સર પે હૈં બોઝ, સીને મેં આગ, લબ પર ધુઆં હૈ
જાનો
ત્રીજી
પદયાત્રાનું વર્ષ 1991નું છે. આનો અર્થ એ થયો કે ત્રીસ વર્ષના ઊંબરે પહોંચતા સુધી
મારી ત્રણ ત્રણ પદયાત્રાઓ સંપન્ન થઈ ગઈ હતી. કાઢવું હોય તો આનું તારણ એ કાઢી શકાય
કે ઉંમરના ત્રીસ વર્ષ સુધીના અરસામાં જે યુવાનો સરેરાશ પાંચથી સાત કિલોમીટરની
ઓછામાં ઓછી ત્રણ પદયાત્રાઓ કરે તો તેઓ જીવનમાં વધુ નહીં, કમ સે કમ
પંદરથી વીસ કિલોમીટર આગળ આવે જ છે.
આ પદયાત્રાનો
ક્રમ ત્રીજો રાખવાનો હેતુ એ છે કે ભલે તેના અસરગ્રસ્ત તરીકે અમારા જેવા સામાન્ય
લોકો હોય, પણ તેનું નિમિત્ત એક રાષ્ટ્રીય કે
આંતરરાષ્ટ્રીય દુર્ઘટના હતી. કોઈ મેગા પ્લૉટ ધરાવતી નવલકથામાં પૃષ્ઠભૂમિ તરીકે એક
મહત્ત્વની ઐતિહાસિક ઘટના આલેખીને તેના અનુસંગે અન્ય પાત્રોનાં જીવન પર શી અસર થઈ એ
બતાવવામાં આવે છે. આમ કરવાથી કથા ગમે એવી મામૂલી હોય, તેની કક્ષા
આપોઆપ ‘ઈન્ટરનેશનલ’ બની જાય છે. આ
પદયાત્રામાં અમારા કશા પ્રયત્ન વિના, કોઈ વાંકગુના
વિના અમારે તેનો ભોગ બનવાનું આવ્યું હતું. પણ રાષ્ટ્રને થયેલી ક્ષતિની સામે અમારું
આ અંગત દુ:ખ કશી વિસાતમાં ન ગણાય!
એ દિવસ હતો ૨૧
મી મે, ૧૯૯૧નો. દિવસ તો પૂરો થઈ ગયો અને સાંજ પડી. ત્યાર પછી સ્વાભાવિક ક્રમમાં રાત પડી.
ઉર્વીશના અને મારા મનમાં સવારથી કંઈક અલગ પ્રકારનો રોમાંચ હતો. તેનું કારણ વિશિષ્ટ
હતું. અમે આ રાત્રે મુંબઈ જવા નીકળવાના હતા. મુંબઈ જવાની નવાઈ ખાસ ન હતી, પણ તે
માટેનું કારણ બહુ રોમાંચ પ્રેરે એવું હતું. છેલ્લા બેએક વરસથી અમે મુંબઈ જઈને ગમતા
ફિલ્મકલાકારોને મળવાનો ક્રમ શરૂ કર્યો હતો. 1989માં એ
રીતે કરેલી પહેલવહેલી સફર ભારે સફળ રહી હતી. અમારા ઉત્સાહમાં એ સફળતાએ ખૂબ વધારો
કર્યો. ત્યાર પછી આ પ્રકારની અમારી બીજી સફર હતી. આ વખતે ઘણાં
સરનામાં અને ફોન નંબરથી સજ્જ હતા. અમારી આ મુંબઈ મુલાકાતમાં થયેલા વિવિધ અનુભવો
અને એ અનુભવોએ અમારા ઘડતર પર કરેલી અસર ‘જલસો’નો
વિષય બની શકે એમ છે. એ ફરી ક્યારેક.
