પ્રકાશ વેગડ
૧૪-૭- ૧૯૩૯ થી ૨૮-૬- ૨૦૧૩ |
બન્ને પક્ષે અવિશ્વાસની લાગણી હતી. અને કેમ ન હોય? વિષય જ એવો સ્ફોટક હતો. ઈન્ટરવ્યૂ લેનારને એમ હતું કે સામેની વ્યક્તિ અમુક વિષયના સવાલો પર ‘હાથ મૂકવા’ દેશે કે નહીં. ઈન્ટરવ્યૂ આપનારને એવો ડર હતો કે માંડ બધું થાળે પડ્યું છે ત્યાં કબાટમાંથી હાડપિંજરો બહાર કાઢીને નાહકનું ક્યાં વિવાદમાં પડવું! મુદ્દાની વાત એ હતી કે ‘એ’ વિષય પર વાત ન થવાની હોય તો ઈન્ટરવ્યૂના બાકીના સવાલોનો કોઈ મતલબ નહોતો. અને આ વાત બન્ને પક્ષોને સારી પેઠે ખબર હતી.
ખેર!
છેવટે એ ઈન્ટરવ્યૂ માટેની મુલાકાત ગોઠવાઈ. દિવસ હતો ૨૭ સપ્ટેમ્બર, ૨૦૦૫નો. ત્રણેક કલાક
સુધી ચાલેલા એ ઈન્ટરવ્યૂ દરમ્યાન છૂપા અવિશ્વાસની પેલી દિવાલ ક્યારે ઓગળી ગઈ તેની
સરત પણ બન્ને પક્ષમાંથી કોઈને ન રહી. એ ઈન્ટરવ્યૂ પછી છૂટા પડતી વખતે તેમણે પ્રેમપૂર્વક મને બોન્સાઈ અંગેનું એક સુંદર પુસ્તક ભેટ આપ્યું.
ઈન્ટરવ્યૂ પ્રકાશિત થવાની દસેક દિવસની વાર હતી, ત્યાં સુધી લગભગ રોજેરોજ ફોન પર સંપર્ક ચાલુ રહ્યો. આને કારણે ઈન્ટરવ્યૂ આપનારને પોતે મૂકેલો વિશ્વાસ સાચો હોવાની લાગણી થતી રહી. દસેક દિવસ પછી એ ‘સ્ફોટક’ ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો ત્યારે એ સામયિકની નકલ લઈને મળવા ગયો. પ્રકાશભાઈ એ ચેષ્ટાથી રાજી તો થયા, પણ પોતે આપેલા ઈન્ટરવ્યૂની કેવી વલે થઈ હશે એ જાણવા તે આતુર, બલ્કે અધીર હતા. તેમણે મને બેસવા જણાવ્યું અને મારી હાજરીમાં જ તે મોટેથી ઈન્ટરવ્યૂ વાંચવા લાગ્યા. ધડકતા હૈયે હું રાહ જોતો હતો કે એ શો પ્રતિભાવ આપશે.
ઈન્ટરવ્યૂ પ્રકાશિત થવાની દસેક દિવસની વાર હતી, ત્યાં સુધી લગભગ રોજેરોજ ફોન પર સંપર્ક ચાલુ રહ્યો. આને કારણે ઈન્ટરવ્યૂ આપનારને પોતે મૂકેલો વિશ્વાસ સાચો હોવાની લાગણી થતી રહી. દસેક દિવસ પછી એ ‘સ્ફોટક’ ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો ત્યારે એ સામયિકની નકલ લઈને મળવા ગયો. પ્રકાશભાઈ એ ચેષ્ટાથી રાજી તો થયા, પણ પોતે આપેલા ઈન્ટરવ્યૂની કેવી વલે થઈ હશે એ જાણવા તે આતુર, બલ્કે અધીર હતા. તેમણે મને બેસવા જણાવ્યું અને મારી હાજરીમાં જ તે મોટેથી ઈન્ટરવ્યૂ વાંચવા લાગ્યા. ધડકતા હૈયે હું રાહ જોતો હતો કે એ શો પ્રતિભાવ આપશે.
તેમને પહેલવહેલો મળ્યો એ દિવસ હતો ૨૭ સપ્ટેમ્બર, ૨૦૦૫નો. ત્યાર પછી શું બન્યું? જે હસિત મહેતા પાસેથી મને પ્રકાશભાઈનું નામ પહેલવહેલી વાર સાંભળવા મળેલું એ હસિત મહેતાને પ્રકાશભાઈનું કંઈ કામ હોય તો ઘણી વાર મને ફોન કરતા- પ્રકાશભાઈનો ફોન નંબર મેળવવા માટે. આમ કેમ? કેમ કે, પ્રકાશભાઈ સાથે ત્યાર પછી એવી ઘનિષ્ટતા થઈ ગઈ હતી કે અમે કશા કામ વિના પણ લગભગ નિયમિત મળતા રહેતા.
