Sunday, February 26, 2012

નહીંતર કપચીનો માર્ગ હતો ક્વોરીથી કોન્ક્રીટ સુધી



ગયે અઠવાડિયે બે દિવસ માટે સાબરકાંઠા/ Sabarkantha ના અજબપુરા/ Ajabpura ગામમાં જવાનું થયું. કપડવંજથી મોડાસાના રોડ પર, મોડાસા/Modasa પહેલાં બાયડ/ Bayad તાલુકાનું આ ગામ સાઠંબા/ Sathamba અને ગાબટ/Gabat ની વચ્ચે આવેલું છે.અજબપુરા બે દિવસ ગાળવાનું બન્યું ત્યારે તેની આસપાસનાં ગામોની મુલાકાત લીધી. અજબપુરાના અમારા યજમાન ધીરુભાઈ પટેલ હતા. તેમના ઉપરાંત શામળભાઈ, ઈશ્વરભાઈ, ધૂળાભાઈ જેવા સ્વજન સમા વડીલમિત્રોએ અમારી સંભાળ લીધી અને અમને આસપાસના વિસ્તારોમાં હોંશભેર ફેરવ્યા. અહીં અમે શા માટે ગયા હતા એના વિષે ફરી ક્યારેક વાત કરીશું.
આ મોસમમાં અહીંના ખેતરોમાં વળિયારી લહેરાઈ રહી છે, દિવેલા કપાઈને પડ્યા છે, જીરૂનો પાક દેખાય છે, તો છેલ્લા થોડા સમયથી અહીંના ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે અને સારાં પરિણામ મેળવી રહ્યા છે. પણ આ બધી તસવીરો હમણાં નથી મૂકવી.
આ વખતે ઈરાદો છે એક વિશિષ્ટ સ્થળની તસવીરો મૂકવાનો. એ કંઈ રમણીય, જોવાલાયક
સ્થળ નથી, બલ્કે સામાન્ય સંજોગોમાં ત્યાં જવાનું આપણે ટાળીએ. તેના અંગે મનમાં કૂતુહલ ઘણું હતું. આ વખતે તક મળી અને અમે ઊપડ્યા એ સ્થળે. એ સ્થળ એટલે ક્વોરી.
આ પટ્ટામાં ક્વોરીઉદ્યોગ/ Quarry  ઘણો ધમધમે છે. પંદરેક કિલોમીટરના આ પટ્ટામાં આશરે ત્રીસેક ક્વોરી આવેલી છે. અત્યાર સુધી ક્વોરી દૂરથી, વાહનમાં બેઠા બેઠા જ જોવાનું બન્યું છે. આ ટૂંકી મુલાકાતમાં તેની કામગીરીની ઝલક જોવા મળી તેમ બીજી ઘણી વાતો જાણવા મળી.
તદ્દન સપાટ જમીનમાં માટી અને પથ્થરના સૂકાભઠ નાના ડુંગરા ઉભેલા દેખાય એટલે સમજવું કે એ જગાએ ક્વોરી હશે. ક્વોરીના માલિક જમીન ખરીદે છે અને તેને ખોદીને પથ્થર કાઢે છે. આ વિસ્તારમાં શરૂઆતના પાંચ-છ ફીટ પછી તળિયે છેક સો ફીટ સુધી પથ્થરો જ છે. દિવસ રાત ધમધમ્યા કરતી ક્વોરીને જોઈને મનમાં નકારાત્મક વલણો પેદા થાય એનાં અનેક કારણો છે. પથ્થરો સતત યંત્રો દ્વારા ભાંગતા રહેવાના કારણે વાતાવરણમાં સતત ઊડતી રહેતી રજ, પથ્થરો ભાંગવાનો કર્કશ અવાજ, આસપાસની જમીનમાં ઊગેલા પાક પર રાખોડી રજનું આવરણ, રાતના સમયે ડાયનેમાઈટ/ Dynamite થી થતા ધડાકાને કારણે અનુભવાતી ધ્રુજારી, ખખડધજ ટ્રેક્ટરો અને જે.સી.બી.મશીનો/ J.C.B. Machine નો ઘોંઘાટ, ક્વોરીના વિસ્તારમાં સપાટ અને ઉજ્જડ જમીનની વચ્ચે ઉભેલા કપચીના, પથ્થરના નાના અને નીરસ ડુંગર, માણસોની હાજરીની પરવા વિના સતત સરકતા રહેતા કન્વેયર બેલ્ટ, અહીં ચાલતી રહેતી ખટારાઓની અવરજવર.... આ બધું પહેલી નજરમાં ન જ ગમે. પર્યાવરણનો પણ ખુરદો બોલાતો હોય એવું લાગે.
જો કે, ટૂંકી મુલાકાતમાં જે પ્રાથમિક બાબતો જાણવા મળી એ મુજબ ક્વોરીમાં ખોદકામ થતું  રહે એ પછી એક તબક્કે તળિયું આવી જાય. એ પછી ખોદેલી આ જમીનમાં પુરાણ કરીને તેને ખેતીલાયક બનાવવામાં આવે છે અને આગળ નવી જમીન વિસ્તારવામાં આવે છે. રાતના સમયે આ ખોદાણમાં પથ્થરો તોડવા માટે ડાયનેમાઈટથી ધડાકા કરવામાં આવે છે, જેની ધ્રુજારી આસપાસના ગામોમાં સતત અનુભવાય છે. સ્થાનિક લોકો તરફથી વિરોધ થાય છે, પણ તેને અવગણાય છે, કે પછી ગાંધીજીની ‘લીલી તસવીર' દેખાડીને શાંત કરી દેવાય છે. અહીં કામ કરતા માણસોને લાંબે ગાળે બહેરાશ આવતી હોય તો નવાઈ નહીં. ઉપરાંત તેમના શ્વાસમાં કેટલી રજ જતી હશે એ તો કોને ખબર.
હવે તો પથ્થરો ઉપાડવાના કામ માટે જે.સી.બી. (કંપનીનાં બેકહો લોડર/ Backhoe loader) મશીનો આવી ગયા છે, પણ એ પહેલાં મજૂરો જાતે જ પથ્થર તોડતા અને તેને ઉપાડીને ટ્રેકટરમાં મૂકતા. આમાં દુર્ઘટનાઓ થવાની સંભાવના વધુ હતી.
ખ્યાલ છે ત્યાં સુધી પાવાગઢ વિસ્તારમાં અનેક ક્વોરીઓ કાર્યરત હતી, પણ હવે એ બંધ કરવામાં આવી છે. પાવાગઢનો આકાર બદલવામાં તેમનો મોટો ફાળો છે.
આપણા ઘરના બાંધકામમાં વપરાયેલા કોન્ક્રીટ/ Concrete માંની કપચી પણ આવી જ કોઈ ક્વોરીમાંથી આવી હશે.
આ બાબતે કોઈ મિત્ર વધુ જણાવશે તો આનંદ થશે.   

















Friday, February 17, 2012

શહરયાર: મુશ્કિલ નહીં હૈ કુછ ભી અગર ઠાન લિજીયે




16/07/1936  થી 13/02/2012

હિન્દી ફિલ્મોમાં એવા કેટલાય ગીતકારો છે, જેમનું પ્રદાન અધધ કહી શકાય એવું છે. મજરૂહ સુલતાનપુરી, આનંદ બક્ષી જેવાઓએ જથ્થો અને ગુણવત્તા- એમ બન્ને રીતે ગીતો લખ્યાં છે. આ બન્ને ઉપરાંત પણ બીજા ઘણા આવા ગીતકારો છે, સામે પક્ષે એવા પણ કેટલાક ગીતકારો છે, જેમનું પ્રદાન સાવ મર્યાદિત હોય અને છતાં એ ચિરંજીવ હોય.

આવા જ એક શાયર હતા શહરયાર/Shahryar, જેમનું તાજેતરમાં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ પંચોતેર વર્ષની વયે નિધન થયું. હિંદી ફિલ્મોમાં તેમનું પ્રદાન જોઈએ તો એક જ આંગળીના વેઢામાં સમાઈ જાય એટલું છે. ગણીને ચાર-પાંચ ફિલ્મોમાં તેમણે ગીત લખ્યાં છે, જેમાં ત્રણ ફિલ્મો તો મુઝફ્ફર અલી/ Muzaffar Ali દ્વારા દિગ્દર્શીત છે. આ ફિલ્મો છે ગમન (૧૯૭૮), ઉમરાવજાન (૧૯૮૧) અને અંજુમન (૧૯૮૬). આ સિવાય મધુસુદન શ્રીવાસ્તવ / Madhusudan Srivastav નિર્મિત- દિગ્દર્શીત ત્રિકોન કા ચૌથા કોન (૧૯૮૩) માં અને યશરાજ ફિલ્મ્સની ફાસલે (૧૯૮૫) માં પણ તેમણે ગીત લખ્યાં હતાં.

