Tuesday, April 30, 2013

'ગુઝરા હુઆ ઝમાના'નું પ્રકાશન: એક વર્તુળ પૂરું? કે નવી શરૂઆત?


આ પુસ્તક હાલ મેન્યુસ્ક્રીપ્ટના સ્તરે તૈયાર છે. બીજા તબક્કાના ભાગરૂપે હવે તેના માટે પ્રકાશકનો સંપર્ક  કરવાનો છે. બધું સમુંસૂતરું પાર ઉતરે તો આ વરસના અંત સુધીમાં આ પુસ્તક સૌના હાથમાં આવી જશે એવી ધારણા છે. એ વખતે તેના આગમનની વધાઈ પણ અહીં જ આપવામાં આવશે.
આ હતી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૨ના દિવસે લખાયેલી બ્લોગપોસ્ટની અંતિમ લીટીઓ. ( એ પોસ્ટ વાંચવા અહીં ક્લીક કરો. http://birenkothari.blogspot.in/2012/09/blog-post.html)

સુરતના વતની એવા અભિનેતા-દિગ્દર્શક કે.કે. (કૃષ્ણકાન્‍ત) ના ફિલ્મજગતનાં છ દાયકાનાં સંભારણાંની સફર ગુઝરા હુઆ ઝમાનાનું સંપાદન પૂર્ણ થઈ ગયા પછી તેની પહેલવહેલી ઘોષણા એ દિવસે, એટલે કે કે.કે.સાહેબની ૯૧મી વર્ષગાંઠે અહીં જ કરવામાં આવી હતી.
દિવસો વીતતા ગયા. દિવસો મહિનાઓમાં ફેરવાતા ગયા. વિવિધ પ્રકાશકો સાથે પુસ્તક પ્રકાશિત કરવા અંગે વાતચીત થતી રહેતી હતી, પણ એક યા બીજા કારણસર કશું નક્કર પરિણામ નીપજતું નહોતું. પુસ્તકના નિર્માણ અંગે અમારા કેટલાક આગ્રહો હતા, એ પણ આમ થવા પાછળનું એક કારણ. આમ ને આમ, ૨૦૧૨નું વરસ પૂરું થયું.
અમે કંઈક અંશે નિરાશ પણ થવા લાગ્યા હતા. પણ ભણતા હતા ત્યારે વિચારવિસ્તાર માટે પૂછાતા સવાલમાં આવતી (અને હવે તો એ.એમ.ટી.એસ.ની બસો પાછળ પણ જોવા મળતી) પંક્તિ કંઈક લાખો નિરાશાઓમાં અમર આશા છૂપાયેલી છેનો અસલી અર્થ શો થાય છે એની અનુભૂતિ થવાની બાકી હતી.  

