Monday, April 30, 2012

ગોવા ડાયરી



ધીરે સે જાના ગલિયનમેં


રસ્તા ખાસ પહોળા નહીં, તેમ સાંકડા પણ નહીં.મધ્યમસરના કહી શકાય એવા રસ્તાઓ પર ફરી રહેલા વાહનોમાં ટુ વ્હીલર્સ કરતાં ફોર વ્હીલર્સ (કાર) ની સંખ્યા વધુ હોય, છતાં ટ્રાફિક જામ ન દેખાય કે તેમના પાર્કીંગ માટે કશીય અફડાતફડી જોવા ન મળે. આવું શહેર એટલે ગોવા/Goa રાજ્યનું પાટનગર પણજી/Panaji. અહીં વાહનચાલકો પોતાનાં વાહનો બિલકુલ નિરાંતે હંકારતાં જોવા મળે, જાણે ક્યાંય પહોંચવાની કે કશુંય વહેલું પતાવી દેવાની ઉતાવળ જ ન હોય. પ્રમાણમાં ખુલ્લા, ઓછા ટ્રાફિકવાળા રસ્તા હોવા છતાં ઝડપનું નામનિશાન જોવા ન મળે. આ જોઇને લાગે કે ગોવાનો સ્પિરિટ ફેનીમાં કે દરિયામાં સમાયેલો અવશ્ય હશે, પણ તેનો સાચો સ્પિરિટ છે આવી નિરાંત. 

ગોવાનો 'સ્પિરિટ' મારીયોની નજરે 
મંડોવી નદીને કાંઠે, બિલકુલ અડકીને વસેલા પણજીમાં રોડ પર મુખ્ય માર્ગને મળતા માર્ગના જંકશન પર પોલિસમેન ફરજ બજાવતા જોવા મળે ખરા,પણ અહીંના વાહનચાલકોનો મિજાજ જોતાં લાગે કે પોલિસમેન ન ઉભો હોય તો પણ અકસ્માત થવાની સંભાવના ઓછી છે. ટ્રાફિક સિગ્નલ છે ખરા, પણ સામાન્ય દિવસોએ તો એમને પણ ગોવાની નિરાંત ફાવી ગઈ હોય એમ લાગે. એમ બને કે અમુક ખાસ પ્રસંગો કે મેળાવડાઓ વખતે વધુ ભીડ થવાની સંભાવના હોય ત્યારે એ ડ્યુટી બજાવતા હશે. 
પણજીથી આસપાસનાં સ્થળોએ ફરવા જવા માટે ઘણા પ્રવાસીઓ સ્થાનિક બસમાં જાય છે, તો ઘણા પ્રાઇવેટ ટેક્સી કરે છે. આ ઉપરાંત ત્રીજો વિકલ્પ અહીં મળતી મોટરસાયકલ ટેક્સી લઇને તેની ઉપર ઘૂમવાનો છે. ગોવા જવાનું હોય તો ટુ વ્હીલરનું ડ્રાઈવીંગ લાઈસન્સ સાથે રાખવું. નદીના એક કાંઠેથી સામા કાંઠા સુધી લઈ જતી અહીંની ફેરીબોટમાંય ટિકિટ લઈને મુસાફરી કરવાનો લહાવો લેવા જેવો છે. 

ગોવાની ઓળખ સમાન ફેરી બોટ સર્વિસ મારિયો મિરાન્ડાની નજરે 

ગોવાના રસ્તાઓ, તેના વાતાવરણ અને તેની ભૂગોળની સાચી અનુભૂતિ કદાચ આ રીતે વધુ સારી રીતે થઇ શકે. આવા ખુલ્લા, પાકા રોડ હોય, નિરાંતવાળા વાહનચાલકો હોય તો રોડ પર થતા અકસ્માતનું પ્રમાણ સ્વાભાવિકપણે ઓછું હશે, એમ માનવાનું મન થાય. પણ એ વિશે પૂછવું કોને? પ્રભુ ઇસુને? 

એ ક્રોસની તપાસ કર

આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા
 ક્યું આતા હૈ? *
‌બ્રેગેન્ઝા (બોબી’/Bobby માં પ્રેમનાથ), માઈકલ ડિસોઝા (મજબૂર’/ Majboor માં પ્રાણ), મિસીસ ડી'સા (અનાડી’/Anari માં લલીતા પવાર), એન્થની ગોન્સાલ્વિસ (અમર અકબર એન્થની’/Amar Akbar Anthony માં અમિતાભ બચ્ચન), આલ્બર્ટ પિન્ટો (આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’/ Albert Pinto ko gussa kyoon aata hai માં નસીરૂદ્દીન શાહ) જેવાં કેટલાંય ગોવાનીઝ પાત્રો ફિલ્મના પડદે અમર થઇ ગયાં છે. શ્યામ બેનેગલની ત્રિકાલ’/ Trikal  ફિલ્મ તો આખેઆખી ગોવામાં ઉતરેલી, જેનું મોટા ભાગનું શૂટીંગ ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ મારીયો મિરાન્ડા/ Mario Miranda ના પુરાતન મકાનમાં થયેલું. આ યાદી હજીય લંબાવી શકાય. અહીં આ નામો યાદ કરવાનો હેતુ એ જ કે આ નામ આખેઆખાં આપણા દિલોદિમાગમાં એવાં છવાયેલાં છે કે બ્રેગેન્ઝા નામ કાને પડે એટલે નજર સામે લૂંગી પહેરેલો પ્રેમનાથ દેખાય કે ડિસોઝા નામ સાંભળીએ એટલે બન્ને હથેળીઓને ભૂંગળાની જેમ વાળીને દૂરબીનની માફક આંખે લગાવીને જોતો પ્રાણ યાદ આવે. પણ ગોવામાં ફરીએ ત્યારે ઠેર ઠેર બ્રેગેન્ઝા ટ્રાવેલ્સ’, ડિસોઝા ગેરેજ વગેરે જેવાં પાટિયાં ઠેકઠેકાણે જોવા મળે એટલે આપણને થાય કે આપણા મનમાં ભલે બ્રેગેન્ઝા કે ડિસોઝા તરીકે કોઈ એક વ્યક્તિ સ્થપાઈ હોય, અહીં તો આખી ભૂમિ એમની છે.




જો કે, વસ્તીની દૃષ્ટિએ અહીં હિંદુઓ બહુમતિમાં છે અને ત્યાર પછી ખ્રિસ્તીઓ. પણ ઠેર ઠેર દેખાતા ચર્ચ, રસ્તાની ધારે ઉભા કરાયેલા ક્રોસની સંખ્યા જોતાં એમ લાગે કે અહીં બહુમતિ ખ્રિસ્તીઓની છે. કેટલાય મુખ્ય રસ્તાઓને કોરે ઉભા કરાયેલા ક્રોસ પર ક્યાંક તકતી, ક્યાંક ફૂલહાર, તો ક્યાંક મીણબત્તી પણ સળગતી જોવા મળે છે. પૂછપરછ કરતાં એમ પણ જાણવા મળ્યું કે રોડ પર ક્યારેક અકસ્માતમાં કોઈકનું મૃત્યુ થયું હોય તો મૃતકની સ્મૃતિમાં એ રોડની કોરે ક્રોસ ઉભો કરી દેવામાં આવે છે. જેવી રીતે આપણે ત્યાં મૃતકની 'સ્મૃતિ'માં ઘણી જગાએ બમ્પ બનાવી દેવામાં આવે છે. આ માહિતીને સાચી માનીએ તો બીજું આશ્ચર્ય એ વાતનું થાય કે આટલી ઓછી ગતિએ વાહનો ચલાવતા હોવા છતાં આટલા પ્રમાણમાં અકસ્માતો થતા હશે!

ક્રોસ કે શહીદસ્મારક? 

સ્વપ્નસ્ટેશન

કોંકણ રેલ્વે/Konkan Railway ૧૯૯૭થી શરૂ થઈ એ પછી મડગાંવ (મારગાઓ) /Margao સુધી અનેક ટ્રેનો સીધી આવતી થઈ છે. સામાન્ય રીતે લોકો મડગાંવ ઉતરીને ત્યાંથી પણજી જવાનું પસંદ કરે છે, જે લગભગ બત્રીસ કિ.મી. જેટલું છે. પણ મડગાંવ પહોંચતા પહેલાં આવતા કરમાલી/Karmali સ્ટેશને ઉતરીએ તો ત્યાંથી પણજી ફક્ત બાર કિલોમીટર છે. મતલબ કે, કરમાલીથી ટ્રેન મડગાંવ પહોંચે એ પહેલાં તો કરમાલીથી પણજી પહોંચી જવાય. સવારના આઠ-નવ વાગે કરમાલી ઉતરીએ કે બે ઘડી નિ:શબ્દ બની જવાય. પ્રિયદર્શન/Priyadarshan ની કોઈ ફિલ્મના દૃશ્યની આખેઆખી ફ્રેમ ઉંચકીને અહીં મૂકી દીધી હોય એમ જ લાગે. વહેલી સવારનો કૂણો તડકો, વાતાવરણમાં થોડો ભેજ, સામે પથરાયેલું વિશાળ હરિયાળું મેદાન, દૂરની પૃષ્ઠભૂમિમાં નાળિયેરીના ઝુંડ વચ્ચે ઉભેલાં રમકડાં જેવાં મકાનો, ક્યાંક પાણીથી ભરાયેલું સરોવર, જેમાં એકાદ ભાગ પર તડકો પડવાને લઈને એ સાવ સોનેરી લાગે. બિલકુલ સ્વપ્નભૂમિમાં ઉભા હોઈએ એમ લાગે. હાથ પર ચીમટી ખણીને ચકાસવાની પણ ઈચ્છા ન થાય.

કરમાલી સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દેખાતું દૃશ્ય * 


પછી સ્ટેશનની બહાર નીકળીને બંધ બારણાવાળી અહીંની વિશિષ્ટ રીક્ષા પકડીએ એટલે ઓલ્ડ ગોવામાં થઈને થોડી જ વારમાં રીક્ષા મંડોવી/ Mandovi નદીને સમાંતરે આવેલા રોડ પર દોડવા લાગે. નાની-મોટી હોડીઓની અવરજવર, કિનારે લાંગરેલી જાતજાતની બોટ્સ, ફેરી બોટ્સ, વચ્ચે વચ્ચે નજરે પડતા નાના-નાના ટાપુઓ અજબ દૃશ્યસંયોજનો રચે છે. આપણને ઘડીભર એમ થઈ જાય કે આ રસ્તા પર રીક્ષા આમ જ ચાલતી રહે.

સાગરકિનારે
પણજીમાં બજાર પ્રમાણમાં મોડું ખૂલે, બપોરે એક વાગે દુકાનો બંધ થઈ જાય અને ચારેક વાગે ખૂલે કોઈક કહેશે કે આવું તો આપણે ત્યાં રાજકોટ, વડોદરા કે અન્ય નગરોમાં પણ થાય છે. પણ પણજીમાં તો રાત્રે આઠ- સાડા આઠ સુધીમાં તો મોટા ભાગની દુકાનોને વધાવી લેવામાં આવે છે. પછી રસ્તા સાવ ખાલી, ગણીગાંઠી દુકાનો ખુલ્લી દેખાય. થયા હોય રાતના સાડા આઠ-નવ, પણ રાતના અગિયાર વાગી ગયા હોવાનો આભાસ થાય. 


આવા ખાલીખમ માર્ગો પર પણ ગોવાના મોટરચાલકો ઝડપથી વાહન દોડાવવાને બદલે બિલકુલ નિરાંતથી વાહનો ચલાવતા જોવા મળે. ઝડપથી વાહન ભગાવનારાને જોઈએ એટલે તરત જ ખ્યાલ આવી જાય કે એ લોકો 'બહારના' હશે. આપણે ત્યાં એથી ઉલટું થાય. મારામાર અને બેફામ વાહનો હંકારતા સ્થાનિક લોકોની વચ્ચે સાવ ધીમી ગતિએ, સાચવીને વાહન હંકારતો જણ 'બહારનો' હોય એ તરત જણાઈ આવે. ટ્રાફિક પોલિસે પણ તેને એ જ નિશાનીએ આંતરે. 
પણજીની ઉત્તરે વગાટોર/Vagator, અંજુના/Anjuna, બાગા/Baga વગેરે જેવા સમુદ્રતટો આવેલા છે, જ્યાં વિદેશી પર્યટકો મોટે ભાગે સૂર્યસ્નાન અને દેશી પર્યટકો સમુદ્રસ્નાન કરતા જોવા મળે છે. સમુદ્રસ્નાન કરી રહેલા આપણા લોકો મોટે ભાગે સંપૂર્ણ વસ્ત્રો સાથે પાણીમાં ભીંજાતા જોવા મળે છે, જ્યારે સૂર્યસ્નાન કરી રહેલા વિદેશીઓ નામનાં જ વસ્ત્રો પહેરીને તડકે શેકાય છે. એક જમાનામાં ગોવાનાં મુખ્ય આકર્ષણોમાં આ દૃશ્યોનો પણ સમાવેશ થતો હોવાનું સાંભળ્યું હતું. હવે છાપાં અને ટી.વી.ચેનલોએ ગોવાનું એ આકર્ષણ ઝૂંટવી લીધું છે. જો કે, ગોવાના પ્રવાસન ઉદ્યોગને તેના થકી કશો ફરક કે ફટકો પડ્યો નથી.  
હવે તો મોટા ભાગના સમુદ્રતટે વિવિધ પ્રકારની વોટર સ્પોર્ટ્સ પણ જોવા મળે છે, જેની કિંમત સાંભળીને ઘડીભર થાય કે એને રમવા કરતાં જોવાની વધારે મઝા આવે. 



ગોવાની દક્ષિણે, પણજીથી પાંત્રીસેક કિલોમીટર દૂર વાસ્કો-દ-ગામા/ Vasco da gama આવેલું છે, જે અહીંનું મુખ્ય બંદર છે. શાળાના અભ્યાસ દરમ્યાન ગોખેલી અને પછી યાદ રહી ગયેલી બહુ જૂજ સાલવારીમાંની એક એટલે ઈ.સ. ૧૪૯૮, જ્યારે પોર્ટુગીઝ સાહસિક વાસ્કો-દ-ગામાએ ભારતના કાલિકટ બંદરે પહેલો પગ મૂક્યો. એ પછી શું થયું? એ પછી તરત જ એણે બીજો પગ મૂક્યો અને ત્યાર પછી જે બન્યું એ ઈતિહાસ છે. એટલે તેને ઈતિહાસના પુસ્તકમાં જોઈ લેવું. ભૂતકાળની વાતને બાજુએ મૂકીને વર્તમાનની વાત કરીએ તો હાલ વાસ્કો-દ-ગામા રેલ્વેના દક્ષિણ પશ્ચિમ વિભાગ/ South Western Railway નું એક સ્ટેશન છે, જે રેલ્વેની પરિભાષામાં VSG અને સામાન્ય બોલચાલમાં 'વાસ્કો' તરીકે ઓળખાય છે. પોર્ટુગલમાં વાસ્કો-દ-ગામાના નામનું સ્ટેશન હોય એ સમજી શકાય, પણ ભારતમાં તેને આ રીતે અમર કરી દેવામાં આવે અને 'વાસ્કો'ના લાડલા નામે ઓળખાય એ આપણી અતિથિભાવના સૂચવે છે. 


વાસ્કો-દ-ગામા રેલ્વે સ્ટેશન 

વાસ્કો-દ-ગામાના દરિયાકાંઠે બંદર સાથે સંબંધિત કેટલાય ઉદ્યોગો-ગતિવિધિઓ જોવા મળે છે. રસ પડે તો અહીં કશુંય કર્યા વિના ફક્ત ઉભા ઉભા કલાક-બે કલાક પસાર કરી શકાય. વાસ્કો-દ-ગામામાં ભારતીય નૌકાદળનું મથક છે અને નેવલ એવીયેશન મ્યુઝીયમ’/ Naval Aviation Museum પણ છે. આ મ્યુઝીયમ સુધી જવાનો રસ્તો અટપટો છે, છતાં ત્યાં સુધી પહોંચવાના દિશાનિર્દેશો ઠેર ઠેર મૂકેલા હોવાથી શોધતાં તકલીફ પડતી નથી. તકલીફ એક જ છે- આ મ્યુઝીયમ દર સોમવારે બંધ રહે છે અને તેની માહિતી જલદી મળી શકતી નથી. લશ્કરી અધિકારીઓ પર આપણી વિનવણીની ખાસ અસર થતી નથી. એટલે મ્યુઝિયમને ડેલે હાથ અડકાડીને પાછું આવવાની તૈયારી પણ રાખવી પડે. 

વાસ્કો-દ-ગામાનું એક દૃશ્ય 

વાસ્કો-દ-ગામા જવા માટે ઝુઆરી/Zuari નદી ઓળંગવી પડે છે. ઝુઆરીના પુલ પર ઉભા રહીને બન્ને બાજુ નજર ફેરવતાં ગોવાના અનુપમ પ્રાકૃતિક સૌંદર્યની ઝલક મળે છે.

એકેશ્વરવાદ

મંગેશી મંદીર *
ગોવામાંથી બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. દક્ષિણે મેંગ્લોર/Mangalore  તરફ અને ઉત્તરે બેલગામ/Belgaum તરફ. ગોવાનો વિસ્તાર એટલો નાનો છે કે પેલા ચીની રાજાની વાર્તામાં આવે છે એમ અહીં ફક્ત બે જ દિશાઓ છે- ઓતરાદી અને દખણાદી. એટલે કે ગોવા ઊત્તર અને દક્ષિણ એમ બે જ મુખ્ય ભાગમાં વહેંચાયેલું છે. દક્ષિણ ગોવાના મંગેશ/Mangesh ગામે અહીંનું વિખ્યાત મંગેશી મંદિર’/Mangeshi Temple આવેલું છે, જેને અહીંયાં લતા મંગેશકરની કુળદેવી તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય રસ્તાથી આ મંદિર તરફ જતા નાનકડા માર્ગને પણ માસ્ટર દીનાનાથ મંગેશકર માર્ગનું નામ અપાયું છે. પોતાના ભક્તના નામ થકી ઓળખાવાનું સદભાગ્ય બહુ ઓછા ભગવાનોને મળે છે- અહીં ધર્મગુરુઓની વાત નથી. આવું જ એક પ્રસિદ્ધ મંદિર છે શાંતાદુર્ગા મંદિર’/Shantadurga Temple. 
તુલસીક્યારો: હિંદુ ઘરોની ઓળખ 
આ બન્ને મંદિર પુરાણા હશે, પણ અત્યારે તો રંગરોગાન કરીને તેમને નવાંનક્કોર બનાવી દેવાયાં છે. ગોવા આવતા પર્યટકો આ મંદિરે અવશ્ય આવે જ છે,તેને લઈને અહીં ભીડ પણ ઘણી જોવા મળે છે. મંદિરની જેમ નાનાં નાનાં સ્થાનકો પણ ઘણી જગાએ ઉભા થઈ ગયેલા જોવા મળે છે. અમુક જગાએ તો ક્રોસ અને સ્થાનકો રીતસર હરિફાઈમાં ઉતર્યાં હોય એમ લાગે. ખ્રિસ્તીધર્મીઓનાં મકાનો તરત ઓળખાઈ જાય છે, એમ અહીંના હિંદુઓનાં મકાનો પણ આંગણામાં રખાયેલા તુલસીક્યારાને કારણે તરત ઓળખાઈ જાય છે. જો કે, ગોવાના કોઈ રહેવાસીને આ વિષે પૂછીએ તો એ કહેશે- અહીં તો એક જ દેવ પૂજાય છે અને એ છે પૈસો.

