-ઉત્પલ ભટ્ટ
(એવું જરાય નથી કે પ્રજાસત્તાક દિન, અમેરિકાના પ્રમુખની મુલાકાત કે મંગળ પર યાન મોકલવા જેવા શુભ પ્રસંગોએ જ અહીં આવી સ્ટોરીઓ મૂકવી ગમે છે. પણ એ બધાનું ગૌરવ લેવા અને લખવા માટે અનેક માધ્યમો સહિત આખી ફોજ છે. એ કોરસમાં એકાદ સૂર ન હોય તોય કશો ફરક ન પડે. આના વિષે ન લખાય તો
ચોક્કસ અમને ફરક પડે છે. બીજો
યોગાનુયોગ એ છે કે બરાબર ત્રણ વરસ અગાઉ, આ જ દિવસે પ્રોજેક્ટ
યુનિફોર્મની પહેલવહેલી પોસ્ટ મૂકી હતી. એ પછી કુલ પાંચ પોસ્ટ અહીં જ લખાઈ છે અને આ
છઠ્ઠી પોસ્ટ છે. દરેક પોસ્ટમાં એક એક પગથિયું ચડતા ગયા હોવાનું મહેસૂસ થાય છે, એ બ્લોગના આપ સૌ મુલાકાતીઓને આભારી છે. હજી થોડા દિવસ પહેલાં જ 'પ્રોજેક્ટ યુનિફોર્મ' વિષેની ઉત્પલ ભટ્ટની પોસ્ટ વાંચ્યા પછી તેને સંબંધિત, પણ જરા જુદા વિષય પર લખાયેલી એક પોસ્ટ.)
થોડા મહિના અગાઉ બીરેન કોઠારીની ‘ગુજરાતમિત્ર’ની કટારમાં પ્રકાશિત એક લેખ વાંચવામાં આવેલો. એ લેખમાં સુરતનાં મીનાબહેન મહેતા અને તેમના પતિ અતુલભાઈ
મહેતાના એક વિશિષ્ટ કાર્યની વાત હતી. વિષય જ એવો હતો કે વાંચીને ખળભળી જવાય. હંમેશા સ્વાસ્થ્ય અને આરોગ્યની ડાહીડાહી વાતો કરનારા આપણે સહુ ગ્રામ્ય શાળાની વિદ્યાર્થીનીઓને લગતા માસિકના પ્રશ્નો વિશે બને ત્યાં સુધી વાત કરવાનું ટાળતા હોઈએ છીએ.
પરંતુ આ લેખ વાંચીને અંદરથી હલી જવાયું. (એ લેખ અહીં વાંચી શકાશે. ઈન કેસ, કોઈને પોતાની સંવેદના ચેક કરવાની ઈચ્છા હોય તો.)
છેલ્લા ઘણા સમયથી એવું વલણ રાખ્યું છે કે કોઈ પણ પ્રકારની સામાજીક-સામૂહિક તકલીફ વિશે જાણીને જ્યારે જ્યારે આ પ્રકારે ખળભળી જવાય ત્યારે ત્યારે ખળભળીને પાછા યથાવત થઈ જવાને બદલે ઘરના સભ્યો અને સમાન વિચાર ધરાવતા મિત્રો સાથે એ પ્રશ્નની ચર્ચા કરીને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન તો કરવો જ. (ભૂકંપ પછીના આફ્ટરશોક્સ!)
સુરતનાં મીનાબેન મહેતા સુરતની મ્યુનિસિપલ શાળઓમાં સેનીટરી નેપકીનના નિ:શુલ્ક વિતરણનું કાર્ય કરી રહ્યાં છે એ જાણ્યા પછી પહેલો વિચાર એ આવ્યો કે યુનિફોર્મની સાથે સાથે દરેક શાળાઓમાં ધોરણ ૮ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને સેનીટરી નેપકીન કીટ પહોંચાડી શકાય તો કેટલું સારૂં!
મીનાબહેનને
પણ બીરેને આ બાબતની જાણ કરી. મીનાબહેને સામે ચાલીને મારો ફોનસંપર્ક પણ કર્યો અને એ
રીતે તૈયારી બતાવી. જો કે, અંતર અને સંકલનના વ્યાવહારિક કારણોસર એ શક્ય ન થઈ શક્યું. મીનાબહેનનું ધ્યેય એ જ હતું કે કોઈ પણ
વિસ્તારમાં, કોઈ પણ રીતે, સાથે જોડાઈને કે એકલપંડે, પણ આ કામ થવું જોઈએ. એટલે નક્કી
કર્યું કે આની જાતતપાસ કરવી, અને આ પ્રકારની સસ્તી છતાં શ્રેષ્ઠ ક્વોલિટીની કીટ જાતે જ તૈયાર કરવાનો પ્રયત્ન કરવો અને યુનિફોર્મની સાથે સાથે પહોંચાડવી.
શ્રેષ્ઠ ક્વોલિટી ધરાવતી, છતાં તદ્દન કિફાયત હોય તેવી પ્રોડક્ટસની શોધ રાબેતા મુજબ શરૂ થઈ.
આવી
'શોધ' અમારા
માટે કોઈ એક્સ્પીડીશનથી કમ નથી હોતી. ક્યાંથી શરૂ કરવું એની મોટેભાગે ખબર પણ ન હોય, છતાં દર વખતે શોધ પૂરી થાય ત્યારે પરિણામ અમારી ધારણાથી અનેક
ગણું સારૂં અને બજેટની અંદર જ મળે છે.
શ્રેષ્ઠ
ગુણવત્તાવાળા, છતાં કિફાયત દરના
સેનીટરી નેપકીનની શોધનું પરિણામ પણ આ પરંપરા મુજબનું મળ્યું.
પ્રાથમિક અને એ પછીની તપાસમાં જણાયું કે બ્રાન્ડેડ સેનીટરી નેપકીન નંગ દીઠ રૂ. ચારમાં પડે,
જે ઘણા મોંઘા લાગ્યા. પણ ‘જિસકા કોઈ નહીં, ઉસકા
તો ગૂગલ હૈ યારોં’ ગીતને અનુસરીને ગૂગલદેવતાની આરાધના કરી. પણ
આરાધના પહેલાં થોડી માનસિક વિધિ કરવી પડે એમ હતી. થોડા મહિના પહેલાં એક સમાચાર વાંચવામાં આવેલા કે કોઈમ્બતૂર નિવાસી કોઈક સજ્જને તદ્દન
સસ્તા દરે, સેનીટરી નેપકીન બનાવવાનું મશીન શોધ્યું છે અને એ બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે.
અરુણાચલમ મુરૂગનંતમ: મહત્ત્વની શોધના કર્તા (*) |
જાણવા મળ્યું કે મુરુગનંતમ રૂપિયા ૭૫,૦૦૦ થી એક લાખ સુધીની કિંમતનું સેનીટરી નેપકીન બનાવતું મશીન તૈયાર કરે છે અને વેચે છે. (સીધી અને સરળ અંગ્રેજીમાં મુરુગનંતમની સચોટ અને હૃદયસ્પર્શી કેફીયત અહીં સાંભળવા જેવી છે.) ગ્રામ્ય/ગરીબ વિસ્તારની બહેનો 'સખી મંડળ' બનાવે
અને આ ગૃહઉદ્યોગ સ્થાપવા ઈચ્છે તો તેમને આ મશીન ખરીદવા માટે બેંક તરફથી લોન અપાવવામાં પણ તે મદદરૂપ થાય છે. નજીવી જરૂરિયાતમાં ગૃહઉદ્યોગ તરીકે આ
વ્યવસાય વિકસાવી શકાય છે. આ મશીન થકી જે સેનીટરી નેપકીન બને છે, તે 'આંતરરાષ્ટ્રિય ક્વોલિટી'ની ગુણવત્તા ધરાવતા હોય છે. ‘સખી’ બ્રાન્ડના આ નેપકીનના એક
નંગની વેચાણકિંમત છે ફક્ત રૂપિયા બે. કેન્દ્રીય વિચાર એવો કે ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તક ઉભી કરીને
મહિલાઓ પગભર બને અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ કેળવાય,
જે સ્વાસ્થ્યની સંભાળ તરફ દોરી જાય. છે ને રિયલ લાઇફ યુરેકા!
અમારા ઈમેઈલના જવાબમાં શ્રી મુરુગનંતમે જણાવ્યું કે વડોદરા પાસેના હાલોલમાં એક સખી મંડળને તેમણે આ મશીન વેચ્યું છે અને વડોદરામાં શ્યામસુંદર બેડેકરનો સંપર્ક +91 98240 74940 પર કરવાથી અમારી જરૂરિયાત પ્રમાણેના સેનીટરી નેપકીન મળી રહેશે. આવી માહિતીની ખાણ મળે પછી ઝાલ્યા શી રીતે રહેવાય? શ્રી બેડેકર સાથે વાત કરતાં પહેલાં આ આખો ઘટનાક્રમ બીરેન સાથે ફોન પર શેર કર્યો. બન્ને પક્ષે 'કહત કબીર આનંદ ભયો હૈ' થઈ ગયું. એ પછી શ્રી બેડેકર સાથે મોબાઈલ પર વાત કરી અને ૬૦૦ પેકેટની અમારી જરૂરિયાત કહી. એક પેકેટમાં ૧૦ નેપકીન હોય. ૬૦૦ પેકેટ એકસામટા લઈ લેવાનું કારણ એટલું જ કે દર મહિને એને પહોંચતા
કરવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પોસાય નહિ. એટલે દરેક વિદ્યાર્થીનીને છ મહિનાનો સ્ટોક એકસામટો જ આપી દેવાનો. છ મહિના પછી ફરીથી બીજા ૬૦૦ પેકેટ પહોંચાડી દેવાના. આમ, તરત દાન ને મહાપુણ્યની જેમ નંગદીઠ રૂપિયા બે ના ભાવ લેખે ૬,૦૦૦ નંગ સેનીટરી નેપકીન (૬૦૦ પેકેટ)
અમે
ખરીદી લીધા. આ આખો ઘટનાક્રમ
ગણતરીના કલાકોનો.
અગાઉની પોસ્ટમાં
પીંપરીની શાળા અંગે આપે વાંચ્યું. ત્યાંની આશ્રમશાળાથી જ આની શુભ શરૂઆત કરવાનું
નક્કી કર્યું, કેમ કે, એ વિસ્તારની આર્થિક પરિસ્થિતિ વિશે બરાબર જાણ હતી. એ સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં જ હાઈસ્કૂલ આવેલી છે. બાબરભાઈ અને હાઈસ્કૂલનાં આચાર્યા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ધોરણ ૮ થી ૧૨ ની કુલ ૧૦૦ વિદ્યાર્થીનીઓ ત્યાં અભ્યાસ કરી રહી છે. એટલે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પીંપરી હાઇસ્કૂલની ૧૦૦ છોકરીઓને સેનીટરી નેપકીન આપવાનું નક્કી કર્યું.
પણ આટલું ક્યાં
પૂરતું હતું? એ તો પેલો હલબલાવી
મૂકનારો લેખ વાંચનાર જ જાણે. એટલે દરેક કીટમાં ૧૦ નેપકીનના પેકેટની સાથે બબ્બે અન્ડરવીયર (જેને સાવ સાદી ભાષામાં ચડ્ડી કહેવાય) મૂકવાનું નક્કી કર્યું. એક અન્ડરવીયરની
કિંમત ૩૨.૫૦/રૂ. આવા ૨૦૦ ખરીદ્યા. એમ વિચાર્યું છે કે બીજા ૧૧ મહિના સુધી દર મહિને દરેક વિદ્યાર્થીનીને ૧૦ સેનીટરી નેપકીન આપીશું. બીજા વર્ષે ફરીથી બે અન્ડરવીયર આપવાના.
ડૉ. અમી અને સુજલ મુનશી: સત્કાર્યમાં સાથ |
આ
વિદ્યાર્થીનીઓને માસિક અંગે યોગ્ય સમજણ મળે એ જરૂરી છે. આ કામ માટે મારા કઝીન, અમદાવાદના ગાયનેકોલોજીસ્ટ દંપતી એવા ડૉ. અમી અને ડૉ. સુજલ મુનશીએ અમારી સાથે આવવાની તૈયારી બતાવી. તેમણે ગુજરાતીમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે,
જેના થકી આ વિદ્યાર્થીનીઓને સરળ રીતે સમજણ આપી શકાશે. જર્મની અને ફ્રાન્સ જઈને લેટેસ્ટ ટેકનોલોજી શીખીને આવેલા આ યુવા ડોક્ટર દંપતીની ઈચ્છા ઘણા વખતથી 'પ્રોજેક્ટ યુનિફોર્મ' સાથે સંકળાવાની હતી, જે હવે તેઓના દાક્તરી જ્ઞાનના યોગ્ય ઉપયોગ થકી પૂરી થશે. આ પ્રકારે 'માનવ કલાકો' આપીને પણ આવા પ્રોજેક્ટમાં મિત્રો જોડાઈ શકે
છે.
હવે ખર્ચનો સરવાળો માંડીએ તો ૧૦૦ છોકરીઓને બે ચડ્ડીઓ અને આખા વર્ષના સેનીટરી નેપકીનનો સ્ટોક આપવાનો પ્રોજેક્ટ ફક્ત રૂપિયા ૧૮,૫૦૦/-
માં પડ્યો છે. આનો આનંદ કેવો હોય
એ આપ સમજી શકશો! ‘જયાશ્રી ઇન્ડસ્ટ્રીઝ’ પાસેથી સેનીટરી નેપકીન બનાવવાનું મશીન ખરીદીને કોઈક અંતરીયાળ વિસ્તારના 'સખી મંડળ'ને સ્થાપી આપવાનો વિચાર પણ છે, જેથી ત્યાંની સ્ત્રીઓ કાયમી પગભર બની શકે. સ્વાસ્થ્યનો
હેતુ તો આપમેળે સિધ્ધ થશે જ. વિચારો તો ઘણા આવતા હોય છે. અને આવા વિચારો આપ સૌની સમક્ષ છૂટા મૂકી દઈએ તો પરિણામ અવશ્ય મળતું હોવાનો જાતઅનુભવ છે.
અંતરીયાળ વિસ્તારોમાં રોજગારનું આયોજન
કરવાનું કામ સરકારનું છે, એમ કહીને સરકારની ટીકા કરીને બેસી રહેવું
સહેલું છે, પણ પોતે કામ કરવું કે આવું કામ કોઈક કરતું હોય તો
એને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થવું અઘરું છે.
આ પ્રોજેક્ટ અંગે કોઈને વધુ માહિતી જોઈએ,
પોતાના વિસ્તારમાં, કે ઘરની આસપાસ પણ નાના પાયે આ કામ
કરવાનું મન હોય અને એ બાબતે કશું માર્ગદર્શન જોઈતું હોય તો ખુશીથી મારો સંપર્ક +91 97129 07779 પર કે ઈ-મેલ: bhatt.utpal@gmail.com દ્વારા અથવા આ બ્લોગ દ્વારા કરી શકે છે.
આની અપડેટ સાથે થોડા સમયમાં ફરી મળીશું.
(*) તસવીર નેટ પરથી.
(*) તસવીર નેટ પરથી.