કૃષ્ણકાન્ત ભૂખણવાલા (કે.કે.)
૧૫-૯-૧૯૨૨ થી ૨૪-૧૦-૨૦૧૬
આજે સાંજે આઠેક વાગ્યાના સુમારે કે.કે.સાહેબની વિદાયના સમાચાર વારાફરતી સુરતના હરીશ રઘુવંશી, રોહિત મારફતીયા અને બકુલ ટેલરે આપ્યા એ સાથે જ કેટકેટલી સ્મૃતિઓ એકસામટી ધસી આવી અને ફિલ્મની પટ્ટીની જેમ ફરી ગઈ. ગયા મહિને જ તેમણે ૯૪ વરસ પૂરાં કરીને ૯૫ માં પ્રવેશ કર્યો હતો. આરંભે પરિચય, ત્યાર પછી નિકટતા અને પછી આત્મીયતામાં ફેરવાયેલો આ એક વિશિષ્ટ સંબંધ હતો. ૨૦૧૨ના જૂનમાં તેમણે 'ગુજરાતમિત્ર'માં સાપ્તાહિક કોલમરૂપે પ્રકાશિત થયેલાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'ને પુસ્તકરૂપે આલેખવાની મંજૂરી આપી એ અગાઉ ત્રણેક મહિના સુધી અમારી વચ્ચે મીઠી ખેંચતાણ ચાલી હતી. આખરે તેમની પ્રત્યેક શંકાઓનું સમાધાન, અને આગ્રહોને માન આપ્યા પછી એ કામ શરૂ થયું.
એકાદ મહિના સુધી દરરોજ બપોરે સાડા ચારે તેમનો ફોન આવે અને ફોન પર તેમની મેન્યુસ્ક્રીપ્ટ તેઓ વાંચતા જાય. વચ્ચે હું સવાલો પૂછું, નોંધ ટપકાવું, અને પ્રકરણોમાં ક્યાં તોડજોડ કરવી છે એ ચર્ચા કરું. માત્ર અંગત યાદગીરી માટે ઉતારેલી આ નાનકડી ક્લીપમાં સ્વાભાવિકપણે જ કે.કે.સાહેબ સદેહે ઉપસ્થિત નથી, પણ ફોનમાં તેમનો ગૂંજતો અવાજ સાંભળી શકાય છે.
બહુ વિશિષ્ટ કાર્યપદ્ધતિ દ્વારા થયેલું આ સંપાદન પૂરું થયા પછી તેના પુસ્તકની વાત આવી. 'સાર્થક પ્રકાશન'નો જન્મ ત્યારે થયો ન હતો. તેથી આ મેન્યુસ્ક્રીપ્ટ વિવિધ પ્રકાશકોને બતાવવી એમ નક્કી થયું. એ અગાઉ મેન્યુસ્ક્રીપ્ટના અમુક મુદ્દાની ચર્ચાઓ, પુસ્તકનું કદ, લે-આઉટ વગેરે ચર્ચવા માટે અમે મળ્યાં. અપૂર્વ આશરે ડિઝાઈન કરેલું કેપ્ટન નરેન્દ્ર ફણસેનું અદ્ભુત પુસ્તક 'જિપ્સીની ડાયરી' રૂપરંગ અને કદની રીતે તેમની નજરમાં વસ્યું હતું.
ત્યાર પછી સુરત જ્યારે પણ જવાનું થાય એટલી વાર તેમને મળવાનું નક્કી જ હોય. પછી એમ બનતું કે હરીશભાઈ પણ તેમને ત્યાં જ આવી જતા. રજનીકુમાર પંડ્યા (ડાબે) સાથે લીધેલી સુરતની એક મુલાકાત દરમિયાન લીધેલી આ તસવીર.
સુરતની એક મુલાકાત દરમિયાન ઉર્વીશ- હરીશભાઈ- કે.કે.
સુરતના મિત્રો પણ કે.કે.ને એટલો જ આદર આપે. તેમને જ્યારે મળવા જઈએ ત્યારે હસીમજાક ચાલતી રહે અને બીજી ઘણી વાતો પણ. આવી એક મુલાકાત દરમિયાન બકુલ ટેલર (ડાબે) અને હરીશ રઘુવંશી (જમણે)ની વચ્ચે કે.કે.
સાર્થક પ્રકાશનનો આરંભ થયો અને ૬ એપ્રિલ, ૨૦૧૩ના રોજ યોજાયેલા વિમોચન સમારંભમાં 'સાર્થક'નાં સૌ પ્રથમ ચાર પુસ્તક પૈકીના એકમાં 'ગુઝરા હુઆ ઝમાના'નો સમાવેશ થતો હતો. ત્યાર પછી તરત ૨૦ એપ્રિલ,૨૦૧૩ના રોજ 'ગુઝરા હુઆ ઝમાના'નું વિમોચન સુરતમાં યોજાયું. આ કાર્યક્રમ અગાઉ અમે તેમના ઘરે ગયા અને 'તેરા તુજકો અર્પણ'ના ભાવ સાથે તેમને હાથોહાથ 'ગુઝરા હુઆ ઝમાના'ની પ્રતિ ભેટ આપી. ત્યારની સૌની ખુશખુશાલ મુદ્રા. વચ્ચે ઉભેલા તેમના પુત્ર સુપ્રતિમભાઈ.
પુસ્તકની પ્રત તેમને હાથોહાથ આપ્યા પછી યાદગીરીરૂપે તેની પર લીધેલા તેમના હસ્તાક્ષર. બીજી રીતે કહીએ તો લેખકે સંપાદકને આપેલા હસ્તાક્ષર.
ત્યારે એક અભિનેતા ઉપરાંત એક ઉમદા માનવ તરીકે સુરતની જનતામાં તેમનો કેટલો આદર છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ જોવા મળ્યું. તેમના આગમન સમયે સૌએ કોઈની પૂર્વસૂચના વિના સહજતાથી ઉભા થઈને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો.
આવા એક કાર્યક્રમમાં (જમણેથી) રોહીતભાઈ, હરીશભાઈ, કે.કે. શાંતિભાઈ.
સપ્ટેમ્બરની ૧૫મીએ તેમનો ૯૪ મો જન્મદિન હતો, અને યોગાનુયોગે એ દિવસે ગુરુવાર આવતો હતો, જે મારી 'ગુજરાતમિત્ર'ની કોલમનો દિવસ હતો. સુરતના મિત્રો સવારે કેક લઈને તેમને ત્યાં પહોંચી ગયા, એટલું જ નહીં, ત્યાંથી ફોન પર મારી સાથે વાત કરાવી અને તેઓ વાત કરતા હોય એવી તસવીર પણ લઈને મને મોકલાવી. એ વખતે મેં ફોનમાં કરેલી 'કેક વીથ કે.કે.' ની મજાક તેમણે પણ માણી.
પરિચિતોને કે.કે. યાદ રહેશે પોતાના ગરવા, સૌજન્યશીલ અને સાલસ સ્વભાવથી. તેમનાં આલેખેલાં ફિલ્મી જગતનાં આ સંભારણારૂપે તેઓ અક્ષરદેહે પણ આપણી વચ્ચે રહેશે.
આવા સ્વજન ગુમાવવાનું દુ:ખ સૌને હોય એ સમજાય એમ છે, છતાં કુદરતના કાનૂનને માન્ય રાખવો રહ્યો. આશ્વાસન કેવળ એટલું કે તેમને જરાય પથારીવશ રહેવું ન પડ્યું, જેનો તેમને બહુ ડર લાગતો.
તેમનાં પરિવારજનો પુત્ર સુપ્રતિમભાઈ, પુત્રવધૂ રેણુકાબેન અને પ્રપૌત્રી પરીશીએ તેમની ઉત્તરાવસ્થામાં બરાબર દરકાર લીધી અને કે.કે.ના મિત્રોને હસતે મોંએ આવકારીને આગતાસ્વાગતા કરતા રહ્યા.
કે.કે.ના પૌત્ર સુદીપભાઈ દુબઈ છે. તેઓ આવતી કાલે બપોરે આવે એવી સંભાવના છે. આવતી કાલે (૨૫ ઓક્ટોબરે) બપોર પછી કે.કે.ની અંતિમ યાત્રા નીકળશે.
(કે.કે. વિશે વિવિધ સમયે લખેલી વિવિધ બ્લૉગપોસ્ટ આ લીન્ક પર વાંચી શકાશે. )