સાપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા.......
કરવટેં બદલતે રહે સારી રાત હમ, સાપ કી કસમ......
સાપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા……
કરવટેં બદલતે રહે સારી રાત હમ, સાપ કી કસમ......
સાપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા……
બીનવાદન અને કલ્યાણજી-આણંદજી ની પોસ્ટ લખ્યા પછી જે પણ ગીતોમાં ‘આપ’ હોય એને બદલે ‘સાપ’ સંભળાય છે. એ વિચાર આવે છે કે મદારીઓને ફળ્યા હશે એથી અનેક ગણા સાપ ફિલ્મવાળાઓને ફળ્યા છે. મોટા ભાગની આવી ફિલ્મોનું કથાવસ્તુ કાં પૌરાણિક કે પછી નાગને લગતી દંતકથાઓની આસપાસ ફરતું રહે છે. સાપ પ્રત્યે ખાસ લગાવ ન હોવાને કારણે અંગત રીતે મને આવી ફિલ્મો જરાય ગમતી નથી, તેથી ભાગ્યે જ કોઈ ફિલ્મ મેં જોઈ હશે. એક અંગ્રેજી ફિલ્મ ‘સ્નેક’ જોયેલી એમાં પણ માણસનું સાપમાં થતું ક્રમિક રૂપાંતર જોઈને ત્રાસ છૂટેલો. નામ ભૂલી ગયો છું એવી એક હિન્દી ફિલ્મમાં અનેક સાપને વિવિધ વાદ્યો વગાડતા બતાવ્યા હતા. વિવિધ પ્રાણીઓને એનિમેટેડ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે જે તે પ્રાણીઓની લાક્ષણિકતાઓને બરકરાર રાખીને પણ તેમનો દેહ માનવ જેવો દેખાડવામાં આવતો હોય છે. સાપને હાથપગ જેવું કશું હોતું નથી, અને તેનું શરીર સીધું હોય છે, તેથી સાપને એનિમેટેડ સ્વરૂપમાં એ રીતે દેખાડવો અઘરો છે. એનિમેટેડ ફિલ્મોમાં પણ મને સાપનાં પાત્રો નથી ગમતાં.
પણ ‘સાપ ને યાદ દિલાયા, તો મુઝે યાદ આયા’ કે કેટલી હિન્દી ફિલ્મો સાપ કે નાગને કેન્દ્રમાં રાખીને બની હશે? કુતૂહલવશ હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી સંપાદિત હિન્દી ફિલ્મોની ઈન્ડેક્સમાં તેમજ ગૂગલ પર ફક્ત ‘નાગ’, ‘નાગિન’, ‘સાપ’ કે ‘સપેરા’ શબ્દોથી શોધ ચલાવી અને જે નામો મળવાં લાગ્યાં એ જોઈને મોંમાંથી ‘હીસ્સ્સ્સ’ નીકળી ગયું. બાપ રે! સાપ તો ઐસે ન થે.
એ નામોની કેવળ એક ઝલક:
નાગભૈરવ (1985), નાગચંપા (1958 અને 1976), નાગદેવતા (1962 અને 1981 તેમજ 2004 - ડબ્ડ), નાગજ્યોતિ (1963), નાગલોક (1957), નાગમંદિર (1966), નાગમણિ (1977, 1988, 1991, 2004), નાગ મેરે સાથી (1973), નાગમોહિની (1963), નાગનાગિન (1989), નાગ પદ્મિની (1957), નાગ પંચમી (1953 અને 1972), નાગપૂજા (1971), નાગ રાની (કોબ્રા ગર્લ, 1963), નાગશક્તિ (2001-ડબ્ડ), નાગયોનિ (2000), નાગદેવી (2002-ડબ્ડ), નાગાનંદ (1935), નાગન (1934), નાગન (પચાસનો દાયકો), નાગન કી રાગની (1933), નાગેશ્વરી (2002- ડબ્ડ), નાગિન (1954 અને 1976), નાગિન ઔર લૂટેરે (1992), નાગિન ઔર નગીના (1988), નાગિન ઔર સપેરા (1966), નાગિન ઔર સુહાગન (1979), નાગિન બની દીવાની (1992), નાગિન કા ઈન્તેકામ (2010-ડબ્ડ), નાગિન કે દો દુશ્મન (1988), નાગલોક (2003-ડબ્ડ), નાગફની (1987), નગીના (1986), નિગાહેં (1989), સપેરા (1939 અને 1961), સુનહરી નાગિન (1963), કોબ્રા (1980), એક સપેરા એક લૂટેરા (1965), નાચે નાગિન ગલી ગલી (1990), નાચે નાગિન બાજે બીન (1960), દૂધ કા કર્ઝ (1990), હીસ્સ (2010), તુમ મેરે હો (1990), શેષનાગ (1990), જાની દુશ્મન: એક અનોખી કહાની (2010), એક વરદાન નગીના (2006), ઝહરી સાંપ (1933), ઝહરીલા બદન (2003)…..
