Thursday, March 17, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (5): સુધીર નાથ

 કેરળના કાર્ટૂનિસ્ટોમાં વધુ એક રાષ્ટ્રીય સ્તરનું નામ એટલે 'સુધી'ના નામે ઓળખાતા સુધીર નાથ. તેમની શૈલી કેરળ સ્કૂલની ઓળખ જેવી. જાડી રેખાઓ, ઓછું ડિટેઈલીંગ અને લગભગ ફ્લેટ (સપાટ) કહી શકાય એવું ચિત્રાંકન, છતાં વ્યંગ્યની ધાર એકદમ તેજ. કેરિકેચરનાં તેમનાં રેખાંકનો પહેલી નજરે અણઘડ લાગે, પણ એ તેમની શૈલી છે. એ અણઘડપણામાં પણ કેરિકેચર માટે જરૂરી જે તે વ્યક્તિની ખાસિયતો તે આબેહૂબ પકડે છે.

રેતીશ રવિએ બનાવેલું સુધીર નાથનું કેરિકેચર 

તેમનાં કાર્ટૂન પ્રદર્શનના ઉદ્ઘાટન માટે દિલ્હીનાં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિત આવેલાં. બહુ રસપૂર્વક શીલા દીક્ષિતે એક એક કાર્ટૂન માણ્યાં. પ્રત્યેક કાર્ટૂન જોતાં તેમના હોઠ મલકતા કે કદી તે ખડખડાટ હસી પડતાં. તે જવા માટે નીકળ્યાં ત્યારે સુધીર નાથે તેમને એક કેરિકેચર ભેટ આપ્યું, જેમાં શીલા દીક્ષિતને ઊડતા પક્ષીમાં રૂપાંતરિત થતાં બતાવાયેલાં. 'કાર્ટૂનિસ્ટો તમારા પર રમૂજ કરે ત્યારે તમને કેવું લાગે છે?' એમ પૂછતાં શીલા દીક્ષિતે કહેલું: 'હું એ જોઈને હસું છું, અને એને માણું છું. લોકો આપણને શી રીતે જુએ છે એનો પણ એનાથી ખ્યાલ આવે છે. આઈ ફીલ ફ્રેશ.'
સુધીર નાથનાં, અથવા તો સામાન્યપણે કેરળના કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન 'નિર્દોષ સામાજિક' ભાગ્યે જ હોય. એમાં વેધક રાજકીય વ્યંગ્ય મોટે ભાગે જોવા મળે છે. અહીં મૂકાતાં કાર્ટૂનોમાં કેવળ તેનું લખાણ વાંચીને હસી દેવાને બદલે તેની શૈલી, ચિત્રાંકન જોવાનો પ્રયાસ થાય એ ઉપક્રમ મુખ્ય છે.




No comments:

Post a Comment