Monday, October 30, 2023

કહત કાર્ટૂન....આનંદ ભયો હૈ!

અમદાવાદના સ્ક્રેપયાર્ડ ધ-થિયેટર ખાતે 27 ઑક્ટોબર, 2023ના શુક્રવારની સાંજે સાડા સાતે કાર્યક્રમનું આયોજન હતું, જેનું નામ હતું 'કહત કાર્ટૂન'. કાર્યક્રમની વિગતમાં જણાવેલું 'એપિસોડ 1: બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી'. કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક હતો, ફ્ક્ત રજિસ્ટ્રેશન કરાવવાની ઔપચારિકતા હતી. 'સ્ક્રેપયાર્ડ'નાં નેહા શાહ દ્વારા જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયું છે, અને એ કારણે બંધ કરવું પડ્યું છે. આ જાણીને આનંદ થયો, અને સાથે પેટમાં ગલગલિયાં પણ. અહીં આવતા સજ્જ અને ઘડાયેલા શ્રોતાવર્ગ સમક્ષ કાર્ટૂનો દ્વારા આ સમયગાળાની ઘટનાઓ દર્શાવવાનો મારો આ પહેલો પ્રયોગ કેવોક રહેશે?

લગભગ પોણા આઠે કાર્યક્રમ શરૂ થયો. પંચોતેર-એંસી શ્રોતાઓ સામે હતા. સૌ પ્રથમ 'કહત કાર્ટૂન...' અંતર્ગત 'કાર્ટૂન એટલે શું?'ને બદલે 'કાર્ટૂન એટલે શું નહીં?'થી વાત શરૂ કરી. પાંચ-સાત મિનીટની પૂર્વભૂમિકા પછી મુખ્ય કાર્યક્રમની વિગતનો આરંભ થયો. 1857ના સૌ પ્રથમ સ્વાતંત્રસંગ્રામથી લઈને છેક 1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધીના, 90 વર્ષના દીર્ઘ સમયગાળાની મુખ્ય ઘટનાઓને લગતાં ચૂંટેલાં કાર્ટૂન એક પછી એક દર્શાવાતાં ગયાં. સાથે જે તે ઘટનાનો ઐતિહાસિક સંદર્ભ, જેને કારણે કાર્ટૂનનો વ્યંગ્ય બરાબર માણી શકાય. વચ્ચે વચ્ચે ક્યાંક કશીક વિગત સવાલરૂપે પૂછીએ કે શ્રોતાવર્ગમાંથી બરાબર પ્રતિસાદ ઝીલાય. હસવાના અવાજ પણ સંભળાય. નાનીમોટી અનેક વાતો કાર્ટૂનની આસપાસ થઈ.

આશરે સવા કલાકના કાર્યક્રમ પછી સવાલજવાબ હતા. એમાં પણ શ્રોતાઓએ કાર્ટૂનકળાને લગતા વિવિધ સવાલ પૂછીને મજા કરાવી. રાતના સવા નવની આસપાસ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર થયો. એ પછી પણ ઊભા ઊભા વાતો ચાલી.
હવે નક્કી એવું થયું છે કે દર મહિનાના ચોથા શુક્રવારે કાર્ટૂનને કેન્દ્રમાં રાખીને એક કાર્યક્રમ કરવો. અલબત્ત, દરેક વખતે તેનું સ્વરૂપ અને વિષય જુદાં હશે, પણ કેન્દ્રમાં કાર્ટૂન જ હશે.
આ અગાઉ મેં મોટે ભાગે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' અને 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ કરેલા છે, પણ આ પ્રકારનો મારા માટે આ પહેલો કાર્યક્રમ હતો. છેક બાવીસ-પચીસની ઉંમરથી લાગેલા આ શોખના ચસકાને આટલા વરસે યોગ્ય દિશા મળી એમ લાગે છે અને જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોવાનું અનુભવાય છે.
આવતા મહિને કયો કાર્યક્રમ હશે? હજી મેં વિચાર્યું નથી. ના, વિચાર્યું તો છે, પણ હજી ફાઈનલ કર્યું નથી. યોગ્ય સમયે એની પણ જાહેરાત કરીશું.
કબીર ઠાકોર અને નેહા શાહ તેમજ ભાઈ સાવનનો સહયોગ સમગ્ર કાર્યક્રમ પહેલાં, દરમિયાન અને પછી પણ રહ્યો.)

કાર્યક્રમના આરંભે નેહાબહેન દ્વારા સ્વાગત


વાત સાંભળવામાં મગ્ન શ્રોતાઓ

કાર્યક્રમનો આરંભ

કાર્યક્રમ સમાપન પછી વાતચીત

કાર્યક્રમ કેવો રહ્યો? નેહાબહેન, સોનલ શાહ, અને શૃંગીબહેન

 

(તસવીર સૌજન્ય: પારસ દવે)

Monday, October 23, 2023

કસ્તૂરબા અધ્યાપન મંદિરમાં કાર્ટૂન વિશે વાર્તાલાપ

આયોજન માટે આમંત્રણ ઘણા વખતથી હતું, પણ પરસ્પર અનુકૂળ તારીખો ગોઠવાતી નહોતી. આખરે બન્ને પક્ષે એક તારીખ નક્કી થઈ, અને એ હતી 21 ઑક્ટોબર, 2023ને શનિવાર. વાલોડનાં તરલાબહેન શાહના સંકલન થકી બોરખડીના 'કસ્તૂરબા અધ્યાપન મંદિર'ના પ્રતીકભાઈ વ્યાસ અને સંગીતાબહેન વ્યાસ આ પી.ટી.સી.કૉલેજની બહેનો માટે કાર્ટૂન વિશેનો કાર્યક્રમ ગોઠવવા ઈચ્છતા હતા.

એકાદ બે વખત તારીખો નક્કી થઈ, રદ થઈ, પણ આખરે એ ગોઠવાઈ ખરી. દક્ષિણ ગુજરાતના સાવ છેવાડાના કહી શકાય એવા આ ગામે જઈને અહીંની વિદ્યાર્થીનીઓ સમક્ષ શી રીતે વાત કરવી એની મીઠી મૂંઝવણ હતી, પણ સાથે કાર્ટૂન જેવી, સાર્વત્રિક અપીલ ધરાવતી વિષયવસ્તુ હોવાને કારણે નિરાંત પણ હતી.
કામિની અને હું બન્ને આગલા દિવસે સાંજે બોરખડી પહોંચી ગયા. અત્યંત રમણીય અને મનોહર રસ્તો, મોટા ભાગે શેરડીની ખેતી ધરાવતા આ વિસ્તારમાં થઈને સાડા છની આસપાસ બોરખડીના સંકુલે આવ્યા. પ્રતીકભાઈ, સંગીતાબહેન અને તેમની દીકરી વિધિ આ પરિસરમાં જ વસવાટ કરે છે. સંગીતાબહેન પ્રાચાર્યા છે, અને પ્રતીકભાઈ અહીં જ શિક્ષક તરીકે ફરજરત છે. ઔપચારિક પરિચય કરીને, ફ્રેશ થયા પછી અમે બહાર ખુલ્લામાં જ બેઠક જમાવી. અહીં જ વાતોનો દોર ચાલ્યો. આજુબાજુ અનેક વિદ્યાર્થીનીઓ વસવાટ કરતી હોવાથી તેમની આવનજાવન સતત ચાલતી હતી. રાતના નવની આસપાસ બહેનો એક સ્પીકર લઈ આવી, અને તેની પર તેમણે ગરબા રમવાના શરૂ કર્યા. દોઢેક કલાક સુધી તેઓ ગરબા રમી. દરમિયાન અમે બહાર ખુલ્લા આકાશ નીચે જ ભોજન લીધું.
બીજા દિવસે સવારે નવેક વાગ્યે કાર્યક્રમનો આરંભ કર્યો. નક્કી એવું કરેલું કે હું મારો બને એટલો સમય અહીં આપું. આથી અમે ત્રણ સેશનમાં કાર્યક્રમ વિભાજીત કરી દીધો હતો. સૌથી પહેલાં 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ હતો. તેમાં કાર્ટૂનની અગત્ય, તેના વિવિધ પ્રકાર અને અલગ અલગ પ્રકારનાં કાર્ટૂનને માણવા વિશે વાત થઈ. સવા-દોઢ કલાક જેટલા આ કાર્યક્રમ પછી નાનકડો બ્રેક રાખવામાં આવ્યો.
'આવો, કાર્ટૂન માણીએ'... 
વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી વિશે વાર્તાલાપ 