આ યાદી હજી અધૂરી છે, અને હિન્દી ઉપરાંત પ્રાદેશિક તેમજ અંગ્રેજી ફિલ્મોમાં પણ સાપ કે નાગને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. આ તમામ ફિલ્મોના નિર્માતાઓએ ‘સર્પ ભજનાવલિ’ની જેમ એક પુસ્તિકા તૈયાર કરી હોવી જોઈએ અને ન કરી હોય તો કરવી જોઈએ. ‘સાપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે’, ‘સાપ આયે, બહાર આઈ’. ‘સાપ કી નઝરોં ને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે’, ‘સાપ કો પ્યાર છુપાને કી બુરી આદત હૈ’, ‘સાપ કે હસીન રુખ પે આજ નયા નૂર હૈ’, ‘સાપ મુઝે અચ્છે લગને લગે’, ‘સાપ સે પ્યાર હુઆ જાતા હૈ’, ‘સાપ કો પહલે ભી કહીં દેખા હૈ’, ‘સાપ આયે તો ખયાલ-એ- દિલ-એ-નાશાદ આયા’ વગેરે જેવાં ભજનો તેમાં સામેલ કરીને રોજ તેનો પાઠ કરવો જોઈએ.
પાછા મૂળ વાત પર આવીએ તો ‘નાગિન’થી બીન મ્યુઝીકનો દોર શરૂ થયો. આ ફિલ્મમાં મુખ્ય સંગીતકાર હેમંતકુમાર હતા, તેમના સહાયક તરીકે રવિ હતા, અને ક્લેવાયોલિન પર બીનના સૂરની અસર કલ્યાણજી વીરજી શાહે પેદા કરી હતી. આગળ જતાં કલ્યાણજી-આણંદજીની જોડી તરીકે તેઓ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને ‘મદારી’, ‘સુનહરી નાગિન’ જેવી સાપના કથાવસ્તુ પર આધારિત ફિલ્મોમાં તેમને સંગીત આપવાનું આવ્યું ત્યારે તેમાં પણ તેમણે બીન મ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. ‘નાગિન’ પછી હેમંતકુમારના સંગીતવાળી એવી કોઈ ફિલ્મ આવી હોવાનું ધ્યાનમાં નથી, જેમાં બીન મ્યુઝીકનો ઉપયોગ થયો હોય. (કોઈ મિત્રના ધ્યાનમાં હોય તો જરૂરથી જણાવે.) આગળ જતાં કલ્યાણજી-આણંદજીના સહાયક તરીકે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ જોડાયા. એ વાત પછી કરીએ.
હેમંતકુમારના સહાયક રવિ સ્વતંત્ર સંગીતકાર બન્યા. રવિએ પણ બીન મ્યુઝીકનો ઉપયોગ કર્યો. તેમને ‘નાગ પંચમી’માં સંગીત આપવાનો મોકો મળ્યો, જેનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. બાબુભાઈ મિસ્ત્રી ટ્રીક ફોટોગ્રાફીના નિષ્ણાત હતા. (તેમણે પ્રચલિત કરેલી ‘કાલા ધાગા’ ટેકનિક બહુ જાણીતી બનેલી. મુંબઈના દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર એક બાંકડો બાબુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી મૂકવામાં આવ્યો છે. અત્યારે એ બાંકડો છે કે નહીં એ ખબર નથી, પણ મેં અને ઉર્વીશે પહેલી વાર જોઈને બાબુભાઈનું નામ વાંચ્યું ત્યારે અમારા બન્નેના એક જ ઉદગાર હતા: ‘આ બાંકડો ખરેખર તો જમીનથી બે ફીટ અધ્ધર લટકતો મૂકાયેલો હોવો જોઈએ. પછી જો કે, ઉર્વીશને બાબુભાઈનો લાંબો ઈન્ટરવ્યૂ લેવાનો મોકો પણ મળેલો.) આથી આ પ્રકારની વિવિધ પરીકથાઓ પર આધારીત અનેક ફિલ્મો તેમના ભાગે દિગ્દર્શીત કરવાની આવી. તેમના ભાઈ નરેન્દ્ર મિસ્ત્રી પણ સિનેમેટોગ્રાફર હતા. (‘સાગર મુવીટોન’ પુસ્તકના આલેખન વખતે તેમને મળવાનું નક્કી થયેલું, પણ પછી છેલ્લી ઘડીએ તેમની નાદુરસ્ત તબિયતને કારણે પડતું મૂકાયું.)
