Sunday, November 24, 2024

કરત કાર્ટૂન: કાર્ટૂન માત્ર કાગળપેનથી નથી બનતાં

કાર્ટૂન જોવા-માણવામાં હજી કદાચ રસ પડે, પણ એ ચીતરવામાં કેટલાને રસ પડે? વર્કશોપના આયોજન વખતે અમુક અંશે આવી અવઢવ હતી. 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન' દ્વારા આ અગાઉ 'કહત કાર્ટૂન' શ્રેણીના બે કાર્યક્રમ 'ડાયનોસોરથી ડ્રોન સુધી' અને 'ગાંધીજી હજી જીવે છે' યોજાઈ ગયેલા. આથી તેમની સાથે કાર્ટૂન ચીતરવા અંગેની વર્કશોપનું આયોજન દિવાળી પછી રાખવા વિશે વાત થઈ હતી. ઊઘડતા વેકેશન પછીનો માહોલ, લગ્નની ભરપૂર મોસમ, અને શુલ્ક ચૂકવીને કરવાની આ વર્કશોપ! ફેસબુક અને અન્ય માધ્યમો પર એકાદ અઠવાડિયા અગાઉ થયેલો પ્રચાર કેટલો ફળદાયી નીવડશે? આવશે તો કેટલા આવશે? આવા બધા સવાલો મૂંઝવતા હતા. મનોમન એવી તૈયારી પણ રાખેલી કે વર્કશોપ કેન્સલ થાય તોય ચિંતા ન કરવી. પણ એ.એમ.એ.ના સિનીયર પી.આર.ઓ. મિત્ર પાર્થ ત્રિવેદીને બે એક દિવસ પહેલાં પૂછતાં તેમણે જણાવ્યું કે આઠેક રજિસ્ટ્રેશન થઈ ગયા છે, અને હજી પૂછપરછ આવી રહી છે. આ જાણીને આનંદ થયો. વળી આગલા દિવસે તેમનો મેસેજ આવ્યો કે આંકડો અગિયારે પહોંચ્યો છે. આથી વધુ આનંદ થયો.

આ બે દિવસીય વર્કશોપ 22 અને 23 નવેમ્બર, શનિ-રવિના રોજ હતી. બપોરે અમે ત્યાં પહોંચ્યા અને ખબર પડી કે 16-17 જેટલાં રજિસ્ટ્રેશન થયાં છે. પહેલા દિવસે બપોરે 2.00થી સાંજના 5.00 નો સમય હતો. મારી સાથે કામિની અને ઈશાન પણ સહયોગી તરીકે હતાં.
આરંભમાં સૌએ પોતપોતાનો ટૂંકો પરિચય આપ્યો, અને આ વર્કશોપમાં પોતે શા હેતુથી આવ્યા છે એ જણાવ્યું. એ જાણીને બહુ મજા આવી કે મોટા ભાગના લોકો એક યા બીજી રીતે કંઈક નવું શીખવા, પોતાની અભિવ્યક્તિમાં કશુંક નવું પરિમાણ ઉમેરવાના હેતુથી આવ્યા હતા. પાર્થે જણાવ્યું કે વિદ્યાર્થીઓનાં માબાપ તરફથી પુષ્કળ પૂછપરછ આવતી હતી, અને તેમને ખાળવા પડ્યા હતા કે આ કાર્યક્રમ બાળકો માટેનાં કાર્ટૂન શીખવવાનો નથી. આમ છતાં, કેટલાંક સાવ નાનાં બાળકો પણ હતાં. પિતા-પુત્રીની બે જોડી હતી. એક જાપાની યુવતીને જોઈને વધુ નવાઈ લાગી. એ હજી 'થોરું થોરું ગુજરાટી' શીખી રહી હતી.
સાવ આરંભે એ બાબત પણ સ્પષ્ટ કરી કે માત્ર છ કલાકમાં કાર્ટૂન ચીતરતાં કોઈને શીખવી ન શકાય, પણ આગળઊપર તમે એ રસ્તે જવા માગતા હો તો આ જાણકારી અને ચર્ચા ઊપયોગી થઈ પડે એમ છે.
કાર્ટૂન કોને ન કહેવાય, કયા કયા વિષય પર કાર્ટૂન બની શકે, મનમાં જે પહેલો વિચાર ઊગે એને બાજુએ મૂક્યા પછી જે નવા વિચાર આવે એને કાર્ટૂનમાં વાપરવા, કાર્ટૂન દોરવાની બેસિક ટીપ્સ...વગેરે જેવા વિવિધ વિષયો પર વાત થઈ. સહભાગીઓએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો. ઈચ્છાએ કે અનિચ્છાએ ઘણી વાર અનાયાસે કે આગોતરી જાણથી કલાકો સુધી પ્રતિક્ષા કરતાં બેસી રહેવાનું યા અણગમતી જગ્યાએ અમુક કલાકો ગાળીને ભરાઈ પડવાનું બનતું હોય છે. જેમ કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, કોઈક ઑફિસ, ડેસ્ટિનેશન વેડિંગનું સ્થળ વગેરે... આ અણગમતા સમયને નાનકડી ખિસ્સાડાયરી અને પેનથી શી રીતે આનંદમાં ફેરવી શકાય, અને ક્યારેક ડાયરી કે પેન ન હોય તો પણ શી રીતે મજા લઈ શકાય, જે છેવટે કાર્ટૂનમાં પરિણમે એ વિશે વાત કરવાની બહુ મજા આવી. છૂટા પડતાં પહેલાં દરેકને કોઈ વિષય પર કાર્ટૂન બનાવી લાવવા જણાવાયું.
બીજા દિવસનું સેશન સવારના 9.30 થી 12.30 હતું. આગલા દિવસની ચર્ચાનું પ્રાથમિક પુનરાવર્તન કર્યા પછી સૌએ પોતે બનાવી લાવેલું કાર્ટૂન સૌને બતાવીને એના વિશે વાત કરી. એ પછી કોઈ એક જ વિષય પર શી રીતે કાર્ટૂન વિચારવા એની વાત થઈ. બોર્ડ પર હું એક વિષયનું ચિત્ર બનાવું અને સૌ પોતપોતાની રીતે એના સંવાદ કલ્પે એવી કવાયત થઈ. જેવાં કે, ચાનો કપ અને હાથમાં પકડેલું બિસ્કીટ, દાંત અને ટૂથબ્રશ, આંખો, નાક, દાંત અને જીભ વગેરે... જેમ કે, હાથમાં પકડેલા બિસ્કીટને જોઈને કપમાં રહેલી ચા કહે, 'ડૂબકી ભલે માર, પણ ગંદકી ન કરજે.'
એ પછી કોઈ એક જ વિષયનું ચિત્ર મેં બનાવ્યું અને સૌને એમાં કંઈક ને કંઈક ઉમેરવા કહ્યું. એક મિત્રે 'કેપ્સિકમ' ચીતરવા કહ્યું. એ પછી સૌ એમાં કશુંક ને કશુંક ઉમેરતા ગયા. જેમ કે, એક જણે કહ્યું કે એને ટ્રેડ મિલ પર દોડતું બતાવો. એટલે એની નીચે ટ્રેડમિલ દોરીને એના 'થૉટ બલૂન'માં પાતળું મરચું બતાવ્યું. એક જણે કહ્યું કે એને મિર્ચી વડું બનાવો. એ ચીતર્યું એટલે એની બાજુમાં બીજું એક મરચું એની આગળ ફૂલોની 'રીથ' મૂકતું હોય, અને ત્યાં કબરના પથ્થર પર 'આર.આઈ.પી.' લખેલું બતાવ્યું. સૌએ આ રીતે કશુંક ને કશુંક સૂચવ્યું. એને દૃશ્યાત્મક સ્વરૂપ શી રીતે આપવું અને કાર્ટૂનના દરજ્જે પહોંચાડવું એની સારી એવી કવાયત થઈ. એ જ રીતે એક પુસ્તક બતાવ્યું. એની આસપાસ પણ આ રીતે એક પછી એક તત્ત્વો સૌ સૂચવતાં ગયાં. સૌથી છેલ્લે સૌને ત્યાં જ એક કાર્ટૂન કે કેરિકેચર બનાવવા કહ્યું. સૌએ એ હોંશે હોંશે બનાવ્યું. એ પછી પાછળ લાગેલા બૉર્ડ પર એ તમામ કાર્ટૂન સૌએ લગાવ્યા અને એકબીજાનાં કાર્ટૂન જોયાં. સૌથી છેલ્લે થનારા આ 'ડિસ્પ્લે' જોવા આવવા બાબતે વિવિધ મિત્રો દ્વારા પૃચ્છા થયેલી, પણ સંસ્થાના ફોર્મેટમાં એ શક્ય નહોતું. બીજી વાત એ પણ ખરી કે ચિત્રાંકનની રીતે હજી આ કાર્ટૂનો ઘણાં શિખાઊ કહી શકાય એવાં હતાં, કેમ કે, મુખ્ય ઉદ્દેશ પોતાના વિચારને કાર્ટૂન થકી વ્યક્ત કરી શકાય છે એ દર્શાવવાનો હતો.
કાર્ટૂન ચીતરવા અંગેની સૌ પ્રથમ વર્કશોપ મિત્ર પારસ દવેના સહયોગથી ગુતાલની માધ્યમિક શાળામાં કરેલી, જે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ચાર કલાકની, અને એક જ દિવસની હતી. ત્યાંથી શરૂ થયેલી આ સફર 'એ.એમ.એ.' સુધી પહોંચી એની ખુશી હોય એ સ્વાભાવિક છે. આ વર્કશોપમાં સહભાગીઓ પોતપોતાની સમજણ અનુસાર કંઈ ને કંઈ લઈને જતા હોય છે. એમ મને પણ આવા દરેક અનુભવમાંથી કંઈ ને કંઈ પ્રાપ્ત થતું રહે છે.
આ વર્કશોપ કર્યા પછી એ ખ્યાલ પણ આવ્યો કે બાળકો અને કિશોરો કાર્ટૂન ચીતરતાં શીખવા બહુ ઉત્સુક હોય છે. એ વયજૂથને ધ્યાનમાં રાખીને આવી વર્કશોપ કરવી હોય તો એના માટે જુદી રીતે વિચારવાનું થાય. એમ કરીએ ત્યારની વાત ત્યારે, અત્યારે તો આ અનુભવથી પૂર્ણ સંતોષ.

વિવિધ કાર્યક્રમોની પંગતમાં પડેલો 'કરત કાર્ટૂન'નો પાટલો

વર્કશોપના પહેલા દિવસે

વર્કશોપ પૂરી થયા પછી...

આ વર્કશોપના માહોલને દર્શાવતું એક સહભાગીએ બનાવેલું કાર્ટૂન,
જેમાં બૉર્ડ પાસે ઊભો હોઉં એવું મારું કેરિકેચર છે, ઈશાન ફોટા લઈ રહ્યો છે,
અને જમણે સૌથી છેલ્લે જાપાની યુવતી વિચારે છે
કે 'આ લોકો શું બોલબોલ કરી રહ્યા છે?'