ઉઠતી હૈ હર નિગાહ ખરીદાર કી તરહ

ગોવા જઈ આવ્યાનું સ્મૃતિચિહ્ન (સોવિનીયર) શું? કાજુ? નાળિયેરી, લાલઘૂમ સૂરજ અને ભૂરું પાણી  ચીતરેલા ગોવા ટી-શર્ટ? કાજુ ફેની/kaju feni કે અન્ય પ્રકારના આલ્કોહોલિક પીણાની બોટલ?
દરેક પ્રવાસી પોતાને માટે તેમજ પોતાના મિત્ર-સ્નેહી માટે આમાંથી ઓછામાં ઓછી બે ચીજો તો અવશ્ય ખરીદે જ છે. પણ ગોવાના સ્થાનિક લોકો કહે છે એમ અહીં દારૂ સિવાય બીજું કશુંય ગોવાનું નથી હોતું. કાજુ મુખ્યત્વે પ્રોસેસીંગ થઈને રત્નાગિરિ તરફથી આવે છે, તો ટી-શર્ટ મુંબઈથી આવે છે. આ સિવાય પણ ઓસ્ટ્રેલિયા, મલેશિયા, હોંગકોંગથી આયાત કરેલાં કપડાં તરીકે અસલમાં મુંબઈનાં કપડાં વેચાય છે- ત્રણ ચાર ગણી કિંમતે.
આમ છતાં, ગોવાની બહારના વેપારીઓ અહીં સ્થાયી થઈને સારી કમાણી કરે છે, કેમ કે તેમને સ્થાનિક વેપારીઓ તરફથી કોઈ જ સ્પર્ધા નથી. સ્થાનિક વેપારીઓનું વલણ જોતાં લાગે કે તેમને મન વ્યવસાય એક પ્રવૃત્તિ છે, નહીં કે આજીવિકાનું સાધન. આ કારણે બહારના વેપારીઓને ગોવામાં વ્યવસાય કરવાનું આકર્ષણ રહે છે. ચોમાસાના ચાર મહિના બાદ કરતાં હવે તો લગભગ આખું વરસ સહેલાણીઓની અવરજવર ચાલુ રહે છે, જેને કારણે ખરીદી પણ જોરમાં રહે છે. અને પ્રવાસે નીકળ્યા પછી ખરીદી માટે થોડા વધુ પૈસા ખરચવામાં લોકોનો હાથ કાંપતો નથી. આમ, બજાર ધમધમ્યા કરે છે.

મારીયો મિરાન્ડાની પીંછીએ ગોવાનું અસલ બજાર * 

ગોવાનું અસલ બજાર માપુસા/Mapusa માં જોવા મળે, જ્યાંથી સ્થાનિક લોકો મોટા ભાગની ખરીદી કરે છે. અહીં કોકમથી લઈને કાજુ સુધીની તમામ ચીજો ઉપરાંત અમુક પ્રકારનાં ફળો-શાકભાજી પણ મળે છેપણ ઉતાવળે ખરીદી કરનારા પ્રવાસીઓ માપુસાના બજાર સુધી ક્યાંથી જાય? જો કે, બજાર માપુસાનું હોય કે પણજીનું, ગોવાની નિરાંત ગમે એટલા પૈસા આપીનેય ખરીદી શકાય એવી નથી. 

(નોંધ: ગોવા ઊંચાઈ પર નહીં, પણ દરિયાકાંઠે છે. દિવસ દરમ્યાન અહીં ઠંડી દરિયાઈ લહેરો વહેતી રહે છે,છતાં સૂર્યનો સીધો તાપ આકરો લાગે છે. આ બાબત ધ્યાનમાં લઈને પોતાને અનૂકુળ મોસમમાં ગોવા જવાનું ગોઠવવું.) 

ગોવાની તસવીરી ઝલક 

સેન્ટ ઓગસ્ટીન ચર્ચ 



અગુઆડા કિલ્લો 




વાસ્કો-દ-ગામા 





(નોંધ: * નિશાનીવાળી તસવીરો નેટ પરથી લીધી છે. બાકીની તમામ તસવીરો: બીરેન કોઠારી) 

Saturday, April 21, 2012

…તો સૂર બને હમારા


- ઉત્પલ ભટ્ટ 


(અમદાવાદના ઉત્પલ ભટ્ટ દ્વારા યુનિફોર્મ પ્રોજેક્ટની પ્રગતિનો હૃદયસ્પર્શી અહેવાલ) 


પ્રિય મિત્રો,
ત્રણેક મહિના પછી ફરી પાછો પત્ર આપ સૌને લખી રહ્યો છું.

આ અગાઉ શરૂપુર ટીંબી ગામની શાળાના વિદ્યાર્થીઓની સ્થિતિ તેમજ એ જોઈને અનુભવેલી લાગણી આપ સૌને આ બ્લોગના માધ્યમ દ્વારા જણાવી હતી. 
(એ પોસ્ટ અહીં http://birenkothari.blogspot.in/2012/01/blog-post_26.html  પર ક્લીક કરવાથી વાંચી શકાશે.) આ પ્રથમ પ્રયાસનાં પરિણામો બહુ પ્રોત્સાહક મળ્યાં હતાં. ઘણા સહૃદયી મિત્રોએ રૂબરૂ, ફોન દ્વારા, ઈમેલ દ્વારા, બ્લોગ પર કમેન્ટ દ્વારા અભિનંદન આપ્યાં હતાં તેમજ યથાયોગ્ય આર્થિક સહાય તથા વચન પણ આપ્યાં હતાં. આ બધાને કારણે આ પ્રોજેક્ટને આગળ વધારતા રહેવાનું બળ મળતું રહ્યું છે.

આ પ્રોજેક્ટ નિમિત્તે આર્થિક સહાય મોકલનાર સૌ મિત્રોને જે તે પ્રોજેક્ટનો હિસાબ પોસ્ટ કે ઈમેલ દ્વારા વેળાસર મોકલી આપ્યો છે.

પણ અગાઉ જણાવેલી વાત ફરી જણાવું કે આ અમારો પ્રથમ પ્રોજેક્ટ હતો, આખરી નથી. હા, અમારા મનમાં એવો જરાય વહેમ નથી કે ગુજરાત આખાની પછાત વિસ્તારની શાળાઓમાં પહોંચી જઈને ત્યાંના વંચિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ગણવેશની જોડ વહેંચતા ફોટા પડાવીને વાહવાહ ઉઘરાવી લઈએ. આ વાત અહીં દોહરાવવાનો આશય એટલો જ છે કે અન્ય કોઈ પણ વ્યક્તિ એકલપંડે યા પોતાના મિત્રવર્તુળ દ્વારા કોઈ પણ વિસ્તારની શાળાના બાળકો માટે પોતાના સ્તરે કંઈક કરી શકે છે. અમારી મદદ કે માર્ગદર્શનની જરૂર હોય ત્યાં એ અવશ્ય મળશે, બાકી એ વિના પણ કામ થઈ જ શકે છે. મૂળ હેતુ તો વિકાસની દોટમાં પાછળ રહી ગયેલા આપણા ભાંડુઓનાં બાળકોને બે જોડી નવાં કપડાં આપવાનો કે અન્ય કોઈ રીતે સહાયરૂપ થવાનો જ છે. એ સિદ્ધ થાય એટલે બસ. આપણે કંઈ એમની પર કશો ઉપકાર નથી કરતા.

અહીં એ વાતની નોંધ લેવી પણ જરૂરી સમજું છું કે પૂના રહેતી મારી મિત્ર નંદિની કેકરેએ અગાઉ આ પ્રોજેક્ટમાં આર્થિક સહાય કરી હતી. અને બે એક દિવસ પહેલા આવેલા મેલમાં તેણે જણાવ્યું છે કે તેના મિત્રમંડળે પણ નાની નાની શાળાઓમાં આ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને વિવિધ સામગ્રી પૂરી પાડવાનું શરૂ કર્યું છે. એક સે એક મિલે તો રાઈ બન સકતી હૈ પર્બતએ આનું નામ.

શરૂપુર ટીંબી ગામની શાળાનો પહેલો પ્રોજેક્ટ કર્યા પછી બીજો પ્રોજેક્ટ હતો મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ગામ મેઘાઅલિયાસણાની પ્રાથમિક શાળાનો. અહીં ફક્ત ૨૧ વિદ્યાર્થીઓ વચ્ચે ૪૨ જોડી યુનિફોર્મ તૈયાર કરાવવાનો હતો. આટલી ઓછી સંખ્યા હોવાથી પ્રમાણમાં આ કામ ઝડપથી પૂરું થયું હતું. ખરેખર તો, મેઘાઅલિયાસણા પ્રાથમિક શાળામાં કુલ ૨૪૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ છે. પણ ગામ પ્રમાણમાં ખાધેપીધે સુખી છે એટલે બાકીનાં વિદ્યાર્થીઓને એવી કોઈ જરૂર હતી નહીં. અમારું લક્ષ્ય ખરેખર તો જરૂરિયાતવાળી આખેઆખી શાળાના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ પૂરા પાડવાનું  છે. મેઘાઅલિયાસણા ગામના સરપંચને, આચાર્યને તેમજ શાળાના  શિક્ષકોને અમે ભારપૂર્વક અનુરોધ કર્યો કે આ એકવીસ બાળકોના ગણવેશની જવાબદારી ગામના લોકો જ ઉપાડી લે એ યોગ્ય છે. અમારી વાતની તેમના પર અસર થઈ હોય એવું ત્યારે તો લાગ્યું હતું. એમ પણ બને કે તેમને આવું કંઈક કરવાનું મનમાં ઉગ્યું જ ન હોય. અને આટલે દૂરથી અમને આવા કામ માટે આવેલા જોઈને તેની અસર થઈ હોય.



