પેલી દૂર દેખાતી ટેકરીની ટોચે પહોંચવાથી 'ટાવર' પકડાય. |
આ જાણીને આપણને થાય કે ખરો જમાનો આવ્યો છે! અલ્પેશ જેવા, સાવ આવા અંતરિયાળ ગામમાં રહેનારા યુવાનોને પણ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમની લત વળગી ગઈ છે. રોજ બપોરે ટેકરી પર ચડીને ફેસબુક-વોટ્સેપ જોવાને બદલે કશુંક રચનાત્મક કામ કરતો હોય તો?
ટેકરી પરથી દેખાતું દૃશ્ય |
**** **** ****
ગુજરાતની પૂર્વે આવેલા છોટા ઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો. વડોદરાથી ડભોઈ વટાવીને વાયા બોડેલી નસવાડી આશરે 80 કિ.મી. થાય. અહીં સુધી રસ્તાઓ પાકા અને સરસ છે. નસવાડી વટાવીને આગળ વધીએ એટલે નર્મદાની મુખ્ય નહેર આવે છે. આ નહેર પર બાંધેલા પુલને વટાવીને સામેના કાંઠે પહોંચતાં જ કોઈક અગમ્ય પ્રદેશમાં પ્રવેશી ગયાં હોઈએ એમ લાગે. ઠેરઠેર તૂટેલા રસ્તા, રસ્તાની બન્ને બાજુએ અડોઅડ આવેલાં ખેતરો, વચ્ચે આવતાં છૂટાછવાયાં ગામડાં અને પરિવહનના નામે સામી મળતી છૂટીછવાઈ, ભરચક જીપો, જેના છાપરા પર પણ મુસાફરો બેઠેલા જણાય. હળ સાથે બળદને જોડીને ખેતરે જતા કે આવતા ખેડૂતોનું દૃશ્ય આ વિસ્તારમાં સાવ સામાન્ય. અહીં આવા રસ્તે મોટરસાયકલ સિવાય બીજું કોઈ વાહન ભાગ્યે જ અનુકૂળ આવે. તેથી જ ગ્રામજનો મોટરસાયકલ પર જોવા મળે. રસ્તાઓ ચડતા ઉતરતા ઢોળાવવાળા અને બન્ને બાજુથી બેસી ગયેલા હોવાથી તેમનો વચ્ચેનો ભાગ આપોઆપ ઉપસી આવેલો છે. તેને લઈને કાર જેવું વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે. ઘસાટા અને ગોયાવાંટ જેવાં ગામો વટાવ્યા પછી રીતસરના ડુંગરાઓ શરૂ થાય અને કુદરતી સૌંદર્યની જે લીલા જોવા મળે એ જોઈને એમ થાય કે અહીં જ રહી જઈએ તો કેવું!અમારી મંઝીલ કુકરદા ગામ હતી, અને ત્યાં અમારે ‘સહયોગ છાત્રાલય’માં પહોંચવાનું હતું, જેનાં દિશાસૂચક પાટિયાં રસ્તામાં ઠેરઠેર લગાવેલાં જોવા મળે છે. છેક કુકરદા પહોંચી ગયા પછી આ સંસ્થાનું પહેલવહેલું પાટિયું જોવા મળ્યું, તેથી અમને એમ કે આવડા નાના ગામમાં તરત પહોંચી જવાશે. પણ બેથી ત્રણ જગ્યાએ એમ લાગ્યું કે હવે આગળ રસ્તો બંધ થઈ ગયો છે. પૂછવું તો કોને પૂછવું? રસ્તે કોઈક દેખાય એની રાહ જોઈ અને થોડી વારે કોઈક દેખાયું તો એણે કહ્યું કે હજી આગળ જાવ. પછી અમારા મોં પરની મૂંઝવણ જોઈને કહ્યું, ‘ગાડી જાય એવું છે.’ એક તરફ મકાઈનાં ખેતરો અને બીજી તરફ ડુંગરાની વચ્ચેની કેડી પર કાર ચલાવતાં ફરી એ જ અનુભૂતિ કે વાહ! કેટલું અદ્ભુત દૃશ્ય છે! દૂર દેખાતા સહેજ ઊંચા પર્વતો પર પણ વરસાદી લીલોતરી છવાઈ ગયેલી હતી. ફરી એ જ વિચાર કે આવામાં રહેવાની કેવી મઝા આવે! એમ ને એમ અમે ‘સહયોગ છાત્રાલય’ સુધી પહોંચ્યા ખરા.
