Saturday, March 26, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (7)

 શ્રીનગર. આ નામ કાને પડે એટલે એક જ શ્રીનગર યાદ આવે- જમ્મુ અને કાશ્મીરનું. પણ આ જ નામનું બીજું એક નગર ઉત્તરાખંડમાં આવેલું છે, જે ઋષિકેશથી બદ્રીનાથ જવાને રસ્તે છે. બદ્રીનાથ પહોંચતી વખતે અમારો વચગાળાનો મુકામ આ શ્રીનગરમાં હતો, પણ અમે પહોંચ્યા મોડી રાતે અને નીકળી ગયા વહેલી સવારે. તેથી આ નગરને બરાબર જોવા નહોતું મળ્યું. બદ્રીનાથથી અમે પાછા વળ્યાં ત્યારે શ્રીનગરમાં રાત રોકાવાનું નક્કી કર્યું. કેમ કે, બદ્રીનાથથી શ્રીનગર આશરે 200 કિ.મી.ના અંતરે છે અને શ્રીનગરથી ઋષિકેશ આશરે 100 કિ.મી.ના અંતરે. બદ્રીનાથમાં દસેક હજાર ફીટની ઊંચાઈએ, હિમાચ્છાદિત શિખરોની વચ્ચે માથું, કાન, નાક, હાથ, પગ બધું જ ઢાંકીને ફરવું પડે એવી સ્થિતિ હતી. રૂમમાં પણ હીટરની જરૂર જણાય. પણ શ્રીનગરમાં અમે રોકાયા ત્યાં પંખાનો ઊપયોગ કરવો પડ્યો. એક તો ઊંચાઈ સાવ ઘટી ગયેલી. માંડ 1800-1900 ફીટે આવી ગયેલા. એ રીતે શ્રીનગર પણ ખીણમાં વસેલું નગર કહી શકાય. મુખ્ય બજાર મુખ્ય માર્ગની સમાંતરે છે. આ સ્થળનો ઊપયોગ મોટે ભાગે વચગાળાના રોકાણ માટે થતો હોવાથી અહીં હોટેલની રૂમનાં ભાડાં પણ ઠીક ઠીક વધુ હતાં. પણ સૌથી મઝાની વાત હતી રોડની સમાંતરે, પર્વતોની ગોદમાં વહેતી અલકનંદા.

જો કે, આ વિસ્તારમાં અલકનંદાનો પટ મુખ્યત્વે પથરાળ છે. રેતી, કાંકરા અને પથરા વધુ જોવા મળે છે. જે હોટેલમાં અમે ઊતરેલા તેની બાલ્કનીમાંથી બરાબર સામે જ આવું દૃશ્ય દેખાતું હતું. વચ્ચે રોડ અને તેની પેલી તરફ અલકનંદા. આ નદીના પટમાં કંઈક ખોદકામ ચાલી રહ્યું હતું અને વહેલી સવારથી ડમ્પર મશીનોનો અવાજ શરૂ થઈ ગયો હતો.
મને હંમેશાં લાગે છે કે પર્વતીય વિસ્તારમાં મુખ્ય સ્થળે જતાં જતાં વચ્ચે આવતાં અમુક સ્થળોએ રોકાણ કરવાની મઝા જ અલગ હોય છે. દર વખતે એ શક્ય નથી બનતું, પણ આ વખતે અનાયાસે એમ થઈ શક્યું. એ રોકાણની આ યાદગીરી.
શ્રીનગર ખાતે નદીનો પટ

બદ્રીનાથથી અમે પાછા વળ્યા અને રસ્તામાં શ્રીનગર તેમજ ઋષિકેશ ખાતે રાત્રિરોકાણ કર્યા પછી આખરે હરિદ્વાર પહોંચ્યા. 
અલકનંદા- ભાગીરથી સંગમ, દેવપ્રયાગ

વાસ્તવમાં અમે અન્ય લોકોથી બે દિવસ વહેલા નીકળી ગયા હતા અને છેલ્લે હરિદ્વારમાં અમારે 'મુખ્ય પ્રવાહ'માં ભળી જવાનું હતું. અહીં જ રાત્રિરોકાણ કરીને સવારે દિલ્હી જવા માટે નીકળવાનું હતું. હરિદ્વાર-ઋષિકેશ હાઈવે પર આવેલી ત્રણેક હોટેલમાં સૌનો ઊતારો વહેંચાયેલો હતો, જેમાં અમારા ભાગે આવેલી રૂમની બારીમાંથી આ દૃશ્ય દેખાતું હતું.
બદ્રીનાથમાં હિમાલયને મળીને આવ્યા પછી હરિદ્વારના મેદાની પ્રદેશમાં ગીચતાની સાથે સાથે ગંદકી પણ લાગે. બારીમાંથી પહેલો હાઈવે નજરે પડે અને હાઈવેની પેલે પાર આવાં મકાનો. દૃશ્ય કંઈ ખાસ આકર્ષક નહોતું. કાચના ખોખાં ગોઠવ્યા હોય એવી હોટેલની ઈમારત અને તેની સાવ અડોઅડ હજી બની રહ્યું હોય એવું કોઈ મકાન. ચીતરવા માટે બહુમાળી મકાનની એકવિધતાની સરખામણીએ બની રહેલા મકાનનું સ્થળ બહુ આકર્ષક જણાય, કેમ કે, એમાં અલગ અલગ ટેક્સ્ચર અને સંયોજન મળી રહે.
પણ અમે વહેલા તૈયાર થઈ ગયા હતા અને જવાને હજી વાર હતી. તેથી વારેવારે નજર સામે જતી. કાચબંધ ખોખામાં તો કશો સળવળાટ નહોતો જણાતો, પણ તેની બાજુના કાચાપાકા મકાનમાં અવરજવર જણાતી હતી. પછી ધ્યાન પડ્યું કે તેમાં એક મંદિર બનાવાયેલું છે.
સ્ટોરી ઘડાતી હોય એમ મનમાં વાત બેસવા લાગી અને માત્ર રમૂજ ખાતર વિચાર આગળ ચાલ્યો. આ મંદિર કે જેની પર હજી પ્લાસ્ટર પણ નથી થયું, અને એ ક્યારે થશે એ ખબર નથી, તે ભવિષ્યમાં વિકસતું જશે. અને એમ થશે ત્યારે તેનો દેખાવ તેની બાજુમાં આવેલા કાચના ખોખાને પણ ટક્કર મારે એવો બની જશે. અને આ કાચનું ખોખું? તેમાં ઊતરનારા પ્રવાસીઓને આમ જ લૂંટતું રહેશે તો જતે દા'ડે એનો કોઈ ભાવ નહીં પૂછે. તેને તાળાં મારવાનો વખત આવશે. એમ થશે પછી તેની ભીંત પરથી પ્લાસ્ટરના પોપડા ઊખડવા લાગશે. અને બહુ ઝડપથી તેનો દેખાવ હાડપિંજર જેવો, એટલે કે અત્યારે તેની બાજુનું મકાન છે એવો થઈ જશે. આવો વિચાર આવ્યો એટલે થયું કે લાવો, હજી સમય છે તો વિરોધાભાસ સમી આ બન્ને ઈમારતોનું ચિત્ર બનાવી લઈએ.
એટલે એક રીતે કહીએ તો, અહીં જે દેખાય છે એ નથી જોવાનું. અહીં જે ઈમારત અત્યારે દેખાય છે તે ભવિષ્યમાં એની બાજુની ઈમારત જેવી થઈ જશે એવી કલ્પના છે.

હરિદ્વાર-ઋષિકેશ હાઈવે 

(સમાપ્ત) 

No comments:

Post a Comment