Thursday, October 24, 2013

મન્નાડેની વિદાય: તુમ મિલે તો વીરાને મેં ભી આ જાયેગી બહાર


પ્રબોધચંદ્ર ડે (મન્નાડે) 

૧-૫-૧૯૧૯ (૨૦)થી ૨૪-૧૦-૨૦૧૩ 
આખરે મન્નાડે પણ ગયા. ચારેક મહિના પહેલાં જ તેમની નાદુરસ્ત તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. ૯૩ વર્ષની પાકટ વયે મૃત્યુ થવાથી આઘાત કદાચ ન લાગે, એમાંય જેમના મૃત્યુની અફવા ફેલાઈ હોય એ ખરેખર મૃત્યુ પામે ત્યારે એક હદે એ સમાચારને સ્વીકારવા માટે માનસિક ભૂમિકા પણ બંધાઈ ગઈ હોય. છતાં મન્નાડેના મૃત્યુ સાથે પાર્શ્વગાયનના સુવર્ણયુગના છેલ્લા સિતારાનો અસ્ત થયો છે, એ હકીકતે મનમાં વિષાદ પણ થાય છે.(હમણાં તેમનું જન્મવર્ષ ૧૯૧૯ લખાય છે, અને ૨૦૦૭માં પ્રકાશિત તેમનાં સંસ્મરણોના પુસ્તક  માં પણ આ જ વરસ છે, જ્યારે ૨૦૦૩માં મન્નાડેની ગાયનકારકિર્દીનાં ૬૦ વરસ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવેલી સ્મરણિકામાં તે ૧૯૨૦ છે. સાચું કયું માનવું?) 
સક્રિય ગાયનમાંથી મન્નાડે ક્યારના નિવૃત્ત થઈ ગયા હતા, પણ તેમના ચાહકોના હૃદયમાં તે પોતાના સ્વર થકી સદાય જીવંત હતા અને છે. શાસ્ત્રીય ઢબે કેળવાયેલો બુલંદ અવાજ ધરાવતા મન્નાડેનું મૂળ નામ હતું પ્રબોધચંદ્ર ડે. પિતા પૂર્ણચંદ્ર ડે અને માતા મહામાયા ડેના આ પુત્ર સંગીતના પાઠ પોતાના કાકા કૃષ્ણચંદ્ર (કે.સી.) ડે પાસેથી શીખ્યા હતા.
મન્નાડેને પહેલવહેલા પાર્શ્વગાયનની તક મળી ફિલ્મ તમન્ના’(૧૯૪૨)ના એક યુગલ ગીતથી, જેના સંગીતકાર કે.સી.ડે હતા અને સહગાયિકા હતાં સુરૈયા. આ ગીતની એક ઝલક.


અલબત્ત, મન્નાડેની સ્વતંત્ર ગાયક તરીકેની ઓળખ ઉભી થઈ રામરાજ્ય’(૧૯૪૩)ના આ ગીતથી. ગીત લખ્યું હતું રમેશ ગુપ્તાએ.


મન્નાડેને ખરા અર્થમાં ખ્યાતિ મળી મશાલ’(૧૯૫૦)ના આ અદ્‍ભુત ગીતથી, જે લખ્યું હતું કવિ પ્રદીપે. સંગીતકાર હતા એસ.ડી.બર્મન.


આ ગીત પછી મન્નાડેની સૂરસફરે ખરા અર્થમાં ગતિ પકડી. તેમનાં લોકપ્રિય ગીતો કેટકેટલાં યાદ કરવાં? અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી, શંકર જયકિશન, સચીન દેવ બર્મન, વસંત દેસાઈ, રોશન જેવા ધુરંધર સંગીતકારોના સંગીત નિર્દેશનમાં ગાયેલાં કેટલાં બધાં બેનમૂન ગીતો છે મન્નાડેનાં! ફક્ત તેનો ઉલ્લેખ કરીએ તોય આખી અલગ પોસ્ટ થઈ જાય. આવાં ગીતોને સલીલ દલાલે પોતાની આ બ્લોગપોસ્ટમાં યાદ કર્યાં છે. એટલે અહીં તેમની કારકિર્દીનાં કેટલાંક મહત્વનાં વૈવિધ્યપૂર્ણ ગીતો આપવાનો ઈરાદો છે.
મન્નાડેએ ૧૬ જેટલી હિ‍ન્‍દી ફિલ્મો તેમજ ૬ બંગાળી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું. સંગીતકાર તરીકેની તેમની ૧૬ ફિલ્મો આ મુજબ છે:
સતી તોરલ (૧૯૪૭), વીરાંગના (૧૯૪૭), હમ ભી ઈન્‍સાન હૈ (૧૯૪૮)- આ ત્રણેય ફિલ્મમાં હરિપ્રસન્ન દાસ સાથે, જાન પહેચાન (૧૯૫૦, ખેમચંદ પ્રકાશ સાથે), મશાલ (૧૯૫૦, સચીન દેવ બર્મન સાથે), શ્રીગણેશજન્મ (૧૯૫૧, ખેમચંદ પ્રકાશ સાથે), ચમકી (૧૯૫૨), તમાશા (૧૯૫૨, એસ.કે.પાલ અને ખેમચંદ પ્રકાશ સાથે), નૈના (૧૯૫૩, ગુલામ મહંમદ સાથે), શુક રંભા (૧૯૫૩), મહાપૂજા (૧૯૫૪, અવિનાશ વ્યાસ અને શંકરરાવ વ્યાસ સાથે), શિવકન્યા (૧૯૫૪), જય મહાદેવ (૧૯૫૫), ગૌરીપૂજા (૧૯૫૬), નાગચંપા (૧૯૫૮), અને સોનલ (૧૯૭૩). આ ઉપરાંત રીશ્તે કી દીવાર નામની તેમના સંગીતવાળી ફિલ્મ અધૂરી રહી હતી.
મન્નાડેના સંગીતનિર્દેશનવાળી છ બંગાળી ફિલ્મો આ મુજબ છે: રામધક્કા, શેશ પૃથ્યાય દેખૂં, બાબુમોશાય, પ્રેયસી, લલિતા અને કાટા ભાલો બાશા.
આ વિશિષ્ટ ગીત કોઈ ફિલ્મનું નથી. ૧૯૫૮માં ઑલ ઈન્‍ડીયા રેડીયો દ્વારા વિવિધભારતીનો આરંભ કરવામાં આવ્યો એ પ્રસંગે નરેન્‍દ્ર શર્મા લિખીત આ ગીત પહેલવહેલું પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેને સ્વરબદ્ધ કર્યું હતું અનિલ બિશ્વાસે.