**** **** ****
આજે
એટલે કે ૨૮ જૂન, ૨૦૧૩ની સાંજે સાડા છની આસપાસ મોબાઈલ પર પ્રકાશભાઈનો નંબર ઝળક્યો. પ્રકાશભાઈ
સામાન્ય રીતે સાંજના આ સમયે ફોન કરે એટલે સમજી લેવાનું કે તે ચાલવા નીકળવાના છે
અને હું ઘેર હોઉં તો થોડી વાર બેસવા માટે આવવા ઈચ્છે છે,
તેથી તપાસ કરવા માટે તેમનો ફોન છે. ‘હા, બોલો’ કહેતાં સામે પ્રકાશભાઈને બદલે તેમનાં દીકરી
અનુબેનનો અવાજ સંભળાયો. ગમગીન સાદે તેમણે કહ્યું, “પપ્પાએ
હમણાં અડધો કલાક પહેલાં જ શ્વાસ મૂક્યો.” શું પ્રતિભાવ આપવો એ સમજાયું નહીં! ફોન
તો પૂરો કર્યો, પણ એ સાથે જ ઉપર આલેખેલી ઘટના પછી આરંભાયેલા અમારા ગાઢ પારિવારીક સંબંધનો આઠેક વરસનો સમયગાળો નજર સમક્ષ ફિલ્મની પટ્ટીની જેમ ફરી ગયો. આટલું વાંચ્યા
પછી પ્રકાશભાઈને ન ઓળખતા લોકોને થાય કે બરાબર છે. હોય હવે. એક મિત્રનું અવસાન થયું
તો અમારું આશ્વાસન સ્વીકારશો. ઈશ્વરની ઈચ્છા આગળ આપણે સૌ લાચાર છીએ વગેરે.
અંગત
રીતે એક સન્નિષ્ઠ મિત્રની ખોટ તો પડી જ છે, પણ પ્રકાશભાઈનાં કાર્યો જોઈએ તો ખ્યાલ આવે કે આ માણસે સાહિત્યક્ષેત્રે
કેવું અને કેટકેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે! શીર્ષકમાં વાપરેલો 'સાહિત્યસેવક' શબ્દ અમસ્તો જ નથી વાપર્યો. સાહિત્યની તેમણે જે હદે સેવા કરી છે એ બેમિસાલ છે. અને બદલામાં આપણે એમને શું આપ્યું? અરે, એમની યોગ્ય કદર પણ ક્યાં કરી શક્યા? અને પ્રકાશભાઈ? એ તો બસ,
વિપરીત શારિરીક સ્થિતિમાંય પોતાની રીતે
કામ કરતા રહીને એ કામ આપણા સૌના માટે મૂકતા ગયા. તેમના જીવનનો બૃહદ્ આલેખ અત્યારે
મૂકતો નથી, પણ તેમણે કરેલા કામની યાદી પર એક નજર ફેરવવાથી
તેમના કાર્યના વ્યાપનો અંદાજ આવી શકશે.
**** **** ****
“નરસિંહ મહેતા વિષે ગુજરાતી સાહિત્યમાં શું શું અને કેટલું લખાયું છે?”
“ગુજરાતી સાહિત્યમાં કયા કયા વિષય પરના શોધનિબંધ કોના દ્વારા તૈયાર
કરવામાં આવ્યા છે?”, “અમેરીકન લેખક હેમીંગ્વે કે રશિયન લેખક લીયો તોલ્સ્તોયની નવલકથાઓ વિષે, અરે, કોઇ પણ ભાષાની
નવલકથા વિષે ગુજરાતીમાં કોણે, ક્યાં અને કેટલું લખ્યું છે?”,
“ગોવર્ધનરામ ત્રિપાઠીની કઈ કઈ કૃતિઓનું વિવેચન કોણે, ક્યાં અને
ક્યારે કર્યું છે?”
આવી માહિતી મેળવવા માટે કેટલાં થોથાં
પરથી ધૂળ ખંખેરવી પડે? કેટલાં જર્જરિત પાનાં ઊથલાવવાં પડે? અને છતાંય જોઈતી માહિતી મળશે જ એની શી
ખાતરી? તો પછી સાચા અને અધિકૃત જવાબ મળે ક્યાંથી? કોની પાસેથી? આવા અનેક જવાબો
માટે સાહિત્યના અભ્યાસીઓ, વિવેચકો અને વિદ્વાનો, સંશોધકોને પૂછતાં તેઓ એક જ નામ તરફ
આંગળી ચીંધે: પ્રકાશ વેગડ.
