Sunday, November 27, 2022

આત્મીયતાનો રુટ: અમદાવાદ-નડિયાદ-ભરૂચ વાયા મહેમદાવાદ

 "આ બેન્જો તેં કેટલામાં ખરીદેલો?"

"આઠ-સાડા આઠ હજાર હશે."
"પૈસા તેં એકલાએ કાઢ્યા?"
(ચહેરા પર મૂંઝવણના ભાવ)
આ સવાલ પૂછનાર હું એટલે કે બીરેન, અને સવાલ જેને ઉદ્દેશીને પૂછાયેલો એ હતો 'વીકી' ઉર્ફે યજુવેન્દ્રસિંહ ગોહિલ નામનો જુવાનિયો.
'આવો તે કંઈ સવાલ હોતો હશે?' એમ બિચારા વીકીને થયું હશે, કેમ કે, વાદ્ય પોતે ખરીદેલું હોય તો એના પૈસા પોતે જ કાઢ્યા હોય ને!
એની મૂંઝવણ જોઈને મને મજા આવી. એ પછી મેં એને કહ્યું, 'તારા બાપાએ અને મેં 1982-83માં એક બેન્જો ખરીદેલો. એની કિંમત હતી 45/- રૂપિયા. અને અમે બેય જણે એ 'ભાગ'માં ખરીદેલો. તારા બાપાએ 25/ રૂ. કાઢેલા, અને મેં 20/. એ શરત કરેલી કે એ પછી જે એ બેન્જો રાખશે એણે પોતાના ભાગના પૈસા ચૂકવી દેવાના. એ બેન્જો હાલ મારી પાસે છે, અમે એ વગાડીએ છીએ, પણ ચાલીસ વરસ થયા છતાં હજી મેં તારા બાપાને મારા ભાગના 20/ રૂ. ચૂકવ્યા નથી. હવે તેં સીધો આઠ-નવ હજારનો બેન્જો ખરીદ્યો એટલે મારે પૂછવું તો પડે ને!'
વીકીના મનમાં આખું ગણિત ધીમે ધીમે ગોઠવાયું, અને અજવાળું થતું ગયું. એને કદાચ નવાઈ પણ લાગી હશે કે પોતાના બાપા વળી કોઈની સાથે આવી તુચ્છ ચીજ બાબતે ભાગીદારી કરે?
વીકીના એ બાપા એટલે મારો કૉલેજકાળનો મિત્ર દેવેનદ્રસિંહ ગોહિલ, જેનો 26 નવેમ્બરના રોજ જન્મદિવસ છે.
દેવેન્દ્ર સાથેની મૈત્રી આજકાલ કરતાં ચાર દાયકાને આંબી ગઈ છે. નડિયાદ ડી.ડી.આઈ.ટી.માં અમે ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિ.માં પહેલા વરસથી સાથે હતા, અને છેક ત્રીજા વરસ સુધી સાથે રહ્યા. એ અમદાવાદથી ટ્રેનમાં અપ-ડાઉન કરતો અને હું મહેમદાવાદથી, એટલે લગભગ શરૂઆતથી જ પરિચય થઈ ગયેલો, જે ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો. અમારા ક્લાસમાં અમે બે જ જણ અપડાઉન કરતા હોવાથી અમારા સહાધ્યાયીઓ અમને 'અપડાઉનીયા' તરીકે ઓળખતા. ક્યારેક અમે બન્ને વર્ગમાં કશીક ગુસપુસ કરતા હોઈએ તો બોરીકરસાહેબ અટકીને પૂછતા, 'ક્યા કુછ ટ્રેન કા ટાઈમ હૈ?'
દેવેન્દ્ર એકદમ આખાબોલો, અને અમારા વર્ગમાં બારમા ધોરણ પછી ડિપ્લોમામાં આવેલા કુલ ચાર જણા. બાકીના દસમા પછી આવેલા. એટલે સીધી જ 'જનરેશન ગૅપ' જણાય. દેવેન્દ્ર પોતાના આખાબોલાપણાથી આ ગેપને વધુ પહોળી કરી આપતો. ઔષ્ઠ્ય અને તાલવ્ય વ્યંજનોથી શરૂ થતા ચુનંદા શબ્દોનો તે 'નવી' જનરેશન આગળ છૂટથી ઉપયોગ કરતો.