સહયોગ છાત્રાલયમાં પ્રવેશતાં.... |
**** **** ****
નાનામોટા ઢોળાવો વટાવતી આખરે અમારી કાર જ્યાં ઉભી રાખી ત્યાં પાણીનો એક કુંડ હતો, જેની આસપાસ થોડા છોકરાંઓ હતાં. તેઓ અમને ‘સહયોગ છાત્રાલય’ સુધી દોરી ગયાં. પહેલાં એક નાનકડો ઢોળાવ, ત્યાર પછી એક નાની ગમાણમાંથી નીકળતો રસ્તો, ત્યાંથી ડાબે વળીએ એટલે એ ઝૂંપડીની સાંઠીઓની દિવાલે દિવાલે આગળ વધીએ એટલે એમ લાગે કે અહીં કશી વસતિ છે. એક પાકા મકાનની પરસાળમાં પ્રવેશ કરતાં અગાઉ નાનું અમથું પ્રાંગણ વટાવવું પડે. અમે ધીમે ધીમે બધું જોતાં જોતાં, ચડતાં ચડતાં પહોંચ્યાં અને જોયું તો ઓસરીમાં બાળકો હારબંધ ગોઠવાઈ ગયાં હતાં. સૌએ ઉભા થઈને અમારું અભિવાદન કર્યું. આ બાળકોમાં તમામ વયશ્રેણીનાં બાળકો દેખાયાં.અલ્પેશ અને તેમનાં પત્ની રીન્કુબહેને આવકાર આપીને અમને બેસાડ્યા. પાણી આવ્યું. અમારા મોંમાંથી પહેલું જ વાક્ય સર્યું, ‘છેલ્લો થોડો રસ્તો બહુ ખરાબ છે.’ આ સાંભળીને અલ્પેશ હસી પડ્યા. તેમણે કહ્યું, ‘ખરેખર તો આ વખતે એ રસ્તો બહુ સારો રહ્યો છે.’ અમને થયું કે આ સારો હોય તો ખરાબ કેવો હશે?
ફિલ્મનું ગીત ખબર નથી, એટલે ભજન.... |
મેં કહ્યું કે હારમોનિયમ મને આપો. આવડે એવું વગાડીશ. એમ સમૂહગાન શરૂ થયું. બે-ત્રણ ભજનો તાલમાં સૌએ ગાયાં. હારમોનિયમ પર જેવીતેવી સંગત કરી એટલા પૂરતું એમની સાથે એકાત્મતા કેળવાઈ હોય એમ લાગ્યું. રજાના દિવસે વિદ્યાર્થીઓને આનાથી વધુ બેસાડી રાખવા જુલમ જેવું લાગે. એટલે ‘પછી મળીએ’ કહીને વિખરાયા.
અમે ‘સંસ્થા’ની મુલાકાત લેવાનું શરૂ કર્યું, અને સાથે વાતો પણ ચાલુ રહી. સવાલો અનેક થતા હતા. છાત્રાલય કેમ? આ વિસ્તાર જ શાથી પસંદ કર્યો? તમે ભણાવો છો? આ વિસ્તારમાં શું કામ લોકો પોતાનાં બાળકને તમારા છાત્રાલયમાં મૂકે? એમને શો ફાયદો? તમારો શો લાભ? ફી કેટલી છે? જમવાનું શું આપો? આગળનું આયોજન શું? ખર્ચ કેટલો થાય? શી રીતે કાઢો? શી મુશ્કેલીઓ પડે?