શહરયારનું મૂળ નામ હતું કુંવર અખલાક મોહમ્મદ ખાન/ Kunwar Akhalaq Mohammed Khan. ૧૬મી જુલાઈ, ૧૯૩૬ના દિવસે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગામ અંવલામાં થયો હતો. શહરયારનું શાળાકીય શિક્ષણ બુલંદશહરમાં થયું, જ્યાંથી ઉચ્ચ અભ્યાસ માટે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી/ Aligarh Muslim University માં જોડાયા. શહરયાર કંઈ સીધેસીધા શાયર બનીને કવિતાઓ લખવા નહોતા મચી પડ્યા. તેમના પિતાજીની ઈચ્છા તેમને પોલીસ બનાવવાની હતી. શહરયાર બનવા ઈચ્છતા હતા રમતવીર. પિતા-પુત્ર બન્નેના રસ્તા ભિન્ન હોવાથી શહરયારે ઘર છોડ્યું. ઊર્દૂના શાયર ખલીલ-ઉર-રહમાન સાથે તેમની મુલાકાત થઈ એ પછી તેમની નજર તળે શહરયારની ઉર્દૂ કવિતાને પાંગરવાની તક મળી અને યોગ્ય દિશા મળી.
મુઝફ્ફર અલી 
૧૯૬૧માં તેમણે માસ્ટર્સ કર્યું અને પત્રકાર તરીકે અંજુમન તરક્કી-એ-ઉર્દૂમાં જોડાયા. તેમનો પ્રથમ સંગ્રહ ઈસ્મ-એ-આઝમ ૧૯૬૫માં પ્રકાશિત થયો. એ પછી ૧૯૬૬માં તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયા. અને ક્રમશ: અહીં જ રીડર અને ત્યાર પછી ઉર્દૂ વિભાગના વડા બન્યા. તેમને ફિલ્મો માટે લખતા કરવાનું શ્રેય મુઝફ્ફર અલીને આપી શકાય. બન્ને વિદ્યાર્થીકાળના મિત્રો હતા. અલી ચિત્રકાર હતા. શહરયાર તેમને પોતાની ગઝલો દેખાડતા. આવી જ એક ગઝલ સીને મેં જલન આંખોં મેં તૂફાન સા ક્યૂં હૈ અલીને બહુ પસંદ આવી ગઈ.

મુઝફ્ફર અલીએ આગળ જતાં ફિલ્મનિર્માણમાં ઝંપલાવ્યું ત્યારે પોતાની ફિલ્મ ગમન’/ Gaman માં આ ગઝલનો ઉપયોગ કર્યો. ભીડભાડભર્યા શહેરમાં, વતનથી દૂર, મૂળસોતા ઊખડી ગયેલા છોડ જેવી વેદના અનુભવતા માણસની વ્યથાને સુરેશ વાડકરે પોતાના કંઠમાં વ્યક્ત કરી હતી,જેને જયદેવે સંગીતબદ્ધ કરી હતી.


આ જ ફિલ્મની બીજી એક ગઝલ પણ બહુ લોકપ્રિય થઈ હતી, જે એ. હરિહરને/A. Hariharan ગાઈ હતી.



ગમન ફિલ્મની તેના કથાવસ્તુ અને ગીત-સંગીતને કારણે ઠીક ઠીક નોંધ લેવાઈ, પણ શહરયારની ગઝલોની ખરી ઓળખ ઉભી થઈ ૧૯૮૧ માં આવેલી મુઝફ્ફર અલીની ક્લાસિક ફિલ્મ ઉમરાવ જાન’/ Umrao Jaan થી. મિર્ઝા હાદી રુસવાએ ૧૯૦૫માં લખેલી આ મૂળ કૃતિ અસલમાં ઉમરાવજાન અદા નામની એક નર્તકીની જીવનકથા હતીજે સંભવત: સૌ પ્રથમ ઉર્દૂ નવલકથા મનાય છે. મૂળ કૃતિના ઓગણીસમી સદીના મધ્યભાગના કાળખંડને ફિલ્મમાં જીવંત કરવામાં આવ્યો હતો. ઉમરાવજાન અદા પોતે અચ્છી નર્તકી હોવા ઉપરાંત શાયરા પણ હતી. આ કથા પરથી પાકિસ્તાનમાં ઉમરાવજાન અદા (૧૯૭૨) નામની ફિલ્મ તેમજ આ જ નામની ટેલીસિરીયલ પણ ૨૦૦૩માં બની હતી. જે.પી.દત્તાએ પણ ૨૦૦૬માં ઉમરાવજાન ફિલ્મ બનાવી હતી, જેમાં મુખ્ય ભૂમિકા હતી ઐશ્વર્યા રાયની. જો કે, આ બધામાં યાદગાર અને અવિસ્મરણીય કહી શકાય એવી ફિલ્મ તો મુઝફ્ફર અલીની જ બની રહી, જેમાં મુખ્ય ભૂમિકા રેખાની હતી. સંગીતકાર ખૈયામે/ Khayyam શહરયારની ગઝલોને સંગીતબદ્ધ કરી હતી, જેને આશા ભોંસલેએ ગાઈ હતી. આજે પણ આ ગઝલો એવી ને એવી જ તાજી છે.











૧૯૮૩માં આવેલી મધુસુદન શ્રીવાસ્તવ નિર્મિત- દિગ્દર્શીત ત્રિકોન કા ચૌથા કોન’/ Trikon ka chautha kon ના ત્રણ ગીતકારો પૈકી શહરયાર એક હતા. આ ફિલ્મમાં તેમની ગઝલને ભૂપીન્દર/ Bhupinder અને પીનાઝ મસાણી/ Peenaz Masani એ સ્વર આપ્યો હતો અને સંગીત હતું જયદેવ/ Jaidev નું.


ત્યાર પછી ૧૯૮૫માં આવેલી યશરાજ ફિલ્મ્સ/ Yashraj Films ની ફાસલે’/ Faasle માં શહરયારનાં ગીતો સાંભળવા મળ્યાં.  ફાસલેમાં મહેન્દ્ર કપૂરના દીકરા રોહન કપૂરને હીરો તરીકે ચમકવાનો મોકો મળ્યો હતો.
યશરાજની ત્યારની પરંપરા મુજબ એ ફિલ્મમાં શિવહરિ/ Shiv-Hari નું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત. 



કહેવાય  છે કે ફાસલે પછી યશરાજ ફિલ્મ્સ દ્વારા શહરયારને બીજી ત્રણ ફિલ્મોમાં ગીતો લખવાની ઓફર કરવામાં આવી હતી. જો કે, શહરયાર મુંબઈ સ્થાયી થઈને કેવળ  ફિલ્મી ગીતકાર બની રહેવા નહોતા માંગતા.
મુઝફ્ફર અલીએ અંજુમન’/ Anjuman બનાવી ત્યારે ફરી એક વાર શહરયારનાં ગીતો લોકપ્રિય થાય એવી શક્યતા ઉભી થઈ હતી, પણ ફિલ્મ ખાસ સફળ ન રહી એટલે ગીતો પર પણ તેની અસર થઈ. આ ફિલ્મનાં ગીતોની વિશેષતા એ હતી કે તેને ખુદ શબાના આઝમી/ Shabana Azmi એ ગાયાં હતાં અને ખૈયામે સંગીતબદ્ધ કર્યાં હતાં. અગાઉ જો કે, શબાનાએ શ્યામ બેનેગલ/ Shyam Benegal ની મંડી’/ Mandi માં ગાયું હતું. આ સાંભળતાં એમ લાગ્યા વિના રહે નહીં કે ગાવાની બાબતમાં પણ શબાના આઝમી કોઈ નિયમીત ગાયિકાની બરોબરી કરી શકે એમ છે.







આ અદભુત ગઝલ શબાના સાથે ભૂપીન્દરસિંગે ગાઈ છે. 