બ્રેક પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી'નો કાર્યક્રમ હતો. અગાઉ કાર્ટૂનોને ઉકેલવા વિશેની પ્રાથમિક માહિતી હોવાને કારણે ગાંધીજી વિશેનાં વિવિધ વ્યંગ્યચિત્રો માણવાની વિશેષ મજા આવી. બન્ને વખતે કામિની કમ્પ્યુટર પર સહયોગમાં રહી.
આ કાર્યક્રમ દરમિયાન તરલાબહેન શાહ પણ આવી પહોંચ્યાં. 
કામિની કોઠારી અને તરલાબહેન શાહ 
સવા-દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ભોજનવિરામ હતો. એ પછી મુક્ત વાતચીત રાખી હતી. વિવિધ વિષયોને આવરી લેતી વાતચીત, જેમાં શોખનું મહત્ત્વ, તેમાં પડતો રસ, જીવનમાં તે શી રીતે કામ લાગી શકે વગેરે મુખ્ય બાબતોની આસપાસ વાત કરી. વિદ્યાર્થીનીઓએ પણ સવાલો કર્યા. સરવાળે સમયનો પૂરેપૂરો ઉપયોગ થયો. હવે આગામી બેઠકમાં મારે 'રમૂજી વાતો' કરવી એવો એક બહેનનો અનુરોધ હતો. જોઈએ હવે, એ ગોઠવાય ત્યારે ખરું, પણ કાર્ટૂન જેવા, તેમના માટે સાવ નવા માધ્યમમાં તેમને જે રસ પડ્યો એ જોઈને બહુ આનંદ થયો.
બપોરના સાડા ત્રણની આસપાસ બોરખડીથી નીકળીને વાલોડમાં તરલાબહેનને ઘેર ગયાં. તેમની સાથે કલાકેક સત્સંગ કરીને વડોદરા પાછા આવવા નીકળ્યાં. આ બે દિવસ જાણે કોઈક જુદી જ અનુભૂતિ થઈ. આપણા જ રાજ્યના એક અલાયદા વિસ્તારની મુલાકાત લેવાનું બન્યું. આમ ભલે અજાણ્યા હતાં, પણ હૃદયની ઉષ્માથી સૌ ભીંજાયાં અને યાદગાર સમય સાથે ગાળ્યો.
પ્રાચાર્યા સંગીતાબહેન વ્યાસ 


(તસવીર સૌજન્ય: પ્રતીકભાઈ વ્યાસ, કામિની કોઠારી) 

Sunday, October 22, 2023

સંતૂરને સ્થાપિત કરવાનું એકલક્ષ્ય


- પં. શિવકુમાર શર્મા

અન્ય ઘણા લોકોની જેમ વસંત દેસાઈએ સંતૂર સાંભળ્યું તો ઠીક, જોયું સુદ્ધાં ન હતું. તેમણે મને એક અંશ વગાડવા જણાવ્યું. એકાદ કલાક સુધી મેં સંતૂરવાદન કર્યું (રાગ અત્યારે યાદ નથી) ત્યારે એમણે કહ્યું, 'હું તમારા માટે સંગીતની રચના નહીં કરું. ફિલ્મ જુઓ અને તમે જાતે જ નિર્ણય લો કે તમારા દૃશ્ય માટે શું યોગ્ય રહેશે. મને ખાત્રી છે કે તમે ઉત્તમ રીતે વગાડશો.' એક સરોવરમાં નાવનું રોમેન્ટિક દૃશ્ય હતું, જેનો મૂડ સંતૂરના સૂરોએ બહુ સુંદર રીતે ઝીલ્યો હતો. મેં જે ધૂન વિચારેલી એ ચાંદનીમાં વહી રહેલા પાણીના બિમ્બ માટે એકદમ સુયોગ્ય હતી. તરત જ મને વધુ કેટલીક સંગીતરચના તૈયાર કરવા માટે જણાવાયું. સ્ટુડિયોમાં એક સપ્તાહમાં મેં આ કામ સંપન્ન કરી દીધું.
એ સમયે શાન્તારામજી પારસ મનાતા- એમની તમામ ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ થયેલી. ફિલ્મજગત એમની પૂજા કરતું, એમની વાત સહુ કોઈ સાંભળતું. એમની સફળતાનાં અનેક કારણો પૈકીનું એક એ હતું કે ફિલ્મનિર્માણનાં તમામ પાસાંમાં તેમની સક્રિય રુચિ હતી. જેમ કે, વસંત દેસાઈએ એમને જણાવ્યું કે મેં જાતે જ સંગીતરચના કરી છે, તો શાન્તારામજીએ એ સાંભળી, અમુક નાના ફેરફાર સૂચવ્યા અને એ જ વખતે ધૂનને રેકોર્ડ કરી લીધી. હું જવા માટે નીકળ્યો એટલે એમણે મને મારી ભાવિ યોજના વિશે પૂછ્યું. મેં પ્રામાણિકતાપૂર્વક જણાવ્યું કે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં હું બી.એ.પાસ થવાની રાહ જોઈ રહ્યો છું.
આથી એમણે સહેજ અધીરાઈથી પૂછ્યું, 'બી.એ. પાસ કર્યા પછી?' મેં કહ્યું કે હું સંંગીતસાધનામાં રચ્યોપચ્યો રહીશ.' એમણે કહ્યું, 'હમણાં કેમ નહીં? હું મારી આગામી ફિલ્મના સંગીત નિર્દેશક બનવાનો પ્રસ્તાવ તમારી સમક્ષ મૂકું છું. અને બની શકે કે તમે એમાં અભિનય પણ કરો.'
ત્યારે હું યુવાન હતો. પાછું વળીને જોતાં લાગે છે કે એ સ્થિતિમાં કોઈ વ્યક્તિ માટે આ ઘણું મોટું પ્રલોભન હતું. શાન્તારામજીનું નામ બહુ મોટું હતું અને એ સમયે મારા જીવનમાં એક ફિલ્મ મને પ્રસિદ્ધિના શિખરે લઈ જઈ શકે એમ હતી. પણ આ પ્રસ્તાવને હું સ્વીકારી શકું એમ નહોતો, કેમ કે, મારું લક્ષ્ય કંઈક બીજું હતું. મારે મારા પિતાજીના વિશ્વાસને સાચો ઠેરવવાનો હતો અને સંતૂરને એક શાસ્ત્રીય વાદ્ય તરીકે સ્થાપિત કરવાનું હતું. મારે મારું આ સ્વપ્ન પૂર્ણ કરવાનું હતું અને બીજા કશાનું એની આગળ મહત્વ નહોતું. સંતૂર સાથેની મારી સફર હજી તો શરૂ જ થઈ હતી.

(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

નોંધ: વી. શાંતારામની ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'માં શિવકુમાર શર્માના સંતૂરવાદનના ઘણા અંશ સમાવાયેલા હતા. તેમણે અહીં જે વર્ણન લખ્યું છે એ અંશ નીચે આપેલી આખી ફિલ્મની લીન્કમાં 56.42 થી 59.07 સુધીના દૃશ્યનો હોય એમ જણાય છે.

All reacti

Saturday, October 21, 2023

દોસ્તનવાઝી બધા કરે, દુશ્મનનવાઝી કરનારા કેટલા?

