Monday, July 4, 2016

તુઝે મેરે ગીત બુલાતે હૈ


માત્ર સરખામણી ખાતર કલ્પના કરવાની છે. માની લો કે કોઈ પ્રદેશમાં પાણીની મૂળભૂત સુવિધા નથી. આ સમસ્યાને કારણે ખેતી માટે તો ઠીક, પીવાનું પાણી મેળવવાનાં પણ લોકોને ફાંફા છે. ચોમાસે અનિશ્ચિતપણે વરસતો વરસાદ એક માત્ર આધાર. આમ ને આમ અભાવમાં વરસો વીતે છે. થોડા સન્નિષ્ઠ લોકોના પ્રયત્નો થકી આ ગામ પાસેથી એક મુખ્ય નહેર પસાર થાય છે. નહેર પસાર થતાં પાણીની સમસ્યાનો ઉકેલ દેખાવા લાગે છે. ખેતી માટે પાણી મળે છે, પીવાના પાણીની છત છે. ધીમે ધીમે લોકો હવે પેટાનહેર કાઢીને જળાશયોમાં પણ પાણી ભરે છે.

કંઈક આવી જ સ્થિતિ થોડાં વરસો અગાઉ ફિલ્મોના ગીતસંગીત ક્ષેત્રે જાણકારીની હતી. કોઈ ગીતની વિગત જાણવી હોય તો રેડિયો એક માત્ર આધાર હતો, અને એ સાંભળતાં ચૂકી જવાય તો ગઈ વાત. આવા સંજોગોમાં કાનપુરના સંગીતપ્રેમી હરમંદીરસીંઘ હમરાઝે એક મહાકાર્યનો આરંભ કર્યો. એકલપંડે આરંભાયેલા આ કાર્યમાં અનેક સમરસિયાઓ જોડાતા ગયા. અને એક પછી એક એમ હિન્‍દી ફિલ્મોનાં ગીતોનાં તેમણે કુલ પાંચ સંકલન તૈયાર કર્યાં. આ ગ્રંથો માહિતીરૂપી મુખ્ય નહેર સમા બની રહ્યા. આ પાંચ ખંડોમાં ૧૯૩૧ થી ૧૯૮૦ સુધીની તમામ ફિલ્મો, તેનાં ગીતો તેમજ કલાકારોની માહિતી આપવામાં આવી છે. બે લીટીમાં લખાઈ જતી આ કથા ખરા અર્થમાં ભગીરથ કાર્ય જેવી હતી. (એ શી રીતે સંપન્ન થયું તેનો આલેખ અહીં .) આ ગ્રંથોએ લાખો સંગીતરસિયાઓને ન્યાલ કરી દીધા, અને બીજા અનેક પેટાસંપાદનો માટેના દરવાજા ખોલી આપ્યા. આ પેટાસંપાદનો કરવા સહેલાં નથી. તેમાં અનેક ઝીણવટ, ચોકસાઈ, સંશોધન જોઈએ.
અલબત્ત, સુરતના હરીશ રઘુવંશીએ ૧૯૮૫માં મુકેશ ગીતકોશ પ્રકાશિત કર્યો ત્યારે કોઈ એક કલાકારના સમગ્ર પ્રદાનને સમાવતો ભારતભરનો એ પહેલો ગ્રંથ હતો. એ રીતે હરીશભાઈએ જાણે કે એક મોડેલ પણ મૂક્યું હતું.
**** **** ****

હમરાઝનાં હિન્દી ફિલ્મ ગીતકોશની ગંગોત્રીમાંથી વ્યક્તિગત કલાકારોનાં સંપાદનોની અનેક ગંગા નીકળવાનો આરંભ થયો. કાનપુરના જ રાકેશ પ્રતાપસિંહે તલત ગીતકોશ તૈયાર કર્યો. મહંમદ રફીનાં ગીતોનું સંકલન પણ તૈયાર થયું. અલબત્ત, દરેકે દરેક સંપાદનો સંપૂર્ણ નથી.

પં.ભરત વ્યાસ સમગ્ર 
ગયા વરસે પ્રકાશિત દિલ્હીના સંજીવ તંવરે તૈયાર કરેલો તુઝે મેરે ગીત બુલાતે હૈ નામનો ગ્રંથ ગીતકાર પં.ભરત વ્યાસની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી છે. પણ આ કેવળ ફિલ્મોગ્રાફીનો ગ્રંથ નથી. ઉર્દૂ ગીતકારોની ભરમારમાં હિન્‍દીના પ્રાધાન્યવાળાં ગીતો લખનાર કવિઓમાં પં. ભરત વ્યાસનું નામ ઈજ્જતભેર લેવાય છે.

