Friday, November 25, 2011

રુકના તેરા કામ નહીં, થૂકના તેરી શાન‘પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં પાયાનો ભેદ કયો?’ આ પ્રશ્ન ભારતીયોને પૂછવામાં આવે તો તેનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ એ હદે જુદો હોઇ શકે કે પૂર્વ અને પશ્ચિમનો ભેદ તો બાજુએ રહી જાય, અને પૂર્વની સંસ્કૃતિમાં જ કેટકેટલા ભેદ કે મતભેદ છે એ નક્કી ન થઇ શકે. પણ એક સર્વસામાન્ય ભેદ જે મોટા ભાગના સ્વીકારે છે અથવા તો સ્વીકારવો ગમે છે તે એ કે પૂર્વની સંસ્કૃતિ પશ્ચિમમાં જાય તો એ ઘટના ‘ગૌરવ’ તરીકે લેખાય છે. જેમ કે – યોગા, આયુર્વેદા, પંચકર્મા, મોક્ષા ઈટીસી,ઈટીસી...
જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ પૂર્વમાં આવે તો તે ‘આક્રમણ’ કહેવાય છે. જેમ કે- કોલા,એમ ટી.વી; ડેટીંગ,પીત્ઝા વગેરે. આ યાદી દરેક જણ પોતપોતાના રસરુચિ મુજબ લંબાવી શકે. પરંતુ પૂર્વની એટલે કે આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય અને સહિષ્ણુ હોવાની સાથોસાથ સમરસતાની છે, એટલે આપણે ઉદાર અને ઉદાત્ત હૃદયે આ તમામ ચીજોને આપણામાં સમાવી લઇએ છીએ, એટલું જ નહીં, એનું દેશીકરણ કરી નાંખીએ છીએ.
પૂર્વના લોકોના વ્યાપક અને સામાન્ય મત મુજબ પશ્ચિમની સંસ્કૃતિમાં અપનાવવા જેવું કંઈ જ હોતું નથી. તેને તો ફક્ત જોઇને જ સંતોષ પામવો યોગ્ય છે. કેમ કે સ્વચ્છંદતાની કક્ષામાં આવે એ હદની સ્વતંત્રતા તેમાં જોવા મળે છે. જેનો ખ્યાલ મુખ્યત્વે ત્યાંના લોકો દ્વારા પહેરાતાં ( કે ન પહેરાતાં) વસ્ત્રો જોઇને આવી શકે છે. વિચારોની સ્વતંત્રતા હશે એની ના નહીં, પણ તેનો ખ્યાલ વસ્ત્રો પરથી શી રીતે આવી શકે?
અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ? 
આની સામે પૂર્વમાં એટલે કે ભારતમાં તો તમામ પ્રકારની અંગત અભિવ્યક્તિ જાહેરમાં ગૌરવભેર કરી શકાય છે. જેમ કે- નાક ખંખેરવું, ઓડકાર ખાવો, ઉત્સર્ગક્રિયાઓ કરવી, થૂંકવું વગેરે.. માનવસહજ કહી શકાય એવી અને જેના પર નિયંત્રણ રાખવું શક્ય નથી એવી આ તમામ ક્રિયાપ્રક્રિયાઓ પૂર્વમાં મુક્ત અભિવ્યક્તિના પ્રકાર તરીકે સ્વીકૃત છે, જ્યારે આ જ બાબતો પશ્ચિમમાં દંડનીય અપરાધ છે. તમે તમારા વિચાર મનફાવે એમ જાહેરમાં રજૂ કરી શકો, પણ જાહેરમાં થૂંકો તો એ અસભ્યતા જ નહીં, પણ અપરાધ ગણાય. એને બદલે વિચારોની અભિવ્યક્તિ કરવા ન મળે તો કંઇ નહીં, કુદરતી ક્રિયાઓ મુક્તપણે કરવા મળે એ આઝાદી જેવીતેવી ન કહેવાય.
આથી જ આપણા દેશમાં થૂંકવા જેવી અમુક ક્રિયાઓએ આગવી પરંપરાનું સ્વરૂપ ધારણ કર્યું છે. અલબત્ત, જાહેરમાં ઉત્સર્ગ કરવા જેવી જ સહજ આ ક્રિયા હોવાથી એક કળા લેખે તેની પર કોઇનું ધ્યાન પડ્યું નથી. પણ આજકાલ શ્વાસોચ્છવાસની પ્રક્રિયાનું જે રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ થઇ રહ્યું છે તે જોતાં કોઇક ગુરુજી ‘આર્ટ ઑફ સ્પિટીંગ’ નો અભ્યાસક્રમ શીખવે અને તેને વેચવા માંડે એ શક્યતા નકારી શકાય એમ નથી. પશ્ચિમના દેશોમાં ભારતીયોને થતા દંડથી બચાવવા માટેય થૂંકવાની કળાને અધ્યાત્મનું સ્વરૂપ આપવું જોઇએ. તો તેનો પ્રવેશ દબદબાભેર પશ્ચિમમાં થશે અને ગૌરવભેર તેનો સ્વીકાર થશે. અને તો પછી ભારતમાં તેને ગૌરવ પ્રાપ્ત થશે.
એ તો થાય ત્યારની વાત ત્યારે, પણ નવાઇ લાગે એવી હકીકત એ છે કે શાસ્ત્રોમાં દર્શાવાયેલી ચોસઠ કળાઓમાં ચોરી કરવા જેવી કળાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ થૂંકવાની કળાને બાકાત રાખવામાં આવી છે. આનો અર્થ એ કે આ પાંસઠમી કળા છે. થૂંકવાના વિવિધ પ્રકારો અને પદ્ધતિઓનું રસદર્શન કરતાં જણાશે કે સંગીત, નૃત્ય, ચિત્ર કે બીજી કોઇ પણ કળાથી તે જરાય ઉતરતી નથી, બલ્કે તેની સમકક્ષ છે. અહીં માત્ર તેની ઝલક દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અભ્યાસુઓ કે જિજ્ઞાસુઓ માટે તેની શાસ્ત્રીયતામાં ઊંડા ઉતરવાની તક છે એટલું જ દર્શાવવાનો આ પ્રયાસ છે.
થૂંકવાની વિવિધ પદ્ધતિઓ મુજબ તેના પણ વિવિધ ઘરાના છે.
ગળફા ઘરાના: થૂંકવાનો આ પ્રકાર સૌથી પ્રાચીન પ્રકાર છે. આ કારણથી આ ઘરાનાના ઉસ્તાદો હવે લુપ્ત થવાને આરે છે. આ પદ્ધતિમાં આરંભે મોંમાંથી જાતજાતના અવાજો કાઢવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છાતીમાં એકઠા થયેલા કફને ઉપરની તરફ ખેંચીને ગળા સુધી લાવવાનો હોય છે. એક વાર કફ ગળા સુધી આવી જાય પછી તેને મોંમાંની લાળ સાથે ભેળવીને મોટા અવાજ સાથે ગળફા સ્વરૂપે બહાર થૂંકવાનો હોય છે. શાસ્ત્રીય સંગીતમાં જેમ ગીતના શબ્દો કરતાં વિવિધ આલાપોનું મહત્વ વધુ હોય છે, તેમ આ પદ્ધતિમાં ગળફાની સાઇઝ કરતાં તેને બહાર કાઢવા માટે કરાતા અવાજોનું મહત્વ વધુ હોય છે. આને માટે રિયાઝ જોઇએ. નવી પેઢીને રિયાઝ કરવાનું કામ ‘મજૂરી’ લાગે છે, તેથી જ આ પરંપરાના ઉસ્તાદોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
પિચકારી ઘરાના: આ પ્રકારમાં મહેનત ઓછી અને ટેકનીકનું તત્વ વધુ હોય છે. આને કારણે તે ‘આમ’ કરતાં ‘ખાસ’ પ્રકાર ગણાય છે અને પોતાને ‘સમથિંગ’ ગણતા લોકોમાં વધુ લોકપ્રિય છે. આ કળાના ઉસ્તાદો હેરતઅંગેજ કરતબ દેખાડી શકતા હોય છે. જેમાં સૌથી અઘરો કરતબ છે બંધ દાંતની વચ્ચેથી પિચકારી મારવી. બન્ને હોઠ પહોળા કર્યા વગર તેઓ થૂંકની પાતળી અને લાંબી સેર છોડે છે. આ ક્રિયામાં એટલી ઝડપ હોય છે કે ઘણી વખત બાજુમાં ઉભેલાને ખ્યાલ પણ ન આવે કે કોણ થૂંક્યું. આ ઘરાનાના કલાકારો એટલા સ્વાવલંબી હોય છે કે તેઓ થૂંકવા માટે પાનનો આશરો પણ લેતા નથી.   
દમિયલ ઘરાના: આ પ્રકાર જરા વિશિષ્ટ છે. આમાં નથી ગળફો કાઢવાનો હોતો કે નથી પિચકારી મારવાની હોતી. આ ઘરાનાના કલાકારો પોતાના ગળામાં એકઠા થયેલા ધૂળના રજકણોને એકત્ર કરવા માટે ગળામાંથી જાતજાતના અવાજ કાઢે છે, જેને કારણે ઘણી વાર પાણી આવતાં અગાઉ નળમાંથી આવતા અવાજ જેવી સાઉન્ડઇફેક્ટ ઉભી થાય છે. લાંબા સમય સુધી અવાજો કર્યા પછી અંતે તેઓ ધૂળના રજકણોને ધરતીને હવાલે કરે છે. આ પદ્ધતિ જરા કઠિન છે, કેમ કે તેમાં અવાજ કાઢતાં બરાબર ન ફાવે તો ઉબકા અને ક્યારેક ઉલટી થવા સુધી પણ વાત પહોંચી શકે છે. આધુનીકતાનું આંધળું અનુકરણ કરનારા આને ‘ડસ્ટની એલર્જિ ’ કહીને ઉતારી પાડે છે.
ગુટખા ઘરાના: મૂળ ગીતોને બદલે તેનાં રિમીક્સ ઝડપભેર લોકપ્રિય થઇ રહ્યાં છે, તેમ આ પદ્ધતિ પણ ગુટખાઓના સતત વધી રહેલા વ્યાપને કારણે આગળ જણાવેલી તમામ પદ્ધતિઓની લોકપ્રિયતાને અતિક્રમી ગઇ છે. એ હદ સુધી કે અન્ય તમામ પદ્ધતિઓનો એકડો નીકળી જશે એવો ભય નિષ્ણાતો દ્વારા સેવાઇ રહ્યો છે. ગુટખા ખાવાને કારણે મોંમાંથી નીકળતું થૂંક લાલ રંગ ધારણ કરે છે અને મોંમાંથી લોહી ટપકતું હોય એવો આભાસ થાય છે. ફિલ્મ ‘યહૂદી’માં સોહરાબ મોદીના મુખે બોલાતા ‘તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?’ જેવા ચોટદાર સંવાદની કલ્પના ગુટખા ખાઇને થૂંકનારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એવી શક્યતા પૂરેપૂરી છે.  
થૂંકવાનો આ પ્રકાર તમામ પ્રકારના લોકોને માફક આવે એવો છે. અંતર્મુખી, સંકોચશીલ અને શરમાળ સ્વભાવ ધરાવતા લોકો જાહેરમાં થૂંકવાને બદલે મકાનના ખૂણા, દાદરના રમણાના ખૂણા, લીફ્ટની આસપાસની જગા વગેરે સ્થળોએ પોતાની કળાનો પરચો બતાવે છે, જ્યારે બહિર્મુખી અને બોલકા સ્વભાવના લોકો માટે તો ‘સારા જહાં હમારા’ હોય છે.
ભગવાન ! તમે વચ્ચે ન આવતા. નહીંતર .. 
કેટલીક ઇમારતોના દાદરની પડખેની દિવાલે વિવિધ દેવીદેવતાઓનાં ચિત્ર ધરાવતી ટાઇલ્સ લગાડવામાં આવે છે, જેથી લોકો કમ સે કમ તેમની શરમ ભરે. પણ ગમે ત્યાં થૂંકવાની બાબતમાં કલાકારો કોઇની દરમિયાનગીરી સાંખી શકતા નથી. ચાહે દેવ હોય કે દાનવ.  
‘સિટી ઑફ જૉય’ નવલકથામાં માનવરીક્ષા ખેંચનાર એક રીક્ષાવાળો બીજા રીક્ષાવાળાને પાન ખાવાની આદત પાડવાની સલાહ આપે છે, જેથી રીક્ષા ખેંચતી વખતે મોંમાં ધસી આવતું લોહી થૂંકીએ ત્યારે પાનનો લાલ રસો થૂંકતા હોઇએ એવું લાગે અને બેને જુદા તારવી ન શકાય. સરકારે આ વિચારને બૃહદ સ્વરૂપ આપીને સરકારી ઇમારતો લાલ રંગે રંગવાનો પ્રયાસ કર્યો છે, જેથી લાલ રંગ અને ગુટખાની લાલ પિચકારીને જુદા ન તારવી શકાય.