'ઝૂની'નું એક દુર્લભ પોસ્ટર 
આ ઉપરાંત બે એવી ફિલ્મોમાં શહરયારનાં ગીતો છે, જે કોઈક કારણસર અપૂર્ણ રહી ગઈ છે અને પ્રદર્શિત થઈ શકી નથી. આવી એક ફિલ્મ છે મુજફ્ફરઅલીની ઝૂની’/ Zooni. વિનોદ ખન્ના/ Vinod Khanna અને ડીમ્પલ કાપડિયા/ Dimple Kapadia ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ કાશ્મીરમાં ફિલ્માવાઈ હતી, પણ કાશ્મીરમાં પરિસ્થિતિ વણસતાં પડતી મૂકાઈ હતી. સોળમી સદીની કાશ્મીરી કવિયત્રી-સામ્રાજ્ઞી હબ્બા ખાતૂન/ Habba Khatoon ના જીવન પર આધારિત આ ફિલ્મનાં કુલ દસ ગીતોમાંથી સાત ગીતો શહરયારે લખ્યાં હતાં અને સંગીત હતું ખૈયામનું. આ ફિલ્મની, તેના સંગીતની, ગીતની ઝલક, જે હવે થીયેટરમાં જોવા- સાંભળવા મળે એવી શક્યતા નહિવત છે.





આવી જ બીજી ફિલ્મ હતી દામન’/ Daaman , જેમાં મનીષા કોઈરાલા/ Manisha Koirala ની મુખ્ય ભૂમિકા હતી. ખૈયામના સંગીતવાળી આ ફિલ્મમાં કુલ છ ગીતો હતાં અને બધાં શહરયારે લખેલાં હતાં. મીરાં નાયર/ Mira Nair ની ફિલ્મ ધ નેમસેક/ The Namesake માં પણ શહરયારે લેખન કર્યું હોવાની માહિતી મળી, પણ એ અંગે વધુ જાણવા મળી શક્યું નથી. કોઈ મિત્ર જણાવશે તો આનંદ થશે. 
ઉર્દૂ કવિતામાં શહરયારનું નામ અગ્રણી કવિઓમાં લેવાતું હતું. વખતોવખત તેમનાં પુસ્તકો પણ પ્રકાશિત થતાં રહેતાં હતાં, જેમાં ઈસ્મ-એ-આઝમ, સાતવાં દર, હીજ્ર કે મૌસમ, ખ્વાબ કે દર બંદ હૈ, નીંદ કી કીર્ચેં, ધુંદ કી રોશની વગેરે મુખ્ય છે. તેમની શાયરીના અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયા છે.


જ્ઞાનપીઠ સન્માનનો સ્વીકાર કરતા શહરયાર 


૧૯૮૭માં તેમના સંગ્રહ ખ્વાબ કે દર બંદ હૈ ને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યાર પછી ૨૦૦૮માં તેમને સાહિત્યનું સર્વોચ્ચ ગણાતું જ્ઞાનપીઠ સન્માન/ Jnanpith Award મળ્યું ત્યારે આ સન્માન મેળવનારા એ ચોથા ઉર્દૂ સર્જક હતા. અગાઉ આ સન્માન શાયર ફિરાક ગોરખપુરી, લેખિકા કુર્તલૈન હૈદર, શાયર અલી સરદાર જાફરીને પ્રાપ્ત થયું હતું.
છેલ્લા ઘણા સમયથી શહરયાર ફેફસાંના કેન્સરથી પીડાતા હતા. આગવા મિજાજવાળા આ શાયર મુશાયરાઓમાં જવલ્લે જ જતા. તરત મળતી પ્રસિદ્ધિથી એ જાણીજોઈને સલામત અંતર રાખતા હતા. તેમનો દીર્ઘ ઈન્ટરવ્યૂ તેમજ તેમની થોડી બિનફિલ્મી રચનાઓ તેમના દીકરા ફરીદૂન શહરયારના બ્લોગ પર અહીં વાંચવા મળી શકશે.
આ ક્લીપમાં શહરયારને પોતાની કૃતિ રજૂ કરતા જોઈ શકાય છે.



ગણીગાંઠી ફિલ્મો માટે ગીતો લખવા છતાં ગીતકારોની યાદીમાં જેમનો ઉલ્લેખ કરવો જ પડે એવી સબળ કૃતિઓ ઉર્દૂ સાહિત્ય ઉપરાંત પણ આપનાર આ શાયરને હાર્દિક શ્રદ્ધાંજલિ.


(ઝૂનીનું પોસ્ટર અને પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત) 

Saturday, February 11, 2012

મારા બોન્સાઈના પ્રયોગો: ફૂલ નહીં, મેરા દિલ હૈ



 -          કામિની કોઠારી


[મારો અને (મારી પત્ની) કામિનીનો આ શોખ વિકસ્યો સાથેસાથે,પણ ઘણા વખતથી મારી ભૂમિકા મર્યાદિત થઇ ગઈ છે અને એ મુખ્યત્વે તેનું જ કાર્યક્ષેત્ર બની રહ્યું છે. એટલે આ વિષય પર એ લખે એ વધુ યોગ્ય ગણાય. અહીં તેણે આ શોખનાં કળાકીય ઉપરાંત સામાજિક, આર્થિક, વ્યાવહારિક વગેરે અનેક પાસાં પર પ્રકાશ ફેંક્યો છે.]

બોન્સાઈ/ Bonsai શબ્દ મારા લગ્ન પહેલાં મેં કદી સાંભળ્યો ન હતો. અને લગ્નના ચાર-પાંચ વરસ સુધી પણ મને તેના વિષે કશી ખબર નહોતી. બોન્સાઈ તો ઠીક, વડ, પીપળો, લીમડો, નાળિયેરી જેવાં બે-પાંચ ઘરેલુ ઝાડ અને તુલસી, મનીપ્લાન્ટ જેવા ત્રણ -ચાર ઘરેલુ છોડ સિવાય વનસ્પતિજગત મારા માટે સાવ અજાણ્યું હતું. આવું કોઈ અલાયદું જગત હોય અને એમાં રસ પડી શકે એનો કશો અંદાજ નહોતો. મારાં એક કાકીને ફૂલછોડનો બહુ શોખ હતો. એ અવારનવાર કહ્યાં કરતાં, અમે તો દૂધના પૈસા બચાવીને ફૂલછોડ વસાવીએ છીએ. આવું સાંભળીને નવાઈ લાગતી અને વાત માન્યામાં ન આવતી. નાની હતી એટલે એમ તો કહેવાની હિંમત નહોતી કે ક્યારેક ફૂલછોડના પૈસા બચાવીને દૂધ પણ પીવાનું રાખો. પણ વડોદરા એમને ઘેર જવાનું થાય તોય એમના ફૂલછોડ જોવાનું એવું મન થતું નહીં. ૧૯૯૭માં અમારે વડોદરા/ Vadodara રહેવા આવવાનું બન્યું. 
ફૂલો જોયેલા, પણ યે બોન્સાઈ ક્યા હૈ? 
લગ્ન પહેલાં ફક્ત બાયોડેટામાં લખવા માટે કરેલી અનેક વસ્તુઓમાં હવે સર્જનશીલતાનો અંશ ભળવા લાગ્યો. સર્જકતા હોય એવી અનેક બાબતોમાં રસ પડવા લાગ્યો. એ જ રીતે વનસ્પતિસૃષ્ટિમાં રસ પેદા થયો હશે. જો કે, (મારા પતિ) બીરેનની સમાંતરે જ મારો આ અને અન્ય શોખ વિકસતા જતા હતા અને તેને દિશા મળતી જતી હતી. બોન્સાઈનો શોખ ધીમે ધીમે એ હદે એ વિકસ્યો કે મારા મુખ્ય શોખનું કેન્દ્ર બની રહ્યો. ઘણા બધા લોકોને ત્યાં અમે ફૂલોના કૂંડા ગોઠવેલા જોતાં. પણ મોટે ભાગે એવું બનતું કે એ લોકોને બાગાયતનો ખાસ શોખ કે જાણકારી ન હોય. બસ, હરિયાળી ઘરઆંગણે હોય તો સારું લાગે એવો ખ્યાલ. જો કે, આ બાબત અન્ય શહેરોની સરખામણીએ વડોદરાના (અમારા સંપર્કમાં હતા એ) લોકોમાં વધારે જોવા મળી.
બોગનવેલ 
અમને થતું કે એમ તૈયાર ફૂલછોડ લાવી દઈએ એમાં મઝા ન આવે. એને બદલે કંઈક એવું કરવું કે જેમાં સર્જનાત્મકતાનો સંતોષ મળે. એ રીતે ધીમે ધીમે અમે બોન્સાઈ તરફ વળ્યા હોઈશું એમ લાગે છે. શરૂઆતમાં નર્સરીમાં જઈને વિવિધ વૃક્ષોના રોપા ખરીદી લાવ્યા. પહેલી વાર નર્સરીમાં ગયા ત્યારે જરાય અંદાજ નહોતો કે રોપાની કિંમત કેટલી હોય, નર્સરીમાં બીજું શું શું મળે, બાગાયતના કયા સાધનનો શો ઉપયોગ થાય વગેરે.. નર્સરીવાળાને પણ એવો ખાસ અંદાજ નહોતો કે કયાં વૃક્ષોનું બોન્સાઈ બની શકે. આ બાબત અમારા માટે લાભદાયી પુરવાર થઈ. 
રાયણ
સામાન્ય સંજોગોમાં જેનું બોન્સાઈ બનાવવાનો વિચાર ન આવે એવા ઘણા બધા રોપા અમે લઈ શક્યા- જેમ કે, ફાલસા, કોઠાનું ઝાડ, રાયણ, નારંગી, મોસંબી, આંબો, પપૈયું, કેળ, ગરમાળો, ત્રિકુમા, ચંપો, બોગનવેલ, આંબલી, ગુલમહોર, આંબળા, ગોરસઆંબલી, સપ્તપર્ણી, શેતુર, બદામ, અંજીર, દાડમ, બાવળ, બીલી, લીમડો, જાંબુ, નીલગીરી, ફાયકસ વગેરે અનેક. જો કે, આમાંના ઘણા બધા એક યા બીજા કારણોસર મરણને શરણ થયાં. પણ એક બાબતનો ખ્યાલ આવ્યો કે કોઈ પણ વૃક્ષનું બોન્સાઈ બની તો શકે. તેના મૃત્યુ પામવાનાં કારણો અનેક હોઈ શકે. જેમ કે- વધુ પડતા પાણીથી મૂળ કહોવાઈ જવાં, કીડીઓનો મૂળ પર હુમલો, લોખંડનાં સાધનો વાપરવાથી છોડ પર થતી વિપરીત અસર, કોઈક જાતની લીલ કે ફૂગનું બાઝવું વગેરે. 
ફાયકસ 
અમારી સ્થિતિ એવી હતી કે અમને નહોતું રોગનું નિદાન આવડતું કે નહોતાં રોગનાં લક્ષણોની ખબર. એટલે તેના ઈલાજનો તો સવાલ જ ઉભો ન થાય. એટલે અમારે ભાગે પોસ્ટમોર્ટમ જ આવતું. ઉપર ઉપરથી સાજોસમો, લીલો જણાતો છોડ એકાએક ઢબી જાય એટલે અમને પ્રચંડ આઘાત લાગે. પછી તેને ઉખાડીને અમે તપાસવાનો પ્રયત્ન કરીએ કે શા કારણથી તેનું મૃત્યુ થયું. આમાં ક્યારેક સફળતા મળે અને ક્યારેક ન મળે. કારણ જાણવા મળે તોય ફરી વખત સાવચેતીનાં કયાં પગલાં લેવાં એની ખબર ન પડે. પૂછવું તો કોને પૂછવું? અમારા વર્તુળમાં એવું કોઈ જાણકાર કે સરખા શોખવાળું હતું નહીં. (આજેય ખાસ નથી.)
એરીલીયમ 
એટલે છેવટે એમ નક્કી કર્યું કે બોન્સાઈ અંગેની તાલિમ લેવી. તાલિમ મારે જ લેવાની હતી, કેમ કે બીરેનની નોકરીના કલાકો અનિશ્ચિત હોવાથી તેને આ ફાવે એમ નહોતું. આ તાલિમ કોની પાસે લેવી? વડોદરામાં તો બોન્સાઈની ક્લબ ચાલતી હતી, પણ બીરેનને કોઈ પણ જાતની ક્લબમાં જોડાવામાં રસ નહોતો. દરમ્યાન છાપામાં એક જાહેરાત જોઈ કે અમારા ઘરની નજીક આવેલા લોકવિજ્ઞાન કેન્દ્રમાં બોટલ ગાર્ડનીંગ અંગે વાર્તાલાપ અને પ્રાથમિક તાલીમ અમુક દિવસે છે. બોટલ ગાર્ડનીંગ કઈ બલાનું નામ છે, એની અમને ખબર નહોતી, પણ એમ લાગ્યું કે જઈએ તો ખરા. કદાચ બોન્સાઈ વિષે કંઈક જાણવા મળી જાય.
પારસપીપળી 
અને ખરેખર એવું જ થયું. બોટલ ગાર્ડનીંગ’/ Bottle gardening સમજાવવા આવેલા સજ્જને પ્રભાવિત થઈ જવાય એવા કેટલાક નમૂના દેખાડીને સૌને ચકિત કરી દીધા અને આવું સૌ કોઈ કરી શકે છે એમ જણાવ્યું. એક રીતે પોતાના માટે ગ્રાહકોને આકર્ષવાનો જ આ કિમીયો હતો. કેમ કે, ઘણા બધાએ તેમને આ શીખવાડવા વિષે પૂછપરછ કરી. મેં તેમને બોટલ ગાર્ડનીંગ વિષે નહીં, પણ બોન્સાઈ શીખવવા અંગે પૂછ્યું. તેમણે પોતાનું કાર્ડ આપ્યું. થોડા દિવસ પછી મેં તેમને ફોન કર્યો અને ફી, સમય વગેરે જાણકારી મેળવીને તેમની પાસે શીખવા જવાનું નક્કી કર્યું.
આ અગાઉ અમે આઈ.પી.સી.એલ.ટાઉનશીપમાં રહેતાં હતાં ત્યારે પણ બીજા એક ભાઈએ બોન્સાઈ કળા વિષે વાર્તાલાપ આપેલો અને અદભૂત નમૂના દેખાડેલા. એમનું કાર્ડ મેં રાખી મૂકેલું. પણ તેનો ઉપયોગ કર્યો નહોતો.
આ સજ્જન પાસે શીખવા જવાનું શરૂ કર્યું ત્યારે મને અને બીરેનને બહુ ઉત્સાહ હતો, કેમ કે અમારી ઘણી બધી મૂંઝવણોનો ઊકેલ અહીંથી મળવાની શક્યતા હતી. મારી સાથે બીજી ચાર-છ ગૃહીણીઓ પણ શીખવા આવતી હતી, જેમાંની બે-ત્રણ તો બહુ માલેતુજાર કુટુંબની હતી, જેમના વિશાળ બંગલા હોય અને લાંબોપહોળો બગીચો હોય. એમના વિષે મેં બીરેનને જણાવ્યું તો એ કહે, આટલો મોટો બગીચો હોય તો એમણે મોટાં ઝાડ જ ઉગાડવાં જોઈએ. બોન્સાઈ આવા બગીચામાં ક્યાં દેખાવાનાં?” 
રુદ્રાક્ષ 
બધું મળીને કુલ આઠ- દસ દિવસની તાલિમ હતી. અમે ભેગા થતા. શીખવનાર મહાશયે પોતાના ધાબા પર જબરદસ્ત બોન્સાઈ ગાર્ડન બનાવેલો. અલબત્ત, બધા છોડ કંઇ એમણે ઊછેર્યા નહીં હોય, ઘણા બધા એમના એમ નર્સરીમાંથી તૈયાર લાવ્યા હશે, એમ લાગતું હતું. છતાંય આટલા બધા છોડ એક સાથે જોઈને આંખો પહોળી જ થઈ જાય. એકાદ કલાક અમારા ક્લાસ ચાલતા. પણ મને લાગતું કે એ સજ્જનનો મુખ્ય આશય કશું નક્કર શીખવીને નવા બોન્સાઈ ચાહકો પેદા કરવાનો નથી, બલ્કે પોતાના માટે એક કાયમી ગ્રાહક ઉભા કરવાનો છે. રોજ મને બીરેન પૂછતો કે આજે શું શીખવ્યું? ફલાણું શીખવ્યું? ઢીકણું શીખવ્યું? આપણા ઘરના આ છોડ પર ફૂલ નથી આવતા એના વિષે એમણે કશું શીખવ્યું? શરૂમાં તો મને લાગતું કે આજે નહીં તો કાલે શીખવશે. એટલે હું કહેતી, હજુ નથી શીખવ્યું. કદાચ હવે શીખવશે. બીરેનના અનેક પ્રશ્નોનો મારી પાસે આ એક જ જવાબ હતો, જેનાથી એને સંતોષ થતો નહીં. 
નાળીયેરી જેવા દેખાતા આ થમ્બ
બોન્સાઈનું નામ હજી જાણવા મળ્યું નથી.  
ક્યારેક અમારી વચ્ચે વાકયુદ્ધ પણ આ મુદ્દે થતું થતું રહી જતું. પણ એમ કરતાં કરતાં અમારી તાલિમ પૂરી થઈ જવા આવી. અને છતાંય લાગ્યું કે ખરેખર હું ખાસ કશું શીખી શકી નથી. એ દરમ્યાન તેમની પાસેથી અમે બે-ચાર છોડ, એકાદ-બે સાધન, બે-ચાર પડીકાં વગેરેની ખરીદી કરી ચૂક્યા હતા. એક વાર તો અમારા એક છોડનું કૂંડું બદલવાનું હતું. સ્કૂટર પર એ કૂંડું માંડ ગોઠવીને હું લઈ ગઈ અને અમારા પ્રશિક્ષકને મારા છોડ પર જ એનું નિદર્શન આપવા કહ્યું. આવું તો કોઈએ કર્યું નહોતું. અમારા પ્રશિક્ષકનું મોં થોડું ચડી ગયું હોય એમ લાગ્યું. પણ મારા અતિ આગ્રહને કારણે તેમણે નાછૂટકે અમને સૌને રીપૉટીંગ નું પ્રેકટીકલ નિદર્શન આપ્યું.


