“એક કૉલગેટ આપજો.”
“કઈ આપું?”
“ક્લોઝ અપ.”
આ જોક મારો બનાવેલો
નથી, ફેસબુક પર ક્યાંક વાંચેલો છે. પણ એમાં અતિશયોક્તિ જરાય
નથી. અમુક બ્રાન્ડનાં નામ આપણા દિમાગમાં એ હદે ઊંડા ઊતરી ગયાં છે કે એ બ્રાન્ડનેમને
બદલે જે તે ચીજની ઓળખ બની ગયાં છે. જે તે કંપનીને આવું બ્રાન્ડનેમ નક્કી કરતી
વખતે ભાગ્યે જ ખ્યાલ હશે કે તે આ હદનાં લોકપ્રિય થશે.
આપણા સૌના મનમાં આવી
ઘણી પ્રોડક્ટની સાથે તેનું બ્રાન્ડનેમ નોંધાઈ ગયેલું હશે. ‘કૉલગેટ’ ટૂથપેસ્ટનો પર્યાય બની રહ્યું છે, એમ ‘લક્સ’ સૌંદર્ય સાબુની ઓળખ
બની રહ્યો છે. જે તે કંપની માટે આ એક બ્રાન્ડનેમથી વધુ કંઈ જ નહીં હોય, અને એટલે જ પોતાનાં અન્ય ઉત્પાદનો માટે પણ આનું આ બ્રાન્ડનેમ તેમણે વાપરેલું
છે.
અહીં જાહેરખબરના
કેટલાક એવા નમૂના આપવામાં આવ્યા છે, જેમાં એક જ પ્રચલિત
બ્રાન્ડનેમનાં અન્ય ઉત્પાદનો પણ બજારમાં મૂકાયાં હોય. એ કેટલું ચાલ્યાં કે નહીં
એની જાણ નથી, પણ આજે આપણને ભાગ્યે જ એ યાદ છે, એ નક્કી.
'આરપાર' ના ઉર્વીશ અને પ્રણવ અધ્યારુના સુવર્ણયુગમાં તૈયાર કરાયેલા અનેક વિશેષાંકોમાં એક 'જાહેરખબર વિશેષાંક' પણ હતો. તેમાં 'અમે આ ધંધામાં પણ હતા'ના શીર્ષકથી આવો સફળ પ્રયોગ કરવામાં આવેલો.
એમાં વપરાઈ હતી એ ઉપરાંતની અમુક જાહેરખબરોનો પણ આમાં સમાવેશ કર્યો છે.
આ વાંચીને આશ્ચર્યના
આંચકા ન લાગે તો કંઈ નહીં, આવું કંઈક હતું એની
યાદ આવે તોય પૂરતું છે.
**** **** ****
કૉલગેટ:
વિલીયમ કૉલગેટે ન્યૂ
યોર્કમાં સ્થાપેલી આ કંપની આજે તો બસો વર્ષ જેટલી જૂની થઈ ગઈ છે. તેનો આરંભ સાબુ
અને મીણબત્તીઓ બનાવવાથી થયેલો. ‘કૉલગેટ’નું નામ આજે ટૂથપેસ્ટની ઓળખ બની ગયું છે. વખતોવખત પોતાની ટૂથપેસ્ટમાં વિવિધ
તત્ત્વો હોવાનું દર્શાવતી ‘કૉલગેટ’ની જાહેરખબરો અલગ બ્લોગપોસ્ટનો વિષય છે. આ પોસ્ટના આરંભે લખાયેલી સ્થિતિ
વાસ્તવિકતા બની ગઈ હોય એ હદે લોકો આ નામને ટૂથપેસ્ટ સાથે સાંકળી લે છે.
‘કૉલગેટ’ દ્વારા ‘હેર ટૉનિક’ પણ બજારમાં
મૂકવામાં આવ્યું હતું, જે લેનોલીન ધરાવતું હતું. આ તેલને શી રીતે વાળમાં
લગાડવું અને એ લગાડ્યા પછી વાળ કેવા દેખાશે એ પણ દેખાડવામાં આવ્યું હતું.
વાળ માટે જ ઉપયોગી
એવું ‘કૉલગેટ’નું બીજું ઉત્પાદન
હતું સુગંધીદાર દીવેલ અર્થાત ‘પરફ્યુમ્ડ કેસ્ટર
ઑઈલ’. કોઈ પણ કંપનીના તેલની જાહેરખબરમાં ડોકીને હળવો
ઝટકો આપીને પાછળ જોતી અને એ રીતે વાળના ગુચ્છાને ઉછાળતી યુવતીઓની જાહેરખબર આજકાલ
સામાન્ય છે, ત્યારે ‘કૉલગેટ’ની આ જાહેરખબરમાં યુવતીના ચિત્રથી કામ ચલાવવું પડ્યું છે.