અમુક ઇતિહાસકારો એમ પણ માને છે કે ગુટખાની પ્રથા કંઇ આજકાલની નથી. શીખ મહારાજા રણજિતસિંહે અંગ્રેજો માટે નહીં, પણ ગુટખા ખાઇને ગમે ત્યાં થૂંકતા નાગરિકોને જોઇને કહેલું, સબ લાલ હો જાયેગા. (જો કે, તેઓ આ વાક્ય કઇ ભાષામાં બોલ્યા હતા એ અંગે વિવિધ અટકળો છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલા અમુક સંશોધકો માને છે કે મહારાજાએ આ ક્વોટ ઇંગ્લીશમાં કહ્યું હશે.તો કેટલાક શીખ લોકો માને છે કે મહારાજા પંજાબીમાં બોલ્યા હશે. અમુક ગુજરાતીઓ માને છે કે ગુજરાત બહારની કોઈ પણ વ્યક્તિ હિંદીમાં જ બોલે.)
પાપા કહતે હૈ બડા નામ કરેગા... 
થૂંકવાના આટલા ઘરાનાની વિગતે સમજણ આપ્યા પછી વાંચનારને એટલું સમજાશે કે જેમ આપણા જીવનને ઑક્સિજનથી અલગ કરી શકાય એમ નથી, તેમ આપણી જીવનશૈલીમાંથી થૂંકવાની ક્રિયાને પણ દૂર કરી શકાય એમ નથી. આનું યોગ્ય બ્રાન્ડિંગ કરવામાં આવે, 
અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર કે શાહરૂખ ખાન જેવા બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા તેને પ્રમોટ કરીને વિશ્વમંચ પર મૂકવામાં આવે તો શક્ય છે કે ઓલિમ્પીક્સ જેવા રમતોત્સવમાં થૂંકવાની સ્પર્ધાને પ્રવેશ મળે અને દુનિયા આખીના સ્પર્ધકો આપણને થૂંકતા જોવા મળી શકે. અને આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે મૂળ તો આ ભારતની શોધ છે. જો કે, આમ થાય તોય સદીઓ અગાઉ ભારતમાં શોધાયેલી અન્ય ચીજોના થયા છે એવા જ હાલ આના પણ થાય અને રોમાનિયા, કોસ્ટા રીકા, પેરુ જેવા ટચૂકડા દેશોના ખેલાડીઓ તેમાં સુવર્ણચંદ્રક લઇ જાય. ભલે લઇ જતા બિચારા. આમેય એમને સોનાની જરૂર આપણા કરતાં વધુ છે.
        આને લઇને એક ફાયદો થાય ખરો. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો ભેદ કમ સે કમ થૂંકવાની કળા પૂરતો નાબૂદ થઇ જાય અને ભારતીયો માટે દુનિયા આખી સાચા અર્થમાં ‘વસુધૈવ કુટુમ્બકમ ‘ બની રહે. 