આ ગ્રંથમાં સંજીવ તંવરે અનેક બાબતોનો સમાવેશ કર્યો છે. ભરત વ્યાસના વંશવૃક્ષ ઉપરાંત તેમના જીવનનો સંક્ષિપ્ત આલેખ, ભરત વ્યાસ વિષે વી. શાંતારામ, બી.એમ.વ્યાસ, પૃથ્વીરાજ કપૂર, એસ. એન. ત્રિપાઠી, નરેન્‍દ્ર શર્મા, પં. ઈન્‍દ્ર જેવા દિગ્ગજોના સંકલિત લેખો છે.

 આ ઉપરાંત ભરત વ્યાસ દ્વારા રજૂ કરાયેલા વિશેષ જયમાલા કાર્યક્રમનો પાઠ, ઓલ ઈન્‍ડીયા રેડિયોના ચિત્રશાલા અંતર્ગત પ્રસારીત થયેલી તેમણે લખેલી વાર્તાનો પાઠ, અમીન સાયાનીએ સંગીત કે સિતારોં કી મહેફિલ કાર્યક્રમ અંતર્ગત લીધેલા ઈન્‍ટરવ્યૂનો પાઠ ઉપરાંત કેટલીક તસવીરો પણ છે.
આ ગ્રંથ દ્વારા જાણવા મળે છે કે પં. ભરત વ્યાસે કુલ ૨૧૦ ફિલ્મોમાં ગીતો લખ્યાં છે, જેમાં હિન્‍દી (૧૮૯), ક્ષેત્રીય ભાષાની (રાજસ્થાની-૪, હરિયાણવી- ૧, ગુજરાતી-૧), અપૂર્ણ ફિલ્મો (૪) તેમજ બિનફિલ્મી ગીતોનો પણ સમાવેશ થઈ જાય છે. આરંભે વર્ષવાર, કક્કાવાર અપાયેલી અનુક્રમણિકા પછી દરેક પાને આ તમામ ફિલ્મોની વિગત આપવામાં આવી છે. આ વિગતોમાં ફિલ્મનું નામ, સેન્‍સર વર્ષ, કલાકારો અને કસબીઓનાં નામ, ગીતની પ્રથમ પંક્તિ તેમજ જે તે ગીતના ગાયકોનાંં નામ અપાયાં છે.
જે તે પાન પર તે ફિલ્મના અન્ય સંગીતકાર, ગીતકાર, નિર્માતા એ દિગ્દર્શકનો ટૂંકો સતસવીર પરિચય પણ આપવામાં આવ્યો છે.

પુસ્તકનું એક પૃષ્ઠ 
પરિશિષ્ટમાં પં. ભરત વ્યાસના કાવ્યસંગ્રહોનો ઉલ્લેખ છે. સૌથી રસપ્રદ છે આંકડાકીય માહિતી, જેમાં તેમણે કયા સંગીતકાર સાથે, કયા નિર્દેશકો સાથે કેટલી અને કઈ કઈ ફિલ્મો કરી તે કોષ્ટકરૂપે મૂકવામાં આવી છે. આપણી ધારણા મુજબ તેમની સૌથી વધુ ફિલ્મો એસ.એન.ત્રિપાઠી (કુલ ૧૮) સાથે છે. સાથે એ જાણીને આશ્ચર્ય થાય કે અવિનાશ વ્યાસ સાથે પણ તેમની એટલી જ ફિલ્મો છે. વસંત દેસાઈ સાથે તેમણે કુલ ૧૨ ફિલ્મો કરી છે.

આવી અનેક રસપ્રદ માહિતીઓ આ પુસ્તકમાં પાને પાને પથરાયેલી છે.

આ પ્રકારનાં સંપાદનોની સંગીતરસિયાઓ તેમજ સંશોધકોમાં ઘણી માંગ હોય છે. પણ વ્યાવસાયિક પ્રકાશકો ભાગ્યે જ તેના પ્રકાશન માટે આગળ આવતા હોય છે. આવા સંજોગોમાં તેનું પ્રકાશન પણ સંપાદકે જાતે જ કરવું પડતું હોય છે. હમરાઝના ગીતકોશ હોય, હરીશભાઈનો મુકેશ ગીતકોશ હોય કે સંજીવ તંવરનો તુઝે મેરે ગીત બુલાતે હૈ ગ્રંથ હોય!

આશરે ત્રણસો પાનાંનો, આ સાઈઝનો આ ગ્રંથ જૂનાં ફિલ્મી ગીતોના ચાહકો પાસે વ્યક્તિગત ધોરણે, લાયબ્રેરીઓમાં કે સંશોધન કેન્‍દ્રોમાં અવશ્ય હોવો જોઈએ.

તેને મંગાવવા માટે સંજીવ તંવરનો સંપર્ક ફોન: 098101 84233  પર તેમજ ઈ-મેલ sanjeevtanwar999@yahoo.com પર કરી શકાય.