Saturday, July 29, 2017

દુલ્હન કી તરહ હર ખેત સજે...


- ઉત્પલ ભટ્ટ

(એક પછી એક અનોખા પ્રોજેક્ટ વિચારીને, તેનો સફળ અમલ તેમજ સતત ફોલો-અપ કરતા રહીને સતત કાર્યરત રહેતા અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટનો એક અહેવાલ.) 


ડાંગ જિલ્લાના અને સોનગઢ વિસ્તારના ગામોની અનેક મુલાકાતો દરમ્યાન ગરીબ ખેડૂતોને ખેતી અંગે પડતી વિવિધ તકલીફો જોવા મળી રહી છે. પાક લેવા અંગેનું તેઓનું વારસાગત અને કંઈક અંશે સિમિત જ્ઞાન દેખાય. કદાચ નવી બાબતો અપનાવવા તરફ સહેજ ઉદાસીનતા કે યોગ્ય માહિતીનો અભાવ પણ હોય. ખૂબ મહેનત કરવા છતાં વધુ પાક લઈ શકવાનો તેઓનો વસવસો અમને પણ દુઃખી કરે. બધી ચર્ચાઓ વખતોવખત બીરેન કોઠારી સાથે થતી રહે અને બાબતમાં શું કરી શકાયતેની છણાવટ પણ થાય. અમારું ખેતીવિષયક જ્ઞાન નહીંવત્ હોવાથી આ ચર્ચામાં તેમના મિત્ર પૈલેશ શાહનો ઉલ્લેખ તેઓ વારંવાર કરતા રહે.
મૂળ ખેડાના, હાલ નડિયાદ નિવાસી પૈલેશભાઈ ખેડાને જ કાર્યક્ષેત્ર બનાવીને સમગ્ર ગુજરાતમાં બિયારણ અને જંતુનાશકનો બહોળો વેપાર કરે છે. પણ એ તેમની વ્યાવસાયિક ઓળખ થઈ. છેલ્લા સાતેક વર્ષોથી બીરેન કોઠારીના માધ્યમથી હું તેમની સાથે ટેલિફોનિક સંપર્કમાં છું. મારા ઘરના ગાર્ડનમાં ફૂલછોડને કોઈક રોગ લાગુ પડ્યો હોય, સૂકારો લાગ્યો હોય કે પાંદડા પર ઈયળો પડી હોય તો હું એનો ફોટો પાડીને પૈલેશભાઈને મોકલું, પછી એમને ફોન કરું એટલે તેઓ જે-તે રોગનું સ્પષ્ટ શબ્દોમાં વિવરણ આપે અને એના ઈલાજરૂપે દિવસે કુરિયરમાં રામબાણ દવાનું પેકેટ રવાના કરે. બધું તદ્દન નિઃસ્વાર્થભાવે કરે. તેઓ કીટક નિષ્ણાત છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
પૈલેશભાઈએ આ બ્લૉગ પર મંગલાના એડમિશનનો અહેવાલ મૂકાયાના ગણતરીના કલાકોમાં જ તેને વાંચીને એમના ખાસ મિત્ર બીરેન કોઠારીને ફોન કર્યો અને પોતે શી રીતે મદદરૂપ થઈ શકે એ પૂછ્યું. તેમની એ ચર્ચા દરમ્યાન 'ખેડૂત સભા'ના આયોજનનું બીજ રોપાયું. વાત પછી મને જાણવા મળી એટલે વિચારરૂપી બીજને તાત્કાલિક કૂંપળો ફૂટે તેવું આયોજન શરૂ કર્યું. પૈલેશભાઈ માટે આ મોસમમાં બે દિવસ પ્રવાસ માટે કાઢવા મુશ્કેલ છે. છતાં પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢ્યો. એ રીતે ૨૫-૨૬ જુલાઈના દિવસો પર પસંદગી ઉતરી. ખેડૂતસભા યોજવા માટે સોનગઢ તાલુકાનું ખાંજર ગામ પસંદ કર્યું.
**** **** ****