કપોક
આવું જ મારી સાથે આવતાં એક બહેનને થયેલું. તેમણે ફળોથી ભરપૂર એક છોડ આ ભાઈ પાસેથી ખરીદ્યો. બે-ત્રણ દિવસ તો એ છોડ સરસ રહ્યો, પણ પછી એ ચીમળાવા માંડ્યો. પેલાં બહેને વાત કરી કે આવું કેમ થયું? એક દિવસ પેલાં બહેન એ બિમાર છોડ લઈને જ આવી ગયાં. આ પ્રશિક્ષકે એ છોડને જોવું પડશે કહીને બાજુએ મૂકી રાખ્યો. ખરેખર તો આ જ છોડને એ પોતે શી ટ્રીટમેન્ટ આપવાના છે એ અમને દેખાડી શક્યા હોત. પણ એમણે એ ટાળ્યું.
આ બધા પરથી એક વાતનો ખ્યાલ આવી ગયો. આ મહાશયનું કામ સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂટ જેવું છે. તેમને શિક્ષણ આપવામાં નહીં, પણ સંખ્યા વધારીને પૈસા મેળવવામાં જ રસ છે. આ સજ્જન ખરેખર જાણતા હતા ઘણું, પણ શીખવવા કશું નહોતા માંગતા. અમને નડેલા અમુક પ્રશ્નો વિષે તેમને હું પૂછતી તો એ જવાબ ટાળી દેતા અથવા એ તો જોઈએ તો ખ્યાલ આવે’, દરેકનું કારણ અલગ અલગ હોય’, એમાં કશું કહેવાય નહીં જેવા ઉડાઉ જવાબો આપીને વાત પૂરી કરી દેતા. તે પોતે નર્સરીમાંથી છોડ લાવીને તેને પોતાના બનાવેલા બોન્સાઈ તરીકે વેચતા હોવાની પણ ખબર પડી. સાત-આઠ દિવસની તાલિમ લીધી એમાં સાવ કશું ન શીખ્યા એમ ન કહી શકાય. થોડીઘણી બાબતો શીખ્યા ખરા, પણ જોઈએ એવો સંતોષ ન થયો.