‘કૉલગેટ’નું શેવિંગ ક્રીમ પણ આવતું હતું, જે ‘મેન્થોલેટેડ’ હોવાથી ઠંડકનો અહેસાસ કરાવતું હતું. ઠંડકના અહેસાસ માટે બર્ફીલાં શિખરોનું ચિત્ર
મૂકેલું છે.
વેસેલીન:
રોબર્ટ ઑગસ્ટસ
ચેઝબ્રો નામનો બ્રિટીશ વૈજ્ઞાનિક પેટ્રોલિયમમાંથી બીજી શી ચીજો બની શકે તેના અખતરા
કરતો હતો. ડ્રીલીંગ દરમિયાન ત્યાંના માણસો તેમાંથી નીકળતા એક પદાર્થને પોતાના ઘા
પર લગાડતા હતા એ તેણે જોયું. ચેઝબ્રોએ આ જોયું અને તેણે પોતાના અખતરા શરૂ કર્યા.
પાંચેક વરસ પછી તેને સફળતા મળી અને એવી પેટ્રોલિયમ જેલી તેણે તૈયાર કરી, જે ગંધરહિત, સ્વચ્છ અને હવાના પરપોટારહિત હોય. ૧૮૬૫માં તેણે
પેટન્ટ રજીસ્ટર કરાવી. બીજા પાંચેક વર્ષ સુધી પ્રયોગો ચાલુ રાખીને ખાતરી કર્યા
પછી ૧૮૭૦માં તેણે બ્રૂકલિનમાં ફેક્ટરી સ્થાપી અને મોટા પાયે અમેરિકન બજારમાં
પ્રવેશ કર્યો. ‘વન્ડર જેલી’ તરીકે વેચાતી આ
પ્રોડક્ટના પરચા દેખાડવા માટે ચેઝબ્રો પોતાની આંગળી પર એસિડ રેડતો કે જ્યોત પર
આંગળી ધરી રાખતો અને પછી તેની પર આ જેલી લગાડીને દેખાડતો કે તેનાથી કેવી રાહત થઈ
જાય છે. પ્રોડક્ટ ઠીક ઠીક ચાલવા લાગી એ પછી ચેઝબ્રોએ ૧૮૭૨માં ‘વેસેલીન’ નામ રજિસ્ટર કરાવ્યું. પાણી માટેના જર્મન શબ્દ ‘વૉસર’/ wasser અને તેલ માટેના ગ્રીક શબ્દ
ઓલીઆં/oleon ને જોડીને ‘વેસેલીન’ શબ્દ બનાવ્યો હોવાનું મનાય છે.
બે વર્ષમાં તો આ નામ ઘરઘરમાં જાણીતું બની ગયું અને શીશીઓ ચપોચપ વેચાવા માંડી. પછી
તો તેના જાતભાતના ઉપયોગ લોકોએ જ શોધી કાઢ્યા.
માલિકીની ફેરબદલ પછી આજે એ ‘યુનિલીવર’
કંપનીનો હિસ્સો છે. પણ શરીરે લગાવવાની જેલી (જેને ઘણા ‘ક્રીમ’ પણ કહે છે) એટલે ‘વેસેલીન’ એ
અર્થ એવો રૂઢ થઈ ગયો કે દુકાનદારો આજે પણ કહે છે, “આ અજમાવી
જુઓ. આ એક નવી કંપનીનું વેસેલીન આવ્યું છે.”
‘વેસેલીન’ બ્રાન્ડનું ‘હેર ટોનીક’, ‘હેર ક્રીમ’ તેમજ ‘લીક્વીડ શેમ્પૂ’ પણ
બજારમાં મૂકાયું હતું.
પહેલી બન્ને પ્રોડક્ટમાં પુરુષ મોડેલના ચહેરા આખા દેખાડાયા
છે, જ્યારે શેમ્પૂની જાહેરખબરમાં સ્ત્રી મોડેલના ચહેરાને
બેરહેમીથી કાપી નાંખીને તેના વાળ જ દેખાડાયા છે. આ પ્રોડક્ટ
નહીં ચાલવાનું કારણ કદાચ આ તો નહીં હોય ને? તેલ શી રીતે
વાળને તંદુરસ્ત રાખે છે, તેનું વૈજ્ઞાનિક કારણ રસ પડે એવું
છે. વાળ ધોવા માટે સામાન્યપણે મળતા સાબુની સામે આ ‘લીક્વીડ
શેમ્પૂ’ આવ્યું હશે એમ લાગે છે.
ફીલીપ્સ:
હોલેન્ડમાં જેરાર્ડ ફીલીપ્સ અને તેના પિતા ફ્રેડરિક
ફીલીપ્સે ૧૮૯૧માં ફીલીપ્સ એન્ડ કં.ની સ્થાપના કરી. ૧૮૯૫માં જેરાર્ડનો ભાઈ આન્તોન
જોડાયો અને થોડા જ વરસોમાં તેણે આ કંપનીને ખ્યાતનામ બનાવી દીધી. કાર્બન ફીલામેન્ટવાળા
બલ્બ બનાવવાનું તેમણે શરૂ કર્યું અને જોતજોતાંમાં તેનો વ્યાપ એટલો વિસ્તર્યો કે
૧૯૧૪માં તેમણે પોતાની આગવી રીસર્ચ લેબોરેટરી સ્થાપી.
૧૯૨૭માં રેડીયો બનાવ્યા પછી ૧૯૩૨ સુધીમાં તે રેડીયોના
સૌથી મોટા ઉત્પાદક બની ગયા. ઑડીયો કેસેટ અને સી.ડી.ની શોધ કરનાર અગ્રણીઓમાં પણ આ
કંપનીનું નામ છે. આજે તો તે અનેક ઈલેક્ટ્રીક ઉપકરણો, તબીબી સાધનો, લાઈફસ્ટાઈલ ઉપકરણો અને
ધ્વનિ ઉપકરણો બનાવે છે.
‘ફીલીપ્સ’ એટલે ‘સાઉન્ડ’ એમ કહેવામાં અતિશયોક્તિ ન લાગે એવી આ કંપનીએ સાયકલ પર પણ હાથ અજમાવ્યો
હતો અને મદ્રાસની ટી.આઈ.સાઈકલ્સ ઑફ ઈન્ડીયાના સહયોગમાં ભારતના બજારમાં સાયકલો
મૂકી હતી.
‘મીલ્ક ઑફ મેગ્નેશીયા’ એટલે કે રેચક
(લેક્સેટીવ) પણ ફીલીપ્સે બજારમાં મૂક્યું હતું, જે શીશીમાં
તેમજ ગોળીઓના સ્વરૂપે પણ મળતું હતું.
સીંગર:
આઈ.એમ.સીંગર નામના અમેરિકન સજ્જને એડવર્ડ ક્લાર્ક નામના
વકીલ સાથે મળીને ૧૮૫૧માં આઈ.એમ.સીંગર એન્ડ કં.ની સ્થાપના કરી, જે સિલાઈ મશીન બનાવતી હતી. ૧૮૬૫માં તેનું
નામ બદલીને ‘સીંગર મેન્યુફેક્ચરિંગ કં.’ કરવામાં આવ્યું. ત્યાર પછી ૧૯૬૩માં તે બદલાઈને ‘ધ સીંગર
કંપની’ થયું. સાદાં સિલાઈ મશીનથી માંડીને જાતજાતની એમ્બ્રોયડરી
થઈ શકે એવાં મશીન તેમજ મશીનોના વિવિધ ભાગ બનાવતી ‘સીંગર’ કંપની હવે ઈલેક્ટ્રોનીક સિલાઈ મશીનો પણ બનાવે છે. આ કંપનીના લોગોમાં જ ‘એક સમયે ‘સીંગર સ્યુઈંગ મશીન્સ’ લખેલું હતું.
એક સમયે તેણે ટેબલપંખા પણ બનાવ્યા હતા, જેમાં ‘પર્સનલ ફેન’ અને ‘ફેમીલી ફેન’ જેવા પ્રકારો હતા.
આવી બીજી ઘણી પ્રોડક્ટ છે, જેના વિષે અહીં લખવાની ઈચ્છા છે. આ પોસ્ટ ધાર્યા કરતાં જરા વિગતે લખાઈ, એટલે એક પોસ્ટમાં લખવા ધારેલી પ્રોડક્ટમાંથી બાકી રહેલી હવે બીજા હપ્તામાં.
(નોંધ: જે તે પ્રોડક્ટની રંગીન તસવીરો નેટ પરથી. બાકીની અંગત સંગ્રહમાંથી)