Monday, August 21, 2017

બસોમી પોસ્ટ: હાંસિયાનું હાસ્ય


'પેલેટ' નામના આ બ્લૉગની આ બસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011 ના રોજ પહેલવહેલી પોસ્ટ 'કોંકણ ડાયરી-1 મૂકાઈ હતી. ત્યાર પછી નિયમીતપણે અનિયમીત લખાતા રહેલા આ બ્લૉગમાં રસના અનેક વિષયોનો સ્વૈરવિહાર થતો રહ્યો છે. પચીસ, પચાસ, સો, સવાસો જેવા આંકડા ગુણવત્તાસૂચક બિલકુલ નથી, પણ સંખ્યાત્મક અવશ્ય છે. આંકડાઓના આવા એક મુકામે પહોંચીને પાછળ નજર કરીએ તો એ ખ્યાલ આવે છે કે ભલે અનિયમીત તો અનિયમીત, પણ સાતત્યથી લખાતું રહ્યું છે, અને મઝા પડી રહી છે. આ સફરના મારા અનેક સાથીઓ હશે. ઘણા અહીં કમેન્‍ટરૂપે દેખા દે છે, તો મોટા ભાગના અદૃશ્ય વાચક તરીકે. એ સૌનો આભાર.
લેખન જ્યારે શોખ મટીને વ્યવસાય બને ત્યારે બ્લૉગ પર કેવળ નિજાનંદ ખાતર લખવું મુશ્કેલ બને છે. વૃત્તિની નહીં, સમય ફાળવવાની સમસ્યા મુખ્ય હોય છે. પહેલાં બે વરસોમાં જે નિયમીતતાથી લખાયું, એ પછીનાં વરસોમાં જાળવી ન શકાઈ. આમ છતાં, મનમાં અનેક વિષયો ચાલ્યા કરતા હોય.
સોમી પોસ્ટની ઉજવણી વખતે મને લગાડેલાં કેટલાંક કાજળનાં ટપકાં વીણીને પોસ્ટ તરીકે મૂક્યાં હતાં. બસોમી પોસ્ટમાં એક એવી ચીજ મૂકવાનું વિચાર્યું કે જે મેં પોતે આટલા ધ્યાનથી આ નિમિત્તે જ જોઈ. તેની વાત કરું.
**** **** ****

અમેરિકન હાસ્ય સામયિક મૅડ’/MAD મારું અતિ પ્રિય છે. તેમાં સચિત્ર હાસ્ય નિયમીતપણે પીરસવામાં આવે છે, અને તેના કટાક્ષકારો માટે કોઈ કહેતાં કોઈ પવિત્ર ગાય નથી. આ સામયિકની ગુણવત્તા જળવાઈ રહેવાનું સૌથી મહત્ત્વનું કારણ મારી દૃષ્ટિએ એ છે કે તેમાં હાસ્યલેખક અને વ્યંગ્યચિત્રકાર બન્ને અલગ અલગ હોય છે. અહીં મોર્ટ ડ્રકર/Mort Drucker, જેક ડેવિસ/Jack Davis, અલ જેફી/Al Jaffee, ડૉનમાર્ટિન/Don Martin, સર્જિયો એરેગોનસ/Sergio Aragones, ડેવ બર્ગ/Dave Berg, ડૉન ડક એડવિંગ/Don Duck Edwing, એન્‍જેલો ટોરસ/Angelo Torres, એન્‍તોનિયો પ્રોહીસ/Antonio Prohias સહિત અનેક કલાકારો સ્ટારનો દરજ્જો ભોગવે છે અને આ સામયિકની અનુક્રમણિકામાં તેમનો સાગમટે ઉલ્લેખ ‘The usual gang of idiots’ તરીકે થાય છે. 


દરેક કલાકારની આગવી શૈલી અને ખાસિયત છે, જેને કારણે વ્યંગ્યની ધાર બેવડાઈ જાય છે.
નીચે મૂકેલા આ પાનામાં પહેલી નજરે અનેક ઈલસ્ટ્રેશન દેખાશે, જે મુખ્ય કથાનો ભાગ હોવાથી વાચક અવશ્ય વાંચવાનો છે. પણ એ સિવાય વચ્ચે રાખેલી હાંસિયાની જગ્યાઓ જુઓ. પાનની શરૂઆતમાં, ટોચે, વચ્ચે કે તળીયે આવી જગ્યાઓ (space) કોઈ પણ સામયિકમાં હોય જ. તેમાં દોરાયેલાં ચિત્રો તરફ ભાગ્યે જ ધ્યાન જશે.