 

એક જમાનામાં જ્યારે સરદાર દીવાનસિંહ મફ્તૂન ('રિયાસત' સામયિકના સંપાદક-પ્રકાશક) રફી એહમદ કિડવાઈની વિરુદ્ધ બરાબર લખી રહ્યા હતા ત્યારે સરદારની આર્થિક સ્થિતિ બેહદ ખરાબ હતી. તેમની મુફલિસીનો અંદાજ લગાવીને હું સીધો કિડવાઈસાહેબ પાસે ગયો અને કહ્યું કે, કિડવાઈસાહેબ, તમે મિનિસ્ટર નથી, આ યુગના ઉદારદિલ નેતા છો. 'તમારી દોસ્તનવાઝી (દોસ્તની કદરનો ગુણ)ના ડંંકા વાગે છે; પણ દોસ્તનવાઝી કંઈ મોટો ગુણ ન કહેવાય. હલાકૂ, નીરો, ચંગેઝ અને યઝીદ પણ પોતાના દોસ્તોની કદર કરતા હતા. અલબત્ત, દુશ્મનનવાઝી એક એવો ગુણ છે કે જે માણસને પૈગમ્બરના સ્તરે પહોંચાડી દે છે. તમે હલાકૂના સ્તરે રહેવાનું પસંદ કરશો કે પૈગમ્બરીના સ્તરે પહોંચવાનું?' તેમણે મલકાઈને કહ્યું, 'ઉખાણાં ન કહો. તમારો મુદ્દો જણાવો.' મેં કહ્યું, 'દીવાનસિંહ આજકાલ બહુ પરેશાન છે.'
આટલું સાંભળતાં જ તેમણે ઘંટડી વગાડી. સેક્રેટરી આવ્યો. તેમણે એના કાનમાં કંઈક કહ્યું. એ અંદર ગયો અને પાંચ મિનીટમાં ચેક લઈને આવ્યો. ચેક પર સહી કરીને કિડવાઈસાહેબે કહ્યું, 'આ ચેક દીવાનસિંહને પહોંચાડી દેજો.' દસ હજારનો એ ચેક લઈને હું દીવાનસિંહ પાસે ગયો. ચેક વટાવાઈ ગયો એટલે તેઓ આગ્રહ કરવા લાગ્યા કે અડધી રકમ હું રાખી લઉં. મેં એનો ઈન્કાર કર્યો તો તેઓ ઝઘડવા લાગ્યા અને હું ત્યાંથી ભાગ્યો.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Friday, October 20, 2023

મુફલિસીમાં મિજબાની

સરદાર દીવાનસિંહ મફ્તૂને પોતાના સામયિક 'રિયાસત'ના જમાનામાં પુષ્કળ કમાણી કરી. પણ પોતાની પાસે કદી કંઈ ન રાખ્યું. ખાધું-પીધું અને ખવડાવ્યું-પીવડાવ્યું. આ કારણે તેમણે વારંવાર મુફલિસી અને કડકાપણાનો ભોગ બનવું પડતું. પણ એવી મુફલિસીમાંય કોઈ દોસ્ત કે મહેમાન આવી જાય તો તેઓ છાનેછપને પોતાના ઘરની ચીજવસ્તુઓ વેચીને મિજબાની કરાવતા. એ વખતે કોઈ એમની મુફલિસી જાણીને મિજબાની માટે ઈન્કાર કરે તો તેઓ એની સાથે ઝઘડી પડતા.

મજાઝ (લખનવી)એ એક દિવસ મને કહ્યું કે કાલે તો સરદારસાહેબે કમાલ કરી દીધી. હું સાંજે એમને ત્યાં પહોંચેલો. તેમણે નોકરને કહ્યું કે સોડાની બાર ડઝન બોટલ લઈ આવે. એમના મહોલ્લામાં એમનો દબદબો હતો. થોડી વારમાં બોટલો આવી ગઈ. એમાંથી એક ડઝન બોટલ એમણે રાખી લીધી અને નોકરને હુકમ કર્યો કે બાકીની બોટલોમાંથી સોડા કાઢી નાખીને ખાલી થયેલી બોટલો અમુકતમુક દુકાન પર વેચી આવે (એ દિવસોમાં લખોટી સોડાની ખાલી બોટલ બાર આનામાં વેચાતી હતી) અને એના જે રૂપિયા આવે એમાંથી એક વ્હીસ્કીની બોટલ અને ખાવાનો સામાન લેતો આવે. આ હતી એમની મહેમાનનવાઝીની શાન!
આ વાત લગભગ 1937ની છે, જ્યારે હું દિલ્હીથી 'કલીમ' પ્રકાશિત કરી રહ્યો હતો અને કામધંધો તેમજ ઈશ્ક બન્ને તરફથી પરેશાન હતો. આટલું ઓછું હતું તે મારી દીકરીનું લગ્ન માથે આવી પહોંચ્યું હતું. એવામાં એક સાંજે સરદારસિંહ મારે ઘેર આવી પહોંચ્યા. સાથે બ્રાન્ડીની બોટલ લેતા આવેલા. (તેઓ વ્હીસ્કી કરતાં બ્રાન્ડી વધુ પસંદ કરતા)
અમારી બેઠક પૂરી થઈ એટલે તેમણે મને કહ્યું, 'ભાભીને મારે એક વાત કહેવી છે.' મેં નોકરને કહ્યું કે સરદારસાહેબને ઉપર લઈ જા. મારી પત્ની ત્યાં સુધી પર્દાની પાબંદ હતી, પણ એમનાથી જરાતરા પર્દો રાખતી. તેઓ મારી પત્ની સાથે વાત કરીને નીચે આવ્યા અને બે જ મિનીટમાં વિદાય લીધી. હું ઉપર ગયો તો મારી પત્નીએ મને કહ્યું, 'સરદારસાહેબ નોટોનું આ બંડલ આપી ગયા છે. કહેતા હતા કે આ રકમ એમણે એમના દોસ્ત નવાબ બહાવલપુર પાસે પત્ર લખીને મંગાવી હતી. જોઈ ને દીવાનસિંહની શરાફત અને દોસ્તી!'

(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Thursday, October 19, 2023

કવિતાબવિતા (25) : નવરાત્રિવિશેષ

 આ પાસ મળ્યો તે કાનજી ને આઈ.ડી.પ્રૂફ તે રાધા રે,

આ ડી.જે.ધ્વનિ તે કાનજી ને શ્રવણેન્દ્રિય તે રાધા રે,
આ ટોળેટોળાં તે કાનજી ને સમયમર્યાદા રાધા રે,
આ યૌવનધન તે કાનજી ને પ્રસ્વેદધન તે રાધા રે,
આ સ્ટૉલ મળ્યો તે કાનજી ને ટિંક્ચર ભાવ તે રાધા રે,
આ લૂંટફાટ તે કાનજી ને હોંશ લૂંટાવાની રાધા રે,
આ પરંપરા તે કાનજી ને ઘોંઘાટ થાય તે રાધા રે,
આ નવરાત્રિ તે કાનજી ને પંક થયું તે રાધા રે.

(કવિ પ્રિયકાંત મણિયારની મૂળ રચનાને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 29-9-2019)

Wednesday, October 18, 2023

કવિતાબવિતા (24) : નવરાત્રિવિશેષ

 પાસ રેઢો જોયો ને તમે યાદ આવ્યાં

જાણે ભર નવરાત્રે વરસાદ પડ્યો રામ
સ્ટૉલે પીત્ઝા ખાધો ને તમે યાદ આવ્યાં
ક્યાંક ડી.જે.ગર્જ્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનમાં પડી ગઈ ધાક જબરી રામ
એક 'ગરબો' સાંભળ્યો ને તમે યાદ આવ્યાં
જરા કીચડ થયો ને તમે યાદ આવ્યાં
જાણે ડિઝાઈનર ડ્રેસ તૈયાર મળ્યો રામ
સહેજ છાંટો ઊડ્યો ને તમે યાદ આવ્યાં
કોઈએ કકળાટ કર્યો ને તમે યાદ આવ્યાં
જાણે મોગેમ્બોના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ ગળે પડ્યું ને તમે યાદ આવ્યાં
કોઈ ગાતાં અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે સ્વરની દુનિયામાં કલશોર થયો રામ
એક આલાપ છેડ્યો ને તમે યાદ આવ્યાં

(કવિ હરીન્દ્ર દવેને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 7-10-2019)

Tuesday, October 17, 2023

કવિતાબવિતા (23) : નવરાત્રિવિશેષ


કોક કહે આર.જે.ને
આર.જે. વાત વહે પ્રસારણમાં,
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
ખાબોચિયાના જલ પર ઝૂકી પૂછે ઓઢણી આળી
યાદ તને તૂટી'તી અહીંયાં દિવાલ તણી એ પાળી
ગારો કપચીને કહે,
કપચી એ વાત સ્મરે થનથનમાં,
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
કોઈ ન માગે પાસ, નથી કોઈ આઈ.ડી. ચેક કરતું,
આવડા મોટા પાર્ટીપ્લોટમાં ચકલું નથી ફરતું,
સ્ટૉલવાળો કહે આયોજકને,
આયોજક ભાંંડે મનમાં,
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
થશે નહીં હવે કોઈ કમાણી
તાણી ગયું એને પાણી
અબ તક ખેલૈયો એક ન ફરક્યો
ભાગ્યકોથળી થઈ કાણી
મેકઅપ કહે ચહેરાને
ચહેરો વાત વહે કવનમાં
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
(ઉપવન= પાર્ટીપ્લોટ)
(હરીન્દ્ર દવેને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 1-10-2019)

Monday, October 16, 2023

કવિતાબવિતા (22): નવરાત્રિવિશેષ

 હે...

