Sunday, December 18, 2016

એક નાનકડું વર્તુળ પૂરું થયાનો અહેસાસ


એક ચરિત્રકાર તરીકે વિવિધ લોકોના જીવનમાંથી કોઈ ને કોઈ પેટર્ન તારવવાની આદત પડી છે. એવી કોઈ પેટર્ન ખરેખર હોય છે કે નહીં, હોય તો તે ઉકેલી શકાય કે નહીં, ઉકેલી શકાય તો તેને બદલી શકાય કે નહીં, એવી કશી મને ખબર નથી. ઉદાહરણ દ્વારા કહેવું હોય તો કહી શકાય કે વાહન દ્વારા રસ્તો કાપીને અમુક મુકામે પહોંચ્યા પછી રસ્તા પર વાહનના ટાયર દ્વારા પડેલા આડાઅવળા લીટા (ચીલા)માં કોઈ ચોક્કસ આકાર શોધવાનો એ મનોયત્ન હોય છે, જે વાહનચાલકની જરાય સભાનતા વિના ઉપસ્યા હોય છે.
અહીં એક ચોક્કસ સંદર્ભે મને રાગ દરબારીનો એક કિસ્સો યાદ આવે છે. વૈદજીના મામૂલી સેવક એવા સનીચરને ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનું કહેવામાં આવે છે, ત્યારે આઘાતનો માર્યો એ બિચારો સચ્ચાઈથી બોલી ઉઠે છે, મૈં ઉસ લાયક કહાં?’ ત્યારે તેને કહેવામાં આવે છે, યહ સબ તુઝે જીતને કે બાદ બોલના હૈ.
જેમની જીવનકથા મેં વાંચી છે એમાંના મોટા ભાગના મહાનુભાવો પોતાની જીવનકથા લખવા માંગતા નહોતા, એમ તેઓ પોતાની જીવનકથામાં આરંભે જણાવી દેતા હોય છે. આથી ખરેખર તો મારી પોતાની જીવનકથા પ્રકાશિત થાય પછી મારે કહેવાનું થાય કે હું કદી મારી પોતાની જીવનકથા લખવા ઈચ્છતો નહોતો. હું ખરેખર તે લખવા માંગતો નથી. પણ હા, મારા જીવનની પેટર્ન વિષે કહી શકું. ગભરાશો નહીં, પેટર્નની આડમાં પણ નહીં લખું. મારા અત્યાર સુધીના જીવનની મુખ્ય પેટર્નમાંની એક છે વર્તુળોની સમાપ્તિ.
કોઈ એક સ્થાનેથી આપણે કોઈ દિશા કે માર્ગદર્શન વિના પ્રવાસનો આરંભ કરીએ, અને અનાયાસે અનેક મુકામો તેમાં આવતા જાય. તેમાં એક તબક્કો એવો આવે કે આપણને થાય કે વાહ! દેખીતો આડોઅવળો દેખાતો જીવનમાર્ગ ખરેખર એક સંપૂર્ણ વર્તુળ ફરીને પૂરો થયો છે. મારા જીવનમાં આવાં નાનાં નાનાં અનેક વર્તુળો અનાયાસે પૂરા થયા છે. તેમાં મારી કશી સિદ્ધિ નથી, કે નહોતો મારો એ તરફનો પ્રયત્ન. અને છતાં વર્તુળસમાપ્તિના એ તબક્કાનો અનહદ આનંદ અનુભવાયો છે. હજી મને ખબર નથી કે આને ખરેખર વર્તુળ પૂરું થયેલું ગણવું કે નહીં. છતાં આ તબક્કે અહેસાસ એવો જ છે. આવા એક નાનકડા, પૂરા થયેલા વર્તુળની વાત અહીં કરવી છે.
**** **** ****

'શબ્દવેધ' કટારનો એક લેખ 
આશરે ૧૯૯૩-૯૪ થી રજનીકુમાર પંડ્યાની જન્મભૂમિ પ્રવાસીમાં પ્રકાશિત થતી કટાર શબ્દવેધનાં કટીંગ સાચવતો આવ્યો છું. પછીનાં વરસોમાં તેનું યોગ્ય વિભાજન કરીને યાદી પણ બનાવી. રજનીકુમાર સાથે ત્યારે પરિચય થઈ ગયેલો એટલે આ યાદીની એક નકલ તેમને પણ આપી રાખી હતી. આ યાદીનું વિભાજન અને ગોઠવણી એ રીતે કરેલાં કે કોઈ પણ લેખ ગણતરીની મિનીટોમાં મળી જાય. વિવિધ માહિતી માટે આ ફાઈલો ઘણી ખપમાં લાગતી. ધીમે ધીમે એવો તબક્કો આવી ગયો કે રજનીભાઈને મેં તેમના લેખો શોધવા બાબતે નિશ્ચિંત કરી દીધા. તે પોતાને જોઈતા લેખનું મને નામ કહે કે હું તેની નકલ મોકલી આપું.
કમ્પ્યુટર આવ્યા પછી આ કામ વધુ સરળ બન્યું. આ લેખો યોગ્ય રીતે ગોઠવવામાં કે તેનો ઉમેરો યાદીમાં કરવામાં પત્ની કામિની અને સંતાનો શચિ તેમજ ઈશાન પણ મહેમાનભૂમિકા ભજવી જતાં, બલ્કે આ લેખોને કાગળ પર ચોંટાડવાનું આખું કામ કામિનીએ જ પૂરું કરેલું. આ લેખોમાં અનેક પ્રકારો જોવા મળી શકે. વ્યક્તિચિત્રો, પુસ્તકપરિચય, પ્રસંગો, ક્યારેક વાર્તા અને સૌથી મોટો હિસ્સો વિવિધ વિસ્તારની, વિવિધ ક્ષેત્રે કાર્યરત સેવાસંસ્થાઓના પરિચયનો. 

'શબ્દવેધ'ના લેખોની કમ્પ્યુટરમાં બનાવેલી યાદીની એક ઝલક
રજનીભાઈ મૂળે વાર્તાકાર. આથી તેમનાં કોઈ પણ આલેખનોમાં વાર્તાત્મકતાનું પ્રાધાન્ય જોવા મળે. આને લઈને વાંચનારને તે જકડી રાખનારું બની રહે. પોતાની ઝબકાર કટારમાં તેમણે આ રીતે વ્યક્તિચિત્રો અને સંસ્થાઓની કથાઓ લખવાની શરૂ કરી એ સાથે જ તે ગજબ લોકપ્રિય બની ગઈ. જાતમુલાકાત લઈને લખાતા સંસ્થાપરિચયો એવી સંવેદનાથી તેઓ આલેખતા કે વાંચનારનાં હૈયાં ભીંજાઈ જાય. અનેકાનેક સંસ્થાઓને તેમની કલમે ટેકો કર્યો. આવા કેટલાક લેખો તેમનાં વિવિધ પુસ્તકોમાં છૂટાંછવાયાં છે. પણ સંસ્થાવિષયક લેખોનું જ આખેઆખું પુસ્તક હોય એવું બન્યું નથી.
સેવાપ્રવૃત્તિ કરવા ઈચ્છનારા અનેક લોકો રજનીકુમારના લેખોની ઝેરોક્સ કઢાવીને મિત્રોને વહેંચતા હતા. કેટલાક સ્નેહીઓએ પુસ્તક પ્રકાશિત કરવા અંગે વિચારણા કરી હતી, પણ ટેકનીકલ કારણોસર એ વાત પડતી મૂકાઈ હતી. આમાંની ઘટનાઓનો હું સાક્ષી હોઉં, કાં મને તેની જાણ હોય. તેથી મનમાં થાય કે આ કામ થવું જોઈએ. પણ એ કરે કોણ?
**** **** ****