**** **** ****

જાન્યુઆરીના અંતમાં ઉર્વીશ, દીપક સોલીયા અને ધૈવત ત્રિવેદીએ ભેગા મળીને સાર્થક પ્રકાશનનો આરંભ કરવાનું નક્કી કર્યું. (ઉર્વીશના બ્લોગ પરની એ પોસ્ટ વાંચવા અહીં ક્લીક કરો. http://urvishkothari-gujarati.blogspot.in/2013/03/blog-post_14.html) એ સાથે જ એક વાત નક્કી થઈ ગઈ હતી કે હવે ગુઝરા હુઆ ઝમાનાના પ્રકાશન અંગેની નિરાશાઓનું રૂપાંતર આશામાં બહુ ઝડપથી થશે. પણ બહુ ઝડપથી એટલે કેટલું ઝડપથી? કેટલા મહિનાઓમાં? આ વરસે કે આવતે વરસે?
સાર્થક અંતર્ગત પહેલાં ત્રણ પુસ્તકો તો નક્કી જ હતાં, જેમાંના બે પુસ્તકોની તો આ બીજી આવૃત્તિ હતી, જ્યારે ત્રીજું પુસ્તક હતું ધૈવત ત્રિવેદીની નવલકથા લાઈટહાઉસ’. નવલકથા હોવાને લઈને તેમાં તસવીરો નહીં, માત્ર લખાણ જ હોય, જેથી એક હદથી વિશેષ સુશોભનની જરૂર ન પડે. એ હિસાબે આ ત્રણેય પુસ્તકો તો માર્ચ સુધીમાં તૈયાર થઈ શકે. સાર્થકનો શુભારંભ જ આ પુસ્તકો થકી થઈ રહ્યો હોવાથી તેનો સમારંભ કરવો પણ જરૂરી હતો. લોર્ડ બિનીત મોદીના અમર સુવાક્ય મા કોઈની મરશો નહીં, ને હૉલ કોઈ બુક કરાવશો નહીંને યાદ રાખીને અને લક્ષમાં લઈને હૉલનું બુકીંગ પણ વેળાસર કરાવવું પડે એમ હતું.
બીજી તરફ ૯૧મા વર્ષમાં પ્રવેશેલા કે.કે.સાહેબની તબિયતમાં ઉતારચડાવ આવતા રહેતા હતા. એક વિચાર એવો હતો કે છએક મહિના જવા દેવા, અને સાર્થકના બીજા રાઉન્‍ડમાં ગુઝરા હુઆ ઝમાના પ્રકાશિત કરવું. પણ સમયનો તકાદો એમ કહેતો હતો કે ના, આ પુસ્તક પહેલા રાઉન્‍ડમાં જ થઈ જાય તો એના જેવું ઉત્તમ કંઈ નહીં.
અજબ મૂંઝવણ હતી! પુસ્તક તો કરવાનું જ હતું. અને શ્રેષ્ઠ રીતે કરવાનું હતું. સવાલ થોડા મહિનાઓનો હતો. સુરતથી હરીશભાઈ(રઘુવંશી)નો પણ આગ્રહ હતો કે પહેલા રાઉન્‍ડમાં જ આ પુસ્તક સામેલ કરી લેવું. સાર્થકના કોઈને આ પુસ્તકનું મૂલ્ય સમજાવવાની જરૂર ન હતી. સવાલ એ હતો કે એક-દોઢ મહિના જેટલા ટૂંકા સમયમાં, પોતાની અતિશય વ્યસ્તતા વચ્ચે મિત્ર અપૂર્વ આશર એક એક પ્રકરણમાં અનેક તસવીરો ધરાવતા આ પુસ્તકના સુશોભનને પહોંચી શકશે?
છેવટે સૌની લાગણીનો વિજય થયો. કમિટીએ નક્કી કરી લીધું કે ગુઝરા હુઆ ઝમાના પહેલા જ રાઉન્‍ડમાં પ્રકાશિત થશે. જે કમિટી કદી બની જ ન હતી, અને એ કારણથી કદી મળી ન હતી, તે તો આ નક્કી કરીને વિસર્જિત થઈ ગઈ. પણ કેટલો પ્રચંડ હતો એનો પ્રભાવ !
બિનીત મોદીના ૧૦૧મા રક્તદાનના પ્રસંગે, ૧૦ માર્ચ, ૨૦૧૩ના દિવસે સૌ મિત્રો હાજર હતા. એ દિવસે બે તારીખોના વિકલ્પ આપવામાં આવ્યા. ૬ એપ્રિલ અને ૧૩ એપ્રિલ. આ બન્નેમાંથી કોઈ એક દિવસે સાર્થકનો સમારંભ રાખવો. (જે તારીખે હૉલનું બુકિંગ મળે એ મુજબ)
વિધિની વક્રતા જુઓ કે જે મહાપુરુષે હૉલના બુકીંગ અંગેનું સુવાક્ય ઉચ્ચાર્યું હતું એ જ મહાપુરુષને હૉલ બુક કરવાનું કામ સોંપવામાં આવ્યું. આ તો એના જેવી વાત થઈ કે અસત્ય બોલવું પાપ છે એમ કહેનાર ગાંધીજીને અસત્ય બોલવા/લખવા/પ્રસરાવવાનું (ટૂંકમાં કહીએ તો ચિંતનની કટાર લખવાનું) કાર્ય સોંપવામાં આવે.
જે હોય તે. કમિટીનો આદેશ એટલે આદેશ. મુઠ્ઠી ઉંચેરા’, વેંત ને બે આંગળ ઉંચા’, નાળિયેર જેવા(એટલે કે ઉપરથી કઠણ અને અંદરથી નરમ) એવા, સાર્થક પ્રકાશનનું હાલનું સરનામું જેમના ઘરનું સરનામું છે એવા બિનીત મોદીએ આ પડકાર ઉપાડી લીધો (ન રચાયેલી કમિટીની નોંધ: આ વાક્યમાં વપરાયેલા વિશેષણોને સાર્થક પ્રકાશન માટેનાં માનવાની ગેરસમજ કરવી નહીં.) ૬ ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૩ને શનિવારનો દિવસ નક્કી થયો. હવે ગુઝરા હુઆ ઝમાનાનું કાઉન્‍ટડાઉન શરૂ થતું હતું.