અહીં એક આડવાત પણ કરી લઉં, જે આ શાળા સાથે જ સંકળાયેલી છે. અહીં અમે આપેલા ગણવેશના કાપડની ગુણવત્તા જોઈને આચાર્ય અને શિક્ષકો બહુ રાજી થઈ ગયા હતા. આવું કાપડ ક્યાંથી અને શી કિંમતે મળી શકે એ અંગે તેમણે વિગતે પૂછપરછ કરી હતી અને આગામી વરસે વિદ્યાર્થીઓ માટે આવું જ કાપડ ખરીદવાનું તેમણે વિચાર્યું હતું. સૌની સહાયથી ખરીદેલા કાપડની ગુણવત્તાનું આનાથી વધુ સારું પ્રમાણપત્ર કયું હોઈ શકે!

દરમ્યાન અન્ય શાળા અંગેની અમારી તપાસ ચાલુ જ હતી. શરૂપુર ટીંબી ગામની શાળાનાં શિક્ષિકા તારાબહેન અગાઉ કવાંટ તાલુકાના મોગરા ગામની શાળામાં નીમાયેલાં હતાં. અમારી આ પ્રવૃત્તિ જોઈને તેમણે અમને મોગરા ગામની શાળાના કો-ઓર્ડીનેટર શનિયાભાઈ રાઠવાનો સંપર્ક નંબર આપ્યો. શનિયાભાઈ સાથે મેં ફોન પર વાત કરી. પૂછપરછ કરીને પરિસ્થિતિ જાણી. એ પછી દરજીકામનો વ્યવસાય કરતા મિત્ર જયેશ પરમારને તમામ વિદ્યાર્થીઓનાં માપ લેવા માટે મોગરા મોકલ્યો. અમદાવાદથી વડોદરા, વડોદરાથી ડભોઈ, ડભોઈથી કવાંટ અને કવાંટ થઈને જયેશ મોગરા પહોંચ્યો. એ દિવસે શાળાનાં તમામ બાળકો હાજર હતાં. કુલ ત્રેસઠ બાળકોનાં માપ જયેશે લીધાં. આ ઉપરાંત મોટી ચીખલી નામનું ગામ પણ રસ્તામાં આવતું હતું. શનિયાભાઈ સાથે થયેલી વાત મુજબ અહીં કુલ ૧૯૯ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હતા, તેમનાં માપ પણ લઈ લેવાનાં હતાં. એક જ વખતના ભાડામાં આ કામ થઈ જાય તો જે એકાદ જોડીના પૈસા નીકળ્યા એ. જયેશે તેના આટલા વરસના વ્યવસાયમાં એક જ દિવસમાં આટલા બધા લોકોનું માપ લીધું હોય એવું કદાચ પહેલી વાર બન્યું હશે. નફાનું તદ્દન સામાન્ય માર્જિન રાખીને હોંશે હોંશે નિર્ધારીત સમયગાળામાં ગણવેશ સિવવાનું કામ કરીને જયેશે કશાય હોબાળા વિના આ કાર્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી આપી છે.

જો કે, અમારી પાસે ત્યારે તો માત્ર મોગરા ગામના ૬૩ વિદ્યાર્થીઓનો ગણવેશ સિવાય એટલું જ ફંડ હતું. રાતપાળીમાં વધારાના કારીગરો રોકીને પણ નિયત સમયમર્યાદામાં આ કામ સારી રીતે પૂર્ણ થયું. માથાદીઠ બે એમ કુલ ૧૨૬ જોડ ગણવેશ સિવાઈને તૈયાર થઈ ગયો. એક નિયત દિવસે અમે મોગરા જવાનું નક્કી કર્યું. એ દિવસ હતો છઠ્ઠી એપ્રિલ, શુક્રવારનો.

**** **** ****

ચારેક મોટાં બોક્સમાં યુનિફોર્મ લઈ જવા માટે કોઈ મોટું વાહન હોય તો અનૂકુળ રહે. અને તેની વ્યવસ્થા ભાડાના વાહનને બદલે મોટે ભાગે કોઈ ને કોઈ મિત્ર થકી જ કરવી એવું અમે નક્કી રાખ્યું છે. ઈંધણનો જે ખર્ચ થાય એ આવનાર સૌ સરખે ભાગે વહેંચી લે. એ મુજબ 'સિનરોઝા મોડ્યુલર કીચન'વાળા અમદાવાદના મારા મિત્ર મલ્કેશ ગજ્જરે પોતાનું વાહન ઓફર કર્યું. એટલું જ નહીં, પોતેય સાથે આવવાનો આગ્રહ રાખ્યો. તેમની સાથે વત્સલ ગજ્જર, મારા સહકાર્યકર અને હિસાબનીશ ગિરિરાજભાઈ (જેમણે આ પ્રોજેક્ટમાં હિસાબ તૈયાર કરવાની સ્વૈચ્છિક કામગીરી સંભાળી લીધી છે) તેમજ વડોદરાથી બીરેન કોઠારી પણ જોડાયા.

ડભોઈ, બોડેલી વટાવીને સવારે દસેક વાગે તો અમે કવાંટ પહોંચી ગયા, જ્યાં શનિયાભાઈ રાઠવા અમારી રાહ જોતા હતા અને અમારી સાથે મોગરા આવવાના હતા. વડોદરાની પૂર્વપટ્ટી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પ્રવેશતાં જ જાણે કે કોઈક બીજા પ્રદેશમાં આવી ગયા હોવાની અનુભૂતિ થાય. આપણે જેને  વિકાસનો પર્યાય ગણીએ છીએ એવા રોડ તો અહીં છેક સુધી બની ગયા છે. પણ ડુંગરાઓની વચ્ચે વસેલાં નાનાં નાનાં ગામડાં, તેમાં નજરે પડતાં ઝૂંપડાં, ક્યાંક એકાદું છૂટુંછવાયું પાકું મકાન, રસ્તે સાવ પાંખી અવરજવર.. આ બધું જોઈને માન્યામાં ન આવે કે આપણે એકવીસમી સદીના ગુજરાતના કોઈક પ્રદેશમાં ઘૂમી રહ્યા છીએ.
કવાંટના મુખ્ય રસ્તે અમારી રાહ જોતા ઊભેલા શનિયાભાઈ અમને આગ્રહપૂર્વક પોતાને ઘેર લઈ ગયા. ઉતાવળે તેમની મહેમાનગતિ માણીને અમે તેમને લઈને મોગરા જવા ઉપડ્યા, જે કવાંટથી બારેક કિલોમીટર દૂર હતું. કવાંટ છોડ્યા પછી સાવ ડુંગરાળ રસ્તા શરૂ થયા, ઉપર નીચે સરકતા ઢાળ, ચારે બાજુ ભૂખરા રંગના પર્વતો, પાન ખરી ગયેલાં મહુડાનાં વૃક્ષો, ઢોળાવ પરની નાનકડી જગાને સપાટ બનાવીને તેની પર થતી ખેતી અને ભરતાપમાં ઉઘાડે માથે ખેતી કરતા ખેડૂતો કે ખેતમજૂરો.. આ બધું રસ્તામાં નજરે પડતું હતું. અમારા રસ્તાથી થોડા ફંટાઈને અમે મોટી ચીખલીની શાળામાં પણ આંટો મારી આવ્યા. અહીંની પરિસ્થિતિને નજરે નિહાળી અને આગળ વધ્યા.

                મહુડાનાં તાજાં ફૂલો
અત્યારે આ વિસ્તારમાં પાનખર ચાલે છે. તેને કારણે ઘેઘૂર હોય એવાં મહુડાનાં તોતિંગ વૃક્ષો સાવ ઠૂંઠા જેવા જણાય છે. ડુંગરાઓ પણ સાવ ભૂખરા રંગના. વચ્ચે વચ્ચે ઉગેલી અમુક લીલી વનસ્પતિ ન હોય તો આખો લેન્ડસ્કેપ સેપિયા રંગનો હોય એવો એકરંગી જ જણાય. આ મોસમ છે મહુડાંના ફૂલ વીણવાની, જેને સૂકવવામાં આવે છે. મહુડાના વૃક્ષને આ વિસ્તારનું, આ પ્રજાનું કલ્પવૃક્ષ ગણી શકાય. ભરતાપમાં મહુડાં વીણતાં સ્ત્રી-પુરુષોનાં દૃશ્યો આ મોસમમાં સામાન્ય છે. મહુડામાંથી બનતા અન્ય જાણીતા પીણા વિષે કોઈ ગુજરાતીને ખબર ન હોય એવું ભાગ્યે જ બને. ભલે ને એ પીણાનો તેણે આસ્વાદ લીધો હોય કે ન લીધો હોય. આ પીણું જેમાંથી તૈયાર કરવામાં આવે છે એવા મહુડાનાં તાજાં તોડેલાં ફૂલ અમે જીવનમાં પહેલવહેલી વાર જોયાં અને ચાખ્યાં. તદ્દન મીઠો, મધુર અને નિર્દોષસ્વાદ! આ ફૂલોને સૂકવીને તેને વેચવામાં આવે છે.

ડુંગરની પેલે પારથી ભણવા આવવાનું. 
મોગરા ગામ નાનકડા ડુંગરોની ગોદમાં વસેલું રળિયામણું ગામ છે. અહીંનાં ફળિયાં પણ કેવા? સાવ છૂટા છૂટા મકાનો. શહેરમાં રહીને સ્ક્વેર ફીટના માપથી ટેવાયેલાને તો આ ફાર્મહાઉસથી કમ ન લાગે. પણ ફરક એટલો કે શહેરની ભાગોળે મોટી જગામાં બનાવાયેલાં ફાર્મહાઉસ વૈભવનાં પ્રતિક છે, જ્યારે અહીં એ જીવનશૈલી છે, અને ગરીબીનાં પ્રતીક છે. ખેર, વાંકાચૂકા રસ્તે અમે મોગરા ગામની ભાગોળે પહોંચ્યા અને ત્યાં પહોંચતાં શું જોયું? આશરે પચાસેક માણસો દૂર ઉભેલા જણાયા, જેમાં બાળકો, યુવાનો તેમજ આધેડ સ્ત્રી-પુરુષો પણ હતાં. કોઈક શુભ પ્રસંગ હોય તેમ અમુક જણાએ લાલ રંગના સાફા માથે બાંધ્યા હતા. ત્રણ-ચાર અલગ અલગ સાઈઝના ઢોલ-નગારાં લઈને અમુક ઉભેલા. એકાદ જણ શરણાઈ જેવું વાદ્ય લઈને ઉભેલો. અમને થયું કે અમે આ ખોટા ટાઈમે આવ્યા. કોઈક નેતાબેતા આવવાના લાગે છે, અને તેના સામૈયા માટે ગામ ભેગું થયું છે.

પણ જેવા અમે વાહનમાંથી નીચે ઉતર્યા એ સાથે જ સ્થિર ઉભેલા એ ટોળામાં જાણે કે જીવનનો સંચાર થયો હોય એવું લાગ્યું. શરણાઈના સૂરે તાલબદ્ધ ઢોલ-નગારાં વાગવા લાગ્યાં. આઠ-દસ જણ નાનકડું વર્તુળ બનાવીને ઉત્સાહથી ઠેકડા મારી મારીને જોશભેર નાચવા લાગ્યા. મગરનું મહોરું પહેરેલો એક છોકરો પણ આવીને મનોરંજન કરાવતો હતો. ઢોલના તાલની વચ્ચે વચ્ચે મોંએથી ફુર્રર્રર્રર્ર..અવાજ કરતા જાય. મૂંઝાઈને અમે શનિયાભાઈને પૂછ્યું, “ આ...?’ શનિયાભાઈએ કહ્યું, “સાહેબ, તમે બધા આવવાના છો એટલે બધા રાજીરાજી થઈ ગયા છે. તમારું સામૈયું કરે છે.” ‘સામૈયુંશબ્દ મોટેભાગે વૈભવી બાવાઓ સાથે જ જોડાયેલો સાંભળ્યો હતો. મારા કે બીરેનભાઈના લગ્નનો સુદ્ધાં વરઘોડો નહોતો નીકળ્યો કે જેમાં ઓળખીતા-પાળખીતાઓને રોડ વચ્ચે બે હાથ ઊંચા કરીને છાકટા થઈને નાચવાનો મોકો મળે. અને આ સાવ અજાણ્યા પ્રદેશમાં, અમને પહેલી વાર જોઈ કે મળી રહ્યા હોય એવા લોકો અમારા આગમનની ખુશીમાં કૂદીનાચી રહ્યા હતા!



અમને ક્ષણિક શરમ થઈ આવી. ખરું જોતાં આપણે કર્યું છે શું? કોઈકે આપણને પૈસા આપ્યા છે, અને આપણે એનો ઉપયોગ કરીને બબ્બે જોડી કપડાં સિવડાવીને આ લોકોનાં સંતાનોને પહોંચાડવા આવ્યા છીએ. શું આટલા બધા સન્માનને લાયક અમે છીએ ખરા? કેવળ ગોરકર્મકરનારનું આવું સામૈયું! પણ આવું અમે વિચારતા હતા, એ લોકો નહીં.

દિલથી થયેલું સામૈયું 

અડધો એક કલાક સુધી આ નાચગાન ચાલ્યું અને એ પછી અમે શાળાના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. સાવ નાનકડા કહી શકાય એવા પ્રાંગણની ફરતે ઓરડા હતા. જમીન પર પાથરણાં પાથરવામાં આવ્યાં હતાં અને તાપ ન આવે એટલે ઉપર તાડપત્રી બાંધવામાં આવી હતી. એક તરફ ટેબલ સજાવવામાં આવ્યાં હતાં, જેની પછવાડે ખુરશીઓ મૂકાયેલી હતી. અમને થયું કે ઓહો! અહીં તો અચ્છોખાસો ફંક્શનનો માહોલ છે. હજીય અમને સંકોચ થતો હતો. જાણે કે કોઈક બીજા માટે યોજેલા કાર્યક્રમમાં ભૂલથી વહેલા આવી ગયા હોઈએ અને મૂળ આમંત્રિતને મળતું સન્માન અમને મળતું હોય એવું લાગતું હતું.
અમને સૌને માનભેર ખુરશી પર બેસાડવામાં આવ્યા. લગભગ આખું ગામ એ દિવસે પ્રાંગણમાં હાજર હતું. ખરા અર્થમાં આબાલવૃદ્ધ સૌ.

                   આબાલ.. 

....વૃદ્ધ સહુ ઉમટેલાં. 












શાળાનાં આચાર્યા ધર્મિષ્ઠાબહેન પટેલ અને સુનિતાબહેન ગામીતની દેખરેખ હેઠળ સૌએ પોતાનું સ્થાન લીધું.
દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કર્યા પછી છોકરાંઓએ પ્રાર્થના અને ગીત ગાયાં.એ પછી શનિયાભાઈએ વક્તવ્યની શરૂઆત કરી. અહીં અગાઉ નોકરી કરતાં શિક્ષિકા તારાબેન પટેલને યાદ કરીને તેમણે આભાર વ્યક્ત કર્યો કે જેમના થકી અમને આ શાળા અંગે જાણ થઈ હતી.

ત્યાર પછી વારો હતો ફુગરિયાભાઈ ભીલનો. આ એ જ મહાનુભાવહતા જે પેલા નાચવાવાળાઓના ટોળામાં અગ્રેસર બનીને નાચી રહ્યા હતા અને હરખના માર્યા ફુર્રર્રર્રઅવાજ મોંએથી બોલાવી રહ્યા હતા. એવો તો શો હરખ હશે એમને?

શાળા બનાવવા માટે પોતાની જમીન આપી દેનાર દાનવીર
ફુગરિયાભાઈ  'બે શબ્દો' કહે છે. 
 અમને જણાવવામાં આવ્યું કે આ શાળા બને એ માટે આ સજ્જને પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. પોતે સાવ અભણ, ખેતી આધારિત જ આજીવિકા અને પોતાનો ખુદનો આઠ જણનો પરિવાર. છતાં આવનારી પેઢી અક્ષરજ્ઞાન પામી શકે એટલા જ ઉમદા હેતુસર તેમણે આ શુભ કાર્ય કોઈની પ્રેરણા વિના આપસૂઝથી કર્યું હતું. આ જમાનામાં કોઈ વ્યક્તિ પોતાની જમીન દાનમાં આપે એ જ ઘટના કહેવાય,એ તો શહેરમાં રહેનાર સૌ કોઈ આસાનીથી સમજી શકશે. ફુગરિયાભાઈ પોતાની ભાંગીતૂટી જબાનમાં પાંચ-છ વાક્યો જ બોલ્યા. પણ એ સાંભળીને અમારા સૌનાં હૈયાં ભરાઈ આવ્યાં. એમણે ટૂંકમાં કહ્યું, “ ભગવાન રામની રાહ બહુ બધા લોકો જોતા હતા. પણ શબરી (જેવી ગરીબ ભીલડી) ના ઘેર જ ભગવાન રામ ગયા. એમ આ સાહેબો આપણે આંગણે પધાર્યા છે.આટલે ઊંચે દરજ્જે મૂકાતા જોઈને અમને લાગ્યું કે આ મહાશય જરા વધારે પડતું કહી રહ્યા છે અને અમને રાજી કરવા બોલી રહ્યા છે. પણ પછી શનિયાભાઈએ જણાવ્યું, “આ વિસ્તારમાં લગભગ દસેક વરસથી બહારની કોઈ વ્યક્તિ આવી જ નથી. તમે પહેલવહેલા છો, જે આવા કોઈ કામ માટે આવ્યા છો.આ સાંભળીને અમને બહુ નવાઈ લાગી. મત માંગવા પૂરતાય નેતાઓ અહીં આવતા નહીં હોય ત્યારે અમારા જેવા પામર જીવોને આ લોકો આટલા ઉંચા આસને બેસાડે ને! 

આ શાળાનાં આચાર્યા ધર્મિષ્ઠાબહેને પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
ત્યાર પછી મને અને બીરેનભાઈને બે શબ્દોબોલવા માટે તેમણે બહુ આગ્રહ કર્યો. અમે કંઈ બોલી શકીએ એવી સ્થિતિમાં નહોતા. છતાં તેમના આગ્રહને માન આપીને અમે વારાફરતી બોલ્યા. એમને અમારે શો સંદેશોઆપવો? એ જ કે બરાબર ભણીગણીને, સારી નોકરી મેળવીને, પ્રકૃતિની આ રળિયામણી ગોદમાંથી આઘે ફેંકાઈને કોંક્રીટના જંગલમાં તમારી ઓળખ ગુમાવીને સાવ અજાણ્યા બનીને વસજો અને એને વિકાસ સમજજો? અત્યારે જેવા નિર્દોષ છો એવા ન રહેશો અને અમારા જેવા કોઈ પણ અજાણ્યા આવે તો આનંદપૂર્વક નાચવાકૂદવા ના માંડશો? એકાદ ઈંચ જેટલી જમીન પણ દબાવવા મળતી હોય તો લોકો છોડતા નથી, તો તમે એવા કયા મોટા જમીનદાર છો કે આટલો ટુકડો એમ ને એમ જ આપી દીધો? તેમને એમ કહીએ કે શાળા બનાવવા જેવા જાહેર કામ માટે જમીન દાનમાં દઈ દેવાની મૂર્ખામી ન કરશો?
હૃદયમાં આવું ઘમસાણ ચાલતું હતું એની પર માંડ કાબૂ રાખીને સહુ બરાબર ભણજોએ મતલબનું કંઈક અમે માંડ બોલી શક્યા.

ત્યાર પછી વારો હતો મુખ્ય કાર્યક્રમનો એટલે કે ગણવેશના વિતરણનો. નામની તૈયાર યાદી મુજબ એક પછી એક નામ બોલાતા ગયા અને દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીની આવતાં ગયાં. જાણે કે કોઈ મોટું ઈનામ અપાતું હોય એમ હાજર રહેલા સહુ દર વખતે તાળીઓ પાડતા હતા. કોઈ કોઈને તો તેમનાં મા-બાપ લઈને આવતાં હતાં અને યુનિફોર્મ મેળવીને પોતાની જાતને ધન્ય સમજતા હતા. એકે એક જણ છેક છેલ્લા વિદ્યાર્થીને યુનિફોર્મ અપાઈ ગયો ત્યાં સુધી હાજર રહ્યું.


આ કાર્યક્રમ પૂરો થયો પછી ભોજનનો કાર્યક્રમ હતો. અમે મધ્યાહ્ન ભોજન જમવાનો જ દુરાગ્રહ રાખેલો. છતાંય મહેમાનોની સરભરાકરવી જોઈએ એવા યજમાનધર્મ મુજબ મધ્યાહ્ન ભોજનના મેનુની સાથે મકાઈના રોટલા પણ બનાવવામાં આવેલા. એક એક રોટલાની સાઈઝ મોટી થાળી જેવડી. આવી મીઠાશ ગમે એટલા મોંઘા ભોજનમાં મળે ખરી?

**** **** ****

ભોજન પછી અમારે પાછા વળવાનું હતું, પણ એ ગામના કાનજીભાઈ અમને આગ્રહપૂર્વક પોતાને ત્યાં લઈ ગયા. તેમનાં પોતાનાં બે સંતાનો પણ આ શાળામાં ભણતાં હતાં. તેમના અતિ આગ્રહને વશ થઈને અમે તેમને ઘેર ગયા. તેમના ઘરમાં પ્રવેશતાં જ સાદગીનો વૈભવ જોઈને અમે આભા બની ગયા. સાંઠીઓ પર લીંપણ કરીને બનાવેલી દિવાલો, ભોંયતળિયા પર પણ લીંપણ. અંદર જ ભાગ પાડીને રસોડું અને મુખ્ય ખંડ બનાવાયેલો. અહીં પંખો તો હોય જ ક્યાંથી? છતાંય ભરબપોરના ધોમધખતા તાપમાં જે ઠંડક અનુભવાતી હતી એમાં કદાચ તેમના આતિથ્યની ભીનાશ પણ ભળી હશે. મારો મિત્ર મલ્કેશ કહે, “ અમદાવાદ જેવા શહેરમાં બિલકુલ આવા જ ઈન્ટીરીયરવાળી હાઉસીંગ સ્કીમ મૂકી હોય તો લોકો કરોડો આપતાંય ખચકાય નહીં.કેવો વિરોધાભાસ કહેવાય! સીમેન્ટ-કોંક્રીટની દિવાલોવાળાં મકાનોમાં રહેનારાં ફોર અ ચેન્જઝૂંપડામાં આવવા ઈચ્છતા હોય છે અને ખરેખર ઝૂંપડામાં રહેતાં લોકોની ઈચ્છા હોય છે (કે હોતી હશે) પાકાં મકાનોમાં રહેવાની.

કાનજીભાઈ-વાગલીબહેન: નાનું કુટુંબ, સુખી કુટુંબ 

એ નાનકડા, પણ સુંદર અને સુખી કુટુંબના અમે ફોટા પાડ્યા- અમારી યાદગીરી માટે. આખરે બપોરે ત્રણેક વાગે અમે ત્યાંથી પાછા આવવા નીકળ્યા. અમને વળાવવા ફરી પાછું આખું ગામ ઉમટ્યું હતું. આજે આ કામ માટે ભલે આવ્યા, પણ ફરી એમ જ ફરવા આવો અમારે ત્યાં.આવું લગભગ દરેક જણ કહેતું હતું. અમે હસતે મોંએ ચોક્કસ આવીશુંકહેતા હતા. આ સ્થળનું કુદરતી સૌંદર્ય જોઈને થતું હતું કે ચોમાસા પછી અહીં અવશ્ય ફરવા આવી શકાય. અહીંથી હાફેશ્વર નામનું જાણીતું સ્થળ બહુ નજીક છે. ત્યાંનો કાર્યક્રમ પણ બનાવી શકાય.

વિદાયવેળાએ ફરી એકવાર નાચગાન 

પણ અમારા મનમાં કંઈક જુદી જ ગણતરી ચાલતી હતી. કેવી ગણતરી? વ્યક્તિગત પૂછપરછ અને અમે મેળવેલા આંકડા થકી જાણવા મળ્યું કે આ ગામમાં સંપૂર્ણપણે ભીલોની વસ્તી છે. અહીં વસતા દરેક કુટુંબની આવક આઠથી દસ હજાર રૂપિયા છે. અને કુટુંબના સભ્યોની સંખ્યા ચારથી લઈને આઠ-દસ સુધીની છે. આટલું વાંચીને કોઈને થાય કે આટલી આવકમાં, આવા નાના ગામડામાં પૂરું થઈ રહે, વાંધો ન આવે. સ્પષ્ટતા એટલી જ કરવાની કે આવકનો આ આંકડો વાર્ષિક છે. એનો મતલબ એ થયો કે એમ જઆપણે એમને ત્યાં જઈએ તો એમના ભાગનો રોટલો છીનવવા જેવું જ થાય. આપણે ભણેલા અને સુધરેલા ખરા ને, એટલે આવી બધી ગણતરી આપણને કરતાં આવડે, જ્યારે એ લોકોને ગણતરી કરતાં ફાવતી નહીં હોય એટલે જ ખરા દિલથી આવું નિમંત્રણ આપતા હશે!

ખેર, અમે પાછા વળ્યા ત્યારે આખે રસ્તે સૌની સ્થિતિ એકસરખી જ હતી. આંખો અને હૈયાં ભરાઈ ગયાં હતાં અને એક શબ્દ પણ કોઈ બોલી શકે એમ ન હતું.

**** **** ****

હવે પછી આ જ વિસ્તારના મોટી ચીખલી ગામની શાળા અમારા લીસ્ટમાં છે. અગાઉ જણાવ્યું એમ અહીંના કુલ ૧૯૯ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનાં માપ લેવાઈ ગયાં છે. આનંદની વાત એ છે કે અમદાવાદના એક હિતેચ્છુએ એકલપંડે આ ખર્ચ આપવાની તૈયારી દેખાડી છે અને એ મુજબ કાપડ ખરીદાઈને યુનિફોર્મ તૈયાર થવાને આરે છે.

હવે મોટી ચીખલીની આ શાળા અમારી યાદીમાં છે. 


સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં.૧ હજી અમારી યાદીમાં છે, જેના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૦ છે. તો દ્વારકા તરફની એક શાળા વિષે પણ અમને જાણકારી મળી છે.
સહાય કરવા ઈચ્છતા મિત્રો, શુભેચ્છકો માટે ફરી એક વાર ખર્ચ અંગેની વિગત જણાવી દઉં.

કોઈ મિત્ર યા શુભેચ્છક (દાતા નહીં) આખેઆખી શાળાને જ સ્પોન્સર કરે એ ઈચ્છનીય છે, જેથી કામ સરળ અને ઝડપી બની રહે. (રૂ.૩૫૦/- X વિદ્યાર્થીઓની સંખ્યા). અલબત્ત, આ સૂચન માત્ર છે, ફરજિયાત નથી. ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવા કોઈ ઈચ્છે તો એ વિકલ્પ પણ છે જ. અરે, એક વિદ્યાર્થીને કોઈ સ્પોન્સર કરવા ઈચ્છે તો પણ આવકાર્ય છે.
આ પ્રક્રિયામાં નાણાંકીય લેવદદેવડનો ભાગ અત્યંત પારદર્શક છે. સમગ્ર પ્રોજેક્ટ સ્પોન્સર કરનાર મિત્ર કે શુભેચ્છકે ફક્ત બે ચેક આપવાના રહેશે. એક દરજીના નામનો અને બીજો વેપારીના નામનો. આ સિવાય એક, બે, પાંચ કે દસ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ સ્પોન્સર કરનાર મિત્ર પણ આમ કરી શકે યા મનીઓર્ડર/બેન્ક ટ્રાન્સફર/રોકડા/રૂબરૂ/આંગડિયા દ્વારા પણ મોકલી શકે. અમારું કામ એક હાથમાંથી લઈને બીજા હાથમાં પહોંચાડવા પૂરતું જ છે.

એક વાતનું પુનરાવર્તન જરૂરી સમજું છું. મને લાગે છે કે પહેરવા માટે પૂરતાં કપડાં હોવાં એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને આપણા જેવા સુધરેલા ગણાતા લોકોની આ ફરજ પણ છે. કોઈ આ કામ કરે એવી રાહ જોઈને બેસી રહેવાને બદલે કે તંત્રને ગાળો ભાંડવાને બદલે આપણે આટલું કરીએ તોય ઘણું. આમ કરવા પાછળ સેવા કરવાનો કોઈ ભાર મનમાં નથી. બલ્કે ફરજપાલનની જ મુખ્ય લાગણી આ પ્રોજેક્ટ પાછળનું ચાલકબળ છે. અમે કોઈ સ્થાયી ફંડ એકઠું કરવા માંગતા નથી કે એન.જી.ઓ. શરૂ કરીને કાગળના એવરેસ્ટ ખડકીને ફંડીંગ મેળવવાનોય કશો ઈરાદો નથી. મારા તમારા જેવા સંવેદનશીલ મિત્રો હાથમાં હાથ રાખીને કામ કરે અને મિલે સૂર મેરા તુમ્હારાના ન્યાયે સાવ સહજભાવે કામ થાય એવી અને એટલી જ અપેક્ષા છે, જેથી કહી શકાય તો સૂર બને હમારા.
સૌ પ્રથમ અમે શાળા શોધીએ, તેની વિદ્યાર્થીસંખ્યાને આધારે કિંમતનો અંદાજ માંડીએ અને એ પ્રોજેક્ટ પૂરતા કેટલા નાણાં જોઈશે એ જણાવીશું અને ફક્ત એ પ્રોજેક્ટ પૂરતી રકમ જ એકઠી કરીશું. આને લઈને નાણાંકીય વહીવટનો હિસ્સો સરળ રહેશે. કેમ કે આ આખા કાર્યક્રમમાં મૂળભૂત હેતુ નાણાંકીય વહીવટનો નથી, બલ્કે વસ્ત્રો જેવી મૂળભૂત જરૂ રિયાત પૂરી પાડવાનો છે.
આપના તરફથી મળતાં અભિનંદન, શુભેચ્છાઓ અને સારા શબ્દો અમારા માટે પ્રેરક બળ પૂરું પાડે છે, પણ નક્કર સહાય અમને ચાલક બળ પૂરું પાડશે. જરૂર બન્નેની છે. કોઈને અવગણી શકાય એમ નથી.
વધુ વિગતો માટે આપ મારો સંપર્ક + 91 97129  07779 (cell) પર કરી શકશો યા bhatt.utpal@gmail.com પર ઈમેલ કરી શકશો.
આપના તરફથી  સહકારની અપેક્ષા સાથે એટલું જ કહીશ કે એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’.

આપનો
ઉત્પલ ભટ્ટ


(તસવીરો: ઉત્પલ ભટ્ટ, બીરેન કોઠારી) 

Saturday, April 14, 2012

ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી?



-    ભરતકુમાર ઝાલા

                  
 (થાનગઢ રહેતા મિત્ર ભરતકુમાર ઝાલા મૂળભૂત રીતે સંવેદનશીલ વાચક છે. તેમની લેખિત અભિવ્યક્તિ પણ એટલી જ પ્રભાવક અને ધારદાર છે. ડો. આંબેડકરને તેમની એકસો એકવીસમી જન્મજયંતિએ યાદ કરતો આ સ્મૃતિલેખ એ હકીકતની પ્રતીતિ કરાવે છે.)   
   



14 -4-1891 થી  6-12-1956



 “ આપણા મહાપુરુષોના જીવનની સૌથી મોટી કરૂણતા કઇ?” 

      “ તેમને જીવતે જીવ કે મૃત્યુ બાદ ભગવાન બનાવી દેવામાં આવે અને એ રીતે તેના વિચારો, સિધ્ધાંતોને એટલે ઉંચે ચડાવી દેવાય છે કે કોઈ એની આસપાસ ફરકવાનો વિચાર સુધ્ધાં ન કરે.” આવો પ્રશ્ન કોઈએ કોઈને પૂછ્યો નથી, પણ મને પૂછવામાં આવે તો મારો જવાબ આવો હોય.
"આ શું યાર! દર વરસે એપ્રિલમાં કલર મારવાનો." 
એક પ્રજા તરીકે આપણી તાસીર એવી રહી છે કે વ્યક્તિના વિચારો કે કાર્યને સમજવાને બદલે આપણને એની ભક્તિ કે વ્યક્તિપૂજામાં યા એકાંગી ટીકામાં જ વધુ રસ પડતો હોય છે. ચાહે એ રામ હોય કે કૃષ્ણ હોય, ગાંધી, સરદાર હોય કે પછી આંબેડકર. એમના કાર્યને સમજવાના, વિચારોને ઓળખવાના યા તેમાંથી પ્રેરીત થવાના કે મર્યાદાઓ પણ જાણવાનો પ્રયત્ન કરવાના કઠિન કામથી છૂટકારો મેળવવાની કદાચ આ સૌથી સહેલી રીત છે. એમને આપણે માનવ કે મહામાનવને બદલે દેવની (કે પછી દાનવની) શ્રેણીમાં મૂકી દઈએ છીએ. આમ કરવાથી આપણો ભક્તિભાવ પણ અકબંધ રહે અને બીજું કશું કરવાની જરૂર નહીં, સિવાય કે જન્મજયંતિ કે મૃત્યુતિથિએ એમનાં બાવલાં સાફ કરવા, તેને હારતોરા કરવા અને એ દિવસ પૂરતાં પક્ષીઓને બીજું સ્થાન શોધી લેવા મજબૂર કરવા.         
મહાત્મા ગાંધી વિષે શેખાદમ આબુવાલાએ લખેલું, “ખુરશી સુધી જવાનો તું રસ્તો થઇ ગયો છું.”  અલબત્ત, આ વાત ગાંધી જેટલી જ, અથવા તો તેમના કરતાંય વધારે લાગુ પાડી શકાય એ કમનસીબ વ્યક્તિ છે : ડો. ભીમરાવ રામજી આંબેડકર/ Dr. Bhimrao Ramji Ambedkar એટલે કે બાબાસાહેબ આંબેડકર/ Babasaheb Ambedkar. હવે તો લોકો એમને દલિતોના નેતા તરીકે ઓળખે છે, જ્યારે દલિતો એમને પોતાના તારણહાર તરીકે ઓળખે છે. અને આ બેય ઓળખ અધૂરી છે, અપૂરતી છે. માત્ર આટલી જ ઓળખના આધારે આ માણસને ભયંકર નફરત અને એટલી જ તીવ્ર માત્રામાં ચાહના પ્રાપ્ત થઈ છે. અને મઝા જુઓ. પ્રેમ અને નફરત કરનારા સામસામા છેડાના લોકો ડો. આંબેડકરના કામ અને વિચારોથી તો સરખા જ છેટે છે. ગાંધીને જેમ સૌથી વધુ નુકશાન ગાંધીવાદીઓએ કર્યું, એવું જ કામ જાણે-અજાણે ડો.આંબેડકર માટે આંબેડકરવાદીઓએ કર્યું, કરી રહ્યા છે. આંબેડકર તમામ વર્ગના લોકો સુધી ન પહોંચે, એની પૂરી ચીવટ એમના અનુયાયીઓએ રાખી. પરિણામે દેશના અગ્રણી નેતા બની શકે એવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર ડો. આંબેડકર આજે માત્ર અમુક ચોક્કસ વર્ગ, જ્ઞાતિ કે જાતિ પૂરતા સીમિત રહી ગયા છે. કરુણતા એ છે કે આંબેડકરવાદીઓ આને પોતાની સિદ્ધિ અને સફળતા માને છે.

****  ****  ****

     આંબેડકરના જેવું ને કંઈક અંશે તેમને મળતું આવતું કામ અમેરિકામાં ડો.માર્ટિન લ્યુથર કિંગે કર્યું. જો કે, ડો.કિંગ કરતાં આંબેડકરનું કામ વધુ મુશ્કેલ હતું, કારણ કે ડો. કિંગની લડત રંગભેદ સામે હતી, જ્યારે ડો. આંબેડકરની લડત જાતિભેદ સામે હતી. રંગભેદની સમસ્યા બહુ જૂની ન હતી, જ્યારે જાતિભેદનો ઇતિહાસ તો ભારતના પુરાણો – ઉપનિષદો જેટલો જ પ્રાચીન અને લોકોના દિમાગમાં જડાયેલો રહ્યો છે. હજી આજેય એ ક્યાં નાબૂદ થયો છે! કદાચ એટલે જ  ડો. માર્ટિન લ્યુથર કિંગના કાર્યને સ્વીકૃતિ મળી, પણ ડો. આંબેડકરની બાબતમાં એમ ન બન્યું. આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો ભારત દેશ આ બાબતમાં કમનસીબે ઊણો ઉતર્યો, એમ ચોક્કસ કહી શકાય, કેમ કે જાતિભેદને પણ આપણે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની જ પરંપરા ગણીએ છીએ.


બાબાસાહેબના ચીંધ્યામાર્ગે ચાલવામાં લાલ લાઈટ? 
     ગાંધીએ પીડિત અને શોષિત લોકો માટે હરિજન શબ્દ આપ્યો. ગાંધીનું કહેવું હતું,  હરિજન એટલે હરિના જન. આંબેડકરે એ શબ્દનો તાર્કિક વિરોધ કરતા કહ્યું, પછાત એટલે હરિજન, તો શું બાકીના બધા શેતાનનાં સંતાનો છે?’ અને આંબેડકરે નવો શબ્દ આપ્યો દલિત’. આંબેડકરની દલિત શબ્દની વ્યાખ્યા જાતિસૂચક નહોતી. એમના મતે કોઇ પણ જાતિની શોષિત વ્યક્તિ એટલે દલિત. આંબેડકરે દલિતો માટે કાયદાકીય લાભોની જે જોગવાઇઓ કરી, જેનો લાભ માત્ર અનુસૂચિત જાતિને જ નહીં, પણ અનુસૂચિત જનજાતિ, વિધવાઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને નબળા વર્ગોને પણ થયો હતો. જો કે, સમય જતાં દલિત શબ્દ પણ ગણીગાંઠી જાતિઓનું પ્રતિક બની ગયો એ અલગ વાત છે.
      સત્યાગ્રહ શબ્દ કાને પડતાં જ આપણને મહાત્મા ગાંધી યાદ આવી જાય. આંખો આગળ  અંગ્રેજોના હાથે માર લાઠીઓનો માર ખાતા સત્યાગ્રહીઓ, લોહીથી ખરડાતા અને કચડાતા ખાદીધારીઓ અને ગાંધીટોપીઓનાં દૃશ્યો તરવરવા લાગે ને ક્રૂર અંગ્રેજો પ્રત્યે આપણા મનમાં ધિક્કાર છૂટવા લાગે. પણ સત્યાગ્રહ સાથે આંબેડકર પણ જોડાયેલા હતા, એ હકીકત તો ઇતિહાસના ગુમનામ પાનાઓમાં સાવ જ દફન થઇ ગઇ. આંબેડકરના નેતૃત્વ હેઠળ થયેલા કાલારામ મંદિર સત્યાગ્રહ અને ચવદાર તળાવ ( આ સત્યાગ્રહો વિશે ફરી ક્યારેક) વિશે આપણો પાઠ્યપુસ્તકીયો ઈતિહાસ આશ્ચર્યજનક રીતે ખામોશ છે. પોતાના જ પછાત ભાઇઓને ધર્મના નામ પર પીટતા ને મિથ્યા ધર્મને બચાવવાનો ઠાલો સંતોષ અનુભવતા ધાર્મિક લોકોની ક્રૂરતા પ્રત્યે ઇતિહાસમાં સદંતર દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. પણ એનો ઉલ્લેખ ટાળવાથી આપણી રૂગ્ણ માનસિકતા ઓછી બદલાઈ જાય? એ તો ઓર છતી થાય છે.  
હમણાં વારસાપ્રથાના કાયદામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે હવે પછી પૈતૃક સંપત્તિમાં દીકરી પરિણિત હશે, તો પણ એને સરખા હિસ્સાની ભાગીદાર ગણવામા આવશે. આને વર્તમાન સરકારે પોતાની સિધ્ધી ગણાવી, પણ ખરેખર તો આ કાયદાનું શ્રેય સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન ડો. આંબેડકરને જવો જોઇએ. તેમણે રજૂ કરેલા હિંદુ કોડ બિલમાં આ બધી જોગવાઇઓને તેમણે સમાવી લીધી હતી. અલબત્ત, જૂનવાણી લોકોના પ્રચંડ વિરોધને લીધે એ બિલ એ વખતે પાસ થઇ શક્યુ નહોતુ. આ ખરડો કાયદો બને એવી એ વખતના વડાપ્રધાન નહેરુની તીવ્ર ઇચ્છા હતી, પણ સંસદીય બહુમતિ આગળ તે કંઇ જ નહીં કરી શકેલા, ને એનો એમને અફસોસ પણ રહેલો. જો કે, ડો. આંબેડકરે ચૂપચાપ આ લાચારી સહન કરવાને બદલે પ્રધાનપદેથી રાજીનામું આપવાનું પસંદ કરેલું. અને ખિન્ન ભાવે રાજીનામું આપતા કહેલું, હું સ્ત્રીઓ માટે જો આટલો સુધારો પણ પસાર ન કરાવી શક્તો હોઉં, તો કાયદાપ્રધાન તરીકે રહેવાનો શો અર્થ છે?’  અફસોસ એટલો જ કે સ્ત્રીઓને સમાન ધોરણે મૂકી દેતા આ મહામાનવને ખુદ સ્ત્રીઓએ પણ જાતિભેદના ત્રાજવે જ તોલ્યા.
બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનબોધ થયો,
 બાબાસાહેબને આ વટવૃક્ષ નીચે અપમાનબોધ થયો. 

હવે આ કાયદો બન્યો છે ત્યારે એનો અર્થ એવો જરાય નથી કે અત્યારે આપણી માનસિકતા બદલાઈ ગઈ છે. 
           આંબેડકર ધગધગતી બૌધ્ધિક પ્રતિભાના માલિક હતા. ને વળી અછૂતોના પ્રતિનિધિ તરીકે પોતાની જાતને સિધ્ધ કરી ચૂક્યા હતા, એટલે એમની અવગણના કરવી અંગ્રેજોને પોસાય એમ જ નહોતી. આઝાદી વખતે દેશના ભાવિનો વિચાર કરવાનો વખત આવ્યો, ત્યારે શીખોના પ્રતિનિધિ તરીકે માસ્ટર તારાસિંઘ, મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે મોહમ્મદ અલી ઝીણા, ને હિંદુઓના પ્રતિનિધિ તરીકે ગાંધી અને અછૂતોના નેતા તરીકે આંબેડકર અંગ્રેજોને મળ્યા હતા. એટલા માત્રથી જ આંબેડકરને દેશદ્રોહી ગણી લેવાની ઉતાવળ ઘણા લોકો કરતા હોય છે. આ મામલે લોકો એટલા અસહિષ્ણુ બની જાય છે કે એ માટે ચર્ચાનો કોઇ અવકાશ જ રહેતો નથી. એમ જ હોય તો એ સમીકરણ તારાસિંઘ પર પણ લાગુ પડી શકે ને? ને વળી કાલારામ મંદિર સત્યાગ્રહ અને ચવદાર તળાવના સત્યાગ્રહો વખતે રૂઢિવાદી હિંદુઓએ અમાનુષી વર્તન દાખવીને સાબિત કરી જ દીધું હતું કે અછૂતો હિંદુ નથી. જે સમાજમાં પોતાના જાતભાઇઓને કૂતરા- બિલાડાની જેમ, અરે એથીય નિમ્ન રીતે  હડધૂત કરવામાં આવતા હોય, ત્યાં પોતાના જાતભાઇઓ માટે વિચારવું દેશદ્રોહ ગણાય? ગુલામ હોય એ પહેલા પોતાની આઝાદી ઝંખે, એ સહજ ને સમજાય એવી વાત છે. પોતાના માલિકની આઝાદી ને પોતાની આઝાદી એ બે અલગ વસ્તુઓ જ થઇ, એ વાત આંબેડકરને ક્યારની સમજાઇ ગઇ હતી. પણ એમની આ સમજણ બદલ એમને દેશદ્રોહી કહીને નવાજવામાં આવ્યા. આ જ ડો. આંબેડકરે પોતાના સંશોધનપૂર્ણ નિબંધ ધ પ્રોબ્લેમ ઓફ રૂપિઝ માં અંગ્રેજોની શોષણખોર નીતિને જગતના ચૌટે ખુલ્લી કરી દીધી હતી. પણ એ વિશે ભાગ્યે જ કંઈ કહેવાય છે. કેમ કે, એનાથી આપણને શો ફાયદો’?   


એમને મૂલવવાની તો ઠીક, ઓળખવાની કોશિશ તો કરીએ. 
  

      સવાલ એ થાય કે આંબેડકર હતા કોણ? આનો જવાબ જરા અઘરો છે, કેમ કે તેમના બહુઆયામી વ્યક્તિત્વને કયા ખાનામાં કેદ કરશો? તે પ્રખર અભ્યાસી અને ધુરંધર લેખક હતા. વ્હોટ ગાંધી એન્ડ કોંગ્રેસ હેવ ડન ફોર ધ અનટચેબલ્સ,/ What Gandhi and Congress have done to the untouchables’ હુ વેર ધ શુદ્રાઝ’/ Who were the shudras, થોટ્સ ઓન પાકિસ્તાન’/Thoughts on Pakistan   જેવાં એમનાં દળદાર અને અભ્યાસપૂર્ણ પુસ્તકો આની સાબિતી છે અને તેમનાં 'કલેક્ટેડ વર્ક્સ' વાંચતાં પાને પાને એ પ્રતિતિ થતી રહે છે. એ નિર્ભિક પત્રકાર હતા, જેની ઝાંખી બહિષ્કૃત ભારત , મૂકનાયક  જેવાં એમના સામયિકો થકી પ્રાપ્ત થાય છે. એ વિદ્યાર્થીપ્રિય પ્રોફેસર હતા. એવું કહેવાય છે કે એમના લેક્ચરો  સાંભળવા માટે સિડનહામ કોલેજ/ Sydenham College ના વર્ગો તો ઠીક, પણ કોલેજની પરસાળ પણ હકડેઠઠ ભરાઇ જતી હતી. સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકે એવા એ કર્મઠ નેતા હતા
દેહના ભવ્ય સ્મારકમાં તેમના  વિચારો પણ દફન? 

કાલારામ મંદિર સત્યાગ્રહ એનું જ્વલંત ઉદાહરણ છે. એ પ્રભાવશાળી વક્તા હતા. બીજી ગોળમેજી પરિષદમાં એમના વક્તવ્યનો પરચો મળેલો. એ રાજનીતિજ્ઞ હતા. એમણે સ્થાપેલી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા/ Republican Party Of India એનું ઉદાહરણ છે. એ ચિંતક (ફૂલ અને પતંગિયા વિષે નહીં, સમાજ વિષે ચિંતન કરતા ચિંતક) હતા. પોતાના ધર્મમાં સતત હડધૂત અને અપમાનિત થયેલા એ યુગપુરૂષે પોતાના પાંચ લાખ જેટલા અનુયાયીઓ સાથે નાસિકમાં બૌધ્ધધર્મ અંગિકાર કર્યો, એથી ખ્યાલ આવે છે કે એમની ફિલસૂફી જીવનથી અલગ ન હતી.
બાબાસાહેબના નામે આજે ઓપન યુનિવર્સિટી ભલે ચાલતી હોય, તેમના પ્રત્યે જોવાની આપણી દૃષ્ટિ 'ઓપન' થઈ નથી એમ સતત લાગતું રહે છે.    
        આજે એ મહામાનવની એકસો એકવીસમી જન્મતિથિ છે, ત્યારે થોડીક આધુનિક ગણાતી એકવીસમી સદીના ભારત દેશના નાગરિકો પાસેથી આપણે આશા રાખીએ કે એ ડો. આંબેડકરના વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવાની તો ઠીક, ઓળખવાની પ્રામાણિક કોશિશો તો કરે. એનાથી આંબેડકર જેવી પ્રતિભાને તો કોઇ જ અસર નહીં થાય, પણ એનાથી આપણું વૈચારિક સ્તર ઊંચું ઉઠ્યાનો કદાચ સંતોષ મળશે.  


(સૌથી ઉપર સિવાયની તમામ તસવીરો: બીરેન કોઠારી)