(વિશેષ સહયોગ: ભરતકુમાર ઝાલા)
આ વિશિષ્ટ પોસ્ટમાં ગયે વખતે કેટલીક એવી ફિલ્મી
કથાઓના અંશને સમાંતરે અહીં http://birenkothari.blogspot.in/2012/10/blog-post_13.html માણ્યા, જેનું આબેહૂબ વર્ણન ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક
‘પ્રતિમાઓ’માં કર્યું છે. આ પ્રકારનું પુસ્તક ગુજરાતી
સાહિત્યમાં અભૂતપૂર્વ તો છે જ, અને ૧૯૩૪માં તેની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારથી
લઈને આજ સુધીમાં આ પ્રકારે, માત્ર ને માત્ર સાક્ષીભાવ કેળવીને, પોતાની ભૂમિકા માત્ર
કથાના કહેનાર પૂરતી જ મર્યાદિત રાખીને કોઈ ફિલ્મનો આસ્વાદ કરવામાં આવ્યો હોય એવું બીજું
કોઈ પુસ્તક કે લેખક કમ સે કમ ગુજરાતી પૂરતા ધ્યાનમાં નથી. અહીં કરાવેલો વર્ણનનો આસ્વાદ કે દૃશ્યોની પસંદગી માણવા માટે આખું પુસ્તક વાંચેલું ન હોય કે ફિલ્મ પણ ન જોઈ હોય તો તે નડતું નથી.
આ વખતે એવી બીજી ચાર ફિલ્મોનાં ચૂંટેલાં દૃશ્યોનાં વર્ણન વાંચીશું અને એ પછી તરત તે દૃશ્યો પણ જોઈશું.
આ વર્ણન છે 'બેક સ્ટ્રીટ'/Back Street ફિલ્મનું.
આ કથાનું શીર્ષક છે 'પાછલી ગલી'.
કથાની ભૂમિકા બાંધતાં મેઘાણી લખે છે: " મનુષ્યના જીવનમાં પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવ-જા કરે છે માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા જ જિવાતું હોય છે એ પાછલી ગલીનો પંથ જિગરના ચીરા જેવો પડ્યો છે, આંસુની ધારો વડે છંટકાયેલો છે. એમાંથી જે કાવ્ય ઉઠે છે તે બીજે કદાચ નથી.
એક માણસના જીવનની એવી અદીઠ પાછલી ગલીની આ કથા છે."
ફિલ્મની કથાને મુદ્રિત માધ્યમમાં ઉતારતાં પૂર્વે આટલી સચોટ ભૂમિકા પછી કથાનો આરંભ થાય છે. અટપટા વળાંકોવાળી આ કથાના એક ટૂંકા દૃશ્યનું વર્ણન.
"બગીચામાં બેન્ડ
ખલાસ થયું. તાળીઓ પાડીને પછી લોકમેદનીએ વીખરાવા માંડ્યું. વાટ જોઈજોઈને આશા હારેલો
યુવાન પણ વૃદ્ધ માને દોરી ચાલી નીકળ્યો બેન્ડનું છેલ્લું ઢોલક ખભે નાખીને છેલ્લો
સિપાહી પણ નીકળી ગયો. તે વેળા એ વિશાળ નિર્જનતાની વચ્ચે બાંકડે બાંકડો તપાસતી કિરણ
ત્યાં ભમતી હતી. ચોગમ શૂન્ય શૂન્ય બની રહ્યું હતું. પોતે પણ એ શૂન્યતાનું જ એક અંગ, એક બાંકડા જેવી થઈ ગઈ."
આ રહ્યું આ વર્ણનને અનુરૂપ દૃશ્ય.
આ વખતે એવી બીજી ચાર ફિલ્મોનાં ચૂંટેલાં દૃશ્યોનાં વર્ણન વાંચીશું અને એ પછી તરત તે દૃશ્યો પણ જોઈશું.
આ વર્ણન છે 'બેક સ્ટ્રીટ'/Back Street ફિલ્મનું.
આ કથાનું શીર્ષક છે 'પાછલી ગલી'.