**** **** ****

કમિટીના આદેશ મુજબ પુસ્તકમાં ઉપયોગમાં લેવાનારી તમામ છબિઓની એક ડી.વી.ડી. બનાવવામાં આવી અને કુરિયરથી અમદાવાદ મોકલી દેવામાં આવી. એ ડી.વી.ડી. અપૂર્વ આશરને પહોંચાડવામાં આવી. સંચારમાધ્યમના આ યુગમાં પુસ્તકના સંપાદકનો ડિઝાઈનર સાથે હૉટલાઈન સંપર્ક રહે એ જરૂરી ગણાય. પણ કોઈ અકળ કારણોસર બન્નેને એકબીજાના ફોનનંબરની આપ-લે કરવા દેવામાં આવી નહીં. આ સંજોગોમાં એકમાત્ર ઉપલબ્ધ વિકલ્પ ઈ-મેલનો હતો. અને સૌ જાણે છે કે આપણે ત્યાં ઈન્‍ટરનેટની ગતિ બરાબર મળે ત્યારે વીજળીનો પુરવઠો ખોરવાયેલો હોય અને વીજળી સતત ઉપલબ્ધ હોય ત્યારે નેટ ડાઉન હોય. મતલબ કે અપૂર્વ આશરે કોઈ ચોક્કસ છબિ અંગે સંપાદકને કશું પૂછવાની જરૂર પડે તો તેમણે ઈ-મેલ કરવાનો. સંપાદકને વહેલી સવારે સપનું આવે અને એ દિવસે એ મેઈલ ખોલે તો વાંચીને જવાબ આપે. અને માનો કે જે તે દિવસે મેઈલ ન ખોલ્યો તો? તો કંઈ પણ થઈ શકે. લખાણ રાજેશ ખન્નાનું હોય અને છબિ મધુબાલાની પણ આવી જાય. કે છબિ તનુજાની હોય અને તેની નીચે નામ સંજીવકુમારનું પણ છપાઈ જાય. કંઈ કહેવાય નહીં!
ફોટા એ રીતે વર્ગીકૃત કરેલા હતા કે જે તે પ્રકરણ શરૂ થાય તેના ઉઘડતે પાને બે-ત્રણ ફોટા તેને લગતા મૂકી દેવા, જેથી સમય બચે, અને ડિઝાઈનરને સહેલું પડે. પણ અપૂર્વ આશર માત્ર ડિઝાઈનર ક્યાં હતા? તેમણે સામે ચાલીને ઉપાધિ વહોરી. કોઈને પૂછ્યાગાછ્યા વિના પોતે જ નક્કી કરી લીધું કે જે તે પ્રકરણના ઉઘડતા પાને ફોટા મૂકવાને બદલે પુસ્તકના મેટરની સાથે જે તે લખાણને સંબંધિત ફોટા ગોઠવવા. મતલબ કે આ બૈલ મુઝે માર. અથવા તો વક્ત નાજુક હૈ, તંગ હૈ જમાના’. હશે ત્યારે, આપણે તો ચૂપચાપ ખેલ જોવાનો હતો, કેમ કે આપણને તો માત્ર જાણ જ કરવામાં આવી હતી. મંજૂરી ક્યાં માંગવામાં આવી હતી?
થોડા દિવસ વીત્યા.

**** **** ****

એકાદ અઠવાડિયા પછી, એટલે કે ૧૮ માર્ચ, ૨૦૧૩ના રોજ અપૂર્વભાઈનો પહેલો મેઈલ આવ્યો, જેમાં પુસ્તકના ટાઈટલની ડિઝાઈનના એકાદ-બે નમૂના સૂચવેલા હતા. પહેલી વારમાં જ ૬૦-૭૦% વિચાર મંજૂર થઈ ગયો. થોડા ફેરફાર સૂચવીને ઉર્વીશને કહેવામાં આવ્યું. ઉર્વીશે શું કર્યું એ ખબર નથી, પણ તરત જ બીજી વારનો અપૂર્વભાઈનો મેઈલ આવ્યો અને જે સુધારાવાળી ડિઝાઈન આવી તે બિલકુલ મારા મનમાં હતી એ મુજબની હતી. એ પણ જાણવા મળ્યું કે આ મહાશયે આ બીજી ડિઝાઈન પણ તૈયાર જ રાખી હતી.
પણ વાત અહીં પૂરી થતી નહોતી. કે.કે.સાહેબનો આગ્રહ હતો કે પુસ્તકના ટાઈટલની ડિઝાઈન તેમને બતાવવી. ઈ-મેલ દ્વારા આ ડિઝાઈન તેમને મોકલવામાં આવી. કે.કે.સાહેબ તો ઈ-મેઈલ વાપરતા નથી, પણ તેમનાં પૌત્રવધૂને મેઈલ કરીને ડિઝાઈન મોકલી. ડિઝાઈનનો મૂળ વિચાર કે.કે.સાહેબે આપેલો જ હતો. અને એ વિચારને અમે જે રીતે સમજ્યા હતા એ અમે મેઈલ દ્વારા અપૂર્વભાઈને પહોંચાડ્યો હતો. અપૂર્વભાઈ પોતે સમજ્યા એ મુજબ તેનો અમલ કર્યો હતો. આટલી બધી અવ્યવસ્થા છતાં ટાઈટલની આ ડિઝાઈન સર્વાનુમતે મંજૂર થઈ ગઈ. રૂડુંરૂપાળું ટાઈટલ તો તૈયાર થઈ ગયું, પણ અંદરનાં પાનાંઓનું શું?