ગુજરાતના રાષ્ટ્રગીત જેવું આ ગીત પણ મન્નાડેએ ગાયું હતું, જે રમેશ ગુપ્તાએ લખ્યું હતું.


હરિવંશરાય બચ્ચનની ખ્યાતનામ રચના મધુશાલા મન્નાડેના કંઠમાં આપણા સુધી પહોંચી હતી. તેની એક ઝલક.


મન્નાડે દ્વારા ગવાયેલું અને સ્વરબદ્ધ કરાયેલું મધુકર રાજસ્થાની લિખીત શૃંગારરસનું આ અદ્‍ભુત બિનફિલ્મી ગીત સંગીતરસિકોના હૃદયમાં આજેય કોતરાયેલું છે.


મન્નાડેનો કંઠ એવો બુલંદ હતો કે હિન્‍દી ફિલ્મોના સરેરાશ નાયકના કુમળા ચહેરા સાથે તે ભાગ્યે જ મેળ ખાય. અલબત્ત, રાજ કપૂર માટે મુકેશ ઉપરાંત મન્નાડેએ પણ ઘણાં યાદગાર ગીતો ગાયાં. મહેમૂદ જેવા હાસ્યઅભિનેતા માટે પણ તેમણે ઘણાં ગીતો ગાયાં. જો કે, ફકીર, ગાડીવાળા, સાધુઓ વગેરે જેવાં પાત્રો પર તેમનાં ગવાયેલાં ગીતો વધુ ફિલ્માવાયાં હોય એમ લાગે. 
રાજ કપૂર માટે તેમણે ગાયેલું આ ગીત રજૂ નહીં થઈ શકેલી એક ફિલ્મ 'બહરૂપિયા'નું છે, જેનો સમાવેશ 'ફિલ્મ હી ફિલ્મ'માં કરવામાં આવ્યો હતો. 

બધું મળીને કુલ ૧૮ ભાષા(બોલી)ઓમાં મન્નાડેએ આશરે ૨,૫૦૦ ગીતો ગાયાં હતાં, જેમાં હિન્‍દી (૧૩૪૨ ગીતો) અને બંગાળી (૮૯૬ ગીતો) ઉપરાંત અસમીયા (૭), ભોજપુરી (૩૪), ગુજરાતી (૯૯), કન્નડ (૪), કોંકણી (૧), માગધી (૨), મૈથિલી (૧), મલયાલમ (૨), મરાઠી (૬૧), મારવાડી (૨), નેપાળી (૩), ઉડીયા (૫), પંજાબી (૧૬), સંસ્કૃત (૨), સિંધી (૧) અને તેલુગુ (૧) નો સમાવેશ થાય છે.
૧૯૯૧માં આવેલી પ્રહારમાં બહુ લાંબા અંતરાલ પછી તેમણે ગાયું હતું. એ પછી ગુડીયા(૧૯૯૬)માં તેમણે ગાયું હતું. ઉમર’(૨૦૦૬)માં તેમણે ગાયેલું આ સમૂહગીત તેમનું છેલ્લું ગીત હોય એમ લાગે છે, જેમાં તેમના ઉપરાંત કવિતા કૃષ્ણમૂર્તિ, શબાબ સાબરી અને સોનુ નિગમનો પણ સ્વર છે.  


અનિલ બિશ્વાસ દ્વારા સંગીતબદ્ધ કરાયેલું મેહમાન (૧૯૫૩)નું આ અનન્ય ગીત મન્નાડેને જીવંત ગાતાં સાંભળી શકાશે. 

મન્નાડેને 'પદ્મભૂષણ' તેમજ 'દાદાસાહેબ ફાળકે' સન્માન પણ પ્રાપ્ત થયું હતું. ૨૦૧૨માં તેમનાં પત્ની સુલોચનાનું અવસાન થયું હતું. પરિવારમાં તેમને બે દીકરીઓ છે. છેલ્લા ઘણા વખતથી તે બેંગ્લોરમાં જ રહેતા હતા. તેમના જીવન પર બનેલી એક ફિલ્મ 'આમિ શ્રી ભજહરી મન્ના'માં તેમણે અભિનય પણ કર્યો હતો. આ ફિલ્મનું નામ તેમણે ગાયેલા એક બંગાળી ગીતની પહેલી પંક્તિના શબ્દો છે. 
હિન્‍દી ફિલ્મોના પાર્શ્વગાયનના સુવર્ણયુગના મન્નાડે છેલ્લા જીવિત પ્રતિનિધિ હતા. આ યુગના ગાયકોની ખાસિયત એ હતી કે સૌનો આગવો અવાજ અને ગાયનશૈલી હતાં અને તેઓ નાકમાં ગાતાં નહોતાં. આ ગાયકો એવા કાળમાં ગાયનક્ષેત્રે આવ્યા જ્યારે એક એકથી કાબેલ સંગીતકારો કાર્યરત હતા, જેમણે આ ગાયકોને આગવી ઓળખ આપી. તેને લઈને જ તલત મહેમૂદ, મુકેશ, કિશોરકુમાર, મહંમદ રફી, હેમંતકુમાર, મન્નાડે જેવા ગાયકો અનન્ય અને એકમેવ બની રહ્યા. તેમના દેહનું મૃત્યુ થાય તેનાથી દુ:ખ અવશ્ય થાય, પણ સંગીતપ્રેમીઓના મનમાં તેમનો સ્વર સદાય ગૂંજતો રહેવાનો. 