રજનીભાઈએ કચ્છના માંડવી ખાતે જઈને, ત્યાં રહીને વિવેકાનંદ રીસર્ચ એન્‍ડ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટની પરિચયપુસ્તિકા લખી હતી. વી.આર.ટી.આઈ. સાથેનો તેમનો નાતો ત્યારથી ગાઢ બન્યો હતો. વિવેકગ્રામ પ્રકાશનના ગોરધનભાઈ પટેલ કવિએ રજનીભાઈ સમક્ષ પુસ્તકનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખાસ નવાઈ નહોતી લાગી. નવાઈ એ વાતની લાગી હતી કે તેમની જરૂરત એકદમ સ્પષ્ટ હતી. રજનીભાઈએ લખેલા સેવાસંસ્થાઓ વિશેના ચુનંદા લેખો તેઓ પુસ્તકરૂપે પ્રકાશિત કરવા ઈચ્છતા હતા. ઘણા વરસોથી ઠેલાતું રહેલું આ કામ આમ અનાયાસે સાકાર થતું લાગે એનો રોમાંચ ઓર હોય! પણ વધુ રોમાંચ ત્યારે થયો કે આ પુસ્તક માટેના લેખોનું સંપાદન મને સોંપવું જોઈએ એમ રજનીભાઈએ ગોરધનભાઈને સૂચવ્યું. કારણ એટલું જ કે મારી પાસે તેમના મોટા ભાગના લેખો વિભાગવાર સચવાયેલા હતા. તેમાંથી પસંદગી કરવાનું કામ એ રીતે ઓછું અઘરું બની રહેતું હતું. ગોરધનભાઈ તત્ક્ષણ સંમત થઈ ગયા અને એ રીતે આ પુસ્તકના સંપાદનનું કામ મારે ફાળે આવ્યું. તેનું નામ પણ સેવાની સરવાણી સર્વસંમતિથી નક્કી થઈ ગયું.આ સંપાદનમાં અમે કયો ઉપક્રમ રાખ્યો તેની વાતથી લઈને કઈ કઈ સંસ્થાઓને લાભાન્વિત થઈ, આ પ્રકારનાં આલેખનો માટે તેમને કયાં કયાં માન-સન્માન મળ્યાં એ બધી વાતો આ પુસ્તકની મારી કેફિયતમાં વિગતે લખેલી છે. તેથી સેવાની સરવાણીના સંપાદકીય લખાણ તરીકે પુસ્તક માટે મેં લખેલી કેફિયત અહીં ઉતારું છું.

તરસ્યા અને તળાવના સંગમરૂપ બની રહેવાની
ક્ષમતા ધરાવતું પુસ્તક 

ભાવક-વાચક તરીકે સંઘરેલા પ્રિય લેખકના લેખોની મૂડીના આધારે એ પ્રકારના લેખોનું સંપાદન પુસ્તકરૂપે કરવાની તક પ્રાપ્ત થાય ત્યારે એક નાનકડું વર્તુળ પૂર્ણ થયાનો સંતોષ અનુભવાય છે.

સેવાની સરવાણીના પ્રાગટ્યપ્રસંગે
રજનીકુમાર પંડ્યા મારા અતિ પ્રિય વાર્તાકાર- લેખક, અને હવે તો આત્મીય સ્વજન બની રહ્યા છે. મારી લગભગ ચોવીસ-પચીસની ઉંમરથી તેમનાં તમામ પ્રકારનાં લખાણો નિયમીતપણે વાંચતો-સંઘરતો આવ્યો છું. પંદરેક વર્ષથી તેમની સાથે લેખનમાં સક્રિયપણે સંકળાયો છું અને છેલ્લા દસેક વર્ષથી પૂર્ણ સમયના લેખક, ખાસ તો ચરિત્રકાર તરીકેની કારકિર્દી સ્વીકારી તેની પાછળ પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે.
આથી રજનીકુમારનાં સંસ્થાવિષયક લખાણોના સંપાદનનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મેં એ તત્ક્ષણ સ્વીકારી લીધો, કેમ કે, તેમનાં મોટા ભાગનાં લખાણોથી હું પરિચીત હતો. પરસ્પર ચર્ચા પછી અમે સંપાદનમાં એ ઉપક્રમ રાખવાનું વિચાર્યું કે બને તેટલા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં કામ કરતી હોય એવી સંસ્થાઓ વિષેનાં લખાણ આ શ્રેણીનાં દરેક પુસ્તકમાં હોવાં જોઈએ.
આજના માહિતીના પ્રચંડ વિસ્ફોટના યુગમાં પણ ઘણાં ક્ષેત્રો-સંસ્થાઓ એવાં છે કે જેમના વિષે ભાગ્યે જ કશું લખાયું હોય. રજનીકુમારે આવી ખૂણેખાંચરે કામ કરતી સંસ્થાઓની જાતમુલાકાત લઈને, ત્યાં પૂરતો સમય ગાળીને તેના વિષે લેખો લખ્યા છે. જરૂર પડ્યે તેના સંચાલકોને મહત્ત્વનાં સૂચનો કર્યાં છે અને પરોપકારના કાર્યમાં દાન આપવા તત્પર અનેક દાતાઓને તેમનાં નાણાં સન્માર્ગે વાપરવાની પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણા આપી છે. આવી કેટલીક સંસ્થાઓમાં તેમની સાથે મને પણ જવાની તક મળી છે, તેમજ તેમના આવા લેખો વાંચીને જ અનેક સંસ્થાઓને મળેલી સહાયનાં સુખદ પરિણામ મેં જાતે જોયા છે. સાવ ઉભડકપણે યાદ કરું તો પણ કેટલી બધી સંસ્થાઓનાં નામ તરત હોઠે આવે છે! આજે વિશ્વપ્રસિદ્ધ બનેલા ગોરજના મુનિ સેવા આશ્રમના આરંભથી જ રજનીકુમારે તેના વિષે લખવાનું શરૂ કર્યું હતું અને આ આશ્રમને આજના સ્થાને પહોંચાડવામાં પાયારૂપ કામ તેમની કલમ દ્વારા થયું છે. એ જ રીતે મેઘરજ સેવા મંડળ તેમજ રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ વિષે પણ તેમણે શરૂઆતથી કલમ ચલાવી છે. વડોદરા નજીક સિંધરોટમાં શ્રમમંદીર, મેઘરજ જેવા સાવ છેવાડાના અને અછતગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ, ચીખલી પાસેના કુકેરી ગામનું માલવી એજ્યુકેશન ટ્રસ્ટ, ઉપલેટા પાસેના મૂરખડા ગામે આવેલું સખ્ય’, પોરબંદર પાસેના ઘુનડામાં કામ કરતું ભગવાન સત્સંગ સાગર ફાઉન્ડેશન, સિદ્ધપુર નજીકના સેદ્રાણાનું મંગલ જીવન ટ્રસ્ટ, અમીરગઢનું સર્જન ફાઉન્ડેશન જેવી અનેક સંસ્થાઓ તેમની કલમથી લાભાન્‍વિત થઈ છે એમ કહેવા કરતાં, પલ્લવિત અને નવપલ્લવિત થઈ છે, એમ કહેવું ઉચિત લેખાશે. અમરેલીની મૂકબધીર શાળા રજનીકુમારના જ એક લેખ દ્વારા અસ્તિત્ત્વમાં આવી હતી. સાવરકુંડલાનું ઓમકાર કેળવણી મંડળ, અમદાવાદનું નાસા ફાઉન્ડેશન, જેતપુરની મૂકબધીર શાળા, સુરતનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, બીલીમોરાનો મહાવીર વૃધ્ધાશ્રમ અને વિધવાશ્રમ જેવી સંસ્થાઓની યાદી જોતાં એ ખ્યાલ આવે છે કે તેમણે ગ્રામ્ય, શહેરી કે અર્ધશહેરી એવા તમામ વિસ્તારોની સંસ્થાઓની મુલાકાતો લીધી છે. આવી અનેક સંસ્થાઓ છે, જેની વાત આ શ્રેણીનાં વિવિધ પુસ્તકોમાં આવશે. દેશવિદેશમાં વસતા અનેક દાતાઓનો મોટો વર્ગ એવો છે જે રીતસર રાહ જોતો હોય કે આ વખતે રજનીકુમાર કઈ સંસ્થા વિષે લખવાના છે! સંસ્થાઓ ઉપરાંત અનેક વાર તેમણે વ્યક્તિગત દાન માટે પણ અપીલ કરી છે અને તેનો પણ એવો જ પ્રતિસાદ તેમના વાચકોએ આપ્યો છે. જાફરહુસેન મન્સુરી નામના ગરીબ હૃદયરોગીની બાયપાસ સર્જરી માટે રૂ. સાડા ત્રણ લાખ તેમના એક લેખથી એક જ સપ્તાહમાં એકઠા થઈ શક્યા હતા અને જાફરહુસેનને નવજીવન પ્રાપ્ત થયું હતું. થેલેસેમીયા પિડીત એક બાળક વિષે લખીને તેમણે બ્લડ પમ્પ મેળવી આપ્યો હતો અને એક નિરાધાર નિઃસંતાન વૃદ્ધ દંપતિને આજીવન દત્તક લેનાર એક પુત્ર પણ મેળવી આપ્યો હતો. આમ, તરસ્યા અને તળાવ વચ્ચે આવી સેતુરૂપ કામગીરી તેમણે આ રીતે બજાવી છે. આ યાદી સંપૂર્ણ નથી, તેમજ આ યાદી દ્વારા તેમની ઠાલી પ્રશંસા કરવાનો પણ કોઈ આશય નથી. કેવળ તથ્ય ખાતર તે અહીં જણાવ્યું છે.
રજનીકુમારનાં આ પ્રકારનાં સંસ્થાકીય લખાણોને વાચકોના પ્રચંડ પ્રતિસાદ ઉપરાંત અનેકવિધ સન્માનો પણ મળ્યાં છે. ૧૯૮૪ના શ્રેષ્ઠ ગ્રામલક્ષી કટાર આલેખન માટે ગુજરાત સરકારનો ઍવોર્ડ, તેમજ શ્રેષ્ઠ ગ્રામલક્ષી આલેખન માટેનો પ્રતિષ્ઠિત સ્ટેટ્મેન ઍવોર્ડ (૧૯૮૯), શ્રેષ્ઠ સમાજલક્ષી આલેખન માટે હરિઓમ આશ્રમનો ઍવોર્ડ (૧૯૯૫), ગુજરાત દૈનિક અખબારસંઘનો ૧૯૯૪નો સૌરાષ્ટ્ર સમાચારઍવોર્ડ (૧૯૯૫), ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ગ્રામલક્ષી કટારલેખનનો રૂપિયા પચ્ચીસ હજારનો ઍવોર્ડ (૧૯૯૭) જેવાં સન્માનોથી તેમની કલમ પોંખાઈ છે.
આ પ્રકારના લેખોની શ્રેણીમાંનું આ પહેલું પુસ્તક છે. તેમાં ઉલ્લેખાયેલી સંસ્થાઓના આરંભથી લઈને તેની કામગીરી તેમજ જરૂરિયાતની વિગતો વાચકો માટે, નાનીમોટી સહાય કરવા ઈચ્છતા સહૃદયી દાતાઓ માટે હાથવગી બની રહેશે. સંસ્થાઓના સંપર્કની વિગતો પણ તેમાં સમાવાયેલી છે.
આવા વિશિષ્ટ સંપાદનની તક આપવા બદલ વી.આર.ટી.આઈ.ના શ્રી ગોરધનભાઈ કવિ તેમજ રજનીકુમારનો આભારી છું. સામાન્ય વાચકથી લઈને સંસ્થાના સંચાલકો તેમજ દાતાઓ સુધીના સહુ કોઈને સેવાની આ સરવાણી ફળશે એનો મને વિશ્વાસ છે. 
-     બીરેન કોઠારી

