આજના દિવસનું એટલે કે ૨૮મી ઓગસ્ટનું સ્થાન મારા જીવનમાં બહુ વિશિષ્ટ
છે. બાવીસેક વરસ સુધી મેં અનેક વાર મારી જન્મતારીખ નહીં લખી હોય
એથી અનેકગણી વાર ૨૮/૮/૮૫ ની તારીખ લખી હશે. એ મારી જોઈનીંગ ડેટ હતી, આઈ.પી.સી.એલ.માં
મારા જોડાવાની તારીખ. અને ટેકનીકલી જોઈએ તો મારી નોકરી કન્ફર્મ થયાની તારીખ. બરાબર એક વરસ પહેલાં, ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિનીયરીંગની ડીગ્રી મેળવ્યા પછી ૨૮/૮/૮૪ના દિવસે હું એપ્રેન્ટીસ તરીકે જોડાઈ ગયો હતો.
પણ નોકરીના ખરા લાભ એક વરસ પૂરું થાય અને એ પછી નોકરીમાં લેવામાં આવે ત્યારે શરૂ થાય. સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સા સિવાય એપ્રેન્ટીસને લઈ લેવામાં આવતા હતા. જો કે, તેની લેખિત બાંહેધરી અપાતી નહીં.
એપ્રેન્ટીસશીપનો ગાળો પૂરો થાય એટલે ખરેખર તો તેની જાણ કરતો પત્ર કંપની તરફથી મળી જવો જોઈએ. પણ એ મળવામાં વિલંબ થાય એટલે મનમાં રાહત થાય કે નોકરી પાકી છે. જેમ લેટર મોડો મળે એમ એટલા મહિનાનો
પગાર સામટો મળે, એ પણ વધારાનો આનંદ.
એક વરસની એપ્રેન્ટીસશીપ
દરમ્યાન દર ત્રણ મહિને ‘એસેસમેન્ટ’ (મૂલ્યાંકન) થાય, જેમાં ટ્રેનિંગ દરમ્યાન અમને આપવામાં આવેલી જર્નલ હાથમાં પકડીને, સેફ્ટી શૂઝ
તેમજ યુનિફોર્મ ચડાવીને હાજર થવાનું. એ દિવસ એક રીતે આપણા બેચમેટ્સને મળવાનો દિવસ બની રહે. એસેસમેન્ટમાં વિવિધ પ્લાન્ટના ચાર-પાંચ અધિકારીઓ બેઠા હોય. તેઓ પ્રશ્નો
પૂછે,અને સંતોષકારક જવાબ મળતાં તે મુજબ માર્ક મૂકે. આમ જુઓ તો આખી
ઔપચારીકતા, પણ તેનું મહત્વ ઘણું. સામાન્ય ટ્રેન્ડ એવો ખરો કે પોતાના પ્લાન્ટમાં
કામ કરતો 'ટ્રેઈની' (એપ્રેન્ટીસશીપ દરમ્યાન અમારા માટે વપરાતો શબ્દ) હોય અને એ જ
પ્લાન્ટના અધિકારી એસેસમેન્ટમાં બેઠા હોય તો તેઓ એની તરફેણ કરે. પણ અમારા
પ્લાન્ટના અધિકારીઓમાં કોણ જાણે કેમ પહેલેથી જ ‘વલંદા સીન્ડ્રોમ’(શબ્દસૌજન્ય: રજનીકુમાર પંડ્યા. હાલ પૂરતો ટૂંકો અર્થ- પોતાના જ
માણસની સામે પડવું) જોવા મળતું.
**** **** ****
જોડાયાના ત્રણ મહીના પછી અમારું પહેલવહેલું એસેસમેન્ટ હતું. નિયત સમયે હું ટ્રેનિંગ સેન્ટર પહોંચી ગયો. મારી સાથે હર્ષદ પરમાર હતો, જે કૉલેજમાં મારો સહાધ્યાયી હતો અને પ્લાન્ટમાં પણ સાથે હતો. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે અમારા પ્લાન્ટના શિફ્ટ એન્જિનીયર બી.કે. ચક્રવર્તી એસેસમેન્ટમાં બેસવાના હતા. રાજી થવું કે ગભરાવું એ નક્કી કરી શકાય એમ નહોતું. કેમ કે, ચક્રવર્તીસાહેબનો ખાસ પરિચય નહોતો. ત્રણ મહિનામાં અમને ખાસ તાલિમ પણ ન મળી હોય એટલે સામાન્ય ધારણા એવી કે અમને એવા સવાલ પૂછવામાં આવે જે અમને સહેલાઈથી આવડે. પ્લાન્ટની કામગીરીને લગતા વિગતવાર સવાલ ન પૂછાય.