(માહિતીસૌજન્ય: હરીશ રઘુવંશી, સુરત) 
(તમામ ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે. અમુક ગીતો અપલોડ ન થઈ શકવાથી તેની લીન્‍ક મૂકી છે, જેની પરથી જે તે ગીત સાંભળી શકાશે.) 

Sunday, October 13, 2013

ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું..


-ઉત્પલ ભટ્ટ

(યુનિફોર્મ પ્રોજેક્ટ અંગે અહીં અવારનવાર લખતા રહેલા અમદાવાદના ઉત્પલ ભટ્ટને આ કામ માટે વિવિધ ગામે ફરવાનું બને ત્યારે 'કામ સિવાય'ની બાબતો પર પણ તેમની નજર ફરતી રહે છે. તેમની સંવેદનાપૂર્ણ કલમે લખાયેલો અને સંવેદનશીલ હૈયે ઝીલાયેલો એક વિશિષ્ટ અહેવાલ.) 

આજે દશેરાના શુભ દિવસે સૌએ પોતપોતાંનાં અસ્ત્ર-શસ્ત્રોની પૂજા કરી હશે. જેમની પાસે એ નહીં હોય તેમણે ફાફડાને તલવાર અને જલેબીને ઢાલ માનીને તેના વડે પેટપૂજા કરી હશે. ૩૮૦ રૂપિયે કિલોનો ફાફડાનો ભાવ અને ૪૮૦ રૂપિયે કિલોનો જલેબીનો ભાવ હોય તો શું થઈ ગયું! ગુજરાતીઓનો ફાફડા-જલેબીપ્રેમ શબ્દાતીત છે, અલૌકિક અને અકાટ્ય છે, વગેરે જેવું ગૌરવ પણ લીધું હશે. આમ કર્યું હોય અને ન કર્યું હોય એ તમામ મિત્રોને દશેરાની શુભેચ્છાઓ. આ વખતે જૂન મહિનાથી શરૂ થઈ ગયેલું ચોમાસું છેક દશેરા સુધી લંબાયુ છે. સામાન્ય રીતે નવરાત્રિ પહેલાં પૂરી થઈ જતી શાળાની પરીક્ષાઓ પણ આવા વરસાદને લઈને મધ્ય નવરાત્રિ સુધી ચાલી છે.
નિશાળેથી નીસરી જવું પાંસરા ઘેર પંક્તિ હવે કદાચ સ્કૂલબસ કે વાનના જમાનામાં સાવ આઉટડેટેડ ગણાતી હોય કે પછી બરાબર લાગુ પડતી હોય એ બન્ને શક્યતા છે. મૂળ વાત એમાં સીધી લીટીના બની  રહેવાની છે. બાળપણમાં ઘેરથી માર પડવાની બીકેય ઘણા બધાએ મને કે કમને તેનું પાલન કરવું પડ્યું હશે, પણ મોટા થયા પછી એ શક્ય નથી. એ ઈચ્છનીય પણ નથી.
ખાસ કરીને યુનિફોર્મ પ્રોજેક્ટ માટે છેલ્લા બે વરસથી અનેક શાળાઓમાં જવાનું અવારનવાર બનતું રહ્યું છે. (તેના વિવિધ અહેવાલો અગાઉ આ બ્લોગ પર મૂકેલા છે, જે અહીં  અને અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.) આ યુનિફોર્મ પ્રોજેક્ટ એક રીતે જોઈએ તો જાતે જ પેટ ચોળીને ઉભું કરેલું છે, પણ એ શૂળ નથી, કંઈક જુદા પ્રકારનું સુખ છે. જે તે ગામની શાળામાં જઈને, વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપતા ફોટા પડાવીને, જે તે દાતાશ્રીની ઈચ્છામુક્તિ કરીને, બીરેન કોઠારીના બ્લોગ પર એનો અહેવાલ લખીને, પીઠ થાબડતી કમેન્‍ટ મેળવીને કે રજનીકુમાર પંડ્યાએ આ કામ વિષે લખેલા લેખથી મળેલા ઉત્સાહક પ્રતિભાવોથી સંતોષ થઈ જતો હોત તો જોઈતું શું હતું!
તકલીફ એ છે કે યુનિફોર્મ આપવા જઈએ ત્યારે ત્યાંના લોકો સાથે વાતો કરવાની બને છે, તેમની આગતાસ્વાગતા માણવા મળે છે, અને એ બહાને સુખદુ:ખની વાતો પણ થાય છે. ગ્રામ્યવિસ્તારમાં જવાનું બને એટલે રાજ્યના વિકાસનો અસલી ચહેરો પણ જોવા મળે છે, તેમ ગરજ અને જરૂરિયાત પૂરતા સંબંધો બાંધવાના વધી રહેલા પ્રમાણની સામે કેટલાય નિ:સ્વાર્થ સંબંધોની હજીય ધબકી રહેલી સૃષ્ટિની અનુભૂતિ થતી રહે છે.
બે વરસમાં હવે અમારા આ કામની ખ્યાતિ એવી ફેલાઈ છે કે જરૂરતમંદ શાળાઓ સામે ચાલીને સંપર્ક કરતી થઈ છે. જો કે,ખ્યાતિ એ હદે નથી પ્રસરી કે નાણાંની ચિંતા કર્યા વિના અમે કેવળ કામ પર ધ્યાન કેન્‍દ્રીત કરી શકીએ. પાસે મર્યાદિત નાણાં હોવાનો સૌથી વધુ અફસોસ આવે વખતે જ થાય છે. આ વખતે કોઈ શાળાની નહીં, પણ શાળાની બે વિદ્યાર્થીનીની વાત કરવી છે.
નિશાળેથી નીસરી... વાળી પંક્તિ ન માનવાના પરિણામરૂપે આ પોસ્ટ લખાઈ છે, એમ કહી શકાય.
**** **** ****
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંસિયા ગામની કન્યાશાળાના આચાર્ય મનહરભાઈ પંચાલને અમારા કામ વિષે જાણ થઈ અને તેમણે સામે ચાલીને ફોનથી સંપર્ક કર્યો. અમદાવાદ રહેતા હોવાને કારણે દાહોદ જવાનું બહુ લાંબું પડે એમ ધારીને અમે જોઈશું’, અનૂકુળતાએ આવીશું જેવા જવાબો આપતા રહ્યા. વાત સાચી પણ હતી. છેવટે એક દિવસ અમે નક્કી કરીને વાંસિયા ઉપડી ગયા. મારી સાથે મિત્ર જયેશ પરમાર હતા, જે યુનિફોર્મ માટે માપ લેવાનું, અને પછી તેને સીવવાનું કામ ઉત્સાહભેર કરે છે. વાંસિયાની આ કન્યાશાળામાં ધોરણ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ ભણે છે.
વહેલી સવારે વાગ્યે અમદાવાદથી ઉપડતી ઝાલોદની એસ.ટી. બસમાં અમે ગોઠવાયા. ઠીચુક ઠીચુક આગળ વધતી બસમાં બપોરે સાડાબારે માંડ માંડ ઝાલોદ મુકામે પહોંચ્યા. વચ્ચે ફોનથી મનહરભાઈ સાથે વાત થતી રહેતી હતી. ઝાલોદ બસ સ્ટેન્ડ પર વાંસિયા ગામના બે બાઇકસવારો અમને આવકારવા અને આગળ લઈ જવા માટે હાજર હતા. ઝાલોદથી પચીસેક કિલોમીટરે આવેલા વાંસિયા તરફ અમે તેમની સાથે આગળ વધ્યા ત્યાં તો જોરદાર વરસાદ તૂટી પડ્યો. અમારે ઝાડ નીચે ઊભા રહી જવું પડ્યું. વરસાદ થોડો ધીમો પડ્યો એટલે સવારી આગળ ચાલી. વાંકાચૂંકા પહાડી રસ્તાઓ પર આગળ વધતાં લગભગ બપોરના દોઢ વાગ્યાની આસપાસ વાંસિયા કન્યા શાળામાં આવી પહોંચ્યા. અહીં શું જોયું?