                                             **** **** ****                                             પુસ્તક મંગાવવા અંગેની વિગતો:
પૃષ્ઠસંખ્યા: 144, પાકું પૂંઠું
કદ: ડેમી
કિંમત: રૂ. 400/- (વિશેષ વળતરરૂપે આ પુસ્તક રૂ. 200/-માં - રવાનગી ખર્ચ અલગ, અથવા રવાનગી ખર્ચ સાથે રૂ. 250/-માં) 
જાણીતા પુસ્તકવિક્રેતાઓ પાસેથી. 
પ્રકાશક પાસેથી સીધા મંગાવવું હોય તો અહીં:
ગોરધન પટેલ કવિ’,
વિવેકગ્રામ પ્રકાશન,
વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ.
માંડવી-કચ્છ. પીન- ૩૭૦૪૬૫
ફોન- (૦૨૮૩૪) ૨૨૩૨૫૩, (૦૨૮૩૪) ૨૨૩૯૩૪. ફેક્સ-૨૨૩૮૩૮



Friday, December 9, 2016

બાળકની પડખે હોવું એટલે....


માનો કે તમારે ઘેર તમારું ખાસ મિત્રદંપતી આવ્યું છે. મસ્ત મઝાની વાતોનો દોર ચાલી રહ્યો છે. મિત્રે પોતાનું વોટ્સેપ પણ બંધ રાખ્યું છે. આમ છતાં તમારો જીવ કોઈ પણ રીતે વાતચીતમાં ચોંટતો નથી. કારણ કે તમારી નજર સતત એ મિત્રના નાના સંતાન પર છે. એ એટલું ચંચળ અને અળવીતરું છે કે ગમે ત્યાં ચડી જાય છે, ગમે તેને અડકે છે, ખેંચે છે. તમને સતત ભય રહે છે કે એ ક્યાંક, તમારા ઘરની કોઈ વસ્તુનું નુકસાન ન કરી બેસે. મિત્ર કે મિત્રપત્ની પોતાના સંતાનની આવી વૃત્તિથી પરિચિત છે, તેઓ આ બધું જોઈ રહ્યાં છે, છતાં તેઓ ગુનાહિત નિર્લેપતા ધારણ કરે છે. કારણ કે, તેઓ માને છે કે બાળકને ટોકવું ન જોઈએ. ભલે એ ધમાલ કરે, મસ્તી કરે કે તોડફોડ કરે, તેને કશું ન કહેવાય. તોફાનમસ્તી તેનો મૂળભૂત અધિકાર છે અને એક આધુનિ, વિચારશીલ માબાપે આ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

આનો અર્થ એ નથી કે આપણે બાળલગ્ન, બાળમજૂરી કે બાળહત્યાના તરફદાર છીએ. પણ મિત્રદંપતીની આ હદની નિર્લેપતા જોઈને રહેવાય નહીં. મિત્રને ખરાબ લાગવાનું જોખમ લઈને પણ આપણે તેના સંતાનને સહેજ ઊંચા અવાજે ડારો દઈને બેસાડી દેવું પડે છે.

ક્યારેક આ સમસ્યા જુદા રૂપે સામે આવે છે. મોટેરાંઓ કશી અગત્યની વાત કરતાં હોય ત્યારે બાળક વચ્ચે આવી આવીને ઘોંઘાટ કરતું હોય છે. તે પિતા કે માતા સાથે મસ્તી કરવા ઇચ્છે, અને માતા કે પિતા વાતનું કે વ્યક્તિનું અગત્ય સમજતા હોવા છતાં સંતાનને સમજાવે નહીં અને તેને સાનુકૂળ પ્રતિભાવ આપે. આવા સમયે એ નાનકડું બાળક શેતાનનો અવતાર લાગે, અને તેનો પિતા આપણો મિત્ર હોવા છતાં શેતાનનો બાપ લાગે!

બાળકની વિવિધ ક્ષમતાનું અંકલ કે આન્‍ટી સમક્ષ નિદર્શન અલગ સમસ્યા છે, જેમાં બાળક નહીં, માબાપ ગુનેગાર હોય છે. મને લાગે છે કે આમ કરનારાં માબાપને એક મહિનાની કૈદ-એ-બામશક્કતની સજા ઓછામાં ઓછી થવી જોઈએ. એક જમાનામાં બાળકને કોઈ નવી ફિલ્મનું ગીત ગાવાની ફરજ પાડવામાં આવતી, ક્યારેક ટ્વિન્‍કલ ટ્વિન્‍કલ લિટલ સ્ટાર જેવી અંગ્રેજી પોએમ ગાવાની ફરજ પાડવામાં આવતી. આજકાલ ચાલી અઝારનો સ્માર્ટ ફોન છે. મને હજી વાપરતાં નથી આવડતો, પણ એ મારો બેટો બધું મચેડી કાઢે છે એમ કહીને બાળકને સ્માર્ટ ફોન પર વિવિધ ઍપ ડાઉનલોડ કરતો જોઈને સંતોષ અનુભવતા વાલીઓનો જમાનો છે. માબાપની માનસિકતાને બદલવી મુશ્કેલ છે.
આવી અનેક બાબતો પ્રત્યે ધિક્કાર છૂટતો હોય એ સમસ્યા મારા એકલાની નહીં હોય એની મને ખાતરી છે. મારા જેવા અનેક હશે. આનો ઉપાય શો? ઘડીભર આપણને થાય કે આપણે એ મિત્ર માટે બોધિવૃક્ષ બની જઈએ અને કહીએ, હે વત્સ, બાળસ્વતંત્રતામાં તું માનતો હો તો તારા બાળકને તારે પોતાને ઘેર જ સ્વતંત્રપણે રમવા દે. તેને લઈને આમ કોઈકને ઘેર જવાનું બંધ કર. કોઈ વાલ્મિકીને વાલિયો બનાવવાનું પાપ ન વહોર. પણ એ શક્ય નથી બનતું.
આપણે સમજીએ છીએ કે સ્વતંત્રતાનો મૂળભૂત વિચાર આવકારદાયક છે, પણ ખરી ખોટ તેની અસલ સમજણમાં રહેલી છે. છતાં દરેકને એમ લાગે છે કે પોતાની પાસે એ છે અથવા પોતાને એની જરૂર નથી. તેને સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ જતાં વાર નથી લાગતી. બાળઉછેરનાં ભલભલાં પુસ્તકમાં આના ઉપાયો હોતા નથી. અથવા હોય છે તો વહેવારુ નથી હોતા. તો પછી આનો ઉપાય શો?
**** **** ****