ક્યારે પડશે આ ફાફડાનો તોડ,
કે સાહ્યબા, હવે તું ગરબાને છોડ
ફળફળતી કઢીમાં માખ્યું છલકાય છે
માખ્યુંને જોઈને ફાફડા લાંબા મલકાય છે
જલેબીને જોઈ ગરોળી ઝૂલે છે ગેલમાં
ચાસણીનો તાંતણો જઈ લારીએ લહેરાય છે
હે.. માખને ગરોળી થવાના જાગ્યા કોડ
કે સાહ્યબા… હવે તું ગરબાને છોડ
પેટની વાત હવે જીભડા પર લાવીએ
લારીની પાસ જઇ વિના ફાફડે આવીએ
રોપીને આસપાસ ફાફડાના છોડને
ચાસણીના કુંડામાં જલેબી ઉગાડીએ
હે.. હવે હમણાં તો ગરબા છોડ
કે સાહ્યબા, હવે તું ગરબાને છોડ
હો...લેને પૂરા કીયા મનના કોડ
કે રાજવંત પડીકું તું ફાફડાનું છોડ...

(કૈલાસ પંડિતને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 8-10-2019)

Sunday, October 15, 2023

કવિતાબવિતા (21): નવરાત્રિવિશેષ

આજ મંડી પડવું છે પેરડીના કામ પર,
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.
નોકરી નથી કે મળે અલગારી છુટ્ટી,
ચાને જ માની લેવી જાદુઈ જડીબુટ્ટી,
આજ બસ મહેરબાન થાવું ઝુકરના ગામ પર....અલ્યા ધીંગા વરસાદ...
કીચડની પરવા વિના કૂદાકૂદ કરો તમે,
કપડે ઉપસેલી છાંટાની ભાત બહુ ગમે,
સ્ટૉલ પર ઊભીને લોટ પાપડીનો જમે,
આજ મને આવી છે ઊલટ પેરડી પર...અલ્યા ધીંગા વરસાદ...
ગોરંભાયેલું આભ અને અજવાળું પાંખું,
છત્રી ને રેઈનકોટને ઝોળીમાં નાખું,
ગ્રાઉન્ડ છે ચોખ્ખું પણ દેખાય છે ઝાંખું.
આજે હું તરસ્યો છું ગરબાના ધામ પર.
રાગ હો મલ્હાર અગર દીપક કે મારુ,
આપણને ગાતા ક્યાં આવડે છે સારું,
માની ધજાને કહીશું વારુ વારુ,
આજે હું આફરીન મારી જ આ પેરડી પર....
આજ લાગવું છે બસ પેરડીના કામ પર....

(વેણીભાઈ પુરોહિતને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 30-9-2019)
(પેરડી/Parody= પ્રતિરચના)

Saturday, October 14, 2023

'શકુંતલા' પાસે એકાદ ગીત ગવડાવી લઉં

 

- વી. શાંતારામ
ફિલ્મ સમાપ્ત થઈ અને હું બહાર આવ્યો. પરસાળમાં અનેક લોકો અમારી રાહ જોઈ રહ્યા હતા. એમને મેં કહ્યું, 'ફિકર કરવા જેવું નથી. 'શકુંતલા' ઓછામાં ઓછાં પચીસ સપ્તાહ અવશ્ય ચાલશે!' મારી વાતથી સૌને હાશ થઈ.
થિયેટરની બહાર જે લોકો ખોટ ખાઈને ઓછી કિંમતે ટિકીટો કાળા બજારમાં વેચતા હતા એ કોણ હતા એ જાણવા માટે મેં મારા કેટલાક માણસોને મોકલ્યા. એ બધાંને ચાપાણી કરાવ્યાં. એ પછી જે માહિતી મળી એ આંચકો આપનારી હતી. એક સમયે મારા સહયોગી રહી ચૂકેલા બાબુરાવ પૈની 'ફેમ્સ પિક્ચર્સ'ના માણસો જ આ વાહિયાત કામમાં લાગેલા.
'શકુંતલા' બીજા સપ્તાહમાં પ્રવેશી. શરૂ શરૂમાંનું તોફાન હવે ઓસરવા લાગ્યું હતું. 'શકુંતલા' હાઉસફૂલ ભીડ જમાવી રહ્યું હતું. અમારી કંપનીમાં જે ચિંતાજનક વાતાવરણ હતું એ ધીમે ધીમે હળવું થવા લાગ્યું હતું. ફરી એક વાર મેં પ્રેક્ષકો વચ્ચે બેસીને 'શકુંતલા' જોઈ. મને એ વખતે લાગ્યું કે મધ્યાન્તર પછી ફિલ્મની ગંભીર ઘટનાઓને લઈને દર્શકો મનમાં કદાચ સહેજ વધુ પડતી તાણ અનુભવે છે. એને ઘટાડવા માટે મેં નક્કી કર્યું કે શકુંતલા પાસે એકાદ ગીત ગવડાવી દઉં. એ માટેનું યોગ્ય સ્થાન પણ મને ફિલ્મના ઉત્તરાર્ધમાં મળી ગયું: શકુંતલાએ ભરતને જન્મ આપ્યો છે. સુદૃઢ બાંધાનો ભરત ઘૂંટણીયાં ભરી રહ્યો છે અને શકુંતલા પોતાના બાળકની બાળલીલા તૃપ્ત નજરે નિહાળી રહી છે. વસંત દેસાઈએ અગાઉના એક પ્રસંગે આપેલા પાર્શ્વસંગીતની એક ધૂન મને બહુ ગમી હતી. તેની સંગીતરચના બહુ સરસ હતી. એ જ ધૂન પર કવિએ શબ્દરચના કરી:
જીવન કી નાવ ના ડોલે
હાં યહ હૈ તેરે હવાલે.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: દીવાન શરરે લખેલું, જયશ્રી પર ચિત્રીત આ ગીત અહીં સાંભળી શકાશે.

Friday, October 13, 2023

વિભિન્ન ભાષા છતાં એકતા શક્ય ખરી?

 

- વી. શાંતારામ
એ દિવસોમાં 'ભાષાવાર પ્રાંતરચના થઈને રહેશે'ના નારાને કારણે વાતાવરણ ગરમ હતું. સ્વાર્થી રાજકારણીઓ દ્વારા ઉશ્કેરણીને લઈને વિભિન્ન પ્રાંતના લોકોમાં તણાવ વધી ગયેલો. આવા સમયમાં મારી ફિલ્મ દ્વારા હું એ બાબતનો ખુલ્લેઆમ સમર્થક બનું કે દેશનું આ વધુ વિભાજન બરાબર નથી, તો લોકોને મારી ફિલ્મ ન ગમે. આથી મેં આ ફિલ્મમાં વ્યંગ્ય અને વિનોદની રીતે વિકસીત કરવાનો નિર્ણય કર્યો. ભાવના એવી કે હસતાંરમતાં લોકોને મારી વાત સમજાવું અને એ પણ એવી રીતે કે આસાનીથી હજમ થઈ શકે.
આ સમસ્યાની સાથે શ્યામવણી છોકરીઓના લગ્નની સમસ્યા પણ આ વાર્તામાં સાંકળી લીધી. મારું હંમેશાં માનવું રહ્યું છે કે વિભિન્ન ભાષાઓ બોલનારાઓને મનથી નજદીક લાવવા માટે એક સર્વસામાન્ય ભાષા હોવી અત્યંત જરૂરી છે, અને મારી માન્યતા છે કે આવી ભાષા કેવળ હિન્દી જ હોઈ શકે. દુનિયાની તમામ ભાષાઓના શબ્દોને અંગ્રેજીમાં સમાવીને તેને ખરા અર્થમાં એક સંપન્ન ભાષા બનાવીને અંગ્રેજીના વિદ્વાનો જેવું કરી રહ્યા હતા એ જ રીતે રાષ્ટ્રભાષા હિન્દીને પણ આપણી અન્ય ભાષાઓના શબ્દોથી આપણે સંપન્ન કરીએ તો થોડા સમય પછી એવી હિન્દીનો વધુ વિરોધ ક્યાંય નહીં થાય- એમ પણ હું માનતો હતો. પણ કટ્ટરપંથી હિન્દી ભાષાભિમાની પંડિતો શુદ્ધ હિન્દીના એટલા પ્રચંડ સમર્થક હતા કે એમનો આગ્રહ રહેતો કે હિન્દીને સહેજ પણ દૂષિત ન કરવી અને તેને શુદ્ધરૂપે જ વાપરવી. આ જ કારણે દક્ષિણ ભારતના એવા કેટલાક લોકો જે હિન્દીને આત્મસાત કરી ચૂક્યા હતા તેઓ પણ હિન્દીનો બરાબર વિરોધ કરી રહ્યા છે.
આ વિરોધને ધ્યાને લઈને મેં મારી આ ફિલ્મમાં નાયકને હિન્દીનો એક વ્યાપક શબ્દકોશ તૈયાર કરવાના કામ સાથે સંકળાયેલો હોવાનું નક્કી કર્યું. નાયક પર આવો શબ્દકોશ બનાવવાનું ભૂત સવાર હોય છે. તેના ઘરનું વાતાવરણ પણ આના માટે પૂરક હોય છે. ફિલ્મની શ્યામવર્ણી નાયિકા ભારતની વિભિન્ન ભાષાઓથી સારી રીતે પરિચીત છે, પરિણામે તેઓ પરસ્પર આકર્ષિત થાય છે. આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પોતાની ભાષા અને રીતરિવાજો, વેશભૂષા વગેરેનું વધુ પડતું વળગણ હોય છે, આથી દરેક વાત પર મતભેદ ઊભા થાય છે. તેને કારણે બહુ રોચક નાટ્યાત્મક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દીવાન શરર ઘડાયેલા લેખક હતા. તેમણે મારી તમામ કલ્પનાઓને મૂર્ત કરી આપતી વાર્તા લખી દીધી. આ ફિલ્મનું નામ પણ મજાનું રાખ્યું: 'તીન બત્તી ચાર રાસ્તા'. મુંબઈના એક રસ્તાનું આ નામ છે. વિભિન્ન પ્રાંતની મહિલાઓની ભૂમિકા માટે જે તે પ્રાંતની અભિનેત્રીઓની પસંદગી કરી. હવે મને એક જ પ્રશ્ન સતાવતો હતો કે પેલી શ્યામવર્ણી યુવતીના પાત્રમાં કોની પસંદગી કરવી. પરંતુ સંધ્યાએ ખુશીથી પોતે જ એ કામ કરવાનું સ્વીકાર્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Thursday, October 12, 2023

તાકિ હંસતે હુએ નિકલે દમ


- વી. શાંતારામ
કેદીઓના મન પર સારા સંસ્કાર પાડવા માટે આદિનાથ રોજ કામ શરૂ કરતી વખતે અને ભોજન પહેલાં તેમને પ્રાર્થના કરવાની આદત પાડે છે. મારો મત હતો કે પ્રાર્થનાનું આ ગીત ન ભજન જેવું હોય કે ન 'આમ કરો, આવું આચરણ કરો' જેવા આદેશવાળું હોય. પંડિત ભરત વ્યાસ અને વસંત દેસાઈ બન્ને આ પ્રાર્થના-ગીત મંજૂર કરાવવા માટે કોલ્હાપુર આવ્યા. ભરતજી રચિત ગીત પરમાત્માની સ્તુતિ કરતું હતું. એક ગીત તરીકે એ સરસ હતું, પણ પ્રાર્થના-ગીતની મારી જે કલ્પના હતી એ તેમાં વ્યક્ત થતી ન હતી.
મેં ભરતજીને કહ્યું, 'જુઓ, જીવન બાબતે મારા અમુક આદર્શ છે કે 'માણસે જીવનભર સત્કર્મો કરતાં રહેવું જોઈએ કે જેથી મૃત્યુ વેળા તેના ચહેરા પર સંતોષની લહેર આવી જાય. આ જ વાત પ્રાર્થના-ગીતમાં આવવી જોઈએ. એમ ન લાગવું જોઈએ કે આ પ્રાર્થના કોઈ એક ધર્મની છે. દરેકને લાગવું જોઈએ કે એ એના પોતાના ઈશ્વરની- તમામ ધર્મના શ્રેષ્ઠ મૂલ્યની- એટલે કે માનવધર્મની પ્રાર્થના હોય.
ભરતજી આ સાંભળીને ગંભીર થઈ ગયા. તેમના મનમાં ચાલી રહેલી મથામણ તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
બીજા દિવસે ભરતજીએ નવી પ્રાર્થના સંભળાવી:
'એ માલિક તેરે બન્દે હમ.'
'વાહ! ભરતજી વાહ! કહેવું પડે! 'માલિક' અને 'બન્દે' શબ્દ એટલા અદ્ભૂત છે કે શું કહું! બસ, તમારા કાવ્યની આ પહેલી પંક્તિથી જ મારું મન સંતુષ્ટ થઈ ગયું.'
ભરત વ્યાસના ચહેરા પર ઉત્સાહ જણાયો. તેમણે કહ્યું, 'કાલે તમે મને કહ્યું ત્યારથી મન બેચેન હતું, તરફડી રહ્યો હતો. આખી રાત કશું લખી ન શક્યો અચાનક મને જમીન મળી ગઈ. આગળ સાંભળો:
એ માલિક તેરે બન્દે હમ!
ઐસે હોં હમારે કરમ!
નેકી પર ચલેં, ઔર બદી સે ટલેંં,
તાકિ હંસતે હુએ નીકલે દમ.
કવિના માનસની શી રીતે પ્રશંસા કરું એ મને સમજાતું નહોતું. મને જે અર્થ અભિપ્રેત હતો એ તેમણે એટલા અદ્ભૂત શબ્દોમાં વ્યક્ત કર્યો હતો કે મેં તત્ક્ષણ કહી દીધું, 'તમારું આ ગીત અમર થનારું છે.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: આ ગીત ફિલ્મ 'દો આંખે બારહ હાથ'માં લતા મંગેશકરના કંઠે ગવાયું હતું. જો કે, અંગત રીતે માત્ર કોરસમાં ગવાયેલું વર્ઝન વધુ પસંદ છે. અહીં એ સાંભળી શકાશે.