મારી અને
ઉર્વીશની સંયુક્ત હોય એવો આ કદાચ મુંબઈનો બીજો પ્રવાસ હતો. ત્યારે અમે મુંબઈ જઈએ
એટલે અમારું હેડક્વાર્ટર સાન્તાક્રુઝમાં આવેલું અમારા કાકા સુરેન્દ્ર કોઠારીનું
ઘર રહેતું. આની અગાઉના પ્રવાસમાં પહેલવહેલી વાર અમારે પપ્પાના મસિયાઈ ભાઈ શૈલેષ
પરીખને ત્યાં ઉતરવાનું બન્યું હતું, જેઓ પેડર રોડ
રહેતા હતા. અમારી ટિકિટો રિઝર્વ થયેલી હતી. અમારો પોતાનો સામાન સાવ ઓછો હતો- બન્નેના
કપડાંની એક એક બેગ. પણ કાકાના ઘર માટે
મમ્મીએ ઘણી વસ્તુઓ ભરી આપી હતી. અમુક જાતનાં કઠોળ, બીજી કેટલીક
ખાદ્ય કે અન્ય ચીજો, જેમાંની અમુક કાકીએ પણ મંગાવી હશે. એ રીતે
ઠીક ઠીક વજનદાર સામાન અમારી પાસે થઈ ગયો. પણ કેવળ જતી વખતે જ એ પ્લેટફોર્મ પાર
કરવા પૂરતો ઊંચકવાનો હતો. આવતાં બીજું કશું રહેવાનું નહોતું એ વિચારે રાહત હતી.
રાત્રે સવા
નવની આસપાસ અમે ઘેરથી નીકળ્યા. મહેમદાવાદ રાત્રે પોણા દસ વાગે અમદાવાદ જનતા
એક્સપ્રેસ (હવે લોકશક્તિ એક્સપ્રેસ) આવતો હતો. અમે સ્ટેશને પહોંચ્યા. ટ્રેન સમયસર
હતી. અમે ડબ્બામાં ચડ્યા અને થોડી વારમાં બર્થ પર લંબાવી દીધી. હવે આવે સીધું
બોરીવલી!
**** **** ****
ટ્રેનમાં
ચહલપહલ વધી જાય, જાતભાતના રીંગટોન સંભળાવા લાગે, ‘બસ, હવે આવવામાં
જ છે.’, ‘કૌન
સા સ્ટેશન હૈ, ભાઈ?’, ‘હા, તું બહાર ઉભો
રહેજે. અંદર ન આવતો.’, ‘વીરાર ગયું?’- આવા બધા
વાક્યો કાને પડવા લાગે એટલે ખ્યાલ આવી જાય કે બોરીવલી આવવામાં છે.
પણ હજી એ
સંભળાવાને વાર લાગતી હતી. અડધીપડધી ઉંઘમાં અમને એટલો ખ્યાલ આવ્યો કે ટ્રેન લાંબા
સમયથી કોઈ એક જ સ્ટેશને ઉભેલી છે. થોડી વાર પછી હું બેઠો થયો અને ઘડીયાળમાં જોયું.
સવારના ચારેક વાગ્યા હતા. એટલે કે બોરીવલી આવવામાં હજી કલાક- સવા કલાક બાકી હતો.
ટ્રેનમાં આંખ ખૂલે એટલે માણસ બારીની બહાર જોઈને જાણવાની કોશિશ કરતા હોય છે કે પોતે
ક્યાં છે. મેં પણ એ પ્રયત્ન કર્યો, છતાં ખ્યાલ ન
આવ્યો કે કયું સ્ટેશન છે. ઉર્વીશ પણ જાગી ગયો હતો. બારીની બહાર જોતાં એ ખ્યાલ
આવ્યો કે કેટલાય લોકો પ્લેટફોર્મ પર ઉતરીને ટહેલતા હતા. સમજાઈ જાય એવું હતું કે
આટલી વહેલી સવારે આવા નાનકડા સ્ટેશન પર આટલા બધા લોકો દેખાતા હતા એ અમારી ટ્રેનના
જ મુસાફરો હતા.
અમે ઉભા થયા.