એક પુસ્તક વિશે વાત કરવી છે, જેમાં મનમાં ઊગતા આવા ઘણા સવાલોના જવાબ સમાયેલા છે. અને આ જવાબો કોઈ પુસ્તકિયા થિયરીરૂપે નથી. એ લખનારને જાતઅનુભવમાંથી તે જડેલા છે. એ પુસ્તકના મૂળ લેખક છે બિનપરંપરાગત શિક્ષણ આપતી બ્રિટનની વિશ્વવિખ્યાત શાળા સમરહિલના સ્થાપક એ. એસ. નીલ.

Image result for a s neill
'સમરહીલ'ના સ્થાપક એ.એસ.નીલ *

સમરહિલના પગલે અમેરિકામાં આરંભાયેલી સડબરી વૅલી સ્કૂલ વિશે ડેનિયલ ગ્રીનબર્ગનું પુસ્તક ફ્રી એટ લાસ્ટનો સુંદર અનુવાદ ક્ષમા કટારિયાએ કર્યો છે, જે ઓએસિસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાતમિત્રની મારી કોલમ ફિર દેખો યારોંમાં ત્રણ હપ્તામાં તેના વિષે લખવાનું બન્યું હતું. (આ લેખમાળામાં સડબરી વૅલીની વિશિષ્ટ શિક્ષણપદ્ધતિ વિશે અહીં, તેની કેળવણીની ફિલસૂફી વિશે અહીં અને ગુજરાતમાં થઈ રહેલા તેના સન્નિષ્ઠ અમલ વિશે અહીં વાંચી શકાશે.) બાલ્યાવસ્થાથી લઈને છેક તરુણાવસ્થા સુધી અનેક સમસ્યાઓ માબાપને તેમ જ બાળકોને સતાવતી રહે છે. જેમ કે- 

બાળકને કેટલી સ્વતંત્રતા આપવી? તે સામું બોલે તો તેને ઠપકો આપવો? કે ચલાવી લેવું? બાળક ગાળ બોલે તો? તોફાન કરે તો તેને ફટકારવું જોઈએ? તે ધૂમ્રપાન કરતું થાય તો? પોતાના મિત્રોને ઘરમાં બોલાવીને તે ધમાલ મચાવે તો? માબાપ વાત કરતાં હોય ત્યારે બાળક બૂમો પાડીને વચ્ચે વચ્ચે ખલેલ પહોંચાડે તો? બાળક આગળ માબાપે જૂઠું બોલવું જોઈએ? બાળકે પોતાને ગમતું જ કરવું જોઈએ? એકથી વધુ બાળકો હોય તો કોની વાત માનવી, જેથી બીજાને અન્યાય થયો હોવાનું ન લાગે? મહેમાનોની હાજરીમાં બાળક પોતાનાં જનનાંગો સાથે રમત કરે તો? બાળકે શું વાંચવું જોઈએ? તમારા બાળકને કોઈ ધમકાવી જાય તો? તમારું બાળક બીજાને ધમકાવે તો? બાળકને ચોરી કરવાની આદત પડે તો? તેણે ક્યારે સૂવા જવું જોઈએ?

આ સવાલો દેશકાળથી પર હોય છે. એ. એસ. નીલ પોતાની શાળા સમરહિલમાં આવા અનેક વિદ્યાર્થીઓ સાથે સફળતાપૂર્વક કામ પાર પાડી ચૂક્યા છે. તેને લઈને તેમની પર અસંખ્ય પત્રો આવતા રહેતા, જે લખનારાઓમાં માબાપ અને બાળકો બન્નેનો સમાવેશ થતો. આ પત્રોના જવાબ નીલ પોતાના અનુભવને આધારે, પણ તદ્દન વાસ્તવવાદી રીતે આપતા. પોતાના પર આવેલા આ પત્રોને તેમણે વિષય મુજબ વિભાજિત કર્યા અને સવાલજવાબ રૂપે જ તેને ફ્રીડમ- નૉટ લાઇસન્‍સ નામે પુસ્તક તરીકે આલેખ્યા.

Image result for freedom not license bookRelated image*


ઓક્ટોબર, ૨૦૧૬ના પ્રથમ સપ્તાહમાં ઓએસિસના સન્નિષ્ઠ સ્વપ્નદૃષ્ટા અને કર્તવ્યકુશળ સંજીવ શાહે મને આ પુસ્તક વાંચવા મોકલ્યું. મેં એ વાંચવાનું શરૂ કર્યું. પુસ્તક વાંચતી વખતે અમુક સંદર્ભ એવા આવ્યા કે સાલ લખવામાં ભૂલ થઈ હોય એમ લાગે. એ વખતે તેનું પ્રકાશન વર્ષ જોયું અને ખ્યાલ આવ્યો કે તે છેક ૧૯૬૬માં પ્રકાશિત થયેલું હતું. આનો અર્થ એ કે પુસ્તક વાંચતી વખતે ખ્યાલ જ ન આવ્યો કે આ સમસ્યાઓ એટલી જૂની છે. અલબત્ત, આ પુસ્તક સંજીવભાઈએ મને ફક્ત વાંચીને પાછું આપવા નહોતું મોકલ્યું. મારે તેનો અનુવાદ કરવો એમ તેમનું સૂચન હતું, અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં એ કરી આપું એવો આગ્રહ હતો.

એક તરફ હાથ પરનાં અન્ય કામ, માથે તોળાતી દિવાળીની રજાઓ, બીજી તરફ આટલા અદ્‍ભુત પુસ્તકનો અનુવાદ કરવાની મળી રહેલી તક અને એ ઝડપી લેવાની લાલચ!
છેવટે લાલચની જીત થઈ. અને કામનો આરંભ થયો. અનુવાદ કરતી વખતે ડેડલાઈનનું દબાણ સખત હોય એ સ્વાભાવિક છે. તેથી એક વાર આખો અનુવાદ સમયમર્યાદા અગાઉ પૂરો કરી લેવો એમ નક્કી કર્યું. જેથી બીજી વખત વાંચવાનો અને તેની પર કામ કરવાનો પૂરતો સમય મળી રહે. 

આ શ્રેણીનાં અગાઉનાં બન્ને પુસ્તકોનો સુંદર અનુવાદ કરી ચૂકેલાં ક્ષમા કટારિયાએ મહેમાન ભૂમિકા ભજવવાની હતી. કામ શરૂ થયું અને જેમ પ્રકરણો થતાં ગયાં એમ એ ક્ષમાને મોકલતો ગયો. સમયમર્યાદા સાવ ઓછી હોવાને કારણે પુસ્તકના ટાઇટલની ડિઝાઇનનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ઓએસિસનાં મોટા ભાગનાં પુસ્તકોનાં ટાઇટલ તૈયાર કરનાર કલાકાર જૉલી માદ્રાએ પુસ્તકના કેન્દ્રીય વિચારને અનુરૂપ ટાઇટલ બનાવ્યું, જે પહેલીવારમાં જ સૌને પસંદ પડી ગયું. 
'ફ્રીડમ-નૉટ લાઈસન્‍સ'નો ગુજરાતી
અનુવાદ 
જોતજોતાંમાં નિર્ધારિત સમયમર્યાદામાં અનુવાદનું કામ પૂરું પણ થઈ ગયું. 

હવે તેનું પરામર્શન કરવું જરૂરી હતું, જે સૌથી અગત્યનો તબક્કો હતો. આ પુસ્તકના વિચારો માતાપિતાથી લઈને શિક્ષકો, કેળવણીકારો વગેરે સૌને સમજાય એ રીતે મૂકાય તો જ તેનો અર્થ સરે. તરજુમો કરીને મૂકી દેવાથી એક કામ ઉંચું મૂકાઈ જાય, પણ તેનો હેતુ સરે નહીં. આવી સ્પષ્ટ સમજણને કારણે કામની વહેંચણી પણ એ રીતે અમે કરી લીધી હતી. પરામર્શનનું કામ ક્ષમાના ભાગે હતું. તેમણે આખો અનુવાદ વાંચીને તેમાં માર્કિંગ કર્યાં હતાં. આ મુદ્દાઓ અંગે અમારે ચર્ચા કરીને, સમજીને તેને ભારતીય સંદર્ભમાં અથવા સમજાય એવા સંદર્ભમાં મૂકવાનાં હતાં. અગાઉ નીલના પુસ્તકનો અનુવાદ તેમણે કર્યો હોવાથી નીલની ફિલસૂફીથી તે તદ્દન પરિચીત હતાં. આને લઈને ઘણો ફાયદો થયો. અમે મૂળ અંગ્રેજી વાતાવરણના સંદર્ભને સ્થાનિક સંદર્ભોમાં મૂકી આપવાના બનતા પ્રયત્નો કર્યા, જેથી વાતનો અર્ક બરકરાર રહે. 

કાદ ઉદાહરણ આપીને આ વાત સ્પષ્ટ કરું. અપશબ્દો અંગેના સવાલના જવાબ બાબતે મૂળ પુસ્તકમાં એક વાક્ય આમ હતું. 

A Scottish ploughman will describe a chattering man as “heverin’ hoor,”. But the educated Scot will call the same fellow a “blethering bugger.”

અમે તેનો ભાવાર્થ સમજીને તેનો સંદર્ભ આ રીતે કર્યો. 

"અતિશય બકબક કરતા માણસને ગામડાનો માણસ ભડભડિયો કહેશે, અને શિક્ષિત માણસ બોલકણો કહેશે." 

આ એક નાનું ઉદાહરણ છે, પણ ખ્યાલ આપવા માટે પૂરતું છે. 
એ ચર્ચા કરતાં, સંદર્ભો ગોઠવતાં જે આનંદ આવ્યો છે એની શી વાત કરવી! એ કરતી વખતે સતત અહેસાસ થયા કરતો હતો કે આ પુસ્તકને કેવળ શિક્ષક કે આચાર્યો પૂરતું સીમિત કરવા જેવું નથી. બાળક સાથે કામ કરતા હોય એવા સહુ કોઈએ આ પુસ્તક વાંચવા જેવું છે. બાળકોની સ્વતંત્રતા અંગેની ગેરસમજણનાં ઘણાં જાળાં આ પુસ્તક સાફ કરી આપશે. ચાર-પાંચ દિવસની સતત બેઠકને અંતે એ કામ પણ સરસ રીતે પાર પડ્યું. 
નીલની સૌથી સ્પર્શી જતી કોઈ બાબત હોય તો એ છે તેમની પ્રામાણિકતા. આટઆટલા અનુભવી હોવા છતાં જે બાબત અંગે પોતાને ખબર ન હોય તો એ સ્વીકારતાં તેમને કશો ખચકાટ નથી. સાથે સાથે તેના સંભવિત ઉકેલ પણ તેઓ સૂચવે છે. અને જ્યાં તેમને ખબર છે ત્યાં કોઈનીય પરવા કર્યા વિના ધારદાર રીતે જવાબ આપ્યા છે. આખું પુસ્તક વાંચતાં થાય કે આપણે માની લઈએ છીએ કે વાલી/માબાપ/શિક્ષકો તરીકે આપણે હંમેશાં બાળકને પક્ષે જ હોઈએ છીએ- બાળકના ભલાને આગળ ધરીને આપણે ઘણું ઘણું વાજબી ઠેરવતાં હોઈએ છીએ. પણ હર સ્થિતિમાં બાળકના પક્ષે હોવું એટલે શું એ નીલના એકેએક જવાબમાંથી સ્પષ્ટ રીતે નીતરે છે. આ સમજાય તો પણ ઘણું. 

ગુજરાતી અનુવાદમાં અમે મૂલ્યવૃદ્ધિ એ રીતે કરી છે કે જે-તે વિષયના મુખ્ય શીર્ષકની સાથે સાથે અમે દરેક સવાલનાં પણ પેટાશીર્ષક આપ્યાં છે, જેથી એક વાર વાંચી લીધા પછી અનુક્રમણિકા દ્વારા તે ફરી શોધવામાં સરળતા રહે. અહીં કેટલાક સવાલોનાં શીર્ષકો મૂક્યાં છે, જેથી નીલના વ્યાપનો ખ્યાલ આવી શકે. આ સવાલો દરેક દેશમાં, દરેક બાળકને, માબાપને, શિક્ષકને સૌને સ્પર્શે છે: 

સ્વતંત્રતાની સીમા કઈ? / બાળક સતત ફોન પર ચીપકી રહે તો?/ બાળક ટી.વી. જુએ તો?/ દીકરી માતાનાં વસ્ત્રો પહેરે તો? / સ્વતંત્રતાના વિચાર અને આચાર અલગ હોય તો... / બાળક વિનમ્ર ન હોય તો? / બાળક ખર્ચના ખાડામાં ઉતારે ત્યારે../ બાળકે ભણવાને બદલે કામધંધો કરવો જોઈએ?/ માએ કામવાળી બનવું જોઈએ?/ બાળકનો ક્રોધ / અણગમતા વિષયો ભણવા પડે ત્યારે/ ફરજિયાત ભણવું લાભદાયી?/ ગૃહકાર્ય માટે બળજબરી થાય? / માસિકસ્રાવ/ ગર્ભનિરોધકો/ શીખવાની શરૂઆત વેળાસર કરી દેવી? / સેન્‍સરશિપ/ અનિચ્છનીય સાથીદારો / ધાર્મિક તાલીમનો સામનો કેમ કરવો?/ શાળામાં ધર્મનું શિક્ષણ કેમ નહીં? / મિશ્ર લગ્ન કેવું?/ લગ્નની ઉંમર કઈ? / બાળકને છાનું રાખવું કે નહીં? /બાળકની અતિશયોક્તિની આદત / બાળક જૂઠું બોલે એ કેમ ચાલે?/ ભાવતું - ન ભાવતું / બાળકે માગેલી વસ્તુ લાવી આપવી જોઈએ? / મોડે સુધી બહાર રહેવું / અપશબ્દો એટલે/ ચોરીછૂપીથી ધૂમ્રપાન / મદ્યપાન/ નશીલી દવાઓની લત/ મેક અપ/ માતાપિતા વચ્ચેના મતભેદ/ પતિપત્ની વચ્ચેના ઝઘડા અને બાળકો/ ભાંડરડાંઓનો સ્પર્ધાભાવ વગેરે....

પુસ્તકના લે-આઉટનું મુખ્ય કામ અલ્કેશભાઈ રાવલે સફાઈદાર રીતે અને ઝડપભેર પૂરું કર્યું. આ બધાની સમાંતરે સંજીવ શાહનાં પ્રતિભાવ અને સૂચનો ચાલુ જ હતાં. એ રીતે ટીમવર્કથી આ કામના તમામ તબક્કા ધારેલી સમયમર્યાદામાં પૂરા થઈ શક્યા.  

આ પુસ્તકનું લોકાર્પણ 2 ડિસેમ્બર, 2016ને શુક્રવારના રોજ થયું. બાળકોમાં રસ ધરાવતા, બાળકો સાથે કામ પાડતા, પોતાના કુટુંબમાં બાળકો હોય એવા સહુ કોઈને આ પુસ્તક એક નવી દૃષ્ટિ અને માર્ગદર્શન આપનારું બની રહેશે, એમાં કોઈ શંકા નથી. બાળકો સાથે આપ કામ પાર પાડી ચૂક્યા હો, બાળકો સાથે કામ પાર પાડી રહ્યા હો, બાળકો સાથે કામ પાર પાડવાના હો યા બાળકો સાથે આપ સંકળાવાના ન હો તો પણ આ પુસ્તક વાંચવું જરૂરી છે એમ મને લાગે છે. 
માબાપ કે વાલી તરીકેના અહમની, પોતાનાં સંતાનોને સ્વતંત્રતા આપી દીધી હોવાના ગુમાનના ગઢની એકાદી કાંકરી આ પુસ્તક ખેરવી શકે અને સાચી સમજણનો ઉજાસ પ્રગટાવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. 
**** **** **** 

પુસ્તક અંંગેની વિગત:

  • પૃષ્ઠસંખ્યા: 240 
  • કદ: 8 X 5 ઈંંચ (ડેમી)
  • કિંમત: 200/- રૂ. (વધુ નકલો પર વિશેષ વળતર) 
  • પુસ્તક મંગાવવા માટે સંપર્ક: 

Oasis, 
'મૈત્રીઘર', 201, શાલીન એપાર્ટમેન્‍ટ, 
52, હરિભક્તિ કૉલોની, 
રેસકોર્સ, વડોદરા- 390 007. 
ફોન: +91 265 2321 728 (સવારના 10.00 થી સાંજના 6.00 દરમ્યાન) /+91 99243 43083 (મો.)
ઈ-મેલ: theoasisshop@yahoo.co.in 

(* નિશાનીવાળી તસવીરો નેટ પરથી) 

Thursday, December 1, 2016

ચાલો...કૃષ્ણ-સુદામા રમીએ!

-ઉત્પલ ભટ્ટ 

(ઉત્પલ ભટ્ટની આ અગાઉની પોસ્ટમાં અહીં  લિંગા આશ્રમશાળામાં યુનિફોર્મ વિતરણની તૈયારી અંગે વાંચ્યું હતું. આ અહેવાલમાં વાંચો યુનિફોર્મ વિતરણ ઉપરાંત ગાયનેકોલોજીકલ તપાસ કેમ્પની રસપ્રદ વિગત.) 

લીંગા આશ્રમ શાળાના યુનિફોર્મ સીવાઇને તૈયાર હતા. ગાયનેકોલોજીસ્ટ્સ ડૉ. અમી અને ડૉ. સુજલ મુન્શી પણ વઘઇ ખાતે મેડિકલ કેમ્પ યોજવા આતુર હતા. એમના ખૂબ વ્યસ્ત શિડ્યુઅલમાં આઘુપાછું કરીને મેડિકલ કેમ્પ માટે તા. ૨૬-૨૭ નવેમ્બર ફાળવી. એટલે તા. ૨૬ નવેમ્બર, શનિવારે બપોરે વાગ્યે વઘઇ સરકારી હાઇસ્કૂલ ખાતે ધોરણ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે "ગાયનેકોલોજીકલ જાગૃતિ અને તપાસ" કાર્યક્રમનું આયોજન કર્યું. 'ખૂબ વ્યસ્ત શિડ્યુઅલ'નો ઉલ્લેખ એટલે કર્યો કે અમદાવાદમાં એક વિસ્તારમાં રહેતા હોવા છતાં પણ મને બંને વરસમાં એક-બે વખત મળી શકે છે. ચીચીના ગાંવઠા આશ્રમશાળાના આચાર્ય શ્રી યશવંતભાઇએ કાર્યક્રમની સમગ્ર જવાબદારી ઉપાડી લીધી હતી. એમના મિત્ર અને વઘઇ સરકારી હાઇસ્કૂલના આચાર્ય શ્રી બુધાભાઇ કુંવર સ્વભાવના એવા મિલનસાર અને સેવાભાવી નીકળ્યા. તા. ૨૬ નવેમ્બરે વઘઇ જવાનું ગોઠવાઇ ગયું, અને કાર્યક્રમની બધી તૈયારીઓ શરૂ થઇ ગઇ. તા. ૨૫ મી સવારે કાયમના સારથિ લક્ષ્મણભાઇને ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેમને અગત્યના કામથી રાજસ્થાન આવેલા પોતાના ગામ અચાનક જવાનું થયું હતું અને અમને ડાંગ લઇ જઇ શકે તેમ નહોતા. ફોનનાં ચકરડાં ઘુમાવી-ઘુમાવીને છેક સાંજે બીજી એક ઇનોવા નક્કી કરી. બીજા દિવસે સવારે વહેલા વાગ્યે નીકળી જવું હતું એટલે તા. ૨૫ મી ની રાતે ગાડીમાં બધો સામાન ભરી દેવાનું નક્કી કર્યું હતું. ભાડાની ગાડી રાતે છેક ૧૧ વાગ્યે જયેશની દુકાન પર આવી. ત્યાંથી યુનિફોર્મના થેલા અને માલા શાહે આપેલી ૧૦૦૦ નોટબૂક્સ/ચોપડા, કંપાસ, સ્લેટ, લંચ બોક્સ વગેરે સામાન ભરીને ગાડી છલોછલ કરી નાખી.
**** **** ****
વઘઈ આશ્રમશાળાનું વિદ્યાર્થીઓથી શોભતું ભવ્ય મેદાન 
તા. ૨૬ ની સવારે વાગ્યે છલોછલ ભરેલી ગાડીમાં અમે બધા ગોઠવાયા. કેરિયર પર પણ વધુ પડતો સામાન બાંધ્યો હોવાથી કપડાંની બેગ દરેક ઉત્સાહીઓએ પોતાના ખોળામાં રાખવી પડી! આમ પ્રવાસ શરૂ થયો અને રાબેતા મુજબ રાજ્ય ધોરી માર્ગ પર મોટરકાર હંકારીને અમે બપોરે બેના ટકોરે તો વઘઇ સરકારી હાઇસ્કૂલ પહોંચી ગયા. વઘઇ સાત હજારની વસ્તી ધરાવતું નાનું ટાઉન છે. વઘઇના પ્રવેશદ્વાર પર યશવંતભાઇ અમારી રાહ જોતા ઊભા હતા. એમની સાથે સરકારી હાઇસ્કૂલમાં પહોંચ્યા અને એનું અકલ્પનિય વિશાળ છતાં ચોક્ખુંચણાક મેદાન જોઇને અમારી આંખો આનંદાશ્ચર્યથી પહોળી થઇ ગઇ. આચાર્ય શ્રી બુધાભાઇએ અમને ઉમળકાભર્યો આવકાર આપ્યો. એકબીજાની ઓળખાણ કરીને અમે એમના કાર્યાલયમાં બેઠા અને ચા પીતા વાતે વળગ્યા. બુધાભાઇ શાળામાં ભણ્યા, અહીં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને અહીં આચાર્ય બન્યા તેની વાતો ગર્વભેર કરી. મેડિકલ કેમ્પનો સમય ત્રણ વાગ્યાનો હતો એટલે વઘઇ અને તેની આસપાસ આવેલ ચાર શાળાઓની ૨૦૦ વિદ્યાર્થીનીઓ મોટા હોલમાં શિસ્તબધ્ધ બેસી ગઇ હતી. ડૉક્ટરોને મદદ કરવા યશવંતભાઇની કાઉન્સેલર પુત્રી નિકિતા અને શાળાની શિક્ષિકાઓ પણ હાજર હતાં. હમેશા પડદા પાછળનો દોરીસંચાર કરતી મારી પત્ની નેહલ વખતે મેડિકલ કેમ્પમાં પોતાનો સક્રિય ફાળો આપવા હાજર હતી. અમે એવું નક્કી કર્યું હતું કે ગાયનેકોલોજીકલ કેમ્પ હોવાથી ડૉક્ટરો સિવાય બીજા એક પણ પુરૂષસભ્યે હોલમાં હાજર રહેવું, જેથી કરીને છોકરીઓ મુક્તપણે અને વિનાસંકોચે ડૉક્ટરો સાથે વાર્તાલાપ કરી શકે અને પોતાને મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે. રીતે કેમ્પ શરૂ થયો અને હું, યશવંતભાઇ અને બુધાભાઇ શાળાના મેદાનમાં લટાર મારવા નીકળ્યા.
**** **** ****
બુધાભાઇને આયુર્વેદમાં ખૂબ રસ છે અને ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ વિશે ઊંડુ જ્ઞાન ધરાવે છે. મેદાનમાં ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ વાવી છે એની ઓળખ કરાવી. લીલાં શાકભાજી પણ વાવેલા હતા. થોડાક વિસ્તારમાં નાગલીનો પાક પણ લીધો હતો. બધું જોતાં-જાણતાં અને અલકમલકની વાતો કરતાં બે કલાક ક્યાં જતા રહ્યા તેની ખબર પડી. દરમ્યાન મેડિકલ કેમ્પ સમાંતરે ચાલી રહ્યો હતો. ડૉક્ટરોએ શરૂઆતમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપીને શરીરની રચના વિશે જરૂરી જાણકારી આપી. ત્યાર પછી વાર્તાલાપ શરૂ થયો. ધીમે ધીમે છોકરીઓનો સંકોચ દૂર થતો ગયો અને સવાલ-જવાબ શરૂ થયા. મેડિકલ તપાસ દરમ્યાન ડૉ. અમી મુન્શીએ ૨૩ છોકરીઓ એવી તારવી કે જેમને વધુ દવાઓ/ટ્રીટમેન્ટની જરૂર છે. દરેક છોકરીઓની તકલીફો દર્શાવતું ફોર્મ ભરીને ડૉ. અમીએ ફાઇલ કર્યું. હવે જેટલા દિવસનો દવાઓનો કોર્સ જરૂરી હશે તે પ્રમાણે તમામ ૨૩ છોકરીઓને અમી અને સુજલ તરફથી મફત સપ્લાય મોકલવામાં આવશે. અમદાવાદથી ડાંગની નવી મેડિકલ પૂરવઠાલાઇન શરૂ થવા જઇ રહી છે