Friday, November 18, 2011

હરમંદિરસીંઘ ‘હમરાઝ’: ફિલ્મી ગીતગંગાનું ગીતકોશમાં અવતરણ કરનાર ભગીરથ


છોડ ગયે બાલમ, મુઝે હાયે અકેલા છોડ ગયે- ગીત કઇ ફિલ્મનું છે?”
લગભગ આવારાનું.
ના, મને ખ્યાલ છે ત્યાં સુધી એ બરસાતનું છે.
આવા અતિ પ્રસિદ્ધ ગીતની ફિલ્મ જાણવા માટેય હજી એંસી-નેવુંના દાયકા સુધી આ પરિસ્થિતિ હતી. આનો જવાબ મેળવવા માટે કાં ફિલ્મ જોવી પડે કે પછી રેડિયો પર એ વગાડાય એની રાહ જોવી પડે. તો શું એવું કોઇ સંદર્ભપુસ્તક નથી કે જેમાંથી આપણે ઇચ્છીએ એ ગીતની વિગત કે કોઇ પણ માહિતી સાચી રીતે મળી શકે?
કળિયુગના ભગીરથ 
હિન્દી ફિલ્મસંગીતના અનેક ચાહકોની જેમ આવી મૂંઝવણ કાનપુર (ઉત્તર પ્રદેશ) માં રહેતા સોળ સત્તર વરસના એક જુવાનિયા હરમંદિરસીંઘ સચદેવને પણ થયેલી. રેડિયો સિલોન/Radio Ceylon ની જબરદસ્ત લોકપ્રિયતાના એ યુગમાં તેના પરથી પ્રસારિત થતા હિંદી ગીતોને લગતા વૈવિધ્યસભર ઉચ્ચ રુચિના કાર્યક્રમો લાખો શ્રોતાઓ એકકાને સાંભળતા. આવો જ એક વિશિષ્ટ કાર્યક્રમ હતો દર રવિવારે સાંજે પ્રસારિત થતો વાક્ય ગીતાંજલિ. તેમાં અપાતી કોઇ પંક્તિના દરેક શબ્દથી શરૂ થતું ગીત શ્રોતાઓએ પંદર દિવસની અવધિમાં મોકલવાનું રહેતું. રેડિયો સિલોનના અસંખ્ય શ્રોતાઓની જેમ હરમંદિરસીંઘ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેતો. કાર્યક્રમને અંતે સાચાં ગીતો મોકલનાર શ્રોતાઓનાં નામ બોલાય ત્યારેય હરમંદિરનું ધ્યાન પોતાનું નામ સાંભળવા કરતાં પોતે મોકલેલાં ગીતો સાચાં છે કે નહીં તેની પર જ રહેતું. ક્યારેક કોઇ અઘરા શબ્દ પરથી ગીત યાદ ન આવે ત્યારે મનમાં ચચરાટીયે થતી. છેવટે તેણે આના ઉકેલરૂપે એક સીધીસાદી, સરળ પદ્ધતિ અપનાવી. એક નોટબુક લઇને એમાં અકારાદિ ક્રમ મુજબ ગીતો નોંધવાનું શરૂ કર્યું, જેથી વાક્ય ગીતાંજલિમાં ભાગ લેવા માટે જરૂરી શબ્દ મુજબનું ગીત શોધવામાં સરળતા રહે.
હતી તો આ સાવ નાનકડી ચેષ્ટા, પણ હરમંદિરના સંગીતપ્રેમની, ફિલ્મી ગીતો તરફના અદમ્ય લગાવની એ પરિચાયક હતી. ક્યાંથી પ્રગટ્યો હતો તેનામાં આવો સંગીતપ્રેમ?
****        ****        ****
પિતા સરદાર સુમેરસીંઘ અને માતા સુરીન્દર કૌરનાં ચાર સંતાનો- મહિન્દર કૌર, જનકરાજસીંઘ, હરમંદિરસીંઘ અને સતનામ કૌર- માં ૧૮મી નવેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો હરમંદિર ત્રીજા નંબરનો. માતા સુરીન્દર કૌર અને તેમનીય માતા રૂપ કૌર તો સંગીતનાં જાણકાર હતાં. માતાએ સંગીતમાં ડીગ્રી પણ મેળવેલી. સુરીન્દર કૌરનાં લગ્ન મૂળ પાકિસ્તાનના ખુશઆબના સરદાર સુમેરસીંઘ સાથે થયેલા, અને લગ્ન કરીને તેઓ શરૂઆતમાં મુંબઇ અને ત્યાર પછી કાનપુરમાં સ્થાયી થયેલા. ઘરગૃહસ્થીમાંથી સમય કાઢીનેય સુરીન્દર કૌર ક્યારેક હારમોનિયમ લઇને ભજન, શબદ કે હળવાં ગીતો ગાવા બેસી જતાં. નાનકડો હરમંદિર માતાની સન્મુખ આવીને બેસી જતો અને માના મધુર કંઠનું એકચિત્તે પાન કરતો. હરમંદિરની સંગીતપ્રિતીની જે ગણો એ આ પૃષ્ઠભૂમિ. આ ઉપરાંત લાઉડસ્પીકર પર મોટેથી વાગતાં ગીતો સાંભળવા તેને ગમતાં. મેટ્રીકમાં આવ્યો ત્યાં સુધીમાં તો હરમંદિરને રેડિયો પરથી ગીતો સાંભળવાનો નાદ બરાબરનો લાગી ગયો હતો. તેને વધુ આકર્ષણ હતું પચાસના દાયકા સુધીનાં ગીતોનું. જેના પરિણામસ્વરૂપ તેણે નોટબુકમાં ગીતો નોંધવાનું શરૂ કર્યું હતું. હરમંદિરસીંઘ સચદેવને અંદાજ સુદ્ધાં નહોતો કે સાવ સામાન્ય ગણાતી એ નોટબુક હિન્દી ફિલ્મી ગીતોના ઇતિહાસની વિરાટ ઇમારતના પાયાના પહેલા પથ્થર સમાન બની રહેવાની છે!
હમરાઝ 
નાનકડી નોટબુકથી શરૂ કરેલી યાદી લંબાતી ગઇ અને ધીમે ધીમે હરમંદિરને લાગ્યું કે અત્યાર સુધી બનેલાં તમામ ફિલ્મી તેમજ બિનફિલ્મી ગીતોનું સંકલન કરવું જોઇએ. પણ માહિતી મળે ક્યાંથી? મળે તો એને શી રીતે ગોઠવવી? કેમ કે, આવું કોઇ સંકલન અગાઉ થયાનું જાણમાં નહોતું. હરમંદિરસીંઘ જૂન,૧૯૭૨માં વિજ્ઞાનના સ્નાતક થયા એ પછીને મહિને જ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી મળી ગઇ. આર્થિક સ્વાવલંબનનો પ્રશ્ન રહ્યો નહીં. તેથી હરમંદિરે આ કાર્ય અંગે પૂરેપૂરી ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. જો કે, તેઓ કહે છે, એને અજ્ઞાનતાનો આશીર્વાદ કહી શકાય. મને આ કામમાં કેટલો સમય અને શક્તિ વપરાશે એ તો ઠીક, કામના જથ્થાનો સુદ્ધાં અંદાજ નહોતો, નહીંતર મેં આ કામ શરૂ કરવાની હિંમત કરી હોત કે કેમ એ સવાલ છે.
તેમણે ૧૯૩૧માં બનેલી સૌ પ્રથમ બોલતી ફિલ્મ આલમઆરાથી લઇને છેક ૧૯૭૦ સુધીમાં બનેલી ફિલ્મોનાં તમામ ગીતોની સૂચિ આપતું પુસ્તક તૈયાર કરવાનો મનસૂબો ઘડ્યો. નવાઇની વાત એ હતી કે ફિલ્મ સાથે સંકળાયેલા સરકારના કોઇ એકમને કે ફિલ્મ ઉદ્યોગના કોઇ જણને આ વાત સૂઝી નહોતી. દસ્તાવેજીકરણ તો ઠીક, ફિલ્મઉદ્યોગ શરૂ થયાને ચાર દાયકા માંડ થયા હતા અને અનેક કલાકારો, ફિલ્મો કે તેને લગતી વિગતો દુર્લભ બનવા લાગી હતી. હરમંદિરના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે એકલપંડે આ કામ શક્ય નહોતું. બલ્કે આ કામ માટે દેશભરમાં પથરાયેલા અનેકાનેક સંગીતપ્રેમીઓ, સંગ્રાહકો ઉપરાંત સંબંધિત કલાકારો પાસેથી માહિતી મળી શકે તો જ પોતે ઇચ્છે છે એવું સંકલન તૈયાર થઇ શકે. અને એક વાર જો આવું સંકલન તૈયાર થાય તો...? તો ના અનેક જવાબો હોઇ શકે. હિન્દી ફિલ્મઉદ્યોગના ગીતોના ઇતિહાસકાર તરીકે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાઇ જાય. કોઇ ધંધાદારી પ્રકાશક આ આખીય યોજનાના પ્રકાશનની જવાબદારી ઉપાડી લે તો માલામાલ થઇ જવાય એટલી નકલો તેની ખપી જાય. કેમ કે, દેશ આખાના સંગીતપ્રેમીઓ ઉપરાંત તમામ રેડિયો સ્ટેશન, ફિલ્મ પત્રકારત્વ તેમજ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો માટે આવો સંદર્ભગ્રંથ અનિવાર્ય બની રહે. પણ હરમંદિરના મનમાં તોનો જવાબ એક જ હતો કે આવું પુસ્તક તૈયાર થાય તો તેના થકી કોઇ પણ સંગીતપ્રેમીને ગમતા ગીતની માહિતી હાથવગી થઇ જાય. કેમ કે, તેનો મૂળભૂત જીવ સંગીતપ્રેમીનો હતો.
આ કામના આરંભ માટે સૌ પ્રથમ જરૂર હતી દેશભરના સંગીતપ્રેમીઓ તેમજ વિવિધ નગરોમાં રચાયેલા રેડિયો શ્રોતાસંઘો સાથે સંપર્કસૂત્રથી જોડાવાની, જે માટેનું અસરકારક અને પ્રચલિત માધ્યમ હતું પત્રિકા શરૂ કરવાનું. ઓક્ટોબર, ૧૯૭૧માં આવી પહેલવહેલી માસિક પત્રિકા રેડિયો ન્યુઝનો આરંભ કરવામાં આવ્યો. આ અગાઉ ૮મી જૂન, ૧૯૭૧ના રોજ રેડિયો સિલોન પરના ભૂલેબીસરે ગીત કાર્યક્રમમાં ઉદઘોષક મનોહર મહાજન/ Manohar Mahajan દ્વારા અપીલ જારી કરવામાં આવી હતી કે એક શ્રોતા હરમંદિરસીંઘ સચદેવ ૧૯૩૧ થી ૧૯૭૧ સુધીનાં તમામ ફિલ્મી-બિનફિલ્મી ગીતોનો સંગ્રહ ધરાવતા ગ્રંથ તૈયાર કરવા ઇચ્છે છે, અને શ્રોતાઓ પાસેથી માહિતીના સહકારની અપેક્ષા છે.
રેડિયો ન્યુઝ/ Radio News પત્રિકાના મે-જૂન-જુલાઇ ૭૨ ના અંકમાં આ અપીલ સૌ પ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવી. હરમંદિરસીંઘ સચદેવ એટલે કે હરમંદિરસીંઘ હમરાઝ દ્વારા એક એવા ઐતિહાસીક મહાકાર્યનો આ આરંભ હતો કે જે ક્યારે અને કેવી રીતે સંપન્ન થશે એની તેમને ખુદને ખબર નહોતી.
ચાલીસ વરસથી એકધારું સંપર્કસૂત્ર બની રહેલું 'એલ.બી.' 
જૂન-જુલાઇ૭૩ના અંકથી રેડિયો ન્યુઝ પત્રિકાનું  લિસ્નર્સ બુલેટીન/ Listeners' Bulletin તરીકે પોસ્ટ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. આશ્ચર્ય લાગે એવી બાબત એ છે કે ફિલ્મને લગતાં ભલભલાં સામયિકો ચાલુ થઇને બંધ થઇ ગયાં છે, જ્યારે ચચ્ચાર દાયકા છતાં આજેય આ ત્રિમાસિક પત્રિકાનું પ્રકાશન જારી છે. સાવ મામૂલી લવાજમમાં આ છ-આઠ પાનાંની પત્રિકા જે રીતે અધિકૃત, સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર માહિતી ઠસોઠસ પીરસે છે એ જોઇને ભલે ચવાઇ ગયેલી પણ ગાગરમાં સાગર સિવાય બીજી કોઇ ઉપમા યાદ આવે નહીં. આ પત્રિકા લીસ્નર્સ બુલેટીન વિષે અહીં વિસ્તૃત લખવાની ઈચ્છા છે જ.