ટાઈટલ તો તૈયાર થઈ ગયું, પણ.... 
કલાકો દિવસ જેવા લાગતા હતા. દિવસ અઠવાડિયા જેવા લાગતા હતા. એમ ને એમ માર્ચ મહિનાની ૩૧ તારીખ પણ આવી. તે પસાર થઈ. હવે તો ફંકશન આડે માંડ અઠવાડિયું બાકી રહેલું. પણ આ અઠવાડિયું  મહિના જેવું લાગવાનું શરૂ થાય એ પહેલાં જ અપૂર્વ આશરનો મેઈલ આવ્યો. તેમાં એક મસમોટું લટકણિયું હતું. આશરસાહેબે ફરમાવેલું, “આ પાનાં જોઈ લો. કાલે બપોર સુધીમાં તપાસી લો તો પુસ્તક પ્રેસમાં મોકલી દઈએ.” ટૂંકમાં તેમણે પોતાની રીતે બધું ગોઠવી દીધું હતું અને છેક છેલ્લે જોવા મોકલ્યું હતું. આ દિવસે સોમવાર હતો. તારીખ હતી ૧ એપ્રિલ. અને સમય સાંજના સાત-આઠનો. મતલબ કે સમારંભ આડે પાંચ દિવસ જ બાકી. અને આ પાનાં જોવા માટે તો થોડા કલાકો જ.
હવે દિવસ કલાક જેવા લાગવા માંડ્યા. અને કલાક મિનીટ જેવા લાગવા માંડ્યા. મિનીટો સેકંડ જેવી જણાવા માંડે એ પહેલાં કામ શરૂ કરી દેવામાં આવ્યું. પાનાં તપાસ્યાં હોય એમ લાગે એટલા સારું થોડી ભૂલોય વીણી. છેવટે બીજે દિવસે ૨ એપ્રિલના દિવસે સવારે અગિયારેકની આસપાસ અપૂર્વ આશરને મેઈલ દ્વારા તપાસેલાં પાનાં પાછાં મોકલ્યાં. એમને સપનું આવે અને એ મેઈલ ખોલીને જુએ ત્યારની વાત ત્યારે. આપણને કોઈ એમ તો ન કહી જાય કે તમે સમયસર કામ ન કર્યું!
છઠ્ઠી એપ્રિલના દિવસે તો પુસ્તકનું લોકાર્પણ કરવાનું હતું અને હજી બીજી એપ્રિલે સ્થિતિ આ હતી. એમ તો મનમાં એવી પણ ઈચ્છા હતી કે ફિલ્મવિષયક પુસ્તકમાં પુસ્તકના છેડે વિષયસૂચિ (((બીબ્લીઓગ્રાફી) આપી હોય તો બહુ ઉપયોગી બની રહે. પણ અપૂર્વ આશર સાથે જે રીતનો વ્યવહાર સ્થપાયેલો એ જોતાં મનમાં જાપ શરૂ થઈ ગયેલા કે હવે તો છઠ્ઠીએ પુસ્તક આવી જાય એટલે ભયોભયો. એ વખતની આપણી માનસિકતા મુજબ દસ-બાર શનિવારની માનતા માની લઈશું. અધૂરામાં પૂરું ઉર્વીશે હાથ ઉંચા કરવાની મુદ્રામાં કહી દીધેલું, “હવે અમે લોકો વહીવટમાં વ્યસ્ત હોઈશું. ગુઝરા હુઆ ઝમાનાની વાત હવે તારે સીધી અપૂર્વ સાથે કરી લેવાની.” આ તો એક જાતની દાંડાઈ જ કહેવાય, પણ હવે એ માત્ર ભાઈ નહોતો રહ્યો, મારા પુસ્તકનો પ્રકાશક પણ બની રહ્યો હતો. અને પ્રકાશક ગમે એ કરે, માવતર કમાવતર બને, પણ લેખકે તેની સામે કંઈ બોલાય નહીં, એટલે કે છોરાથી કછોરું થવાય નહીં, એવી પ્રાપ્ત થયેલી સમજણને લઈને વાસ્તવિકતા સ્વિકાર્યા સિવાય આરો નહોતો.
પણ અંતર્યામી હોય એમ બીજી એપ્રિલની રાત્રે અપૂર્વભાઈનો એક મેઈલ આવ્યો. તેમાં લાંબીલચક વિષયસૂચિ હતી. મારા મનમાં જે રીતની હતી એવી જ, એથીય વધુ વિસ્તૃત. ફરી પાછી તાકીદ: તપાસીને કાલે સવારે મોકલી આપો એટલે છાપવા આપી દઈએ. એક ક્ષણ તો થયું કે આ પુસ્તક સરળ હપ્તે છપાવાનું છે કે શું? એમ હોય તો પછી કેટલાં પાનાનું લોકાર્પણ છઠ્ઠીએ કરવાનું છે? પણ બનાકર સંપાદક કા ભેસની સ્થિતિમાં હતા, એટલે તમાશા-એ-કિતાબ જોયા વિના છૂટકો નહોતો. આ ઘડી સાચવી લેવાની હતી. એટલે યાદી તપાસીને મોકલી આપી. મનોમન પ્રાર્થના પણ કરી કે ભાઈ, હવે કશું તપાસવા મોકલશો નહીં. કોઈ કાર્યક્રમના આરંભે થતી પ્રાર્થના સાંભળીને પહેલાં કાનને, અને પછી મનોમન ત્રાસ પહોંચે છે, પણ પ્રાર્થના પાછળનો હેતુ (સ્વાર્થ) શુદ્ધ હોય તો એ યોગ્ય જગાએ યોગ્ય રીતે પહોંચે છે ખરી. આ પ્રાર્થના પણ યોગ્ય જગાએ પહોંચી હોય એમ લાગ્યું. કેમ કે ત્યાર પછી કોઈ મેઈલ પુસ્તકને લગતો આવ્યો નહીં.