સામાન્ય રીતે આ પ્રકારના એસેસમેન્ટ હોય કે કૉલેજના 'વાઈવા', એક એવી જમાત દરેક જગ્યાએ જોવા મળે કે તેઓ એક જણ પરીક્ષા આપીને બહાર નીકળે એ સાથે જ એને ઘેરી વળે અને 'શું પૂછ્યું?'નો મારો ચલાવે. આટલું પૂછીને તેઓ અટકે નહીં, પણ બાકીના લોકોમાં તેઓ ગભરાટ ફેલાવે. આવી સેનાથી કૉલેજમાં પણ અમે (હું અને ભરુચસ્થિત મિત્ર દેવેન્દ્રસિંહ ગોહીલ) દૂર રહેતા. કૉલેજમાં તો દેવેન્દ્રસિંહ તાલવ્ય તેમજ ઔષ્ઠ્ય વ્યંજનથી શરૂ થતા અમુક શબ્દોનું ફાયરીંગ કરીને આવા લોકોને ભગાડી મૂકતા. પણ તેણે જી.એન.એફ.સી.માં જોડાવાનું પસંદ કર્યું અને અમે છૂટા પડ્યા. ત્યાર પછી પહેલી વાર મને અહીં તેની ખોટ મહેસૂસ થઈ.
એક પછી એક જણનું એસેસમેન્ટ પતતું ગયું. આખરે મારો પણ વારો આવ્યો. હું હજી પ્લાન્ટના ઓપરેશન વિભાગમાં મૂકાયો નહોતો, બલ્કે રસાયણોની આવકજાવકનો હિસાબ રાખતા ‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ'માં મને મૂકવામાં આવ્યો હતો. જે બાબતો કૉલેજમાં ભણવાનો સખત ત્રાસ થતો હતો એ જ અહીં ફરજના ભાગરૂપે કરવું પડતું હતું.
ચક્રવર્તીસાહેબે કદાચ મને મદદરૂપ
થવા માટે સરળ સવાલો પૂછ્યા હશે, પણ મને તેના જવાબ બરાબર ન ફાવ્યા. અન્ય સાહેબો સવાલ પૂછે તેનું પુનરાવર્તન પણ ચક્રવર્તીસાહેબ કરતા, જેથી મને વિચારવા માટે સહેજ સમય મળી રહે. એ પણ મને ન ફાવ્યું. ‘હાઈડ્રોકાર્બન
એકાઉન્ટીંગ’માં કામ કરતો હોવાનું જાણ્યું એટલે એટલે એક સાહેબે મને મટીરીયલ બેલેન્સ પૂછ્યું. મેં
આત્મવિશ્વાસપૂર્વક બ્લેકબોર્ડ પર એ કરી બતાવ્યું. પણ તેમાં ઈનપુટ કરતાં આઉટપુટ વધુ
આવ્યું. (હજી આજેય કશાનો હીસાબ લખવા બેસું ત્યારે પહેલી વાર તો એવું જ થાય કે
ખિસ્સામાં હોય એના કરતાં ખર્ચેલી રકમનો આંકડો વધી જાય.) આ જોઈને મારા પર બધા બગડ્યા. અમસ્તા પણ નવાસવા, સામે કશું ન બોલી શકે એની ખાતરીવાળા માણસોને ધમકાવવાનો એક આનંદ હોય છે. એ આનંદોત્સવનો લ્હાવો લૂંટવાના ભાગરૂપે એક સાહેબે કહ્યું, “તમે બરાબર ટ્રેનિંગ લેતા નથી. કોણે શીખવાડ્યું તમને આવું? ” તેમણે કદાચ મને ઉપાલંભ આપ્યો હશે, પણ હું સમજ્યો કે તેઓ મને સવાલ પૂછી રહ્યા છે. એટલે મેં ભોળાભાવે કહ્યું, “કોઈએ નહીં, સર! ટ્રેઈનીને કોણ શીખવે? અમે તો આવડે એટલું જાતે જ શીખીએ છીએ.” આમ, આ ઉઘાડું સત્ય, પણ આમ અધિકૃત રીતે સાંભળવું કોઈને ગમ્યું નહીં. ખેર! એ વાત ત્યાં પૂરી ગઈ. હું બહાર નીકળ્યો કે પેલી 'શું પૂછ્યું?' ગેન્ગ મારા પર ત્રાટકી. પરાણે હસતું મોં રાખીને તેમને મેં ટાળ્યા અને મારા પ્લાન્ટ પર પાછો આવ્યો. મનમાં સખત ગભરાટ થતો હતો. પ્લાન્ટ પર ઘણાએ પૂછ્યું, "કેમ રહ્યું?" મેં માત્ર હાસ્ય કરીને ડોકું ધુણાવ્યું. પૂછનારે જે સમજવું હોય એ સમજે. એમ થોડા દિવસ વીત્યા અને એ વાત વીસરાતી ચાલી.
