Sunday, December 24, 2023

કહત કાર્ટૂન- 3

 શુક્રવાર, 22 ડિસેમ્બર, 2023ની સાંજે અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં આ શ્રેણીની ત્રીજી કડીની પ્રસ્તુતિ કરવામાં આવી. બિનપરંપરાગત બાબતોની અભિવ્યક્તિ માટે પાલડીસ્થિત 'સ્ક્રેપયાર્ડ' એક પ્રોત્સાહક માધ્યમ બની રહ્યું છે. અહીં આવતા સજ્જ શ્રોતાઓ સમક્ષ વાત કરવાનો આનંદ જુદો હોય છે, કેમ કે, નાનામાં નાની વાત અહીં પકડાય છે અને પ્રતિભાવ મળે છે. શ્રોતાઓ તેમાં મૂલ્યવર્ધન પણ કરે છે.

ત્રીજી કડીનો વિષય હતો 'Inspiration- कल भी, आज भी'. સામાન્ય રીતે પ્રતીકો એક ચોક્કસ સમયગાળાને પ્રતિબિંબીત કરે છે અને એ સમયગાળાના લોકો સાથે અનુસંધાન સાધે છે. પરંતુ કાર્ટૂનમાં કેવાં કેવાં પ્રતીકો પેઢી દર પેઢી ચલણી બની રહે છે અને પ્રત્યેક પેઢીના કાર્ટૂનિસ્ટો- ભાવકોને તે જોડે છે એની વાત આ વાર્તાલાપમાં મુખ્ય હતી. આ પ્રતીકો ચાલીસ-પચાસ વર્ષના સમયગાળાથી લઈને બસો-અઢીસો વર્ષ પછી પણ એટલાં જ પ્રસ્તુત બની રહે છે. કેવળ વિદેશી નહીં, આવાં ભારતીય કાર્ટૂનોનો પણ આમાં સમાવેશ થાય છે.
એક-સવા કલાકના આ કાર્યક્રમમાં દૃશ્યાત્મક રજૂઆત પછી પ્રશ્નોત્તરી હોય છે. તેમાં પણ અનેક બાબતોની પૂર્તિ થતી રહે છે.
ગુજરાતમાં કદાચ અત્યાર સુધી ઉવેખાયેલા રહેલા કાર્ટૂનના રસાસ્વાદના આ ક્ષેત્રે આવી પહેલ બહુ પ્રોત્સાહક બની રહી છે. અગાઉના બન્ને કાર્યક્રમો 'From British Raj to Swaraj' અને 'Metamorphosis-કાયાપલટની કમાલ'માં પણ ખૂબ પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડ્યા હતા.
આવા પ્રતિભાવ અને 'સ્ક્રેપયાર્ડ'નાં કબીર શાહ-નેહા શાહના મજબૂત પીઠબળને કારણે આ શ્રેણી આગળ વધારતા જવાની નેમ છે. અન્ય વિષય પરની આવી બીજી શ્રેણી પણ વિચારણા હેઠળ છે. આ પ્રકારના કાર્યક્રમ કોઈ પોતાની સંસ્થામાં યા વ્યક્તિગત વર્તુળમાં યોજવા ઈચ્છે (અલબત્ત, વાજબી વળતર સાથે) તો એ પણ આવકાર્ય છે. કેમ કે, કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્ટૂનકળાના રસાસ્વાદનો અને તેની સાથે વણાયેલી કેટલીય સામાજિક-ઐતિહાસિક બાબતોને ઊજાગર કરવાનો છે. ખુસરોએ પ્રેમ માટે કહેલું કાર્ટૂનકળાને પણ લાગુ પાડી શકાય: 'જો ડૂબા વો પાર'.

કહત કાર્ટૂન- 3ની રજૂઆત દરમિયાન
(કમ્પ્યુટર પર કામિની કોઠારી)



ભારતીય કાર્ટૂનના સીમાસ્તંભ સમા કાર્ટૂન
અને તેની અનુકૃતિઓની વાત

સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ

શ્રોતાઓ સાથે વાતચીત



Sunday, December 3, 2023

કહત કાર્ટૂન...(2)