**** **** ****

આખરે છઠ્ઠી એપ્રિલનો દિવસ આવી પહોંચ્યો. વડોદરાથી બારેક વાગ્યે નીકળીને અમદાવાદ પહોંચ્યા. ઉર્વીશની નવસર્જનની ઑફિસે પહોંચ્યા. ત્યાં ગાતા રહે મેરા દિલ અને સરદાર પુસ્તકો જોયાં. લાઈટહાઉસ અને ગુઝરા હુઆ ઝમાના ક્યાં? એ પૂછવાના હોશકોશ નહોતા. પ્રકાશકો જોડે બહુ સવાલજવાબ કરવા નહીં, એ સમજણને કામે લગાડી. એ પછી ચાર-સાડા ચારે સાહિત્ય પરિષદના હૉલ પર પહોંચ્યા.
આજકાલ જમણવારમાં લાઈવનો મહિમા થઈ ગયો છે, એમ કદાચ પુસ્તકમાં પણ આ પદ્ધતિ અપનાવવાની હોય તો કહેવાય નહીં. હૉલ પર પહોંચ્યા અને દૂરથી જ બે મોટા થપ્પા નજરે પડ્યા. એક થપ્પામાંથી ઉજાસ પ્રગટતો હોય એવું દિવસના એ અજવાળામાંય લાગ્યું, જ્યારે બીજા થપ્પામાંથી વીતેલા જમાનાનો ઓછાયો પ્રસરતો હોય એમ જણાતું હતું.
એટલામાં કાર્તિકભાઈ શાહ સામા મળ્યા. કાર્તિકભાઈ એટલે કોણ? એનો જવાબ સમજાવવા માટે ઉદાહરણ આપવું પડે. સામાન્ય રીતે કોઈ ઈમારત પાયા પર ઉભેલી હોય છે. પણ પાયો પોતે શેના પર હોય છે? જમીન પર? કદાચ હા. પણ સાર્થક પ્રકાશન કોઈ ઈમારત નથી. અને છતાં તેના ત્રણ મુખ્ય પાયા દીપક સોલીયા, ઉર્વીશ કોઠારી અને ધૈવત ત્રિવેદી છે. આ ત્રણેય પાયાઓ જે મુખ્ય પાયા પર ઉભેલા છે એ પાયો એટલે કાર્તિકભાઈ શાહ. એ નકામા શબ્દો બોલતા નથી, અને ભૂલથી એવા શબ્દો બોલાઈ જાય તો એ શબ્દો કામના બની જાય છે. તેમનો મજબૂત ટેકો તેમના ભાઈ અમિતભાઈ છે. કાર્તિકભાઈએ સમાચાર આપ્યા કે લાઈટહાઉસ અને ગુઝરા હુઆ ઝમાના આવી ગઈ છે. આ સાંભળીને શનિવારની માનતા માનવાની વાત પડતી મૂકી દીધી. કાર્તિકભાઈએ કહી દીધું પછી પતી ગઈ વાત!