કથાની ભૂમિકા બાંધતાં મેઘાણી લખે છે: " મનુષ્યના જીવનમાં પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવ-જા કરે છે માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા જ જિવાતું હોય છે એ પાછલી ગલીનો પંથ જિગરના ચીરા જેવો પડ્યો છે, આંસુની ધારો વડે છંટકાયેલો છે. એમાંથી જે કાવ્ય ઉઠે છે તે બીજે કદાચ નથી.
એક માણસના જીવનની એવી અદીઠ પાછલી ગલીની આ કથા છે."
ફિલ્મની કથાને મુદ્રિત માધ્યમમાં ઉતારતાં પૂર્વે આટલી સચોટ ભૂમિકા પછી કથાનો આરંભ થાય છે. અટપટા વળાંકોવાળી આ કથાના એક ટૂંકા દૃશ્યનું વર્ણન.
આ રહ્યું આ વર્ણનને અનુરૂપ દૃશ્ય.
***
'ધ ક્રાઉડ'/ The Crowd નામની ફિલ્મની કથાનું શીર્ષક છે 'હાસ્ય: પહેલું અને છેલ્લું.' આ કથામાં ત્રીસના દાયકાની બેકારી, મંદી, વધતો જતો યંત્રવાદ વગેરે આખી કથાની પૃષ્ઠભૂમિમાં સતત રહે છે. અને આ બધાની વચ્ચે માનવીય સંવેદનાઓની ઘટતી જતી મહત્તા કેન્દ્રસ્થાને છે. આ કથાના એક સંવેદનશીલ દૃશ્યનું વર્ણન વાંચીએ.
" પણ નાના બાળકને ફટાકડા ફોડવાની અધીરાઈ આવી
હતી. એણે બાપુની સામે દોટ દીધી. ‘એ બા...પ...’ એટલો શબ્દ એના
મોંમાં અધૂરો હતો, ત્યાં એક મોટરગાડી એને ઝપટમાં લઈને ચગદી
ચાલી ગઈ. અધૂરા ઉચ્ચારમાં હજી હ્સ્વ ‘ઉ’ ઉમેરવાનું બાકી જ હોય તે રીતે એ બે સુંવાળા
હોઠ અધ-ઉઘાડા રહી ગયા હતા.
ત્યાં પણ ટોળું હાજર હતું. લોકોની ઠઠ કેવળ
ઑફિસમાં જ હતી એમ નહોતું. પિતા બાળકના શરીર પાસે પહોંચે તે પહેલાં તો ટોળાએ બાળકને
ઘેરી લીધો.........
**** **** ****
……. ‘”અરે એઈ! ચૂ...પ! થોડી વાર ટ્રામને ચૂપ કરો.
બચુભાઈને સૂવા તો દો!’ પિતા ભવાં ચડાવીને જગતને ધમકાવે છે.
‘નહીં માનો કે?’ ઉભા રહો, ઉતરવા દો મને
નીચે!’ કહેતો એ દોટમદોટ ઉઘાડે માથે ને પહેરણભેર નીચે જાય છે. નાક પર આંગળી મૂકી, દોડી આવતી
મોટરોને, ટ્રામોને, ગાડીઓને, ટોળાને, તમામને એ ‘સી...ત! સી...ત!’ એવા ચુપકાર કરતો ગીચ વાહન-વ્યવહાર સોંસરવો
દોડી રહ્યો છે. થોડી વાર આ તરફ, તો ઘડી બીજી બાજુ, જ્યાં અવાજ
સાંભળે છે ત્યાં એના ડોળા ફાટ્યા રહે છે, ને એનું મોં પોકારે છે: ‘ચૂ....પ!
ચૂ...પ! ચૂ...પ! બચુભાઈને સૂવું છે. બચુભાઈ બીમાર છે. ચૂ...પ!’
એકાએક એની ગતિ અટકી ગઈ. એને ભાન થયું કે એક
કદાવર પોલીસના પંજામાં એનું બાવડું પકડાયું છે.
‘તારો બચુભાઈ બીમાર છે તેથી દુનિયા શું ઉભી થઈ
રહેશે નાદાન?’ એટલું કહીને પોલીસે એને એ ચીસાચીસ કરતી યાંત્રિક ભૂતાવળમાંથી બહાર કાઢી લીધો.
એના ઘરને દરવાજે ચડાવી દીધો. પણ એ અંદર ગયો ત્યારે બચુબાઈ બાને ખોળે ચિરનિદ્રામાં
પોઢ્યો હતો. દુનિયાને ‘ચૂપ’ કહેવાની જરૂર હવે નહોતી રહી. "
હવે જોઈએ આ દૃશ્ય.
****
'૨૦,૦૦૦ યર્સ ઈન સીંગ સીંગ' / 20,000 years in sing sing નામની ફિલ્મની કથાનું શીર્ષક છે 'મવાલી.' તેના એક દૃશ્યનું વર્ણન જોઈએ.
" એની ઓરત એની મુલાકાતે આવી હતી. બેઉ એકબીજાના ગાલો
ઉપર હાથ ફેરવતાં હતાં.
“ તમને અહીં
ખાવાપીવાનું કેમ છે? કામ-બામ તો કરાવતા નથી ને?”
“ ના રે ના, મને શું કામ કરાવે?”
“ હા, એ તો હું જાણું કે – શેઠે
અહીંવાળાને બરાબર ભલામણ કરી છે. એ તો મને કહે કે ભાભી, મારા
ભાઈને તો જેલમાં દોમદામ સાયબી છે.”
“ હં ! ! ! “
મવાલીએ પોતાના ખુન્નસના અંગાર ઉપર હાસ્યની રાખ દાબી દીધી. ઓરતના મોં ઉપર એ પોતાના
ગાલ ચાંપતો રહ્યો.
“ શેઠ તો મારી બહુ
જ ખબર રાખે છે, હોં !
પૈસાટકા આપી જાય છે. મને કહેતા હતા કે ભાભી, મારા ભાઈને
છોડાવવા હું આકાશપાતાળ એક કરી રહેલ છું.”
“ સાચું, ” બીજી બાજુ જોઈને પોતાના હોઠ
કરડ્યા. એણે સ્ત્રીને કહ્યું : “ પણ તું આજ શનિવારે શા માટે આવી? ”
“ કેમ ? ”
“ ના, તારે શનિવારે ન આવવું.”
“ પણ, શા માટે? ”
“ શનિવારને અને
મારે બનતું નથી. એ અપશુકનિયાળ વાર છે. શનિવારે હું જેલમાં પડ્યો. શનિવારે મેં છરી
હુલાવી. શનિવારે મારો
જન્મ થયો. મારે ને શનિવારને બિલકુલ લેણું નથી. તું કોઈ દી ભલી થઈને શનિવારે આવીશ
મા. નીકર તને માર્યા વિના નહીં મૂકું. ખબરદાર તું શનિવારે આવી છો તો.! “
અબૂધ બાળકની માફક
વાતો કરતા એ ધણીને એ સ્ત્રી ઠંડો પાડવા લાગી : “ ઠીક, નહીં આવું શનિવારે. તારી વાત ખરી
છે. તું જન્મ્યો શનિવારે ખરો ને એટલે જ શનિવાર સહુથી વધુ અપશુકનિયાળ વાર છે. પણ
હવે તારે કેટલાક શનિવાર અહીં કાઢવાના છે, ભૂંડા ! – શેઠ તને
હાલઘડી છોડાવવાના છે. નહીં છોડાવે તો મારા દા’ડા શેં જાશે? “
બોલતાં બોલતાં
સ્ત્રીના શરીર ઉપર જોબનની છોળો ઉછળી ઉછળીને પાછી ભાંગી જતી દેખાઈ. મુલાકાત પૂરી
થઈ. "
આ વર્ણન મુજબનું દૃશ્ય.
***
'મેડમ બટરફ્લાય' / Madame Butterfly ખરેખર તો જાપાન અંગેની સદાબહાર કથા છે. જહોન લ્યુથર લોંગે લખેલી આ કથાનું રૂપાંતર ત્યાર પછી ઓપેરામાં થયું. એ પછી તેની પર અનેક વખત ફિલ્મો બની. વીસમી સદીના આરંભના જાપાનના નાગાસાકી શહેરની આ ઘટના છે. ૧૯૧૫માં આ કથા પરથી મૂંગી ફિલ્મ આ જ નામે બની હતી, જેમાં મુખ્ય ભૂમિકા મેરી પીકફોર્ડની હતી. અનેક ફિલ્મો, એનિમેશન ફિલ્મ, મંચ પર ભજવણી આ કથા પરથી થઈ છે. છેલ્લે ૧૯૯૫માં પણ આ કથાનક પરથી ફિલ્મ બની હતી. મેઘાણીભાઈએ ૧૯૩૨ માં આવેલી કેરી ગ્રાન્ટ અને સિલ્વીયા સીડનીની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ જોઈને તેની કથા આલેખી હોવી જોઈએ, એમ પુસ્તકના સમયગાળા પરથી ધારી શકાય.
તેનાં બે અલગ અલગ દૃશ્યોનાં વર્ણન જોઈએ:
“ એકાએક એ યુવાનની
નજર સામી દીવાલ પર પડી. કાચની એ પારદર્શક ભીંત ઉપર એક છાયાછબી નૃત્ય કરી રહી છે. પાતળિયો, ઘાટીલો અને અંગેઅંગના મરોડ દર્શાવતો
એ પડછાયો બરાબર પેલા બહારના સંગીતને તાલે તાલે જ ડોલે છે. એકાંતે, અણદીઠ અને નિજાનંદે જ નાચતી એ પ્રતિમા જાણે કોઈ ચિત્રમાંથી સળવળી ઉઠી છે.
યુવાને એ બાજુનું બારણું ઉઘાડ્યું. એકલી એકલી મૂંગા મૂંગા નૃત્યની ધૂન બોલાવી રહેલી એક કન્યા થંભી ગઈ....."
**** **** ****
...... “પાછા ક્યારે
આવશો?" યુવાન થોભી ગયો.
જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું, “પાછાં ચકલાં માળા બાંધશે ને ત્યારે.”
છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ-સેન
ત્યાં ઉભી રહી. બે-ત્રણ વાર પાછા વળી વળી દર્દભરી નિગાહ નાંખતો નાવિક અદૃશ્ય બન્યો
ત્યાં સુધી એ ન ખસી.”
આ વર્ણન મુજબનું દૃશ્ય માણીએ.
***
'સીડ'નું એક દૃશ્ય |
'સીડ'નું ભારતીય રૂપાંતર |
***
આટલું વાંચ્યા પછી અને દૃશ્યો જોયા પછી કોઈને ‘પ્રતિમાઓ’ વાંચવાની જિજ્ઞાસા કે અગાઉ વાંચી હોય તો ફરી નજર ફેરવવાની ઈચ્છા થાય કે આ ફિલ્મો જોવાનું મન થાય તોય ઘણું.
એટલું ઉમેરવાનું મન થાય કે ફિલ્મનો આસ્વાદ કરાવતા હોવાનો દાવો કરતા ઘણા લેખકો ગુજરાતીમાં છે. અને એ દાવાથી પ્રેરાઈને તેમને વાંચ્યા પછી નિરાશ થનારા મારા જેવા વાચકો એથીય મોટી સંખ્યામાં છે. પેલા જાણીતા જોકમાં દર ચોથું બાળક ચાઈનીઝ હોય છે, એમ આજે દર ચોથો પ્રેક્ષક આલોચક હોય છે અને પોતાની મતિ પ્રમાણે જે તે ફિલ્મને એક, બે, ત્રણ કે ચાર સ્ટાર્સ આપીને 'બી.બી.સી.'(બની બેઠેલા ક્રીટીક)નો દરજ્જો દલા તરવાડીની જેમ જાતે જ મેળવી લે છે. ઘણા લખવૈયાઓ પોતાની પાસેના ફિલ્મોના સંગ્રહની સંખ્યાનો કે પોતે જોયેલી ફિલ્મોના આંકડાનો બાયોડેટામાં છંટકાવ કરે છે. તેમની આવી બાલિશ (છતાં વલ્ગર) ચેષ્ટા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. કેમ કે તેમના આ માપદંડ મુજબ તો કોઈ સી.ડી.ની લારીનો માલિક કે કોઈક થિયેટરનો પ્રોજેક્ટર ઓપરેટર તેમના કરતાં વધુ સમૃદ્ધ ગણાય.