Wednesday, October 11, 2023

એ ફિલ્મ અને તેની ટીકાનું કાળું ટપકું

 

- વી. શાંતારામ
સિનેમાઘરમાં એકે દર્શક એવો નહોતો કે જેની આંખો ભિંજાઈ ન હોય. ફિલ્મના અંતિમ પ્રસંગમાં પુનરુક્તિ કરવા છતાં લોકોને જકડી રાખવામાં હું સફળ થયો હતો. મારી જીત થઈ હતી. કેટલાય દર્શકો સુન્ન થઈને પોતાની બેઠક પર જ બેસી રહ્યા. ધીમે ધીમે ભીડ ઓસરવા લાગી. અનેક પરિચીતો ગળું રુંધાઈ જવાને કારણે બોલી શકતા ન હતા, પણ કેવળ ઈશારાથી જણાવતા હતા કે ફિલ્મ એકદમ ઉત્કૃષ્ટ બની છે.
અન્ય દર્શકોની સાથોસાથ 'રણજિત ફિલ્મ કંપની'ના માલિક ચંદુલાલ શાહ અને ગૌહરબાઈ પણ બહાર આવ્યાં. મને જોઈને ગૌહરબાઈએ ભરાયેલા કંઠે કહ્યું, 'ફિલ્મ કેવી છે એ આની પરથી સમજી જાવ.' આમ કહીને તેમણે રડી રડીને લાલચોળ થઈ ગયેલી પોતાની આંખો તરફ ઈશારો કર્યો. મેં જોયું કે એમની આંખોમાં ફરીથી આંસું ધસી આવ્યાં હતાં.
'ડૉ. કોટનીસ કી અમર કહાની' ભારતભરમાં પ્રદર્શિત થઈ અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી. પત્રકારો અને સમીક્ષકોએ આ ફિલ્મને ખૂબ વખાણી. ફક્ત બાબુરાવ પટેલ એવા હતા કે જેમણે પોતાના માસિક 'ફિલ્મ ઈન્ડિયા'માં અધમ ટીપ્પણી કરતાં લખેલું, 'ડૉ. કોટનીસ કી અમર કહાની' ફિલ્મ ઊભી બજારે સળગાવી દેવા જેવી છે.'
આ ટીપ્પણી તેમના માસિકમાં પ્રકાશિત થઈ. 'ડૉ. કોટનીસ..' લાહોરમાં પ્રદર્શિત થઈ ચૂક્યું હતું અને ત્યાંના લોકોને એટલું પસંદ પડ્યું હતું કે ત્યાંના યુવકોએ લાહોરમાં આવેલા એ માસિકના તમામ અંક ભરબજારે સળગાવી માર્યા. લાહોરમાં તો 'ડૉ. કોટનીસ...' જોવા આવેલા લોકોએ ભારતના તમામ સિનેમાઘરોની ભીડ અને આવકના વિક્રમ તોડી દીધા. એટલું જ નહીં, લાહોર એન્જિનિયરીંગ કૉલેજના પચાસ-સાઠ વિદ્યાર્થીઓએ મને એક પત્ર પણ મોકલેલો. એમાં લખેલું:
'એન્જિનિયરીંગ કૉલેજમાં પ્રવેશ લેતાં અગાઉ અમે તમારી આ ફિલ્મ જોઈ હોત તો આજે અમે સહુ વિદ્યાર્થીઓ મેડીકલ કૉલેજમાં જ હોત, ડૉક્ટર બનત અને ડૉક્ટર કોટનીસની જેમ માનવોની સેવામાં લાગી ગયા હોત.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Tuesday, October 10, 2023

એમાં શરમ શાની?


- વી. શાંતારામ
બીજા દિવસે દિલ્હીના રીગલ થિયેટરમાં 'તૂફાન ઔર દિયા'નો પહેલો શો શરૂ થયો. નારાજ દર્શકોનો સામનો શી રીતે કરીશું એમ વિચારીને અમારા દિલ્હીના વિતરક ઘેર જ બેસી રહ્યા. થોડા થોડા સમયે તેઓ થિયેટર પર ફોન કરીને ફિલ્મની સ્થિતિ પૂછી લેતા:
"ભીડ કેવી છે?"
"હાઉસફૂલ." થિયેટરના મેનેજરે કહ્યું.
મધ્યાંતર વખતે વિતરકનો વધુ એક ફોન.
"લોકોએ ધમાલબમાલ કરી?"
"હજી સુધી તો નહીં."
ફિલ્મ પૂરી થઈ એટલે ફરી ફોન.
'લોકો શું કહે છે? ગાળો ભાંડે છે?"
"જરાય નહીં."
'શું વાત કરો છો! સાચું કહો છો ને?"
"હા, સાહેબ. થિયેટરમાંથી બહાર નીકળતાં બધા એમ જ કહે છે કે શાંતારામે કેવી સુંદર ફિલ્મ બનાવી છે!"
થોડી મિનીટોમાં વિતરકની ગાડી ઠાઠમાઠથી રીગલની પોર્ચમાં આવી. અગાઉ થયેલી વાતોનો કશો અણસાર તેમના ચહેરા પર નહોતો. રામ હજારેએ તેમની તરફ જોઈને તોફાની હાસ્ય કર્યું. વિતરકે સંકોચાઈને તેમની સાથે હાથ મિલાવ્યા.
આ ફિલ્મની એક બહુ હૃદયસ્પર્શી યાદ: લિબર્ટી સિનેમાના માલિક મહેબૂબ ખાનને મળવા ગુજરાતના બીલીમોરા ગયેલા. મહેબૂબની 'મધર ઈન્ડિયા'નું ફિલ્માંકન ત્યાં ચાલતું હતું. બીલીમોરા સ્ટેશને ઉતરતાં જ આઠ-નવ વર્ષનો એક સ્ફૂર્તિલો છોકરો દોડીને એમની પાસે આવ્યો અને કહ્યું, 'સાહેબ, હું તમારી બેગ લઈને તમને સ્ટેશનની બહાર લઈ જાઉંં?' હબીબે એની પ્રશંસા કરતાં કહ્યું, 'અરે! તું તો બહુ નાનો છો! તું આવી જાતનું કામ શું કામ કરે છે?'
'સાહેબ, અમે ગરીબ છીએ. મારા બાપ ગુજરી ગયા. મારી બા પણ કંઈ ને કંઈ કામકાજ કરે છે. મને જે થોડુંઘણું મળે એ હું મારી માને આપી દઉં છું.'
'પણ દીકરા, તું તો સારા ઘરનો લાગે છે અને તમને આવું હલકું કામ કરવામાં શરમ નથી આવતી?'
આ સાંભળીને છોકરાએ ગર્વભેર કહ્યું, 'એમાં શરમ શાની? તમે વી. શાંતારામની 'તૂફાન ઔર દિયા' ફિલ્મ જોયેલી છે? એમાં પણ મારા જેવો એક નાનો છોકરો પોતાની બહેન માટે કેટલી બધી મહેનત કરે છે. એને જોઈને મારી હિંમત વધી ગઈ. કોઈ પણ કામ ઈમાનદારીથી કરવામાં શરમ શાની?'
મુંબઈ આવીને મને ફોન પર આ આખો કિસ્સો કહેતાં હબીબનું ગળું ભરાઈ આવ્યું. મને પણ એ સાંભળીને સારું લાગ્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Monday, October 9, 2023

જીવન જીવવા માટે છે, નહીં કે ટૂંકાવવા માટે!

 