સવાલો ડુંગળીના પડ જેવા હોય છે. એક પછી બીજો નીકળતો જ રહે. ખાસ કરીને સામે જવાબો ગંભીરતાપૂર્વક અને મુદ્દાસર અપાતા હોય ત્યારે પૂછનારને પણ ‘જોસ્સો’ આવી જાય.
આ સવાલોના અલ્પેશે જવાબો આપ્યા અને એમાંથી જે ચિત્ર નજર સામે ખડું થયું એ ધ્રુજાવી દે એવું હતું
**** **** ****
ચોમાસા પછી અદ્ભુત સૌંદર્ય, પણ રહેવા માટે? |
ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એસ.ડબલ્યુ. થયા પછી યુનિસેફના એક પ્રોજેક્ટ દરમ્યાન અલ્પેશને સંખેડા વિસ્તારમાં લાંબા અરસા માટે રહેવાનું બન્યું, જેમાં બાળકોના અધિકાર અંગે કામ કરવાનો મોકો મળ્યો. આમાંની ઘણી બાબતો તેના ધ્યાનમાં આવી હતી અને આ સમુદાય માટે સતત કંઈક કરવું જોઈએ એમ સતત લાગતું હતું. પિતા રમેશભાઈ બારોટ આજીવન છાત્રાલય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા છે અને ગાંધીવિચારને વરેલા છે. અલ્પેશનો પોતાનો ઉછેર અને શિક્ષણ છાત્રાલયના વાતાવરણમાં જ થયેલો છે. તેથી છાત્રાલય દ્વારા સાચી કેળવણીનું કામ થઈ શકે એનો જાતઅનુભવ હતો. ગાંધીવિચારના સંસ્કાર પણ પહેલેથી મળેલા હોવાથી પોતાનું કાર્યક્ષેત્ર પણ વંચિતમાં વંચિત સમુદાય ધરાવતો વિસ્તાર રહેશે એ સમજ અલ્પેશના મનમાં પહેલેથી હતી. ગામડામાં રહેવું તેમજ સરકારી નોકરી ન કરવી એ તેમનો પાકો નિર્ધાર હતો. સંખેડા હતા ત્યારે દર રવિવારે બે-ચાર મિત્રો આ વિસ્તારમાં આવતા, ફરતા, લોકો સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતા. સાથે ભોજન પણ લેતા. શું કરવું અને ક્યાંથી શરૂ કરવું એ નક્કી નહોતું, પણ કશુંક કરવું છે અને નક્કર કરવું છે એ નક્કી હતું. યુનિસેફનો પ્રોજેક્ટ પૂરો થયા અગાઉ અલ્પેશને મુંબઈમાં નોકરી મળી હતી. ત્યારે પણ તેને સતત લાગતું કે પોતાનું અસલ કામ અહીં શહેરમાં નથી. આખરે એ નોકરીને અલવિદા કરી. ત્યાર પછી સંખેડા આવવાનું ગોઠવાયું. ઘરનાં સભ્યોનું પ્રોત્સાહન હતું. મનમાં રૂપરેખા બનતી જતી હતી. એક વાત પાકી થઈ ગઈ કે ખરેખર કામ કરવું હશે તો અહીંના લોકોને સાથે રાખીને, તેમનો વિશ્વાસ જીતીને,લોકભાગીદારીમાં જ કરવું પડશે. લીસા અને ચમકતા કાગળ પર તેના અહેવાલ નહીં છપાય તો ચાલશે, પણ કેવળ એક જણના જીવનમાં સુદ્ધાં કશું નક્કર પરિવર્તન લાવી શકાય તો ઘણું.
