(આ લેખ મુખ્યત્વે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારને અનુલક્ષીને લખાયેલો હોવાથી એ રીતે વિશિષ્ટ છે, પણ તેની બીજી વિશિષ્ટતાની વાત વધુ અગત્યની છે. ડાંગ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ રીતે કાર્યરત મિત્ર ઉત્પલ ભટ્ટ અહીં વખતોવખત અહેવાલ આપતા રહે છે. સુનિતાના પરિવાર વિશેનો ઉત્પલે લખેલો એક અહેવાલ અહીં વાંંચી શકાશે. પણ આ વખતે ખુદ સુનિતાએ
પોતાના વિસ્તારનો આ અહેવાલ લખી મોકલ્યો છે. માંડ ત્રેવીસની સુનિતા ગામીત મહિલા સશક્તિકરણનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતાની સંઘર્ષયાત્રાની રોમાંચક કહાણી પણ ક્યારેક અહીં આલેખીશું. તેણે લખેલો આ લેખ 'શહેરી' અને 'સુધરેલા' ગણાતા લોકોને વિચારવા પ્રેરે એવો છે.)
- સુનિતા ગામીત (એમ.ફિલ. - સમાજશાસ્ત્ર)
માનવજીવનમાં સ્વચ્છતા ખૂબ જ પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ પણ વખતોવખત સમગ્ર દેશને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોને શાળાજીવનથી જ સ્વચ્છતાનું મહત્વ સમજાય તે રીતે ભણાવવામાં આવે છે. વર્તમાન વડાપ્રધાને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું 'સ્વચ્છ ભારત' અભિયાન શરૂ કર્યું છે, જેનું સૂત્ર છે -- "એક કદમ સ્વચ્છતા કી ઓર".
આ પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષે થોડી છણાવટ કરવી છે. હું સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના સાવ નાના એવા ખાંજર ગામની વતની છું અને ગામીત સમાજમાંથી આવું છું. આથી મારા વતનની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ, સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સ્વચ્છતા જાળવવા અંગેના કાર્યક્રમો વિશે વાત કરવા માંગું છું.
સોનગઢ તાલુકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે, જેમાં ગામીત, ચૌધરી, વસાવા આદિવાસીઓનું પ્રમાણ વધુ અને કોટવાળીયા, ભીલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિસ્તારના ગામડાઓમાં મોટા ભાગે ચોક્ખાઈ જોવા મળે છે. ગામડાઓનાં મોટા ભાગનાં ઘરોની બહારની પરસાળ અને આજુબાજુની જમીનમાં સ્વચ્છતાનું રીતસર સામ્રાજ્ય નજરે પડે. એટલે સુધી કે ગાય-ભેંસ બાંધવાની જગ્યાએ પણ દિવસમાં ઘણી વખત સફાઈ કરવામાં આવે છે. આજની તારીખે પણ આદિવાસી સમાજમાં ભણતરનું પ્રમાણ ઓછું છે, એમાંય કન્યા કેળવણી તો સાવ ઓછી છે. છતાં ઓછું ભણેલા આદિવાસીઓ પોતાનું ઘર-ફળિયું ચોક્ખા રાખે છે, તે ખૂબ આનંદની વાત છે. નરી આંખે દેખાતી આ સ્વચ્છતા એ વાતની સાબિતી છે કે ભણતર વિના કે ઓછા ભણતર સાથે પણ આદિવાસી સમાજમાં પેઢી દર પેઢીથી સ્વચ્છતાનું મહત્વ ચાલ્યું આવે છે. સ્વછતાના અભિગમને અક્ષરજ્ઞાન સાથે લેવાદેવા નથી.
|
ખાંજર ગામનું સ્વચ્છ પરિસર |
શહેરી લોકો સામાન્યપણે આદિવાસી સમાજને 'પછાત'નું લેબલ લગાવે છે. પરંતુ હકીકત એ છે કે આ કહેવાતો પછાત સમાજ કે ગામડાના ઓછું ભણેલા લોકો શહેરી સમાજની સરખામણીએ સ્વચ્છતાના વધુ આગ્રહી હોય છે. અમારા ખાંજર ગામની આસપાસના ગામોની સ્વચ્છતા જોઇએ અને તેની સરખામણીએ તાલુકા મથક સોનગઢ, એથી આગળ જતાં જિલ્લા મથક વ્યારા અને એથી પણ વધુ આગળ જતાં સુરત મહાનગર જુઓ! શહેર તરફ આગળ વધતા જઈએ તેમ તેમ ગંદકીનું પ્રમાણ વધતું જતું લાગે. આ જોઈને સવાલ ઉઠે કે ખરેખર પછાત કોણ? શહેરીઓ કે ગ્રામીણ?
અમારી તરફના ગ્રામીણ સમાજમાં પાણીનો પ્રશ્ન મોટી સમસ્યારૂપ છે, કારણ કે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. કેટલાંક એવાં ગામો છે કે જ્યાં લોકો એક કિ.મી. દૂર ચાલીને પાણી લેવા જાય છે. સરકારના પ્રયાસો દ્વારા ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા નળની સગવડ કરી આપવામાં આવી છે. પરંતુ એ નળ ઘરઆંગણે શોભા વધારવા સિવાય કોઈ કામનો નથી. તેમાં પાણી આવે તેવી જોગવાઈ નથી એટલે લોકોને ઉપયોગી નથી. તેમ છતાં લોકો પાણીનો પોતાની સૂઝથી સદુપયોગ કરે છે. આદિવાસીઓના રોજિંદા જીવનમાં પાણીનું ઘણું જ મહત્વ છે.
આદિવાસી સમાજ માટે અન્ય એક ખોટી છાપ પણ પ્રચલિત છે. હું એ કહેવા માગુ છું કે શહેરી સમાજ માટે આદિવાસી એટલે મેલોઘેલો પહેરવેશ અને અસ્વચ્છતા. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આદિવાસી લોકોનું રોજિંદું કાર્ય ખેતરમાં મજૂરી કરવાનું કે બાંધકામ ક્ષેત્રે મજૂરીકામનું હોય છે. તેઓ સવારથી સાંજ સુધી કઠોર પરિશ્રમ કરતા હોય છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે. મહેનત કરીને જે વેતન મળે છે તેના થકી જ ઘરસંસાર ચલાવવાનો હોવાથી તેમની પાસે વધુ કપડાની સુવિધા હોતી નથી. (સામાન્ય રીતે રોજ પહેરવાના કપડાંની બે જોડી અને બહાર જવા એક જોડી કપડાંં, એમ ત્રણ જોડી બહુ થઈ ગઈ.). એટલે કામ સમયે એ લોકો જે કપડાં પહેરે છે તે કામ પૂરતા અને ૨-૩ દિવસ ચલાવતા હોય છે. આથી આદિવાસી અસ્વચ્છ અને ગંદા તેવી ધારણા તદ્દન ખોટી છે. દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ રાખે જ છે, કારણ કે આદિવાસી પ્રથમ તો માણસ છે, જેને સ્વચ્છતા અન્યો જેટલી જ પસંદ છે.
|
ખેતમજૂરીમાં મદદ કરી રહેલી સુનિતા |
નોંધવાલાયક મુદ્દો એ છે કે હજુ હમણાં સુધી સોનગઢ વિસ્તારના ગામોમાં શૌચાલયની સગવડ નહોતી. લોકોએ શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડતું હતું. એ વિસ્તારનાં ઘણા ગામોમાં, અનેક ઘરોમાં જુદાજુદા કારણોસર આજે પણ ઉપયોગ કરી શકાય તેવા શૌચાલય નથી. છતાં ગામોમાં ગંદકીનું પ્રમાણ સાવ ઓછું છે. તેના કારણે મચ્છરોનો ત્રાસ અને મચ્છરજન્ય રોગો પણ શહેરની તુલનાએ ઓછા જોવા મળે છે. તેની સામે તાલુકા મથકો, જિલ્લા મથકો, અને મોટા શહેરોમાં ઘેરઘેર શૌચાલયની સગવડ છતાં ઠેરઠેર દુર્ગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.
અમારા વિસ્તારમાં આશ્રમશાળાઓનું મોટું પ્રમાણ છે. હું પોતે પણ આશ્રમશાળામાં ભણેલી છું. બાળપણથી જ આશ્રમશાળામાં રોજના 'ટુકડી કાર્ય' દ્વારા સ્વાવલંબન અને તેના થકી સ્વચ્છતાનું શિક્ષણ આપવામાં આવે છે, જે હવે શહેરની કોઇ પણ શાળામાં અપાતું નથી તેવું મારું માનવું છે. 'સ્વાવલંબન થકી સ્વચ્છતા અંગેની જાગૃતિ' પણ સંશોધનનો એક વિષય બની શકે એમ છે.
સમાજશાસ્ત્રની સંશોધક હોવાના નાતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે 'સ્વચ્છતાના સમાજશાસ્ત્ર' અંગે નવું સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. ખરું જોતાં તો વધુ ભણતર એટલે વધુ સમજશક્તિ અને એટલે વધુ સ્વચ્છતા -- એમ થવું જોઇએ. એટલે કે શહેરી સમાજ વધુ ભણેલો છે, તેમનામાં ગ્રામીણ લોકો કરતાં વધુ સમજશક્તિ છે એમ તેઓ માને છે તેથી શહેરોમાં ગંદકીનું પ્રમાણ નહિવત હોવું જોઇએ. હકીકતમાં ઉલટું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણમાં ઓછું ભણતર હોવા છતાં સ્વચ્છતા અંગે લોકોની સમજણ કે વિચારો સ્પષ્ટ છે. તેથી સ્વચ્છતાનું પ્રમાણ શહેરની સરખામણીએ ઘણું જ વધુ છે. 'સમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે.
એક વ્યક્તિ સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી જ કરે તો સૌ પ્રથમ ઘર, આડોશપાડોશ, ગામ, આસપાસનાં ગામો, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ અને છેવટે વિશ્વસ્તરે સ્વચ્છતા ફેલાય.
(તસવીરો: ઉત્પલ ભટ્ટ)