પૂરા કદનું
માળખું ધરાવતી કોઇ સંસ્થાય ભાગ્યે જ કરી શકે એવું કામ પ્રકાશભાઈએ કેવળ આપસૂઝથી અને
આપબળે કર્યું છે. તેમના કામની પ્રશંસા થઈ છે, નોંધ પણ લેવાઈ છે. તેની સામે
પ્રકાશભાઈને શું મળ્યું? કેવળ વિશુદ્ધ આનંદ, બસ.
૧૪મી જુલાઇ, ૧૯૩૯ના રોજ અલ્હાબાદ
(ઉત્તર પ્રદેશ)માં જન્મેલા પુરુષોત્તમનું ભણતર હિન્દી માધ્યમમાં જ થયેલું.
કોલેજમાં અભ્યાસ દરમ્યાન ઉત્તર પ્રદેશની નામ લખવાની પ્રથા મુજબ તેમના નામની પાછળ ‘પ્રકાશ’ ઉમેરાયું, જે બન્યું ‘પુરુષોત્તમ
પ્રકાશ’. ટૂંકાઇને તે ‘પી.પ્રકાશ’ બન્યું અને છેવટે ‘પ્રકાશ’ નામ જ તેમની ઓળખ બની રહ્યું.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી
લાયબ્રેરી સાયન્સના અભ્યાસ દરમ્યાન તેમને એક વિષય તરીકે બીબ્લીઓગ્રાફી ભણવાની હતી.
પ્રકાશભાઈને તેમાં બહુ રસ પડ્યો અને તેમણે સૂચિગ્રંથોના અભ્યાસની સાથે તેની
રચનાપદ્ધતિનો પણ બરાબર અભ્યાસ કર્યો. ત્યારે તેમને ક્યાં ખબર હતી કે બીબ્લીઓગ્રાફી
જ તેમની ઓળખ બની રહેવાની છે? પ્રકાશભાઈની ઇચ્છા યોગ્ય નોકરી મળે તો ગુજરાતમાં જ સ્થાયી થવાની
હતી. થોડી છૂટીછવાઈ નોકરી કર્યા પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમને
નિમણૂંક મળી. ૧૯૬૫માં તે અમદાવાદ આવી ગયા. આ કૉલેજમાં પ્રકાશભાઇએ પોતાની નિમણૂંક
અનેક રીતે સાર્થક કરી બતાવી. હાથમાં લીધેલા વિષયમાં નિષ્ઠાપૂર્વક ઊંડા ઊતરી જવાની
તેમની લાક્ષણિકતા અહીં બરાબર ખીલી ઉઠી. ગ્રંથપાલ તરીકે તેમનો આગ્રહ એવો રહેતો કે
વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાના પાઠ્યપુસ્તકો ઉપરાંત અનેક સંદર્ભગ્રંથો પણ ઉથલાવે.
આ માટે તે પોતે ખાસ જહેમત લઈને વિવિધ ગ્રંથો શોધી રાખતા. આને કારણે કૉલેજમાં તેમની
લોકપ્રિયતા ઘણી થઈ ગઈ.
પ્રકાશભાઈને
કામમાં આનંદ મળતો હતો, પણ તે એકવિધતાના માણસ નહોતા. સતત નવા કામની તલાશમાં તે રહેતા. આ
કૉલેજમાં જ નિરંજન ભગત અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમનું માર્ગદર્શન મેળવીને
પ્રકાશભાઈએ ગુજરાતી સાહિત્યની સંદર્ભસૂચિઓ (બીબ્લીઓગ્રાફી) સંપાદિત કરવાની
પ્રવૃત્તિનો આરંભ કર્યો. આ ક્ષેત્રમાં ત્યારે તો સાવ છૂટુંછવાયું કામ થયું હતું.
હજી આજેય સૂચિપત્ર (કેટેલોગ) અને સંદર્ભસૂચિ (બીબ્લીઓગ્રાફી) વચ્ચેનો ફરક બહુ ઓછા
સામાન્ય લોકો જાણતા હશે. પ્રકાશભાઇએ ભગતસાહેબના સૂચનથી ‘નાનાલાલ સંદર્ભસૂચિ’ તૈયાર કરવાનો
આરંભ કર્યો. ૧૯૭૭નું વરસ કવિ નાનાલાલનું જન્મશતાબ્દિ વરસ હતું એ નિમિત્તે ‘ગ્રંથ’નો નાનાલાલ
શતાબ્દિગ્રંથ તૈયાર થઈ રહ્યો હતો, જેના તંત્રી હતા નિરંજન ભગત. નાનાલાલ બાબતે વિવિધ ઠેકાણે પ્રકાશિત
થયેલી માહિતી ધરાવતા ગ્રંથો, સામયિકો મેળવવા શનિ-રવિની રજાઓમાં પ્રકાશભાઈ ગુજરાત વિદ્યાપીઠ, એમ.જે.
લાયબ્રેરી ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી એમ અનેક ઠેકાણે જવા લાગ્યા અને કલાકોની
જહેમત લઈને માહિતી નોંધતા રહ્યા. આ રીતે તેમણે પહેલવહેલી ‘નાનાલાલ
સંદર્ભસૂચિ’ તૈયાર કરી. આમાં નાનાલાલની કૃતિઓની માહિતી ઉપરાંત તેમની કૃતિઓ વિષે જ્યાં પણ
લખાયેલું પ્રકાશિત થયું હોય તેની અધિકૃત માહિતી આપવામાં આવી છે. આ સંદર્ભસૂચિ
પ્રકાશિત થઈ અને અભ્યાસુઓએ ખૂબ વખાણી. ઉમાશંકર જોશી જેવા સાક્ષરે પણ પ્રકાશભાઈના
ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા દર્શાવી.
પ્રકાશ વેગડ (તસવીર: જગન મહેતા) |
આની જ
ફલશ્રુતિરૂપે આર.આર.શેઠવાળા ભગતભાઇએ પ્રકાશભાઇને નવા શરૂ થયેલા પોતાના સામયિક ‘ઉદ્ગાર’ માટે નિયમીત
સ્વરૂપે સંદર્ભસૂચિઓ તૈયાર કરવાનું નિમંત્રણ આપ્યું. આમ, ‘સંદર્ભ’ વિભાગ હેઠળ
પ્રકાશભાઈએ નિયમીતપણે વિવિધ સંદર્ભસૂચિઓ તૈયાર કરીને આપવા માંડી. લાગલગાટ અગિયાર
વરસ સુધી એ ચાલુ રહી. પ્રકાશભાઈ મૂળભૂત રીતે અધિકૃતતા અને પોતાના કામમાં વૈજ્ઞાનિક
અભિગમ ધરાવતા માણસ. એટલે તેમની પોતાની સૂચિઓ તો ચોકસાઈવાળી હોય જ, પણ સૂચિ કે
સંદર્ભગ્રંથના નામે અગાઉનાં જે કામો અયોગ્ય રીતે થયેલાં લાગ્યાં, તેના વિશેય
તેમણે નિર્દેશ કર્યો. કે.કા.શાસ્ત્રી સંપાદિત ‘ગુજરાતના સારસ્વતો’ને તેમણે ‘એક અવિશ્વસનીય
સંદર્ભગ્રંથ’ તરીકે ઓળખાવ્યો અને તેમાંની ત્રુટિઓ પ્રત્યે આંગળી ચીંધી, ત્યારે ખુદ
કે.કા.શાસ્ત્રીએ રાજી થઈને ખેલદિલીપૂર્વક તેમને અભિનંદન આપ્યા હતા. આવા અનેક સંદર્ભગ્રંથોમાં
રહેલી ગંભીર ક્ષતિઓની પ્રકાશભાઈએ વિગતવાર છણાવટ કરી.
આવા અનોખા અને
અભૂતપૂર્વ કામને કારણે પ્રકાશભાઈનું નામ ઠીકઠીક જાણીતું થયું. ત્યાર પછી ૧૯૭૮માં
ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈએ ‘મહાનિબંધ વર્ગીકૃત સૂચિ’ પ્રકાશિત કરી.
આમાં ૧૮૫૭ થી ૧૯૭૭ના એકસો વીસ વર્ષના ગાળામાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ભારતની જ
નહીં, ફ્રાંસ, અમેરિકા, જર્મની, ગ્રેટ બ્રિટન જેવા દેશોની યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકૃત મહાનિબંધોની
વિગતનો સમાવેશ થતો હતો. ડૉ. ભાયાણીએ આ સૂચિ અંગે જણાવ્યું, “ આનાથી આપણા પી.એચ.ડી.લક્ષી સંશોધનકાર્યના પક્ષઘાતનો ઉપચાર કરવાનું
એક નાનકડું પણ મૂલ્યવાન પાયાનું સાધન પ્રાપ્ત થાય છે.” આ સૂચિની પણ વ્યાપક સ્તરે નોંધ લેવાઈ.
એ વખતે ગુજરાતી
સાહિત્ય પરીષદનું કાર્યાલય અમદાવાદની એચ.કે. કૉલેજમાં હતું. અને તેને આશ્રમ રોડ પર
‘ટાઈમ્સ’ પાછળ આવેલા હાલના મકાનમાં ખસેડવાનું હતું. પ્રકાશભાઈને સાહિત્ય
પરીષદમાં ગ્રંથપાલ તરીકેની નોકરી માટે ઑફર મળી. કૉલેજની મર્યાદિત લાયબ્રેરીને બદલે
સાહિત્ય પરીષદ જેવી સંસ્થાની લાયબ્રેરી ઉભી કરવાની અને વિકસાવવાની તક મળશે, એ વિચારે
પ્રકાશભાઈ આકર્ષાયા. ૧૯૮૦માં તે સાહિત્ય પરીષદમાં જોડાયા. અહીં તેમણે આખું
ગ્રંથાલય લગભગ નવેસરથી ઉભું કરવાનું, આયોજિત કરવાનું હતું. પોતાની આગવી
દૃષ્ટિ અને સૂઝબૂઝથી તેમણે આ કામ ઉપાડ્યું. ગુજરાતી સાહિત્યના ગૌરવસમા ગ્રંથો આ
પુસ્તકાલયમાં હોવા જ જોઇએ, એવી તેમની દૃઢ માન્યતા. આ માટે તેમણે જૂના,અપ્રાપ્ય ગ્રંથો
પરીષદને આપવાની રીતસર ટહેલ નાંખી. અનેક સંગ્રાહકોને, સાહિત્યકારના વારસદારોને પ્રકાશભાઈ
અંગત રસ લઈને સામે ચાલીને મળવા ગયા અને તેમની પાસેના દુર્લભ ગ્રંથો પરીષદને આપવા
માટે સમજાવવા માટે રાજી કર્યા. આમ, પરીષદનું પુસ્તકાલય ઊત્તરોત્તર સમૃદ્ધ થતું રહ્યું.
આની સમાંતરે
સંદર્ભસૂચિઓ બનાવવાનું કામ ચાલુ જ હતું. સંદર્ભસૂચિનું આ કામ તેમની ફરજના ભાગરૂપે
નહોતું કે નહોતું તેમને એમાં કોઇ વિશેષ વળતર મળતું. ઊલ્ટાનું ગાંઠના ખર્ચે તે આ
કામ કરતા હતા. પરીષદ દ્વારા થઈ રહેલા સંપાદનકાર્ય ‘ગુજરાતી સાહિત્યકોશ- ભાગ-૧: મધ્યકાળ’ દરમ્યાન તેમણે
સંપાદિત કરેલી ગુજરાતી સાહિત્યની મધ્યકાળની સૂચિ પરીષદ માટે તાત્કાલિક મહત્વનો
આધાર સાબિત થઈ. પ્રકાશભાઈની આ બધી સામગ્રી ત્યાર પછી ૧૯૮૪માં ‘ગુજરાતી
સાહિત્યસૂચિ’ (મધ્યકાળ)ના નામે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ.
આ પુસ્તકમાં મધ્યકાલીન
સાહિત્યના તમામ સંદર્ભોની સૂચિ સામેલ હતી. તેમના આ કામને લઈને જયંત કોઠારી જેવા
વિદ્વાને તેમને ‘મધ્યકાલીન સાહિત્યના મહાલયના ભોમિયા’ તરીકે ઓળખાવ્યા. ‘તમે મને આ
કરવાનો પગાર આપો છો?’, ‘મારી ફરજ તો આટલી જ છે’ આવાં વાક્યો સ્થાયી નોકરી ધરાવતા ઘણા
બધા લોકોના મોંએ બોલાતા હોવાની નવાઈ નથી. પ્રકાશભાઈએ આવું વિચાર્યું હોત તો?
જાહેર
ગ્રંથાલયની વિભાવના દર્શાવતું તેમનું મહત્વનું પુસ્તક ‘જાહેર ગ્રંથાલય:
સંકલ્પ, સ્વરૂપ અને વ્યવસ્થાવિચાર’ ૧૯૮૮માં પ્રકાશિત થયું, જે આ વિષય
પરનું ગુજરાતીનું પહેલવહેલું પુસ્તક હતું.
પરીષદનું ગ્રંથાલય વિવિધ પુસ્તકો અને સામયિકોથી સમૃદ્ધ
થવા લાગ્યું એમ પ્રકાશભાઈની સંદર્ભસૂચિઓ પણ સમૃદ્ધ થતી રહી. સાહિત્યનાં અનેક
સામયિકો તેમજ અધ્યયનગ્રંથોમાં પ્રકાશભાઈએ તૈયાર કરેલી સંદર્ભસૂચિઓ પ્રકાશિત થતી
રહી.
તેમણે તૈયાર કરેલી સાહિત્યસૂચિઓની પણ સાહિત્યસૂચિ પુસ્તિકારૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.
૧૯૯૪માં ‘ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ’નું પ્રકાશન થયું, અને ત્યાર
પછીના વરસે ૧૯૯૫માં ‘ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ’ પ્રકાશિત થયો. આ ગ્રંથમાં છેલ્લા ૧૦૭
વરસમાં ગોવર્ધનરામના સાહિત્ય પર લખાયેલાં પુસ્તકો, લેખો, સમીક્ષાઓ, અને અલબત્ત, ગોવર્ધનરામના
સમગ્ર સાહિત્યની સાલવારીનો સમાવેશ કરાયો છે.
આ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં શાસ્ત્રીય
રીતે તૈયાર થયેલો કોઈ પણ લેખકનો પહેલવહેલો સૂચિસંદર્ભ ગ્રંથ બની રહ્યો છે.
૧૯૯૯માં પ્રકાશિત અને પ્રકાશભાઈ દ્વારા
સંપાદિત ‘નવલકથા સંદર્ભકોશ’માં ૧૮૫૪થી ૧૯૯૩ સુધીના કુલ ૧૪૦ વરસોની ગુજરાતી નવલકથાઓની સાથોસાથ અન્ય
ભારતીય તેમજ યુરોપીય ભાષાઓમાંથી થયેલા ગુજરાતી અનુવાદો તેમજ વિવેચનની સમગ્ર માહિતી
શાસ્ત્રીય રીતે પીરસવામાં આવી છે. પ્રો. સંજય ભાવે જેવા મિત્ર તેમના આ અનોખા પ્રદાન વિષે અવારનવાર લખતા રહ્યા છે.
૧૯૯૯માં તેમની નોકરીની અવધિ પૂરી થઈ. એ
નોકરીના કાર્યકાળ દરમ્યાન તેમને નડેલાં વિઘ્નોની, તેમની સાથે કરવામાં આવેલા અન્યાય, અપમાન અને
અવગણનાની કથા બહુ દર્દનાક છે, પણ આજે અપ્રસ્તુત છે. નિવૃત્ત થયા પછી પોતાની કર્મભૂમિ અમદાવાદ છોડીને
દીકરી-જમાઈ અનુપમા-પ્રીતેશ શાહના પરીવાર સાથે તે વડોદરા સ્થાયી થયા.
**** **** ****
વડોદરાનો તેમનો નિવાસ તેમના કાર્યની
બીજી ઈનિંગ્સ સમો બની રહ્યો. આ હદના સક્રિય જીવ નિવૃત્ત થાય એટલે પગ વાળીને બેસી
રહે એ બને જ નહીં. કામ તેમણે ચાલુ જ રાખ્યું અને સૂચિઓને બદલે હવે તે મુખ્યત્વે
હાસ્યલક્ષી તેમજ સંસ્કારવિષયક સંપાદનો તરફ વળ્યા. રાજકીય હાસ્યકોશ, દાંપત્ય
હાસ્યકોશ, વિશ્વનો સંસ્કારવારસો, સાહિત્યીક હાસ્યકોશ, ગાંધી
વ્યંગવિનોદકોશ, રવીન્દ્રનાથ ટાગોરનો વિનોદવૈભવ જેવાં વિવિધ સંપાદનોનો સમાવેશ થાય છે. આ સંપાદનોના આયોજનમાંય એક
સજ્જ સૂચિકાર ઝળક્યા વિના રહે નહીં.
પ્રકાશભાઈના સૂચિકાર્ય તેમજ સંપાદનકાર્ય અંગે વિદ્વાન પ્રાધ્યપક ભરત મહેતાએ નોંધ્યું છે: "(સાહિત્ય પરિષદના) જ્ઞાનસત્રોના એકેય સરવૈયામાં પ્રકાશભાઈના આ કામ પર કોઈએ પ્રકાશ ફેંક્યો નથી! જો કે, આમાં તો આપણી જ હાસ્યાસ્પદ સ્થિતિ પ્રગટ થાય છે."
લાઈબ્રેરીયન તરીકે પ્રકાશભાઈની દૃષ્ટિ એવી વેધક હતી કે પુસ્તકને હાથમાં લેતાંવેંત તેને એ પારખી લેતા. આમતેમ ફેરવે, સામે ક્યાંક ગોઠવી જુએ, દૂર અને નજીક જાય- આ બધી ક્રિયા દરમ્યાન આપણા મનમાં ફફડાટ રહે કે તેમનો અભિપ્રાય શું હશે? અમુક પુસ્તકનું મુખપૃષ્ઠ આકર્ષક હોય, પણ અંદરથી તે બરાબર ન હોય તો પ્રકાશભાઈની ચકોર નજર તરત એ પકડી પાડતી.
તેમના દ્વારા સંપાદિત છેલ્લામાં
છેલ્લું પુસ્તક છે ‘ગાંધીજીનો સંસ્કારવારસો’. આ વરસે જ ‘નવજીવન પ્રકાશન’ દ્વારા પ્રકાશિત ૭૪૪ પાનાંના આ
અદ્ભુત પુસ્તકમાં ગાંધીજીના અનેક વિષયો પરના વિચારોને પ્રકાશભાઈએ કક્કાવારી મુજબ
શીર્ષક આપીને સંપાદિત કર્યા છે. આ પુસ્તકનું સંપાદન કરતાં અનેક વખત તેમની નાદુરસ્ત
તબિયત દગો દઈ દેતી હતી. પણ પ્રકાશભાઈ કોઈ પણ ભોગે આ કાર્ય સંપન્ન કરવા કટિબદ્ધ
હતા. જાણે કે આ તેમના જીવનનું અંતિમ કાર્ય ન હોય!
અને ખરેખર એમ જ થયું. આ પુસ્તકના
નિર્માણ અને પ્રકાશન બાબતે તેમણે ઊંડો સંતોષ વ્યક્ત કર્યો હતો. અને તેમના સંતોષની
આ છાલક અમારા પરિવાર સુધી પણ પહોંચી હતી. એ શી રીતે?
'ગાંધીજીનો સંસ્કારવારસો'માં પ્રકાશભાઈની કાર્યશૈલીની ઝલક |
મારા
ઘરથી પંદરેક મિનીટના અંતરે ચાલીને જઈ શકાય એવું તેમનું ઘર છે. રોજ સાંજે નિયમીત
ચાલવા જવાના આગ્રહી પ્રકાશભાઈ ક્યારેક મારા ઘેર પણ આવી જતા. તેમની સાથે કદી
રમણિકભાઈ સોમેશ્વર પણ જોડાતા. ‘કાવ્યશાસ્ત્રવિનોદ’માં કલાક-દોઢ કલાક ક્યાં વીતી જાય
એની ખબર જ ન પડતી. બે એક મહિના પહેલાં એક સાંજે પ્રકાશભાઈ આ જ રીતે આવી ચડ્યા.
તેમના ચહેરા પર રાજીપો છલકાતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. તે ઘરમાં આવે એટલે તમામ
સભ્યોની વારાફરતી ખબર પૂછે. ઈશાનને જોઈને કહે, “તું આજે કેમ
અહીં છે? મને એમ કે તું મેદાનમાં રમતો મળી જઈશ. ત્યાં મળ્યો
હોત તો તને એક કામ સોંપવાનું હતું.” પ્રકાશભાઈને મારા દીકરા ઈશાનને શું કામ
સોંપવાનું હોય? આવું અમે વિચારીને પૂછીએ એ પહેલાં જ તેમણે
ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને ઈશાનના હાથમાં પકડાવ્યા. પછી કહે, “આપણા પાંચેય માટે આઈસ્ક્રીમ લઈ આવ.” હજી અમને ખ્યાલ ન આવ્યો કે મામલો
શું છે? પ્રકાશભાઈએ જણાવ્યું, “તમને
ખબર છે ને કે ‘ગાંધીજીનો સંસ્કારવારસો’
પુસ્તક તૈયાર થઈ ગયું છે. મારું એક મોટું કામ પૂરું થયું એનો મને બહુ આનંદ છે. અને
એ આનંદ વ્યક્ત કરવાનું મને મન થયું છે. એટલે આજે આઈસ્ક્રીમ મારા તરફથી ખવડાવવાનું
નક્કી કરીને આવ્યો છું. ઈશાન મને મેદાનમાં રમતો મળી ગયો હોત તો એને ત્યાંથી જ પૈસા
આપીને આઈસ્ક્રીમ લેવા મોકલી આપત.” આ સાંભળીને અમે સૌએ તેમને નવેસરથી અભિનંદન
પાઠવ્યાં અને કહ્યું, “બરાબર છે. હવે તમારો આઈસ્ક્રીમ ખાવો જ
પડે.”
અન્યાય અને અપમાનબોધ વેઠ્યા પછી પણ પ્રકાશભાઈ વાંકદેખા બની રહેવાને બદલે બમણા જોરથી કામ કરવા મંડી પડ્યા હતા. તેમની રમૂજવૃત્તિ તીવ્ર હતી. તો દીકરી-જમાઈએ પણ તેમની ઉત્તરાવસ્થાને તેમનું ગૌરવ જાળવીને સાચવી લીધી હતી.
**** **** ****
પ્રકાશભાઈએ તૈયાર કરેલી અનેક
સાહિત્યકારોની સૂચિઓ હજીય અગ્રંથસ્થ છે, જેમાં દયારામ, કવિ ખબરદાર, કલાપિ, કાન્ત, ઉમાશંકર જોશી, ગુલાબદાસ
બ્રોકર, ગિજુભાઇ બધેકા, ચં.ચી.મહેતા, રઘુવીર ચૌધરી, શિવકુમાર જોશી, સુરેશ જોશી, સુરેશ દલાલ, સ્વામી આનંદ જેવા ત્રીસેક સાહિત્યકારોની સંદર્ભસૂચિઓનો સમાવેશ થાય
છે. એ જ રીતે કાવ્યઆસ્વાદો તેમજ કવિતાવિષયક વિવેચનસંદર્ભોની ત્રીસેક સૂચિઓ, સાહિત્યસ્વરૂપ
વિષયક વિવેચનસંદર્ભો, ગ્રંથાલયસેવા વિષયક ગ્રંથો અને લેખો… આવી અનેક સૂચિઓ તૈયાર છે. હા, આ સૂચિઓ તૈયાર
કરવા બદલ ક્યારેક કોઈકે ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે’ અગિયાર કે એકવીસ રૂપિયા જેવી માતબર
રકમ ઉદારતાપૂર્વક આપી છે અને પ્રકાશભાઈએ પોતાના માનની પરવા કર્યા વિના સામાવાળાનું
માન રાખવા ખાતર એ સ્વીકારી પણ છે.
આ ‘સંસ્કારવારસા’ અંગે પ્રકાશભાઇ
કહેતા, “સાહિત્યકારોના અભિવાદન ગ્રંથ નિમિત્તે મોટા ભાગની આ સૂચિઓ તૈયાર
કરાવાઈ હતી. હવે મારે એનું શું કામ છે?” સાચી વાત, પ્રકાશભાઇ.
તમારે એનું શું કામ? તમારું કામ તો તમે કરી દીધું. હવે કંઈક કરવાનું હોય તો એ અમારા
પક્ષે છે.
‘અહા!જિંદગી’માંની મારી શ્રેણીમાં તેમના
વિષે લખવાનું બન્યું ત્યારે તેમના મોટા ભાગના અગ્રંથસ્થ કામને લઈને તેમને ‘ગુર્જરરત્ન’ શ્રેણીમાં મૂકવા અંગે મને અવઢવ હતી. મેં ‘નિષ્ઠા’ નામના વિભાગ હેઠળ તેમના વિષેનો લેખ મોકલાવ્યો. સંપાદક દીપક સોલિયાએ એ લેખ
વાંચ્યો અને તરત ફોન પર જણાવ્યું, “આ લેખ ‘ગુર્જરરત્ન’માં જ લઈએ છીએ.” પછી ઉમેર્યું, “આપણે તેમનો ફોન નં. પણ લખીએ.” આમ, અપવાદરૂપ
કિસ્સામાં એ લેખમાં પ્રકાશભાઈનો સંપર્ક નં. પણ લખવામાં આવ્યો. આવા સંપાદકો પણ હોય છે!
**** **** ****
બે એક દિવસ અગાઉ બાગકામ કરતાં પડી જવાથી એ પથારીવશ હતા. પોતાની હૃદયની બીમારી અંગે તે જરાય ભ્રમમાં નહોતા, તેથી પોતે હવે 'જવાના છે' એમ પણ કહેતા. ત્યારે એ સાચું પડશે એવો અંદાજ નહોતો. છેવટે સાંજના છની આસપાસ નિદ્રાવસ્થામાં જ તેમણે શ્વાસ મૂક્યો.
પોતે પહેલા અને છેલ્લા એક લાઈબ્રેરીયન જ છે, એમ પ્રકાશભાઈ દૃઢપણે માનતા. નહીંતર તેમના નામે ચડેલાં આટઆટલાં પુસ્તકો પછી પોતાને તે સાહિત્યકાર ગણાવી શક્યા હોત! તેમના પછી આ કામ કોણ કરશે એવો ‘શ્રદ્ધાંજલિ વિશેષ’ સવાલ પૂછવા કરતાં તેમણે કરી દીધેલા કાર્યને ગ્રંથસ્થ કરવાનું કામ પહેલું કરવા જેવું છે.
પોતે પહેલા અને છેલ્લા એક લાઈબ્રેરીયન જ છે, એમ પ્રકાશભાઈ દૃઢપણે માનતા. નહીંતર તેમના નામે ચડેલાં આટઆટલાં પુસ્તકો પછી પોતાને તે સાહિત્યકાર ગણાવી શક્યા હોત! તેમના પછી આ કામ કોણ કરશે એવો ‘શ્રદ્ધાંજલિ વિશેષ’ સવાલ પૂછવા કરતાં તેમણે કરી દીધેલા કાર્યને ગ્રંથસ્થ કરવાનું કામ પહેલું કરવા જેવું છે.
નોંધ: પ્રકાશભાઈની અંતિમ યાત્રા આવતી
કાલે ૨૯ જૂન,૨૦૧૩ ને શનિવારના રોજ સવારે
૯.૦૦ વાગ્યે છે. તેમના અંતિમ સંસ્કાર વડોદરાના વડીવાડી સ્મશાનગૃહમાં થશે. તેમનાં
પત્ની લીલાબેન, પુત્રી અનુપમાબેન, જમાઈ પ્રીતેશભાઈ, દોહિત્રો ઋત્વિજ અને પાનમને દિલસોજી પાઠવવા ઈચ્છનાર બપોર પછી (0265)
656545576 અથવા (0265) 2397609 પર ફોન કરી શકે.