શેતુર 
પણ મારો શોખ તો હવે વધુ ને વધુ વિકસતો ગયો. બીરેનની કંપનીમાં સીમેન્ટના ભોંયતળિયા પર વડ, પીપળા અને પારસપીપળી ઉગી નીકળતાં. વૃક્ષો સારાં ખરાં, પણ સીમેન્ટના તળિયા પર કે ભીંતમાં ઉગી નીકળેલાં ઝાડ નુકસાન કરે અને તેનો મૂળમાંથી નાશ જ કરવો પડે. એ રીતે તેની કંપનીમાં આવાં ઝાડનો નાશ કરવા માટે કોન્ટ્રેક્ટ અપાતો. પણ એ પહેલાં બીરેન નાના નાના પીપળા, વડ, પારસપીપળી મૂળ સહિત ઉખાડી લાવતો. સિમેન્ટના ભોંયતળિયા પરથી તેને ઉખાડવા સરળ પડતા. આમ, તેની કંપનીમાં નાને પાયે સફાઈ પણ થઈ થતી અને અમારા સંગ્રહમાં વધારો.
બોન્સાઈ અંગેનાં પ્રદર્શનો પણ વરસમાં એક-બે વખત વડોદરામાં યોજાતાં. શરૂમાં અમે એ જોવા જતા, પણ જોયું તો આ પ્રદર્શનોમાંય ઘણા ખરા લોકો પોતાનો ધંધો કરવા જ આવતા. હું શીખવા જતી હતી એ મહાશય પણ તેમાં ભાગ લેતા. એમના જેવા બીજા પણ ઘણા હતા, જેમનાં નામ અને સંગ્રહ વિષે સ્થાનિક છાપામાં અવારનવાર છપાયા કરે છે. એ લોકો બે-ચાર આકર્ષક બોન્સાઈ લાવીને પ્રદર્શનમાં મૂકતા. એ જોઈને ટોળું વળે અને આશ્ચર્યજનક ઉદગારો નીકળે, એમાંથી એમને બે-ચાર ગ્રાહકો મળી રહે. લોકોને એમ જ થાય કે આવું બોન્સાઈ આપણે બનાવીએ તો કેવું સારું! પણ તેમને કોઈ એમ શા માટે કહે કે એવું બોન્સાઈ કંઈ બે-ચાર મહિનામાં ન બની જાય. એને બનતાં વરસો લાગે. પ્રદર્શનોમાં ક્યારેક ઉપયોગી ચીજવસ્તુઓ પણ મળી જતી. પણ હવે એમાં જવાનો ખાસ ઉત્સાહ થતો નથી. એટલું ખરું કે પ્રદર્શન અંગે છાપામાં છપાય કે કોઈક પરિચીત પ્રદર્શનની મુલાકાત લે એટલે ઘણી વાર ત્યાંથી ફોન કરીને અમને યાદ કરે છે’. તો અમુક બોન્સાઈ અમુક હજાર રૂપિયામાં વેચાયું એમ જણાવીને અમારા સામાન્ય જ્ઞાનમાં અને મૂડી રોકાણમાં વૃદ્ધિ પણ કરે છે.
"તમે આના ક્લાસ કરેલા?" 
વચ્ચે અમે એકાદ બે માળી રાખવાનો અખતરો કરી જોયો, જેનો ચાર્જ કોઈ ડૉક્ટરની જેમ વિઝીટ દીઠ હતો. છોડ મરે કે જીવે એની સાથે તેને કશી નિસ્બત નહીં. એ આવે, એની પાસેના દાતરડા જેવા સાધનથી માટી ઊંચીનીચી કરે (ગોદ મારે’) એટલે વિઝીટ પૂરી. માળીઓનો મુખ્ય આશય પણ જાતજાતના ખાતરનાં પડીકાં અને જંતુનાશક દવાઓ પધરાવવાનો હતો. અને ઘણા માળીઓને બોન્સાઈ વિષે કશી જાણકારી ન હોવા છતાં પોતે સર્વજ્ઞ હોવાનો દાવો કરતા હતા. એટલે માળીઓને પણ ધીમે ધીમે અમે વિદાય આપી.
"શું કરું? મને તો  (નવરાશમાંથી) ટાઈમ જ મળતો નથી. નહિંતર... " 
હા, એક છોકરો મળ્યો હતો એ ઘૂઘરા જેવો હતો. અમે કોઈ નર્સરીમાં ગયા અને ત્યાં બનાવેલા બોન્સાઈ જોઈને ચકિત થઈ ગયા. એ કોણે બનાવ્યા છે તેની પૂછપરછ કરી. જાણવા મળ્યું કે નવિન નામના એક છોકરાએ એ બનાવ્યા છે. નવિનનો ફોન નંબર મેળવ્યો અને તેને અમારે ઘેર બોલાવ્યો. આ છોકરાએ કહ્યું કે મારી એક વિઝીટના અમુક રૂપિયા થશે. અમે હા પાડી એટલે એ આવ્યો. અમારાં બોન્સાઈ જોયાં. એ વખતે અમે ગોરસઆંબલીના એક બોન્સાઈનું કૂડું બદલવા માંગતા હતા. તેણે અમને એ બદલી આપ્યું અને સાચી રીત દેખાડી. તેનો આત્મવિશ્વાસ અને કામ કરવાની રીત જોઈને લાગ્યું કે એ ખરેખર કામ જાણે છે. જો કે, એ અમારા ઘરથી દૂર રહેતો હોવાને કારણે તેને અમારે ત્યાં આવવું ફાવે એમ નહોતું.
એટલે હવે આપોઆપ એમ ઠરાવાઈ ગયું કે આપણો શોખ છે એને આપણે જ પોષવો. કમ સે કમ જે કંઈ થાય એના માટે આપણે જવાબદારી તો લઈ શકીએ. બોન્સાઈની સંખ્યા અમારે ત્યાં વધવા લાગી હતી. અને અવનવા અખતરા અમે કરતા રહેતા હતા. આપણા ઘરોમાં ચા પીવા કપની કડી તૂટી જાય એટલે એ નકામા થઈ ગયેલા ગણાય છે. પણ અમે એ કપને કૂંડા તરીકે વાપરવા માંડ્યા. 
ટી-પૉટની અભિલાષા:
"મમ્મી, હું મોટો થઈને  કિટલી બનીશ."
"બેટા, સાચવીને રહેજે. તારા શરીરમાં ક્રેક પડી તો  બોન્સાઈનું  કૂંડું બની જઈશ ." 
તેના તળિયે કાણું પાડવાની રીત મેં શીખી લીધી. સિરામીકના વાસણમાં કાણું પાડવું જરા ધીરજ માંગી લેતું કામ છે. જરાક ગફલત થાય તો કપ તૂટી જ જાય. આવા કેટલાક કપ તૂટ્યા પણ હશે. પણ કાણું બરાબર પડી જાય તો એ કપમાં રોપેલા છોડનો દેખાવ જ કંઈક અલગ લાગે છે. એક તબક્કે તો મને કપ અને એ સિવાયની કોઈ પણ આકર્ષક ક્રોકરીમાં ભાવિ પૉટના દર્શન થવા લાગ્યા. હું વિચારતી કે એ તૂટે ત્યાં સુધી રાહ શા માટે જોવી? પણ બીરેન મને રોકી રાખતો અને સમજાવતો કે આ કપ મૂળ તો કશુંક પી શકાય એના માટે બનાવાયા છે. એટલે એનો પહેલો ઉપયોગ તો એ જ છે. હું એની વાત માની જતી. (એની અમુક વાતો માનવા જેવી હોય છે.) એવી પણ અફવા છે કે અમારે ઘેર આવીને બોન્સાઈ જોઈ જનાર લોકો પોતાને ઘેર જઈને ઉત્સાહમાં ને ઉત્સાહમાં નવાનક્કોર કપના તળિયે કાણું પાડવા મંડી પડે છે, અને એમાં સફળ ન થતાં કપહત્યાનું પાપ વહોરી લે છે. અલબત્ત, આના પુરાવા મળી શક્યા નથી.
ટગર 
ચોમાસામાં અમારું કામ ઘણું વધી જાય. કેમ કે, આ સીઝનમાં અમે જે તે છોડનાં બને એટલાં વધુ કટીંગ તૈયાર કરીએ છીએ. વરસમાં બે-ચાર વખત એમ બને કે ત્રણ-ચાર દિવસથી વધુ સમય સુધી બહારગામ રહેવાનું બને અને કોઈકના ભરોસે આ છોડ મૂકી જવા પડે. આવા સમયે બે-ચાર-છ છોડનું મૃત્યુ થઈ જાય છે. આનાથી પડતી ઘટને સરભર રાખવા માટે કટીંગ બનાવી રાખવાં જરૂરી છે.
ક્યારેક સવાર સવારમાં બાગને લગતું કામ કાઢીને બેઠા હોઈએ અને બન્નેના હાથ માટીથી પૂરેપૂરા ખરડાયેલા હોય. આવે વખતે કોઈનો ફોન આવે ત્યારે જોવા જેવી થઈ જાય! આવું કામ કાઢવાનું હોય ત્યારે મોટે ભાગે તો હરીશભાઈ (રઘુવંશી, સુરત) અને રજનીકાકા (પંડ્યા, અમદાવાદ) ના ફોન આવી જાય એ પછી જ અમે શ્રીગણેશ કરીએ છીએ. ક્યારેક એવુંય લાગે કે બોન્સાઈમાં મદદ માટે નહીં, પણ અમે એ કામ કરતા હોઈએ એવે વખતે ફોન લેવા માટેય કોઈક માણસ રાખવો જોઈએ.
સ્નો બુશ 
બોન્સાઈ કંઈ કોઈને દેખાડવાની ચીજ લેખે નહીં, પણ મારા સંતોષ માટે કરાતું કામ છે. હા, કોઈ આવે, જુએ (અને વખાણે) તો ગમે ખરું. પણ ઘણા લોકો (ખાસ કરીને સ્ત્રીઓ) સીધું જ પૂછી લે છે કે – તેં ક્લાસ કર્યા છે?’ આનો જવાબ હામાં આપું એટલે એ લોકો જાણે તાળો મળી ગયો હોય એમ તરત જ કહે, એટલે... (આવું કરું એમાં શી નવાઈ?) પછી તરત જ ઉમેરે, પણ અમને તો ટાઈમ જ નથી મળતો. (મતલબ કે આ તો નવરા લોકોનું કામ છે.) ટેવાયેલી નહીં એટલે શરૂ શરૂમાં આવું સાંભળીને ચીડ ચડતી. પણ હવે હસવું આવે છે. કેમ કે, આમ કહેનારા ઘણા બધા લોકોને શેમાંથી ટાઈમ મળતો નથી એની મને ઠીક ઠીક જાણકારી થઈ ગઈ છે.
આની સામે ઘણા એવા લોકો પણ છે કે જે અમારા ઘરમાં આવે એટલે અંદર પ્રવેશવાને બદલે સીધા જ આ છોડ જોવા જાય અને પછી જ ઘરમાં પ્રવેશે. છેલ્લા દોઢેક વરસથી જેમની સાથે પરિચય થયો છે એ શામળભાઈ પટેલ પોતે ખેતીવાડી ખાતામાં અધિકારી હતા. તેમને અમારા સંગ્રહમાં બહુ રસ છે. અમારા માટે ડ્રીપ ઈરીગેશનની પાઈપ શોધીને લાવી આપવામાં તેમણે બહુ મહેનત કરેલી અને લાવી આપેલી. એક વાર એ તેમનાં પત્ની મંગુકાકીને લઈને અમારે ઘેર આવ્યા અને રાબેતા મુજબ સીધા છોડ બતાવવા લઈ ગયા. 
કેકટસ  
કાકીને એ રમૂજમાં કહે, આમાંથી તારે જે જોઈતા હોય એ ઘર માટે લઈ લે. વાંધો નથી. કામિનીબેન ના નહીં પાડે. મને ખબર હતી કે પાછળ હું ઉભી હતી અને મને સંભળાવવા જ એ આમ કહેતા હતા. મેં હસતાં હસતાં કહ્યું, કાકી, તમારે જોઈતા હોય તો મારાં બન્ને છોકરાં લઈ જાવ. એ માટે હું ના નહીં પાડું. પણ આ છોડ નહીં. પછી ઉમેર્યું, મારાં છોકરાંને તમે રાખીરાખીને કેટલા દિવસ રાખવાના?” આ સાંભળીને બધા બરાબર હસ્યાં. આ વાર્તાલાપ પછી એમના વર્તુળમાં (જેમાંના મોટા ભાગના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે.) મારા માટે એવી રમૂજ ફરતી થઈ ગઈ કે- એમને તો પોતાના છોકરાંઓ કરતાંય ફૂલછોડ વહાલા છે. એ પોતાના છોકરાંઓ આપી દેવા તૈયાર છે, પણ ફૂલછોડ આપવા નહીં. આ રમૂજ સામે મને જરાય વાંધો નથી, બલ્કે હું બરાબર માણું છું. કેમ કે, મારાં બન્ને છોકરાંઓ જાણે છે કે અમે એમને આપી દેવાના નથી.
ક્યારેક કોઈ હકપૂર્વક અમુક છોડ માંગે ત્યારે શી રીતે ના પાડવી એની અવઢવ બહુ થાય છે. કોઈકને આપવા માટેના છોડ અમે અલગ ઉછેરીએ જ છીએ, પણ મહેનત કરીને ઉછેરેલો છોડ કોઈ એમ સીધેસીધો માંગી લે એ જરા કઠે એવું છે.
જૂના નાઈટલેમ્પનો હોમાયબેને
કરેલો સદુપયોગ 
પારસપીપળી 
હોમાયબેન સાથેના પરિચય પછી અમારી વચ્ચે રોપાઓની લેવડદેવડ થતી રહેતી. કોઈને રોપા આપવા માટે શીખંડના વપરાયેલા પ્લાસ્ટિકના ડબ્બા તેમજ અન્ય ચીજો સાથે આવેલા પ્લાસ્ટિકના ડબ્બાડૂબ્બી વગેરે વાપરવાનું એમણે શીખવ્યું, જે બહુ અનૂકુળ આવી ગયું. જો કે, એવી લેવડદેવડ થઈ શકે એવા બહુ લોકો  નથી. અવનવી ચીજોને પૉટ તરીકે વાપરવાની પ્રેરણા પણ એમના પૉટને જોઈને મળી. તેમણે તો એક જૂના, લોખંડના નાઈટ લેમ્પનો પણ પૉટ તરીકે ઉપયોગ કર્યો હતો.
ખેડાના અમારા મિત્ર પૈલેશભાઈ અમારા ફૂલછોડના ડૉક્ટર અને સદાયની હેલ્પલાઈન જેવા છે. બિયારણ અને જંતુનાશક દવાઓના એ મોટા વેપારી છે અને અમારી પ્રવૃત્તિઓમાં અમારા જેટલો જ રસ એ લે છે. એમની ટેલિફોનિક સલાહ હું કોઈ પણ સમયે લઈ શકું અને તે રસ લઈને યોગ્ય માર્ગદર્શન આપે. તેમને વડોદરા આવવાનું થાય અને અનુકૂળ હોય તો એ અમારા ફૂલછોડની મુલાકાત લે જ અને ડૉક્ટરની જેમ બધાને તપાસે, જરૂરી સલાહસૂચન આપે. એવી જ એક મુલાકાતમાં તેમની પાસે (ડૉક્ટરના સ્ટેથોસ્કોપની જેમ) સદાય રહેતો બિલોરી કાચ તેમણે અમને ભેટમાં આપી દીધો. એનો વનસ્પતિ માટે યોગ્ય ઉપયોગ ખબર ન હોવાથી અમે આનાકાની કરતા હતા. 
પીપળો 
પણ તેમણે અમને એ ધરાર પકડાવ્યો. હવે કંઈ પણ હોય અને એમને ફોન કરીએ એટલે પૈલેશભાઈ કહે, પેલો કાચ લઈને ઉભી રહે. હવે જો કે છોડ પર કયા રંગની જીવાત દેખાય છે. આવા રંગની છે? તેવી છે?” એમના સવાલના હું જવાબ આપતી જઉં એટલે એ કહે, સરસ, સમજી ગયો. હું તને કાલે એક પેકેટ મોકલીશ. અને બે-ત્રણ દિવસમાં પેકેટ આવ્યું જ હોય, જેમાં જાતજાતની દવાઓની સાથે તેમણે જાતે જ સૂચનાઓ લખેલી હોય. મને ખબર છે કે આ દવાઓની બજારકિંમત કેટલી બધી હોય છે. પણ પૈલેશભાઈને પૈસા અંગે પૂછીએ તો કદાચ અમારી ભાઈબંધી ખતરામાં આવી પડે. (પ્લીઝ, પૈલેશભાઈનો ફોન નંબર ન માંગતા.)
બીરેન આરપાર માટે પહેલી વાર પ્રકાશભાઈ વેગડનો ઈન્ટરવ્યૂ લેવા ગયો ત્યારે બન્ને પક્ષે થોડી અવઢવ હતી. (ઈન્ટરવ્યૂનો વિષય એવો હતો.) પણ દોઢ-બે કલાકના એ ઈન્ટરવ્યૂ પછી પ્રકાશભાઈ સાથે જે મિત્રતા થઈ એ ઊત્તરોત્તર ઘનિષ્ઠ થતી રહી છે. એ પહેલી જ મુલાકાતમાં સન્નિષ્ઠ લાઈબ્રેરીઅન એવા પ્રકાશભાઈએ બીરેનને બોન્સાઈ અંગેનું એક પુસ્તક ભેટ આપ્યું. ત્યાર પછી અમારા કૌટુંબિક મિત્ર બની ગયેલા પ્રકાશભાઈ જ્યારે પણ ઘેર આવે ત્યારે બે બાબતોનું પાલન અચૂક કરે છે. (૧) અમારા ફૂલછોડની મુલાકાત લઈને તેના ખબરઅંતર પૂછવાનું. (૨) હોમાયબેનની ફોર્મ્યુલા મુજબ બનાવેલું લીંબુનું (ઈનોવાળું) શરબત પીવાનું.
જાસૂદ 
આવા હકારાત્મક પ્રતિભાવ ભલે ઓછા મળે, પણ મળે ત્યારે આનંદ થાય છે. થાનગઢથી ભરતભાઈ ઝાલા અને વિભૂતિ પહેલી વાર અમારે ત્યાં આવ્યાં ત્યારે અમારાં બોન્સાઈ જોઈને બહુ રાજી થયેલાં અને કહેલું, તમારે કેવી શાંતિ! કોઈ સાથે કશી ખટખટ જ નહીં અને સમય પસાર કરવાની જરાય ચિંતા જ નહીં. જો કે, એમની આ શુભેચ્છા સ્વીકારીનેય એટલું ઉમેરું કે (અનલાઈક બીરેન) મને કોઈ સાથે ખટખટ કરવી પણ ગમે છે (* શરતો લાગુ) અને સમય પસાર કરવાની ચિંતા નથી, બલ્કે સમય જલ્દી પસાર થઈ જશે એની ચિંતા હોય છે.
આ શોખનાં સામાજિક પાસાં જોયા પછી હવે તેનું વ્યાવહારિક પાસું દર્શાવતો એક અનુભવ જણાવું, જે મારા માટે યાદગાર બની રહ્યો છે. મારા મમ્મી અને પપ્પા અમારે ત્યાં રહેવા આવેલાં. એ અરસામાં વટસાવિત્રીનો તહેવાર હતો. મમ્મી ચુસ્તપણે આ વ્રત નિયમીતપણે પાળે અને કુલ ૧૦૮ ફેરા થડ પર સૂતરની દોરી વીંટાળીને ફરે. પોતે કેટલા ફેરા ફર્યા એ યાદ રાખવા માટે સ્ત્રીઓ ૧૦૮ રેવડીઓ, ચોકલેટ કે એવું કંઈ પણ હાથમાં રાખે છે અને દરેક ફેરો પૂરો થાય એટલે એક એક નંગ મૂકતાં જાય છે. અમારા વિસ્તારમાં વડ ક્યાં શોધવો? એટલે ગણેશજીની જેમ મેં સગવડીયો, પણ અર્થપૂર્ણ રસ્તો વિચાર્યો. 
થાઇલેન્ડની ગળી આંબલી 
અમારી પાસે વડનું એક સુંદર બોન્સાઈ હતું. તેની આસપાસ બે-ત્રણ નાની નાની ચીજો ગોઠવીને અમે એને ઝાડ જેવો જ દેખાવ આપેલો. મેં મમ્મીને જણાવ્યું કે આ વડનું ઝાડ જ કહેવાય. અને એની આસપાસ તું તારી વિધી પતાવી શકું. મમ્મીએ અમારાં બોન્સાઈ જોયેલાં, એના કન્સેપ્ટથી પણ એ પરિચીત, એટલે એને આ વિચાર ગમી ગયો. બસ, પછી તો એ વડને ઘરની અંદર લાવીને ટેબલ પર ગોઠવવામાં આવ્યો અને બેઠે બેઠે જ મમ્મીએ એની પૂજા કરી. દરેક ફેરા વખતે એ રેવડી મૂકતી. આમ, ઘેરબેઠે, અરે, ખુરશીમાં બેઠે આખી વિધી સંપન્ન થઈ. આ રીતે વ્રતની ઉજવણી થઈ એટલે એ ખુશ હોય જ. એની તકલીફ ઓછી થઈ એટલે મનેય આનંદ થયો. બીરેનને અને છોકરાંઓને રેવડી ખાવા મળી એટલે એ વર્ગ પણ ખુશખુશાલ. અને બધા ખુશ એટલે મારા પપ્પાય રાજી. આમ, રાજ્યમાં ચોમેર હર્ષોલ્લાસ વ્યાપી ગયો. થેન્ક્સ ટુ બોન્સાઈ. સાંભળવા મળ્યું છે એમ મમ્મી હવે બોન્સાઈ વડ ઉછેરવાનું વિચારી રહી છે.
એમ તો ઘણા સ્થિતપ્રજ્ઞ મિત્રો પણ અમારા ઘરે આવે છે. એ મિત્રો કાં આ બાગની નોંધ લેતા જ નથી, કાં દૂરના કોઈક સગાંની ખબર પૂછતાં હોય એમ અંદર બેઠે બેઠે જ પૂછી લે છે, શું કે છે તમારો ગાર્ડન?’ આ સવાલનો જવાબ મેળવવાનીય તેમને અપેક્ષા હોતી નથી, એટલે હું કે બીરેન હળવું હસી લઈએ, જેનો મતલબ બધું ઓરાઈટ છે થાય છે.
"શું કે' છે તમારો ગાર્ડન?"
"ઓ'રાઈટ છે." 
ઘણા મહેમાનો થાળીમાં કોઈ પણ આઈટમ જોઈને તેની રેસિપી પૂછવાનો વિવેક કરે છે. તો એક જ વાર કોઈ આવું પૂછે અને રેસિપી જણાવવા બેસી જવાનો અવિવેક મોટા ભાગના યજમાનો કરે છે. એ જ ન્યાયે ઘણા લોકો વિવેકમાં બોન્સાઈની રેસિપી પણ પૂછે છે. કોઈ પૂછે ત્યારે હું એ રેસિપી બોલવા નથી બેસી જતી, પણ મને લાગે છે કે અહીં મારે એ જણાવવી જોઈએ. વાનગીની રેસિપી પૂછતા મહેમાનો એ રેસિપી અપનાવે કે નહીં, પણ સાંભળે છે જરૂર. એમ અહીં આપેલી બોન્સાઈની તમે રેસિપી અપનાવો કે ન અપનાવો, પણ વાંચજો જરૂર, એટલું કહેવાનું મન થાય છે.
આ રહી બોન્સાઈ બનાવવા માટેની ટીપ્સ:
૧) સૌથી પહેલાં તો બોન્સાઈ પ્રત્યે પ્રેમ કેળવો. (એ કેળવવાની રીત ન પૂછશો.)
૨) વનસ્પતિઓને ઓળખવી જરૂરી છે, પણ અનિવાર્ય નથી.
૩) બને ત્યાં સુધી જાતે જ બોન્સાઈ બનાવવાનો સંકલ્પ કરો.
૪) એક વાત પોતાના મનમાં સ્પષ્ટ કરી લેવી કે બોન્સાઈ આપણે આપણી સર્જનાત્મકતા કેળવવા કરી રહ્યા છીએ કે લોકો પર છાકો પાડવા માટે? છાકો પાડવા ઈચ્છનાર માટે નર્સરીમાંથી તૈયાર બોન્સાઈ લાવવાનો વિકલ્પ ખુલ્લો છે અને તે આ છોડ કેટલો મોંઘો છે એ કહીને ગર્વ પણ લઈ શકે છે. કઈ ચીજ પર તમે ગર્વ લો છો એ પણ તમારો ટેસ્ટ સૂચવે છે.
૫) બોન્સાઈની સીધી લેવાદેવા કળાત્મકતા સાથે છે, એટલે તેને ગમે એવા કૂંડામાં, ગમે તેવા સ્થળે, ગમે તેવી રીતે (ટૂંકમાં, લઘરવઘર રીતે) ન ગોઠવવા. ઘરમાં ગોઠવીએ તો પણ તેની સાથે અન્ય ચીજો મૂકીને યોગ્ય કમ્પોઝીશન બનાવવું.
૬) આરંભે શૂરાની જેમ શરૂઆત કરી દીધા પછી આ બધી બાબતો જફા લાગતી હોય તો વાંચો સૂચન નંબર (૧).
૭) કોઈનો બોન્સાઈસંગ્રહ જોઈને તમને આનંદ થયો હોય તો એ વ્યક્ત કરો. આનંદની અભિવ્યક્તિમાં રેશનીંગ રાખવું હોય કે પરેજી પાળવી હોય તો ભલે, પણ આટલું કદી ન કહેશો કે ન પૂછશો-

