હિન્દી ફિલ્મોનું સંગીત અગાધ સાગર જેવું છે.
તેનું મંથન કરતાં તમામ પ્રકારનાં રત્નો મળી રહે. દરેક ચાહકોનો પોતપોતાને ગમતો
વિસ્તાર હોય છે, અને એ
સર્વશ્રેષ્ઠ હોવાનું એને લાગે છે. હિન્દી ફિલ્મસંગીતના ચાહકોમાંય કેટકેટલા
પેટાવિભાગ છે! પણ એ બધા પેટાવિભાગો અને તેના વિભાગીય વડાઓની વાત ફરી ક્યારેક. આજે
એક ‘ડીસ્કવરી’ની વાત કરવી છે.
‘To cover’ એટલે આચ્છાદિત
કરવું, અને તેનું વિરોધી ‘To discover’ એટલે અનાવૃત્ત કરવું. મતલબ કે જે ઢંકાયેલું પડ્યું હોય તેને ઉઘાડવું. એવી
પૂરેપૂરી શક્યતા કે એક જણની ‘ડિસ્કવરી’ કંઈ બધા માટે ‘ડિસ્કવરી’ ન પણ હોય, અને અહીં જે ‘ડિસ્કવરી’ની વાત કરવાની છે, તેને પણ એ નિયમ લાગુ પડે છે.
હિન્દી ફિલ્મોમાં
કવ્વાલીનો સમાવેશ ઘણો જૂનો છે. આરંભિક સમયની સૌથી લોકપ્રિય કવ્વાલી હતી ‘આહેં ન ભરી શિકવે ન કિયે’, (ઝીનત, ૧૯૪૫). આ કવ્વાલી નૂરજહાં, જોહરાબાઈ અને કલ્યાણી જેવી ગાયિકાઓએ જ ગાઈ હતી. તેના ગીતકાર હતા જે.
નક્શબ અને સંગીતકાર હતા મીરસાહબ. કવ્વાલીની લોકપ્રિયતા વધતી ચાલી, પણ તેનું મૂળભૂત પરંપરાગત સ્વરૂપ લગભગ યથાવત રહ્યું. ઘણી કવ્વાલીઓમાં
મુકાબલો પણ જોવા મળતો.
રોશન |
એ વાતે મોટા ભાગના
સંગીતપ્રેમીઓ એકમત છે કે ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ અને યાદગાર કવ્વાલીઓ રોશનસાહેબ
દ્વારા સંગીતબદ્ધ કરાઈ છે. આ તમામ કવ્વાલીઓ યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. ‘ચાંદી કા બદન, સોને કી નઝર’
(તાજમહલ, ૧૯૬૩), ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ (દિલ હી તો હૈ, ૧૯૬૩), ‘વાકીફ હૂં ખૂબ ઈશ્ક
કે તર્જે બયાં સે’ (બહુ બેગમ, ૧૯૬૭), ‘અબ જાં બલબ હૂં શિદ્દતે દર્દે નિહાં સે મૈં’ (બહુબેગમ), ‘નિગાહેં નાઝ કે
મારોં કા હાલ ક્યા હોગા’ (બરસાત કી રાત, ૧૯૬૦), ‘પહચાનતા હૂં ખૂબ, તુમ્હારી નજર કો મૈં’ (બરસાત કી રાત) અને.......
............................... ‘ના તો કારવાં કી તલાશ હૈ’ (બરસાત કી રાત).
સાહિરસાહેબની
કલમમાંથી નીપજેલી આ કવ્વાલી અજરામર છે. જેટલી વાર સાંભળીએ એટલી વાર કોઈ ને કોઈ નવી
ચીજ ધ્યાનમાં આવે. આ કવ્વાલી ન સાંભળી હોય અને સાંભળ્યા પછી ન ગમી હોય એવા સંગીતપ્રેમીને
મળવાનું હજી બાકી છે. લગભગ બાર મિનીટની આ કવ્વાલીમાં કેવા ચડાવઉતાર આવે છે! ધીમી ગતિએ મન્નાડે અને એસ.ડી.બાતિશ તેમજ સાથીઓ
દ્વારા તેનો આરંભ થાય છે. એકાદ અંતરા પછી ‘મેરે નામુરાદ ઝનૂન કા હૈ ઈલાજ કોઈ તો મૌત હૈ’ દ્વારા આશા ભોંસલે અને સુધા મલ્હોત્રા પ્રવેશે છે. ‘તેરા ઈશ્ક મૈં કૈસે છોડ દૂં, મેરી ઉમ્રભર કી તલાશ હૈ’થી કવ્વાલી ઝડપ પકડે છે, અને ‘યે
ઈશ્ક ઈશ્ક હૈ’થી ગતિ અત્યંત ઝડપી બની જાય છે. આ
તબક્કે, એટલે કે આશરે સાડા પાંચ-પોણા છ મિનીટ પછી આલાપ સાથે
મહંમદ રફીનો પ્રવેશ થાય છે. એ પછી અનેક આરોહ અવરોહ અને તેને અંતે ‘યે ઈશ્ક ઈશ્ક હૈ’ દ્વારા રાધા,
મીરાં, સીતાના પ્રેમના વિવિધ સંદર્ભો. ઈસુ
ખ્રિસ્ત, બુદ્ધ, મૂસા (મોઝીસ), રસૂલ જેવાઓના ઈશ્કસંબંધી ઉલ્લેખો ગાતાં ગાતાં મહંમદ રફી અત્યંત ઊંચી પીચ
પર પહોંચી જાય છે, અને ત્યાં કવ્વાલી પૂરી થાય છે. આ બાર
મિનીટની કવ્વાલી સાંભળતાં જ સૂરસમાધિ લાગી જાય. ભલે અગાઉ હજાર વાર સાંભળી હોય, પણ અહીં એક વિશિષ્ટ સંદર્ભે તેને વધુ એક વાર સાંભળો.
હવે વાત પેલી ’ડિસ્કવરી’ની. એના માટે
થોડા પાછળ જવું પડશે.
ખૈયામ |
ઉર્વીશ ‘અભિયાન’માં હતો એ
અરસામાં તેણે નુસરત ફતેહ અલી ખાન વિષે પહેલી વાર એક લેખ લખ્યો હતો. પત્રકારત્વમાં
આવતાં અગાઉ નુસરતના સ્વરના પ્રેમમાં અમે ગળાડૂબ રહી ચૂક્યા હતા, એટલે એ લખવાનો વિશેષ આનંદ હતો. નુસરતની અતિ જાણીતી કવ્વાલી ‘અલીમૌલા’નો ઉપયોગ ‘નાખુદા’ ફિલ્મમાં કરવામાં આવ્યો હતો, અને ‘નાખુદા’ના સંગીતકાર હતા ખૈયામ. આ બાબતે વાત કરવા
માટે ઉર્વીશે ખૈયામસાહેબને ફોન જોડ્યો. તેમણે ‘નાખુદા’ વિષે તો વાત કરી જ, પણ તેમના જેવા સંગીતકાર સાથે
ફક્ત આટલેથી વાત પતાવી દઈએ એ કેમ ચાલે? એટલે બીજી બધી વાતો ચાલુ રહી.
વાતવાતમાં ખૈયામસાહેબે પોતે છોડેલી ફિલ્મો વિષે જણાવ્યું. તેમણે કહ્યું કે, ‘અસલમાં ‘બરસાત કી રાત’ ફિલ્મ તેમને ઑફર થઈ હતી. ફિલ્મમાં કુલ ત્રણ કવ્વાલીઓ સમાવાઈ હતી. પણ તેના
નિર્માતાએ એક શરત મૂકી. શરત એ હતી કે એક કવ્વાલીમાં તેમણે ખ્યાતનામ પાકિસ્તાની
કવ્વાલ (અને નુસરતના કાકા) મુબારક અલી ખાનની મશહૂર કવ્વાલીની ધૂનની સીધી નકલ કરવી.
ખૈયામસાહેબને એ શરત માન્ય ન હતી. તેથી તેમણે સ્વેચ્છાએ એ ફિલ્મ સ્વીકારી નહીં, જે પછી રોશને સ્વીકારી. રોશનસાહેબે શું કર્યું?
તેમણે આ શરત માન્ય
રાખી. જો કે, તેમની
કાબેલિયત વિષે કોઈને કશી શંકા ત્યારેય નહોતી કે આજે પણ નથી. (એવી શંકા કરવાની આપણી હેસિયત પણ શી?) ખૈયામસાહેબે પૂરા આદર
સાથે કહેલું, ‘રોશનસાહેબે એ ફિલ્મનાં
અન્ય ગીતોમાં પોતાની સર્જકતા બરાબર દેખાડી આપી.’
એ વાત ત્યાં પૂરી
થઈ અને હૃદયના એક ખૂણે ધરબાઈ ગઈ.
**** **** ****
નુસરત ફતેહ અલી ખાન અને મુબારક અલી ખાન |
યૂ ટ્યૂબ પર જે
પ્રચંડ માત્રામાં જૂનાં અને દુર્લભ ગીતો ઉપલબ્ધ થવાં લાગ્યાં છે, એ જોઈને ઘણી વાર ઈચ્છા થતી કે પેલી મુબારક
અલી ખાનવાળી અસલ કવ્વાલી શોધવી જોઈએ. ખોવાઈ ગયેલા કોઈ રત્નને દરિયામાંથી શોધવા
જેવું દુષ્કર કામ એ હતું, કેમ કે, એ
કવ્વાલીના શબ્દો ખબર ન હતી. આમ છતાંય, સમય હોય અને યાદ આવે
ત્યારે ‘મુબારક અલી ખાન’, ‘ના તો કારવાં કી તલાશ હૈ ઓરિજીનલ’ જેવા શબ્દો ટાઈપ
કરીને એ શોધવાના પ્રયાસ ચાલુ હતા. તે હતી એ હકીકત, અને મળતી
ન હતી એ પણ વાસ્તવિકતા હતી. એ બહાને મુબારક અલી ખાન અને તેમના ભાઈ ફતેહ અલી ખાનની
અન્ય અજાણી કવ્વાલીઓ પણ સાંભળવા મળતી હતી. પણ જેની શોધ હતી એ ક્યાં?
આખરે એ શોધ ગયા
અઠવાડિયે જ ફળી. તેની ધૂન સાંભળતાં અચાનક કાન સરવા થઈ ગયા અને ‘યુરેકા’ થઈ ગયું. એટલે
એ કવ્વાલી આખી સાંભળી લીધા પછી તેની લીન્ક ઉર્વીશને,
રજનીભાઈને, હરીશભાઈને તેમજ હરમંદીરસીંઘ ‘હમરાઝ’ને એક ટૂંકી નોટ સાથે મોકલી આપી.
મુબારક અલી ખાન અને
તેમના ભાઈ ફતેહ અલી ખાનની ગાયેલી આ અસલ કવ્વાલી એટલે ‘ના તો બુતકદે કી તલબ મુઝે’.
ત્યાર પછી ઉર્વીશને
નુસરત ફતેહઅલી ખાને ગાયેલી આ કવ્વાલી પણ આસાનીથી મળી ગઈ. પ્રિય નુસરતના આગવા
અંદાજમાં આ કવ્વાલી પણ સાંભળવી રહી. આ કવ્વાલીના શાયરનું નામ જાણી શકાયું નથી.
મુબારક અલી ખાનની
અસલ કવ્વાલી મસ્ત છે, પણ
એ સાંભળ્યા પછીય રોશનસાહેબની કવ્વાલી એટલી જ ગમે છે. કેમ કે, તેમણે સીધેસીધી નકલ કરવાને બદલે પોતાની શૈલીની ઓળખ આ કવ્વાલીને બક્ષી છે.
આ ઉપરાંત બીજું મહત્વનું પરિબળ છે સાહિરના શબ્દો.
નકલ હોવા છતાં
સર્જકતા અને શૈલીનું મિશ્રણ કરીને તેને આગવા સર્જનની કક્ષાએ કઈ રીતે લઈ જઈ શકાય, તેનું આ કવ્વાલી ઉત્તમ ઉદાહરણ છે. આ
કવ્વાલીના આકર્ષણમાંથી છૂટવું આ જન્મે તો શક્ય નથી. ક્યુંકિ,
યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક.
(તસવીરો નેટ પરથી, વિડીયો યૂ ટ્યૂબ પરથી)