્ટ પર શિફ્ટની નોકરીમાં ગયા. હું હજી ત્યાં જ હતો. હવે મને બરાબર ખ્યાલ આવી ગયો હતો કે કયા વિભાગમાં કઈ માહિતી આપવી. પ્રધાનનો ફોન આવે એટલે વગર પૂછ્યે હું સ્ટોક આપી દેતો. ક્યારેક પ્રધાન બીજી પૂછપરછ પણ કરતા, જેમ કે- ‘હમણાં શટડાઉન લેવાના છો?’, “પમ્પીંગ કરવાના છો?” વગેરે...હું હોંશે હોંશે તેમને માહિતી આપતો.
આ જ ક્રમમાં એક વાર પ્રધાનનો ફોન આવ્યો. મને કહે, “કોઠારીજી, ગેટ પર આયેંગે? આપકા કામ હૈ.” અમારા પ્લાન્ટથી મુખ્ય દરવાજો સાવ નજીક હતો. લેન્ડમાર્ક તરીકે એ દરવાજાની નિશાની આપી શકાય એવું તેનું સ્થાન હતું. પ્રધાને મને એટલા માટે ત્યાં બોલાવ્યો હશે કે જેથી અમારે એકબીજાને શોધવા ન પડે. પ્રધાને શા માટે મને બોલાવ્યો એ સવાલ મને એટલો થયો નહોતો. કેમ કે, ઘણી વાર એમ બનતું હોય છે કે ફોન પર એકબીજાને નામથી ઓળખતા હોઈએ, પણ કદી મળવાનું ન બન્યું હોય. અને એ તરફ નીકળવાનું બને તો મન થાય કે ચાલો, મળતા જઈએ.
મારું રોજિંદું કામ પૂરું થઈ ગયું હતું. આથી પ્રધાનનો ઈન્ટરકોમ આવ્યો એટલે આવું જ કશું ધારીને હું પાંચેક મિનીટમાં નીકળ્યો. દરવાજે પહોંચ્યો. આસપાસ જોયું, પણ ત્યાં કોઈ ઉભેલું નહોતું. એટલામાં દરવાજાની પેલે પારથી- બહારથી બૂમ પડી, “કોઠારીજી?” મેં એ દિશામાં જોયું. ત્યાં એક માણસ ઉભેલો. મેં સામું પૂછ્યું, “મિ.પ્રધાન?” એણે હકાર ભણ્યો અને મને દરવાજાની બહાર બોલાવ્યો. દરવાજાની બહાર જવા માટે મારે દરવાજે ઉભેલા સિક્યોરિટી જવાનની પરવાનગી લેવી પડે. મને નવાઈ લાગી કે પ્રધાન પોતે કંપનીનો કર્મચારી છે, તો પછી પોતે અંદર આવવાને બદલે મને કેમ બહાર બોલાવે છે? એ કદાચ ક્યાંક બહાર જવા નીકળ્યો હશે અને તેને મને મળવાનું યાદ આવ્યું હશે. એમ ધારીને હું કામચલાઉ પરવાનગી લઈને મુખ્ય દરવાજેથી બહાર ગયો. પ્રધાને મારી સાથે હાથ મિલાવ્યા અને વિવેક કર્યો. પ્રધાનના હાથમાં એક સૂટકેસ હતી. આવી સૂટકેસ લઈને કોઈ નોકરીયાત કંપનીમાં ન આવે. મોટે ભાગે મુલાકાતીઓ જ આવી સૂટકેસ લઈને આવતા હોય. પ્રધાને ભક્ત ધ્રુવની જેમ એક પગ ઊંચો કરીને ઘૂંટણેથી વાળ્યો. બૂટ પહેરેલા હોવાથી બીજા પગના ઘૂંટણ પર એ પગની પાની ટેકવાય એમ નહોતી. આથી એ જ મુદ્રામાં તેણે વાળેલો પગ હવામાં રાખ્યો. સાથળ પર સૂટકેસ મૂકી અને ધીમે રહીને સાચવીને ખોલી. બેગમાંથી તેણે ડાયરી અને પેન કાઢ્યાં. મારા હાથમાં આ બન્ને વસ્તુઓ તેણે મૂકી. મને હજી કશું સમજાયું ન હતું. મેં ભોળેભાવે પૂછ્યું, “યે કિસકે લિયે?” તેણે નમ્રતાથી કહ્યું, “આપકે લિયે, હમારી ઓર સે.” મને એમ કે તેના વિભાગવાળાએ ડાયરીબાયરી મોકલાવી હશે. વસ્તુ બહુ મોટી નહોતી એટલે આનાકાની કરવાનો બહુ સવાલ ન હતો, એટલે ‘થેન્ક્સ’ કહીને એ વસ્તુઓ મેં લીધી. અમે ફરી હાથ મિલાવ્યા અને મુખ્ય દરવાજેથી પાછો અંદર આવી ગયો.
મારા વિભાગમાં આવીને મેં ડાયરી ખોલી. તેની પર કોઈક ફર્મનું નામ વાંચ્યું. એ વાંચીને મારા મનમાં થોડું થોડું અજવાળું થવા લાગ્યું. પશ્ચાતદર્શન થતાં ખ્યાલ આવ્યો કે આ પ્રધાન ખરેખર કોઈ કર્મચારી નહોતો, પણ કેમિકલનો વેપાર કરતો હતો. ગેટ પર આવીને તે ઈન્ટરકોમ દ્વારા એ કેમિકલના સ્ટોકની અને અન્ય જાણકારી મેળવી લેતો હતો. ઈન્ટરકોમ પર તે વાત કરતો હોવાને કારણે અમને એવી છાપ પડી હતી કે તે અમારી કંપનીના કોઈક વિભાગનો કર્મચારી છે. મરાઠેસાહેબે અમને કદી હકીકત જણાવી જ નહોતી. મરાઠેસાહેબ તેને સમજીવિચારીને મદદ કરતા હતા, જ્યારે હું અજાણપણે મદદ કરતો હતો. મને શંકા પણ ક્યાંથી પડે કે આ ભાઈ બહારના માણસ છે. મને તો એમણે મારા વગર માગ્યે ડાયરી અને પેન આપી, પણ મરાઠેસાહેબ કંઈ એટલામાં રાજી થયા હશે ?
**** **** ****