  •          મનેય બાગકામ (અથવા એક્સ.વાય.ઝેડ) નો બહુ શોખ છે, પણ શું કરું? ટાઈમ નથી મળતો.
  •       ‘તમે ક્યાં શીખ્યા?’ અથવા તમે આના ક્લાસ કરેલા?’
  •           આ બધી મને તો જફા લાગે છે.' 
  •       અમારે ત્યાં તો ગમે એટલી મહેનત કરીએ તોય કશું થતું જ નથી.
  •         આમ તો મને બધો ખ્યાલ છે. પણ તમે ક્લાસ કર્યા છે તો ફક્ત આટલું કહી દો ને!
  •        તમારા બન્નેમાંથી કોને આનો શોખ છે?’
આમ પૂછવાથી સામાવાળાને ખરાબ લાગે કે ન લાગે, પણ પૂછનારની કક્ષા જણાઈ આવશે. 
બોન્સાઈ બનાવવા ઈચ્છતા અથવા બોન્સાઈના પ્રેમી મિત્રો સાથે માહિતીની આપ-લે કરતાં આનંદ થશે. મારા સંપર્ક માટે બીરેનનું ઈ-મેઈલ એડ્રેસ બ્લોગપોસ્ટના મથાળે લખેલું જ છે. જો કે, એટલી 
ચોખવટ વેળાસર કરી લઉં કે મારો સંપર્ક કરવાથી બોન્સાઈ 
બનાવવામાં ખાસ મદદ મળે એવી શક્યતા ઓછી છે, કેમ કે હું મોટે ભાગે મારી સૂઝથી જ એ તૈયાર કરું છું અને મારી ટેકનીકલ જાણકારી નહીંવત છે.

( નોંધ: - બોન્સાઈ અંગે મને મળતી શુભેચ્છાઓમાં મોટે ભાગે એવું થાય છે કે બીરેનને અડધી ક્રેડીટ બાય ડીફોલ્ટ (એ કશું ન કરે તોય) મળી જાય છે. જો કે, અમારા બેમાંથી કોઈને એનો વાંધો નથી. પણ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની માનસિકતા ધરાવતા લોકો એમ જ માને છે કે પતિની મંજૂરી ન હોય તો આ (કે કોઈ પણ) શોખ વિકસી ન શકે. જૈસી જિસકી સોચ! આ પોસ્ટ પૂરતી બીરેનને એણે કરેલા કામની અડધી ક્રેડીટ તો આપવી જ રહી. કયું કામ? વિચારોનું લેખિત સ્વરૂપ આપવાની મારી આવડત મર્યાદિત છે એટલે મારા વિચારોને તેણે કશી છેડછાડ કર્યા વગર, યોગ્ય રીતે મૂકી આપ્યા છે. (અર્થશાસ્ત્રીઓ એને ડિવીઝન ઑફ લેબર કહે છે.) બીજું કોઈ એ પકડી પાડ્યાનું ગૌરવ લે એ પહેલાં હું જ એ જણાવી દઉં તો વધારે સારું. કેમ કે આનોય અમારા બેમાંથી કોઈને વાંધો નથી.
- તમામ તસવીરો અમારા જ બોન્સાઇની છે અને બીરેને લીધેલી છે.)