 આ કાર્યક્રમની બીજી કડી 1 ડિસેમ્બર, 2023ને શુક્રવારે સાંજે સાડા સાતે સ્ક્રેપ યાર્ડ ધ થિયેટરમાં દર્શાવાઈ. તેનો વિગતવાર, તલસ્પર્શી અહેવાલ સંજય ભાવે દ્વારા લખાયો છે, (આ અહેવાલ અહીં વાંચી શકાશે. https://www.facebook.com/sanjay.bhave.96/posts/3611855582361912 ) જે તેમણે ત્યાં ઉપસ્થિત રહીને એક ભાવકની જેમ માણતાં લખ્યો છે. મારે થોડી વાત મારી અનુભૂતિની કરવાની છે. આ શ્રેણીના કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્ટૂનકળાને માણવાનો છે. તેમાં રાજકીય સંદર્ભ આવે તો પણ તેનો મુખ્ય આશય રાજકીય સમજ કેળવવાનો કે ટીપ્પણીનો નહીં, બલ્કે કાર્ટૂનકળાની રીતે જ તેને મૂલવવાનો છે. રાજકારણમાં સમજ નહોતી પડતી ત્યારે પણ કાર્ટૂનમાં રસ પડતો હતો એ કદાચ ઘેર પપ્પા 'ઈન્ડિયા ટુડે' લાવતા એ અરસાથી. 1989-90ના અરસામાં 'ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા' (સંપાદક: પ્રીતીશ નાન્દી)નું લવાજમ ભર્યું અને એ ઘેર આવતું થયું ત્યારથી સભાનપણે કાર્ટૂન જોતા- માણતા થયા. એમાં દર સપ્તાહે આવતું National Lampoon શિર્ષકવાળું આખું પાનું જે તે સપ્તાહમાં ઠેકઠેકાણે પ્રકાશિત કાર્ટૂનોથી ભરેલું રહેતું. ત્યારે પણ મારો અને ઉર્વીશનો ઝોક કાર્ટૂનને ઊકેલવાની સાથેસાથે કાર્ટૂનિસ્ટની શૈલીને ઓળખવાનો હતો. એ પછી આઈ.પી.સી.એલ.ની નોકરી દરમિયાન અહીંની ટાઉનશીપની ક્લબમાં આવતાં વિવિધ હિન્દી-અંગ્રેજી અખબારોમાં આવતાં કાર્ટૂન મેળવવાનો મોકો મળ્યો. એ રીતે એ સંગ્રહ સમૃદ્ધ થતો ગયો. વચ્ચે વચ્ચે કાર્ટૂનને લગતાં પુસ્તકોની ખરીદી પણ થતી રહી. આ બધું આજે પણ સચવાયેલું છે. તેની પર નજર ફેરવ્યે વરસો થઈ ગયા છતાં આજે પણ એ કાર્ટૂનોના સંદર્ભ અમારી વાતચીતમાં આવતા રહે છે. આ સંગ્રહનું શું કરવું એ ખબર નહોતી અને એવી કશી મહત્ત્વાકાંક્ષા પણ નહીં. આમ છતાં અગાઉ ઉર્વીશને CEPT માટે એક સરસ તક મળી. તેના સમર વેકેશન કોર્સમાં ભારતીય સ્વાતંત્ર્યોતર સમયગાળાને કાર્ટૂનો દ્વારા દર્શાવતો એક કોર્સ તેણે તૈયાર કર્યો. બાકાયદા એ ભણાવ્યો. એ પછી નડિયાદમાં આરંભાયેલી 'અમૃત મોદી સ્કૂલ ઑફ જર્નાલિઝમ'માં કાર્ટૂનનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો, જેમાં દર ગુરુવારે હું એ ભણાવતો. આમ છતાં, એમ લાગતું કે એમાં પ્રત્યાયન થતું નથી. એ એકપક્ષી બની રહે છે. કદાચ વિદ્યાર્થીઓને એ 'કામનું' ન લાગતું હોય એમ બને. દરમિયાન 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' અને 'આવો, કાર્ટૂન માણીએ'ના કાર્યક્રમ માટે મને કહેણ મળતાં રહેતાં હતાં, જે હું સ્વીકારતો અને મોટે ભાગે શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનની વાત કરતો. એમાં પણ એવું જોવા મળ્યું કે કૉલેજના વિદ્યાર્થીઓની સરખામણીએ શાળાના વિદ્યાર્થીઓને એમાં વધુ રસ પડતો. કૉલેજના વિદ્યાર્થીઓને કદાચ એમ લાગતું હશે કે આમાંથી શું 'મળવાનું?'

આ અગાઉ મિત્ર રાજુ પટેલ દ્વારા મને અનેક વાર ધક્કા મારવામાં આવતા કે મારે કાર્ટૂનના વિવિધ આયામો અંગે ટિકિટવાળો શો કરવો. રાજુ મને કબીર ઠાકોર-નેહા શાહના સ્ક્રેપયાર્ડમાં એ યોજવા જણાવતા. મને એમ લાગતું કે હું એ કરવા જઈશ તો મારું ફોકસ સાવ બદલાઈ જશે. એવામાં અનાયાસે એક સુયોગ ઊભો થયો. મુમ્બઈની મુલાકાત દરમિયાન 'નવનીત સમર્પણ'ના કાર્યાલયે જવાનું બન્યું. તેના સંપાદક દીપકભાઈ દોશી સાથે અનૌપચારિક ગપ્પાંગોષ્ઠિ ચાલી રહી હતી કે એમણે 'નવનીત' માટે કશુંક 'આપવા' સૂચવ્યું. 'કશુંક'નું નામ પણ એમણે પાડી આપ્યું અને કહ્યું, 'કાર્ટૂન વિશે લખો.' આ સૂચન મને ગમતું હતું એટલે ત્યારે તો હા પાડી, પણ એના સ્વરૂપ વિશે કશું વિચારેલું નહીં. એ પછી નક્કી થયું.
અત્યાર સુધી કાર્ટૂનના ઈતિહાસને જાણતો હતો, પણ એ લખવાનો પ્રયાસ કદી કરેલો નહીં. એ કામ 'નવનીત સમર્પણ'થી આરંભાયું. જો કે, એમાં પણ મારો ઉદ્દેશ્ય તેના ઈતિહાસના આલેખનનો નથી. છતાં કાર્ટૂન માણવાની પૃષ્ઠભૂમિ તરીકે એટલું જરૂરી લાગ્યું. એ દરમિયાન કબીરભાઈ સાથે વાત થઈ. તેમણે મને 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ યોજવા જણાવ્યું ત્યારે મેં સહેજ ખચકાટ સાથે કહ્યું, 'એ સિવાય પણ ઘણું બતાવી શકાય એવું છે.' કબીરભાઈએ તત્ક્ષણ એની શ્રેણી યોજવા સૂચવ્યું, એટલું જ નહીં, તેનો અમલ પણ કરાવી દીધો. દર મહિનાના ચોથા શુક્રવારે એ યોજવી એમ નક્કી થયું.
એ શ્રેણીની બે કડી યોજાઈ. અત્યાર સુધી મેં આપેલા કાર્યક્રમ કરતાં સાવ જુદો જ અનુભવ અહીં થઈ રહ્યો છે. સામે એકદમ સજ્જ એવા પ્રેક્ષકો બેઠેલા હોય, અને એમાંના ઘણા મારા માટે સાવ અજાણ્યા હોય. અનેક સજ્જ સ્નેહીઓથી લઈને કૉલેજના યુવકયુવતીઓ સુધીનું વૈવિધ્ય ધરાવતા વયજૂથના પ્રેક્ષકો સમક્ષ કાર્ટૂનકળાની વાત ડુંગળીના પડની જેમ ઉખળતી જાય અને એનો ક્ષણોચિત પ્રતિસાદ પ્રેક્ષકોમાંથી મળે ત્યારે એમ લાગે કે પ્રત્યાયન બરાબર અને યોગ્ય રીતે થઈ રહ્યું છે. અત્યાર સુધી એકઠા કરેલા મારા અને ઉર્વીશના આ સંગ્રહને કદાચ સ્ક્રેપયાર્ડ જેવા પ્લેટફોર્મની તલાશ હતી. બે કાર્યક્રમની સફળતાપૂર્વક રજૂઆત પછી મારો ઉત્સાહ વધ્યો છે અને આ કાર્યક્રમને દર વખતે એક પાયરી ઉપર શી રીતે લઈ જવો એ વિચાર સતત આવતો રહે છે.
આ કાર્યક્રમનું આર્થિક પાસું પણ રસપ્રદ, જણાવવા જેવું છે. હું અને કામિની વડોદરાથી બસો કિ.મી.નું પરિવહન કરીને, સ્વખર્ચે આ કાર્યક્રમ માટે ખાસ અમદાવાદ આવીએ છીએ. કબીરભાઈ સ્વખર્ચે પોતાના સંસાધન પૂરાં પાડે છે. પ્રેક્ષકો પણ સ્વખર્ચે સ્ક્રેપયાર્ડ આવી પહોંચે છે. ટૂંકમાં કોઈ કોઈને કશું આપતું નથી કે કોઈની પાસેથી કશું લેતું નથી.
આ પ્રકારનું પ્લેટફોર્મ હોય, તેની સાથે સંકળાયેલાં સંવેદનશીલ મિત્રો હોય ત્યારે ખરી મજા આ કાર્યક્રમથી મળતા સંતોષની હોય છે. (અલબત્ત, નાણાંની મજા પણ હોય જ) 'કહત કાર્ટૂન' કાર્યક્રમની શ્રેણી જે રીતે મજા આપે છે એ જોતાં અન્ય અમુક વણખેડાયેલા વિષય પર પણ કાર્યક્રમ કરવાનો કીડો સળવળી રહ્યો છે.
સાર એટલો કે દેખનેવાલે કી જય, દેખને કી વ્યવસ્થા કરનેવાલે કી જય, ઔર દિખાનેવાલે કી ભી જય.




(તસવીરો: પરેશ પ્રજાપતિ)