‘નાગ પંચમી’નાં કુલ ચાર ગીતો હતાં, જે ઈન્દીવરે લખેલાં હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકરનું ગાયેલું ‘મૈં નદીયા કી ધારા’નું મુખડું સાંભળતાં જ ‘તૂઝે સૂરજ કહું યા ચંદા’ (એક ફૂલ દો માલી, સંગીતકાર:રવિ) યાદ આવી જાય. કિશોરકુમારે ગાયેલું ‘ના જાને તેરે ભાગ્ય મેં ક્યા હૈ’ ભારતીય નારીની સ્થિતિનો ચિતાર આપે છે. ‘તેરે લહૂ મેં સીતા હૈ, કર્મોં મેં તેરે ગીતા હૈ’ જેવા શબ્દો ઈન્દીવરની શૈલી છતી કરે એવા છે. ‘એ નાગિન જા બસ અપને દ્વારે’ ટીપીકલ રવિની શૈલીનું ગીત છે. આ ગીતમાં બીનના મ્યુઝીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાના ‘પતિ’ના અપમૃત્યુનો બદલો લેવા માટે તેને મારનારની સુહાગરાતે નાગણ આવે ત્યારે સુહાગણ તેને પાછી વળી જવાનું વીનવતી હોય એવી સિચ્યુએશન છે. ‘બદલા લેકર તુમ બદલે કી આગ બુઝા ન સકોગી, મન કા ચૈન તો તભી મિલેગા જબ તુમ ક્ષમા કરોગી’ જેવા શબ્દો ભલે એક સ્ત્રી નાગણને કહેતી હોય, પણ તેમાં ઈસુથી લઈને ગાંધી સુધીનાની ફિલસૂફી સમાયેલી છે. સરવાળે ઈન્દીવરના શબ્દો, લતાની ગાયકી અને રવિની સ્વરબાંધણીનો એવો પ્રભાવ પડે છે કે હત્યાના ઈરાદે આવેલી નાગણ આંખમાં આંસુ સાથે પાછી વળી જાય છે. એ હિસાબે માણસ કરતાં નાગણ વધુ ‘સહિષ્ણુ’ કહેવાય.
આશા ભોંસલેએ ગાયેલું ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સમૂહ ગીત છે, જેમાં બીન મ્યુઝીક છે. આગળ જતાં ‘નગીના’માં શ્રીદેવીએ નાગણમુદ્રાની શૈલી રજૂ કરી એ જ (બન્ને હથેળીઓ ફેણની મુદ્રામાં માથે મૂકવાની) મુદ્રા આ ગીતમાં પણ જોવા મળે છે. મુખડામાં ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સાંભળતાં ‘ધરતી કહે પુકાર કે’ (સંગીત: લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ) ‘જા રે કારે બદરા, બલમ કે પાસ’ની યાદ આવે છે.
‘નાગપંચમી’નું ટાઈટલ મ્યુઝીક બીનકેન્દ્રી છે, જેમાં વચ્ચે વચ્ચે ફ્લૂટ અને સિતારથી પૂર્તિ કરવામાં આવી છે. આ ફિલ્મનાં ટાઈટલ એનિમેટેડ છે. ગમે તેવાં હોય, એનિમેટેડ ટાઈટલ સામાન્યપણે મને ગમતાં હોય છે, પણ ભઈસા’બ, અહીં તો સાપનો અતિરેક થઈ ગયો છે. જિસ તરફ દેખિયે, સાપ હી સાપ હૈ. શરૂમાં ફિલ્મનું નામ જ નાનામોટા સાપની ગોઠવણી વડે લખાય, અને પછી એકે એક ટાઈટલમાં સાપ હોય જ. સિનેમેટોગ્રાફીમાં કેમેરા ચલાવતો સાપ, નૃત્ય નિર્દેશનમાં નૃત્ય કરતા સાપ, સંગીતમાં વાદ્યો વગાડતા સાપ.....! આ જોઈને આપણને થાય કે સાપ સે ભી ખૂબસૂરત સાપ કે અંદાઝ હૈ. નૃત્ય નિર્દેશનની ક્રેડીટ વખતે સાપને માનવાકૃતિની જેમ ઉભો નાચતો બતાવ્યો છે, એમાં જે રીતે તેના ‘હાથપગ’ બતાવ્યા છે એ કાબિલેદાદ છે. સાપના શરીરની કેવી ગાંઠની કલ્પના કલાકારે કરી હશે ત્યારે આ વીઝ્યુલાઈઝેશન તેમના મનમાં બેઠું હશે. મોટા ભાગની ફ્રેમોમાં સાપ ‘યો યો’ની જેમ પોતાની જીભથી રમત કરે છે. સંગીતકારની ક્રેડીટમાં બે સાપ જે રીતે સહકારી ધોરણે બીન વગાડે છે એ પણ મઝા પડે જેવું છે. એનિમેશન કલાકારોમાં ગુજરાતી કલાકાર લક્ષ્મણ વર્માનું નામ વાંચીને આનંદ થયો. આ ટાઈટલ જોઈને કોઈને સપનામાં સતત સાપ આવતા થાય, અને તેમને ચાંદીનો નાગ ક્યાંક દાટવાનો ઈલાજ કોઈ સૂચવે તો મારું સરનામું માંગી લેશો. એમ થાય તો પેલી ભજનાવલિમાં એક ગીત મારા તરફથી મૂકીશ, ‘સાપ કી ઈનાયતેં, સાપ કે કરમ, સાપ હી બતાયેં કૈસે, ભૂલેંગે હમ.’
આ ફિલ્મની ટ્રેકમાં ટાઈટલ મ્યુઝીક 0.33 થી 4.52 સુધી છે. આ સંગીત કર્ણપ્રિય છે, પણ સાંભળતાં કંટાળો તો જોવાની મઝા લઈ શકાશે અને જોતાં કંટાળશો તો સાંભળવાની.
*****
અગાઉ જણાવ્યા મુજબ કલ્યાણજી-આણંદજી સ્વતંત્ર સંગીતકાર બન્યા પછી તેમણે બીનમ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. આવી જ એક ફિલ્મ હતી 'સુનહરી નાગીન'. બાબુભાઈ મિસ્ત્રી દિગ્દર્શીત આ ફિલ્મ 1963 માં રજૂઆત પામી હતી.
અહીં આપેલી આ ફિલ્મની ટ્રેકમાં 2.48 સુધી ટાઈટલ મ્યુઝીક છે. પહેલાં એ સાંભળીએ.
આ ટાઈટલ ટ્રેક શરૂ થાય એ સાથે જ આપણા કાન ચમકી ઉઠે છે. ઓહો! આ તો શ્રીદેવીવાળી ફિલ્મ 'નગીના' (1986) નું સંગીત. પણ 'નગીના'માં તો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું સંગીત હતું. આનો તાળો એ રીતે મળે છે કે 'સુનહરી નાગીન'માં સંગીત સહાયક તરીકે આ જોડીનું નામ વાંચી શકાય છે. તેઓ પણ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને તક મળી ત્યારે બીનમ્યુઝીકનો ઉપયોગ કર્યો. 'સુનહરી નાગીન'નું ટાઈટલ મ્યુઝીક 'નગીના'નું થીમ મ્યુઝીક બની રહ્યું. 'નગીના'ના અતિ લોકપ્રિય ગીત 'મૈં તેરી દુશ્મન, દુશ્મન તૂ મેરા'માં સંગીતનો આ ટુકડો વાગે છે. અને આ જ ટ્રેક ફિલ્મના ટાઈટલ મ્યુઝીક તરીકે પણ છે. અલબત્ત, વચ્ચે સહેજ બીજું સંગીત ઉમેર્યું છે, પણ મુખ્ય ધૂન એની એ જ રહે છે.
'નગીના'નું ટાઈટલ મ્યુઝીક અહીં સાંભળી શકાશે, જે 1.50 સુધી છે.
આ ફિલ્મના ટાઈટલમાં સંગીતકારના સહાયક તરીકેનું નામ જણાતું નથી. પણ જોઈ શકાશે કે હેમંતકુમારના મુખ્ય નિર્દેશનથી શરૂ કરીને તેમના સહાયકો પણ સ્વતંત્ર સંગીત નિર્દેશક બન્યા ત્યાં સુધી સૌએ બીનસંગીતનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો છે.