આ હાંસિયાઓમાં પણ નાનાં નાનાં વ્યંગ્યચિત્રો બનાવાયાં છે, જે મોટે ભાગે સર્જિયો એરેગોનસ દ્વારા ચીતરાયેલાં છે. નીચેના પૃષ્ઠ પર આવાં ચિત્રો પર લાલ નિશાની કરવામાં આવી છે, જેથી તેમનું મૂળ કદ સમજાશે.


સામયિકની અનુક્રમણિકામાં આ વિભાગનો ઉલ્લેખ ‘Marginal Thinking Department’ તરીકે નિયમીતપણે કરવામાં આવેલો હોય છે. 


આ વ્યંગ્યચિત્રો જોવા માટે બિલોરી કાચ જ જોઈએ. અને દર વખતે તે હાથવગો હોય નહીં. પછી જોઈશું એમ વિચારીને પછી એ રહી જ જાય. આથી વિચાર આવ્યો કે આ હાંસિયાનાં કેટલાંક ચિત્રોને મોટાં કરીને મૂકીએ. પૈસાવસૂલ હાસ્ય આપવું એટલે શું એનો નમૂનો મૅડનું એકાદું પાનું જોઈએ તો સમજાય.

બસોમી પોસ્ટની ઉજવણી નિમિત્તે મને એ વ્યંગ્યચિત્રો જોવા મળે અને તમને પણ માણવા મળે એ આશયે કેટલાંક પસંદગીયુક્ત વ્યંગ્યચિત્રો અહીં મૂક્યાં છે.

હાંસિયાની જગ્યામાં આ ચિત્રોને એ રીતે દોરવામાં આવે છે કે લખાણ પણ તરત શરૂ થઈ જાય. આ કારણે ચિત્રને આખું લેવા જતાં લખાણનો અમુક ભાગ ક્યાંક આવી જાય એમ બન્યું હશે. પણ અહીં કેવળ ચિત્રનું જ મહત્ત્વ છે, એ ધ્યાનમાં રાખવું. વધુમાં વધુ એક આંગળીની પહોળાઈ અને એક વેઢાથી લઈને ત્રણ વેઢા સુધીની લંબાઈમાં આ ચિત્રો ગોઠવાયેલાં હોય છે.

આ ચિત્રો હાથે ચડ્યાં એ મૂકી દેવાને બદલે જે મને વધુ ગમ્યા, અને મારે કશું લખ્યા વિના પણ સમજાઈ જાય એવાં હોય એ રીતે પસંદ કરીને મૂક્યાં છે. આમ છતાંઅમુક ચિત્રો સમજવા માટે વધુ પડતાં નાનાં લાગે તો તેને જતાં કરવાને બદલે ડાઉનલોડ કરીને એન્‍લાર્જ કરીને જોજો. છતાં કશી તકલીફ હોય અને મને પૂછશો તો હું ચોક્કસ જણાવીશ. આશય એટલો જ કે મઝા આવવી જોઈએ.


અકલ્પનીય વિષયો અને પરિસ્થિતિઓ આ વ્યંગ્યકારોની ખાસિયત છે.  'મૅડ'ના હાસ્યના પ્રેમમાં પડ્યા પછી 'સર્વ જગ થયું ખારું' લાગે એવો એનો પ્રતાપ છે.

(નોંધ: 'મૅડ'નાં તમામ વ્યંગ્યચિત્રો: અંગત સંગ્રહમાંથી) 

