(ગુજરાત બહાર ગુજરાતી પરોણા:
કેફિયત એક ગુજરાતી યજમાનની)
-અમિત જોશી
[આ મહિને અમારા પ્રવાસના અંતે દિલ્હીમાં રહેતા મિત્ર અમિત જોશીની સાવ ઊડતી
મુલાકાત લેવાનું બન્યું. અત્યંત મર્યાદિત સમય, અનેકવિધ રસ અને વિષયોની ખૂટે નહીં એવી વાતોની વચ્ચે તેણે આ
લેખ લખીને તૈયાર રાખ્યો હતો. અમિતે આ અગાઉ અહીં પોતાની આગવી શૈલીમાં આંતરરાષ્ટ્રીય
પુસ્તક મેળાનો અહેવાલ લખ્યો છે.]
‘અતિથિ દેવો ભવ’ની આપણી સંસ્કૃતિમાં
મહેમાનોને મોટે ભાગે હાસ્ય નિપજાવવા પૂરતા જ યાદ કરાય છે. મહેમાન અને એમાંય ‘મુંબઈમાં આવતા મહેમાન’ વિષે તો એટલું બધું
કહેવાયું કે પત્ની અને મહેમાનોના વિષય પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કેટલાય
હાસ્યકલાકારોને દાળરોટીના ફાંફા થઈ જાય. તેની સામે ‘દિલ્હીમાં આવતા મહેમાન’ વિષે ખાસ લખાયું-કહેવાયું નથી. દિલ્હીમાં છેલ્લા સોળેક વરસોથી
રહેતો હોવાના કારણે ગુજરાતથી આવતા વિવિધ પ્રકારના મહેમાનોની યજમાનગીરી કરવાનો મોકો
પ્રાપ્ત થતો રહ્યો છે.
‘દિલ્હીમાં આવતા મહેમાન’ એ રીતે ઘણા જુદા પડે છે. દિલ્હીમાં આવ્યા પછીનો તેમનો
ડગુમગુ આત્મવિશ્વાસ, લાચારી અને સંપૂર્ણપણે યજમાન અવલંબિત વલણ જોઈને આપણને (એટ
લીસ્ટ, મને) નવાઈ
લાગે કે વણદીઠેલી ભોમ પર પાંખ વીંઝવાની આકાંક્ષા રાખનાર પ્રજા આ જ? અહીં આવા અનુભવોને
આધારે કેટલાંક નિરીક્ષણો ટપકાવવાનો પ્રયાસ કર્યો છે.
દિલ્હીમાં આવતા ગુજરાતી મહેમાન મુખ્યત્વે
બે પ્રકારના હોય છે. એક તો સીધું સગપણ કે પરિચય ધરાવતાં સગાંસંબંધી યા ઓળખીતા પાળખીતા.
અને બીજા છે આવા ઓળખીતાની ઓળખાણ લઈને આવતા વાયા વીરમગામ પ્રકારના. જો કે, બન્ને પ્રકારમાં એક
લક્ષણ સામાન્ય હોય છે. પૃથ્વીરાજ ચૌહાણે અનેક વાર જીવતા જવા દીધેલા અને પછીના વરસે વળી પાછા ચડી આવતા
મહંમદ ઘોરીના સૈન્યની જેમ આ કાફલો દર
આંતરે વરસે સાકટમ ધડબડાટી બોલાવતો રહે છે. કારણ? ‘અવે દિલ્હીમાં ક્યાં ઘડીએ ઘડીએ અવાય છે!’