એમ કરતાં પરીક્ષા આવી. સમય સવારનો. દેવેન્દ્ર બાપુનગર રહેતો. ત્યાંથી એ સાયકલ લઈને કાલુપુર સ્ટેશને આવે અને પછી ટ્રેન પકડે. અમદાવાદથી સવારના પાંચ-સવા પાંચે ઊપડતી ભોપાલ પેસેન્જર પકડવા માટે એણે પોણો કલાક-કલાક વહેલા નીકળવું પડે અને એથી વહેલા જાગી જવું પડે. આથી મેં એને મહેમદાવાદ આવી જવા કહ્યું. કેમ કે, એ ટ્રેન મહેમદાવાદ સવા છએ આવતી. દેવેન્દ્ર પરીક્ષા દરમિયાન મહેમદાવાદ રહેવા આવ્યો, અને ધીમે ધીમે દર પરીક્ષા વખતે એ ક્રમ બની ગયો. પછી તો એવું બનતું કે પરીક્ષા હોવાની જાણ થાય એટલે મારા ઘરનાં જ પૂછવા લાગે કે દેવેન્દ્ર ક્યારે આવવાનો છે! આ રીતે સતત મહેમદાવાદ રહેવાને કારણે મહેમદાવાદના અમારા વર્તુળથી પણ તે પરિચીત થયો. આવા જ એક રોકાણ દરમિયાન અમે બેન્જો ખરીદવાનું વિચાર્યું અને એ વિચારને અમલમાં મૂક્યો.
કૉલેજકાળની અને તેના મહેમદાવાદનિવાસની અનેક સુખદ સ્મૃતિઓ મનમાં સંઘરાયેલી છે. એ વખતે ઉર્વીશ નવમા ધોરણમાં હતો. દેવેન્દ્રે અને મેં નક્કી કરેલું કે ગમે એ થાય, ફાઈનલ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ લાવવો જ. કેમ કે, અમારી નોકરી એના પર આધારિત હતી. આથી અમે બન્નેએ રીતસર ગોખણપટ્ટી ચાલુ કરેલી. અમે લાંબા લાંબા સવાલ લખી લખીને મોઢે કરીએ અને પછી ઉર્વીશને કહીએ કે એ સવાલ પૂછે અને અમે એનો જવાબ મોઢે બોલીએ. અમારા બોલવામાં એકાદ શબ્દની ભૂલ આવે એટલે ઉર્વીશ અટકાવીને કહે કે આ ખોટું છે. અમે કહીએ કે એકાદ શબ્દ આગળપાછળ ચાલે. આમ, ઉર્વીશની પ્રમાણમાં કુમળી વયે અમે એને કેમિકલ એન્જિનિયરીંગના અઘરા અઘરા જવાબોનું શ્રવણ કરાવ્યું છે.
કૉલેજકાળમાં અમે સાથે જ ટ્રેનમાં અપડાઉન કર્યું અને અમુક ફિલ્મો પણ સાથે જોઈ. એ પછી નોકરીની વાત આવી. તેણે ભરૂચ ખાતે જી.એન.એફ.સી.માં નોકરી સ્વીકારી, અને મેં વડોદરાના આઈ.પી.સી.એલ.માં. આમ, અમે વિખૂટા પડ્યા પણ અમારો સંપર્ક ચાલુ રહ્યો. અમારો પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો.
કૉલેજમાંથી સીધા જ એક વિશાળ સંકુલમાં આવી જવાથી જે અસુખ અનુભવાય એ અમને બન્નેને એ અરસામાં અનુભવાતું, જેનો ઉલ્લેખ પત્રોમાં થતો. તે જી.એન.એફ.સી.ની ટાઉનશીપના ક્વાર્ટરમાં રહેતો ત્યારે ઘણી વાર હું એને ત્યાં એકાદ બે દિવસ રહેવા જતો. તેના પપ્પા ખુમાણસિંહકાકા અને મમ્મી બહુ પ્રેમથી મારી સાથે વાતો કરતાં.