Tuesday, August 8, 2017

ટાઈટલ મ્યુઝીક (4) : પ્રેરણા નહીં, સીધેસીધી નકલ


મૌલિકતા એટલે ન પકડાયેલી ચોરી. હળવાશમાં આવું કહેવાય છે, જેમાં તથ્ય પણ છે. ચોરી કરવી, ઉઠાંતરી કરવી, નકલ કરવી જેવા શબ્દો કરતાં 'પ્રેરિત થવું' શબ્દ જરા સન્માનજનક છે. સંગીતનું માધ્યમ સર્જનાત્મક છે, પણ તેની સાથે સંકળાયેલા બધા જ સર્જક હોય એ જરૂરી નથી. એવું જ અન્ય કળાઓ બાબતે કહી શકાય. ફિલ્મસંગીતમાં સર્જનાત્મકતાની સાથે સાથે વ્યાવસાયિકતા પણ ભળેલી હોય છે. ગમે એવી પ્રચંડ કાબેલિયત ધરાવતા સંગીતકાર વ્યાવસાયિક અભિગમ ન રાખે તો તે નિષ્ફળ જાય એવી તમામ સંભાવના છે. અને ઘણા તો એ હદનો વ્યાવસાયિક અભિગમ રાખે છે કે સર્જનાત્મકતાને પણ તેઓ ગૌણ ગણે છે.
હિન્દી ફિલ્મસંગીતમાં આવી 'પ્રેરણા' વરસોથી વહેતી રહી છે. પચાસ કે સાઠના દાયકામાં કેટલાય ગીતોની ધૂન સીધેસીધી અન્ય પ્રદેશની ધૂનોમાંથી લેવામાં આવી હતી. ભાગ્યે જ કોઈ સંગીતકાર આમાંથી બાકાત હશે. હવે તો એવાં પ્રેરીત ગીતો અને મૂળ ગીતો સંભળાવતી આખેઆખી વેબસાઈટ પણ છે. પણ એનો અર્થ એમ નહી કે એમ કરનાર સંગીતકારોમાં કાબેલિયત નહોતી. તેમની બીજી સ્વરરચનાઓ સાંભળતાં આ હકીકતનો અહેસાસ થાય છે.
પચાસના, સાઠના અને સીત્તેરના દશકમાં 'બીનાકા ગીતમાલા'ની લોકપ્રિયતા ટોચ પર હતી. અમીન સયાની દ્વારા રજૂ કરાતા આ કાર્યક્રમમાં ગીતોના ક્રમ માટે વપરાતો 'પાયદાન' શબ્દ આજે પણ ઉદઘોષકો 'બાદાન' તરીકે વાપરે છે. આ કાર્યક્રમમાં અમીન સયાની બિનાકામાં પહેલી વાર વાગતું ગીત, સરતાજ ગીત, અમુક વખત વાગ્યા પછી નિવૃત્ત થતું ગીત, પહેલી જ વાર 'ચોટી'એ પહોંચતું ગીત - એ રીતે ગીતોની રજૂઆત કરતા અને આવી દરેક શ્રેણી માટે અલગ અલગ સિગ્નેચર ટ્યૂન પણ તેમણે નક્કી કરેલી, જે તેઓ વગાડતા. પણ આ બધામાં સૌથી મસ્ત, અને લાંબી સિગ્નેચર ટ્યૂન ખુદ 'બિનાકા ગીતમાલા'ની પોતાની હતી. ચાહકો પોણા આઠથી રેડિયો સિલોન ચાલુ કરી દેતા અને નવ ને પાંચ સુધી એ સ્ટેશન રાખતા, જેથી કાર્યક્રમના આરંભે અને અંતે વાગતી આ ધૂન આખેઆખી સાંભળી શકાય.
ધૂનનો આટલો ટુકડો હકીકતમાં એક લાંબી અને અદભૂત ધૂનનો આકર્ષક હિસ્સો છે. Edmundo Ruso ના 'સ્પેનિશ જિપ્સી ડાન્સ'ની એ ધૂન હવે તો યૂ ટ્યૂબ પર આખેઆખી ઉપલબ્ધ છે અને તેના જુદાજુદા વર્ઝન પણ સાંભળી શકાય છે. એવી એક લીન્ક આ રહી. 

જી.પી.સીપ્પી નિર્મિત, પ્રમોદ ચક્રવર્તી નિર્દેશીત ફિલ્મ 12 ઑ'ક્લોક (1958) ના ટાઈટલ મ્યુઝીકમાં પ્રિય સંગીતકાર ઑ.પી.નય્યરે આ ધૂનને કશા ફેરફાર વિના, એમની એમ લીધી. એ જ ટેમ્પો, અને એ જ વાદ્યો.
'12 ઑ'ક્લોક' ફિલ્મની આ લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.25 સુધી છે.

આ જ ધૂન સંગીતકાર રોબીન બેનર્જીએ 'રૂસ્તમ કૌન' (1966) ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં પણ એ જ રીતે વાપરી છે. 'રૂસ્તમ કૌન' ફિલ્મની આ લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.24 સુધી છે.

**** **** ***** 

આવી બીજી અતિ પ્રચલિત ધૂન છે 'કમ સપ્ટેમ્બર'ની. 1961માં રજૂઆત પામેલી આ અંગ્રેજી ફિલ્મનું થીમ મ્યુઝિક અતિશય લોકપ્રિય બની રહ્યું છે. પહેલાં તેની મૂળ ધૂન સાંભળીએ. 


આ મૂળ ધૂનને સહેજ પણ ફેરફાર વિના 1963 માં રજૂઆત પામેલી મહેમૂદની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'કહીં પ્યાર ન હો જાયે'ના ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી. આ ફિલ્મનું સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું. અહીં આપેલી આ ફિલ્મની લીન્‍કમાં 1.40 સુધી ટાઈટલ મ્યુઝિક છે, જેમાં તે સાંભળી શકાશે. 


અલબત્ત, આટલી જાણીતી ધૂન પર કોઈ શબ્દો ન લખાય એમ બને ખરું? સુમન કલ્યાણપુર દ્વારા ગવાયેલા એક બિનફિલ્મી ગીત 'રિમઝીમ રિમઝીમ રિમઝીમ બરસે યે મોતી કે દાને' સીધું આ જ તર્જ અને સંગીત પર લખાયું. અહીં ટાઈટલ મ્યુઝીકની મુખ્ય વાત કરવાની હોવા છતાં આ ગીત સાંભળી લઈએ. પાકિસ્તાની સંગીતકાર પણ તેનાથી પ્રેરિત થયા. 1962માં આવેલી 'દાલ મેં કાલા' નામની પાકિસ્તાની ફિલ્મમાં 'સમઝ ન આયે, દિલ કો કહાં લે જાઉં' ગીત આ તર્જ પર લખાયું. એ ગીત આ રહ્યું. નાહીદ નિયાઝીએ ગાયેલા આ ગીતને મુસ્લેહુદ્દીન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું. તેના ગીતકારની માહિતી ઉપલબ્ધ નથી. 

                                           


1995માં આવેલી ફિલ્મ 'બાઝી' માં અનુ મલિકે આ ધૂન પર ગીત રચ્યું, જેના શબ્દો હતા 'ડોલે ડોલે દિલ મેરા ડોલે'.1995માં જ આવેલી 'રાજા' ફિલ્મમાં ગીતકાર સમીરે 'નઝરેં મિલી, દિલ ધડકા' ગીત આ જ ધૂન પર લખ્યું, જેમાં સંગીત નદીમ-શ્રવણે આપ્યું. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં ફિલ્મનાં અન્ય ગીતની સાથે સાથે આ ધૂનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. 'રાજા' ફિલ્મની આ લીન્‍કમાં 2.45 સુધી ટાઈટલ મ્યુઝીક છે, જેમાં 2.04 થી 'કમ સપ્ટેમ્બર'ની એટલે કે 'નઝરેં મિલી'ની ધૂન શરૂ થાય છે.  
કોઈ વિદેશી સંગીત પરથી 'પ્રેરિત' થયા હોય એવા ઉદાહરણો અનેક છે, પણ સીધેસીધી નકલ થઈ હોય એવાં ટાઈટલ મ્યુઝીક આ પોસ્ટમાં કેન્‍દ્રસ્થાને છે.

(નોંધ: તમામ લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી) 

Thursday, August 3, 2017

'સળી'શતાબ્દિ નિમિત્તે.....


બરાબર બે વર્ષ પહેલાં, 'દિવ્ય ભાસ્કર'ના પૃષ્ઠ સંપાદક ઉર્વીશ કોઠારી અને તંત્રી રાજ ગોસ્વામીના નિમંત્રણથી 30-7-15ના દિવસે 'સળી નહીં, સાવરણી' કોલમનો આરંભ થયો હતો. તેને 'કોલમ' કહેવાય કે નહીં, એ હું હજી નક્કી કરી શક્યો નથી, કેમ કે, પહેલી આંગળી અને અંગૂઠો પહોળો કરીએ એટલી તેની લંબાઈ છે. 
30-7-2015ના રોજ પ્રકાશિત પહેલવહેલો લેખ

શરૂઆતમાં 400 શબ્દોની મર્યાદા આકરી લાગતી હતી, કેમ કે, સાદો, સામાન્ય લંબાઈનો હાસ્યલેખ 700-800 શબ્દોનો હોય એમ ગણીને ચાલીએ તો તેનો 'ટેક ઓફ' લેવામાં જ આટલા શબ્દો જોઈએ. ખુદ પૃષ્ઠ સંપાદક હાસ્યલેખક હોવાથી આ હકીકત તેમનાથી બહેતર કોણ સમજી શકે? પણ ત્રીસ-પાંત્રીસ લેખો લખાયા પછી સૂચના મળી કે આને હજી ઘટાડીને 350 શબ્દોમાં લખવું. 
ડાર્વિનનો સિદ્ધાંત ભણતી વખતે ગોખેલો, પણ હવે બરાબર સમજાયો. લોકો ગણે કે ન ગણે, કોલમીસ્ટ, અથવા આ કિસ્સામાં 'મીની કોલમીસ્ટ' પણ એક એવો સજીવ છે કે જે ટકી રહેવા માટે અનુકૂલન સાધવાના તમામ પ્રયત્નો કરે. આ જ દિવસે 'ગુજરાત મિત્ર'માં પ્રકાશિત થનારી કોલમ 'ફિર દેખો યારોં' આનાથી બમણા કદની હોવા છતાં આનાથી અડધા સમયમાં લખાઈ જતી. એ રીતે આઈન્‍સ્ટાઈનનો સાપેક્ષવાદ પણ સમજાયો.
અલબત્ત, આટલા મોટા તંત્રના નખની ટોચ જેટલું કોલમનું કદ હોવાને કારણે મનમાં એમ સતત રહેતું કે ગમે ત્યારે આ અટકી જશે. આ કારણે આ કોલમનો દરેક હપ્તો એવી માનસિકતાથી જ લખતો રહ્યો કે જાણે એ છેલ્લો હપ્તો જ હોય! આ માનસિકતા બહુ કામ આવી.
એક એક રનની કરેલી સફરનો આજે આ સોમો મુકામ છે. નિયમીતપણે ફેસબુુુક પર મૂકાતી આ કોલમ નીચે ઘણી વાર તો એનાથી વધુ લંબાઈ નીચે લખાતી કમેન્‍ટોની થઈ જતી. અને એ કમેન્‍ટો 'વાહ!' , 'ક્યા બાત!' ને બદલે રીતસરની પટાબાજી જ હતી, એટલે મૂળ લખાણથી વધુ હાસ્ય એ વાંચીને નીપજતું. એ પટાબાજીમાં ભાગ લેનારા સૌ મિત્રોનો દિલથી આભાર. એમને એટલું જ કહેવાનું કે કોલમ તો એક માધ્યમ છે. એ આજે છે, કાલે ન પણ હોય. પણ આપણી પટાબાજી કોઈ ને કોઈ રીતે ચાલુ જ રાખવાની છે.
આટલી નાની જગ્યામાં હાસ્ય રેલાવતા, સપ્તાહના અન્ય દિવસોએ લખતા સાથીદારો કિરણ જોશી, ચેતન પગી, આરંભે ઝમકદાર બેટીંગ કરી જનાર જ્વલંત નાયક તેમજ કાર્તિકેય ભટ્ટ, નવી ગોઠવણમાં જોડાનાર અમીત રાડીયા અને દિવ્યેેેશ વ્યાસ તેમજ ડૉ. અશ્વિનકુમારનાં લખાણો આ નવિન સ્વરૂપમાં લખાતાં થયાં એનો આનંદ એટલો જ છે.
આટલા પૂર્વકથન પછી પ્રસ્તુત છે આ કોલમનો સોમો લેખ. 
3-8-2017ના રોજ પ્રકાશિત સોમો લેખ 

ચોમાસામાં હવાયેલાં બારીબારણાં જોઈને

ઘણાં મકાનોનાં બારીબારણાં લાકડાનાં અને તેનાં હેન્ડલ તથા મકાનમાલિક પિત્તળનાં હોય છે. મકાનમાલિક મકાનના વાસ્તુ વેળાએ અને લાકડાનાં બારીબારણાં ચોમાસા વખતે બરાબર ફૂલે છે. ફૂલેલાં બારીબારણાંને સંસ્કૃત સુભાષિતમાં જણાવાયેલા વિદ્યારૂપી ધન સાથે સરખાવી શકાય. મકાનમાલિક તેને ઉઘાડબંધ કરી શકતો નથી, ચોર તેને તોડી શકતો નથી, સુથાર તેને છોલી શકતો નથી કે બિલ્ડર તેને બદલી શકતો નથી. સાદી ભાષામાં તેને જામ થઈ ગયેલાં કહેવાય.
‘નેતા એક, કૌભાંડ અનેક’ની જેમ ‘જામ’ માટે પણ ‘શબ્દ એક, અર્થ અનેક’ની સ્થિતિ છે. ગુલામ માનસિકતા ધરાવતો વર્ગ ‘જામ’ શબ્દ સાંભળતાં અદબભેર ઝૂકી જાય છે. ‘જામનામ સત્ય હૈ’ને ધ્રુવમંત્ર ગણતા ‘બિમાર’ પરવાનાધારકોની નજર સમક્ષ સોડા, પાણી કે અન્ય સંગાથી પીણાં તરવરે છે. સમયના પાબંદ એવા કામચોર કર્મચારીઓને ચોમાસા દરમ્યાન ઓફિસે જતાં-આવતાં ‘જામ’ થઈ જતા ટ્રાફિકની ફિકર હોય છે. બાળકોને તંદુરસ્ત નહીં, પણ જાડીયાપાડીયા બનાવવા માંગતી માતાઓ બ્રેડ પર ચીઝ કે બટર સાથે કયો ‘જામ’ ચોપડવો એની ફિરાકમાં હોય છે, જ્યારે વિશુદ્ધ ગૃહિણી માટે ‘જામ’નો અર્થ છે ફૂલી ગયેલાં બારીબારણાં.
કહેવાય છે કે કાષ્ઠયુગમાં મકાનોનાં બારીબારણાં લાકડાનાં રહેતાં. ચોમાસામાં તે ફૂલી જતાં અને અંદરથી તેની સ્ટોપર વાસી શકાતી નહીં. આથી બાથરૂમમાં જનારે છેક બહાર સંભળાય એટલા ઉંચા અવાજે સતત ગાતા કે ગણગણતા રહેવું પડતું કે જેથી કોઈ ભૂલમાં બારણું ખોલી ન દે. પરિણામે એ યુગમાં બુલંદ સ્વર ધરાવતા અનેક ગાયકો, ઉદ્ઘોષકો તેમજ સંચાલકો પેદા થયા. ફિલ્મી ગીત કે સુગમ સંગીત જેવા ગાયનપ્રકારો આ યુગની દેન હોવાનું મનાય છે. પણ સતત નવો ત્રાસ ઝંખતી નવી પેઢી માટે આ શૈલી અસહ્ય બનવા લાગી. તેને નાબૂદ કરવા માટે તે ટેકનોલોજીને શરણે ગઈ. તેમણે એવી કૃત્રિમ સામગ્રીનાં બારીબારણાં વિકસાવ્યાં કે જે ગમે એવા ભેજવાળા વાતાવરણમાં કદી ફૂલે નહીં અને અંદરથી તેને વાસી શકાય.
એક જમાનામાં લોકો સાંજથી ઘરના બારણાને પણ અંદરથી વાસી દેતા, કેમ કે ડાકુ-લૂંટારાઓ ગામ ભાંગવા ચડી આવતા. રાતવરત બંદૂકના ભડાકાઓ સંભળાતા. આ વર્ગનો વિકાસ થતાં તે દેશ ભાંગવા નીકળ્યો અને હવે લોકપ્રતિનિધિ તરીકે ઓળખાય છે. આથી હવે રાત્રે ઓચિંતો બંદૂકના ભડાકા જેવો અવાજ સંભળાય તો માનવું કે કોઈકને જામ થયેલું બારણું ખોલવા કે બંધ કરવામાં સફળતા મળી છે. જો કે, બુદ્ધિનું બારણું કદી જામ થતું નથી. કેમ કે તે ખૂલતું નથી અને બંધ પણ થતું નથી.