ખાંજરમાં સુનિતા ગામીતનાં કુટુંબીજનો વિવિધ પ્રકારના સંકલન માટે ખૂબ મદદરૂપ થાય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરના એમના પ્રયાસોને પરિણામે ૨૫ જુલાઈએ સાંજે ખેડૂતસભાનું આયોજન કરવામાં આવ્યું.
જો કે, એ અગાઉ ૨૪ જુલાઈથી ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થઈ ગયું હતું. સોનગઢ તરફ પણ વરસાદ હોય તો ખેડૂતસભા સ્થગિત કરવી પડે! પરંતુ ખેડૂતસભા યોજવાની હાથમાં આવેલી તક ખોવાની મારી તૈયારી નહોતી. ખાંજર ગામે ફોન દ્વારા હું સતત સંપર્ક રાખીને વરસાદની જાણકારી મેળવી રહ્યો હતો. ત્યાં ખાસ વરસાદ નથી એવું જાણ્યા પછી અમે જવાનું નક્કી જ કરી લીધું. થોડી અસમંજસ વચ્ચે છેવટે ૨૫ જુલાઈએ સવારે ખાંજર તરફનો પ્રવાસ શરૂ થયો.
**** **** ****
અમદાવાદની વરસાદી સવારે વાગ્યે ઘેરથી નીકળીને એસ.ટી. બસ દ્વારા હું નડિયાદ માટે નીકળી પડ્યો. સાથે ખાંજરમાં આપવા માટેનાં કપડાં ભરેલો મોટો શણનો થેલો, પાંચ LED ટ્યુબલાઈટ અને એક નાનકડો પીઠથેલો હતા. નડિયાદ એસ.ટી. સ્ટેન્ડ પર ઉતરતાં જ પૈલેશભાઈ પોતાની ઈનોવા અને તેમના કાયમી કુશળ સારથિ ફારૂક સાથે આવી ગયા. અમે તરત જ નીકળ્યા અને ઉપડ્યા વડોદરા. અહીંથી બીરેન કોઠારી અને તેમના પરિવારજનો કામિનીબેન અને ઈશાન અમારી સાથે જોડાવાના હતા.
હંમેશની જેમ સામાનથી છલોછલ ભરેલી અમારી મોટરકાર વડોદરાથી સડસડાટ ઉપડી. વચ્ચે ભોજનનો વિરામ લઈને સાંજના સાડા ચાર-પોણા પાંચની આસપાસ સીધી ખાંજર ગામના બગદવડી ફળિયામાં જઈને ઉભી રહી
કુદરતના ખોળે વસેલું ખાંજર ગામ 
સુનિતાના ઘરના સભ્યો અમારું સ્વાગત કરવા હાજર હતા. ચા પીને થોડા પગ છૂટા કર્યા અને પાંચ વાગ્યે ખેડૂતસભા માટે ગામની ડેરીએ જવા પ્રયાણ કર્યું. દરેક ગામમાં રોજ સવારે સાત અને સાંજે પાંચ વાગ્યે ખેડૂતો/પશુપાલકો ડેરીએ દૂધ ભરવા આવતા હોય છે. એટલે ગામની ડેરીએ બધા ખેડૂતો મળી જાય. અમે ડેરીએ પહોંચ્યા ત્યારે સ્ટીલનાં મોટા ડોલચા લઈને બધા દૂધ ભરવા આવી રહ્યા હતા. સૌને જાણ કરવામાં આવી હતી. ધીમેધીમે ૨૫-૩૦ જેટલા ખેડૂતો-ખેડિકાઓ ભેગા થઈ ગયાં. 

ખેડૂતો સાથે વાર્તાલાપ કરી રહેલા પૈલેશ શાહ 
સ્ત્રીખેડૂત માટે 'ખેડિકા' શબ્દ વાપરવો જોઈએ એમ મને લાગે છે, કારણ કે 'ખેડૂત' સંપૂર્ણપણે પુરૂષપ્રધાન શબ્દ છે. હકીકત છે કે ખેતર ખેડવા સિવાયનું ખેતીનું મોટા ભાગનું કઠિન અને સખત થકવી નાખનારું કામ સ્ત્રીઓ કરે છે. તેમનો આત્મવિશ્વાસ વધારવા અને સન્માન આપવા માટે 'ખેડિકા' શબ્દનો ઉપયોગ શરૂ કરીએ તો? નવા શબ્દને રોજબરોજના પ્રયોગમાં મૂકીએ તે વાત પણ ગ્રામ્ય મહિલા સશક્તિકરણ માટેની એક નાનકડી પહેલ સાબિત થશે.
પૈલેશભાઈએ સભા સંબોધતાં અગાઉ આ વિસ્તારની જમીન જોઈ લીધી હતી. તેમને અંદાજ આવી ગયો હતો કે અહીંના ખેડૂતો સમક્ષ કયા મુદ્દે વાત કરવી. તેમણે નાનકડી ગ્રામસભાને સંબોધવાનું શરૂ કર્યું. ખેતીની જમીન કેવી છે? આબોહવા કેવી છે? કેટલા પ્રકારના પાક લેવાય છે? વર્ષમાં કેટલા પાક લેવાય છે? પાક કેવોક ઉતરે છે? એમાં જંતુનાશકનો ઉપયોગ કેવી રીતે કરો છો? આ પાકમાં કેવી જીવાતો પડે? કઈ જીવાત નુકસાનકારક અને કઈ લાભદાયી? અમુક નુકસાનકારક જીવાતનો નાશ જંતુનાશક દવા વિના શી રીતે કરી શકાય? આવા અનેક પ્રકારના પ્રશ્નો પૂછીને, તેના જવાબો આપીને અને મેળવીને પૈલેશભાઈએ ગ્રામસભામાં રસ જાગૃત કર્યો. તેઓ પોતાની સાથે વિવિધ જીવાતોના રંગીન ફોટાઓનું આલ્બમ લાવ્યા હતા. એના દ્વારા જુદા જુદા પ્રકારની ઈયળો, જીવાત વિષે તેમણે ઊંડાણથી સમજ આપી.

વિવિધ જીવાતોની સચિત્ર સમજ આપી રહેલા પૈલેશ શાહ 
પૈલેશ શાહ અને ખેડૂતો-ખેડિકાઓ વચ્ચે પ્રશ્નોત્તરી જામી. લગભગ દરેક ગ્રામજને ખેતી વિષયક સવાલો કર્યા. અમાસ અને પૂનમ દરમ્યાન છોડના કુમળા પાંદડા પર ઈયળો ઇંડા મૂકતી હોય છે એટલે જો ઇંડાનો નાશ કરવામાં આવે તો ઓછામાં ઓછો જંતુનાશકનો ઉપયોગ કરવો પડે. આવી ઘણી અમૂલ્ય ટીપ્સ ખાંજરના ગ્રામજનોને મળી. તેઓના ચહેરા પરથી લાગ્યું કે માહિતી પામીને તેઓ ખુશ થયા. સભા દરમ્યાન પૈલેશભાઈ તરફથી બધાને નડિયાદનું ખાસ ચવાણું નાસ્તા તરીકે અપાયું. લગભગ પોણા કલાક જેવી ગ્રામસભા ચાલી. પૈલેશભાઈનું સૂચન એવું પણ હતું કે વરસમાં બે કે ત્રણ નિશ્ચિત પાક લેવાને બદલે તેની સમાંતરે શાકભાજીની ખેતી તરફ વળવામાં આવે તો એ લાભદાયી પુરવાર થઈ શકે. ગણ્યાગાંઠ્યા ખેડૂતો અહીં એવા હતા જેઓ શાકભાજીની મર્યાદિત ખેતી કરતા હતા, પણ તેમને કેટલીક સમસ્યા સતાવતી હતી. આવા ખેડૂતોએ પણ પોતાની સમસ્યાનું સમાધાન મેળવ્યું.
ખેડૂતોને એકદમ નવી ફર્સ્ટ હેન્ડ જાણકારી મળી. સભાને અંતે તમામ માટે પૈલેશ શાહ તરફથી 'સરપ્રાઈઝ' હતું. રૂ.૨૦૦/- નું એક એવું ન્યુટ્રીશિયસ ઘાસચારાનું એક કિલો બિયારણ, જુદા-જુદા શાકભાજીનાં બિયારણ અને એક નાનકડી નોંધડાયરી સૌ ખેડૂતોને ભેટ આપવામાં આવી. ઘાસચારાનો પ્રકાર એવો છે કે એક સાંઠામાંથી લગભગ ૨૨ થી ૨૫ વખત તેનું 'કટિંગ' લઈ શકાય છે. 'ભેટ કીટ' લેવા માટે બધાએ પડાપડી કરી અને સ્ટોક ખૂટાડી દીધો! ગ્રામસભા સફળતાપૂર્વક પૂરી થઈ અને સાથે વરસાદ શરૂ થયો એટલે બધા વિખરાયા.
**** **** ****

ગ્રામસભા પૂરી કરીને અમે સૌ ચાલતાં-ચાલતાં કુદરતની કમાલ જોતાં બગદવડી ફળિયે પહોંચ્યા. હાલમાં સમગ્ર ગુજરાતમાં ડાંગરની રોપણીનું કામ ચાલી રહ્યું છે. દરેક ખેતરમાં એક વેંત જેટલી ઉંચી ડાંગર લહેરાતી હતી. એની લાક્ષણિકતાઓ વિશે પૈલેશ શાહ જાણકારી આપી રહ્યા હતા. પૈલેશ શાહને ખરા અર્થમાં 'સબ્જેક્ટ મેટર એક્સપર્ટ' કહી શકાય. સુનિતાને ઘેર પહોંચ્યા અને ત્યાંના પરચૂરણ કામો પતાવવાનાં શરૂ કર્યા. સુનિતાના ઘરમાં પાંચ ટ્યુબલાઈટ લગાવડાવી. એ ઓરડાઓમાં પ્રથમ વખત સફેદ પ્રકાશ પથરાયો.
સુનિતા ગામીતનો સમગ્ર પરિવાર 
ઘરની બહાર શૌચાલય બનાવેલું છે, પરંતુ ખાળકૂવા સુધીની પાઈપલાઈનને અભાવે શૌચાલયનો વપરાશ નહોતો થઈ શકતો. મજબૂત પીવીસી પાઈપો અને બીજો જરૂરી સરંજામ પૈલેશભાઈ પોતાની સાથે લેતા આવ્યા હતા. એ સાંજે તેને ફીટ કરવામાં આવી અને શૌચાલય વપરાશ માટે તૈયાર થઈ ગયું. પાઈપલાઈનનો ખર્ચ માત્ર રૂ.૧૦૦૦ થયો. ટ્યુબલાઈટ અને પાઈપલાઈન સાવ નાનકડી, પણ પાયાની જરૂરિયાત આ નાની ઘટનાઓએ ગામીત કુટુંબના સભ્યોના ચહેરા પર અદભૂત આનંદ છલકાવ્યો. મેં સુનિતાના ખેડૂતપિતા ઉમેશભાઈને કહ્યું, અજવાળું ટ્યુબલાઈટનું નથી. તમારી દીકરીએ એના ભણતરથી તમારું ઘર ઉજાળ્યું છે.’ સાંભળીને ઉમેશભાઈની આંખો હર્ષથી છલકાઈ ઉઠી.
**** **** ****

વરસાદ માથે હતો અને અમદાવાદ-નડિયાદ તરફથી સતત વરસાદના સમાચાર આવી રહ્યા હતા. તેથી બીજા દિવસે સવારે નવેક વાગ્યે અમે નીકળી ગયા. આખે રસ્તે અમે ખેડૂતસભાના નિષ્કર્ષની ચર્ચા કરતા રહ્યા. શું થઈ શકે? કેવી રીતે થઈ શકે? આપણે માર્ગદર્શન પૂરું પાડવા તૈયાર હોઈએ, પણ સામા પક્ષે ખેડૂતોને શી રીતે તૈયાર કરી શકાય? આવાં અનેક પાસાં અંગે વાતો થઈ. સૌનું એક તારણ એ નીકળ્યું કે વરસોથી એક રીતે ખેતી કરવા માટે ટેવાયેલા ખેડૂતોને નવા માર્ગે એકદમ વાળવા મુશ્કેલ છે. પણ આખા ગામમાંથી એકાદ બે ખેડૂતો આ તરફ વળે અને તેમને હકારાત્મક પરિણામ મળે તો એ જોઈને અન્ય ખેડૂતો જોડાય એ શક્યતા પૂરેપૂરી છે. સુનિતાનો પરિવાર આ માટે તૈયાર થઈ શકે એમ છે.

આગળ ઉપર એવો પણ વિચાર છે કે ખેડૂતો માટે પૌષ્ટિક ઘાસચારાનું બિયારણ ખૂબ કામનું છે. કોઈ શુભેચ્છકે આવું બિયારણ ભેટ આપવું હોય તો એક કિલોના પેકના રૂ.૨૦૦ થાય છે, જે સીધું જ ખેડૂતને પહોંચાડવામાં આવે. તેના ઉપયોગ માટે જરૂરી દિશાસૂચન અને માર્ગદર્શન પૈલેશભાઈ પાસેથી મળી રહે એમ છે. આમ કરવાથી જરૂરી લીલો ઘાસચારો ગાય-ભેંસના પેટમાં જશે અને દૂધનું ઉત્પાદન વધશે. બીજી વાત કે વિવિધ શાકભાજીના બિયારણની કીટ પણ લગભગ રૂ. ૩૦૦/- માં આપી શકાય. જાણ ખાતર, કાકડીની એક જાતના બિયારણનો ભાવ કિલોના રૂ.૫૫,૦૦૦ છે. બિયારણ ખૂબ મોંઘું થઈ ગયું છે. ઘાસચારો અને બિયારણની કીટ ખેડૂતોને આપીએ તો ચોમાસા પછી પણ તેઓ - મહિના સુધી ખેતી કરી શકશે. કમસે કમ પોતાના ઘર પૂરતા શાકભાજી તો ઉગાડી શકશે. અનુકૂળ આવે તો તેમાંથી સારી એવી આવક પણ ઉભી કરી શકાય. અત્યારે પ્રાયોગિક ધોરણે વિવિધ શાકભાજીનાં બિયારણ આપવામાં આવ્યાં છે. તેમાંથી કયું બિયારણ તેમને અનુકૂળ આવે છે એ ખ્યાલ આવી જાય તો એ તરફ વળી શકાય. 
અમદાવાદ આવ્યા પછી ખાંજરથી ફોન આવ્યો તેમાં જાણવા મળ્યું કે ખેડૂતોને આ વાતમાં ઘણો રસ પડ્યો છે અને જે આ સભાથી વંચિત રહી ગયા એવા ખેડૂતોએ પણ પૂછપરછ કરી છે.

ખેડૂતોને પડતી તકલીફો, ખેડૂતોને મળી રહેલા ટેકાના ઓછા ભાવ, ખેડૂતોના દેવા, પાક નિષ્ફળ જવાને કારણે કરવો પડતો આપઘાત -- રોજના અખબારમાં આવું બધું વાંચીને દિલ હલી જતું હોય, અરેરાટી થતી હોય, ખેડૂતો...ખાસ કરીને ખેડિકાઓ માટે કંઈક કરવાની ઈચ્છા થતી હોય તો બિયારણ વહેંચવાની એક નાનકડી પહેલ કરવા જેવી છે. હજી અમે પણ આ બાબતે મંથન કરી રહ્યા છીએ, અને બહુ જલ્દી એ દિશામાં કામ શરૂ કરીશું. દરમ્યાન આપની આ કાર્યમાં સહભાગી થવાની ઈચ્છા હોય તો અમને જણાવશો, જેથી જરૂર પડ્યે તમારો સંપર્ક કરી શકીએ.
નવા પ્રકારની હરિત ક્રાંતિ રીતે થઈ શકે કે જેમાં ખેડૂતોને પણ સહભાગી બનવાનો મોકો મળે. સાચા અર્થમાં સપનાના ભારતનું નિર્માણ તો થશે.

( સંપર્ક: ઉત્પલ ભટ્ટ: bhatt.utpal@gmail.com / વોટ્સેપ: 70161 10805 અથવા આ બ્લૉગના માધ્યમ દ્વારા.) 

(તસવીરો: ઉત્પલ ભટ્ટ, ઈશાન કોઠારી)