- વી. શાંતારામ
નવાં ચિત્રપટોનું નિર્માણ જ મારું કામ છે! આ કામ જ જીવન છે! એને યથાર્થમાં જીવવું જોઈએ! મારું ચિંતન કંઈક આ રીતે પરિપક્વ થતું જતું હતું.
અને એ સમયે નિરાશાવાદને ઉજાગર કરતી એક ફિલ્મ 'દેવદાસ' લોકોને ખૂબ પ્રભાવિત કરી રહી હતી. કલકત્તાની 'ન્યૂ થિયેટર્સ ફિલ્મ કંપની દ્વારા નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક પ્રમથેશ બરૂઆ હતા. એક ફિલ્મ તરીકે એ બહુ સુંદર હતી. તેમાં સાયગલે ગાયેલું એક ગીત 'દુ:ખ કે અબ દિન બીતત નાહી' અતિ સુંદર હતું. આજે પણ એ ગીત મને બહુ ગમે છે. પણ આ નિરાશાવાદી ફિલ્મ યુવા પેઢીના મનમાં એક જાતની હતાશા પેદા કરી રહી હતી. દેવદાસ શરાબનો હેવાયો બની જાય છે, વેશ્યાને ત્યાં જવા લાગે છે અને આખરે પ્રેમને ખાતર પોતાની જાતને શરાબમાં ડૂબાડી દે છે. એમાં જ એનો અંત આવી જાય છે. આ ફિલ્મ જોતી વખતે યુવાનો રડવા લાગતા. ખરેખરા પ્રેમ માટે મરી પડવું જોઈએ, આત્મહત્યા પણ કરવી જોઈએ- આવો ખોખલો આદર્શવાદ તરુણ પેઢીના મન પર હાવી થઈ રહ્યો હતો. પણ આપણા સમાજને આવા હતાશ, નિષ્ક્રીય તરુણોની આવશ્યકતા ન હતી. એને જરૂર હતી એવા યુવાઓ, જે દુ:ખમાં પણ રસ્તો કાઢીને બહાદુરની જેમ જીવનની કઠિન રાહ પર પણ ઉમંગ અને ઉલ્લાસથી આગળ વધે. પ્રેમની વિફળતાને કારણે દુ:ખી થઈને મરી જવાનું નામ જીવન નથી. જીવન તો એને કહેવાય કે જે પોતાના પ્રેમની સ્મૃતિને હૃદયમાં જાળવીને જીવનપર્યંત કર્તવ્ય બજાવે. યુવકોને આ નિષ્કર્ષ પર પહોંચાડવા માટે મેં ધ્યેયવાદી અને આશાવાદી ફિલ્મ બનાવવાનો નિર્ધાર કર્યો. 'દેવદાસ'ને કારણે નિરાશાવાદની જે લહેર પ્રસરેલી એને અટકાવવી સમાજહિત માટે નિતાંત આવશ્યક હતી.
આ વિચાર થકી મેં મારા સહાયક ભાસ્કરરાવ એમેમ્બલને મારી કલ્પના જણાવી અને એને આધારે એક વાર્તાની રૂપરેખા તૈયાર કરવા કહ્યું. એ રૂપરેખા અનુસાર નવી ફિલ્મની અમારી કલ્પના ધીમે ધીમે સ્પષ્ટ થતી ગઈ. 'દેવદાસ'ની મૂળ કથા સુપ્રસિદ્ધ બંગાળી લેખક શરદચંદ્ર ચેટર્જીની હતી. એ અતિ સશક્ત કલમના માલિક હતા. એમના નિરાશાવાદી ચિંતનને બરાબર જવાબ આપતી વાર્તા તૈયાર કરવાનો પડકાર મેં જાતે જ પહેલ કરીને ઊપાડ્યો.
સ્પષ્ટ છે કે માત્ર સુભાષિતો અને રૂઢિપયોગોથી ભરપૂર સંવાદો આવો પ્રભાવ ન ઊભો કરી શકે. વાર્તા એવા લોકોની હોવી જોઈએ કે જે સાવ સાદું અને સામાન્ય જીવન જીવતા હોય. જે લોકો નાના હોય એમનાં સુખદુ:ખ પણ સામાન્ય હોય. ભય, સાહસ, ગુણ, દોષ વગેરેને કારણે જ એ લોકો 'આદમી' કહેવાય છે. અને આદમી લાગે પણ છે. અમારો પ્રયાસ હતો કે એમના જીવન પર આધારિત વાર્તા હોય. આમ, જાણ્યેઅજાણ્યે નવી ફિલ્મનું નામ 'આદમી' નક્કી થઈ ગયું.


(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: 'દેવદાસ' (1935)ના જવાબરૂપે તૈયાર કરાયેલી ફિલ્મ 'આદમી'ના પોસ્ટરમાં જ લખાયું હતું 'Life is for living.'

Sunday, October 8, 2023

વિજયા દેશમુખનું રૂપેરી પડદે નામકરણ થયું સંધ્યા

 

- વી. શાંતારામ
હોનાજીની ભૂમિકા માટે કોઈએ મને રંગમંચના ગાયક-અભિનેતા પંડિતરાવ નગરકરનું નામ સૂચવ્યું. મેં પંડિતરાવનું ગાયન સાંભળ્યું. એમને બરાબર જોયા- પારખ્યા. તેમનો સ્વર બહુ મધુર હતો. હોનાજીની ભૂમિકામાં તેઓ બરાબર બંધબેસતા હતા.
હવે નાયિકા માટે એક સરસ યુવતીની જરૂર હતી. તલાશ આરંભાઈ. અમારા સ્ટુડિયોના વ્યવસ્થાપક વાસુ દેસાઈના કોઈ મિત્રે એક નાનકડી તસવીર દેખાડી. તસવીર બહુ સ્પષ્ટ નહોતી, છતાં મને એ છોકરીનો નાકનક્શો સારો લાગ્યો. તેની આંખો એકદમ બોલકી જણાતી હતી. મેં તરત એને કહેણ મોકલ્યું.
બીજા દિવસે હું મારી ઑફિસમાં બેસીને 'હોનાજી'ની પટકથા વાંચી રહ્યો હતો કે વાસુ દેસાઈ અંદર આવ્યો. તેની પાછળ સત્તર-અઢાર વરસની, ઠીક ઠીક ઊંચી, સુડોળ દેહલતાવાળી ગોરી યુવતી અંદર આવી. તેણે કપાળે મોટી બિંદી લગાવેલી અને પાલવ માથે મૂકેલો, જે સૂચવતું હતું કે એ કોલ્હાપુરના કોઈ ઉચ્ચ મરાઠા ખાનદાનની યુવતી છે. ચહેરા પર સ્નો-પાઉડર વગેરે કશું નહોતુ, આથી તેનો કુદરતી ગૌર વર્ણ અને ગુલાબી હોઠ બહુ સુંદર જણાતા હતા. આંખો ખાસ્સી મોટી હતી અને નજર એકદમ તીક્ષ્ણ. તેની સાથે તેના પિતાજી પણ આવેલા. મેં તેમને બેસવા જણાવ્યું. છોકરી તો માથું નમાવીને જ બેઠેલી. તેના પિતાજીએ પોતાનું નામ શ્રીધર દેશમુખ હોવાનું જણાવ્યું. એક સમયે તેઓ મરાઠી રંગમંચના શ્રેષ્ઠ ગાયક-અભિનેતા કેશવરાવ ભોસલેની 'લલિત કલાદર્શ' કંપનીમાં અભિનેતા રહી ચૂક્યા હતા.
યુવતીને મેં નામ પૂછતાં તેણે 'વિજયા' કહ્યું. તેની સાથે વાત કરતાં કરતાં મેં તેને સારી રીતે પિછાણી. પછી તેને પોતાનો ચહેરો અલગ અલગ ખૂણે ઘુમાવવાનું જણાવીને એનું નિરીક્ષણ પણ કર્યું. તેનું નાક મોગલકાલીન મહિલાઓના નાક જેવું હતું. તેનો અવાજ પારખવા માટે મેં તેની સાથે વાત કરી. મહારાષ્ટ્રીય હોવા છતાં તે ગુજરાતી સંગીત નાટકોની સુપ્રસિદ્ધ કંપની 'દેશી નાટક સમાજ'માં નાયિકાને ભૂમિકાઓ કરતી હતી. એ નાટકોમાં તે પોતે ગાતી હતી. મેં તેને એકાદ ગુજરાતી ગીત ગાવા માટે કહ્યું. એ શરમાઈ ગઈ અને બોલી, 'મને સંગીતનો ઘણો શોખ છે. પણ મેં શાસ્ત્રી સંગીતનો અભ્યાસ બિલકુલ કર્યો નથી. નાટકમાં કામ કરતી વખતે ઓર્ગન વગેરેની સંગતમાં થોડુંઘણું ગાઈ લઉં એટલું જ, એથી વિશેષ નહીં.' એ પછી મેં તેને ગાવાનો આગ્રહ ન કર્યો.
આ બધી વાતો પછી મેં એમને વિદાય કર્યા. એ જઈ રહી હતી ત્યારે મેં તેના પૃષ્ઠભાગનું પણ નિરીક્ષણ કર્યું. તેની દેહયષ્ટિ કોઈ મંદિરની ઉત્તમ શિલ્પકૃતિમાં કોતરાયેલી નર્તકીની જેમ માપસરની અને સુડોળ જણાઈ. મને આશ્ચર્ય થયું કે આટલી સુંદર અને સુડોળ યુવતીને સિનેમામાં કામ કરવાનો અવસર હજી સુધી કેમ નથી મળ્યો. મેં વાસુને જણાવ્યું કે વિજયાને ત્રણ વર્ષ માટે કરારબદ્ધ કરી લે.
**** **** ****

એ દિવસોમાં વિજયા નામની એક અભિનેત્રી હતી જ. આથી અમારી નવ-અભિનેત્રીનું નામ બદલવું જરૂરી બન્યું. તેને 'સંધ્યા' નામ આપવાનું મેં નક્કી કર્યું. ક્યારેક તો સતત ત્રણ-ત્રણ રાત સુધી તેનાં નાટક રહેતાં. રાત્રે ગમે એટલું જાગી હોવા છતાં તે રોજ સવારે નવ વાગ્યે સ્ટુડિય પર હાજર થઈ જતી. સાંજના છ વાગ્યે પોતાનું કામ સંપન્ન કરીને સીધી ત્યાંથી જ નાટકમાં પોતાની ભૂમિકા માટે થિયેટર પહોંચી જતી. પોતાના કામ પ્રત્યે આવી લગન અને આસ્થા જોઈને મને બહુ નવાઈ લાગતી.