બેઠા ઘાટનું શાળાનું મકાન અને મસ્તમોટું મેદાન હતું. એ જોઇને જ બધો થાક ઉતરી ગયો. શાળામાં અભ્યાસ કરતી ધોરણ થી ૧૨ ની બધેબધી ૧૦૨ વિદ્યાર્થીનીઓ સવારના ૧૦ વાગ્યાની હાજર હતી અને અમારી રાહ જોતી બેસી રહી હતી. સરકારી મધ્યાહ્ન ભોજન યોજના ફક્ત પ્રાથમિક શાળાના બાળકો માટે હોય છે. અને આ બધી વિદ્યાર્થીનીઓના મા-બાપ ખેતમજૂરો છે. એટલે તે સૌ ભૂખી જ બેસી રહી હતી. વાંસિયા ગામની - છોકરીઓ છે. બાકીની છોકરીઓ આસપાસનાં ગામોથી - કિ.મી. જેટલું ચાલીને ભણવા આવે છે. શાળાએ આવવા માટે 'મધ્યાહ્ન ભોજન'નું આકર્ષણ પણ તેમના માટે નથી. એનો અર્થ એ કે ફક્ત ભણવાના ધ્યેયથી એ સૌ આવે છે. આ જોઈને એક તરફ આનંદ પણ થાય, બીજી તરફ એમ પણ થાય કે આની સામે શહેરનાં બાળકો કેટકેટલી આળપંપાળમાં ભણે છે!
શાળાની મુલાકાત વખતે જીગીશા:
 "આવી આંખે જીવીને શું કામ છે?"  
તેમની હાલત જોઇને જયેશે સીધું પોતાનું કામ ચાલુ કરી દીધું અને વારાફરતી યુનિફોર્મનું માપ લેવા માંડ્યો. દરમ્યાન મારી નજર ધોરણ ની એક વિદ્યાર્થીની પર પડી. બહુ સુંદર અવાજે તે ભજન ગાઇ રહી હતી. તેની ડાબી આંખ એકદમ સફેદ થઇ ગયેલી જણાતી હતી. કૂતુહલવશ મનહરભાઇને પૂછતાં જાણવા મળ્યું કે એ વિદ્યાર્થીનીનું નામ જીગીશા કતીજા છે. અને તેને ડાબી આંખમાં કોઇક કારણસર 'વેલ' જેવું થયું છે. એ આંખમાં દેખાતું ધીમે ધીમે બંધ થઇ ગયું છે. આ સાંભળીને મારા હૈયામાં ચિરાડો પડી ગયો. તેને બાજુ પર બોલાવીને થોડી વાત કરી અને પ્રાથમિક પૂછપરછ કરી. મોબાઇલ વડે તેની આંખના થોડા ફોટા પાડ્યા. તેનું હું શું કરીશ એ જાણતો નહોતો કે તે પણ નહોતી જાણતી. પણ તેની જમણી આંખમાં આશાનો અદભૂત ચમકારો જોવા મળ્યો! એ દિવસે તો યુનિફોર્મનું માપ લઈને અમે વિદાય લીધી. પણ આ જીગીશા કેમેય કરીને દિમાગમાંથી હટવાનું નામ લેતી નહોતી. શું થઈ શકે એનું?
**** **** ****
અમદાવાદ આવ્યા પછી પણ આ અંગે કંઈક કરવા માટે બે-ત્રણ મિત્રો સાથે વાત કરી. મારાં પરિચીત એવા એક આંખના ડૉક્ટરને મળીને તેમને વિગતે વાત કરી. તેમણે એટલી હૈયાધારણ આપી કે એક વાર પોતે તેને રૂબરૂ તપાસી લે તો ખ્યાલ આવી શકે કે કંઈ થઈ શકે એમ છે કે કેમ! આટલી હૈયાધારણ પૂરતી હતી. હવે અમે આચાર્ય મનહરભાઈનો સંપર્ક કર્યો અને જીગીશાને બહુ ઝડપથી તેના માતાપિતા સાથે એક વાર અમદાવાદ મોકલવાની તજવીજ કરવા જણાવ્યું.
થોડા દિવસ એમ ને એમ વીત્યા. આજ સંદેશો આવશે કે કાલ, એમ ધારીને અમે રાહ જોયા કરી. બીજી તરફ અમદાવાદનાં જે ડૉક્ટરને મળેલો તે પણ મને પૂછતા રહ્યા કે જીગીશા ક્યારે આવે છે. આ તો ઉલ્ટી ગંગા જેવું થયું હોય એમ લાગ્યું!
વારંવાર અમે મનહરભાઈને દબાણ કરતા રહ્યા. મનહરભાઈને પણ થતું કે જીગીશા આમ તો આવવા તૈયાર છે, પણ શા માટે એ અમદાવાદ જવાનું ગોઠવતી નથી? તેમણે પણ વિવિધ રીતે તપાસ કરી અને જે માહિતી આપી એનાથી મારું મગજ બે ઘડી બહેર મારી ગયું. વાંસિયાથી અમદાવાદ બસમાં આવવું પડે, જેનું એકતરફી ભાડું ૧૨૭/- રૂ. થાય છે. જીગીશાની સાથે તેના માતાપિતા આવે એટલે આ આંકડો ત્રણ ગણો થઈ જાય. એ જ રીતે પાછા જવાનું ભાડું ગણો તો આ આંકડો છ ગણો થઈ જાય. પણ તોય એનો સરવાળો ૭૬૨/- રૂ, પૂરા થાય. આ રૂપિયાનો જોગ થતો નથી, એટલે જીગીશા અમદાવાદ આવી શકતી નથી. બીજી રીતે જોઈએ તો એક કિલો ફાફડા અને એક કિલો જલેબી જેટલી આની કિંમત થઈ. આજકાલ ચાર જણાના નાનકડા પરિવારમાંય આટલા ફાફડા-જલેબી આરામથી ઉડાવાય છે.
જીગીશાના પિતા મુકેશભાઈ આમ તો નાની એવી જમીન ધરાવે છે. પોતાની ખેતી છે, જેમાંથી વરસેદહાડે સાઠેક હજારની આવક (નફો નહીં) થાય છે. મહિને સરેરાશ પાંચ હજાર ગણો ને! ચાર સંતાનો અને બે બળદો સહિત બે પોતે એમ આઠ જણના પરિવારને આટલામાં પોસવાનો. પેટ્રોલથી ચાલતાં વાહન લઈને કોલેજ જતાં સંતાનો આનાથી વધુ રૂપિયા પૉકેટમની તરીકે વાપરી કાઢે છે. હશે, આપણાથી ન એમને કહી શકાય કે ન મુકેશભાઈને!
મનહરભાઈને અમે જણાવ્યું કે  હમણાં એને તમારી પાસેથી ભાડું આપીને બસમાં બેસાડી દો. વળતાં અહીંથી ભાડું આપીને અમે એને અહીંથી બેસાડી દઈશું. અને તમારા પૈસા અમે યુનિફોર્મ આપવા આવીશું ત્યારે તમને રોકડા ચૂકવી દઇશું. આખરે એ મૂહુર્ત આવ્યું ખરું.
**** **** ****

અમદાવાદ આવેલી જીગીશાની તપાસ કરી રહેલાં ડૉ. સ્વાતી છપ્પન 
તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ ના રોજ સવારે દસની આસપાસ વાંસિયા ગામથી આંખની તપાસ માટે જીગીશા તેના પિતા મુકેશભાઈ અને માતા સરલાબહેન આવી પહોંચ્યા.  ગીતામંદિર બસસ્ટેન્ડે તે  ઉતર્યા. ગુરુવારનો ચાલુ દિવસ હતો અને જયેશની દુકાન ત્યાંથી ફક્ત પાંચ મિનીટના અંતરે હતી, એટલે માન ન માન, તૂ ઈસકા યજમાનના ન્યાયે જયેશને મેં તેમનો યજમાન બનાવી દીધો હતો. તેની પરમાર ટેઇલર્સ નામની દુકાને સૌ મળ્યા. વહેલી સવારના નીકળેલા આ ત્રણેયને જયેશે પહેલાં તો પ્રેમથી ચા-નાસ્તો કરાવ્યો. ત્યાર પછી બાર વાગ્યે પોતાના ઘેર જમાડ્યા પણ ખરા. જમીને તે રિક્ષામાં તેમને કાલુપુર ટંકશાળ  પાસે આવેલી  ડૉ.સ્વાતિ  છપ્પનની આંખની હોસ્પિટલે લઇ ગયો. એક વાગ્યા સુધીમાં હું પણ ઑફિસેથી નીકળીને હોસ્પિટલ આવી ગયો. ડૉ. સ્વાતિ છપ્પને જીગીશાની આંખને તપાસી.  તપાસ્યા પછી તેમણે વધુ ઉંડાણભરી તપાસ માટે આંખના સર્જન ડૉ. બીના દેસાઇને બતાવવાની સલાહ આપી. ડૉ. બીના દેસાઇ દર ગુરુવારે જીવરાજ મહેતા હોસ્પિટલની પાછળના ભાગે આવેલા 'પોલિયો ફાઉન્ડેશન'માં સેવા આપે છે અને ત્યાં ફક્ત રૂ. ૩૦/- ની ફીમાં આંખોની તપાસ કરાવી શકાય છે.
ખરી તકલીફ હવે થઇ. કાલુપુરથી ત્રણેય જણને છેક પોલિયો ફાઉન્ડેશન સુધી લઈ કેમના જવા? જયેશ પણ પોતાની દુકાન છોડીને આવેલો. તેને દુકાને પાછા પહોંચવાની ઉતાવળ હતી. ત્રણેયને એકલા રીક્ષામાં બેસાડાય નહીં, કેમ કે અધવચ્ચે ખોવાઇ જાય તો પાછા શોધવા મુશ્કેલ! છેવટે એવો જુગાડ કર્યો કે જયેશના સ્કૂટર પર જીગીશા અને એના પપ્પા બેસે, મારા સ્કૂટર પાછળ જીગીશાની મમ્મી ગોઠવાય. ઐતિહાસિક કાળમાં ચેતક દ્વારા યુદ્ધમાં જે ભૂમિકા ભજવાઈ હતી, એવી જ ભૂમિકા આ આધુનિક કાળમાં  જયેશના ચેતક સ્કૂટરે ભજવી. અલબત્ત, હવે તો આ સ્કૂટર પણ ઐતિહાસિકની શ્રેણીમાં આવી ગયેલું ગણાય છે.  અને જયેશકુમાર આ ઐતિહાસિક ચેતક પર સવાર થઈને પોતાની પ્રાગૈતિહાસિક હેલ્મેટ માથે ધારણ કરે છે ત્યારે તેમનો રુઆબ મહારાણા પ્રતાપથી જરાય ઉતરતો નથી હોતો!
આમ મહારાણા પ્રતાપ અને તેઓશ્રીનું ચેતક  જી.પી.એસ.ની મદદ લીધા વિના સ્થળ શોધતા શોધતા આખરે પોલિયો ફાઉન્ડેશન સુધી પહોંચ્યા. મારા ભાગે તો સાક્ષીભાવે એની પાછળ દોરવાવાની જ ભૂમિકા હતી! દોઢેક વાગ્યે ત્યાં પહોંચ્યા. પહોંચીને પહેલું કામ જયેશને છૂટો કરવાનું કર્યું. ડૉ. બીનાબેન ચાર વાગ્યે આવવાનાં હતાં. જીગીશાનો કેસ કઢાવ્યો, અને તેમને ત્યાં જ બેસવાની સૂચના આપીને હું પાછો મારા ઑફિસના કામે નીકળ્યો અને ચાર વાગ્યા સુધી પાછો આવી ગયો.
વચ્ચેના સમયમાં જીગીશાનાં મમ્મી  સાથે વાતચીત થઇ. તેમના જણાવ્યા મુજબ જીગીશાને પાંચ વર્ષની ઉંમરે આંખમાં પથરો વાગ્યો હતો. મોટી થતી જાય છે તેમ તેનામાં સમજ આવતી જાય છે કે તેની એક આંખ આવી હોવાને કારણે સારો છોકરો નહિ મળે. તે ખૂબ નિરાશ રહે છે. ક્યારેક એ એમ પણ કહે છે કે એને જીવવું નથી અને મરી જવું છે. જીગીશાનું આ મનોવલણ સમજી શકાય એવું હતું, પણ એને સ્વીકારવું આપણા માટે કઠણ હતું.
છેવટે ચાર વાગ્યે ડૉ. બીનાબહેન આવ્યા. ડૉ. સ્વાતિ  છપ્પને તેમને ફોન પર બધી વાત કરી હતી એટલે તરત તેમણે અમને અંદર બોલાવી લીધા. જીગીશાને તપાસ્યા પછી તેમનો મત એવો હતો કે તેના પર ઓપરેશન કરવાનો ખાસ અર્થ નથી, કેમ કે દૃષ્ટિ પાછી આવે એવી શક્યતા નહીંવત છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે તેની બીજી આંખે દૃષ્ટિ પૂરેપૂરી છે એટલે વાંધો નહીં આવે. ડૉ. બીનાબેન તબીબી દૃષ્ટિએ સાચાં હતાં, પણ તેની સામાજિક, માનસિક અસર શી હતી એ તેમને શી રીતે સમજાવવી? આગ્રહ ચાલુ રાખતાં તેમણે આંખની સોનોગ્રાફી કરાવવાની સૂચના આપી.
માતાપિતા સાથે અમદાવાદ આવેલી જીગીશા: હવે તેના મોં પર
હાસ્ય ઝળકતું થયું છે. 