એ પછી તેનું લગ્ન અમદાવાદસ્થિત કાનન વાઘેલા સાથે થયું. એ લગ્નમાં પણ બે દિવસ મેં હાજરી આપીને અમુક હદનો કાર્યભાર સંભાળેલો. બહુ વખત પછી જાણ થઈ કે વાઘેલા પરિવાર એટલે પ્રકાશ ન. શાહનો પાડોશી. યોગાનુયોગ એવો કે વાઘેલા પરિવારે અન્યત્ર સ્થળાંતર કર્યું, અને હવે પ્રકાશભાઈએ પણ.
કાનનના આવ્યા પછી પણ અમારા પત્રવ્યવહારમાં ઓટ ન આવી. દેવેન્દ્રના પત્રમાં હવે કાનન પણ અલગથી લખતી થઈ. કાનનના આવ્યા પછી મારું ભરુચ રહેવા જવાનું ચાલુ રહ્યું અને એ પણ જૂની પરિચીત હોય એમ લાગતું.
સમયાંતરે વડીલો વિદાય લેતા ગયા અને પરિવારમાં નવા સભ્યોનો ઉમેરો થતો ગયો. પત્રવ્યવહાર ક્ષીણ થતો ગયો, અને છેવટે સદંતર બંધ થયો, પણ આત્મીયતામાં કશો ફેર ન પડ્યો.
દેવેન્દ્રને ત્યાં પહેલાં હું એકલો જતો, પછી કામિની સાથે જતો, અને શચિને લઈને પણ જતો થયો, એમ તેને ત્યાં પણ પહેલાં યજુવેન્દ્ર અને પછી ભૃગુરાજનું આગમન થયું. પણ અમને એ અમારું જ ઘર હોય એમ લાગે છે.
એક વિશેષ પ્રસંગે દેવેન્દ્રની હાજરી હજી યાદ રહી ગઈ છે. ઉર્વીશનું લગ્ન હતું, અને પરિવારના (ઉર્વીશ સહિત) સાત જણ જ 'જાન' લઈને ઉપડવાના હતા. લગ્નની જાણ કરતું પોસ્ટકાર્ડ અમે સૌને મોકલેલું. એમાં દેવેન્દ્રને એ સહેજ વહેલું મળી ગયું. એ સીધો બેઠો ગુજરાત ક્વીનમાં અને સવારના સાડા નવે અમારે ઘેર મહેમદાવાદ. આવીને કહે, 'અલ્યા, મારે તો આવવું જ પડે.' અમેય અપવાદ કરીને એને સામેલ કર્યો અને આમ, ઉર્વીશના લગ્નનો એક માત્ર 'બહારનો સાક્ષી' દેવેન્દ્ર બની રહ્યો.
એ જ રીતે દેવેન્દ્રને ત્યાં ગમે એ પ્રસંગ હોય, મારી ઉપસ્થિતિ મોટે ભાગે હોય જ. ભરૂચમાં તેનું આગવું મિત્રવર્તુળ છે, જેની સાથે મળીને એ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, અને હિમાલયના પ્રવાસે પણ ઉપડે છે. મને એમ ધારવું ગમે છે કે એના બધા જ મિત્રો મને નામથી ઓળખે છે. કલ્પના તો ત્યાં સુધી પહોંચે છે કે એમાંના કેટલાક તો મારું નામ સાંભળતાં મુઠ્ઠીઓ વાળતા હશે, અને મનમાં કહેતા હશે, 'આ બાપુએ પાછું બીરેનપુરાણ શરૂ કરી દીધું.'
હવે ફોન પર સંપર્ક થાય છે, પણ ફોનમાં પત્ર જેવી મજા ક્યાં? આમ છતાં, વચ્ચે ગમે એટલો અંતરાલ પડે, જ્યારે મળીએ ત્યારે અમારી મૈત્રીની ઉષ્મા એવી ને એવી જ હોવાનું અનુભવાય છે. અને એ માત્ર દેવેન્દ્ર અને મારી વચ્ચે જ નહીં, સમગ્ર પરિવારને!
હવે તો મારા 'આદિકાળના' કહી શકાય એવા આ મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ.