આ વાત છે ત્રણ મિત્રોની, પણ એ મિત્રો મારા નથી. ‘મિત્ર’ કહી શકું એટલો
ગાઢ પરિચય એમની સાથે નથી. ત્રણમાંના બે જણ મને ઓળખે છે, જ્યારે બાકીના એક સાથે મારો પરિચય દૂરનો. વાસ્તવમાં આ ત્રણેય જણા પરસ્પર મિત્રો હતા.
અને હું એમને ઓળખતો થયો મારા બાળપણના ગોઠિયા મનીષ ઉર્ફે મંટુ ઉર્ફે મોન્ટુ ઉર્ફે
જાડા (જાડીયા) મારફતે. આ ત્રણેય જણ પાડોશી હતા, ભણ્યા પણ એક જ કૉલેજમાં, એક જ ક્ષેત્રમાં. તેઓ ટ્રેનમાં સાથે અપડાઉન કરતા, પણ એક વાર ભણી રહ્યા પછી તેમના રસ્તા કેવા ફંટાયા, એની વાત છે આ.
વાત આગળ વધારતા પહેલાં થોડો પ્રાથમિક પરિચય
મારા બાળગોઠિયા મિત્રોનો. એક સૌરમંડળના અનેક ગ્રહો હોય છે, અને એ દરેક ગ્રહને પોતપોતાના ઉપગ્રહો પણ હોય
છે. અમારા મિત્રવર્તુળને આવું એક સૌરમંડળ ગણીએ તો અમે લગભગ પહેલા-બીજા ધોરણથી છેક
દસમા-બારમા સુધી સાથે ભણેલા આઠ મિત્રો છીએ. પ્રદીપ પંડ્યા, વિપુલ રાવલ, અજય ચોકસી, મયુર પટેલ, મુકેશ પટેલ, તુષાર પટેલ, મનીષ શાહ અને
બીરેન કોઠારી. આમાં પિયુષ શાહ અને વિજય પટેલ પાછળથી ઉમેરાયા. આમ કુલ થયા દસ. એ પછી
ઉમેરાયો પૈલેશ શાહ. આમાંથી મુકેશ પટેલે (મુકો) સૌથી પહેલી વિદાય લીધી, જેના વિષે આ બ્લોગ પર લખી ચૂક્યો છું. આ
અમારું મૂળભૂત મિત્રવર્તુળ. પણ આ દસેય જણના પાછા પોતપોતાના મિત્રવર્તુળ. અમારી
દોસ્તી પર હવે તો ચચ્ચાર દાયકાનો પાકો માંજો ચડ્યો છે, અને એક વિસ્તૃત પરિવાર બની ગયો છે. અમારે ભેગા
થવા માટે ‘રિયુનિયન’ જેવા લેબલની જરૂર નથી. આ મિત્રો, મિત્રતાની રસપ્રદ વાતો વગેરે ક્યારેક અનુકૂળતાએ
કરીશું, પણ આજે વાત
કરવાની છે પેલા ત્રણ જણની, જે અસલમાં
મંટુના વર્તુળમાં હતા. અહીં આપણે એમને ચિંતન, અમીત અને
પ્રદીપના નામે ઓળખીશું. આ ત્રણ જણનાં નામ જ બદલ્યાં છે, એ સિવાયનાં તમામ નામો સાચાં છે.
**** **** ****
પહેલો મિત્ર:
૧૯૭૯માં એસ.એસ.સી. પાસ થયા પછી અમારા
મિત્રોમાંથી મનીષ (મંટુ) શાહે નડીયાદમાં ડિપ્લોમા ઈન કેમીકલ એન્જિનીયરીંગમાં
પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે બાકીના
અમે સૌ અગિયાર-બાર ધોરણમાં હતા. મંટુ મહેમદાવાદથી નડીયાદ ટ્રેનમાં અપડાઉન કરતો
હતો. અમે લગભગ રોજ સાંજે વિપુલને ઘેર (૧૭, નારાયણ સોસાયટી)
ભેગા થતા. આમ ને આમ બારમાની બોર્ડની પરીક્ષા આવી. બારમાની બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર
ત્યારે મહેમદાવાદમાં ન હતું. તેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ નજીકના નડીયાદ કેન્દ્રમાંથી
પરીક્ષા આપતા, જે ચોરી અને દાદાગીરી માટે અતિ કુખ્યાત હતું.
અમારા ક્લાસમાંથી
અમે અમુક છોકરાઓએ અમદાવાદ કેન્દ્ર ભર્યું હતું, જેમાં પ્રદીપ, મયુર અને હું-અમે ત્રણ
જણે મણિનગર કેન્દ્ર નક્કી કર્યું હતું. પ્રદીપના અને મારા બન્નેના સગા મામાઓ
મણિનગરમાં રહેતા હતા, જ્યારે મયુર પ્રદીપના મામાના ઘરે
રહેવાનો હતો. અમારા ત્રણેયના નંબર ‘દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’માં આવેલા. એ વખતે દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં એક જ દિવસે બે પેપર
રહેતા. પહેલું પેપર ૧૧ થી ૨ નું, અને બીજું પેપર ૩ થી ૬ નું.
વચ્ચે એક કલાકની રીસેસ રહેતી. રીસેસનો આ એક કલાક બહુ મહત્વનો રહેતો. સ્કૂલના
ઝાંપાની બહાર વાલીઓ રાહ જોતા ઉભા હોય કે ક્યારે ઝાંપો ખૂલે અને પોતાના બાળકને
ચા-નાસ્તો ખવડાવે. અને વિદ્યાર્થીને એવી ચિંતા હોય કે આ એક કલાકમાં અમુક અગત્યની ચીજો
બને એટલી ઝડપથી નજર મારી લઉં.
પરીક્ષા આપવા જવા
માટે અમે ગોઠવણ એવી કરેલી કે સવારના સમયે પ્રદીપ અને મયુર બન્ને પ્રદીપના મામાને
ઘેરથી રીક્ષામાં નીકળે, મારા
મામાનું ઘર રસ્તામાં આવે, એટલે ત્યાંથી મને લેતા જાય. પણ
સાંજના પેપર પૂરું થયા પછી અમે ત્રણેય પગપાળા પાછા આવીએ. વચ્ચે બપોરની એક કલાકની રીસેસમાં
મારા મામાનો દીકરો રાજેશભાઈ મારાં મમ્મીને સ્કૂટર પર બેસાડીને સ્કૂલે લઈ આવે. અમે
ચા-નાસ્તો કરીએ એ પછી તેઓ પાછા જવા નીકળે. ત્યારે મોટા ભાગના વાલીઓ રીક્ષામાં કે
સ્કૂટર પર આવતા. બાઈક બહુ ઓછી જોવા મળતી, અને કારની સંખ્યા પણ
ખાસ ન હતી.
અમે ચા-નાસ્તાની
સાથે સાથે રીવીઝન પણ કરતા જતા. શાળાના મેદાનમાં ખાસ્સું મેળાવડા જેવું વાતાવરણ થઈ
જતું. અહીં અમને કોણ ઓળખે? પણ પહેલે જ દિવસે મયુરે દૂર ઉભેલા એક ભાઈ તરફ ઈશારો કર્યો. ઘેરા લીલા
રંગનો ઝભ્ભો અને પેન્ટ પહેરેલો એ યુવાન હતો. ચહેરા પર દાઢી અને દાઢીના કાળા વાળને
કારણે તેનો ચહેરો હતો એના કરતાંય વધુ ઉજળો લાગતો. આખી દાઢી રાખવા છતાંય તેનો દેખાવ
સૌમ્ય હતો. તે મોટરબાઈક પર બેઠેલો હતો. મયુરે તેનો પરિચય આપતાં કહ્યું, ‘એ ચિંતન છે. જાડીયા (મંટુ)નો ભાઈબંધ અને એનો
ક્લાસમેટ છે.’ મંટુનો ક્લાસમેટ હોવાનો અર્થ એ કે તે ડીપ્લોમા
ઈન કેમીકલ એન્જિનીયરીંગમાં ભણતો હતો. પણ તો પછી એ અહીં બારમાની પરીક્ષાના કેન્દ્ર
પર શું કરવા આવ્યો હશે? મનમાં ઉઠેલા આ સ્વાભાવિક સવાલનો જવાબ
પણ મયુરે આપ્યો, ‘એની બહેન બારમામાં છે, તેનો નંબર અહીં આવ્યો હશે. એટલે એને મૂકવા આવ્યો હશે. મને મંટુએ કહેલું
કે ચિંતનની બહેનનો નંબર કદાચ આપણી જ સ્કૂલમાં છે.’ હશે. એ
વાત ત્યારે ત્યાં પૂરી થઈ અને અમે પરીક્ષાની તૈયારીમાં પરોવાઈ ગયા.
સાંજે પેપર પતાવીને
અમે ચાલતા પાછા જતા હતા ત્યારે ચિંતન અમને ઓળંગીને આગળ નીકળ્યો. તેની બાઈકની પાછળ
એક છોકરી બેઠી હતી,
જેના હાથમાં પરીક્ષાની સામગ્રી હતી. સ્પષ્ટ હતું કે એ તેની બહેન હતી. ચિંતન અમને
ઓળખતો ન હતો, એટલે અમારી વચ્ચે કશી વાતચીત થાય એવો અવકાશ હતો
જ નહીં.
આ સ્કૂલમાં અનેક
અજાણ્યા ચહેરાઓ વચ્ચે હવે આ એક ચહેરો જાણીતો બન્યો હતો, પણ એ એકપક્ષી હતું. અમે પરીક્ષા આપી ત્યાં
સુધી રોજ રીસેસમાં તેને બાઈક પર જોતા. હવે તો એની બહેન પણ નજરે પડતી. ચિંતનની બાઈક, કપડાં વગેરે જોતાં જણાઈ આવતું હતું કે એ ખાધેપીધે સુખી પરિવારનો નબીરો
હોવો જોઈએ. પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધી ચિંતનના એકપક્ષી દર્શન રોજેરોજ થતા રહ્યા.
**** **** ****
થોડા સમય પછી (૧૯૮૧માં)
અમારું બારમા ધોરણનું પરિણામ આવ્યું અને એમાં માર્ક્સનું સારું એવું ધોવાણ થયું. એ
વખતે, જો કે, એમ પણ લાગેલું કે આબરુનુંય ધોવાણ થયું. અમારા મિત્રોમાં પ્રદીપ પંડ્યાએ
બી.ઈ. (મિકેનીકલ)માં અને મુકેશ પટેલે આઈ.ટી.આઈ. (ઈલેક્ટ્રીશીયન)માં પ્રવેશ લીધો. એ
સિવાયના દરેકે ડીપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશ લઈ લીધો. એમાંય મારા સિવાયના સૌ
ડીપ્લોમા ઈન મિકેનીકલ એન્જિનિયરીંગમાં ગયા, જ્યારે હું
પ્રવેશ્યો ડીપ્લોમા ઈન કેમિકલ એન્જિનિયરીંગમાં.
મંટુ મારાથી બે વરસ
પહેલાં આ કોર્સમાં જોડાયેલો હતો, એટલે મેં પહેલા વરસમાં પ્રવેશ લીધો ત્યારે તે ત્રીજા અને અંતિમ વરસમાં
હતો.
મેં પણ ટ્રેનમાં
અપડાઉન શરૂ કર્યું. અહીં ફરી વાર દાઢીધારી ચિંતનના દર્શન થયા. મોટા ભાગના
વિદ્યાર્થીઓ સેકન્ડ ક્લાસનો રેલ્વે પાસ કઢાવીને અપડાઉન કરતા હતા, પણ આ ચિંતન ફર્સ્ટ ક્લાસમાં આવતો. તેની
સાથે બીજા ત્રણ-ચાર છોકરાઓ પણ ફર્સ્ટ ક્લાસમાં આવતા. એમાં એક તો મંટુ હતો. બીજો એક
બટકો છોકરો હતો, જે ઉંમરમાં નાનો હતો,
પણ તેના માથાના આગળના ભાગે અડધી ટાલ પડી ગયેલી. તેમની સાથે બીજો પણ એક છોકરો હતો, જે દેખાવડો અને ચહેરેથી ઓછાબોલો જણાતો. આ બધામાં ચિંતન પોતાના દેખાવ અને
કપડાંથી ધ્યાન ખેંચતો, પણ એ સિવાય બીજી કોઈ રીતે તેની હાજરીની
નોંધ મનમાં થઈ શકે એમ ન હતી.
કૉલેજમાં મારી સાથે
જોડાયેલા, નવાસવા
મિત્ર બનેલા અમદાવાદના દેવેન્દ્રસિંહ ગોહીલને મેં એક વાર દૂરથી ચિંતન તરફ આંગળી
ચીંધી અને કહ્યું, ‘એ ચિંતન છે.
અમદાવાદથી આવે છે, ફાઈનલમાં છે.’
દેવેન્દ્રસિંહને સહેજ નવાઈ લાગી. કેમ કે, તે અમદાવાદથી આવતો
હતો. અને અમદાવાદથી અપડાઉન કરતા મોટા ભાગના છોકરાઓ સાથે
તેમને પરિચય થઈ ગયેલો. પણ ચિંતનને એ ઓળખતો ન હતો. એટલે નવાઈથી તેણે પૂછ્યું,
‘તું એને ક્યાંથી ઓળખે?’ આના જવાબમાં
હું એમ શી રીતે કહું કે અમારી તો દૂરની અને એકપક્ષી ઓળખાણ છે? એટલે મેં ટૂંકમાં કહ્યું, ‘આપણા
મંટુનો ખાસ મિત્ર છે.’
ચિંતન વિષે મંટુ
પાસેથી વાતવાતમાં જે થોડું ઘણું જાણવા મળ્યું હતું એ મુજબ ચિંતનના પપ્પાની પોતાની
ફેક્ટરી હતી. તેથી ભણ્યા પછી ચિંતનને નોકરી શોધવાની જરૂર ન હતી. એ એકનો એક છોકરો
હતો, અને તેને ત્રણ બહેનો
હતી. કેવળ પોતાનો વ્યવસાય સંભાળી શકાય એ માટે જ તે આ લાઈનમાં આવ્યો હતો. એ ખરેખર
અમીર ખાનદાનનો નબીરો હતો.
જોતજોતાંમાં
કૉલેજમાં અમારું પહેલું વરસ પૂરું થયું. મંટુનું ફાઈનલ વરસ પૂરું થયું. તેની બેચમાંથી
મોટા ભાગનાને તરત જ વડોદરા સ્થિત કેન્દ્ર સરકારના જાહેર સાહસ ‘આઈ.પી.સી.એલ.’ની અતિ
પ્રતિષ્ઠિત અને સલામત ગણાતી નોકરી મળી ગઈ. ચિંતન પણ ફાઈનલમાં પાસ થઈ ગયો હતો. તેની
સાથે મારો જેટલો પરિચય હતો એ દૂરથી અને એકપક્ષી જ રહ્યો હતો,
અને હવે તો કદાચ એ પણ રહેવાનો ન હતો.
એ પછી હમણાં મંટુની
દીકરીનાં લગ્ન થયાં ત્યારે ઊંડે ઊંડે મને હતું કે વધુ એક વાર ચિંતનની સાથે દૂરથી
મુલાકાત થશે. અને આ વખતે મુલાકાત થાય તો એને સામે ચાલીને મળવું, મારો પરિચય આપવો અને તેને હું કેટલા વરસથી
એકપક્ષી રીતે ઓળખું છું, એ પણ જણાવવું. જો કે, એ શક્ય ન બન્યું, કેમ કે,
મંટુને ત્યાં પ્રસંગે એ દેખાયો નહીં. મને પણ તેના વિષે પૂછવાનું સૂઝ્યું નહીં.
**** **** ****
બીજો મિત્ર:
‘હેં
બીરેન, તું નડીયાદ ભણે છે, તો મારા
ભાણાને ઓળખે ને? એ તારા જ કોર્સમાં છે.’
આવું મને અમારા
હેમુમાસી (‘હેં’મુમાસી)એ એક વાર પૂછ્યું. હેમુમાસીનો પરિચય સગપણે આપવો અઘરો અને લાંબો છે, એટલે એ વાત ફરી ક્યારેક. હેમુમાસીને શિક્ષિકા તરીકે મહેમદાવાદની સ્કૂલમાં
નોકરી મળી હોવાને કારણે મૂળ અમદાવાદનાં રહીશ એવાં હેમુમાસી અને (મુકુંદ)માસા
મહેમદાવાદમાં શીફ્ટ થયા હતા. માસાની નોકરી અમદાવાદ હોવાથી તે રોજેરોજ અપડાઉન કરતા.
અમારા ઘરથી પાંચ જ મિનીટના અંતરે તેમનું મકાન હતું, જે
ભાડાનું હતું. રોજ રાતના સાડા આઠ-નવે માસા અને માસી અચૂક અમારે ત્યાં બેસવા આવતા.
બરાબર આ જ સમય મારા પપ્પાને વડોદરાથી નોકરી કરીને ટ્રેનમાં પાછા આવવાનો. એટલે
પપ્પા ઘેર આવે ત્યારે માસા-માસી મોટે ભાગે અમારે ઘેર બેઠેલાં હોય.
પપ્પા આવે ત્યાં
સુધી અમારી બધાની વાતો ચાલતી. આ રીતે એક વાર તેમણે મને આવો સવાલ પૂછ્યો. હું હજી
મારા પહેલા વર્ષના સહાધ્યાયીઓને જ માંડ ઓળખતો થયો હતો, તો મારાથી સિનીયર વિદ્યાર્થીઓને ક્યાંથી
ઓળખું? એટલે મેં ના પાડી અને કહ્યું કે એ અપડાઉન કરતો હશે તો
એને ચહેરેથી ઓળખતો જ હોઈશ, પણ એવી ખબર નહીં હોય કે આ જ તમારો
ભાણો હશે.
હેમુમાસીએ એ પછી
પોતાના એ ભાણા અને તેના પરિવાર વિષે વાત કરી. એનું નામ હતું અમીત. તેનાં મમ્મી
હેમુમાસીની પિતરાઈ બહેન થાય. તેમના ઘરની સ્થિતિ સાવ સાધારણ હતી. ઘર ચલાવવાની મોટા
ભાગની જવાબદારી અમીતનાં મમ્મીને માથે હતી. તે કપડાં સીવતાં, કપડાનું રીપેરીંગ કરતાં, અને એ રીતે ઘરને મોટા ભાગનો ટેકો તેમના તરફથી રહેતો. કપડાંને ટાંકા લઈ
લઈને તેમનાં આંગળાં પણ જવાબ દઈ ગયાં હતાં. આ વાત તેમણે વારંવાર જણાવી અને પોતાની
બહેનના સંઘર્ષને ઘેરો કર્યો. અમીત વિષે માસાએ થોડી વાત કરી. એ મુજબ અમીત બાર લાખ
બાવન હજાર હતો. તે અતિ મહત્વાકાંક્ષી હતો. તેને રૂપિયા કમાવા હતા. ઉંચી બ્રાન્ડનાં
કપડાં ગમતાં હતાં. ગળામાં અમુક તોલા સોનાની ચેઈન તે પહેરતો. હજી તો એ કૉલેજમાં
ભણતો હતો, પણ તેને રૂપિયા કમાવા માટે વિદેશ જવું હતું, અને ઝડપથી પૈસાદાર થઈ જવું હતું. આમ, વ્યક્તિ અને
વાતાવરણ વિરોધાભાસી હતાં. માસીએ જણાવેલી ઘરની સ્થિતિની સામે માસાએ જણાવેલી અમીતની
ખાસિયતો પછી અમીત વિષે થોડા નકારાત્મક તરંગો પણ પેદા થયા. જો કે, મને થયું કે આ અમીતને મળવું જોઈએ. કેમ કે, અજાણી
જગાએ આછીપાતળી જે પણ ઓળખાણ નીકળે એ વ્યક્તિનો સંપર્ક કરવાનું મન થાય એ સ્વાભાવિક
છે. મેં માસીને કહી રાખેલું કે અમીત તેમને મળે ત્યારે મારા વિષે પણ તેને જણાવી
રાખે.
દિવસો વીત્યા.
છેવટે મને સૂઝ્યું કે મંટુને જ અમીત વિષે પૂછી જોઉં. એ ઓળખતો હશે. મંટુને એક દિવસ
પૂછ્યું, ત્યારે
એણે કહ્યું, ‘એં,
અમીત તો મારો ખાસ દોસ્ત થાય. અમે બધા ફર્સ્ટ ક્લાસમાં સાથે જ હોઈએ છીએ.’ જો કે, મને અમીતનો ચહેરો યાદ ન આવ્યો. એટલે મંટુને
કહ્યું, ‘હવે એની સાથે મારી ઓળખાણ
કરાવજે.’ મંટુએ હા પાડી. અને એ દિવસ બહુ જલદી આવી પણ ગયો. એક
દિવસ નડીયાદ સ્ટેશન પર જ અમે ભેગા થઈ ગયા. મંટુએ અમારો પરિચય કરાવ્યો. ઓહો! આ તો
પેલો જ, બટકો, પણ માથાના આગળના અર્ધા
ભાગમાં ટાલ હતી એ છોકરો. અમે એકબીજા સાથે હાથ મિલાવ્યા. હેમુમાસીની ઓળખાણ કાઢી
એટલે તેણે સંયમિત સ્મિત આપ્યું. તેના ગળામાં ચેઈન જોઈ શકાતી હતી, અથવા તો માસાએ કહ્યું હતું એટલે મેં એ ખાસ જોઈ હતી. જો કે, મને લાગ્યું કે અમીતનો પ્રતિભાવ ઠંડો હતો, અથવા
મારો કદાચ ઉત્સાહજનક હતો, એટલે એમ લાગ્યું હોય એવું બને. મંટુ
પાસેથી એ પણ જાણવા મળ્યું કે ચિંતન, અમીત અને પ્રદીપ ત્રણેય
એક જ પોળમાં રહેતા હતા. પ્રદીપ કોણ? પ્રદીપ એટલે ચિંતનની
સાથે દેખાતો પેલો ઓછાબોલો, દેખાવડો છોકરો, જે આ જ કૉલેજમાં ડીગ્રી એન્જિનીયરીંગમાં ભણતો હતો. જો કે, ચિંતનની જેમ જ પ્રદીપ સાથે દ્વિપક્ષી પરિચય થાય એવા સંજોગો ઉભા ન થયા.
અમીત એ પછી ઘણી વાર
મળી જતો. તે અમારાથી એક વરસ આગળ હતો. કદમાં તે સાવ ઠીંગણો હતો. ભીડમાં શોધવો પડે એવો.
મળીએ ત્યારે અમે હસીને પરસ્પર ડોકું હલાવતા. સામાન્ય રીતે સામેવાળા તરફ જોઈને
ડોકું ધુણાવવું હોય તો લોકો ઉપરથી નીચેની તરફ માથું લઈ જાય છે. ઘણા તો રીતસર
ગરદનને નીચેની તરફ ઝાટકો આપતા હોય છે. પણ આ અમીત માથાને નીચેથી ઉપરની તરફ લઈ જતો,અને એ પણ સાવ હળવેકથી. સાથે જ આંખની ભ્રમર સહેજ
ઉંચી કરતો. જાણે કે સામાવાળાને પૂછતો ન હોય, ‘શું કામ હતું, ભાઈ?’
માસા અને માસી મળે
ત્યારે તેમને હું જણાવતો કે અમીત મળે છે. એટલે માસી તેના ઘરની અતિ દયનીય સ્થિતિની, અને માસા અમીતના ખર્ચાળપણાની વાત કરતા, જે હવે મને પણ એ જ ક્રમમાં યાદ રહી ગઈ હતી. આ ક્રમમાં અમીતની મમ્મીનાં
નબળા પડી ગયેલા આંગળા ભારે કરુણરસ ઉભો કરતાં હતાં.
આમ ને આમ અમે બીજા
વરસમાં આવ્યા. સ્વાભાવિકપણે જ અમીત અંતિમ વરસમાં આવ્યો. કૉલેજ અને ટ્રેનના
અપડાઉનને કારણે અમારું મળવાનું બનતું, પણ ડોકું ધુણાવવાથી વધુ વાત થતી ન હતી. અમારું બીજું વરસ પૂરું થયું એ
સાથે અમીતનું અંતિમ વરસ પૂરું થયું. તેને પણ તરત જ
આઈ.પી.સી.એલ.માં નોકરી મળી ગઈ.
**** **** ****
ડીપ્લોમા કોર્સના ત્રીજા વરસમાં એટલે કે પાંચમા
સેમેસ્ટરમાં કુલ સાડા ચાર મહિનાની ઔદ્યોગિક તાલીમ (વૉકેશનલ ટ્રેનીંગ) લેવી ફરજિયાત
હતી. એક ઉદ્યોગમાં બે મહીના અને બીજા ઉદ્યોગમાં અઢી મહિનામાં આ સમયગાળો વહેંચાયેલો
હતો. આ તાલીમને અંતે રીપોર્ટ તૈયાર કરવાનો રહેતો. મોટે ભાગે લોકો આ રીપોર્ટનો ‘ટોપો’ જ મારતા.
કૉલેજનો પટાવાળો બાબુ પાંચ-દસ રૂપિયામાં કોઈ પણ ઉદ્યોગનો સિનીયર વિદ્યાર્થીએ તૈયાર
કરેલો રીપોર્ટ હાથમાં મૂકી દેતો. સ્વભાવે સહકારની ભાવનાવાળો, લાલચુ નહીં, પણ સંતોષી અને
વિદ્યાર્થીઓને પોસાય એવી કિંમતે રીપોર્ટ લાવી આપતો હોવાથી બાબુ ઘણો લોકપ્રિય હતો.
મારી પહેલી તાલીમ અમદાવાદ સ્થિત ‘અનિલ સ્ટાર્ચ’માં હતી. સમય હતો
સવારના આઠથી સાંજના સાડા ચારનો. મહેમદાવાદથી હું અપડાઉન કરતો. અહીં અમારે સહી
કરીને આવવા-જવાનો સમય નોંધવો પડતો. આવવામાં મોડા પડીએ તો ફાયદો એ હતો કે વહેલો સમય
લખી શકાય, પણ વહેલા નીકળી
જઈએ તો મોડો સમય ન લખી શકાય. મારી સાથે બીજા પણ ત્રણ-ચાર ટ્રેઈનીઓ હતા. સૌ આનો
ઉકેલ પોતાની રીતે લાવતા અને વહેલા ઘેર જવાના વારા બાંધતા. જે ટ્રેઈની છેક સુધી રોકાય
એ પોતાના ઉપરાંત પોતાના વહેલા નીકળી ગયેલા સાથીદારના જવાનો સમય પણ ભરી દેતો. કાર્ડ
પંચીંગ ત્યારે ‘હાઈટેક’ ગણાતું, જેની કેવળ કથાઓ
જ સાંભળવા મળતી. કોઈ ઉદ્યોગ કેટલો આધુનિક છે એ દર્શાવવા માટે લોકો કહેતા, ‘ત્યાં તો કાર્ડ
પંચીંગ સીસ્ટમ છે.’ ખેર! અમદાવાદના
આ ઉદ્યોગમાં દેશી ઢબની પદ્ધતિ હતી. જવા-આવવાના સમયનો રેકોર્ડ રાખવા ટાઈમકીપીંગ
ઑફિસ હતી, એમાં બે-ત્રણ ટાઈમકીપર
હતા, અને એક પટાવાળો.
એક વાર અમે ત્રણ-ચાર ટ્રેઈનીઓ કેન્ટીનમાં
બેસીને જમતા હતા અને એક મહાશયનું આગમન થયું. કેન્ટીનમાં મોટા ભાગના કામદારો ભૂરા રંગના
પેન્ટ-શર્ટના યુનિફોર્મમાં હતા. સાદા પેન્ટ-શર્ટવાળા અમે બે-ચાર જણ જ હતા.
આવામાં પેલા મહાશય આવ્યા એટલે ધ્યાન તો ખેંચાય જ. એ જાણે કે અમને મળવા જ આવ્યા હોય
એમ સીધા અમારી તરફ આવ્યા અને હિન્દીમાં ચાલુ કર્યું, ‘તુમ સબ ટ્રેઈની
હો ને? મૈં ટાઈમકીપર કા પટાવાળા
હૂં. કલ મૈંને દો-તીન જન કો વહેલે જાતે હુએ દેખા થા.’ આ સાંભળીને અમે ઠરી ગયા. અમને તો એમ કે અમે વહેલા
જઈએ કે સમયસર, એ જોવાની આ વિશાળ
ફેક્ટરીમાં કોને પડી હશે? એને બદલે આ તો
જાણભેદુ નીકળ્યો. હજી અમે કંઈક કહીએ એ પહેલાં તેણે હિન્દીમાં જ આગળ હંકાર્યું, ‘મૈં રીપોર્ટ
કરુંગા તો તુમ ફાઈનલ ઈયરમેં નપાસ હોગા.’ આ સાંભળીને મારે
ગળે કોળિયો ઉતરતો અટકી ગયો. વાત ખોટી ન હતી. એ એના સાહેબને ફરિયાદ કરે, એના સાહેબ અમારી કૉલેજમાં ફરિયાદ કરે તો
અમારું આવી બને! અમારી ગુટલી બાબતે કંઈ પણ પગલાં લેવાય તો? આ અમારું અંતિમ વરસ હતું, જેના પછી તરત જ અમને કેન્દ્ર સરકારના જાહેર
સાહસમાં મસ્ત નોકરી મળી જવાની હતી. એની પર તો કેટકેટલાં
સપનાંઓ ટકેલાં હતાં! એ બધાં જ સપનાં કડડભૂસ થઈ જતા લાગ્યા આ પટાવાળાના કથનથી.
ઘડીભર તો શું બોલવું એ જ ખબર ન પડી. કેન્ટીનમાં ઘોંઘાટ બહુ હતો. ધીમે ધીમે ખ્યાલ
આવ્યો કે, મોટા ભાગના લોકો
ટાઈમકીપીંગ ઑફિસના આ પટાવાળાને ઓળખતા હતા. કેમ કે, એ સૌ તેને
ઉદ્દેશીને કંઈક ને કંઈક ટીપ્પણી કરતા હતા. ‘અલ્યા, આમને તો છોડ!’, ‘આ સાહેબો તો ટ્રેઈની છે. હજુ ભણે છે.’, ‘ટીફીન નથી લાયો?’ જેવાં વાક્યોની સાથે સાથે હસવાના અવાજ પણ
સંભળાતા હતા.
હજી અમને ‘તુમ્હીંને દર્દ
દીયા હૈ, તુમ્હીં દવા
દેના’ના ‘જાંનીસાર
(અખ્તર)વચન’નો સાક્ષાત્કાર થવો બાકી હતો. પોતાની વાતની
અમારા સૌ પર ધારી અસર થતી એ ભાઈએ જોઈ. પછી ધીમે રહીને અમને આશ્વાસન આપતો હોય એમ
કહે, ‘તમારું વરસ નહીં બગડવા દઉં, હોં. પણ...’ અમને એ સમજાતું
હતું કે તેની કંઈક માગણી હતી. પણ એ કેટલી અને શેની હતી એ ખ્યાલ આવતો ન હતો. માંગવાનું
હતું એને, અને અમારે એ કહે
એ કરવા સિવાય છૂટકો નહોતો જણાતો, છતાંય એને શું
જોઈએ છે, એ પૂછતાં અમને
સંકોચ થતો હતો. લાંચ માંગનારાઓની કદાચ આ ખાસિયત હોય છે. એને કેટલી લાંચ ખપે એ
પૂછતાં એ લોકો આપણને એવું ફીલ કરાવે કે ભ્રષ્ટ આપણે છીએ અને ખરા પ્રામાણીક એ લોકો
છે. ખેર! એ પટાવાળો તો અમારા જેવા અનેક ‘સંકોચશીલ’ અને ‘શરમાળ’ લોકો સાથે પનારો પાડી ચૂક્યો હતો એટલે એણે સંકોચ
વિના કહ્યું, “થાળી મંગાવો.” આ કેન્ટીનમાં સેલ્ફ સર્વિસ હતી. કાઉન્ટર પર જઈને રૂપિયા ચૂકવીને જોઈતી ચીજ
જાતે જ લાવવાની હતી. હું ઉભો થયો અને કાઉન્ટર પર જઈને પુરી-શાકનો ઓર્ડર આપ્યો.
પુરી અને શાકની થાળી તૈયાર કરનાર કાઉન્ટરની પાછળ ઉભેલા ભાઈએ સહાનુભૂતિપૂર્વક મારી
સામું જોઈને કહ્યું, ‘સાહેબ, પેલાથી સાચવજો.
શું કહે છે એ?’ ફીક્કા સ્મિત
વિના હું કંઈ જ કરી શકું એમ ન હતો. થાળી લઈને હું પાછો અમારા ટેબલ તરફ ગયો અને
પેલાની સામે મૂકી. તેણે તરત જ ઝાપટવા માંડ્યું. અમે અમારાં ટીફીન ખોલીને બેઠા હતા.
એમાંથી પણ કંઈક લેવા માટે અમે તેને વિવેક કર્યો. પણ તેને થાળીમાં
વધુ રસ હતો. એ જમી રહ્યો એટલે અમે પૂછ્યું, ‘બીજું કંઈ મંગાવીએ?’ તેણે ના પાડી. ઉભા થઈને હાથ
ધોયા પછી તેણે અમને બહાર આવવા ઈશારો કર્યો.
અમે ધડકતે હૈયે તેની પાછળ ગયા. હવે શી હશે એની
નવી માંગણી? બહાર આવીને તેણે
અમને પ્રેમપૂર્વક કહ્યું, ‘આવી
રીતે નાસી નહીં જવાનું. કોઈ જુએ તો મારું આવી બને. આ તો ઠીક છે કે કાલે મારી નજર પડી.
નહીંતર કોઈક સાહેબે જોયું હોય તો મારી નોકરી જાય.’ અમને
એટલું સમજાયું કે આમ જણાવીને તે પોતાનું માહાત્મ્ય સિદ્ધ કરી રહ્યો હતો. પછી તેણે
પૂરક માહિતી આપતાં કહ્યું, ‘બે વરસ પહેલાં
તમારી કૉલેજના જ એક ભાઈ ટ્રેનીંગમાં આવતા હતા, એમણે તો મને મસ્ત
ટી-શર્ટ આપેલાં.’ આ સીધી જ માંગણી
હતી. એ ટી-શર્ટ આપનાર કોણ હશે એ અમને ખબર ન હતી. અને આ રીતે ટ્રેનીંગમાં આવેલો કોઈ
વિદ્યાર્થી ટાઈમકીપરના પટાવાળાને ટી-શર્ટ આપે એ વાત જ વધારે પડતી લાગતી હતી. અમારે
તો પોતાને માટે શર્ટ લાવવાના જ ફાંફા હતા ત્યાં આ ભાઈ માટે ટી-શર્ટ?
ખેર, વાત ત્યારે તો
ત્યાં જ પૂરી થઈ. અમને સૌને તેણે જામીન પર છોડ્યા હોય એવો દેખાવ કર્યો. એ પછી તો
અમે ફેક્ટરીમાં જ્યાં પણ ફરતા હોઈએ અને એ પટાવાળો નજરે પડી જાય તો સામે ચાલીને, હસીને એને બોલાવતા, અને મનમાં અધમણની ગાળો બોલતા.
આ અરસામાં મારે એક વાર મંટુને મળવાનું થયું. તેણે
પોતે પણ આ જ ફેક્ટરીમાં ટ્રેનીંગ લીધી હતી. તેણે મારી ટ્રેનીંગ વિષે સહજ પૂછપરછ
કરી. અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ તેણે પૂછ્યું, ‘પેલો ટાઈમકીપરનો પટાવાળો તમને મળ્યો કે નહીં?’ મેં ફીક્કું હસીને હા પાડી. એટલે મંટુએ કહ્યું, ‘એ જરા દોઢડાહ્યો
હતો. મારી સાથે ચિંતનની પણ ટ્રેનીંગ હતી. અમે બન્ને રોજ ચિંતનની બાઈક પર વહેલા નીકળી જતા. પેલા
પટાવાળાએ એક વાર અમને કહ્યું કે આમ ન જવાય. તો ચિંતન બીજા દિવસે બે-ચાર ટી-શર્ટ લઈ
આવ્યો. એને ત્યાં વિદેશથી આવેલાં પડ્યાં જ હોય. ટી-શર્ટ પેલાને પકડાવી દીધા
ત્યારથી એ ઉલટાનું અમને સલામ મારવા માંડ્યો.’
હવે મને ગડ બેઠી કે પેલો ભાઈ અમારી પાસે ટી-શર્ટ
કેમ માંગતો હતો. અને તેને ટી-શર્ટની ‘ભેટ’ આપનાર કોણ હતું. અમારી પાસે કંઈ ચિંતન જેટલા
પૈસા હતા નહીં. એટલે અમે ટી-શર્ટ તો ક્યાંથી આપવાના? પણ ચિંતનનો
સ્માર્ટ, દાઢીધારી ચહેરો
મારી નજર સમક્ષ તરવરી ઉઠ્યો.
આમ ને આમ, અમારી ઔદ્યોગિક
તાલિમ પૂરી થઈ.
**** **** ****
જોતજોતાંમાં મેં પણ અંતિમ વરસ પાસ કરી લીધું.
મને પણ તરત જ વડોદરા નોકરી મળી ગઈ. અહીં શિફ્ટની નોકરી હતી, જેમાં અમુક દિવસોએ હું અપડાઉન કરતો. અમદાવાદ-નડીયાદ-આણંદથી
ઘણા લોકો આ રીતે અપડાઉન કરતા હતા. એક જ સ્થળે નોકરી કરતા હોવાથી ધીમે ધીમે સૌ
પરિચીત થઈ ગયા હતા અને ટ્રેનમાં મોટે ભાગે નિશ્ચિત ડબ્બામાં જ બેસતા.
અમીતની સાથે સાથે હરેશ, રાજેશ જેવા તેના મિત્રો અમદાવાદથી આવતા. મારા
જેવા લોકો ઘણા હતા, જેમનું એકમાત્ર
ધ્યેય નોકરી કરવાનું હતું. જ્યારે અમીત અને તેના એક-બે મિત્રો વધારાની કમાણી માટે ‘સાઈડ’માં કંઈ ને કંઈ
વ્યવસાય કરતા. ચપ્પલ, કાપડ અને બીજી
ઘણી ચીજો તેઓ પોતાની સાથે અમદાવાદથી લાવતા અને વેચતા. હવે અમીતનો અને મારો પરિચય
ઠીકઠીક થયો હતો. સાથે મુસાફરી કરવાને કારણે વાતચીત કરવાના પ્રસંગો પણ બનતા. જો કે, એક હદથી વધુ વાત થઈ શકે એમ ન હતું. કેમ કે, અન્ય સાથીદારો સાથે તે પત્તાં ન રમતો હોય
ત્યારે કાં શૅરને લગતી કે સીંગાપોર યા થાઈલેન્ડથી માલ લાવીને અહીં વેચવાની વાતો કરતો
હોય. અને આમાંથી એકેયમાં મારી ચાંચ ડૂબતી નહીં. તેણે એકાદ વાર થાઈલેન્ડની ટ્રીપ લગાવી અને ત્યાંથી બેગ્સ, બેલ્ટ, ઘડીયાળ જેવી ઘણી
નાની નાની ચીજો લઈ આવ્યો હતો. એકાદ થેલો મેં પણ તેની પાસેથી ખરીદ્યો હતો. જો કે, આ કંઈ તેની એક માત્ર ટ્રીપ ન હતી. તે ધીમે ધીમે અવારનવાર ત્યાં જતો થઈ
ગયો. કંપનીમાંથી તે રજા લઈને એક કે બે અઠવાડિયા માટે જતો. અમદાવાદથી નાની નાની
ચીજો લાવીને વડોદરામાં વેચ્યા પછી હવે તે થાઈલેન્ડ કે સીંગાપોરથી પણ નાનીમોટી
ચીજો લાવીને અહીં વેચવા લાગ્યો. ત્યારે હજી વિદેશપ્રવાસ આટલા સામાન્ય નહોતા બન્યા.
હવે કદાચ તેના ઘરની
સ્થિતિ પણ સુધરી હશે. જો કે, એ ચોક્કસપણે કહી શકાય એમ ન હતું. ધીમે ધીમે અમે સૌ અપડાઉન તબક્કાવાર બંધ
કરતા ગયા અને આખરે વડોદરામાં સ્થાયી થયા. અમીતના લગ્ન થયા,
તેણે વડોદરામાં ઘર પણ લીધું. જો કે, અપડાઉન બંધ થવાને કારણે
હવે અમારું મળવાનું ઘટી ગયું.
**** **** ****
ત્રીજો મિત્ર:
હું નોકરીમાં લાગ્યો એ પછી ત્રણેક વરસે (૧૯૮૭માં)
ઉર્વીશ બારમા ધોરણમાં આવ્યો. પણ બોર્ડની પરીક્ષાના થોડા દિવસ અગાઉ જ મારા પપ્પાને
હાઈપરટેન્શનનો બીજી વારનો હુમલો આવ્યો. તે બહુ તીવ્ર હતો. તેમનું એક તરફનું અંગ
લકવાગ્રસ્ત થઈ ગયું. દસ-બાર દિવસ તેમને અમદાવાદની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને
એ પછી અમદાવાદ રહેતાં મારા ફોઈના બંગલે તેમને ખસેડાયા. મારાં ફોઈ ત્યારે
સ્વર્ગવાસી થઈ ચૂક્યાં હતાં, પણ ફુઆ અને
તેમનાં માતાપિતા (એટલે કે ફોઈના સાસુ-સસરા) હતાં. પપ્પાને ઓછામાં ઓછો એકાદ મહિનો
તો અહીં રહેવું જ પડે એમ હતું. દરમિયાન ઉર્વીશે નડીયાદ અમારા મામાને ઘેર રહીને
બારમાની પરીક્ષા આપી. મેં કંપનીમાંથી રજા લીધી હતી અને હું તેમજ મમ્મી અમદાવાદ
હતાં. અહીં ફુઆના ઘેર રોજ રાત્રે કોઈ ને કોઈ મળવા માટે આવતું. આ જ અરસામાં ફુઆના
ભાઈની દીકરી એટલે કે તેમની ભત્રીજીના વિવાહ અમદાવાદમાં જ થયા હતા. નવું સગપણ હતું
એટલે એક દિવસ વેવાઈનો ફોન આવ્યો કે રાત્રે તેઓ પપ્પાની ખબર જોવા આવશે. ફુઆએ એમના થોડો
પ્રાથમિક પરિચય આપતાં મને કહ્યું કે છોકરાને પોતાની ફેક્ટરી હતી.
તેઓ ખબર જ જોવા આવવાના હતા એટલે બીજી કશી તૈયારી
કરવાની ન હતી. રાત્રે ત્રણ જણ આવ્યા. જેની સાથે સગાઈ થઈ હતી એ છોકરો, અને તેના મમ્મી-પપ્પા. હું આશ્ચર્ય પામી ગયો.
ઓહો! આ તો પ્રદીપ! ડીગ્રી એન્જિનીયરીંગમાં તે અમારી કૉલેજમાં ભણતો હતો અને ચિંતન
તેમજ અમીતનો પાડોશી. જો કે, તેની સાથે પરિચય
થાય એવા સંજોગો ત્યારે ઉભા ન થયા, પણ હવે આમ, જુદા જ સંજોગોમાં મળવાનું બન્યું. હું તો તેને
નામ અને ઠેકાણા સહિત ઓળખતો હતો, પણ તેને મારો
પરિચય ક્યાંથી હોય? ફુઆએ અમારો
પરસ્પર પરિચય કરાવ્યો, સગપણે ઓળખાણ આપી
પછી અમે બેઠા. તેની પાસે જઈને મેં કહ્યું, ‘આપણે એક જ કૉલેજના વિદ્યાર્થી છીએ, પ્રદીપભાઈ.’ મેં સીધી આવી જ
શરૂઆત કરી એટલે તેને સહેજ આશ્ચર્ય થયું. પછી ચિંતન, અમીત અને મારા
મિત્ર મંટુનો સંદર્ભ આપ્યો. અમારો પરસ્પર પરિચય ભલે ત્યારે નહોતો થઈ શક્યો, પણ હવે વધુ મજબૂત રીતે, બલકે દૂરના સગપણે થઈ રહ્યો હતો. ઘણું બધું
બેકગ્રાઉન્ડ કૉમન હોવાને કારણે અમે પહેલી વાર મળતા હોવા છતાં જૂના પરિચીત હોય એમ
વાતે વળગ્યા.
થોડી વાર બેસીને તેમણે વિદાય લીધી.
થોડા મહિનાઓ પછી તેમનાં લગ્ન લેવાયાં ત્યારે
અમારે તેમાં હાજરી આપવાની હતી જ. મંટુને પણ નિમંત્રણ હતું. ચિંતન અને અમીત તો તેના
પાડોશી અને મિત્ર હોવાને કારણે હોય જ. જો કે, ચિંતન સાથે અહીં
પણ વિધિવત પરિચય ન થયો. પ્રદીપના ઘણા સહાધ્યાયીઓ પણ હતા, જેમાંના ઘણાને હું ચહેરેમહોરે ઓળખતો હતો. કૉલેજ
છોડ્યા પછી આ રીતે સાવ અણધારી રીતે મળવાનું બન્યું એટલે ઘણા મિત્રોને એમ લાગ્યું
કે હું પણ પ્રદીપના કૉલેજના ગ્રુપમાં હોવાથી નિમંત્રીત હોઈશ. જો કે, પછી ચોખવટ થઈ કે હું પ્રદીપ તરફથી નહીં, પણ સામાવાળા તરફથી નિમંત્રીત છું.
કૉલેજમાં હતા અને અપડાઉન કરતા હતા ત્યારે
પ્રદીપ સાથે પરિચય થઈ શક્યો ન હતો, પણ હવે વાત જુદી
હતી. હવે તેનો પ્રવેશ અમારા વિસ્તૃત પરિવારમાં થયો હતો.
**** **** ***
ઉપસંહાર:
અત્યાર સુધી જે વાત લખી તેનો સમયગાળો ૧૯૮૧ થી
૧૯૯૧-૯૨ સુધીના દસકાનો હશે. હવે સીધા ૨૦૧૪માં પ્રવેશ કરીએ.
હું અને કામિની ચા-નાસ્તો કરતા હતા. જરા ફુરસદ
પણ હતી. એટલે જાતજાતની વાત નીકળતી હતી. એમાં એક જ પોળમાં રહેતા આ ત્રણ મિત્રોની
વાત મેં એને કરી. સળંગ સૂત્રરૂપે વાત મૂકાઈ, એટલે તેને બહુ
રસ પડ્યો. ઉપર લખી એ બધી જ વાત સાંભળ્યા પછી તેણે પૂછ્યું, ‘એ ત્રણેય અત્યારે
શું કરે છે?’ આ સવાલનો જવાબ
મને ખબર ન હતી. આટલી વાત કર્યા પછી મનેય આ
હકીકત જાણવાની ઈચ્છા થઈ હતી. આનો જવાબ તો મંટુ જ આપી શકે એમ હતો. એટલે વિના વિલંબે
મંટુને ફોન લગાવ્યો અને સ્પીકર ચાલુ કર્યું. મંટુએ ફોન ઉપાડતાં જ કશી પૂર્વભૂમિકા
વિના મેં સીધું પૂછ્યું, ‘પેલો તારો દોસ્ત દાઢીધારી ચિંતન શું કરે છે
આજકાલ? તને મળે છે કે નહીં? એ તારે ત્યાં લગ્નમાં કેમ નહોતો દેખાયો?’
મંટુ પાસેથી જે જાણવા મળ્યું એ મુજબ વાત આવી
હતી: ‘પોળનું મકાન તો
ચિંતને ક્યારનું ખાલી કરી દીધું હતું. એ પછી તે નદી પારના વિસ્તારમાં રહેવા ગયો
હતો. એ નવા સરનામે પણ મંટુ જઈ આવેલો. જો કે, વચ્ચે એવો સમય
આવ્યો કે તેમના સંપર્કમાં ઝોલ પડ્યો. મંટુ વચ્ચે વચ્ચે તેનો સંપર્ક કરવા માટે
પ્રયત્ન કરતો, પણ સંપર્ક થઈ શકતો નહીં. આમ, એક વાર સંપર્ક ન થાય એટલે વાત ઠેલાઈ જતી. કદાચ તેના નંબરો બદલાઈ ગયા હશે!
મંટુને ખ્યાલ હતો કે ચિંતનનો સાળો વડોદરામાં ડૉક્ટર છે. એક વાર તેના દવાખાના આગળથી
મંટુને પસાર થવાનું બન્યું. દવાખાનાની બહાર લાગેલા બોર્ડ પર ડૉક્ટરનો નંબર લખેલો હતો, એ મંટુએ નોંધી લીધો. એ પછી તેમને ફોન કરીને તેણે ચિંતનનો નવો નંબર મેળવી
લીધો. થોડા દિવસ પછી તેણે એ નવા નંબર પર ફોન લગાવ્યો, તો
ચિંતનને બદલે તેનાં પત્ની રીનાભાભીએ ફોન ઉપાડ્યો. બહુ વખત પછી તેમનો સંપર્ક થઈ
રહ્યો હતો, એટલે ‘કેમ છો?’, ‘સારું છે’ પત્યા પછી મંટુએ
ચિંતનના સમાચાર પૂછ્યા અને ફોન તેને આપવા જણાવ્યું. સામે ઘડીભર મૌન છવાયું. સામેથી
જવાબ મળ્યો, ‘ચિંતન હવે નથી રહ્યો.’ હવે ફોનના આ છેડે મૌન! ફોન પર તો શું અને કેટલી વાત થાય? બે-ત્રણ દિવસમાં જ મંટુ અમદાવાદ ઉપડ્યો, પોતાના ખાસ
મિત્રને ત્યાં.
પહોંચીને
તેણે જાણ્યું કે ચિંતનના અવસાનને બે-અઢી વરસ થઈ ગયાં છે. તેને ફેક્ટરીમાં કંઈક
તકલીફ હતી, અને તે
નાણાંભીડમાં આવી ગયો હતો. એ અરસામાં જ તેને કમળો લાગુ પડી ગયો. હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યો, પણ બીમારી ગંભીર અને કાબૂ બહાર થતી ચાલી.
છેવટે તેણે હોસ્પિટલમાં જ આખરી શ્વાસ લીધા. તેની ઉંમર ત્યારે ૪૩-૪૪ની આસપાસની હશે.
મંટુ પાસેથી
ચિંતનના કરુણાંતની વાત જાણીને અમે બે ઘડી સ્તબ્ધ થઈ ગયાં. પણ હજી બીજા બે મિત્રો વિષે જાણકારી
મેળવવાની બાકી હતી.
મેં પૂછ્યું, ‘અમીત ક્યાં છે આજકાલ?’
મંટુ પાસેથી જાણવા
મળેલી અમીત વિષેની વાત કંઈક આવી હતી.
નોકરી તો એણે
ક્યારની છોડી દીધી હતી. આવી સ્થિર, સુરક્ષિત અને આકર્ષક ગણાતી કેન્દ્ર સરકારની નોકરી છોડી દેવાનું શું કારણ? હકીકત એ હતી કે પૈસાની તે મોટે પાયે લેવડદેવડ કરતો થઈ ગયો હતો. શૅરબજારમાં તેના જંગી રૂપિયા સલવાયા હતા. રૂપિયાની વસૂલાત માટે લેણદારો
તેને ઘેર ચક્કર લગાવતા હતા. શરૂમાં તો આ ચાલ્યું, પછી તેમણે
અમીતને ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું. આ ધમકીઓ પોલી ન હતી. તેનો અમલ કરી શકે એવા આ
લોકો હતા. અમીતનું નોકરી પર આવવું અઘરું
થઈ ગયું. આ લોકો માટે તે ‘વૉન્ટેડ’
બની ગયો. તેણે અન્ડરગ્રાઉન્ડ થઈ જવું પડ્યું. કોઈકના દ્વારા જ બારોબાર તેણે
કંપનીમાં રાજીનામું મોકલાવી આપ્યું અને સપરિવાર શહેર છોડીને ચાલ્યો ગયો.
બસ, એ પછી તેનો મંટુ સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો.
દસ-બાર વરસ આમ ને આમ વીતી ગયાં હશે. થોડા વખત અગાઉ અમીતના મિત્ર હરેશની દીકરીનાં
લગ્ન હતાં. આ લગ્નમાં અમીતની પત્ની આવી હતી. તેની પાસેથી જાણવા મળ્યું કે અમીત તો
વિદેશમાં છે. અલબત્ત, ગેરકાયદે! તેનાં સંતાનો પણ હવે તો
મોટાં થઈ ગયાં છે. આ મુલાકાત પછી એકાદ મહીનામાં જ મંટુની દીકરીના
લગ્ન હતા, એટલે તેણે તારીખ અને સ્થળ જણાવીને અમીતની પત્નીને આમંત્રણ
આપ્યું હતું. મંટુની દીકરીનું લગ્ન હતું એના આગલે દિવસે અમીતનો ફોન આવ્યો. કદાચ
બાર-તેર વરસ પછી તેમની મુલાકાત થઈ રહી હતી, અને એ પણ પરોક્ષ!
અમીતની મહત્વાકાંક્ષાઓ હજી જીવંત છે કે સુષુપ્ત એ તો શી રીતે ખબર પડે?
હવે એ જ પોળમાં
રહેતા ત્રીજા મિત્ર વિષે મેં મંટુને પૂછ્યું, ‘ઓ.કે. એ બન્નેનો પાડોશી પ્રદીપ શું કરે
છે? એને ક્યારેય મળવાનું થાય છે?’
મંટુએ જણાવ્યું, ‘ઓહો! પ્રદીપને તો
જોયે વરસો થઈ ગયા હશે. એના વિષે તો કશી ખબર જ નથી.’
‘હવે
પ્રદીપ વિષે હું તને જણાવું.’ મેં કહ્યું. ‘પ્રદીપનાં લગ્ન અમારા સગામાં થયા છે. તેની પોતાની ફેક્ટરી પહેલાં ભાગીદારીમાં
હતી. અને હવે એ સ્વતંત્રપણે તેને સંભાળે છે. સારી રીતે
સ્થાયી થયેલો છે, અને તેના પરોક્ષ સમાચાર મને મળતા રહે છે.’ મેં વાત પૂરી કરી.
ઘણું બધું બોલ્યા
પછી અટકવાનું થયું એટલે હવે મંટુને સવાલ થયો, ‘પણ તને આ ત્રણેય જણ આજે અચાનક કેમના
યાદ આવી ગયા?’
આનો જવાબ મારી પાસે
ન હતો.