ગુરુજનો અને મિત્રો સાથે (જમણેથી બીજા) અપૂર્વ આશર: આ વખતે તો મળ્યા, પણ....
હવે આવવા દો અપૂર્વ આશરને. હવે તો એમની સાથે વાત કરવી જ પડશે, એટલું જ નહીં, અભિનંદન પણ આપવા પડશે. કહેવું પડશે, “યાર, આ વખતે તો મળ્યા, પણ હવે આમ ને આમ મળતા રહેજો.”
અને ખરેખર ગુઝરા હુઆ ઝમાનાનું કામ હાથમાં લીધા પછી આ ફંકશનના દિવસે અપૂર્વ આશર સાથે પહેલવહેલી વાર વાત કરી. આમ, સંચારમાધ્યમના હળાહળ યુગમાં પણ અમે તેને ધરાર ઉવેખ્યું અને છતાંય એક ઉત્તમ કાર્યનો દાખલો બેસાડ્યો. એક વાર સમયસર કામ પૂરું થઈ ગયા પછી લખાતી સકસેસ સ્ટોરીમાં આવાં બધાં તત્ત્વો પાછળથી ઉમેરી શકાય છે, બાકી તો એ ચાર-પાંચ દિવસ કેવું ધક્‍ ધક્‍ થતું હતું એ કોને કહીએ!  
ચારેય પુસ્તકોની રજૂઆતનો, સાર્થક પ્રકાશનના આરંભનો જલસો માણવામાં પછી તો સૌ એવા મશગૂલ થઈ ગયા કે બધી પ્રાર્થના, પ્રતિજ્ઞા, માન્યતાઓ એને ઠેકાણે રહી ગઈ. (ચાર પુસ્તકોના વિમોચન સાથે આરંભાયેલા એ પ્રસંગનો અહેવાલ પણ પાંચ ભાગમાં લખાયો છે. ઉર્વીશના બ્લોગ પર એ વાંચવા ક્લીક કરો. . http://urvishkothari-gujarati.blogspot.in/2013/04/blog-post_10.html અને   http://urvishkothari-gujarati.blogspot.in/2013/04/blog-post_14.html અને  http://urvishkothari-gujarati.blogspot.in/2013/04/blog-post_18.html અને http://urvishkothari-gujarati.blogspot.in/2013/04/blog-post_19.html ) 

**** **** ****

૨૦ એપ્રિલ, ૨૦૧૩ના રોજ સુરતમાં ગુઝરા હુઆ ઝમાનાનું લોકાર્પણ યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમ પહેલાં સાર્થકના મિત્રો સહિત સૌએ કે.કે.સાહેબને ઘેર જવાનું નક્કી કર્યું. કે.કે.સાહેબને પુસ્તક તો મળી ગયું હતું, પણ તેમને અમારે હાથોહાથ આપીને એક ઔપચારિકતા તો ઔપચારિકતા નિભાવવી હતી. હસીખુશીના માહોલમાં એ રસમ નિભાવવામાં આવી. 