ડૉ. સુજલ અને અમી મુન્‍શી (ડાબે) તેમજ નેહલ ભટ્ટ (જમણે) સાથે
ખુશખુશાલ વિદ્યાર્થીનીઓ 

યશવંતભાઇની પુત્રીને હાલમાં વઘઇ આરોગ્ય કેન્દ્રમાં કાઉન્સેલરની નોકરી મળી છે એટલે તે છોકરીઓનું ફોલોઅપ કરીને ડોક્ટરોને દવાઓની અસરનો ફીડબેક આપશે. ટૂંકમાં છોકરીઓ નોર્મલ થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. યશવંતભાઇના કહેવા મુજબ સમગ્ર ડાંગમાં પ્રકારનો ગાયનોકોલોજીકલ જાગૃતિ અને તપાસ કેમ્પ પ્રથમ વખત થયો છે. જે પ્રકારે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો એથી હું અને ડોક્ટરો પણ ખૂબ ખુશ થયા છીએ. પ્રશ્નોત્તરી કાળ પૂરો થવામાં હતો ત્યાં હાજર રહેલી એક છોકરી દોડતી ડૉ. અમી પાસે આવી અને કાગળનો નાનો ટૂકડો આગળ કરીને કહ્યું કે "બેન, સહી કરી આપો!". 
હૃદયસ્પર્શી કહી શકાય તેવી ઓટોગ્રાફ માગવાની ઘટના વાતની સાબિતી હતી કે ગાયનોલોજીકલ કેમ્પનું અમારૂં આયોજન સંપૂર્ણ સફળ થયું હતું, છોકરીઓને મુંઝવતા પ્રશ્નોના ડોક્ટરો તરફથી સંતોષકારક જવાબો મળ્યા હતા. 

ગાયનેકોલોજિકલ કેમ્પનો લાભ લેનારી વિદ્યાર્થીનીઓ 

ભવિષ્યમાં
પ્રકારના વધુ કેમ્પ યોજવામાં આવશે. ડૉ. અમીનું આગ્રહભર્યું સૂચન છે કે બધી છોકરીઓને 'સેનેટરી નેપકીન'ની અનિવાર્ય જરૂરિયાત છે અને એમની વાત એક્દમ સાચી છે એટલે ખૂબ ઝડપથી 'બજેટ' બનાવીને સેનેટરી નેપકીન્સ મોકલવાનો બંદોબસ્ત કરીશું. હવે કોઓર્ડિનેશન માટે યશવંતભાઇ અને બુધાભાઇનો મજબૂત ટેકો છે એટલે કામ કરવાનો અમારો ઉત્સાહ બેવડાયો છે અને નવું જોમ આવ્યું છે. સેનેટરી નેપકીન્સના પ્રોજેક્ટ માટે નવેસરથી ફંડ મેળવવાનું થશે માટે બ્લોગ વાંચકો/મિત્રોને વિનંતી કે તેઓ સક્રિય આર્થિક ટેકો આપે. કેમ્પ પૂરો થયો એટલે બધી છોકરીઓને મેદાનમાં ભેગી કરીને દરેકને પાંચ પાંચ નોટબૂક્સ/ચોપડાઓનું વિતરણ કર્યું જે મેળવીને બધા બહુ ખુશ હતા.
**** **** ****

ત્યાર બાદ યશવંતભાઇએ વઘઇના સખીમંડળની મુલાકાત ગોઠવી હતી. શાળાથી નજીક આવેલા સખીમંડળના મકાનમાં જઇને ત્યાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણ્યું. યશવંતભાઇનાં પત્ની પણ સખીમંડળમાં કામ કરે છે. અહીં મહિલાઓ દડિયા, ડિશો બનાવે છે. નાગલીની પાપડી, નાગલીના બિસ્કીટ જેવી જુદી જુદી ખાદ્યચીજો બનાવીને મહિલાઓને પગભર બનાવવામાં આવે છે. સખીમંડળને 'સેનેટરી નેપકીન બનાવવાનું મશીન' આપી શકાય તેમ છે. દિશામાં વધુ ચર્ચા-વિચારણા શરૂ કરી છે. મશીન મૂકવાનો પ્રોજેક્ટ ખરેખર સફળ સાબિત થાય તેવો છે. રૂ. ,૨૦,૦૦૦/- મશીનની કીમત + રૂ. ૪૮,૦૦૦/- કાચો માલ (૪૦,૦૦૦ નેપકીન્સ માટે) + રૂ. ૨૦,૦૦૦/- તાલિમ. એટલે કુલ રૂ. ,૮૮,૦૦૦/- નું ફંડ એકઠું થાય તો પ્રોજેક્ટ શરૂ કરી શકાશે જેના બે ફાયદા થશે -મહિલાઓ પગભર થશે અને આસપાસ રહેતી વિદ્યાર્થીનીઓ/મહિલાઓને ફક્ત રૂ. /- માં સેનેટરી નેપકીન મળશે. વાચકોમાંથી કોઇને પણ જૂથ બનાવીને પ્રોજેક્ટ પાર પાડવો હોય તો મારો સંપૂર્ણ સહકાર છે. ડાંગ કલેક્ટર તરફથી સખીમંડળને મફત મકાન અને વીજળીની સગવડ પૂરી પાડવામાં આવી છે. જરા વિચારો, ૨૦૧૭ ની સાલમાં પણ વિકાસ પામેલા ગુજરાત રાજ્યમાં આપણી બહેન/દીકરીઓને સેનેટરી નેપકીન માટે ટટળવું પડે કેવું લાગે! બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ પર્સ, મોંઘી ગાડીઓ, રેસ્ટોરન્ટમાં નિયમિત મિજબાનીઓ - બધું કરતી વખતે એક વખત તો ફક્ત રૂ. બે નું સેનેટરી નેપકીન બીજાને આપવાનો વિચાર મનમાં ઝબકી જવો જોઇએ. શું આપણે એટલા બધા અસંવેદનશીલ થઇ ગયા છીએ કે આવો ચોક્ખાઇનો સાવ મૂળભૂત મુદ્દો નજરઅંદાજ કરી શકીએ?
**** **** ****
વઘઇના સખીમંડળમાંથી નાગલીની પાપડી લઇને અમે શિવારીમાળ આશ્રમશાળા તરફ ગાડી હંકારી જ્યાં અમારૂં રાત્રિરોકાણ હતું. રસ્તામાં વચ્ચે ગીરા ધોધની મુલાકાત લીધી અને કલાકેક પછી શિવારીમાળ આશ્રમ શાળા પહોંચ્યા. શાળામાં ત્રણ વર્ષ પહેલાં યુનિફોર્મ આપેલો હતો. યશવંતભાઇ સતત અમારી સાથે હતા. શાળાના આચાર્ય શ્રી સતીશભાઇ અને શિક્ષિકા શ્રીમતી ઉર્મિલાબેન અમને આવકારવા હાજર હતા. હાથ-મ્હોં ધોઇને સવારનો થાક ઉતાર્યો અને ડૉક્ટરોને શાળા બતાવી. નવસારીના પાટીદાર સમાજે શાળા, છાત્રાલય, રસોડું અને આરામગૃહના મકાનો લગભગ બે કરોડના ખર્ચે એક્દમ નવા બનાવી આપ્યા છે. સરસ મઝાના શૌચાલયો, નહાવાના બાથરૂમો પણ બન્યા છે. વિવિધ સમાજોએ દરેક આશ્રમશાળાઓ આવી બનાવી દેવી જોઇએ.
થોડી વારમાં ભોજન તૈયાર થઇ ગયું અને અમે ગરમાગરમ ભોજન કરવા એક પંગતમાં બેઠા. નાગલીનો લાલ રોટલો, અડદની દાળ, શાક, તીખી તમતમતી લસણની લાલ ચટણી અને ફક્ત ડાંગમાં બનતું વાંસનું અથાણું ખાવાની ડોક્ટરોને પણ મઝા પડી ગઇ. પેટ ભરીને જમ્યા પછી છાત્રાલયના બાળકો સાથે વાર્તાલાપ શરૂ કર્યો. આનંદી કાગડા જેવા બાળકો સાવ આછી લાઇટના પ્રકાશમાં વાંચન કરી રહ્યા હતા. અમે તરત મુદ્દો આચાર્ય સમક્ષ ઊઠાવ્યો કે રીતે આછી લાઇટના પ્રકાશમાં વાંચવાથી આંખો ખરાબ થશે
આછા પ્રકાશની ફરિયાદ વિના આનંદથી વાંચતી વિદ્યાર્થીનીઓ 
સુજલ અને અમીએ અંદરોઅંદર વાત કરીને તરત રૂ. ૨૦૦૦/- ની નવી નક્કોર નોટ આચાર્યને આપી કે આમાંથી બે ઓરડામાં - ટ્યુબલાઇટો નખાવી દેવી. આને કહેવાય ત્વરિત નિર્ણયશક્તિ અને આપવાની ઇચ્છાશક્તિ. ડાંગ જીલ્લામાં શિયાળામાં હાડ ગાળી નાખે તેવી કડકડતી ઠંડી પડે છે. બાળકો પાસે ઘરેથી લાવેલા પાતળા ચોરસા છે જે ગરમાટો આપવા માટે પૂરતા નથી. અમુક બાળકો બે વચ્ચે એક ચોરસો ઓઢીને ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમુક બાળકો પાસે તો સ્વેટર પણ નથી. તો સુદામાની તમામ કૃષ્ણોને ટહેલ છે કે તાત્કાલિક ધાબળા/બ્લેન્કેટ જે સસ્તું હોય તેની વ્યવસ્થા કરી આપો. રૂબરૂ પહોંચાડવાની જવાબદારી મારી. શિવારીમાળ, ચીચીના ગાંવઠા અને ડુંગરડા એમ ત્રણ આશ્રમશાળાઓમાં દરેકમાં સરેરાશ ૧૭૦ બાળકો છે. જેટલા થાય તેટલા ધાબળા/બ્લેન્કેટ આપો. શહેરમાં ફૂટપાથ પર સૂતાં ગરીબોને ધાબળા ઓઢાડતા દાતાઓને એટલું કહેવાનું કે એમાંથી મોટા ભાગના ધાબળા અડધા ભાવે વેપારીઓને પાછા વેચી આવવામાં આવે છે. ખરાઇ કરવા માટે કાલુપુર પાસે આવેલી ધાબળાની દુકાનોમાં પૂછી આવવું. આશ્રમશાળાઓમાં ધાબળા આપશો તે વરસોવરસ ચાલશે એની બાંહેધરી હું આપું છું.

રાતે કડકડતી ઠંડી શરૂ થઇ ગઇ હતી. શાળાના કમ્પાઉન્ડમાં ખુરશીઓ નખાઇ અને તાપણું સળગાવવામાં આવ્યું. તાપણાનો ગરમાટો લેતાં લેતાં ફરીથી અલક-મલકની વાતો શરૂ થઇ જે મોડે સુધી ચાલી. સવારનો થાક હતો એટલે પથારીમાં પડતાંની સાથે સૂઇ ગયા.
**** **** ****
સવારે વહેલા ઊઠીને ચા સાથે ગરમ રોટલી ખાધી અને લીંગા જવા નીકળી ગયા. લીંગા આશ્રમશાળામાં યુનિફોર્મ આપ્યા
લિંગા આશ્રમશાળામાં યુનિફોર્મ વિતરણ 
ત્યાંથી નીકળીને જામલાપાડા ખાતે આવેલા અંબિકા હળદર ફાર્મ ખાતે રોકાયા. અહીં રહેતા દક્ષાબહેને મશરૂમનો પાક લેવાનું પણ શરૂ કર્યું છે
મશરૂમ

રૂ
. ૨૦૦/કિલોના તાજાં મશરૂમ લીધા અને ત્યાંથી વ્યારા, માંડવી થઇને અમદાવાદ તરફ ગાડી મારી મૂકી.

તાજાં મશરૂમ

અત્યારે શેરડીની કાપણીનો સમય છે એટલે માંડવીથી નેત્રંગ જવાના રસ્તે બંને બાજુએ દેશી ગોળ બનાવવાના પ્લાન્ટ શરૂ થઇ ગયા છે. એક તરફ શેરડી પીલાય, તેમાંથી નીકળતો રસ લોખંડના ખૂબ મોટા અને ખૂબ ગરમ તાવડામાં ઠલવાય, એમાંથી પ્રવાહી રસ ઊડતો જાય અને ધીમે ધીમે ઘટ્ટ ગોળ બનતો જાય, એવો પ્રવાહી ગોળ બને એટલે એને ડબામાં ભરીને ઠારવામાં આવે અને --૧૫ કિલોના પેકિંગમાં વેચવામાં આવે. પીલાયેલી શેરડીના કૂચાને બળતણ તરીકે વાપરવામાં આવે. કોઇ પણ પ્રકારના કેમિકલ પ્રોસેસ વગરનો ઘટ્ટ કથ્થઇ રંગનો શુધ્ધ દેશી ગોળ. શહેરમાં જે ગોળ મળે તેમાં સલ્ફર પસાર કરીને તેને સફેદ બનાવવામાં આવે. એના કરતાં આવો નૈસર્ગિક ગોળ ખાવાથી તંદુરસ્તી સારી રહે છે.

ગરમાગરમ દેશી ગોળ 
કર્મશીલ માલાએ આપેલા લંચબોક્સ, કંપાસબોક્સ, સ્લેટના ખોખાઓ યશવંતભાઇની ગાડીમાં ટ્રાન્સફર કર્યા એટલે એમની શાળામાં વહેંચી દેશે. માલાએ એટલો બધો પૂરવઠો મોકલ્યો છે કે બદલ એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે. હજુ વધુ પૂરવઠો મોકલશે તો અમને ગમશે ! એક જગ્યાએથી સામાન લઇને બીજી જગ્યાએ પહોંચાડવો -- રીતે ટપાલીનું કાર્ય કરવાની ખૂબ મઝા પડે છે.

ગોળની
યથાશક્તિ ખરીદી કરીને ગાડી ઉપાડી.  આખે રસ્તે સુજલ, અમી, નેહલ સાથે ભવિષ્યમાં વધુ શું અને કેવી રીતે કરી શકાય તેની વાતો ચાલી. વાતોમાં ને વાતોમાં સાંજે અમદાવાદ આવી ગયું.

ફરીથી કહું છું કે ધાબળાની તાત્કાલિક જરૂરિયાત છે. ધાબળા હોલસેલમાં રૂ.૧૨૫/નંગના (એક પીત્ઝા કરતાં ઓછી કિંમત)પડે છે. દસ વ્યક્તિનું જૂથ ૧૦-૧૦ ધાબળા ખરીદીને આપે તો પણ ૧૦૦ ધાબળા થઇ જશે. ધાબળાનો પૂરવઠો એક શાળા પૂરતો પણ આવશે તેવો તરત પ્રાયોરિટી પ્રમાણે જે-તે આશ્રમશાળામાં રૂબરૂ પહોંચાડવામાં આવશે.
મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન દ્વારા 7016110805 પર અથવા આ 
બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો


તો ચાલો...કૃષ્ણ-સુદામા રમીએ!!

(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ)