- પરેશ પ્રજાપતિ
(મિત્ર પરેશ અને તેના પરિવાર સાથે અમે આઠ-નવ પ્રવાસ ખેડ્યા છે. 2017માં અમે આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલ પ્રદેશના ગ્રહણ નામના ગામે ચારેક દિવસ રોકાયા હતા. માંડ 70-80 ઘરોની વસતિવાળા આ ગામમાં અમારા રોકાણ દરમિયાન થયેલા કેટલાક સારા અનુભવો તેમ જ અન્ય પ્રવાસના અનુભવોને કેન્દ્રમાં રાખીને એક લેખ મેં 'જલસો'ના 11મા અંકમાં લખ્યો હતો. અમારી મુલાકાતના બેએક વરસ પછી પરેશને ફરી ગ્રહણની મુલાકાત લેવાનો યોગ થયો. તેની આ બીજી વારની મુલાકાતનાં સંભારણાં એટલે આ લેખ.)
૨૦૧૧માં હું સારપાસ ટ્રેકિંગમાં ગયો હતો. રસ્તામાં સાવ નાનકડું અને છેલ્લું ગામ ગ્રહણ આવેલું. ત્યાર પછી આગળના રસ્તે કોઈ ગામ નહોતું. એટલે 70-80 ઘરોનાં ગામ એવા ગ્રહણ માટે મનમાં બહુ કૌતુક હતું. અહીંના લોકોની જીવનશૈલી કેવી હશે? ગામની અર્થવ્યવસ્થા શેની પર નિર્ભર હશે? સામાજિક વહેવાર કેવા હશે? કેટકેટલાય તર્કવિતર્ક મનમાં જાગતા, શમતા અને ફરી નવા જાગતા. તેના અનુસંધાને ૨૦૧૭ના મે મહિનામાં બીરેન પરિવાર સાથે ગ્રહણના પ્રવાસનું આયોજન થયું. (આ પ્રવાસના થોડા અનુભવો વિષે બીરેને ‘જલસો’ના 11મા અંકમાં ‘ઈન હવાઓં કા મોલ ક્યા દોગે’ શિર્ષકથી લેખ લખ્યો છે.) તપાસ કરતાં ત્યાં હોમ-સ્ટે શક્ય હોવાનું જાણ્યું હતું.
'જલસો'નો લેખ, જેમાં ગ્રહણનો અનુભવ વિગતે લખ્યો છે |
કસૌલથી ગ્રહણના દસેક કિ.મી.ના ટ્રેક પછી બિસ્તરાં-પોટલાં સાથે અમારી સવારી ગ્રહણ પહોંચી એ યાદ કરતાં આજે પણ રોમાંચિત થઈ જવાય છે. વચ્ચે રસ્તામાં એક સ્થળે અમે તંબૂમાં રાતવાસો કરેલો. એ તંબૂવાળા બે ભાઈઓ સુરેશ અને દુનીચંદ તથા વળતી સફરમાં તેમના પિતાએ પોતાના વર્તનવ્યવહારથી અમારાં દિલ જીતી લીધાં હતાં. તો ગ્રહણમાં જે હોટેલમાં અમે ચાર દિવસ રોકાયા એ હોટેલની શરુઆતમાં ભારોભાર માલિકણ જણાતી રેશ્મા સાથે પણ એક અજબ લાગણીનો તંતુ બંધાયો. પાછા વળતાં મેં ભારપૂર્વક કહ્યું હતું કે હું સારપાસ ટ્રેકિંગમાં ફરીથી આવવાનો છું ત્યારે ફરી જરુરથી મળીશું.
એ સૌને ફરી મળવાનો સમય આટલો જલદી ગોઠવાશે એવી કલ્પના નહોતી. કારણ કે છેલ્લા ત્રણેક વર્ષથી મારા કુટુંબમાંથી કોઈને સારપાસ આવવું હોય તો હું પૂછતો. પણ કોઈની ‘હા’ થાય તે પહેલાં YHAI નો પોગ્રામ ફુલ થઈ જતો. પણ આ વખતે બધા પાસા સવળા પડ્યા. મારા ભાઈ-ભાભી, ભત્રીજી શચિ, મારી ભાણેજ ક્રિશ્ના તથા જમાઈ ચિરાગકુમાર અને વિશેષમાં મારા મિત્રની દિકરી યેશાએ જોડાવા માટે ભારપૂર્વક જણાવ્યું. એટલું જ નહિ, તારીખ પણ મને જાતે જ નક્કી કરી લેવા કહ્યું. (મારી ભાણેજ તથા જમાઈ આ પહેલાં પણ ચંદ્રખાની ટ્રેકિંગમાં મારી સાથે હતા.) બધું મારે નક્કી કરવાનું હોવાથી પોગ્રામ ઝડપથી ગોઠવાઈ ગયો. આવવા-જવાની ટિકિટોનું બુકિંગ પણ સફળતાપૂર્વક થઈ ગયું. હવે ઈંતેજાર હતો મે મહિનાની ૮મી તારીખનો.
પણ બુકિંગ કરાવ્યા પછી સફરનો દિવસ આવતાં સુધી મને સતત ગ્રહણના વિચારો આવતા રહેતા. ક્યારેક મન રેશ્મા સાથે સંવાદ કરતું, તો ક્યારેક દુનિચંદ સાથે. દુનિચંદના પિતાજીએ તો અમારી વળતી સફરમાં પ્રેમથી અમને સૌને એક એક કપ ચા પીવડાવી હતી. પણ મેં મનોમાન કોણ જાણે કેટલાય કપ ચા પી લીધી હશે! રેશ્મા તથા તેના સાસુ પુષ્પાબહેન તરફથી પ્રેમપૂર્વક ભેટમાં મળેલા રાજમા અમે જેટલી વાર રાંધીને ખાધા એ તમામ વાર બહુ જ પ્રેમથી તેમને યાદ કરતાં. ગ્રહણના વિચારમાત્રથી તેનો રસ્તો આંખ સામે ‘ગુગલ મેપ’ની જેમ તાદૃશ થઈ જતો. તારીખ નજીક આવતી જતી હતી. હવે બે જ દિવસ બાકી રહ્યા. ટ્રેકિંગમાં જવાનું હોવાથી વજન જાતે જ ઊપાડવાનું હતું, આથી સામાન મર્યાદિત રાખવાનો હતો. છતાં બંને કુટુંબો સથેની આત્મીયતાને લઈને વડોદરાની ‘ભાખરવડી’ લઈ જવાનું વિચાર્યું. સાથે ૨૦૧૮ના ‘જલસો’ના બે દિવાળી અંક તો ખરા જ, જેમાં ગ્રહણના આ મિત્રો વિશે લખાયું હતું.
મેં ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. રેશ્માના જેઠ પુરનભાઈ કુલ્લુમાં હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો. તેમને મારા અને બીરેનના કુટુંબનો એક ફોટો પણ ફોન દ્વારા મોકલી આપ્યો. હું કસૌલ પહોંચું ત્યારે તેમણે કસોલ મળવા આવવાની તૈયારી બતાવી. મેં પ્રેમપૂર્વક એટલું કષ્ટ લેવાની ‘મના’ કરી. અને ગ્રહણમાં રુબરુ મળીશું જ એવું ભારપૂર્વક કહ્યું. આખરે અમારો પ્રવાસ આરંભાયો.
**** **** ****
કસૌલ પહોંચતાંની સાથે જ પરિચિતતાની હવા ઘેરી વળી. બે દિવસ કસૌલમાં માંડ માંડ વિત્યા. ત્રીજા દિવસે હાયર કેમ્પ તરફની અમારી સફર શરુ થઈ. તેનો પહેલો પડાવ હતો ગ્રહણ, જેની હું કાગડોળે રાહ જોતો હતો. કસૌલમાં વહેતા એક નાળાની બાજુમાંથી જ ગ્રહણ તરફનો રસ્તો ફંટાતો હતો. બધું જ જાણીતું લાગતું હતું. મન અંદરથી ખૂબ પ્રફુલ્લિત હતુ. ગ્રહણના બધા ચહેરા નજર સામે તરવરતા હતા. યાદોએ રીતસરનો ઘેરાવ કર્યો હતો. તેમાંથી બહાર નીકળી શકાય તેમ નહોતું. સાચું કહું તો એવી ઈચ્છા પણ નહોતી. ‘અહીં અગાઉ આવી ગયો છું’ની લાગણી કરતાંય વધુ તો મારા કેટલાક પરિચિતો અહીં રહે છે એ આનંદ વિશેષ હતો. અમારી સાથે ત્રણ ગાઈડ હતા. મણીચંદ્ર, રાજેશ અને ત્રીજો કેશુઆ. બધા ત્રીજાને આ નામથી જ બોલાવતા. તેની સાથે વાત કરવાનો મેં પ્રયત્ન કર્યો. તે ખૂબ જ ધીમેથી બોલતો. મણીચંદ્ર અને રાજેશની સાથે તે તૈયાર થઈ રહ્યો હતો. એક પછી એક વાત નીકળતી ગઈ. તેઓ ગ્રહણના જ રહેવાસી હતા. આ જાણીને મનમાં કોઈ અજબ ટાઢક થઈ. કેમ જાણે મારા વતનના જ તેઓ ન હોય! મેં સુરેશ, દુની તથા રેશ્માને મળવાની ઈચ્છા તેની આગળ વ્યક્ત કરી. ગ્રહણમાં મારા પરિચિતોની સંખ્યા હવે વધી ગઈ હતી. હું તેમનો પણ પરિચિત ચહેરો બની ગયો. કશુઆએ જણાવ્યું કે રેશમા તેની પિતરાઈ બહેન થાય. હવે તેને બીજું સંતાન પણ હતું. અમે ગયા ત્યારે તેને એક દીકરો હતો. આ બધું સાંભળીને મારા પરિચીત કુટુંબીઓના સમાચાર મળતા હોવાનો આનંદ થતો હતો.ગ્રહણ તરફનો રસ્તો કપાતો જતો હતો. અમે અગાઉ આવ્યાં ત્યારે પાકો રોડ બનાવવાની શરુઆત થઈ ગઈ હતી. હાલમાં આ ગતિવિધી પૂરજોશમાં ચાલી રહી હોવાનું જણાયુ. ગામના પ્રવેશદ્વાર જેવો કમાન દરવાજો પણ તૈયાર થઈ ગયો હતો. જો કે, ફિનિશીંગ બાકી હતું. હજી દોઢેક વર્ષ પહેલાં જ્યાં કેડીએ કેડીએ જવાનું હતું ત્યાં લગભગ દસેક ફૂટ પહોળો રસ્તો બનાવવા માટે જમીન સમતલ કરવાનું કામ ચાલુ હતું. આ દૃશ્ય જોઈને રીતસરનો ધ્રાસકો પડ્યો. કપાયેલા વિશાળ ઝાડના કેટલાક અવશેષ જોતાં રડી લેવાનું મન થઈ ગયું. મન ખિન્ન થઈ ગયું. બે ત્રણ ફોટા લીધા. શૂન્યમનસ્ક થઈને ચાલતો રહ્યો. એમ ને એમ ક્યારે ફરીથી કેડી શરુ થઈ ગઈ તેની ખબર પણ ન પડી.
આટલી ઊંચાઈએ પણ વિકાસ પહોંચવાના એંધાણ |
'ગ્રહણ'ના રસ્તે આવેલો ટી-પૉઈન્ટ: બદલાયેલું દૃશ્ય |
થોડી ગોઠવણ બદલાઈ હતી. થોડો મોડર્ન ટચ અપાયો હતો. પ્લાસ્ટિકનાં ખુરશી-ટેબલ ગોઠવાઈ ગયા હતા. ઠંડા પીણાં મળતાં હતા. વધુ કશું જોવાનું મન ન થયું. દસ વર્ષ પહેલાં આવ્યો ત્યારથી અહીં બેસવા માટે પાઈનના બે આખેઆખા થડીયાનો ઉપયોગ થતો હતો. તે હજીય ત્યાં જેમના તેમ હતા. મેં સીધું તેના પર લંબાવ્યું. અડધા કલાકે બધા ઊભા થયા. સફર આગળ વધતી રહી. અમારા ટ્રેક ગાઈડ ચંદ્રમણીને મેં ગ્રહણ પહોંચ્યા પછી દુનીનું ઘર બતાવવા કહી રાખેલું.
એકાદ કલાક જેટલું ચડાણ કર્યું એટલે ફરી એક પરિચિત ચહેરો જણાયો. એ રીમા હતી. તેની દિકરી ડોલમા પણ સાથે હતી. એ શરબત વેચવા ત્યાં બેસતી હતી. આગલા પ્રવાસની યાદો તરત જ રણકાર કરતી કાન ગજવવા માંડી. અગાઉના પ્રવાસમાં અમે અહીં બેસીને શરબત પીધેલું, ફોટા પાડેલા, વાતો કરેલી અને પછી વાદળાંનો ગડગડાટ સંભળાતાં ઝડપભેર આગળ વધેલા. એ જ રીતે આ વખતે પણ શરબત પીધું. મનમાં આનંદ આનંદ થઈ ગયો. થોડી રાહ જોઈ કે તે ઓળખી શકે છે? જો કે, અમારા આગલા, સાવ ઓછા પરિચયે તે ઓળખી લે એ અપેક્ષા જરા વધુ પડતી કહેવાય. એટલે મેં આછેરી ઓળખાણ આપવાની શરુઆત કરી: ‘પિછલે સાલ મૈં ફેમીલી કે સાથ યહાં આયા થા...યહાં બૈઠે થે..’ આટલું યાદ કરાવતાં તેણે તરત કહ્યું: ‘હાં હાં, આપ હી થે ના! યાદ આ ગયા. આપ કે સાથ દુસરા ફેમીલી ભી થા ન?’ હજી આગળ કશું કહીએ તે પહેલાં તેને યાદ આવી ગયું. મારું મન પણ ખીલી ઉઠ્યુ. મારી સાથે આવેલા બધા આ જોઈને હોંશે હોંશે તેની સાથે વાતોએ વળગ્યા. એ વખતે એમ જ લાગ્યું કે જાણે વતન મહેમદાવાદના કોઈ ઓળખીતા અહીં મળી ગયા! એ સમયે થોડો વરસાદ પણ વરસી રહ્યો. અમે અંદરથી તેમ જ બહારથી ભિંજાઈ રહ્યા.
**** **** ****
મને ખબર હતી કે હવે ગ્રહણ બહુ દૂર નથી. સહેજ સીધા રસ્તા પછી ચઢાણ આવશે એટલે ગ્રહણનું પાદર આવ્યું સમજો. અને એ પાદરના એક પથ્થર પર પુષ્પાબેન ગુલાબી રંગના, બ્રુશના શરબતની શીશી લઈને પ્રવાસીઓના ઈંતજારમાં હશે. ગ્રહણમાં પોતાની હોટેલ ધરાવતાં પુષ્પાબેન જે પ્રેમથી આવનારને શરબતનો પ્યાલો ધરે એ જોઈને પ્રવાસી પીગળી જાય. તેઓ કહે, ‘આરામથી પીઓ, સહેજ પોરો ખાવ. (અને પછી મારી જ હોટેલમાં ઊતરો.)’ આ વખતે પણ પુષ્પાબેનને મેં એ જ મુદ્રામાં બેઠેલાં જોયાં. મને સહેજે નવાઈ ન લાગી. મને ગમ્મત સૂઝી. મારા ભાઈને મેં કાનમાં કહ્યું, ‘આ બહેનનું નામ પુષ્પાબેન છે. તું એમને નામથી બોલાવ અને જો. એ એમ જ કહેશે કે તમને ઓળખું છું.’ હકીકતમાં મારો ભાઈ અહીં પહેલી જ વાર આવી રહ્યો હતો. નજીક આવતાં જ મારા ભાઈએ તેમને કહ્યું, ‘કૈસે હો, પુષ્પાબેન? પહચાના?’ તરત જ પુષ્પાબેન બોલી ઉઠ્યાં, ‘હાં, હાં ક્યું નહિં પહચાનૂંગી? પહલે ભી આપ આયે થે ના? પહેચાના. પહેચાના.’ આમ કહીને તેમણે અમારા હાથમાં સરબતનો ગ્લાસ પકડાવી દીધો. શરબત પીતાં પીતાં મેં રેશ્મા વિષે પૂછપરછ કરી. તેમણે કહ્યું, ‘આપ (કેમ્પસાઈટ પર) રીપોર્ટીંગ કરને કે બાદ ફેમિલિ કે સાથ આ જાવ.’ ‘આના હી હૈ’ કહી અમે આગળ વધ્યા અને ગામમાં દાખલ થયા.
સાંજના લગભગ પાંચ થવા આવ્યા હતા. ગામમાં દાખલ થતાં બધાએ હાશકારો કાઢ્યો. કેટલાક હજી પાછળ હતા, એટલે જ્યાં મળે ત્યાં બધા બેસવાની જગ્યા શોધવા લાગ્યા. મારી નજર દુની-સુરેશને શોધતી હતી. મને એ જાણ થઈ હતી કે ગામમાં પ્રવેશતાં જ તેમનું ઘર આવે છે. એટલામાં ચંદ્રમણીએ મને બૂમ પાડી. “સર, યે હી દુની કા ઘર હૈ.” આ સાંભળતાં જ મારા પગ આપોઆપ એ તરફ વળ્યા. દુનીનું નામ સાંભળી ઘરમાંની એક વ્યક્તિના કાન પણ સરવા થયા હોય એમ લાગ્યું. તે દુનીનાં માતા હતાં. હું ઝડપથી ઘર તરફ ગયો. ત્યાં એક પરિચિત ચહેરો જોઈને હું રાજી થઈ ગયો. એ દુનીના પિતા હતા- આર.એલ. ઠાકુર. (રામપ્રસાદ?) ‘હમ પિછલે સાલ મિલ ચૂકે હૈ. કુછ યાદ આતા હૈ?’ તેમને અમારી મુલાકાત યાદ અપાવવાના હેતુથી હું બોલ્યો. એમ એકદમ તેમને ક્યાંથી ખ્યાલ આવે? પણ તેમણે જોયું કે ખભે વજન ઊંચકીને હું આવું છું. એટલે પહેલાં તો સૌજન્યપૂર્વક મને આવકાર આપ્યો. બેસવા માટે જલદી ખુરશી આપી. પછી મારા ચહેરા સામે જોયું. કદાચ આછીપાતળી ઓળખ થઈ રહી હતી. મેં કહ્યું, ‘અપને ફેમિલિ કે સાથ પિછલે સાલ હમ આપકે ટી પોઈન્ટ પર રાત કો ઠહરે.....’
આટલું બોલતાંમાં જ તેઓ બોલી ઉઠ્યા, ‘યાદ આ ગયા, સર. બરાબર યાદ આ ગયા. મૈં આપકે લિયે કોફી લાતા હું.” આમ કહીને તેઓ ઝડપથી કિચન તરફ લગભગ દોડવાની ઝડપે ગયા. દરમિયાન કેમ્પના બીજા જોડીદારો આવવા લાગ્યા હતા અને મારે એ સૌની સાથે કેમ્પ સાઈટ પર જવાનું હતું. મને અવઢવમાં જોઈને તેઓ કહે, “મૈં ઉનકો બોલ દેતા હૂં. આપ આરામ સે બૈઠો.” મેં બીરેનની ઓળખ આપવા ધાર્યું. પણ તેમણે તરત જ કહ્યું, “હમેં સબ ચહેરે યાદ આ ગયે. વો તો કુછ લિખતે ભી થે ના? આપકો હમ સચમેં બહુત યાદ કરતે થે. બાત કરને કા ભી મન કરતા થા. મુઝે ઉન્હોંને કાર્ડ ભી દિયા થા. પર કહીં રખ દિયા તો હાથ નહિ આયા.” આમ કહીને તેમણે તેમનાં પત્નિને બોલાવ્યા. મારી ઓળખાણ કરાવી. તે થોડા બિમાર હતાં. મેં તેમને નમસ્કાર કર્યા. સુરેશ ટ્રેકિંગમાં ગયો હતો. દુની પણ કોઈ એવા જ કામસર કસૌલ ગયો હતો. તેમણે પૂછ્યું, “આપકો મિલા નહિ રાસ્તે મેં?” મને રસ્તામાં કેશુઆએ પણ કહ્યું કે દુની હમણાં જ અહીંથી ગયો. પણ અમારી નજરે એ નહોતો ચડ્યો. હું મારી બૅગ ખાલી કરવા માંડ્યો. એટલે ઠાકુરસાહેબ આશ્ચર્યથી જોઈ રહ્યા. મેં ભાખરવડીનું પેકેટ અને ‘જલસો’નો અંક તેમની તરફ લંબાવ્યા. “યે આપકે લિયે હૈ” તેમણે લગભગ દયનીય નજરે મારી તરફ જોયું. “અરે આપને બહુત તકલીફ ઉઠાઈ.” એમ કહી બહુજ પ્રેમથી બે હાથે તે સ્વીકારી.
'અરે! યે તો દુની ઔર સુરેશ હૈ!' 'જલસો'ના અંક દ્વારા મુલાકાતની યાદ તાજી કરતા આર.એલ.ઠાકુર અનેે તેમનાંં પત્ની |
**** **** ****
મારા પગ એટલી ઝડપ અને મક્કમતાથી પડતા હતા કે જાણે હું મારા ગામ મહેમદાવાદમાં ફરતો હોઉં. ગ્રહણના રસ્તાઓ, શેરીઓ જાણીતાં લાગતાં હતાં. એટલામાં કોઈ મને બૂમ પાડતું હોવાનો અહેસાસ થયો. પાછા વળી મેં ફાંફા માર્યા તો “ઉપર, ઉપર” અવાજ આવ્યો. મેં ઉપર જોયું તો ડોલમા, તેની મમ્મી રીમા અને તેના સાસુ ઉપર બેઠા હતા. “આપ યહાં રહતે હૈ?” મેં પૂછ્યું. “હાં” મેં તેમની સાસુને પ્રણામ કર્યા, અને સહેજ યાદ અપાવ્યું કે આગલી વખતે તેમનો ફોટો લીધો હતો. એટલે તેઓ હસ્યાં અને કહે, “ફોટો લાયે કે નહિ?” મેં કહ્યું, “મુઝે પતા નહિ થા કિ આપ સે ભી હમ મિલેંગે...” આ સાંભળીને તેઓ તરત બોલ્યાં,”મૈં મર ગઈ હોગી, એસા લગા થા?” આમ કહીને બોખા મોંએ ખડખડાટ હસ્યાં. મેં કહ્યું, ” નહિ, નહિ, ઈશ્વર આપકો સો સાલ કી આયુ દે. આપ ઈસ તરહ રાસ્તે મેં દુબારા મિલેંગે ઐસા સોચા નહિં થા.” મારી સો સાલની વાત સાંભળી ડોલમાએ તો બુઢ્ઢીની એક્શન પણ કરી. અમે બધા જ ખડખડાટ હસવા લાગ્યા. હાથ હલાવી મેં ઝડપથી પગ ઉપાડ્યા.'ફોટો લાયે કિ નહીં?' પરિચીત શેરીઓમાં પરિચીત ચહેરા |
હું અમારી કેમ્પ સાઈટ પર આવી પહોંચ્યો. ત્યાંની વિધિઓ પૂરી કરી. પાછો ગામમાં જવા નીકળી પડ્યો. મારી સાથે આવવાના કોઈના હોશકોશ રહ્યા નહોતા. પણ યેશા અને શચી તૈયાર થઈ ગયાં. હું સીધો પહોંચ્યો ‘હોટેલ માઉન્ટ વ્યુ’ પર. અહીં જ અમે ગયે વખતે ચાર દિવસ રોકાયાં હતાં. પુષ્પાબહેન બહાર જ હતાં. તેમની સાથે થોડી વાતો કરી. રેશ્મા વિષે પૂછ્યું. તે ગામમાં તેના ઘેર હતી. પુષ્પાબહેન જઈને તેને બોલાવી આવ્યાં. રેશ્માને જોતાં જ મારો ચહેરો ખીલી ગયો. હું હસતાં હસતાં જ બોલ્યો, “પહચાના કે નહિ?” રેશમા એકદમ સહજતાથી બોલી, “અરે, આપ કો વહીં સે દેખતે હી પહચાન ગઈ. કૈસે હો આપ?” આમ કહી બધાની ખબર પૂછી. તેનો દિકરો બિમાર હોવાનું મેં જાણેલું. એટલે એવી બધી વાતો થઈ.
બીજા દીકરા સાથે રેશમા |
'મૈં પઢને કી કોશિશ કરુંગી': પોતાની તસવીર વાળું પાન જોતી રેશમા |
હવે પુષ્પાબેને વાતચીતનો દોર હાથમાં લીધો. થોડી વાત કર્યા પછી મારી સાથે આવેલી યેશા અને શચીને તેમણે પોતાનું ગેસ્ટહાઉસ બતાવ્યું, સગવડો શું છે અને ભાવ શું છે તે પણ જણાવ્યું. હું રેશ્મા સથે વાતોએ વળગ્યો. રેશ્માના ઘેર આગલા દિવસે કોઈ નાનો પ્રસંગ હતો તેથી સગાંવહાલાં આવ્યાં હતાં. જે એક એક કરીને વિદાય થઈ ગયા હતા. મને રસ્તામાં તેના જેઠ પુરનભાઈ તેમના કુટુંબ સાથે મળ્યા હતા, એ મેં જણાવ્યું. દરમિયાન પૅન કેક તૈયાર થતાં અમે ગરમ ગરમ આરોગી. પછી મેં તેમના કેટલાક ફોટો લીધા. મારી સાથે હું એક ચિઠ્ઠી લાવેલો. મારી નાની દિકરી મલકે રેશ્માને ઉદ્દેશીને તે લખી હતી. મેં તેના હાથમાં આપી. મલકનો ચહેરો તેને બરાબર યાદ હતો. ચિઠ્ઠી વાંચતા હું તેના ચહેરાના ભાવ અવલોકી રહ્યો હતો. વાંચીને તે મલકાઈ. વચમાં પુષ્પાબહેન બોલતાં રહેતાં, ‘આજ આપ યહીં ઠહર જાઓ, સુબહમેં ચલે જાના. અચ્છા લગેગા.’ પછી જાતે જ કહે, ‘લેકિન આપ કો તો પરમિશન નહિ દેગા ના. વહાં રહના પડેગા, નહિ તો આ જાઓ આપ યહાં.’ મેં હસતા હસતા કહ્યું, “ઈસકી કોઈ જરુરત નહિં હૈ. બસ, આપ લોગોં કો મિલના થા. બહુત મજા આયા, આપસે મિલકર.” નમસ્કાર કરી અમે સાથે સાથે જ ચાલવા લાગ્યા. રેશ્મા તેના ઘર તરફ વળી ગઈ, હું ફરીથી સુરેશના ઘર તરફ.
'આપ યહીં ઠહર જાઓ..' : પુષ્પાબેન |
પાછા વળતાં ઘણું મોડું થયું હતું. યેશાના બુટમાં ગ્રીપ થોડી ઓછી હતી, એટલે તે અવઢવમાં હતી. ગામમાં વચ્ચોવચ એક દુકાન હતી. ખરું પૂછો તો ગામની એ એક માત્ર દુકાન હતી. ત્યાંથી અમારે જોઈતા બૂટ મળી ગયા. પણ ખિસ્સામાં હાથ નાંખતાં યાદ આવ્યુ કે પૈસા તો લીધા જ નથી. હવે શું? પણ દુકાનમાં હાજર નીન્નાબહેન વરસોથી ઓળખતાં હોય એમ બોલ્યાં, “કોઈ બાત નહિં, લે જાઓ.” હું ખરેખર દિગ્મૂઢ થઈ ગયો. કોઈ ઓળખાણ-પિછાણ વગર કેટલી સાહજિકતાથી તેઓ અજાણ્યાનો ભરોસો કરતા હતા? સાથે એ પણ વિચાર આવ્યો કે ગ્રહણને વિકાસનું ‘ગ્રહણ’ લાગશે ત્યાર પછી આ બધું ટકશે? અમે અમારી સાથે એક ત્યાંના નાનકડા છોકરાને સાથે લીધો, જેથી તેની સાથે પૈસા મોકલાવી શકાય.
**** **** *****
બીજા દિવસે સવારમાં આગળ વધવાનું હોવાથી નાસ્તો, પેકલંચ વગેરે આટોપાઈ રહ્યું હતું. અચાનક મેં જોયું તો અમારા કેમ્પ લીડર સાથે કોઈ વાત કરતું હતું. ચહેરો જોતાં જ હું ઝડપથી હાથ ઊંચો કરીને તે તરફ ધસી ગયો. “કેસે હો, સુરેશ?” અમે ભેટ્યા. સુરેશ ખાસ અમને મળવા આવ્યો હતો. કેટલીય વાર સુધી અમે વાતો કરતા રહ્યા, અને થોડી થોડી વારે એકબીજાને ભેટતા રહ્યા. તેના હાથમાં કંઈક હતું. થોડી વારમાં તેણે એ વસ્તુ મારા હાથમાં પકડાવી. મારા માટે તે નાનકડી ભેટ લઈને આવ્યો હતો. મેં આનાકાની કરી, પણ તે મારા હાથમાં એ પકડાવીને જ જંપ્યો. દરમિયાન વરસાદ ધીમો વરસવાનું શરુ થઈ ગયું હતું. સુરેશે જણાવ્યું કે તેને ગુજરાતમાં આવવાનું થવાનું છે. મેં તેને બેઝિઝક અમારે ત્યાં જ આવવાનું અને રોકાવાનું કહ્યું. ફોન નંબરની આપ-લે કરી. છેલ્લી વખત ભેટીને તેણે વિદાય લીધી. ઝરમર ઝરમર વરસાદમાં હું તેને જતો જોઈ રહ્યો. મારા માટે ગ્રહણની આ બીજી મુલાકાત એક યાદગાર સંભારણું બની રહ્યું. વરસાદની જાણે કોઈ ફિકર-ચિંતા નહોતી. અચાનક મારા ભાઈએ બૂમ પાડી મને બોલાવ્યો અને તંદ્રાવસ્થા જેવી આ અવસ્થામાંથી હું બહાર આવ્યો. સુરેશે આપેલી ગીફ્ટને હૈયાસરસી ચાંપીને હું આગળની કાર્યવાહીમાં પરોવાઈ ગયો. હવે હું એકલો નહોતો.મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં ગ્રહણની ઘટનાઓ, પાત્રો અને સ્મૃતિનું એક આવરણ હતું. તેને લઈને હું આગળ વધ્યો.