'તેરા તુઝકો અર્પણ' ની રસમ નિભાવતા લેખક અને સંપાદક 
 સુરતના કાર્યક્રમમાંય અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમનો વિસ્તાર હોય એમ જ લાગ્યું. રોહીતભાઈ મારફતિયા, હરીશભાઈ રઘુવંશી, હર્ષવદન ભગતજી જેવા મિત્રોએ અત્યાર સુધી અમારા માટે અજાણ્યા રહેલા સુરત નગરનું અજાણ્યાપણું ઓગાળી દીધું છે. તેમાં આ વખતે બુકવર્લ્ડવાળા શ્રી સરવૈયા, સંગીતવાદકો વિષે અદ્‍ભુત જ્ઞાન ધરાવનારા ભાઈઓ જૉય તેમજ નિકી ક્રીસ્ટી, ડૉ. દિલીપ મોદી, જનક નાયક, મુકુંદ કાપડીયા જેવા મિત્રોને પહેલી વાર રૂબરૂ મળવાનું બન્યું. પરોક્ષ રીતે કે મેઈલથી તો સૌ સંપર્કમાં હતા જ. બકુલ ટેલર, પિયુષ મહેતા, મુકેશચંદ્ર મહેતા જેવા મિત્રો સાથે તો નિયમીત સંપર્ક રહેતો હોય છે. નરેશ કાપડીયા જેવા મિત્રોને મળવાનું ચૂકાઈ પણ ગયું. નરેશભાઈએ એનું સાટું વાળતા હોય એમ બીજે જ દિવસે આ કાર્યક્રમનો સુંદર (અને સાચો) અહેવાલ ફેસબુક પર મૂક્યો, જે તેમના દ્વારા સંપાદિત એક સામાયિક માટે તેમણે લખ્યો હતો. ભરૂચથી આવેલો મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહિલ પરિવાર, વડોદરાના મિત્ર પરેશ પ્રજાપતિની ઉપસ્થિતિ, સુરતમાં જ રહેતા મિત્ર રાકેશ પટેલની હાજરીને કારણે પ્રેક્ષકોમાં આપણા પણ સ્વજનો હાજર હોવાની અનુભૂતિ થતી રહી.

(સુરતના કાર્યક્રમમાં: (ડાબેથી) બકુલ ટેલર, કે.કે; ભગવતીકુમાર શર્મા,
બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, કાર્તિક શાહ, ધૈવત ત્રિવેદી, દીપક સોલીયા 

આ કાર્યક્રમને મળેલો પ્રચંડ પ્રતિસાદ જોતાં સુરતના લોકોના હૃદયમાં કે.કે.નું સ્થાન કેવું આદરભર્યું છે, તેની વધુ એક વાર પ્રતિતી થઈ.


કે.કે.નું અભિવાદન કરતા સુરતના નાગરિકો 

પ્રેક્ષાગારની બહાર 'સાર્થક' નાં પુસ્તકો માટેના ધસારાને પહોંચી
વળવાનો  પ્રયત્ન કરતા કાર્તિકભાઈ (લાલ શર્ટમાં)
 અને તેમના પિતાજી  (છેક  ડાબે) 
કાર્યક્રમ પછી કાપડિયા હેલ્થ ક્લબમાં યોજાયેલા નાનકડા ભોજન સમારંભમાં ફરી એક વાર અનેક સ્વજનોની નિકટ મુલાકાત થઈ. એ મુલાકાતમાં ભગવતીકુમાર શર્માએ બીજે દિવસે સવારે પોતાને ત્યાં આવવાનું પ્રેમપૂર્વક નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણનો અસ્વીકાર શી રીતે થઈ શકે?
રાતવાસા માટે બે જૂથમાં સૌ વહેંચાઈ ગયા. એક જૂથ માટે રોહીતભાઈનો આવાસ ફાળવવામાં આવેલો, તો બીજું જૂથ બકુલ ટેલરના ઘેર ત્રાટક્યું હતું. અહીં પણ ગપ્પાંગોષ્ઠિ અને મજાકમસ્તીનો દૌર ચાલુ રહ્યો. 


આનંદનું અનુસંધાન છેક ઘર સુધી:
(ડાબેથી) શચિ (તેના ખોળામાં) આસ્થા, ગીતાબેન અને રોહીતભાઈ,
ઈશાન, કામિની 
બીજે દિવસે ભગવતીકુમાર શર્માને ત્યાં પહોંચ્યા. ભગવતીકુમારને સાંભળવા એક લહાવો છે, તો તેમની સાથે વાત કરવાનો પણ લહાવો છે. તે પણ ખુશમિજાજમાં હતા. તદ્દન હળવા વાતાવરણમાં કલાકેક સત્સંગ થયો. 


બીજા દિવસે ભગવતીકુમાર શર્મા સાથે સત્સંગ 
એમ ને એમ સાડા અગિયાર થઈ ગયા. એટલે રોહીતભાઈએ ભોજન લઈને જવાનો આગ્રહ કર્યો. અને ભોજનમાં હરીશભાઈ, હર્ષવદન ભગતજી ફરી પાછા જોડાયા. ગપાટા મારતાં મારતાં ભોજન પૂરું કર્યું, પણ સંતોષનો ઓડકાર તો એ પહેલાં જ આવી ગયો હતો.