(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
(નોંધ: સંધ્યાની પહેલવહેલી ફિલ્મ 'અમર ભૂપાલી' હતી, જે મરાઠી હતી.)

Saturday, October 7, 2023

...અને હાથી ઊભી પૂંછડીએ ભાગ્યો

 

અમે લોકો અમદાવાદ-મુમ્બઈ કોઈક મુશાયરામાં હાજરી આપવા ગયેલા. એક મકાનના વિશાળ, ખુલ્લા અને શાનદાર હૉલમાં ભોંય પર બેસીને શરાબ પી રહ્યા હતા અને એક અજાણ્યા યુવાને આવીને કહ્યું કે પોતે ફિરાક ગોરખપુરીને મળવા આવ્યો છે. વસ્લ (બિલગ્રામી)એ કહ્યું, 'આ રહ્યા ફિરાકસાહેબ.' એ નવયુવાને તરત ફિરાકનો હાથ ચૂમી લીધો અને આદર સાથે ઘૂંટણિયે બેસી ગયો. ફિરાકે પૂછ્યું, 'આપનું નામ?' તેણે પોતાનું નામ જણાવીને હાથ જોડ્યા અને કહ્યુંં, 'આપને ગઈ કાલનો એક કિસ્સો સંભળાવવા આવ્યો છું. ઈજાજત હોય તો જણાવું.' ફિરાક બોલ્યા, 'જરૂર જણાવો.' એ નવયુવાને કહેવા માંડ્યું કે પરમ દિવસે પોતે બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. જોયું તો વિશાળ સંખ્યા ધરાવતો એક વરઘોડો ચકલા પર ઊભો રહી ગયો હતો. મેં પૂછ્યું, 'શો મામલો છે?' એક સજ્જને જણાવ્યું કે વરરાજા જે હાથી પર સવાર થયેલા છે એ હાથી ભોંય પર બેસી ગયો છે. એને કેટલાય અંકુશ લગાવ્યા પણ એ હાલતો જ નથી. વરઘોડો અધવચ્ચે રોકાઈ જાય તો અપશુકન ગણાય એટલે વરરાજાના પિતાજી હેરાનપરેશાન થઈ ગયા છે. એ સજ્જન મને આમ જણાવી રહ્યા હતા એટલામાં જ મેં જોયું કે પંદર-સોળ વરસનો એક છોકરો દોડતો આવ્યો અને વરરાજાના પિતાજીને કહે, 'હાથીને હું હમણાં ને હમણાં જ ઊભો કરી દઉં તો પચાસ રૂપિયા આપશો?' વરરાજાના પિતાએ કહ્યું, 'પચાસ નહીં, સો આપીશ.' આ સાંભળીને પેલા છોકરાએ હાથીના કાનમાં જઈને કશું કહ્યું એ સાથે જ હાથી ઊભો થઈ ગયો અને ઊભી પૂંછડીએ દોટ મૂકી.
ફિરાકે પૂછ્યું, 'એ છોકરાએ શું કહ્યું હતું?' પેલા નવયુવાને એકદમ ગંભીરતાથી કહ્યું, 'પેલા છોકરાએ હાથીના કાનમાં કહેલું કે અલ્યા મૂરખ, તારી પાછળ ફિરાક આવીને ઊભેલા છે...' આ સાંભળતાં જ આખો હૉલ અટ્ટહાસ્યથી ગૂંજી ઉઠ્યો. પેલો નવયુવાન તરત ઊભો થઈને ભાગ્યો અને ફિરાકની આંખની બન્ને કીકીઓ પૈડાંની જેમ ઘુમરાવા લાગી.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Friday, October 6, 2023

આવા હતા વસ્લ બિલગ્રામી

 

તેઓ લખનઉના તમામ શાયરોના દાદા- અમ્મા હતા. ક્યાંય કશો મોટો મુશાયરો ગોઠવાય એટલે મુશાયરાના આયોજકો એમને શાયરોની સૂચિ અને ભાડું વગેરે મોકલી આપતા અને તેઓ દરેકને ઘેર જઈને એમને નિમંત્રીત કરતા, એક સ્થળે સૌને એકઠા કરીને પોતાની સાથે એમને સ્ટેશને લઈ જતા અને ટિકીટ ખરીદીને પોતાના ખિસ્સામાં રાખતા.
એક બાર તેઓ એટલા મોડા સ્ટેશને પહોંચ્યા કે ગાડી ઊપડવાની તૈયારીમાં હતી. એમણે તમામ શાયરોને વિના ટિકિટે ટ્રેનમાં ચડાવી દીધા અને કહ્યું કે આગળ કોઈ મોટું સ્ટેશન આવે ત્યારે ગાર્ડને જાણ કરી દઈશું. બે-ચાર સ્ટેશન ગયા પછી એક નૌજવાન ટિકીટ ચેકર અમારા ડબ્બામાં દાખલ થયો અને અમારી ટિકિટ માંગી. અમે સૌએ એને દૂર બેઠેલા વસ્લસાહેબ તરફ ઈશારો કર્યો. વસ્લસાહેબ ટિકિટચેકરને જોતાં જ તસ્બી પઢવા લાગ્યા હતા. અમે વિચારવા લાગ્યા કે હવે શું ગુલ ખીલશે. ટિકિટ ચેકરને પોતાની તરફ આવતો ચૂંચીં આંખે જોઈને તેમણે આંખો બંધ કરી અને માથું ઝૂકાવી દીધું. એમનો ચહેરો કોઈ સંત જેવો હતો. ટિકિટ ચેકર તેમની સમક્ષ આવીને ઊભો તો રહી ગયો, પણ ટિકિટ માંગવાની હિંમત કરી ન શક્યો.
એવામાં પાટો બદલાવાથી ટ્રેનને ઝાટકો લાગ્યો અને તેમણે આંખો ખોલી દીધી. એકદમ શરારતી અંદાજમાં તેમણે ટિકિટ ચેકર તરફ નજર કરી અને પેલાએ કહ્યું, 'ટિકિટ લાવો.' એ સાથે જ એમણે પેલાને ગાલ પર થપ્પડ ઝીંકી દીધી અને પૂછ્યું, 'પહેલાં તારા બાપના કુશળમંગળ જણાવ અને પછી તારા ચાચા પાસે ટિકિટ માંગ. મારું નામ છે વસ્લ બિલગ્રામી.' ટિકિટચેકરે એકદમ ગમગીન અવાજે કહ્યું કે એકાદ મહિના પહેલાં જ તેમનો ઈંતકાલ થઈ ગયો. આ સાંભળીને વસ્લસાહેબ રડવા લાગ્યા અને તેને ભેટી પડ્યા. પેલો પણ રડવા લાગ્યો.
હવે ટિકિટ ચેકરની શી મજાલ કે એમની પાસે ટિકિટ માંગે. અલાહાબાદ સ્ટેશને તેણે અમને સૌને ચા પીવડાવી અને પોતાની સાથે અમને બહાર સુધી લઈ ગયો.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)