બારણેથી સિગ્નલ લાલ હોવાની ખાત્રી કરી. અને પછી નીચે ઉતર્યા. મામલો શું છે તે પામવાની
કોશિશ કરી. કંઈ ખ્યાલ આવતો નહોતો. કદાચ ‘સફાળે’ નામનું સ્ટેશન હતું. લોકો ટોળામાં ગુસપુસ કરી
રહ્યા હતા. થોડી વારે એટલું સમજાયું કે આગળ કશી તકલીફ છે અને ટ્રેન હવે અહીં જ પડી
રહેવાની છે. કોઈકે એમ કહ્યું કે ‘રાજીવ ગાંધીને ઉડાડી દીધા છે’ એટલે હવે ટ્રેન
અહીં જ પડી રહેશે. ટ્રેનના મુસાફરોમાં આવા ગપગોળાઓની (જેને ‘ચલાવવી’ કહે છે એની) નવાઈ
હોતી નથી, એટલે ઘણાએ આ વાત હસી નાખી. સ્ટેશન માસ્ટરની કેબિન સામેના પ્લેટફોર્મ પર હતી. અમુક
લોકો ત્યાં જઈને પૂછી આવ્યા હતા. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે ટ્રેન અહીં અનિશ્ચિત
મુદત સુધી પડી રહેશે. એ ક્યારે ઉપડે એ નક્કી નથી. હવે શું કરવું? સૌ અવઢવમાં
હતા. એવામાં ‘વિરાર પેસેન્જર’ નામની ટ્રેન આવીને ઉભી રહી ગઈ. આ ટ્રેન વિરાર સુધી જવાની એ નક્કી હતું. પણ
અહીંથી વિરાર કેટલે દૂર છે એ અંદાજ નહોતો.
અમે વિચારતા હતા કે તેમાં ચડવું કે નહીં. એટલામાં તેને સીગ્નલ મળ્યો. ટ્રેન ઉપડવાની નિશાનીરૂપે તેનું ભૂંગળું વાગ્યું. અમે ઝાઝું વિચાર્યા વિના ઝપાટાબંધ અમારી ટ્રેનમાં ચડ્યા. અમારો સામાન ઉઠાવ્યો અને દોડાદોડ ‘વિરાર પેસેન્જર’માં ચડી બેઠા. તે ઉપડી. હવે અમારી ઉંઘ ઉડી ગઈ હતી. એટલે અમે જાગતા-ઊંઘતા બેઠા રહ્યા. જોતજોતાંમાં ટ્રેન વિરાર પહોંચી અને પ્લેટફોર્મ પર ઉભી રહી. આ ટ્રેનનું આખરી સ્ટેશન હતું. અમે અમારો ભારેખમ સામાન ધીમે ધીમે નીચે ઉતાર્યો. ઠીક ઠીક અજવાળું થઈ ગયું હતું. સવારના સાત- સાડા સાત થયા હશે.
અમારો સામાન ઊંચકીને અમે વિરાર સ્ટેશનનો દાદર ચડ્યા અને એક નંબરના પ્લેટફોર્મ પર ઉતર્યા. આખું સ્ટેશન સૂમસામ હતું. મુંબઈમાં આ સમયે આવો માહોલ કદી જોયો નહોતો. સબર્બન ટ્રેનોની ચહલપહલ સદંતર બંધ હતી. પ્લેટફોર્મ પર એક બોર્ડ મૂકેલું હતું. તેમાં રાજીવ ગાંધીની તસવીર લગાડેલી હતી, જેની પર હાર પહેરાવેલો હતો. નીચે મરાઠીમાં નોંધ લખેલી હતી, જે સૂચવતી હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી છે અને તેને કારણે મુંબઈ આખું બંધ રહેશે.
અમે વિચારતા હતા કે તેમાં ચડવું કે નહીં. એટલામાં તેને સીગ્નલ મળ્યો. ટ્રેન ઉપડવાની નિશાનીરૂપે તેનું ભૂંગળું વાગ્યું. અમે ઝાઝું વિચાર્યા વિના ઝપાટાબંધ અમારી ટ્રેનમાં ચડ્યા. અમારો સામાન ઉઠાવ્યો અને દોડાદોડ ‘વિરાર પેસેન્જર’માં ચડી બેઠા. તે ઉપડી. હવે અમારી ઉંઘ ઉડી ગઈ હતી. એટલે અમે જાગતા-ઊંઘતા બેઠા રહ્યા. જોતજોતાંમાં ટ્રેન વિરાર પહોંચી અને પ્લેટફોર્મ પર ઉભી રહી. આ ટ્રેનનું આખરી સ્ટેશન હતું. અમે અમારો ભારેખમ સામાન ધીમે ધીમે નીચે ઉતાર્યો. ઠીક ઠીક અજવાળું થઈ ગયું હતું. સવારના સાત- સાડા સાત થયા હશે.
અમારો સામાન ઊંચકીને અમે વિરાર સ્ટેશનનો દાદર ચડ્યા અને એક નંબરના પ્લેટફોર્મ પર ઉતર્યા. આખું સ્ટેશન સૂમસામ હતું. મુંબઈમાં આ સમયે આવો માહોલ કદી જોયો નહોતો. સબર્બન ટ્રેનોની ચહલપહલ સદંતર બંધ હતી. પ્લેટફોર્મ પર એક બોર્ડ મૂકેલું હતું. તેમાં રાજીવ ગાંધીની તસવીર લગાડેલી હતી, જેની પર હાર પહેરાવેલો હતો. નીચે મરાઠીમાં નોંધ લખેલી હતી, જે સૂચવતી હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી છે અને તેને કારણે મુંબઈ આખું બંધ રહેશે.
વિરાર સ્ટેશને: જાયે તો જાયે કહાં (ચિત્ર: બીરેન) |
મુંબઈ આખું બંધ રહેશે એનો અર્થ અમે સમજ્યા ખરા, પણ હજી એની ખાત્રી થઈ નહોતી. અમે એક જગાએ સામાન મૂક્યો. સ્ટેશનની બહાર પણ સૂમસામ દેખાતું હતું. એકે એક દુકાન બંધ હતી. ન હતા કોઈ રીક્ષાવાળા કે ન હતા કોઈ અન્ય વાહન. જાણવા મળ્યું કે સબર્બન ટ્રેનસેવા પણ બંધ કરવામાં આવી છે, કેમ કે મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યાં છે. હજી તો સવાર માંડ પડ્યું હતું. અમારે પહોંચવાનું હતું સાન્તાક્રુઝ. પણ ત્યાં જવા મળે એવી કોઈ શક્યતા લાગતી નહોતી. તો પછી? ચોવીસ કલાક અહીં જ કાઢવા પડશે? અહીં એટલે ક્યાં? હોટેલ, દુકાન, ગલ્લા, લારીઓ કશુંય ખુલ્લું નહોતું. પ્લેટફોર્મ પર રહેવું પડશે? અને તોફાનોનું શું? આવા બધા સવાલો મૂંઝવતા હતા. સ્ટેશનની બહાર એક ઘરમાં ટી.વી.ચાલુ હતું અને થોડા લોકો ત્યાં એકઠા થયેલા હતા. અમે પણ ત્યાં ગયા. કોઈકને પૂછ્યું કે ટી.વી.માં શું આવે છે? એ ભાઈએ કહ્યું, ‘કુછ નહીં. વો ચન્દ્રશેખર (તત્કાલીન વડાપ્રધાન) બડબડ કરતા હૈ.’ આ જવાબ સાંભળીને બીજી કશી સમજણ પડે કે ન પડે, આપણે મુંબઈમાં જ છીએ એની ખાત્રી થઈ જાય.
અમારે
આઠ-દસ નહીં, પૂરા ચોવીસ કલાક કાઢવાના હતા. આખો દિવસ અને આખી રાત! હવે શું કરવું
એ વિચારતા હતા અને મૂંઝાતા હતા. અચાનક અમને યાદ આવ્યું કે અમારા મામા વસઈમાં રહે
છે. એમને ત્યાં જઈ શકાય. શરદમામા કદાચ દસેક વર્ષથી મુંબઈ સ્થાયી થયા હતા. એ કારણે
હજી મુંબઈના યજમાન તરીકે અમારા મનમાં તેમનું ઘર નોંધાયું નહોતું. શરદમામાની સાથે
અમારા બીજા મામાઓના દીકરા ધર્મેન્દ્ર અને નિલેશ (ગોકુલ) પણ હતા. શરદમામા યાદ
આવ્યા એટલે સહેજ રાહત લાગી. હવે બીજો સવાલ એ હતો કે વિરારથી વસઈ પહોંચવું શી રીતે? એનું અંતર
કેટલું?
અમને સાન્તાક્રુઝથી
ચર્ચગેટ સુધીનાં સ્ટેશનોનો ક્રમ યાદ હતો, પણ છેક વિરાર
સુધીનાં સ્ટેશનોનો ક્રમ ખબર નહોતી. એટલો ખ્યાલ હતો કે બોરીવલી વટાવ્યા પછી સ્ટેશન
વચ્ચેનાં અંતર વધુ છે. એ રીતે વિરારથી વસઈ ટ્રેનમાં દસ-બાર મિનીટ થાય છે. મુંબઈની
સબર્બન ટ્રેનની ઝડપ મુજબ આ અંતર જોઈએ તો સહેજે દસ-બાર કિલોમીટર થાય. અમે સ્ટેશન
બહાર જઈને જાણી લાવ્યા કે વિરાર અને વસઈની વચ્ચે એક જ સ્ટેશન છે- નાલાસોપારા.
આ જાણીને અમે
એક નિર્ણય પર આવ્યા. ચોવીસ કલાક અહીં ગાળવા શક્ય નહોતા. એને બદલે શરૂ કરી દઈએ
પદયાત્રા. રેલ્વેના પાટેપાટે ચાલવા માંડીએ. અને વસઈ પહોંચી જઈએ. એક વાર આ નિર્ણય
લીધો એટલે બીજી ગૂંચવણ ઉભી થઈ. વસઈની ખાડી વિરારથી વસઈ જતાં આવે કે વસઈ પછી? ખાડી વસઈ
પહેલાં આવતી હોય તો અમારી પદયાત્રા શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. અમે બે ત્રણ
અલગ અલગ ઠેકાણે પૂછીને માહિતી મેળવી કે વસઈ વટાવ્યા પછી ખાડી આવે છે. અમને હાશ થઈ.
અમે ચાલવાનું
નક્કી કર્યું એટલે હવે અમારી નજર અમારા સામાન પર ગઈ. સામાન શી રીતે ઊંચકવો એનું
આયોજન કર્યું. અમને રહી રહીને યાદ આવતું હતું કે ટિકિટનું રિઝર્વેશન હતું એટલે ‘હા, મૂકો ને
તમતમારે!’ કહીને જાતજાતની વસ્તુઓ ભરાવી હતી. હવે એ બધી
ઊંચકીને જવાનો વારો આવ્યો હતો. ડૂબતી સ્ટીમર હોત તો આ બધું એક પછી એક વામવા માંડત.
પણ એવો કોઈ સવાલ હતો નહીં. અને આવી ખાદ્યસામગ્રી એમ ફેંકી દેતાં જીવ ન ચાલે એ
હકીકત હતી.
અમારા બન્નેના
એક એક હાથમાં એક વજનદાર દાગીનો ઊંચક્યો. એક દાગીનો સૌથી વજનદાર હતો. તેને અમે બન્નેય
જણે બે બાજુથી પકડ્યો. એ ઉપરાંત બાકીનો સામાન પોતપોતાના ખભે ભરવી દીધો. પાણીની
બોટલ ખાલી થઈ ગઈ હતી. અમે સ્ટેશનની બહાર નીકળ્યા. બહાર આવેલા એક એપાર્ટમેન્ટમાં
જઈને બારણું ખટખટાવ્યું. એક સજ્જને બારણું ખોલ્યું. અમે તેમને પાણીની બોટલ ભરી
આપવા વિનંતી કરી. અમારો સામાન જોઈને તેઓ સમજી ગયા કે અમે અટવાયેલા મુસાફરો છીએ. તેઓ
બોટલ લઈને અંદર ગયા અને તેને ભરી લાવ્યા. અમે તેમનો આભાર માન્યો અને પાટા પર
ચાલવાનું શરૂ કર્યું ત્યારે સાડા આઠ નવ થયા હશે. બંધ એટલું જડબેસલાક હતું કે ચાનો
ગલ્લો સુદ્ધાં ક્યાંય ખુલ્લો નહોતો.
રાજીવ ગાંધીની
હત્યા શી રીતે થઈ એ હજી ખ્યાલ નહોતો. એ દુર્ઘટનાને લઈને અમારી આ નોબત આવી હતી. પણ તેમના
પરિવારને અને અમુક રીતે દેશને થયેલા નુકસાન સામે અમારી તકલીફ એવી મોટી ન કહેવાય!
જે હોય એ, અમારે એ ભોગવવાની હતી.
પાટા પર ટ્રેન
આવવાની ન હતી. એટલે અમે પાટે પાટે જ આગળ વધવાનું નક્કી કર્યું. અમારા જેવા અસંખ્ય
લોકો હતા. કોઈકને દાદરથી બીજી ટ્રેન પકડવાની હતી. કોઈકને ક્યાંક લગ્નપ્રસંગમાં
પહોંચવાનું હતું. સૌ પાટા પર ચાલતા જતા હતા. જાતજાતની રીતે લોકોએ સામાન ઉંચક્યો
હતો. કોઈએ માથે, કોઈએ ખભે, કોઈએ હાથમાં, તો કોઈએ કેડમાં સુદ્ધાં સામાન મૂક્યો હતો. લોખંડની ટ્રન્ક, કોથળો, બગલથેલા, સૂટકેસ અને
બીજા અનેક પ્રકારના સામાન કેટલાય લોકોએ ઉંચક્યા હતા. નાનાં બાળકો પણ નજરે પડતાં
હતાં. સૌ પોતપોતાની રીતે આગળ વધતા હતા અને બે ઘડી વાત કરી લેતા હતા. મનમાં અકળામણ
બહુ થતી હશે, પણ કોની પર કાઢવી એ સમજાવું જોઈએ ને?
ધીમે ધીમે સૂરજ
માથે ચડવા લાગ્યો હતો. અને આ સૂરજ મુંબઈનો હતો. એક તરફ સખત ગરમી, અને મુંબઈની
ખાસિયત જેવો પસીનો. લીંબુ નીચોવતાં તેનો રસ છૂટે એમ પસીનો છૂટી રહ્યો હતો. ભારેખમ
સામાન ઊંચકતાં પડતી અગવડ પણ ઓછી ન હતી. આ બધાની સાથેસાથે પાટા પરના ઉબડખાબડ પથ્થર
પર ચાલતાં ફાવતું ન હતુ. અમે હાથ બદલતા, હાંફતા જતા, વચ્ચે રોકાતા, શ્વાસ ખાતા, પાણીનો ઘૂંટડો
ભરતા અને આગળ વધતા જતા હતા. સંતોષ હોય તો એક જ વાતનો કે અંતર કપાતું જતું હતું.
મામાનું ઘર કેટલે? વસઈ આવે એટલે... (ચિત્ર: બીરેન) |
જોતજોતામાં
નાલાસોપારા સ્ટેશન આવ્યું. અડધી મંઝીલે આવી પહોંચી ગયાનો અમને આનંદ થયો. સ્ટેશને ક્યાંય
કોઈ સ્ટૉલ સુદ્ધાં ખુલ્લો નહોતો. હવે અમારી પાસેનું પાણી પણ ખલાસ થવા આવ્યું હતું.
હજી બીજું આટલું અંતર બાકી હતું. એટલે અમે પાણીનું પણ રેશનિંગ કરી દીધું. પણ
શરીરમાંથી જે ગતિ અને માત્રામાં પરસેવાનો ધોધ વહેતો હતો એ જોતાં લાગતું હતું કે
આટલા પાણીએ શું થાય? આગલે દિવસે સાંજે શું જમ્યા હતા એ યાદ
નહોતું કે નહોતું યાદ આજે સવારની ચા પીવાની બાકી છે એ. કોઈ પણ રીતે વસઈ પહોંચીએ
એટલે બસ. જેમ તેમ કરતાં અમે આગળ ને આગળ વધતા ગયા. પગમાં બૂટ નહીં, પણ ચપ્પલ
પહેરેલા હતા. પથ્થર પર ચાલતા રહેવાથી ક્યાંક ક્યાંક ચપ્પલનું ચામડું પગ સાથે ઘસાવાથી
એ ભાગની ચામડી છોલાઈ રહી હતી. સૌથી વધુ અમને તકલીફ પડી હોય તો સામાનની. ભારેખમ
સામાનને કારણે આ યાત્રા એક રીતે સાહસયાત્રાનો દરજ્જો પામવાની હતી. ‘મામાનું ઘર
કેટલે’ વાળું જોડકણું કેટલું સચોટ અને સાર્થક છે એ
ત્યારે ખ્યાલ આવ્યો. હોઠ શોષાઈ રહ્યા હતા અને પાણી ખૂટવા આવ્યું હતું. અમે હિંમત
રાખીને આગળ વધતા રહ્યા.
આખરે
દૂરથી સ્ટેશન
દેખાયું. આગળ વધ્યા અને પીળા રંગની વચ્ચે કાળા અક્ષરે લખેલું ‘વસઈ રોડ’ એટલે દૂરથી
પણ સ્પષ્ટપણે વંચાયું. ત્યારે સમજાયું કે અમુક સ્થાને અમુક જ રંગો મૂકવા પાછળ હેતુ
હોય છે. અમારા જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે કરતાં આખરે અમે સ્ટેશનના પ્લેટફોર્મ પર
પહોંચ્યા ખરા. આ એક એવી સિદ્ધિ હતી કે અમે ત્યારે કોઈને એ કહી શકીએ એ સ્થિતિમાં
સુદ્ધાં નહોતા.
શરદમામા
એમ.એસ.ઈ.બી.માં નોકરી કરતા હતા. અને તેમની ઑફિસ સ્ટેશનની સાવ બહાર જ હતી. અમે
ત્યાં પહોંચ્યા ત્યારે સમય જોવાના પણ અમને હોશકોશ નહોતા. અમે ઓટલો ચડ્યા. અંદર
જોયું તો તેઓ ખુરશીમાં બેઠેલા હતા. આવા હાલહવાલ અને આટલા સામાન સાથે અમને અચાનક આવેલા
જોઈને તેઓ નવાઈ પામી ગયા. તેમણે અમને શાંતિથી
બેસાડ્યા. અમે કહ્યું કે પહેલાં તો પાણી આપો. તેમણે અમને ધરાઈને પાણી પાતાં કહ્યું, ‘બિન્દાસ પીવો, જેટલું પીવું
હોય એટલું’. પાણી પીધું એટલે અમારા હોશ ઠેકાણે આવ્યા.
તેમણે કહ્યું કે હવે ચિંતા ન કરો. બેસો શાંતિથી. તમને ઘેર મોકલવાની વ્યવસ્થા કરું
છું. તેમનાં ક્વાર્ટર નજીકમાં જ હતા. પણ છેક વિરારથી અમે ચાલીને આવ્યા એની નવાઈ
તેમને ઓસરી નહોતી. તેમણે મારા બીજા મામાના દીકરા ધર્મેન્દ્રને બોલાવ્યો.
ધર્મેન્દ્ર બાઈક લઈને આવ્યો. બે ત્રણ ધક્કા ખાઈને તે અમને સામાન સહિત મામાના
ક્વાર્ટર પર ઉતારી ગયો. ત્યારે મામા એકલા હતા. મામી કદાચ પિયરમાં આવેલાં.
અમે તેમના
ઘરમાં પ્રવેશ્યા એ સાથે જ હાશકારાની લાગણી થઈ. હાલવાચાલવાનું મન જ થતું નહોતું.
એટલામાં મામા પણ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે સહેજ વાર બેસો. પછી જમીએ. અને પછી
તમે આરામ જ કરજો. સૂઈ જાવ અને ફાવે ત્યારે જાગજો. અમારી પણ એ જ ઈચ્છા હતી. હવે
થોડી થોડી ભૂખ પણ લાગી હતી. તેમણે અને ધર્મેન્દ્રે ખીચડી બનાવી દીધી. ડુંગળી
સમારી. પાપડ શેક્યા. દહીં પણ હતું. અમે ભેગા બેસીને જે લિજ્જતથી ખીચડી ઝાપટી છે! જમ્યા
પછી આંખો પણ ઘેરાવા લાગી હતી. અમને બીજી એક ફિકર એ હતી કે સાન્તાક્રુઝ કાકા અમારી
રાહ જોતા હશે અને ફિકર કરતા હશે. શરદમામાને અમે એ વાત કરી તો તેમણે કહ્યું કે
સાંજે એમને ફોન કરી દઈશું. જમ્યા પછી વધુ એક વાર પાણી પીને અમે લંબાવી દીધી.
સાંજના સમયે આંખ ખૂલી. અમે જાગ્યા. સહેજ બેઠા. સ્નાન કર્યું.
સ્ટેશન ઘરની સાવ
પાછળ હોવાથી ખ્યાલ આવ્યો કે એક બે ટ્રેનોને છેક મુંબઈ સુધી જવા દેવાઈ હતી. બાકીની
બધી ટ્રેનો ક્યાંક ને ક્યાંક રોકી દેવામાં આવી હતી. સાંજે અમે કાકાના પાડોશીને
ત્યાં ફોન કરીને ખબર આપી દીધા કે અમે વસઈમાં છીએ.
હજી અમારા
માનવામાં નહોતું આવતું કે અમે આટલું ચાલીને આવ્યા હતા. બરાબર ભોજન અને ઊંઘ પછી અમે
સ્વસ્થ થયા. ત્યારે અમને જે જ્ઞાન લાધ્યું તે એ કે ભલે ટિકિટ રીઝર્વ કરાવી રાખી
હોય, પણ સાથે એટલો જ સામાન રાખીને મુસાફરી કરવી કે ચાલવાનો વારો આવે ત્યારે આસાનીથી
તેને ઉંચકીને ચાલી શકાય. એક રીતે આ ‘તીસરી કસમ’ હતી. એ વાતને આટલાં વરસો વીત્યાં. અમારા પરિવારનો
વિસ્તાર થયો. પરિવાર સાથે પણ ફરવા જવાના કાર્યક્રમો બનતા રહ્યા છે. અત્યારે હવે ‘ચૌથી કસમ’ લેવા જેવી એ લાગે છે કે સામાન પૅક કરતાં ‘તીસરી કસમ’ હંમેશાં યાદ રાખવી.
રાજીવ ગાંધીના મૃત્યુદિને તેમનો પક્ષ કે દેશ ભલે ગમે તે દિન મનાવે, રાહુલ, પ્રિયંકા કે સોનિયા માટે એ મહા ગમગીન દિવસ હોય એ સમજી શકાય એમ છે. અમે પણ આ દિવસને ભૂલી શકતા નથી. અમારો હાથ અનાયાસે અમારા પગના તળિયે જતો રહે છે અને એ છાલાની યાદ આવતાં પગ ધ્રુજી ઉઠે છે. અમારા કશા પ્રયાસ વિના અમારી આ પદયાત્રા આંતરરષ્ટ્રીય કક્ષાની બની રહી છે.
(કુલ ત્રણ ભાગની આ શ્રેણીનો પહેલો ભાગ અહીં અને બીજો ભાગ અહીં વાંચી શકાશે.)
રાજીવ ગાંધીના મૃત્યુદિને તેમનો પક્ષ કે દેશ ભલે ગમે તે દિન મનાવે, રાહુલ, પ્રિયંકા કે સોનિયા માટે એ મહા ગમગીન દિવસ હોય એ સમજી શકાય એમ છે. અમે પણ આ દિવસને ભૂલી શકતા નથી. અમારો હાથ અનાયાસે અમારા પગના તળિયે જતો રહે છે અને એ છાલાની યાદ આવતાં પગ ધ્રુજી ઉઠે છે. અમારા કશા પ્રયાસ વિના અમારી આ પદયાત્રા આંતરરષ્ટ્રીય કક્ષાની બની રહી છે.
(કુલ ત્રણ ભાગની આ શ્રેણીનો પહેલો ભાગ અહીં અને બીજો ભાગ અહીં વાંચી શકાશે.)