**** **** ****
સ્થિર લાગતું પાણી થોડા દિવસ પછી સળવળ્યું. હર્ષદ અને મારા- બન્ને જણના નામે ટ્રેનિંગ સેન્ટરમાંથી એક ‘એડવાઈઝરી નોટ’ આવી, જેમાં જણાવાયું હતું કે તમારો
દેખાવ સંતોષકારક નથી, માટે તમને સલાહ આપવામાં આવે છે કે સો એન્ડ સો. આ કાગળ પ્લાન્ટના
મેનેજરની સહી થયા પછી અમને મળે. એટલે જોતજોતામાં આખા પ્લાન્ટમાં વાત ફેલાઈ ગઈ કે ‘બે ટ્રેઈનીઓને
મેમો મળ્યો.’ આમ, આ ગંભીર બાબત કહેવાય, કેમ કે એ મેમો અમારી પર્સનલ ફાઈલમાં જાય તો કદાચ અમારી નોકરી પાકી થવામાં
તે બાધારૂપ બની શકે. આવા અનેક વિચારો મનમાં ઉગે, પણ એ વિચારવાનો કશો અર્થ નહોતો. અલબત્ત, અમારા પ્લાન્ટના મેનેજરે અમને બોલાવ્યા. સહી કરીને કાગળ અમને સુપરત કરી દીધો અને કહ્યું, 'મહેનત કરજો. બાકી ચિંતા કરવાની જરૂર નથી. આ કાગળ પર્સનલ ફાઈલમાં નહીં જાય.' પણ
પત્રને છેડે ‘સી.સી. ટુ પર્સનલ ફાઈલ’ લખાયેલું સ્પષ્ટ વાંચી શકાતું હતું.
ટ્રેનિંગના વરસમાં જ આવું થાય તો તો આઈ.પી.સી.એલ.માં નોકરી મળે એ પછી અમે સેવેલાં
અરમાનોનું શું? અમારા ભાવિનું શું? આવો સવાલ પણ ઊંડે ઊંડે થતો હતો,
આવી ગંભીર વાત ઘેર કોઈને કરવાનો ખાસ અર્થ નહોતો. એમ થાય કે ઘરનાં સભ્યોને ક્યાં આમાં નાંખવા અને તેમને ટેન્શન કરાવવું? દરમ્યાન અમારા પ્લાન્ટના લોકલ લીડર
થોરાતને કાને આ વાત પહોંચી. થોરાત મરાઠીભાષી હતા, અને એકદમ સ્પષ્ટ ઉચ્ચારવાળું ગુજરાતી બોલતા હતા. તે કદી શબ્દો વેડફે નહીં, એવી છાપ અમને પડેલી.
તે અમને મળ્યા અને પૂછ્યું કે શું થયું હતું. આખી બીના જાણવા ખાતર તેઓ આમ પૂછતા હશે એમ અમને લાગ્યું, કેમ કે, ઘણા અમારી પાસેથી 'એક્ચ્યુલી શું થયું હતું?'ના જવાબમાં 'ફોર્મ ધ હોર્સિસ માઉથ' મેળવેલો 'ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ' લઈ ચૂક્યા હતા. થોરાતદાદાએ પૂછ્યું તેની ગંભીરતાનો અમને સહેજ પણ ખ્યાલ નહોતો. તેમણે એકદમ તર્કબદ્ધ રીતે અમને કહ્યું, 'તમને
એ લોકો કશી પદ્ધતિસરની તાલિમ આપતા નથી. તમે તમારી મેળે જ તાલિમ લઈ લો છો. તો પછી એ લોકો તમને મેમો શી રીતે આપી શકે?' અમને થયું કે વાત તો સાચી, પણ આવું અમારાથી શી રીતે કહેવાય? આવું કહેવા જઈએ તો 'એપ્રેન્ટિસશીપ'માંથી 'એપ્રેન્ટિસ' શબ્દ નીકળી જાય અને અમે માત્ર 'શીપ' બની રહીએ.
પણ થોરાતદાદાએ યુનિયન
લેવલે આ વાત ઉપાડી. ત્યારે યુનિયન લીડર બનતા સુધી અનિલ ભટ્ટ હતા. તેમને આખા બનાવની જાણ કરવામાં આવી. પછી પૂછવું જ શું? આખો વરઘોડો વાગતો વાગતો ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો હશે. ટ્રેઈનીઓનો કોઈ બેલી ન હોય, કેમ કે આમ તો તેઓ એક વરસ પૂરતા જ હોય. પણ યુનિયનવાળાએ અમારો પક્ષ લઈને
ટ્રેનિંગ સેન્ટરવાળાઓને બરાબરના ભીંસમાં લીધા હશે. છેવટે એ ભીંસ ઉતરી આવી અમારી પર.
એક દિવસ મને અને હર્ષદ પરમારને ટ્રેનિંગ સેન્ટરનું નોંતરું આવ્યું. અલબત્ત, અમને સહેજ પણ અણસાર નહોતો કે યુનિયનવાળાઓ ત્યાં જઈને ધુંઆધાર બૅટીંગ કરી આવ્યા છે. તેઓ અમને શા માટે જણાવે? એટલે હું અને હર્ષદ નિર્દોષભાવે, છતાં ફફડતા હૈયે ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યા.
ઘડી ઘડી મેરા દિલ ધડકે... |
અમારા ટ્રેનિંગ ઓફિસર બૅન્કરસાહેબ હતા, જેમની સામાન્ય છાપ ટ્રેઈનીઓના હિતેચ્છુ હોવાની હતી. પણ એ દિવસે તેઓ બરાબર વરસ્યા. અમને બન્નેને બરાબર ધમકાવ્યા. તેમાં એક ચીમકી એવી પણ હતી કે તમારી નોકરી પાકી નહીં થાય. તમે
અત્યારથી યુનિયનબાજી કરતા થઈ ગયા છો, તો નોકરી મળ્યા પછી શું ન કરો? અમારે સામી દલિલનો કશો અવકાશ જ ન હતો. અમસ્તો અમારો દેખાવ એસેસમેન્ટમાં નબળો હતો, અને એ મુદ્દે યુનિયનવાળાઓએ તેમને જવાબદાર ઠેરવ્યા હતા. એટલે તેમનો ગુસ્સો સમજી શકાય એવો હતો. જેટલા ફફડતા હૈયે અમે ગયા હતા, એથી વધુ ફફડતા હૈયે અમે પાછા આવ્યા. 'હવે શું?' એ સવાલ મનમાં પેદા થતો, પણ પૂછવું કોને?
સામાન્ય રીવાજ
એવો કે બધા ટ્રેઈનીઓને એપોઈન્ટમેન્ટ લેટર નિયત સમયમર્યાદામાં મળી જતો. જવલ્લે જ
એવું બનતું કે કોઈનો દેખાવ સંતોષકારક ન હોય તો ટ્રેઈનીંગ લંબાવવામાં આવે, જે એક રીતે કાળી ટીલી ગણાતી. તેનાથી 'જોઈનીંગ ડેટ' પાછી ઠેલાતી અને કાયમી નોકરીના લાભ મળવામાં પણ વિલંબ થતો. 'એની તો ટ્રેઈનીંગ એક્સટેન્ડ થઈ છે' એવી રાસાયણિક (પેટ્રોકેમિકલ સંકુલ હોવાને કારણે) બદનામી મળે એ અલગ.
યુનિયનવાળાને તમે કશી વાત કરેલી? |
અમારી સ્થિતિ 'કહા ભી ન જાયે ઔર સહા ભી ન જાયે' જેવી હતી. આટલું ઓછું હોય એમ એક વાર પ્લાન્ટના પર્સોનેલ
વિભાગમાંથી અમારા માટે તેડું આવ્યું. હવે અમને ખબર પડી ગઈ હતી કે અજાણી જગ્યાએથી તેડું આવે એટલે અમને ધમકાવવા માટેનું જ હોય. ફરી હું અને હર્ષદ સાથે ગયા. પર્સોનેલ ઑફિસર બક્ષીસાહેબ હતા, જે એક મુત્સદી (છતાં) સજ્જન હોવાની છાપ ધરાવતા હતા.
અમે તેમની સન્મુખ થયા. ઉંદરને રમાડતી બિલાડીની
જેમ નવેસરથી અમને પૂછવામાં આવ્યું, 'શું થયેલું? તમે કોઈ યુનિયનવાળાને ફરિયાદ કરેલી?' હા પાડવી કે ના એ ન સમજાય એવો સવાલ હતો. છેવટે અમે કહ્યું, 'અમે કશું સામે ચાલીને કહ્યું નહોતું, પણ એમણે પૂછ્યું એટલે કહેવું તો પડે જ
ને! અમને ખબર નહીં કે એ લોકો આવું કરશે.' અહીં અમને ધમકાવવાને બદલે ‘આવું ન થાય’ કહીને અમને
વિદાય કરવામાં આવ્યા. પણ અમને ફડકો હતો કે વાત ક્યાંક આગળ ન વધે.
**** **** ****
છેવટે ટ્રેનિંગ સેન્ટરવાળાએ અમને
ફાયરીંગ આપ્યાની વાત મેં હેમંતભાઈ ઉપાધ્યાયને કરી. તેમના પરિચયમાં ઘણું કહી શકાય એમ છે. અહીં ફક્ત એટલું કહું કે આઈ.પી.સી.એલ. ખાતે તે મારા વાલી સમાન હતા. અમારા કનુકાકાના તે ભાણેજજમાઈ થાય (હેમંતભાઈ થોડા મહિના પહેલાં જ અમેરિકાખાતે અવસાન પામ્યા). તેઓ મારા જ પ્લાન્ટમાં હતા. ખરેખર તો હું તેમના પ્લાન્ટમાં હતો એમ કહેવાય. હેમંતભાઈએ આખી વાત સાંભળી. તેમણે મને હિંમત આપતાં કહ્યું, 'ચિંતા કરવાની જરૂર નથી. બૅન્કર મારો મિત્ર છે. એની સાથે હું વાત કરી લઈશ.' મને ધીમે ધીમે જાણ થઈ કે હેમંતભાઈની ખ્યાતિ 'ગોળીઓના વેપારી' તરીકેની હતી. એટલે કે તેઓ માણસ મુજબ, કામ મુજબ પોતાની ગોળી સામાને ગળે ઉતારી શકતા. પછીના વરસોમાં તેમના પરચા પણ જોવા મળ્યા. તેઓ ટ્રેનિંગ સેન્ટર ગયા અને બૅન્કરસાહેબને મળ્યા. એ મુલાકાતની વાત તેમણે મને જણાવી. અને કહ્યું, 'બૅન્કરે કહ્યું કે તમને કંઈ થવાનું નથી. પણ આવું કરે એટલે ધમકાવવા પડે. એટલે જ ધમકાવ્યા હતા, જેથી તેઓ આગળ કશું કરે નહીં.' બૅન્કરે તેમને ખાતરીપૂર્વક કહ્યું હતું કે અમને કંઈ
થશે નહીં.
આ સાંભળીને મનમાં ઘણી શાંતિ થઈ. હેમંતભાઈનો આભાર માન્યો.
**** **** ****
જોતજોતાંમાં વરસ પૂરું થયું. હેમંતભાઈને બૅન્કરે આપેલી ખાતરી છતાંય ટ્રેનિંગ પત્યે અમને
એપોઈન્ટમેન્ટ લેટર તરત ન મળ્યો. એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના. શરૂઆતના દિવસોમાં મનમાં બહુ ઉચાટ રહેતો. પણ પછી ખબર પડી કે કાઢવાના હોય તો તરત જણાવી દે. એમ નથી જણાવ્યું એનો અર્થ એ કે લેટર મળશે એ નક્કી છે. જો કે, પછી કશું થયું
નહીં ને બીજા બધાની સાથે જ અમને નિમણૂંકપત્ર મળી ગયો. એ મળ્યાનો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ વધુ આનંદ અમને કંઈ ન થયાનો હતો, જે સ્વાભાવિક જ હતો. પાંચેક મહિના
પછી હાથમાં પત્ર આવ્યો અને એ પછીની આખર તારીખે સામટો પગાર હાથમાં આવ્યો (લગભગ
અઠ્ઠાવીસસો રૂપિયા).
દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા... |
પગાર આવ્યો એ જ દિવસે હું કંપની પરથી સીધો વડોદરા સ્ટેશન પર પહોંચ્યો. ત્યાંં આવેલી ‘હોટેલ એમ્બેસેડર’માં જઈને
કાજુકતરીનાં બે પેકેટ ખરીદ્યાં. (ત્યારે કદાચ અઢીસો રૂપિયે કીલો હતી.) એક ઘર માટે અને બીજું હેમંતભાઈ માટે.
ભવિષ્ય સુનિશ્ચીત થયાની એ ખાતરી હતી, તેમ મનમાં એ જ
ખ્યાલ હતો કે વયનિવૃત્ત પણ અહીંથી જ થઈશું. જો કે, એ વખતે સપનેય ખ્યાલ નહોતો કે અહીંથી શરૂ થયેલી કારકિર્દી સદંતર બદલાઈ જશે અને સાવ નવા ક્ષેત્રમાં કારકિર્દી આરંભાશે.
**** **** ****
બાવીસ વરસ સુધી આઈ.પી.સી.એલ.માં નોકરી કરી. ત્યાર પછી ૨૦૦૭માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લેખનની નવી કારકિર્દી શરૂ કરી. હકીકતમાં એ 'નિવૃત્તિ' નહીં, પણ 'કાર્યપરિવર્તન' હતું. મારાં ઘણા સગાંઓ ત્યારે માનતાં (અને અમુક હજી માને છે) કે બહુ તગડું પેકેજ લઈને મેં નિવૃત્તિ લઈ લીધી છે અને હું ઘેર રહીને આખો દિવસ આરામ કરું છું. તેમનો ભ્રમ તોડવાનું પાપ કરવું ગમતું નથી.
'બડે અરમાનોં સે' જ્યાં 'પહલા કદમ' 'રખ્ખા' થા, એ 'આઈ.પે.સી.એલ.' પણ 'વક્ત' ના 'હસીં સિતમ'નો ભોગ બન્યું છે અને નવા નામ 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.'થી ઓળખાય છે. 'હમ રહે ન હમ'ની સ્થિતિ હોય ત્યાં 'તુમ રહે ન તુમ'ની ફરિયાદ ન હોય.
'બડે અરમાનોં સે' જ્યાં 'પહલા કદમ' 'રખ્ખા' થા, એ 'આઈ.પે.સી.એલ.' પણ 'વક્ત' ના 'હસીં સિતમ'નો ભોગ બન્યું છે અને નવા નામ 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.'થી ઓળખાય છે. 'હમ રહે ન હમ'ની સ્થિતિ હોય ત્યાં 'તુમ રહે ન તુમ'ની ફરિયાદ ન હોય.
એ વખતે પચીસ વરસની નોકરી પૂરી કરે એવા કર્મચારીઓને ચાંદીનો સિક્કો ભેટરૂપે આપવાનો રિવાજ હતો. માત્ર ૪૨ વર્ષની વયે, બાળકો સાવ નાનાં હોવા છતાં, ખાડીના કોઈ દેશોમાં નસીબ અજમાવવા જવાને બદલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હું સાવ અજાણ્યા અને આર્થિક રીતે અસલામત ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો હોવાની ચિંતા સુધીરભાઈ જેવા વડીલમિત્ર અને હિતેચ્છુએ મારી સમક્ષ વ્યક્ત કરી. હું ભૂલ કરી રહ્યો હોવાનું પણ તેમને લાગ્યું હશે. અમુકની એક ફરિયાદ એ પણ હતી કે હું ત્રણ વરસ વધુ રોકાયો હોત તો મને ચાંદીનો સિક્કો મળ્યો હોત.
અલબત્ત, ‘ચાંદી કે ચંદ ટુકડોં
કે લીયે’ રોકાવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. ઘણાને એમ પણ લાગ્યું કે એ મેં ‘ખોયો’.
જો કે, 'મૈંને કુછ ખોયા હૈ' ને બદલે 'મૈંને કુછ પાયા હૈ' ની લાગણી જ મને એ આ નવી કારકિર્દીમાં સતત થતી રહી છે.
આમ છતાં, દર વરસે ૨૮ ઑગસ્ટ આવે એટલે અનાયાસે એ શરૂઆતના દિવસો યાદ આવી જાય છે.
(આ નોકરીની કેટલીક રસપ્રદ વાતો સમય મળ્યે અહીંં લખતો રહીશ.)
(તસવીરો નેટ પરથી)