સમસ્યાઓનો વ્યાપ એટલો મોટો અને લાંબા પનાનો છે કે કશું નક્કર પરિણામ ઝટ જોવા ન મળે. આવા સંજોગોમાં ધીરજપૂર્વક અને મક્કમતાથી કામ કર્યે જવું એ ખરેખરી કસોટી છે. સૌથી મોટો સવાલ એ હતો કે કામનો આરંભ કયા ક્ષેત્રથી અને કયા સ્થળેથી કરવો?
બાળકોથી આરંભ થાય એ ઉત્તમ ગણાય, કેમ કે, તેમની સામે લાંબી જિંદગી પડેલી હોય છે. પણ સ્થળ કયું પસંદ કરવું? આનો જવાબ પણ લોકો પાસેથી જ મેળવવો જોઈએ એમ અલ્પેશ અને તેમના મિત્રો તખતસિંહ, રાજુ વગેરેને લાગ્યું. તેઓ ગામેગામ ફરતા, લોકો સાથે વાતો કરતા, પોતાનો હેતુ સમજાવતા. ત્રણ સવાલો તેઓ લોકોને પૂછતા. ‘બાળકોના શિક્ષણનું કાર્ય કરાય?’, ‘ક્યાં કરાય?’ અને ‘ક્યાંથી કરાય?’ આ સંપર્ક દરમ્યાન સૌ ગામવાસીઓએ તેમને કુકરદાનું નામ સૂચવ્યું. કુકરદામાં એકથી દસ ધોરણ સુધીની શાળા હતી. તેને કારણે આસપાસનાં ગામેથી પણ બાળકો ભણવા આવતાં. આ મુખ્ય કારણ.
કુકરદાની ભૂગોળ એવી છે કે ડુંગરાળ વિસ્તાર ત્યાંથી શરૂ થાય છે. એ વિસ્તારનું આ સૌ પ્રથમ ગામ છે. આગળ જતાં બીજાં અનેક છૂટાછવાયાં ગામો આવે છે, જે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. તેને છેડે નર્મદા નદી અને પછી મહારાષ્ટ્ર સરહદ આવી જાય. નર્મદા નદી અને પછી નર્મદાની મુખ્ય નહેર આ વિસ્તારની ફરતે હોવા છતાં ચોમાસું પતે કે પાણીની અતિશય તંગી શરૂ થઈ જાય. અલ્પેશે કહ્યું, ‘તમારા જેવા મહેમાન બહારથી આવે અને એક પ્યાલો વધારે પાણી પીવે તો પણ અમે મનમાં એ ગણતા હોઈએ એવી સ્થિતિ.’
અહીંથી મુખ્ય મથક નસવાડી ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલું છે. કુકરદામાં ફોન નેટવર્ક માત્ર એક જ સ્થળે પકડાય છે. બહારના જગત સાથેનો એ એક માત્ર સંપર્ક. ગાંધીજીની કલ્પનાનો ગ્રામવિકાસ કરવા માટે બધી રીતે ‘આદર્શ’ ગણાવી શકાય એવું ગામ. અને છતાં આ રૂટ પરનું એ પહેલું ગામ છે. આગળનાં ગામોની સ્થિતિ કલ્પી લેવાની.
નક્કી કર્યું કે સૌથી પહેલાં છાત્રાલય શરૂ કરી દેવું, જેથી બાળકો એક જગ્યાએ સ્થાયી રહી શકે અને સતત શિક્ષણ મેળવી શકે. આ વિસ્તારમાં મોટા ભાગની વસતિ ડુંગરા ભીલોની છે. લોકોને આટલા પરિચયે થોડો વિશ્વાસ પડવા લાગ્યો હતો. અલ્પેશ અને મિત્રો પાસે મૂડી હતી તો નિષ્ઠાની અને લગનની. બીજું બધું તેમણે લોકોના સહયોગથી ઉભું કરવાનું હતું. કુકરદા ગામના એક વડીલ નાનજીભાઈ ડુંગરાભીલે પોતાનું ચાર રૂમનું પાકું મકાન છાત્રાલય માટે વાપરવા આપ્યું. આ છાત્રાલયનું નામ બહુ યોગ્ય રીતે ‘સહયોગ છાત્રાલય’ રાખવામાં આવ્યું. 2016માં તે ખુલ્લું મૂકાયું. કહેવાય છાત્રાલય, પણ તેમાં નહોતું અનાજ, નહોતાં વાસણો, નહોતું કોઈ રાચરચીલું કે નહોતો કોઈ ઓઢવા-પાથરવાનો સામાન. ‘આ કામ લોકોનું છે અને લોકો જ એ પૂરાં પાડશે’ એવી એક શ્રદ્ધા હતી, જે ધીમે ધીમે સાચી પડતી જણાઈ.
