Sunday, March 27, 2022

અનાયાસે સાંપડેલાં અનુસંધાનો : વીસનગર

જીવનકથા લખતાં લખતાં ક્યારેક અનાયાસે આપણાં પોતાનાં અનુસંધાન પણ જોડાય અને નાનકડું વર્તુળ પૂરું થયાનો અનુભવ ક્યારેક વખતોવખત થતો રહે એનો આનંદ બહુ વિશિષ્ટ હોય છે.  અનુસંધાનોની આંટીઘૂટી કેવી કેવી હોય છે! 

અમારા મહેમદાવાદના ઘરમાં વરસોથી એટલે કે મારા જન્મ પહેલાના સમયથી લોખંડની એક ભારેખમ તિજોરી છે, જે મારા દાદાએ વસાવેલી. તેની પર 'હરીચંદ' લખેલું છે. મને કાયમ કુતૂહલ થતું કે આ કઈ બ્રાન્ડ હશે? કેમ કે, આવી તિજોરી ખાસ કોઈને ત્યાં જોઈ નથી. એ મુંબઈથી ખરીદી હતી, એથી વિશેષ જાણકારી એના વિષે નહોતી. આ તિજોરીના પતરાનો ગેજ એટલો જાડો છે કે અમારું જૂનું મકાન ઉતારતી વખતે તેને ઉપરથી નીચે ઉતારવાની આવી ત્યારે તિજોરી ખાલી હોવા છતાં તે ઉંચકાતી નહોતી. મજૂરોએ અકળાઈને કહ્યું કે તિજોરી ખાલી કરો ને! આખી ભરેલી છે એટલે ક્યાંથી ઉંચકાય! અમારે રીતસર એના બારણાં ખોલીને મજૂરોને ખાતરી કરાવવી પડી કે તિજોરી ખરેખર ખાલી જ છે. વરસોથી અમારા ઘરના ફર્નિચરનો હિસ્સો હોવા છતાં તેના વિષે કશી જાણકારી નહોતી.

અમારા મહેમદાવાદના ઘરની 'હરીચંદ' બ્રાન્ડ તીજોરી.

મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથા 'પુરુષાર્થની પેલે પાર' (પ્રકાશન ૨૦૦૭)ના આલેખન વખતે તેમની સાથે થતી લાંબી વાતચીતમાં એક વખત તેમણે હરીચંદ નામના મૂળ વીસનગરના, પણ મુંબઈસ્થિત એક તિજોરીવાળાનો એક કિસ્સો જણાવ્યો. એક અંગ્રેજના તાળાની ચાવી ખોવાઈ ગઈ તેને હરીચંદે વગર ચાવીએ ખોલી આપ્યાની વાત હતી. નવનીતરાયનું વતન વીસનગર હતું, અને હરીચંદ પણ વીસનગરના હતા. તેથી 'વીસનગરનાં રત્નો'ના સંદર્ભે તેમણે આ વાત કરેલી. પણ ત્રિવેદીસાહેબને ફક્ત એટલી જ જાણ હતી. તેમણે કહ્યું કે પોતે કદી 'હરીચંદ' બ્રાન્ડની તિજોરી જોઈ નથી. આ સાંભળીને મને કેવી મઝા આવી હશે! મેં એમને કહેલું, 'તમે એ તિજોરી જોઈ નથી, અને હું એ જ તિજોરી જોઈ-વાપરીને મોટો થયો છું.'

ત્યાર પછી આલેખન વખતે અમે (મેં અને રજનીકુમાર પંડ્યાએ) વીસનગરની અનેક વાર મુલાકાત લીધી. ત્યાં હરીચંદ મંછારામ તિજોરીવાળાનું બસ્ટ અને તેમના નામનો 'હરીચંદ ગેટ' જોવા મળ્યો ત્યારે પુસ્તકમાં કામ આવે કે ન આવે, મારા અંગત સંદર્ભ માટે એની તસવીરો મેં લઈ લીધી. વરસોથી જે 'હરીચંદ' વિષે જાણવાનું મને કુતૂહલ હતું એમની ભૂમિ પર એમનું નામ ધરાવતી અન્ય ચીજોની તસવીરો લેવાનો રોમાંચ કેવો હોય!

હરીચંદ મંચ્છારામ તીજોરીવાળા અને તેમનાં ધર્મપત્ની મોતીબાઈ

હરીચંદ તીજોરીવાળાનું બસ્ટ, વીસનગર.

વીસનગરનો હરીચંદ ગેટ

No comments:

Post a Comment