* |
“સામે લેવા
આવજો, હોં”: દ્રૌપદીએ પોતાનાં ચીર પૂરવા માટે કૃષ્ણને કરેલી એ જ કક્ષાની
તીવ્રતા ધરાવતી આજીજી દિલ્હી આવનાર મહેમાન તરફથી થતી હોય છે કે- ‘ભ’ઈ, સ્ટેશને લેવા આવજે
હોં પાછો!’ કમનસીબે આપણે કૃષ્ણની જેમ સહસ્ત્રબાહુ નથી હોતા. ટાણેકટાણે
આવતી ટ્રેનના સમય મુજબ નોકરીના સમયમાં આડાઅવળી ગોઠવણ કરીને અથડાતા-કૂટાતા સ્ટેશને
લેવા જઈએ અને ટ્રેનમાંથી નીચે ઉતરીને આપણી રાહ જોતા મહેમાનને જોઈને આવકારનું સ્મિત
આપીએ ત્યાં જ એ બોલી ઉઠે, “ભ’ઈ, મુંબઈ હોય તો ખુશી-ખુશીથી પોં’ચી જઈએ, પણ આ હાહરું દિલ્લી
તો નર્યું ઠગ! કોઈના પર લગારેય વિશવા ના મેલાય.’ દોઢ દાયકાથી જે શહેરનું નમક ખાઈ રહ્યા હોઈએ એવા આપણા શહેર
વિષે આવતાવેંત મળેલા આવા જડબેસલાક કોમ્પ્લીમેન્ટ્સને આપણે સાંભળ્યા, ન સાંભળ્યા કરવા પડે.
પછી મહેમાનના કાફલા અને સામાન ભણી નજર માંડીએ કે અંતર્યામીની જેમ એ તરત બોલી ઉઠે, “તું લેવા આવવાનો હતો
પછી આટલા દાગીના હાટું હમાલ શું કામ કરવો?” પહેલાં તો ‘દાગીના’ શબ્દ સાંભળીને આપણે વિચારતા થઈ જઈએ, પણ પછી સમજાઈ જાય કે
ગુજરાતમાં સામાનને ‘દાગીના’ અને ‘દાગીના’ને ‘જોખમ’ કહે છે. એ પણ ભાન થઈ જાય કે હજારેક કિલોમીટરની, સોળ કલાક જેટલી લાંબી
મુસાફરી પછી એમનું તન થાક્યું હશે, પણ અંદર રહેલો અમદાવાદી આત્મા હજીય સજાગ, ચેતનવંતો અને કાર્યરત
છે.
સાર એટલો કે, આપણે (એટલે કે મારે)
હીપ પોકેટમાં પર્સ માટે હાથ નાંખતાં નાંખતાં ‘પ્રિ-પેઈડ’ (ટેક્સી)ના પહેલા ફટકા માટે સજ્જ થઈ જવાનું છે.
“ખરીદીમાં
સાથે રહેજો, ભ’ઈ”: એ હકીકત સ્વીકાર્યે છૂટકો કે એકતાબેનની સિરીયલો જોઈ જોઈને
ગુજરાતીઓએ એટ લીસ્ટ, બમ્બૈયા તો બમ્બૈયા હિંદી બોલવામાં સારું એવું કાઠું કાઢી
લીધું છે. (એક ઉદાહરણ: ‘દેખ ભ’ઈ, ભાવ તુમેરે કો ગિરતા ખાતા હે તો દે, નૈ તો કોઈ બલજબરી નૈ
હે.’) આમ છતાંય, દિલ્હી વિષે
માઈથોલોજીકલ વિશેષણો વાપરીને આ મહેમાન કહેશે, “ભાવતાલની રકઝક આપણને હિંદીમાં ન ફાવે. બાકી ગુજરાતીમાં
બોલવાનું હોય તો આપણે અમેરિકામાંય પોં’ચી વળીએ. એક વાર હું એ.લે. ગયેલો ત્યારે....” ઘડીભર લાગે કે
દિલ્હી કરતાં આપણે અમેરિકામાં રહેતા હોત તો સારું થાત. આ લક્ષણને મહેમાનની નબળાઈ ગણો
કે નબળાઈની તાકાત ગણો, પણ એક વાત નક્કી હોય છે કે વરસદા’ડાથી બચાવી રાખેલી આપણી
મહામૂલી રજાઓનો એ ભોગ લઈ લે છે. આખું વરસ શેરબજારમાં રીંછ અને આખલાની વચ્ચે હડી
કાઢતા રહેતા આ શખ્સો કેવળ ‘ઘરવાળાં’ને ફેરવીને તેમને ખુશ કરવાની વાર્ષિક જવાબદારીમાંથી છૂટવા જ
આવ્યા હોય છે. એ ભાઈનો ડોળો તો ભરઉનાળે દિલ્હીમાંય સ્કેમ જ ખોળતો હોય છે. ચાંદની
ચોક, પાલિકા બજાર, કરોલ બાગ અને સદર
બજારનું ખરીદી માટેનું એમનું લીસ્ટ સાંભળીને આપણા તો હાંજા ગગડી જાય. પણ આ
સ્કેમબહાદુરોનો તર્ક જુઓ: ‘મારકીટ ફરી આઈયે. હરખું પડ્યું તો જથાબંધ ઉઠાવી ગુજરાતમોં ફટકારી મારવાનું.
સું કે આપડો દિલ્લી ફરવાનો ખરચો નેકરી જાય.’ આપણી ખો કાઢવા આવેલા આ મહેમાન બસમાં ફરે, રિક્ષામાં બેસે, ટેક્સી કરે, પેડલ રીક્ષામાં
પરિક્રમા કરે, ભૂખ્યા કે તરસ્યા થાય કે છૂટા પૈસા માટે ઘાંઘા થાય, દિગ્વીજયીની અદામાં
દસે દિશામાં ડાફોળિયાં મારતો આ જણ ખિસ્સામાં ત્યારે જ હાથ નાંખે છે, જ્યારે તેને મોં
લૂછવા માટે રૂમાલ કાઢવાનો હોય. (હાથ તો એ પોતાના ખમીસ પર લૂછી નાંખે છે.)
આખો દિવસ બજારમાં ફરી ફરીને
પોપટીયું હિંદી બોલતો આ ભાયડો ઘેર આવીને આપણી સાથેય હિંદીમાં ફટકારવા માંડે છે.
હિંદીનો આ હેંગ ઓવર એટલો લાંબો ચાલે છે કે ગુજરાત પહોંચ્યા પછી રીક્ષાવાળા અને
ઘરની બાઈ સાથેય અઠવાડિયા સુધી હિંદીમાં ઠોકમઠોક ચાલતી રહે છે.
“અમારે
ત્યાં તો..”: ‘તફાવતના ત્રણ-ત્રણ
મુદ્દા લખો’ વાળા નિશાળીયા રોગથી મોટા ભાગના મહેમાનો પીડાતા હોય છે. કશું
ખરીદવું હોય તો કહેશે, ‘ દિલ્હી બહુ મોંઘું છે, ભઈસા’બ’ અને કશું મંગાવવું હોય તો કહેશે, ‘તમારે તો દિલ્લીમોં
સસ્તું હશે ને, યાર.’ પાલિકા બજારની પાંચ કલાકની પરિક્રમા દરમ્યાન પચાસ જગાએ
ભાવની રકઝક કરે અને પાવલીનીય ખરીદી ન કરે. અને આપણી હાલત મોટર પાછળ દોડતા શ્વાન
જેવી થઈ જાય- હાથમાં કશુંય આવે નહીં અને હાંફતા હાંફતા દોડ્યા જ કરવાનું. ઉલટાનું
સંભળાવે, “ આના કરતાં તો અમારે તણ દરવાજે બચુભાઈની દુકાને સસ્તું
મળે.” (એ વાત જુદી
છે કે ત્રણ દરવાજે બાવીસ નકલી બચુભાઈઓની એકવીસ અસલી દુકાનો છે.) આપણને થાય કે મારી
માડી, બચુભાઈની
દુકાને આનાથી સસ્તું મળતું હોય તો આટલે દૂર, આટલા તડકામાં તું શું કામ મને લોડીંગ રિક્ષા બનાવી
દેવા મથી રહી છે?
* |
શોપિંગના કાર્યક્રમ પછી આ ખરીદવેચાણ સંઘને કોઈ
રેસ્તોરાંમાં ભોજન માટે લઈ જઈએ ત્યારે દિવસ આખાના થાક પછી સૌ ભરપેટ જમે એ
સ્વાભાવિક છે. પણ જમ્યા પછી બીલની ચૂકવણી અર્થે યજમાન તરફથી કાર્ડ સ્વેપિંગની વિધિ
પતશે કે મહેમાન બોલી ઉઠશે, “બહુ મોંઘું કહેવાય આ તો. આના કરતાં
તો અમારે ત્યાંનો એક લારીવાળો હાઈક્લાસ ઢોંસા ઉતારે છે. સાંજે ચાર વાગે આવે ને
સાડા છએ તો બધું સફાચટ. દસ રૂપિયાનો ઢોંસો ને સંભાર-ચટણી અનલિમિટેડ. અને ટેસ્ટ તો
તમારા સરવણ ભવનનેય ટક્કર મારે એવો. મારા સાહેબ, રોજનું
ત્રીસ-પાંત્રીસ હજારનું એનું કાઉન્ટર છે, બોલો.” આ સાંભળીને
આપણને આપણી તો નહીં, પણ સરવણ ભવનના માલિકોની ચિંતા થઈ આવે કે
રખે ક્યાંક એ લોકો આ સાંભળીને પેલા ઢોંસાની લારીવાળાના ડરથી પોતાના દેશવિદેશમાં
માંડ પાથરેલા ધંધાનો સંકેલો ન કરી લે.
પેટમાં ભોજન પડે અને બીલ ચૂકવવું ન પડે એની
આડઅસરરૂપે મહેમાનને જે ‘કીક’ આવે એમાં
વારો ચડી જાય રીક્ષાવાળાનો. મીટર વિના ઉચ્ચક રકમ માંગવી દિલ્હીના રીક્ષાવાળાઓની
ખાસિયત છે. એટલે રીક્ષાવાળાનો ભાવ સાંભળીને મહેમાનભાઈ તાડૂકી ઉઠે, “ અરે, ઈસસે સસ્તે તો હમારે યાં કે શટલીયે હૈ. વો
જુદી બાત હૈ કિ વો કેરોસીન સે ચલતે હૈ.” દિલ્હીનો રીક્ષાવાળો આ સાંભળવા ઉભો ન રહે
એટલે આ વિવરણ સાંભળવાનું આપણા ભાગે આવે.
“તમે જખ મારી, યાર!”: કેવળ ફરવાના એક માત્ર શુદ્ધ
આશય સાથે અહીં ભાગ્યે જ કોઈ આવે છે. પોતાની સાથે તે ગામ આખાની ઈતર પ્રવૃત્તિઓ કે
વહીવટ લઈને આવ્યા હોય. કોઈક એમ્બેસીને લગતું કામ લઈને, કોઈક મીનીસ્ટ્રીના કડદા લઈને, કોઈક
વેપારવિસ્તરણની તક શોધવા તો કોઈક દિલ્હીની ટીપીકલ લેભાગુ કંપનીની આકર્ષક સવલતો
સાથેની નોકરીની ઓફર આપતો પત્ર લઈને ‘ડીપોઝીટ’ની રકમ ભરવા આવ્યા હોય.
મારા જેવાએ તો અહીં આટલા વરસ સુધી સરકારી નોકરી જ કરી
ખાધી હોય એટલે બીજી ઓળખાણ તો શી હોય! અમારા બ્લોકનો ચોકીદાર પણ નામને બદલે અમને
ક્વાર્ટર નંબરથી જ ઓળખતો હોય, ત્યાં અમેરીકન એમ્બેસીમાં કે કોઈ
મીનીસ્ટ્રીમાં કયા અમથાભાઈની ઓળખાણ હોવાની? આવનાર વિઝાપિપાસુ
સજ્જન ભાઈલાલભાઈ આપણે ઘેર ઉતર્યા હોય એટલે સૌ પહેલાં આપણને જ કશી ઓળખાણ હોવાનું પૂછે
ત્યારે આપણે કહીએ, “ના કાકા, એવી તો
કશી ઓળખાણ નથી.” ત્યારે ભાઈલાલભાઈ કપાળ કૂટવાનું જ બાકી રાખીને કહે, “તંયે દિલ્લીના તમારા આટલા વરસ પૉણીમોં જ ગયા ને! આટલા નોના કૉમ માટેય
તમારું છેંકણી જેટલું ઉપજે નહીં તો હું કોંદા કાઢ્યા તમે?” આ
સાંભળીને આપણને થાય કે ધરતી મારગ આપે તો કેટલું સારું? જેથી ભાઈલાલકાકાને
અંદર ઉતારી દઈએ.
ચિક્કાર કમાયા પછી સમાજસેવાના ઓઠા હેઠળ રાજકારણમાં
ભૂસકો મારવાના ઈરાદા સાથે આવેલા ‘સમાજસેવકો’ અથવા
સામાજિક સ્વિકૃતિ માટે ફાંફા મારતા નીઓ-રીચ વલુરીયા લોકો દિલ્હીમાં પ્રિ-પેઈડ
એવોર્ડ લેવા આવ્યા હોય અને આપણને ઉપકૃત કરવા આપણે ઘેર ઉતર્યા હોય ત્યારે આપણને
માપતા હોય એમ ખંધું હસતાં હસતાં પૂછે, “ ભઈ, તારે કોઈ મીનીસ્ટર-ફીનીસ્ટરની ઓરખોણ-બોરખોણ ખરી કે નહીં?” આપણે ભોળે ભાવે, સત્યની બને એટલા નજીક રહીને જવાબ
આપવાનો પ્રયત્ન કરતાં કહીએ, “રેલ્વે મીનીસ્ટ્રીમાં થોડો
વહેવાર ખરો. વરસમાં એકાદ-બે વખત રેલ્વેની ટિકિટ રીઝર્વ કરાવવા જઈએ એટલા પૂરતો.”
એટલે એ સજ્જન રીતસર તાડૂકે, “તારી જગાએ મારો નાનકો હોત ને તો
અત્યારે ઠેઠ સોનિયા ગોંધી હુધી પોંચી ગયો હોત.” આપણને થાય કે સોનિયા ગાંધીનું નસીબ
સારું હોય એમાં આપણો શો વાંક? પણ એ ઘડીયે તો એવી લઘુતાગ્રંથિ
થઈ આવે કે વી.આર.એસ.ની સારી ઑફર મળે તો એ સ્વિકારીને મારી આ નોકરી એમના નાનકાને
પકડાવતો જાઉં.
“નહીં ચાલે.”: પહેલી વાર આવેલા ગુજરાતીને લાલ કિલ્લો કે કુતુબ મિનાર જોવા ન મળે તો ચાલે, પણ બજેટ હોટલ અને ગુજરાતી થાળી તો મળવી જ જોઈએ. એ માટેનાં
એમના ફાંફાં સતત ચાલુ જ હોય. એની અવેજીમાં તેઓ આપણે ત્યાં ઉતર્યા હોય એટલે સવારે
ટાઈમસર નાસ્તાપાણી કરીને ઘેરથી નીકળે અને સાંજે આવે ત્યારે વરસાદમાં પલળેલા કૂકડા
જેવી હાલત થઈ ગઈ હોય. આવીને જમે-કારવે. જમવાનું બનતું હોય તો રસોડામાં આવીને મદદનો
વિવેક કરે, પણ એનો હેતુ જુદો હોય. વઘાર કરતી વખતે કે શાક
સમારતી વખતે બપોરે નિયમીત જોવાતા રસોઈ શોની ટીપ્સ પણ અપાતી જાય. “ આયહાય, તમને ખબર નથી? રોટલીના લોટમાં સહેજ મલાઈ ને કોપરું નાંખી
જોજો. પછી જોજો.” રસોઈ બનતી હોય ત્યારે કહે, “ના, ના, કોથમીર ના નાંખતા. અમારા એમને નથી ભાવતી.”, “ અમારો પિન્ટુ ખીચડી નહીં ખાય, હોં. એને
ભાખરી-શાકથી જ સંતોષ થાય. એ તો ‘ભગવતી’માં
જાય ને તોય છેલ્લે તો ભાખરી-શાક જ મંગાવે.”
જમણવાર પછીનો સંકેલો ‘બાય ડિફોલ્ટ’ યજમાનપત્નીના ફાળે હોય. આવા નાજુક સમયે મહેમાનોનો
થાકેલો મહિલા વિભાગ ‘ભાભીને મદદ કરવા’ના
નામે રસોડામાં ટહુકો કરવા આવે. ‘ભાભી’
ફોટા માટે માંડમાંડ હસી શકતા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જેવા હાવભાવ મોં પર લાવીને
સામો વિવેક કરે, “રહેવા દો ને! તમે થાકી ગયા હશો.” એટલે પેલી
મહેમાનાંગના (મહેમાન+ વીરાંગના) તરત હથિયાર હેઠાં મૂકી દે અને પોતાની વિજયપતાકા
લહેરાવ્યાનો સંતોષ માની લે. તરત એ વાતોના તડાકા શરૂ કરી દે. આવા સંજોગોમાં
રસોડાનું અને પત્નીના મગજનું તાપમાન માપવા કોઈ થર્મોમીટર કામ ન લાગે.
નિયમીત જોવાતા સમાચારને બદલે આપણે મન મારીને વાહિયાત
સિરીયલ જોવા બેસવું પડે. મહેમાન પૂછે, “ તમે ‘બડે લચ્છે મારતે હૈ’ સિરીયલ જુઓ છો?” આપણે ગંભીરતાથી કરડાક મોંએ નકારમાં માથું ધુણાવીએ તો આપણે આદિમાનવ હોઈએ
એવા આશ્ચર્યથી આપણી સામે જોઈ રહે. પછી કહે, “હાચ્ચું કઉં? મને તો આ જોયા વિના ચેન જ ન પડે.” પછી કરુણાથી
પ્રેરાઈને એ સિરીયલની સ્ટોરી માથે મારવા તૈયાર થઈ જાય અને એમના આ વાકપ્રવાહમાં
તેમની સ્માર્ટ પત્ની અને હાઈપર એક્ટીવ બાળકો વચમાં ટોકે- ‘ના,ના. તમેય શું? પેલો તો પેલી સાથે નહીં, પણ પેલીની બેનની બેનપણી હારે ચાલુ છે.’ ટૂંકમાં, સ્ટોરી રી-ટોલ્ડ અનલિમીટેડ.
ઘરની હાલત તો જૂની દિલ્હીના રેલ્વે સ્ટેશન જેવી થઈ
ગઈ હોય. સામાન ચોફેર વીખરાયેલો પડ્યો હોય, મહેમાનોની
ઢગલાબંધ ખરીદી સોર્ટ આઉટ થવાની રાહમાં પડી હોય, ટી.વી.ના
રીમોટ કન્ટ્રોલ માટે વાનરસેના ધર્મયુદ્ધે ચડી હોય. આ બધું અનાસક્તભાવે નિહાળતા, મોં પર પરાણે ભગવાન કૃષ્ણ જેવું સ્થિતપ્રજ્ઞ સ્મિત રાખીને આપણે મનમાં ચિંતીત
થતા હોઈએ કે આજે ઘરમાં આપણો સૂવાનો મેળ ક્યાં પડશે? રસોડામાં? બાલ્કનીમાં? કે પછી સ્ટોરરૂમમાં? એટલામાં તો પિન્ટુની મમ્મીની વરદી આવે, “અમારા
પિન્ટુના પપ્પાને તો બે ઓશિકાં જોઈશે.” આપણે આપણું ઓશિકું એમને ધરી દઈએ ત્યાં તો
બીજો ઓર્ડર ફાટે, “ને મનેય બેકપેઈન છે. એટલે પાટવાળો પલંગ
જોઈશે, હોં!” આપણને ત્યારે જ્ઞાનબોધ થાય કે સમગ્ર પિન્ટુ
પરિવારના રહેવા- જમવાની વ્યવસ્થા આપણે ઘેર કરવાને બદલે સીધી કોઈક ફરાસખાનાવાળાને
ત્યાં કરી હોત તો સસ્તું પડત.
**** **** ****
મહેમાનની ચિલ્લર પાર્ટીએ ઘરના ખૂણેખૂણે કબજો જમાવી
દીધો હોય, હપ્તે હપ્તે માંડ વસાવેલો સોફા મહેમાનનો
નાનકો ગદડતો હોય. એમનો મોટકો આપણી શેવિંગ કીટને કર્મ બનાવીને પોતાના ચહેરાનો મોક્ષ
કરવાની વેતરણમાં હોય. ઘેર કદી છાપુંય ન મંગાવતો મોટકાનો બાપ આપણા પુસ્તકો ફેંદતો
હોય. એમાંથી થોડીક ચોપડીઓ તારવીને કહે, “આ લઈ જાઉં છું.
રસ્તામાં ટાઈમ પાસ માટે.’ ભૂલેચૂકેય સી.ડી.નું બોક્સ હાથે
ચડી ગયું તો સમજો કે એમાંની સુગમ સંગીતની સી.ડી.એ જાણે કે સ્વર્ગની સીડી પકડાવી
દીધી. આપણને ધ્રાસકો પડે કે હવે આ સી.ડી. કે પુસ્તકો કદી આપણું મોં જોવા નહીં
પામે.
બગલાની પાંખ જેવા સફેદ શર્ટ-જેનું ઉપલું બટન ખુલ્લું
હોય અને ગળામાં ઓમ કે શ્રીનાથજી બાવાના માંદળિયાવાળો સોનાનો દોરો ટીંગાતો હોય, સફેદ પાટલૂન, ફેન્સી બકલવાળો પટ્ટો –
આવતી વખતે આવી વેશભૂષામાં આવેલા મહેમાન રવાના થાય ત્યારે ટી-શર્ટ અને કેપ્રીમાં
આવી ગયા હોય. એમની સ્ત્રીઓ પણ ફેન્સી થઈ ગઈ હોય.
છેલ્લે, મહેમાન રવાના થવાના હોય ત્યારે ખૂબ
જ કૃતજ્ઞતાપૂર્વક એમનો વધેલો નાસ્તો ‘ગુજરાતનો છે’ કહીને આપણને કૃષ્ણાર્પણ કરતા જાય. આવો નાસ્તો જોઈને ગામના મંદિરના
અન્નકૂટનો ઘેરેઘેર વહેંચાતો ચૂરો પ્રસાદ યાદ આવી જાય. અલબત્ત, આ નાસ્તાની ફેસ વેલ્યુ કિડીયારું પૂરવા જેટલી જ હોય છે. પણ દિલ્હીમાં
કિડીયારાં લાવવાં ક્યાંથી?
મહેમાન આવે ત્યારે વાંચવા-લખવાની પ્રાઈવસી છીનવાઈ
જાય, રૂટીન એન્ગેજમેન્ટ્સ કાં તો પોસ્ટપોન,
કાં કેન્સલ કરવા પડે. મહેમાન સાથે એમના સ્તરે જઈને વાત કરવી પડે. આપણા ઘરમાં જ
આપણી ઓળખ ભૂંસાઈ જવાને આરે આવી જાય. પણ છતાંય કહેવું રહ્યું કે ‘મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ’. એટલે જ મિત્રો આવે ત્યારે અનહદ આનંદ થાય છે, કારણ
ત્યાં સ્તરનો લય અક્ષુણ્ણ રહે છે.
**** **** ****
એટલી સ્પષ્ટતા કરી લઉં કે આ કેફીયત પ્રિ-બીરેન યુગની
છે, એટલે અહીં ઈ.સ.પૂ. જેવો ઉપસર્ગ લગાડી શકાય. આ વાંચીને
બીરેનભાઈએ હસીને પૂછ્યું, “ યાર, આપણા
ઘણા દોસ્તો તારે ત્યાં આવવા ટાંપીને બેઠા છે. તો તારું એડ્રેસ એમને આપું કે ન આપું?” મેં કહ્યું, “હા, હા. આપો ને, બેધડક.” અને મનોમન ઉમેર્યું, “પણ ઈ-મેઈલ એડ્રેસ આપજો.”
(તા.ક.: આ વખતે ઉનાળાની રજાઓની ‘મહેમાનબોણી’ બીરેનભાઈના પગરણથી થઈ છે. ટીટોડીના ઈંડા પરથી માંડવામાં
આવતા ચોમાસાના અંદાજની જેમ હવે તો ‘મહેમાનબોણી’ પરથી અંદાજ માંડી લઈએ છીએ કે આ ઉનાળામાં મહેમાનફાલ કેવો
રહેશે.)
(નોંધ: (*) નિશાનીવાળી તસવીરો નેટ પરથી લીધી છે.)