ગામના લોકો શાકભાજી અને મકાઈ મૂકી જવા લાગ્યા. તેમની પદ્ધતિ એવી કે ગૂપચૂપ મૂકી જાય અને પછી મળે ત્યારે એનો ઉલ્લેખ સુદ્ધાં પણ ન કરે. ગામના ઘંટીવાળાએ દળામણના પૈસા લેવાની ના પાડી દીધી. આમ, રોટલાનો પ્રશ્ન ઉકલ્યો. ગામના મંડળે રસોઈનાં વાસણો આપેલાં, પણ સૌથી મોટો પ્રશ્ન પાણીનો. પાણી નહીં, એટલે તેને ભરવા માટેનાં મોટાં વાસણો જ નહીં. જો કે, બાળકો બધું સમજતાં હતાં. રસોઈ માટે ઈંધણા લાવવાં, વરસાદ હોય તો પણ માથે મૂકીને અનાજ કે અન્ય ચીજવસ્તુઓ લાવવી- આ બધું તેઓ કરવા લાગતા. મકાનને ભોંયતળીયે લીંપણ છે એટલે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી પડે. સાપ કે અન્ય જીવ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડે.
અનેક અભાવ વચ્ચે કશું અખૂટ હોય તો એ હતી ધીરજ અને લગન. અલ્પેશના પરિચીત વર્તુળમાં અને એ રીતે કર્ણોપકર્ણ વાત પ્રસરવા લાગી. કેટલાક લોકો મુલાકાતે આવ્યા. તેમણે પોતાના વર્તુળોમાં વાત મૂકી. એ રીતે મદદ મળતી થઈ. એક દાતાએ બાળકો માટે પલંગની વ્યવસ્થા કરી. પરિણામે હવે બાળકો ખરબચડી ભોંયને બદલે પલંગ પર સૂવા પામે છે. ટી.વી. હજી અહીં કૌતુક ગણાય છે. અત્યારે તો અહીં રહેતાં કુલ 52 (બાવન) બાળકો કુકરદાની શાળાએ ભણવા માટે જાય છે, પણ એ સિવાયના સમયમાં તેઓ છાત્રાલયમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને સમૂહજીવન ગાળે છે. છાત્રાલયમાં બાળકોને સવારનો નાસ્તો તેમજ બે સમયનું ભોજન આપવામાં આવે છે.
અનેક અભાવો અહીં છે, પણ બાળકો એવી કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે કે આ પણ તેમને વૈભવ સમાન લાગે. આ વર્ષે પહેલા ધોરણમાં 21 બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો. આ બાળકો પાસે જન્મતારીખના કોઈ પુરાવા નથી. આમ છતાં, શાળા, પંચાયત તેમજ સમુદાયનો સહયોગ વિવિધ બાબતોમાં મળી રહે છે, તેને લઈને કામ અમુક અંશે સરળ બને છે.