જમીને જવાય છે હવે:
(ડાબી લાઈનમાં ડાબેથી): બકુલ ટેલર, હર્ષવદન ભગતજી,
બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી, કાર્તિકભાઈ, તેમના પિતાજી .
(જમણી લાઈનમાં) રોહીતભાઈ મારફતીયા, હરીશ રઘુવંશી,
ઈશાન -આસ્થા-શચિ અને કામિની કોઠારી, 
જમી લીધું એટલે રોહીતભાઈએ અસલ સુરતી યજમાનગીરીનો પરચો આપતાં કહ્યું, “જમીને તરત નીકળાય નહીં. વામકુક્ષી કરીને પછી નીકળજો.” રોહીતભાઈની વાતમાં અમે આવી ગયા હોત તો એ દિવસે સાંજે પણ નીકળી શક્યા હોત કે કેમ એ સવાલ હતો.
જમીને સૌ નીચે ઉતર્યા, પણ ત્યાર પછી કેમે કરીને વાહનોમાં બેસવાનું મન જ થતું નહોતું. કોઈ શુભપ્રસંગે સાથે રહ્યા પછી સ્વજનો એક પછી એક નીકળવા માંડે અને જે ખાલીપાની અનુભૂતિ થાય એવી અનુભૂતિ બન્ને પક્ષે થતી હતી.
છેવટે રોહીતભાઈએ એનો ઉપાય સૂચવ્યો. તેમના દ્વારા દર મહિનાના પહેલા રવિવારે યોજાતા વીન્‍ટેજ વેટરન્‍સના મે મહિનાના કાર્યક્રમમાં આવવાનું તેમણે નિમંત્રણ પાઠવી દીધું. (વીન્ટેજ વેટરન્‍સ વિષે વિગતે અહીં લખવાનું ક્યારનું ચડેલું છે.) લોઢું બરાબર ગરમ હતું. અને રોહીતભાઈએ જે હથોડો માર્યો તેની બરાબર અસર થઈ.
પ્રાથમિક ધોરણે મારે અને ધૈવતે આવવું એમ કમિટી દ્વારા નક્કી થયું. પણ પછી કારવાં બનતા ગયા’. હવે એવી ધાસ્તી સેવાઈ રહી છે કે વીન્ટેજ વેટરન્‍સના સભ્યોની સંખ્યાની અમુક ટકા જેટલા સભ્યો તો સાર્થક તરફથી જ થઈ જશે. (ટકાનો આંકડો બહાર પાડવામાં આવ્યો નથી.)
સંબંધોનું વર્તુળ ક્યાંથી આરંભાય છે અને ક્યાં સંપૂર્ણ થાય છે એ નક્કી કરવું અઘરું છે. કે.કે.સાહેબ માટે પહેલવહેલી વખત તેમના ઈન્‍ટરવ્યૂનું ટ્રાન્‍સ્ક્રીપ્શન કર્યું ત્યારથી આરંભાયેલા એ વર્તુળે તેમના ફિલ્મી સંભારણા ગુઝરા હુઆ ઝમાનાના સંપાદન અને એ પછી પ્રકાશન સાથે એક સંપૂર્ણ આંટો પૂરો કર્યો છે. તેનો અનહદ આનંદ છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે મળેલા સમાચાર મુજબ ગુઝરા હુઆ ઝમાનાની પહેલી આવૃત્તિ લગભગ ખતમ થવાને આરે છે, અને તેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. છઠ્ઠી એપ્રિલના દિવસે વિમોચન થયા પછી હજી મહિનો પૂરો થવામાંય અઠવાડિયું બાકી હોય અને પહેલી આવૃત્તિ ખપી જાય એ એશિયાભરમાં વિક્રમ હશે. એશિયામાં નહીં તો ભારતમાં, ભારતમાં નહીં તો ગુજરાતમાં, ગુજરાતમાં નહીં તો અમદાવાદમાં, અને અમદાવાદમાં નહીં તો છેવટે સાર્થક પ્રકાશનનો તો એ વિક્રમ છે જ, એમાં કોઈ ઈન્‍કાર કરી શકે એમ નથી. લીમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં તેની નોંધણી કરાવવાની એક ગુપ્ત ઑફર આવી છે, પણ લીમ્કામાં એક પીણા સિવાય કમિટીને બીજો કોઈ રસ નથી, તેથી એ ઑફર કમિટી દ્વારા ઠુકરાવવામાં આવી છે. એ જ કમિટી, જે કદી બની નથી, અને તેને લઈને કદી મળી નથી.