(પેપર કોલાજ)
ફાઈન આર્ટ્સના મારા સવા-દોઢ વર્ષના ગાળામાં પહેલા વર્ષે સ્ટડી ટૂરમાં જવાનું થયું. જોધપુર અને જેસલમેરની એ સ્ટડી ટૂર યાદગાર હતી. આ અગાઉ મેં ટૂર કરી હતી, પણ સ્ટડી ટૂરનો આ પહેલો અનુભવ હતો. નોકરીમાંથી રજા લઈને હું આ ટૂરમાં જોડાયેલો. કામ કરવામાં રસ ધરાવતા અમે ચાર-પાંચ મિત્રોએ નાનકડું જૂથ બનાવી દીધેલું. રોજ સવારે અમે નક્કી કરીએ કે કયા વિસ્તારમાં જવું છે. એ મુજબ એક સ્થળે ઉપડીએ. ત્યાં જઈને પોતપોતાની પસંદગી મુજબ સૌ કામ કરે. અને નક્કી કરેલા સમયે પાછા એક સ્થળે નાસ્તા માટે મળીએ.
મારી સાથેના અજય શર્મા અને સૌમેન દાસ સીધા વોટર કલરમાં કામ કરતા. મને એ ફાવટ નહોતી. બલ્કે મને ડ્રોઈંગની ફાવટ જ ઓછી હતી. એટલે હું મુખ્યત્વે પેન્સિલ અને ઈન્કમાં કામ કરતો.
એક પગ લેખનમાં હતો અને બીજો પગ કળામાં. એ અરસામાં ડ્રોઈંગ બનાવ્યા પછી મેં પેપર કોલાજ બનાવવાનું શરૂ કરેલું, જેનો આધાર સ્કેચ/ડ્રોઈંગ રહેતાં. પેપર કોલાજ અનેક પદ્ધતિથી થાય છે. મેં નક્કી કરેલું કે એ પ્યોર પેપર કોલાજ હોવા જોઈએ. એમાં પેન, પેન્સિલ કે બ્રશનો બિલકુલ ઉપયોગ ન કરવો. જોઈતા રંગના કાગળો મેળવવા, જરૂરી આકારમાં ફાડવા અને જોઈતી અસર ઉપસાવવી- આ બધામાં બહુ સમય જતો. ઈન્ડીયન એરલાઈન્સના ઈન ફ્લાઈટ મેગેઝીન 'સ્વાગત'ના જૂના અંકો હું થોકબંધ ખરીદતો અને તેના જાડા, લીસા, રંગીન કાગળનો ઉપયોગ કરીને કોલાજ બનાવતો. અલબત્ત, કૉલેજમાં હતો ત્યારે મને આ માધ્યમનો કેવળ અછડતો પરિચય થયેલો, પણ એનું વ્યવસ્થિત ખેડાણ કૉલેજ છોડ્યા પછી થઈ શક્યું. આને કારણે મને ઠીક ઠીક સમય સુધી અવઢવ રહી કે જે પ્રકારનું કોલાજ હું કરું છું એ 'યોગ્ય' કહેવાય કે કેમ. મિત્ર બકુલેશ જોશી પ્રોત્સાહન આપતો, છતાં એ કામ વિશે હું ભાગ્યે જ કોઈ સાથે વાત કરતો. આમ છતાં, મને મજા આવતી હતી એટલે મેં કામ ચાલુ રાખેલું.
એક કોલાજ બનાવવામાં દિવસો વીતતા. એ કરતાં પંખો ચાલુ થાય નહીં, કેમ કે, પંખો ચાલુ કરું તો સાચવી રાખેલા નાના નાના અસંખ્ય ટુકડા ઉડી જાય. પથારો પાથરવામાં એટલો સમય જાય કે એને સમેટવાનું ન ફાવે. મારી નોકરીના સમય દરમિયાન સેકન્ડ અને નાઈટ શિફ્ટમાં રોજિંદું કામ પતાવ્યા પછી મારી પાસે ઘણો સમય રહેતો. એ સમયમાં હું પેપર કોલાજ બનાવતો. પ્લાન્ટમાં આવેલી નાનકડી કેબિનમાં બેસીને હું આ કામ કરતો, જ્યાં અવરજવર ઓછી રહેતી.
આ બધાને કારણે જે કોલાજ બની ગયાં એ બની ગયાં. હવે આટલા મોટાં બને એ શક્યતા ઓછી લાગે છે.
જોધપુરનો મહેરાનગઢ કિલ્લો એટલો આકર્ષક હતો કે અમે સવારના આઠ વાગ્યે ત્યાં પહોંચી ગયા. ત્યારે કિલ્લાનું પ્રવેશદ્વાર પણ ખૂલ્યું નહોતું. બપોરના બે-અઢી વાગ્યા સુધી અમે બહાર જ રહીને કામ કર્યું અને ત્યાર પછી અંદર પ્રવેશ્યા.
આ કોલાજ જોધપુરના કિલ્લાનું પ્રવેશદ્વાર છે.
મહેરાનગઢનું પ્રવેશદ્વાર |
ત્યારે બનાવેલા પેન્સિલ ડ્રોઈંગને આધારે ઘણા વખત પછી આ પેપર કોલાજ બનાવ્યો.
જોધપુરનો મહેરાનગઢ |
પેપર કોલાજનું આ માધ્યમ મારા માટે સાવ નવું હતું, છતાં બહુ આકર્ષક હતું. જો કે, યોગ્ય રંગના કાગળો શોધવામાં
સમય ખૂબ જતો. આર્કિટેક્ચરલ ડ્રોઈંગ પરથી કોલાજ બનાવવો મને બહુ ગમતો, પણ ગમતા સ્થળે જઈને કેવળ ડ્રોઈંગ બનાવવા બેસીએ એવો સમય કે અનુકૂળતા ન હતાં. તેથી મિત્રો સાથે ક્યાંક ગયા હોઈએ ત્યારે સમય ચોરીને ડ્રોઈંગ બનાવી લેતો. મૂળ ડ્રોઈંગ નબળું હોય તો કોલાજ બનાવવામાં બહુ મુશ્કેલી પડે, ખાસ કરીને આર્કિટેક્ચરલ! અને એ વખતે ફોટા લેવાની એટલી છૂટ પણ નહીં. આથી મૂળ ડ્રોઈંગમાં વિગતો ઓછી આવે તો ભલે, પણ એ બરાબર હોવું જોઈએ એનું ધ્યાન રાખતો.
કદાચ ૧૯૯૬ કે '૯૭માં અમે સૌ મિત્રોએ બે દિવસ માટે દીવ જવાનો કાર્યક્રમ બનાવેલો. એ ટૂંકા પ્રવાસમાં દીવના કિલ્લાનાં પેન્સિલ ડ્રોઈંગ ઝડપથી બનાવી દીધેલાં. ત્યાંના કિલ્લાના પ્રવેશદ્વારનું પણ ઉતાવળે પેન્સિલ ડ્રોઈંગ બનાવ્યું હતું. ઘેર આવ્યા પછી આ પેન્સિલ ડ્રોઈંગના આધારે પેપર કોલાજ તૈયાર કર્યું. એ વખતે ફોટા બહુ મર્યાદિત રીતે પાડ્યા હતા. આ ડ્રોઈંગ પરથી પછી કોલાજ બનાવેલા. એમાંનો એક પેપર કોલાજ નીચે મૂકેલો છે.
આ પ્યોર પેપર કોલાજ છે. એમાં પેન, પેન્સિલ કે બ્રશ ક્યાંય નથી. માત્ર ને માત્ર રંગીન કાગળના ઉપયોગથી જરૂરી અસર ઉભી કરી છે.
ફરી વખત દીવ જવાની બહુ ઈચ્છા છતાં વીસ વરસ સુધી ત્યાં જવાનું બન્યું નહીં. છેક 2016માં દીવ ગયા ત્યારે કિલ્લાના પ્રવેશદ્વાર સાથે મારા બનાવેલા પેપર કોલાજ સાથે નજરથી સરખાવી જોયું. સૌથી પહેલી નજર કિલ્લાની ટોચ ઉપર ગઈ અને ખબર પડી કે કોલાજમાં સૌથી ઉપર ક્રોસ બનાવેલો હતો એ આ વખતે તૂટી ગયો હતો.
આ વખતે આ જ સ્થળેથી પેન વડે તેનું ડ્રોઈંગ પણ કર્યું. દસ બાર વર્ષે ફરી હાથમાં પેન અને સ્કેચબુક પકડ્યાં.
નીચે કિલ્લાના પ્રવેશદ્વારની લીધેલી તસવીર અને ફરી મુલાકાત વખતે બનાવેલું એ જ સ્થળનું પેન ડ્રોઈંગ છે.
દીવના કિલ્લાના પ્રવેશદ્વારની તસવીર |
બીજી મુલાકાત વખતે બનાવેલું દીવના કિલ્લાનું પેન ડ્રોઈંગ |
પેપર કોલાજ બીજાં પણ ઘણાં છે, પણ એ ફ્રેમ કરેલાં હોવાથી એની તસવીર બરાબર લઈ શકાતી નથી. એ કારણે અહીં મૂક્યા નથી.
કલાની મારી અધૂરી સફરની વાત આટલે જ અટકાવું છું. હવે એમાં આગળઉપર જે કામ થતું રહેશે એ અહીં મૂકતો રહીશ. ચિત્રાંકનમાં એક નવો ફાંટો કાર્ટૂન દોરવાનો પડ્યો છે, જેના વિશે વિગતે અહીં વાંચી શકાશે.
(સમાપ્ત)
(નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.)
આ શ્રેણીની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કડી અહીં વાંચી શકાશે.
No comments:
Post a Comment