અલ્પેશભાઈ પોતે અહીં જ રહે છે. તેમનાં પત્ની રીન્કુબહેન અને નાનકડો દીકરો માર્ગ નસવાડીમાં રહે છે. અલ્પેશભાઈ પેલી ટેકરી પર ચડે ત્યારે પત્નીનો ફોનથી સંપર્ક કરી શકે. દરરોજ નિયત સમયે તેઓ એમ કરે છે, જેથી છાત્રાલયની નાનીમોટી જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવાની હોય તો તેમને જણાવી શકાય. એ ટેકરી પર ચડે ત્યારે તેઓ બહારના વિશ્વ સાથે, પોતાના દાતાઓ તેમજ શુભેચ્છકો સાથે સંપર્ક સાધી શકે છે. ફેસબુક, વોટ્સેપ કે ઈ-મેલનો તેઓ ઉપયોગ કરે છે, પણ ટેકરી ઉતર્યા કે સંપર્ક પૂરો!
આ છાત્રાલયને હજી એક જ વર્ષ થયું છે, અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં તેઓ સફળ રહ્યા છે.આમ, પહેલું પગથિયું તેઓ ચડ્યા છે. હજી લાંબો પથ તેમણે કાપવાનો છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલાસશક્તિકરણ, ખેતી સુધારણા સહિત અનેક પ્રકલ્પોનું આયોજન મનમાં છે. છાત્રાલય સિવાય અત્યારે ગામના લોકોમાં સ્વાસ્થ્યને લગતી પાયાની સમજણ કેળવવાના પ્રયાસનો આરંભ કરવામાં આવ્યો છે. ઘેરેઘેર જઈને અલ્પેશ સૌના નખ કાપી આપે કે જરૂરી મૂળભૂત દવાઓ આપે, જેને કારણે ગામ લોકો સાથે વાતચીતનો સેતુ ઉભો થઈ રહ્યો છે.
અલ્પેશ-રીન્કુ બારોટ |
હાલ તુરત બે આયોજનો છે. એક છે ‘ભૂલકાં ભવન’, જેમાં ત્રણથી છ વર્ષનાં બાળકો થોડા કલાકો આવીને રહી શકે અને છૂટથી રમવાની સાથે સાથે અક્ષરજ્ઞાન મેળવે. અને બીજું છે ‘ફરતું પુસ્તકાલય’. સારું કે ખરાબ, અહીં વાંચન જેવી વસ્તુ જ વિકસાવવાની બાકી છે. લોકોને વાંચનની ટેવ પડે એ માટે આ જરૂરી છે. લાંબે ગાળે શિક્ષણ અને આરોગ્યની સવલતની સાથેસાથે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય એવી તકો ઉભી કરવાનું આયોજન છે, જેમાં ગાંધીવિચાર કેન્દ્રસ્થાને છે.
**** **** ****
અલ્પેશભાઈનું કાર્ય અને ખાસ તો કાર્યક્ષેત્ર જોયા પછી ઘણા બધા વિચારો સમાંતરે ચાલતા હતા. એક તો અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટ સાથે અલ્પેશનું સંકલન સાધી શકાય કે કેમ એ શક્યતા વિચારવાની હતી. ઉત્પલનો ‘પ્રોજેક્ટ યુનિફોર્મ’ તેમજ સેનીટરી નેપકીનનો પ્રોજેક્ટ અહીં અમલી બની શકે કે કેમ? સૌથી મોટી જરૂર રોજબરોજની જરૂરતની છે. છાત્રાલયને ભોજનખર્ચ તેમજ વિદ્યાર્થીદીઠ જે લઘુત્તમ જરૂરિયાત છે એ પૂરી કરવાના સંઘર્ષમાંથી મુક્તિ મળવી જોઈએ. હાલ અહીં છત્રીસ વિદ્યાર્થીઓ નિવાસ કરી રહ્યા છે.આ ખર્ચનો બોજો વહેંચાઈ જાય અને તેની જવાબદારી કોઈક શુભેચ્છક મિત્રજૂથ ઉઠાવી લે તો છાત્રાલયની અન્ય સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
એવી તો અનેક ચીજો છે, જે આપણા ઘરમાં ખૂણે પડી ધૂળ ખાતી હશે, પણ અહીં આપવામાં આવે તો યોગ્ય ઉપયોગને પામે. ટી.વી. કે જૂનું કમ્પ્યુટર હોય તો તેનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે. સંગીતનાં સાધનો, વિવિધ રમતગમતનાં સાધનો, અભ્યાસની સામગ્રી જેવી કે નોટબુક, પાઠ્યપુસ્તક વગેરે પણ જરૂરી બની રહે. એક તરફ લખેલા હોય અને એક બાજુ કોરા હોય એવા કાગળોની નોટબુક બનાવડાવીને અહીં પહોંચાડાય તો વિદ્યાર્થીઓ ઘરકામમાં તેનો ઉપયોગ કરી શકે. દવાઓની પણ જરૂર રહે છે. અહીં કશું આપવા ઈચ્છનારને એક જ વિનંતી કે પોતે પોતાને કામની કે નકામી ચીજ આપતી વખતે દાતાભાવ ન સેવે, પણ મંદિરમાં દેવ સમક્ષ પ્રસાદી ધરાવતા ભક્તનો ભાવ સેવે.
આપણે આપેલી એક ચીજ જે તે સ્થળે પહોંચાડતાં જે મુશ્કેલી પડે છે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એ વળી જુદો પડકાર છે, જે આપનારે ઉપાડવાનો નથી.
એક બાળકદીઠ વર્ષ આખાનો કેટલો ખર્ચ આવે એ હજી ગણવાનું બાકી છે, કેમ કે, અત્યારે તો આવે એમ વપરાય એવો હિસાબ છે.
અત્યારે અનેક મિત્રો આ સંસ્થા સાથે સંકળાઈને એક યા બીજી રીતે સહાયરૂપ થઈ રહ્યાં છે, પણ અહીં ગમે તેટલી મદદ ઓછી પડે એવી છે.
કોઈ પણ રીતે અહીં સહાયરૂપ થવા ઈચ્છતા મિત્રો અલ્પેશ બારોટનો સંપર્ક ફોન નંબર 83478 31098 પર કરી શકે છે. એ અગાઉ તેના ઈ-મેલ loksahyogtrust@gmail.com પર પોતાનો ફોન નંબર મોકલશો તો એ પેલી ટેકરી પર ચડીને સામેથી તમારો સંપર્ક કરશે.
હવે પછી તમારા કોઈ રૂમમાં ફોનનું નેટવર્ક તમને ન મળે તો ફોનના બટનો આમતેમ દબાવવાને બદલે મનોમન અલ્પેશને યાદ કરજો કે જે સ્વેચ્છાએ એવી જગ્યા શોધીને બેઠા છે અને ત્યાં રહીને આવું કામ કરે છે.
આવા ઘર મૂકીને તીરથ કરનારા યુવાનો થકી જ માણસ જાત ઉપરની આસ્થા ટકી રહે છે. યતકિંચિત ઉપયોગી થવાશે તો આનંદ થશે.
ReplyDeleteઅલ્પેશના કામને સલામ. અલ્પેશના શિક્ષક બનવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ અનુભવું છું.
ReplyDeleteમજા પડી બિરેનભાઈ! મારી ૩૬ વર્ષની વન વનવિભાગની કારકિર્દી દરમ્યાન આવા વિરલ કિસ્સાઓ/પ્રસંગોમાંથી પસાર થયો છું.વિષમ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરતા વનવાસીઓ/વંચિતોના પરિચયમાં આવવાનું બન્યું છે. કલ્પના કરવી મુશ્કેલ થાય તેવા દૂરદરાજના સ્થળો/ગામડાઓ/ફળિયાઓમાં રખડવાનો મોકો મળ્યો છે.બસ, એક જ વાતનો અફસોસ રહે છે, એ વખતે લેખન પ્રવૃત્તિ શરૂ ના કરી શક્યો. આવી પોસ્ટ વાંચતા બધું યાદ તો આવે જ પણ ધૂંધળું.
ReplyDelete