હવે આ બધો સંઘ લઈને ક્યાં ફરવું? એટલે જીગીશાનાં મમ્મીપપ્પાને મેં રીક્ષામાં બેસાડીને જયેશની દુકાને મોકલી આપ્યાં. જીગીશાને મારા સ્કૂટર પાછળ બેસાડી. મને થયું કે અમારે વધુ એક અભિપ્રાય લેવો જોઈએ.  મિત્ર નીરવ પુરોહિતે પંચવટી પાસે આવેલી વાસન આઈ કેર હોસ્પિટલમાં એ વ્યવસ્થા ગોઠવીને વિનામૂલ્યે તપાસ માટેનું લાઇન-અપ કરી રાખ્યું હતું . અમે ઉપડ્યા પંચવટી. અહીં તપાસ ઝડપથી પતી ગઇ. પણ ડૉક્ટરે ઓપરેશન કરવાની ઘસીને ના પાડી દીધી. કેમ કે જીગીશા પાંચ વર્ષની હતી ત્યારે તેની આંખમાં પથરો વાગેલો અને અત્યારે પંદર વર્ષની છે. એટલે દસ વર્ષના સમયગાળામાં આંખમાં ઘણું બધું જામી ગયું છે અને પરદો ખસી ગયો છે.  એ વખતે એને યોગ્ય સારવાર મળી હોત તો દશા થઇ હોત! એ વખતે શું ન થઈ શક્યું એનો અફસોસ કરવાનો અર્થ નહોતો. હવે શું થઈ શકે એમ છે એ જ જોવાનું હતું. ડૉક્ટરનો આભાર માનીને અમે વાસન આઇ કેર હોસ્પિટલથી  આવ્યા ડૉક્ટર હાઉસ પાસે આવેલા એક સોનોગ્રાફી ક્લિનિક પર. આ દોડધામમાં સાંજના છ વાગવા આવ્યા હતા. અહીં વીસેક લોકો લાઇનમાં બેઠા હતા.  જીગીશાને વાંસિયા પહોંચતાં ઓછામાં ઓછા આઠ કલાક લાગે. અમે સ્થિતિ સમજાવીને વિનંતી કરી જોઈ, પણ સૌને પોતપોતાની અરજન્‍સી હતી, અને પોતાની બિમારી અન્ય કરતાં વધુ મહત્વની હતી, એટલે અમારે રાહ જોવા સિવાય કોઈ આરો ન હતો. સોનોગ્રાફી થઈ ગઈ.  અહીં અમારા જેવા અનેક જરૂરતમંદો આવતા રહેતા હશે એટલે અનેક વિનંતીઓ  છતાં ફીમાં એક રૂપિયો ઓછો કરવાની ના પાડવામાં આવી. એટલે રૂ.૧૨૦૦/- ચૂકવવાના થયા. એ પણ પત્યું અને છેવટે જીગીશાને લઈને જયેશની દુકાને પહોંચ્યા.હવે તેમને વેળાસર વિદાય કરીએ તો જ તે પોતાને ઘેર વેળાસર પહોંચી શકે.
લોકોએ ઘણી ના પાડી, છતાંય જયેશ સેન્ડવીચ બંધાવી લાવ્યો. તેમને પકડાવી. અને સાંજના સાડા સાત વાગ્યે બસ સ્ટેન્ડ પર રવાના કર્યા. હવે સોનોગ્રાફીનો રીપોર્ટ આવે એની રાહ જોવાની હતી. તેની ઉત્સુકતા હતી, અને ફફડાટ પણ હતો કે બબ્બે ડૉક્ટરોએ ના પાડ્યા પછી આ રીપોર્ટથી પણ એ વાત નિશ્ચિત થઈ જશે કે જીગીશાની આંખ સાજી થઈ શકે એમ નથી. આ જાણીને દુ:ખી થવું? કે આશ્વાસન લેવું? આખા દિવસની રઝળપાટ પછી ઘેર પહોંચ્યા ત્યારે ખબર ન પડી કે એક સારું કામ કર્યાનો સંતોષ લેવો કે પરિણામ જાણીને દુ:ખી થવું!
**** **** ****
જીગીશા અને તેના મમ્મી-પપ્પા પોતાને ગામ રાતના બે વાગ્યે પહોંચ્યા હતા. બીજા જ દિવસથી તેમના ઉત્સુકતાભર્યા ફોન આવવાના શરુ થઈ ગયા કે ડૉક્ટરસાહેબે શું કીધું?
આશ્વાસન અને આનંદ એ વાતનો છે કે સોનોગ્રાફીના રીપોર્ટમાં આશાનું કિરણ દેખાયું છે. એ સાથે બીજો પણ એક સુખદ અનુભવ થયો. મારા ગાયનેકોલોજીસ્ટ કઝીન ડૉ. સુજલ મુન્શી સાથે જીગીશા અંગે વાત થઈ. તેમણે જણાવ્યું કે અમારી શાળામાં જ ભણેલી અને જર્મની જઇને આંખની સર્જન બનેલી ડૉ. સજની શાહ અને તેના પતિ ડૉ. કલ્પિત શાહની મહાલક્ષ્મી ચાર રસ્તા વિસ્તારમાં સ્તવન આંખની હોસ્પિટલ છે. તેમણે ડૉ. સજનીની એપોઇન્ટમેન્ટ પણ ગોઠવી આપી. જીગીશાની આંખનો સોનોગ્રાફી રિપોર્ટ લઈને ડૉ. સજનીને બતાવ્યો અને જીગીશા વિષે વાત કરી. તેના માનસિક વલણ અને સામાજિક અસર વિષે પણ ખુલ્લા દિલે કહ્યું. સોનોગ્રાફીનો રીપોર્ટ જોઈને અને જીગીશાની વાત શાંતિથી સાંભળ્યા પછી ડૉ. સજનીએ હકારાત્મકતાથી કહ્યું, "એક વાત નક્કી છે. આપણે ઓપરેશન તો કરીએ જ. એને મોતિયો પણ આવી ગયો છે. કેટલા ટકા વિઝન પાછું આવશે તે તો ઓપરેશન પછી જ ખબર પડી શકે. પણ આંખમાં જે સફેદ પદાર્થ જામી ગયો છે તે ચોક્કસ સાફ થઇ જશે. આંખ સાજીસમી, નોર્મલ દેખાય એટલે આપણે એમાં લેન્સ પણ મૂકી દઇશું.” આ સાંભળ્યા પછી આનંદ તો થયો જ, સાથે બીજી ચિંતા પણ શરૂ થઈ. અચકાતાં અચકાતાં ખર્ચ અંગે પૂછ્યું એટલે ડૉ. સજનીએ કહ્યું, “એની ચિંતા ન કરતા કોઇ પણ દિવસે સાંજે સાડા પાંચે તેને બોલાવી લો. આપણે પ્રિ-ઓપ્સ ચેક અપ કરીને લેન્સનું માપ લઇ લઇએ અને ઓપરેશનની તારીખ નક્કી કરી દઇએ. માની લો કે ઓપરેશન પછી પણ તેના વીઝનમાં કશો ફેર ન પડે તોય લેન્સ મૂકવાથી તેની આંખ નોર્મલ દેખાશે." આ સાંભળીને જે આનંદ થયો છે એની શી વાત કરવી! આ લાંબું વૃતાંત વાંચનારને પણ મારા જેવી જ લાગણી થશે.