લીસ્નર્સ બુલેટીનનું માધ્યમ બહુ અસરકારક બની રહ્યું અને તેના થકી સંગીતપ્રેમીઓ ગીતકોશની ગતિવિધીઓની જાણકારી મેળવતા રહ્યા. ગીતકોશમાં સાલવાર, કક્કાવારી મુજબ દરેક ફિલ્મની વિગત જેમ કે- તેનો પ્રકાર (સામાજિક, સ્ટન્ટ, હાસ્ય, વેશભૂષાપ્રધાન વગેરે), નિર્માતા, નિર્દેશક, કલાકારો, સંગીતકાર, દરેક ગીતની પ્રથમ પંક્તિ, તેના ગાયકો અને ગીતકાર, રેકોર્ડ નંબર તેમજ અન્ય વિશેષ જાણકારી સમાવવાનો ઉપક્રમ હતો. માધુરી/ Madhuri’, સ્ક્રીન/Screen જેવાં ફિલ્મી સામયિકોમાં પણ મદદ માટેની અપીલ તેમણે પ્રકાશિત કરાવી. રેડિયો સિલોનના સત્તાવાળાઓએ તો વારંવાર આ અપીલ પ્રસારીત કરી. આ કાર્યમાં સહાયરૂપ થવા બદલ કશું આર્થિક વળતર કોઇને મળવાનું નહોતું. બલ્કે તેને મોકલવાનો ખરચોય જાતે જ વેંઢારવાનો હતો. કેમ કે, હરમંદિરસીંઘે તો આ કોશ પ્રકાશિત કરવા માટેય રીતસરની ટહેલ નાંખવી પડી હતી. હા, તેમણે એટલી ખાતરી આપી હતી કે પોતે જે તે સામગ્રીનો ઉપયોગ કરીને સાચવીને મૂળ માલિકને પરત કરશે. આ અપીલના પ્રતિસાદરૂપે સામગ્રીનો ધોધ વછૂટ્યો. હરમંદિરસીંઘને કદી મળ્યાય ન હોય એવા એવા સંગીતપ્રેમીઓએ ઉદારતાપૂર્વક પોતાનો ખજાનો આ પાવનકાર્ય માટે ખુલ્લો મૂકી દીધો.  
એક માહિતીયાત્રા દરમ્યાન: (વચ્ચે) હમરાઝ,  તેમની ડાબે
રજનીકુમાર પંડ્યા અને છેક જમણે ઇન્દુકુમાર પંડ્યા 
ઉજ્જૈન નજીકના નરવર ગામના વીરભદ્રસિંહ ઝાલા નામના એક સજ્જન પોતે સ્વતંત્ર રીતે ૧૯૬૨થી ૧૯૭૩ની ફિલ્મોનું સંકલનકાર્ય આ જ પ્રકારે કરી રહ્યા હતા. તેમણે શું કર્યું? પતરાંની ત્રણ મોટી ટ્રંકમાં પોતે કરેલું તમામ કામ અને સામગ્રી ભરીને ઉપડ્યા કાનપુર અને હાથોહાથ હરમંદિરસીંઘને સુપરત કરી. કશા વળતરની અપેક્ષા તો ઠીક, આભારના બે શબ્દો સાંભળવા પૂરતાય રોકાયા નહીં. જાણે કે એક મહાયજ્ઞમાં અર્ઘ્ય સમર્પીને પોતે ઉપકૃત ન થતા હોય!
કેકડી(રાજસ્થાન)ના રતનલાલ કટારિયાએ પોતાના પિતાજીએ એકઠી કરેલી ત્રીસીના દાયકાની ભારતીય ફિલ્મોને લગતી અસંખ્ય દુર્લભ માહિતી પત્રિકાઓ અને અન્ય સામગ્રી હમરાઝને હવાલે કરી દીધી. બદલામાં અપેક્ષા? એનો સદુપયોગ થાય એટલી જ. આગ્રાના વિજયસિંહ ચંદેલ, પતીયાલાના એન. ડી. પ્રકાશ પટીયાલવી’, દિલ્હીના ભીમરાજ ગર્ગ જેવા અનેક ઉદારદિલ સજ્જનોએ ઢગલાબંધ માહિતી મોકલી આપી. ઘણા સંગીતપ્રેમીઓએ પણ કૃપણતા દાખવી, તો કલાકારો તરફથીય વિપરીત અનુભવો થયા. આવા અનુભવો તેમણે લીસ્નર્સ બુલેટીનમાં સમયાંતરે આલેખ્યા છે, જેમાંથી પસાર થવું કોઈ પણ સંગીતપ્રેમી માટે અનેરો લ્હાવો છે.  
ખંડ-૧ના વિમોચન પ્રસંગે નૌશાદ સાથે 
ઘણા કલાકારોએ રૂબરૂ મળવાની જ ના પાડી દીધી. અમુક કલાકારો મળ્યા, પણ માહિતી આપવાની ના પાડી દીધી. છતાં જે સામગ્રી પ્રાપ્ત થઇ તેમજ સંગીતપ્રેમીઓના સૂચનો મળ્યા એના આધારે એક વાત નક્કી થઇ શકી કે બિનફિલ્મી ગીતોનો સમાવેશ પડતો મૂકવો. ગીતકોશને દાયકા મુજબ વિભાજીત કરી દેવા અને એમાં સૌ પ્રથમ પ્રકાશન ખંડ-૩ (૧૯૫૧ થી ૧૯૬૦)નું કરવું. લીસ્નર્સ બુલેટિનમાં જે ફિલ્મોની માહિતી ખૂટતી હતી તેની યાદી વારંવાર આપવામાં આવી. ખૂટતી માહિતી એકઠી કરવા માટે મુંબઇ- પૂના-ઇન્દોર- બીકાનેર જેવાં સ્થળોએ રૂબરૂ જવું જરૂરી લાગ્યું, તો ત્યાં પણ હરમંદિરસીંઘ ગાંઠના ખર્ચે ગયા. સંગીતપ્રેમીઓએ તેમને આવકાર્યા, યથાયોગ્ય સહકાર પણ આપ્યો. મુંબઇ અને પૂનામાં અનેક સંગીતપ્રેમીઓ, કલાકારોને મળીને જરૂરી માહિતી એકઠી કરતાં અનેક ખાટામીઠા અનુભવો થયા. કોઇકે સહકાર આપવાની ખાતરી આપી, અને છેલ્લી ઘડીએ ફરી ગયા. એક સંગીતકારે તો પૂછ્યું, આ ગ્રંથમાં મારું નામ વારંવાર આવશે. તો તમે મને કેટલી રોયલ્ટી આપશો?” મનમાં ધમધમાટી થઇ ગઇ છતાં હમરાઝે ઠંડકથી કહ્યું, એમ હોય તો આપણે તાનસેનના વારસોનેય રોયલ્ટી ચૂકવવી પડે.  
હીન્દી ફિલ્મ ગીતકોશ-૩ 
હમરાઝની નજર સામે એક જ લક્ષ હતું કે કોઇ પણ રીતે ગીતકોશ તૈયાર કરીને સંગીતપ્રેમીઓ સમક્ષ મૂકવો. આખરે નવ-દસ વરસની જહેમતને અંતે ખંડ-૩ તૈયાર થયો. તેના પ્રકાશન માટે એક પ્રકાશકને હસ્તપ્રત દેખાડી, પણ આ ગ્રંથની સામગ્રી તેના સમજણપ્રદેશની સીમા બહારની હતી. છેવટે કાનપુરની એલ્ગીન મીલમાં એકાઉન્ટીંગ વિભાગમાં નોકરી કરતા હરમંદિરના પિતાજીએ આ પડકાર ઝીલ્યો. સંગીતપ્રેમીઓએ પણ નાણાંકીય સહાય કરી. જેમ તેમ ખર્ચનો જોગ થયો અને ૧૯૮૦ના મેમાં હીન્દી ફિલ્મ ગીતકોશ/ Hindi Film Geet Kosh ખંડ -૩ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના વરસોની તમામ (કુલ ૧૧૬૩) ફિલ્મોનાં ગીતોની વિગતો સામેલ હતી. આવું અભૂતપૂર્વ અને યશોદાયી કામ પોતાના નામે ચડતું હોવા છતાં એક સાચા જીજ્ઞાસુ તેમજ સંશોધકને છાજે એમ જ્યાં માહિતી મળી શકી ન હતી, ત્યાં ખાલી જગા છોડવામાં આવી હતી,જેથી કોઇ સંગીતપ્રેમીને ગમે ત્યારે એ માહિતી મળે તો ત્યાં લખી શકે, 
ખંડ-૫નું વિમોચન
સંગીતકાર સુધીર ફડકેના  હસ્તે 
એટલું જ નહીં, તેની જાણકારી પણ પોતાને મોકલવાની વિનંતી કરવામાં આવી હતી. અત્યાર સુધી હિંદી ફિલ્મોને લગતી વિગતોની જાણકારી આપવાનો વ્યવસ્થિત પ્રયત્ન ફિરોઝ રંગૂનવાલા/ Firoze Rangoonwala ના પુસ્તક ઇન્ડીયન ફિલ્મોગ્રાફી/ Indian Filmography દ્વારા જ થયો હતો, પણ તેમાં ગીતસંગીતની વિગતો નહોતી. એ રીતે ફિલ્મોનાં ગીતો તેમજ તેના કલાકારો વિષે અધિકૃત માહિતી આપતો પહેલવહેલો ગ્રંથ ગીતકોશ બની રહ્યો. જો કે, પ્રસિદ્ધીના અભાવને લઇને તેની નોંધ જોઇએ એવી લેવાઇ નહીં. આ ગીતકોશના એક પાનાની ઝલક જોવાથી તેના  કામ અંગે અંદાજ આવી શકશે. 
ગીતકોશમાં ગીતોની  માહિતી આ રીતે પીરસાઈ છે. 
 આ ગ્રંથ થકી એક એવો રાજમાર્ગ ખૂલ્યો હતો કે જેમાંથી ભવિષ્યમાં અનેક નાનીનાની સંગીતકેડીઓ નીકળી શકે એમ હતી. એટલે કે કોઇ એક ગાયક,ગીતકાર કે સંગીતકારના ગીતોના ચાહકો ઇચ્છે તો આમાંથી એવું અલાયદું સંકલન આસાનીથી કરી શકે એમ હતું. સુરતના સંશોધક હરીશ રઘુવંશીએ ૧૯૮૫માં કોઇ પણ એક ગાયકના ગીતોનો સર્વપ્રથમ સંગ્રહ મુકેશ ગીતકોશ/Mukesh Geet Kosh કર્યો પણ ખરો. આજે તો એ દિશામાં ઘણું કામ થયું છે.
યાત્રાનો હજી તો આરંભ હતો. સંગીતપ્રેમીઓએ ગીતકોશને ઉમળકાભેર આવકાર આપ્યો અને બાકીના ખંડ માટે ઉત્સાહભેર સહયોગ આપવાની ખાતરી આપી. એકઠી થયેલી માહિતીને આધારે હવે ખંડ-૨ (૧૯૪૧થી ૧૯૫૦)નું આયોજન શરૂ થયું.
હીન્દી ફિલ્મ ગીતકોશ-૨ 
 ફરી એક વાર ખૂટતી માહિતી એકત્ર કરવા માટે શરૂ થયો પ્રવાસોનો દૌર અને ફરી વાર ખાટામીઠા અનુભવો. માધુલાલ માસ્ટર/ Madhulal Master જેવા ત્રીસીના દાયકાના સંગીતકાર સાવ ઉપેક્ષિત દશામાં જીવન ગુજારતા હતા. તેમને મળવા હમરાઝ ગયા ત્યારે માધુલાલના માનવામાં ન આવ્યું કે કોઇ વ્યક્તિ તેમની ફિલ્મોની માહિતી લેવા આવી છે. તેમણે કહ્યું, મુંબઇના લોકોએ તો મને કચરાપેટીમાં ફેંકી દીધો હતો, પણ તમે મને સજાવીને પાછો ડ્રોઇંગ રૂમમાં બેસાડ્યો.”  અમુક માહિતી એવી હતી કે આ યુગના કલાકારો પોતે વીસરી ગયા હતા. બોલતી ફિલ્મોની સૌ પ્રથમ હીરોઇન ઝુબેદા/ Zubeida ના એક પગનો ઘૂંટણથી નીચેનો ભાગ ગેંગ્રીનને કારણે કાપી નાંખવો પડ્યો હતો. તેઓ પથારીવશ હોવાથી મળવાની ચોખ્ખી ના ભણી દીધી. પણ હમરાઝે ગીતકોશની સાથે આલમઆરા/Alam araની બુકલેટ તેમને મોકલાવી એટલે તરત જ મુલાકાત આપી, જે દોઢ કલાક ચાલી. વિખ્યાત ગાયિકા ઝોહરાબાઇ અંબાલાવાલી/ Zohrabai Ambalawali ને એક ગીત તુમ્હારી જાનેતમન્ના સલામ કરતી હૈ (ફિલ્મ: લૈલા મજનૂ) વિશે પૂછવામાં આવ્યું તો સ્મૃતિ પર જોર દઇને તેમણે કહ્યું કે એવું ગીત પોતે કદાચ ગાયું હતું ખરું. પણ તેમને ગાયિકા રાજકુમારીનો તેમજ સંગીતકાર નૌશાદનો હવાલો આપીને કહેવામાં આવ્યું કે એ ગીત ઝીનત બેગમે/ Zeenat Begum ગાયું હોવાનું તેઓ કહે છે. આ સાંભળીને ઝોહરાબાઇ તરત બોલી ઉઠ્યાં, તો પછી એ લોકો કહે એ બરાબર હશે. અંગ્રેજીમાં જેને ફ્રોમ ધ હોર્સીસ માઉથ કહે છે, એવી રીતે મળેલી પ્રથમદર્શી માહિતીમાં પણ આ દશા હતી. મુંબઇમાં જ રહેતા ફિલ્મસંગીત ઇતિહાસકાર નલિન શાહે અનેક કલાકારોને વારંવાર મળીને કેટલીય માહિતી એકઠી કરી અને મોકલાવી. એ જ રીતે કેટલાય સંગ્રાહકોએ પોતાની પાસેની ફિલ્મોની બુકલેટ્સ માહિતી માટે મોકલી આપી. મુદ્રણકાર્ય ચાલુ થયા પછી પણ માહિતી સતત આવતી રહી. 
હીન્દી ફિલ્મ ગીતકોશ-૪ 
પરિણામસ્વરૂપ ખંડ-૨ નું પ્રકાશન ૧૯૮૪માં થયું. આના જ પગલે ૧૯૮૬માં ખંડ-૪ (૧૯૬૧થી ૧૯૭૦ સુધીની ફિલ્મોનાં ગીતો), ૧૯૮૮માં ૧૯૩૧થી ૧૯૪૦ સુધીની ફિલ્મોનાં ગીતો ધરાવતા ખંડ-૧નું પ્રકાશન હરમંદિરસીંઘે કર્યું. અનિલ બિશ્વાસ, નૌશાદ જેવા સંગીતકારો તેમજ અન્ય પ્રતિષ્ઠીત ફિલ્મી હસ્તીઓના મનમાં હમરાઝની એક શાખ બંધાઇ હતી, પણ પ્રકાશન તો હમરાઝે ગાંઠના ખર્ચે જ કરવું પડ્યું. આમ, પહેલાં શ્રોતા, પછી સંપાદક, ત્યાર પછી પ્રકાશક, અને છેવટે વિક્રેતાની ભૂમિકા પણ હરમંદિરસીંઘે સફળતાપૂર્વક ભજવી. તેમની પોતાની રૂચિ ૧૯૭૦ સુધીના ગીત-સંગીત પૂરતી જ હતી, પણ આ પ્રકારના દસ્તાવેજીકરણનું કામ શરૂ થયું જ છે, તો તે ચાલુ રહેવું જોઇએએવી લાગણી મોટા ભાગના સંગીતરસિકોની હતી. નાગપુરના સંગીતપ્રેમી વિશ્વનાથ ચેટર્જીએ પોતે આ કામ આગળ વધારવાનું બીડું ઝડપ્યું, જે આગલા ચાર ગીતકોશની જ કડીરૂપે હતું. ૧૯૯૧માં ખંડ-૫નું પ્રકાશન થયું, જેમાં ૧૯૭૧થી ૧૯૮૦ના દાયકાનાં ગીતોનો સમાવેશ થતો હતો.
હીન્દી ફિલ્મ ગીતકોશ-૧ 
હીન્દી ફિલ્મ ગીતકોશ-૫ 
 આ તમામ ગીતકોશોના પ્રકાશનને લઇને પહેલવહેલી વખત હિંદી ફિલ્મો તેમજ તેનાં ગીતો વિશે નક્કર આંકડાકીય માહિતી લોકો સમક્ષ આવી. એ સાથે જ કેટલીય દંતકથાઓ આપમેળે કપોળકલ્પના સાબિત થઇ. લતા મંગેશકરે પચીસ હજાર ગીતો ગાયાં હોવાની વાયકા એ હદે પ્રચલિત બનેલી કે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ/Guiness Book Of World Recordsમાંય તેની નોંધ લેવાઇ ચૂકી હતી. પણ ગીતકોશ થકી ખબર પડી કે ૧૯૩૧માં બોલતી ફિલ્મનો આરંભ થયો ત્યારથી ૧૯૮૦ સુધીનાં કુલ ગીતોની સંખ્યા જ ૪૫,૦૦૦ જેટલી હતી, જેમાં સૌથી વધુ ગીતો આશા ભોંસલેના નામે બોલે છે,જેની સંખ્યા દસેક હજારની આસપાસ છે. ત્યાર પછી છેક હમણાં ઓક્ટોબર, ૨૦૧૧માં આશા ભોંસલેના નામે આ અધિકૃત રેકોર્ડ ગિનેસ બુકમાં દાખલ કરવામાં આવ્યો.
અમૂલ્ય ખજાના જેવા આ પાંચ ગીતકોશ તો પ્રકાશિત થઇ ગયા અને પ્રમાણમાં કિફાયત કહેવાય એવી કિંમતે સંગીતપ્રેમીઓ માટે ઉપલબ્ધ થયા. હરમંદિરસીંઘ માટે તો આ પોતે જોયેલા સ્વપ્નની જ પરિપૂર્તિ હતી, જેને સાકાર કરવા માટે તેમણે કશાય સ્વાર્થ વિના પોતાના જીવનના ત્રણ ત્રણ દાયકા હોમી દીધા હતા. જો કે, આટલું કર્યા પછી જંપીને બેસી રહેવાને બદલે ૨૦૦૪માં કુંદનલાલ સાયગલ જન્મશતાબ્દિ વર્ષ દરમ્યાન હરીશ રઘુવંશીના સૂચનથી હમરાઝ અને હરીશભાઇએ સંયુક્તપણે સાયગલકોશ તૈયાર કરવાનું નક્કી કર્યું. દંતકથાસમા ગાયક કુંદનલાલ સાયગલ/ Kundanlal Saigal અંગેની તમામ જાણકારી તેમજ તેમણે ગાયેલાં તમામ ભાષાનાં ગીતોના પાઠને સમાવતો એ ગ્રંથ જબ દિલ હી તૂટ ગયા ૨૦૦૪માં તેમણે પ્રકાશિત કર્યો. સાયગલ અંગે અઢળક દળદાર પુસ્તકો પ્રકાશિત થયાં છે, પણ જબ દિલ હી તૂટ ગયા/ Jab Dil hi toot gaya જેવી અધિકૃતતા અને સભરતા બીજા એકેય ગ્રંથમાં જોવા મળતી નથી.
૧૯૮૧ પછીની ફિલ્મોની (ગીતો સિવાયની) તમામ માહિતી આપતી સૂચિ ' હીન્દી ફિલ્મોગ્રાફી/ Hindi Filmography'  દર વરસે હમરાઝ નિયમીત પ્રકાશિત કરે જ છે, જેમાં ૨૦૧૦ સુધીની સૂચિ પ્રકાશિત થઇ ગઇ છે. છેલ્લા થોડા સમયથી એક મહત્વાકાંક્ષી પુસ્તક હિંદી ફિલ્મોંકે સંગીતકાર નું આયોજન તે હરીશ રઘુવંશી સાથે કરી રહ્યા છે, જેમાં આજ દિન સુધી હિંદી ફિલ્મોમાં સંગીત આપનાર લગભગ અઢારસો-ઓગણીસસો સંગીતકારો અંગેની તમામ માહિતી ટૂંકમાં સમાવી લેવાનો ઉપક્રમ છે. આ ઉપરાંત ૧૯૮૧થી આગળનાં વરસોના ગીતકોશનું આયોજન તો ખરું જ. (તેમનાં પુસ્તકો અંગેની તેમજ અન્ય માહિતી તેમની વેબસાઈટ  www.hamraaz.org પર ઉપલબ્ધ છે, જેની લિન્ક આ બ્લોગની જમણી તરફ મૂકેલી છે.) આ ઉપરાંત સૌથી મોટો પ્રોજેક્ટ હાલ હાથ પર છે તે તમામ ગીતકોશની માહિતીના કમ્પ્યુટરાઇઝેશનનો, જે સંપન્ન થતાં કોઇ પણ પ્રકારની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની રહેશે. પત્નિ સતીન્દર કૌરનો સાથ સહકાર તો તમામ કાર્યોમાં રહે છે જ, ઉપરાંત સંતાનો કંવલજીતસીંઘ અને પુત્રી તરનજીતકૌર પણ પિતાજીને કમ્પ્યુટર બાબતે મદદરૂપ થતા રહે છે.
કેવળ શોખના આંતરિક ધક્કે આરંભાયા પછી ભારતીય સંસ્કૃતિના મહત્વના પણ અવગણાયેલા અંગ જેવી ફિલ્મો અને તેના સંગીતના ઇતિહાસની જાળવણીનું આ કામ ચોકસાઇપૂર્વક એટલા વ્યાપ અને પ્રમાણમાં થયું છે કે ભવિષ્યમાંય ફિલ્મને લગતા કોઇ પણ પ્રકારના સંશોધન માટે તે આધારરૂપ બની રહે. 
 એક માત્ર સન્માન 
૨૦૦૫માં બીમલ રોય મેમોરીયલ સોસાયટી/ Bimal Roy Memorial Society દ્વારા આશુતોષ ગોવારીકર, કિરણ ખેર, શૌકત આઝમી જેવી હસ્તીઓની ઉપસ્થિતિમાં સ્વદેશ ફિલ્મની હીરોઇન ગાયત્રી જોશી દ્વારા હરમંદિરસીંઘને બીમલ રોય મેમોરીયલ ટ્રોફી/ Bimal Roy Memorial Trophy અર્પણ કરવામાં આવી. આ તેમને મળેલું એકમાત્ર સન્માન. બાકી તો ફિલ્મસંગીતના ઇતિહાસને જીવંત રાખીને જેમનું સદાય ઋણ ફિલ્મઉદ્યોગ પર રહેવાનું છે એવા આ સંગીતપ્રેમી સરદારજીનું બહુમાન કરવાનું ફિલ્મઉદ્યોગને કે સરકારને સૂઝ્યું નથી. જો કે, હરમંદિરસીંઘને આ બાબતનો અફસોસ નથી. તેમને અફસોસ છે એક જ વાતનો. થોડા સમય અગાઉ કાનપુરમાં તેમને મળવાનું બન્યું ત્યારે તેમણે કહ્યું, કાશ, હું દસ વરસ વહેલો જન્મ્યો હોત! તો એવા અનેક કલાકારોને હું મળી શક્યો હોત અને માહિતી મેળવી શક્યો હોત, જેઓ મેં કામ શરૂ કર્યું ત્યારે સદગત થઇ ગયા હતા. આપણને અફસોસ જુદો થાય. ફિલ્મ કલાકારોને દાદાસાહેબ ફાળકે એવોર્ડ/ Dadasaheb Phalke Award જેવું સર્વોચ્ચ સન્માન અપાય છે એ બરાબર, પણ તેમના પ્રદાનનો ખરેખરો ખ્યાલ જ ગીતકોશ થકી આવે છે. તો ગીતકોશના રચયિતાને આ એવોર્ડ કેમ નહીં?
****        ****        ****
આજે હરમંદિરસીંઘ હમરાઝ સાઠ વર્ષ પૂરા કરી રહ્યા છે, અને આ જ મહિને, ૩૦મી નવેમ્બરથી તેમની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડીયાની નોકરીમાંથી નિવૃત્ત પણ થઈ રહ્યા છે. તેમની આ નિવૃત્તિ બમણી પ્રવૃત્તિમય બની રહેશે, એ તેમના મિત્રો-ચાહકો જાણે છે. હમરાઝ ખુદ કહે છે, કામ તો ઘણું કરવું છે. અને હરીશભાઈ (રઘુવંશી) જેવા સાથે હશે તો ઘણું બધું કરવાની ઈચ્છા છે જ.સંપાદકોની આ જોડી હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને ન્યાલ કરતી રહે, એવી અપેક્ષા તેમના ચાહકો રાખે એ અસ્થાને નથી.  
આજે એમના એકસઠમા જન્મદિને હમરાઝને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ તેમજ અનેક અપેક્ષાઓ. ફોન પર તેમનો સંપર્ક +91 94509 36901 (આ નંબર ૩૦ નવેમ્બર, ૨૦૧૧ સુધી જ અમલમાં છે. ત્યાર પછી તેમનો સંપર્ક + 91 94154 85281 પર જ કરવો.) અથવા +91 512 228 1211 પર થઈ શકશે. ઈ-મેલ hamraaz18@yahoo.com દ્વારા તેમના સુધી પહોંચી શકાશે.
તેમનું સરનામું છે:
HAR MANDIR SINGH 'HAMRAAZ' 
‘DREAMLAND’, H.I.G.-545,
RATAN LAL NAGAR,
KANPUR- 208 022.

Wednesday, November 9, 2011

કાર્ટૂનિસ્ટ કુટ્ટીની જીવન‘રેખા’ની સમાપ્તિપી.કે.એસ.કુટ્ટી

( ૪-૯-૧૯૨૧ થી ૨૨-૧૦-૧૧)

ઈન્ટરનેટ આટલું વ્યાપક નહોતું બન્યું એ અગાઉ કેટલાય જાણીતાં નામો એવાં હતાં કે જેમની ઓળખ તેમના કામ દ્વારા જ હોય. તેમનો ચહેરો ભાગ્યે જ જોવા મળતો. એ કેવા દેખાતા હશે એ વિષે કલ્પના જ કરવાની રહેતી. અખબારોમાં કટારલેખકોની તસવીરો મૂકવાનો રિવાજ શરૂ થયો, એ પછી આ કૂતુહલ થોડું ઓસર્યું. આમ છતાંય ઘણા કલાકારો એવા છે કે જેમના કામને આપણે નિયમીતપણે માણતા હોઈએ, પણ તેમનો ચહેરો ભાગ્યે જ જોવા મળે. આવા કલાકારોમાં કાર્ટૂનિસ્ટને સૌથી પહેલા મૂકવા પડે. એમનાં કામ અને નામથી આપણે સૌ એવા અને એટલા બધા પરિચીત હોઈએ કે અખબાર આવે એટલે સૌથી પહેલાં તેની હેડલાઈન નહીં, પણ કાર્ટૂન જોવાનો નિત્યક્રમ મારી જેમ કેટલાય લોકોનો બની રહ્યો હશે. આ કાર્ટૂનિસ્ટોની શૈલી, પાત્રો, વગેરેથી સારી પેઠે પરિચીત પણ હોઈશું, છતાંય તેમનો ચહેરો અખબારમાં કેટલી વાર જોવા મળતો હશે? શું કાર્ટૂનિસ્ટને કોઈ માનસન્માન મળે કે તેનું અવસાન થાય ત્યારે જ તે કેવા દેખાતા હતા એ આપણને જાણવા મળે? આ સવાલો એવા છે કે જેના જવાબ અપેક્ષિત નથી. એ કોઈને ઉદ્દેશીને પૂછાયા નથી, પણ મનમાં જ ઉભા થાય છે અને પછી શમી જાય છે.
મારા પ્રિય કાર્ટૂનિસ્ટોમાંના એક એવા કુટ્ટીના નેવું વરસની જૈફ વયે તાજેતરમાં અવસાન થયાના સમાચાર સાંભળ્યા ત્યારે ફરી એક વાર આવા સવાલો મનમાં થયા. ગુજરાતમાં એ પ્રમાણમાં ઓછા જાણીતા હતા. પણ રાષ્ટ્રીય સ્તરે તેમની ખ્યાતિ ઘણી હતી. પ્રિય કલાકારોના ઉપરાઉપરી અવસાન થતાં એમને વિષે લખવાનું બને એવો આ સતત ત્રીજો કિસ્સો છે. પહેલાં શ્રીલાલ શુક્લ, પછી ભૂપેનદા અને હવે કુટ્ટી.
કુટ્ટીએ બનાવેલું પોતાનું કેરીકેચર  (*) 
પી.કે.એસ.કુટ્ટી નાયર (પુતુક્કોડી કોત્તુથોડી સંકરન કુટ્ટી નાયર-ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી.) ના લાંબાલચક નામને બદલે એ કેવળ કુટ્ટી તરીકે જ ઓળખાતા અને એ જ નામે કાર્ટૂન બનાવતા.
ચોથી સપ્ટેમ્બર, ૧૯૨૧ના રોજ કેરલના ઓત્તપલમમાં એમનો જન્મ થયેલો. ખબર નહીં કે, કેરલની ભૂમિને કાર્ટૂનિસ્ટ સાથે ઘણું લેણું છે. કુટ્ટી ઉપરાંત કે. શંકર પિલ્લાઈ, ઉન્ની, ઓ.વી. વિજયન, અબુ અબ્રાહમ જેવા મારા પ્રિય કાર્ટૂનિસ્ટોની જન્મભૂમિ કેરલ છે. કેરલ કાર્ટૂન એકેડેમી જેવી સંસ્થા કાર્ટૂનિસ્ટોને પદ્ધતિસરની તાલિમ આપીને તૈયાર કરે છે. (તેની લીન્ક આ બ્લોગની જમણી બાજુએ આપેલી છે.)
સંજયનના નામે લખતા જાણીતા મલયાલમ વ્યંગકાર પ્રો. એમ.આર. નાયરે કુટ્ટીની પ્રતિભાને પહેલવહેલી પારખી હતી. સંજયન દ્વારા સંપાદિત મલયાલમ સામયિક વિશ્વરૂપમમાં કુટ્ટીએ દોરેલું સૌ પ્રથમ કાર્ટૂન પ્રકશિત થયું ત્યારે તેમની ઉંમર હતી માત્ર ઓગણીસ વર્ષની. જાણીતા રાજપુરુષ અને સરદાર પટેલના વિશ્વાસુ સાથીદાર વી.પી.મેનન તેમના કુટુંબી થતા હતા, જે દિલ્હીમાં સ્થાયી હતા. 
મેનનના આગ્રહથી કુટ્ટી દિલ્હી આવ્યા. મેનને તેમનો પરિચય ત્યારના ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ શંકર (કે.શંકર પિલ્લાઈ) સાથે કરાવ્યો. શંકર ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે સંકળાયેલા હતા. તેમને સહાયકની જરૂર હતી જ. શંકરે કુટ્ટીને કાર્ટૂનિંગની તાલિમ આપવાનું સ્વીકાર્યું. એ અરસામાં જવાહરલાલ નેહરૂએ લખનૌથી પોતાનું અંગ્રેજી દૈનિક નેશનલ હેરલ્ડ/ National Herald’ શરૂ કરેલું. આ દૈનિક માટે તેમને એક કાર્ટૂનિસ્ટની જરૂર હતી. નહેરૂ પોતે શંકરનાં કાર્ટૂનોના જબરા પ્રશંસક હતા. શંકર દિલ્હીમાં સ્થાયી હતા, તેથી તેમણે પોતાના હાથ નીચે તૈયાર થયેલા નવા કાર્ટૂનિસ્ટ કુટ્ટીનું નામ નહેરુને સૂચવ્યું. છએક મહિના સુધી શંકર પાસે તાલિમ લઈને કુટ્ટી આવ્યા લખનૌ. ૧૯૪૧માં નેશનલ હેરલ્ડમાં કુટ્ટીનું કાર્ટૂન પ્રકાશિત થયું. જો કે, ત્યાર પછી ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનને કારણે આ દૈનિકનું પ્રકાશન બંધ કરવું પડ્યું.
કુટ્ટી મદ્રાસ આવી ગયા. બે વરસ માટે તેમણે મદ્રાસ વોર રીવ્યૂ/ Madras War Review’માં કામ કર્યું. ત્યાર પછી મુંબઈના અખબાર ફ્રી પ્રેસ જર્નલ/ Free Press Journal’ માં જોડાયા. આ જ અખબારમાં પછી બાલ ઠાકરેએ પણ કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરેલી. એકાદ વરસ કામ કર્યા પછી કુટ્ટીને શંકરે દિલ્હી બોલાવી લીધા. પોતાના એક સાંધ્ય દૈનિક માટે કુટ્ટીની નિમણૂંક કરવા એ ઈચ્છતા હતા. બસ, ૧૯૪૬માં કુટ્ટી દિલ્હી ગયા અને પચાસ વરસ સુધી દિલ્હીમાં જ રહ્યા. દિલ્હી રહ્યે રહ્યે જ તેમણે અનેક પ્રકાશનો માટે કાર્ટૂન બનાવ્યાં.
તેમની રેખાઓમાં કાર્ટૂનિસ્ટ શંકરની શૈલીની છાપ સ્પષ્ટપણે જોઈ શકાય. કેરીકેચર બનાવવા માટે કુટ્ટી ઓછામાં ઓછી રેખાઓનો ઉપયોગ કરતા અને જે તે વ્યક્તિની લાક્ષણિકતા ઝીલતા. ઓછામાં ઓછી રેખાઓ વડે તેમણે બનાવેલાં મેનન અને શંકરના કેરીકેચર તેમજ ગાંધીજીનું આ કેરીકેચર જોવાથી આ વાત સ્પષ્ટ થશે.
કોઈ પણ સાંપ્રત બનાવને રજૂ કરવાની કુટ્ટીની એક આગવી શૈલી હતી. નેશનલ કોલ/National Call, અમર ભારત/Amar Bharat, ઈન્ડીયન ન્યુસ ક્રોનિકલ/Indian News Chronicle જેવાં સમાચાર જગતનાં પ્રકાશનોની સાથેસાથે શંકરના હાસ્યમાસિક શંકર્સ વીકલી/ Shanker’s Weekly’ માટે પણ તે નિયમીત કાર્ટૂન દોરતા હતા. આ માસિકમાં અબુ અબ્રાહમ તેમજ ઓ.વી.વિજયન સાથે કામ કરવાની તેમને તક મળી. ૧૯૫૧થી બંગાળી પ્રકાશન સંસ્થા આનંદબજાર સાથે શરૂ થયેલો તેમનો સંબંધ ચાર-સાડા ચાર દાયકા જેટલો લાંબો ચાલ્યો. આ જૂથનાં વિવિધ પ્રકાશનો માટે તેમણે કાર્ટૂન બનાવ્યાં, જેમાં દિલ્હીથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ/ Hindustan Standard’, બંગાળી ભાષાનું અખબાર  આનંદબાજાર પત્રિકા/Ananda Bazar Patrika’, બંગાળી સાહિત્યીક સાપ્તાહિક દેશ/Desh’નો સમાવેશ થાય છે. મઝાની વાત એ હતી કે બંગાળી પ્રકાશનો સાથે આટલો લાંબો સમય સંકળાયેલા રહ્યા અને કાર્ટૂનો થકી લોકપ્રિય થયા છતાં કુટ્ટી બંગાળી ભાષા જાણતા નહોતા. પોતાનાં કાર્ટૂન માટેનાં લખાણ તે અંગ્રેજીમાં લખી આપતા, જેનો અનુવાદ બંગાળીમાં થતો. તેમનાં કાર્ટૂનો જોતાં એ ખ્યાલ આવે કે ચિત્રો માટે તે બહુ ઓછી રેખાઓની અને વ્યંગ માટે બહુ ઓછા શબ્દોની તેમને જરૂર પડતી. હિન્દુસ્તાન ટાઈમ્સ/ Hindustan Times’, ઈન્ડીયન એક્સપ્રેસ/Indian Express’ જેવાં પ્રતિષ્ઠીત દૈનિકોમાં પણ અલગ અલગ સમયે તેમનાં કાર્ટૂન સીન્ડીકેટેડ સ્વરૂપે પ્રકાશિત થતા હતા. પોતાની સક્રિય કારકિર્દીના છેલ્લા દસેક વરસ કુટ્ટી આજકલ/Aajkal’ નામના બંગાળી દૈનિક સાથે સંકળાયેલા રહ્યા હતા. એ અગાઉ એકાદ વરસ પરિવર્તન/Parivarthan’ નામના બંગાળી પ્રકાશન માટે પણ કામ કરેલું.
૧૯૯૭માં તેમણે સક્રિય કારકિર્દીમાંથી નિવૃત્તી લીધી અને ત્યાર પછી અમેરિકાના વીસ્કોન્સીનમાં સ્થાયી થયા.
૨૦૦૫માં તેમના મૃત્યુની અફવાએ કોલકાતામાં જોર પકડ્યું ત્યારે આજકલ દૈનિકે આ અફવાને રદીયો આપ્યો. આ રદીયાની સાથે પોતે ઠીકઠાક છે એમ દર્શાવતું ખુદ કુટ્ટીએ દોરેલું કાર્ટૂન પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કુટ્ટીના ચાહકોને આ જાણીને હાશકારો થયો હતો, પણ ફરીથી કાર્ટૂનક્ષેત્રે સક્રિય થવાની વિનંતીઓ તેમના ચાહકો તરફથી થવા લાગી હતી. આ વિનંતીને માન આપીને તેમણે થોડો સમય કાર્ટૂન દોર્યાં પણ ખરાં, પણ વધતી જતી આંખની તકલીફને લઈને લાંબો સમય આ ચાલુ રહી ન શક્યું.
તેમનાં સંસ્મરણો આલેખતું પુસ્તક યર્સ ઓફ લાફ્ટર/ Years of laughter’ ૨૦૦૯માં પ્રકાશિત થયું હતું, 
સંભારણા પુસ્તકરૂપે (*) 
જેમાં તેમણે બહુ રસપ્રદ રીતે સંસ્મરણો આ લેખ્યાં છે. આ પુસ્તક મંગાવવા અંગેની વિગત તેના કોલકાતના પ્રકાશક થેમા પબ્લિશર્સની વેબસાઈટની લીન્ક http://www.themabooks.com/memoirs_cartoons.html પર ઉપલબ્ધ છે. એ અગાઉ ૧૯૮૨માં તેમનાં કાર્ટૂન અને કેરીકેચરનો સંગ્રહ લાફ વીથ કુટ્ટી/ Laugh with Kutty’ના નામે પ્રકાશિત થયો હતો. તેમનાં સંસ્મરણોની વધુ વાતો ઉર્વીશ ટૂંક સમયમાં લખવાનો છે.
આજના ખ્યાતનામ પત્રકાર શેખર ભાટીયા/Shekhar Bhatiaએ આનંદબાજાર પ્રકાશન જૂથમાં એંસીના દાયકાના આરંભે કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે કુટ્ટીની કાર્યશૈલી નિહાળવાનો તેમને મોકો મળેલો. શેખર લખે છે: અમે ચારેક કલાક સાથે બેસતા. અન્ય પત્રકારો હજી તો ઓફિસમાં આવે એ પહેલાં તો કુટ્ટી પોતાનું કામ પતાવીને રવાના થઈ જતા. 
કુટ્ટીએ બનાવેલું શેખરનું કેરીકેચર  (*) 
પ્લાસ્ટીકની ટ્રેમાં તેમણે બનાવેલું કાર્ટૂન પડ્યું હોય, જેને હવાઈ ટપાલથી કોલકાતાની હેડ ઓફિસે મોકલવામાં આવતું. ત્યારે ફેક્સ કે કુરીયર હતાં નહીં. શેખરના લગ્ન નિમિત્તે યોજેલા સત્કાર સમારંભમાં કુટ્ટીએ તેમને ભેટ આપેલું શેખરનું કેરીકેચર હજીય તેમની પાસે સચવાયેલું છે.
કાર્ટૂનીસ્ટ ઉન્નીએ દોરેલું કુટ્ટીનું કેરીકેચર (*) 
શેખરની વાતના સમર્થનમાં ઇન્ડિયન એક્સપ્રેસ/ Indian Express ના કાર્ટૂનિસ્ટ ઉન્ની/Unny લખે છે: ૧૯૮૫ના ઓગસ્ટમાં કુટ્ટીને પહેલી વાર મળવાનું બન્યું ત્યારે એમણે જણાવેલું- અહીં શાણા માણસો ઓફિસે આવે એ પહેલાં સવારના નવ વાગ્યામાં જ હું મારું કાર્ટૂન આપવા ઓફિસે આવી જઉં છું. વાતો કરતાં કરતાં હાથ હલાવતા જાય અને જોતજોતામાં ક્યારે કાર્ટૂન તૈયાર થઈ જાય એનો ખ્યાલ જ ન આવે. એમ જ લાગે કે એમની ચેષ્ટાનું જ વિસ્તરણ એમનું કાર્ટૂન છે.કાર્ટૂનમાં બધું યોગ્ય સ્થાને હોય અને એમની ઓળખ જેવું તોફાનીપણું તો ખરું જ. અબુ અબ્રાહમ/ Abu Abraham, રાજિન્દર પુરી/Rajinder Puri કે ઓ.વી. વિજયન/O.V.Vijayan નાં એડીટોરીયલ કાર્ટૂનોની જેમ એમનાં કાર્ટૂનમાં થોટ બલૂન (સંવાદો લખવા માટે દોરાતા આકાર) કદી દેખાતાં નહીં.
રાષ્ટ્રીય કક્ષાનાં પ્રકાશનોમાં લગભગ પાંચ દાયકાની કાર્ટૂનિસ્ટ તરીકેની સક્રિય કારકિર્દી દરમ્યાન સાદાં, છતાં સચોટ કાર્ટૂન બનાવનાર કુટ્ટીનું અવસાન ૨૨ ઓક્ટોબર, ૨૦૧૧ના દિવસે તેમના અમેરિકાના નિવાસસ્થાને થયું. ચાહકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવનાર આ કલાકારને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

આ ઉંચા ગજાના કાર્ટૂનીસ્ટને તેમણે બનાવેલાં કેટલાક કેરીકેચર અને કાર્ટૂનો દ્વારા જ શ્રદ્ધાંજલિ આપી શકાય. (દરેક કાર્ટૂનની નીચે સંદર્ભ આપેલો હોવાથી તે સહેલાઈથી માણી શકાશે.) 

નવનીર્મીત બાંગ્લાદેશના 'રાજા'
મુજીબ રહેમાનને માથે  કાંટાળો તાજ 


ઇન્દિરા ગાંધી 


સંજય ગાંધી 

ગાંધીના નામે સત્તા માટે હાથાપાઈ 


(*) 


  (*) 
એક સાથે એક ફ્રી 

આ તમામ કાર્ટૂનો બનાવનાર  કુટ્ટી પોતાની જાતને છોડે? 

(*) 

(નોંઘ: (*) નિશાનીવાળી તસવીરો પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે. 
(કાર્ટૂન સૌજન્ય: થેમા પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત પુસ્તક યર્સ ઓફ લાફ્ટર’, પેન્ગ્વીન દ્વારા પ્રકાશિત ધ પેન્ગ્વીન બુક ઑફ ઈન્ડીયન કાર્ટૂન્સ')

Saturday, November 5, 2011

ઘેઘૂર કંઠના સ્વામીની વિદાય


ભૂપેન હજારિકા

(૮-૯-૧૯૨૬ થી ૫-૧૧-૨૦૧૧)
ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ રંગાએ બનાવેલું કેરીકેચર 
કલા, કલાકાર કે કલાપ્રેમીઓને ભૌગોલિક સીમાડા નડતા નથીભલે ને એની ઓળખ કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થાન થકી હોય. હજી આજે બપોરે જ ડૉ. ભૂપેન હજારિકાના અવસાનના સમાચાર જાણવા મળ્યા. એ સાંભળીને થયું કે એમની ઓળખને કેવળ આસામ, બંગાળ કે પૂર્વ ભારત પૂરતી શી રીતે મર્યાદિત કરી શકાય? ભૂપેન હજારિકાનું નામ લેતાં જ સૌથી પહેલાં તો એમનો ઘેઘૂર, પડછંદ સ્વર કાનમાં ગૂંજવા લાગે. ઊંચા શીખર પર ગરજતાં વાદળ કે સાગરના નિર્જન કિનારે સંભળાતા દરિયાઈ મોજાંના ઘૂઘવાટ સાથે એમના સ્વરની સરખામણી થઈ શકે. અત્યંત કેળવાયેલો, સૂરીલો કંઠ, છતાં એમાં સુંવાળપને બદલે લોકગાયકોમાં હોય છે એવું અલ્લડપણું જણાય. શૈલી કે સ્વરના સામ્યથી નહીં, પણ લોકગાયકના સ્વરની સરખામણીની દૃષ્ટિએ એમના કંઠને સચીન દેવ બર્મનના અવાજ સાથે સરખાવી શકાય.
એમના કંઠનો પહેલવહેલો પરિચય ૧૯૮૮માં દૂરદર્શન પર પ્રાઈમ ટાઈમમાં આવતી લોહીત કિનારેના શીર્ષક ગીત દ્વારા થયેલો. ભૂપેન હજારિકાની જ વાર્તાઓને ટી.વી. માટે કલ્પના લાજમીએ દિગ્દર્શીત કરેલી. ટાઈટલમાં દેખાડાતાં આસામનાં પ્રાકૃતિક દૃશ્યોની સમાંતરે ગૂંજતો ભૂપેન હજારિકાનો ઘેઘૂર સ્વર એવો હતો કે પહેલી વખત સાંભળતાં જ એના પ્રેમમાં પડી જવાય.
એ વખતે તો સાધનસ્રોત સાવ મર્યાદિત હોવાથી એમનાં વધુ ગીતો સાંભળવાની અપેક્ષા પૂરી કરવી મુશ્કેલ હતી. પણ ત્યાર પછી થોડા સમયમાં જ તેમણે ગાયેલાં હિન્દી ગીતોનું આલ્બમ મૈં ઔર મેરા સાયા બહાર પડેલું. મૂળ આસામી ગીતોનો ભાવાનુવાદ ગુલઝારે કરેલો. આ આલ્બમમાં ભૂપેન હજારિકા દ્વારા ગવાયેલાં એક કલી દો પત્તીયાં એ તો રીતસર ઘેલું લગાડેલું. આ કેસેટમાં ગુલઝારે પોતાના અવાજમાં કેફીયત પણ રજૂ કરી હતી, જે ગીતનો રસાસ્વાદ કરવામાં મદદરૂપ થતી હતી.
એ ગાળામાં દર વરસના આખરી દિવસે રજૂ કરાતા રંગારંગ કાર્યક્રમમાં ભૂપેન હજારિકા નિયમીતપણે જોવા મળતા. ૧૯૯૨માં આવેલી કલ્પના લાજમીની ફિલ્મ રૂદાલીમાં ભૂપેન હજારિકાના કંઠનો અને તેમના સંગીતનો આસ્વાદ બરાબર માણવા મળ્યો. દિલ હૂં હૂં કરે’, મૌલા હો મૌલા જેવાં ગીતોમાં એમનો સ્વર બરાબર ખીલેલો. ત્યાં સુધી કે લતા મંગેશકર દ્વારા પણ ગવાયેલું દિલ હૂં હૂં કરે ગીત ભૂપેનદાએ ગાયેલા એ જ ગીત આગળ ફીક્કું પડતું  લાગે.
જો કે, પછી ખબર પડી હતી કે ભલે આપણને એમનો પરિચય એંસીના દાયકાના અંત ભાગમાં થયો, પણ હિન્દી ફિલ્મો સાથે તો એ છેક ૧૯૭૪થી સંકળાયેલા હતા. ગાયક, સંગીતકાર, દિગ્દર્શક, લેખક, પત્રકાર, ફિલ્મનિર્માતા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા ભૂપેન હજારિકા અંગેની વધુ વિગતો તેમની પોતાની વેબસાઈટ http://www.bhupenhazarika.com  પર આપેલી છે. અન્ય રસપ્રદ વિગતો માટે તેમના એક ચાહક દ્વારા સંચાલિત આ બ્લોગની મુલાકાત પણ લઈ શકાય. 

૧૯૨૬ની આઠમી સપ્ટેમ્બરે આસામમાં જન્મેલા ભૂપેન હજારિકાએ માત્ર બાર વર્ષની ઉંમરે એક આસામી ફિલ્મમાં ગીત ગાયેલું. ૧૯૩૯માં બનેલી એ બીજી બોલતી આસામી ફિલ્મ હતી ઈન્દ્રમાલતી’. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ. અને એમ.એ. પાસ કર્યું. મુખ્ય વિષય હતો પોલિટીકલ સાયન્સ. અમેરિકાની કોલમ્બીયા યુનિવર્સિટીમાંથી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી. આવી ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી છતાં તેમણે પહેલાં ગાયન અને પછી દિગ્દર્શનક્ષેત્રે ઝંપલાવ્યું. આસામી અને બંગાળી ફિલ્મો તો તેમણે ક્યારની શરૂ કરી દીધેલી.
૧૯૭૪માં આવેલી આત્મારામ નિર્દેશીત ફિલ્મ આરોપને તેમના સંગીત દિગ્દર્શનવાળી પહેલી હિન્દી ફિલ્મ કહી શકાય, જેનાં ગીતો લખેલાં માયા ગોવિન્દે. આ ફિલ્મનું નિર્માણ ગુરૂદત્ત ફિલ્મ્સ કમ્બાઇન્સ દ્બારા કરાયું હતું. તેમાં  વિનોદ ખન્ના, સાયરા બાનુ, વિનોદ મહેરા, રહેમાન, બિંદુ, ભારત ભૂષણ જેવા કલાકારો હતા. આ ફિલ્મનાં કુલ સાત ગીતોમાંથી ભૂપેન હજારિકાએ ફક્ત એક ગીતમાં કંઠ આપેલો. 
ભારત ભૂષણ પર ફિલ્માવાયેલું આ ગીત સાંભળીએ, જે ભૂપેન હજારિકા અને કે.એન. શર્માએ ગાયેલું છે. .


ત્યાર પછી અરુણાચલ પ્રદેશની સરકાર દ્વારા નિર્મીત મેરા ધરમ મેરી માં ફિલ્મમાં સંગીત ઉપરાંત દિગ્દર્શન પણ તેમણે સંભાળેલું. ૧૯૭૨માં અરુણાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો, ત્યારે આ પ્રદેશની આગવી ઓળખ ઉપસાવતી અરુણાચલ પ્રદેશની પહેલવહેલી ફિલ્મ હમારા અરુણાચલના નામે બનાવાઈ હતી, જેનું બીજું નામ હતું મેરા ધરમ મેરી માં’. આ ફિલ્મનું એક દુર્લભ ગીત સાંભળીએ, જેમાં કોરસ સ્વરમાં પણ ભૂપેનદાનો સ્વર ઓળખાઈ આવે છે.


૧૯૭૯માં આવેલી અજિત લાહિરી દિગ્દર્શીત ફિલ્મ ચમેલી મેમસાબમાં પણ ભૂપેનદાનું સંગીત હતું. આ ફિલ્મનાં કુલ ચાર ગીતોમાંથી બેમાં તેમણે સ્વર પણ આપેલો. આ ફિલ્મનું એક ગીત સાંભળીએ, જે ભૂપેનદાની સાથે કમલ ગાંગુલીએ ગાયું છે. 


આ જ વરસે આવેલી છઠ મૈયા કી મહિમામાં પણ તેમનું સંગીત હતું. દિગ્દર્શક હતા તપેશ્વર સિંહા. નવાઈ લાગે એવી વાત છે કે આ ફિલ્મમાં દસ ગીતો હતાં, પણ એકેયમાં ભૂપેનદાનો સ્વર નહોતો. ૧૯૮૪ની જહાનુ બરુઆ નિર્મીત-દિગ્દર્શીત ફિલ્મ અપેક્ષામાં પણ તેમનું સંગીત હતું. 
૧૯૮૫માં કલ્પના લાજમીની ફિલ્મ એક પલમાં તેમણે ગુલઝારનાં ગીતોને સ્વરબદ્ધ કર્યાં. આ ફિલ્મમાં શબાના આઝમી, નસીરૂદ્દીન શાહ, ફારૂક શેખ, ડૉ. શ્રીરામ લાગૂ જેવા નીવડેલા કલાકારો હતા. ભૂપેન હજારિકા પોતે પણ આ ફિલ્મમાં પડદે દેખાયા. અગાઉ શ્યામ બેનેગલની ફિલ્મ ભૂમિકામાં સહાયક કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે અને બે એક દસ્તાવેજી ચિત્રોનાં દિગ્દર્શીકા તરીકે કામ કરી ચૂકેલાં કલ્પના લાજમીની આ પહેલી ફિલ્મ હતી. લતા મંગેશકર સાથે ભૂપેનદાનું આ ફિલ્મનું એક અદભૂત ગીત સાંભળીએ. 

 

ત્યાર પછીની તેમની ફિલ્મો રૂદાલી (૧૯૯૨), દરમિયાં (૧૯૯૭), દમન (૨૦૦૦), ક્યોં (૨૦૦૩)માં ભૂપેન હજારિકાનું જ સંગીત હતું. 
પહેલાં 'રૂદાલી'નું ગીત સાંભળીએ. રાજસ્થાનની પૃષ્ઠભૂમિ ધરાવતી આ કથામાં આસામની છાંટ ધરાવતું   આ ગીત અજબ વાતાવરણ ઉભું કરે છે! હવે સાંભળીએ ફિલ્મ દરમિયાં’નું ગીત. 

 

અને આ છે ફિલ્મ 'દમન' નું ગીત. 

 

૨૦૦૬માં આવેલી તેમની ફિલ્મ ચિનગારી ભૂપેન હજારિકાની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મ કલ્પના લાજમીની સાથે ભૂપેનદાએ લખી હતી, પણ તેમાં સંગીત આદેશ શ્રીવાસ્તવનું હતું.
કલ્પના લાજમીની આ ફિલ્મો ઉપરાંત સઈ પરાંજપે દિગ્દર્શીત પપીહા (૧૯૯૪) અને સાઝ (૧૯૯૬) માં પણ તેમનું  સંગીત હતું. તબલાંનવાઝ ઝાકીર હુસેનને શબાના આઝમી સાથે ચમકાવતી આ ફિલ્મમાં ભૂપેનદાએ જો કે, એક જ ગીત સ્વરબદ્ધ કરેલું. તેમના સિવાય ઝાકીર હુસેન, યશવંત દેવ અને રાજ કમલ- એમ કુલ ચાર સંગીતકારો આ ફિલ્મ સાથે સંકળાયેલા હતા. ૧૯૯૫માં બનેલી બિમલ દત્ત દિગ્દર્શીત ફિલ્મ પ્રતિમૂર્તિમાં ભૂપેનદાનું સંગીત હતું. ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને દિગ્દર્શીત કરેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ગજ ગામિનીમાં પણ તેમનું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત સાંભળીએ. 


આમ, ભૂપેન હજારિકાના સંગીત દિગ્દર્શનવાળી હિન્દી ફિલ્મોનો આંકડો ચૌદેક જેટલો કહી શકાય.
દિગ્દર્શિકા કલ્પના લાજમી સાથે તે ચારેક દાયકાથી ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા. અલબત્ત, બન્નેની ઉંમરમાં લગભગ અઠ્ઠાવીસ વરસનો તફાવત તેમજ બન્નેના સંબંધને લગ્ન જેવું કોઈ પરંપરાગત લેબલ ન હોવાથી ક્યારેક વિવાદનો સામનો પણ તેમણે કરવો પડ્યો. બે એક વરસ અગાઉ તેમને હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી. મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પીટલમાં તેમણે આખરી શ્વાસ લીધો એ અગાઉ તે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યરનો ભોગ બન્યા હતા.
એ પણ નોંધવું રહ્યું કે અગાઉ ૧૯૬૭માં આસામની વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા ભૂપેનદા ૨૦૦૪માં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી. બાકી ગીત, સંગીત, ફિલ્મ અને સાહિત્યના ક્ષેત્રમાં તેમણે તમામ સર્વોચ્ચ શીખરો સર કર્યાં છે.
બધું મળીને તેમણે એક હજારથી વધુ ગીતો લખ્યાં હોવાનો અંદાજ છે, તો નવલિકા, નવલકથા, પ્રવાસવર્ણન, નિબંધ જેવાં વિવિધ સ્વરૂપોનાં પંદરેક પુસ્તકો તેમના નામે બોલે છે. એક કલાકારને મળી શકે એ તમામ માનસન્માન તેમને દેશવિદેશમાં પ્રાપ્ત થયેલાં છે, જેમાં સાહિત્ય અને સંગીત એમ બન્ને ક્ષેત્રોનો સમાવેશ થાય છે. એની વિસ્તૃત યાદી તેમની વેબસાઈટ પર વાંચવા મળી શકે છે, અહીં કેવળ એક ઝલક લઈ લઈએ: તેમના દ્વારા દિગ્દર્શીત ત્રણ ફિલ્મોને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. સિનેમા અને સંગીત દ્વારા લોકકલા અને લોકસંસ્કૃતિના વિકાસ માટે અરુણાચલ પ્રદેશ સરકારનો સુવર્ણચંદ્રક, એક ફિલ્મના સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર, જેમાં પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડનો પણ સમાવેશ થાય છે. જીવતે જીવ પોતાના પૂતળાનું અનાવરણ કરવાનો લહાવો પણ તેમને મળ્યો છે. આસામમાં રાજ્યની માલિકીનો સુસજ્જ ફિલ્મ સ્ટુડિયો આરંભ કરવાનું શ્રેય પણ તેમને ખાતે છે.
વિવિધ ભાષાઓમાં ગીતો ગાનાર આ કલાકારે ગીતો કે લખાણો તો પોતાની માતૃભાષા આસામીમાં જ લખ્યાં છે. મહમદ રફી, મુકેશ, લતા મંગેશકર, ઉષા મંગેશકર, હેમંતકુમાર જેવાં ગાયકોએ આસામી ગીતો ભૂપેનદાના સંગીત નિર્દેશનમાં જ ગાયાં છે. અમર પ્રતિનિધિ તેમજ પ્રતિધ્વનિ જેવાં માસિકોમાં તેમનાં લખાણો નિયમીત રીતે પ્રકાશિત થતાં રહ્યાં છે. ખરા અર્થમાં વિશ્વપ્રવાસી અને વિશ્વભરમાં આસામના પ્રતિનિધી બની રહેલા ભૂપેન હજારિકા ૮૫ વર્ષની જૈફ વયે ભલે દેહાવસાન પામ્યા, તેમનો સ્વર આપણી વચ્ચે ગૂંજતો રહેવાનો. તેમનાં ગાયેલાં કેટલાક ગીતો સાંભળીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. 
આ આસામી ગીત છે ફિલ્મ 'એરા બતોર સૂર'નું છે. જેમાં સ્વર છે ભૂપેનદાની સાથે હેમન્તકુમારનો. સાંભળતાં જ ડોલી જવાય એવું આસામી ગીત 'ડોલા હે ડોલા'. 


ખ્યાતનામ અમેરિકન ગાયક અને કોલમ્બિયામાં ભૂપેનદાના સહાધ્યાયી રહી ચૂકેલા પોલ રોબ્સને લખેલું અંગ્રેજી ગીત 'વી આર ઇન ધ સેમ  બોટ, બ્રધર/ we are in the same boat, brother' પણ ભૂપેનદાએ એટલી જ સહજતાથી ગાયું છે. 


આ છે. તેમનું અત્યંત પ્રસિદ્ધ ગીત 'ઓ ગંગા, બહતી હો કયું'.  


આ બંગાળી ગીત 'આમિ એક જાજાબોર'માં ખરા અર્થમાં વિશ્વનાગરિકનો મિજાજ પ્રગટ થાય છે. દરેક સ્થળનો અને છતાં ક્યાંયનો નહીં. (ગુલઝારે હીન્દી અનુવાદમાં આમ સમજાવ્યું છે.) બંગાલી ફિલ્મ 'દીપાર પ્રેમ' માં ભૂપેન હજારિકા પોતે આ ગીત રજૂ કરતાં જોઈ શકાય છે. 


સ્વર અને શબ્દો થકી આપણા હ્રદયમાં સદાય જીવંત રહેનાર આ કલાકારને હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. 

(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત) 

(નોંઘ: તમામ તસવીરો પર ક્લિક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે. વિડિયો ક્લીપ્સ યૂ ટ્યૂબના સૌજન્યથી મૂકી છે.)