બાકી આજે તો ટેકનોલોજી વધુ સરળતાથી ઉપલબ્ધ છે. મેઘાણીએ થિયેટરના અંધારામાં બેસીને એક જ વાર ફિલ્મ જોઈને જે સ્પંદનો ઝીલ્યાં તે આજે સાવ સહજતાથી ઘેરબેઠા સી.ડી. કે ડી.વી.ડી. પર એકનાં એક દૃશ્યો વારંવાર ફેરવીને જોઈ શકાય છે. ડબિંગ અથવા તો સબટાઈટલ્સને કારણે સંવાદો સમજવાનું કામ વધુ સરળ બન્યું છે. જો કે, ડબિંગમાં મૂળ સંવાદોની બારીકી આવતી નથી. વાર્તાની સમજણ મેળવવા પૂરતું તે ઠીક છે. આમ છતાં, સિનેકૃતિઓનો આસ્વાદ કરાવવાની આ રીતમાં ટેકનોલોજીની સહાયથી મૂલ્યવૃદ્ધિ અવશ્ય થઈ શકે છે. આવા આસ્વાદ માટે મેઘાણીએ આ મોડેલ પૂરું પાડ્યું છે.
પાયાની વાત એ છે કે આ કથાઓના આલેખન માટેનો ભાવકસહજ વિવેક અને લેખકસહજ સજ્જતા ક્યાંથી લાવવા?
અલબત્ત, હાડોહાડ સિનેમાપ્રેમી અને જેમની કલમના મારા જેવા અનેક ચાહકો હશે એવા સલીલ દલાલ કે સિનેમા સાથે ગાઢ રીતે સંકળાયેલા અને અચ્છા કટારલેખક સંજય છેલ જેવા મિત્રો પાસેથી આવી અપેક્ષા રાખવી અસ્થાને નથી, બલ્કે તેમને સૌ ચાહકો વતી અનુરોધ છે કે સિનેકૃતિઓનો આ રીતે આસ્વાદ કરાવો.
ભવિષ્યમાં આવો પ્રયત્ન કરનાર સૌ કોઈએ આ પુસ્તકની પ્રસ્તાવનામાંના આ શબ્દો ગાંઠે બાંધી રાખવા જેવા છે: “સંવાદો ઘણા ઘણા મારા જ હશે. બનાવોની સંકલના મૂળની છે. કાપકૂપ મેં ખૂબ કરી છે. સ્મરણની પ્રતિમાઓને એના સાચા સ્વરૂપે પ્રકાશવામાં આવરતો કુથ્થો મેં ફગાવી દીધો છે. બનતા બનાવો જ મેં તો જોઈને ઝીલી લીધા છે. બનાવોના બયાન માત્રમાં જે કલા મૂકવાથી બનાવો જીવતા બને છે, તે કલા જો હું આમાં મૂકી શક્યો હોઉં તો તે મારા મનોરથને સંતોષવા માટે બસ થશે.”
['તીસરા કિનારા' ના સ્ટીલનું સૌજન્ય: કૃષ્ણકાન્ત (કે.કે.), સુરત]
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી અને ફિલ્મની ક્લીપ યૂ ટ્યૂબ પરથી લીધી છે. આ તસવીરો અને ક્લીપ ઉપલબ્ધ કરાવનાર નામી-અનામી મિત્રોનો દિલથી આભાર, કે જેના વિના આ પોસ્ટ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત.
Hearty thanks to those known and unknown contributors who have made the content of this post available on net and on You tube without which this post would not have been conceived.)