એ સાંજે જ જીગીશાના પપ્પાને ફોન કર્યો અને આખી વાત વિગતે સમજાવી. આપણને આટલો આનંદ થયો હોય તો તેમને કેવી ખુશી થઈ હશે! અને જીગીશાને?
**** **** ****
સુખદ સંયોગોનો સિલસિલો આરંભાયો અને આગળ ચાલ્યો. અમારા પ્રોજેક્ટ યુનિફોર્મને નિયમિત, બિનશરતી અને અઢળક આર્થિક ટેકો કરતા કિરીટ બુધાલાલ પટેલ ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરીટભાઇ અને તેમના પુત્ર નિર્મલને મળવાનું બન્યું. બન્નેએ જીગીશાના ઓપરેશનનો તમામ ખર્ચ ઉપાડી લેવાની ખાતરી આપી અને આગ્રહપૂર્વક જણાવ્યું કે આંખ સુધરવાનો એક ટકો પણ ચાન્સ હોય તો ઓપરેશન કરાવો .  એટલે હવે એમ નક્કી કર્યું છે કે દિવાળી પહેલાં જીગીશાની આંખના ઓપરેશનને અંજામ આપી દેવો.
હજી અનેક જરૂરિયાત છે. આ વાત અહીં લખવાનો મુખ્ય હેતુ આપ સૌને જાણ કરવાનો તો છે જ, પણ કોઈ રીતે કોઈ મદદરૂપ થવા ઈચ્છતું હોય તો એમની મદદ સ્વીકારવાનો પણ છે.
જરૂરી નથી કે મદદ કેવળ આર્થિક જ હોય. આર્થિક જવાબદારી કિ.બુ.પ. ફાઉન્‍ડેશન દ્વારા ઉપાડવામાં આવી છે.
**** **** ****

બીજો કિસ્સો પાવીજેતપુર તાલુકાના ઝોઝ ગામનો છે. અહીં અમે યુનિફોર્મના વિતરણ માટે ગયા હતા. એ દિવસે કુલ પાંચ શાળાઓમાં યુનિફોર્મ વિતરણ કરવાનું હતું એટલે ધ્યાન ન ગયું. પણ ઘેર આવીને ફોટા જોયા તો એમાં એક નાની છોકરી નજરે પડી. એની છાતીના આગળના ભાગે ખૂંધ નીકળી આવી હતી. અમદાવાદના વિખ્યાત અને સેવાભાવી ઓર્થોપેડિક સર્જન ડૉ. ધીરેન ગંજવાલા સાથે અગાઉ થયેલી વાતચીત દરમ્યાન જાણવા મળ્યું હતું કે હવે ખૂંધને જટિલ ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે. ધીરેનભાઇ પણ પ્રોજેક્ટ યુનિફોર્મ સાથે સક્રિયપણે સંકળાયેલા છે અને વખતોવખત આર્થિક સહાયની સાથેસાથે જરૂરી સૂચનો પણ આપતા રહે છે. એમને આ ફોટો ઇમેઇલ કર્યો. તેમનો વળતો મેઈલ તરત આવી ગયો કે એને રૂબરૂ તપાસ માટે બોલાવી લો. અમે ઝોઝ ગામના શિક્ષકને આ માટે ફોન કર્યો. એમને છોકરીને અમદાવાદ મોકલવામાં શો રસ પડે? છોકરીના મા-બાપ ખેતમજૂર છે અને દૂરના ગામે રહીને ખેતમજૂરી કરે છે. ટૂંકમાં, ત્રીજા-ચોથા ધોરણની છોકરીને ઝોઝ ગામથી અમદાવાદ લાવનાર કોઈ નથી. લાગે છે કે અમારા મહારાણા પ્રતાપ અને ચેતકનું વનમેન આર્મી જ કામે લગાડવું પડશે.
આવા કામોમાં આર્થિક જરૂરિયાત રહે જ છે. સાથે માનવકલાકોની મદદ પણ એટલી જ જરૂરી છે. જીગીશા અને તેના મમ્મીપપ્પા ઓપરેશન માટે આવશે ત્યારે એકાદ અઠવાડિયું તેમને રહેવાનું થશે. આ અજાણ્યા નગરમાં નાનામોટા તબીબી કારણોસર ક્યાંય જવાનું થાય ત્યારે બહુ મુશ્કેલી પડે છે. ઝોઝ ગામની આ છોકરીને અમદાવાદ લાવવાની થાય તો એની સાથે ને સાથે કોઈએ રહેવું પડે. આવે ટાણે કોઈ મિત્ર ઈચ્છે તો પોતાનો સમય કે વાહન ફાળવી શકે. તેમને પોતાને ઘેર ચા-નાસ્તો-ભોજન કે કામચલાઉ ઉતારાની વ્યવસ્થા પૂરી પાડી શકે.
નાનોમોટો અન્ય ખર્ચ વહેંચવાની જવાબદારી ઉઠાવી લેવાની ઈચ્છા કોઈની હોય તો એમ પણ થઈ શકે.
આ સિવાય કોઈને કંઈ સૂઝે તો એ પણ આ બ્લોગના માધ્યમથી, મને bhatt.utpal@gmail.com પર મેલ દ્વારા કે ફોન +91 97129 07779 પર સૂચવી શકે.
અને કશુંય ન થઈ શકે એમ હોય તો અમારું બળ ટકી રહે એવી શુભેચ્છાનું મૂલ્ય પણ કમ નથી!
નિશાળેથી નીસરી જવું પાંસરા ઘેર કર્યું હોત અને યુનિફોર્મ વહેંચીને પાછા આવ્યા હોત તો આ કામ કરવાનો મોકો ક્યાંથી મળ્યો હોત?

(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ)