Friday, March 18, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (6) : રવિશંકર

 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'ના અમે નિયમિત ગ્રાહક બન્યા એ અરસામાં પ્રિતીશ નાંદી તેના સંપાદક હતા. તેમના સંપાદકપદ હેઠળ 'વીકલી'માં વિવિધ પ્રકારની કળાઓને એક યા બીજા પ્રકારે સ્થાન મળતું. તેમણે 'નેશનલ લેમ્પૂન' નામનો એક વિભાગ શરૂ કરેલો, જેમાં જે તે સપ્તાહનાં ચૂંટેલાં કાર્ટૂનો મૂકાતાં. આ ઉપરાંત એક આખા પાનામાં ઉપરના ભાગે મારિયો મીરાન્ડા અને નીચેના ભાગે હેમંત મોરપરિયાની કાર્ટૂન પટ્ટી શરૂ થયેલી. ઘણી વાર આ બન્ને કાર્ટૂનિસ્ટોના ડબલ સ્પ્રેડ કોઈ એક વિષય પર આવતા એ અલગ. કાર્ટૂનમાં અમારી રુચિ ઘડવામાં આ બધાનો મહત્ત્વનો ફાળો. આ બધાં પાનાં હજી અમે સાચવેલાં છે, તેનું બાઈન્ડિંગ કરાવેલું છે. એ સમયે 'ઈન્ડિયા ટુડે'માં રવિશંકર જોડાયેલા. તેમનાં કાર્ટૂનોની અલગ મઝા હતી. કેરળ સ્કૂલની લાક્ષણિકતા અનુસાર તેમનાં કાર્ટૂનમાં મુખ્ય વિષય સિવાયની ડિટેલ ઓછી જોવા મળતી, પણ મુખ્ય વિષયમાં તે અનેક રેખાઓ ચીતરતા. તેને લઈને તેમનાં કાર્ટૂનની શૈલી જોતાવેંત ઓળખાઈ જતી. તેમની લાંબી સહી પણ જાણે કે ચિત્રાંકનનો ભાગ હોય એવી જણાતી.

રવિશંકર 

જો કે, એ બધા ઉપરાંત તેમનાં કાર્ટૂનોની વિશેષતા હતી તેની વેધકતા. એ સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીના છબરડાયુગનો સુવર્ણકાળ હતો. રવિશંકર તેમનાં કાર્ટૂનોમાં જે બેરહેમીપૂર્વક રાજીવની ફીરકી લેતા એ જોઈને મઝા પણ આવતી, અને કદીક રાજીવ માટે સહાનુભૂતિ પણ થઈ આવતી. જેમ કે, એ વખતે ટી.વી.ના નામે એક માત્ર દૂરદર્શન હતું, અને દૂરદર્શન પર કોઈ પણ સમયે વડાપ્રધાનનો ચહેરો જ દેખાયા કરતો. રવિશંકરે રાજીવને નાર્સિસસ તરીકે ચીતર્યા, પણ પાણીને બદલે પોતાનું પ્રતિબિંબ તે ટી.વી.માં જોઈ રહ્યા હોય એમ દેખાડ્યું. ગાંધીજીની વિસરાયેલી સ્મૃતિ વિશેનું તેમનું એક કાર્ટૂન સદાબહાર છે. એક ચરખા આગળ તકતી મૂકેલી બતાવાઈ છે, જેની પર લખેલું: 'Bapu Spun here.' અને એ જ ચરખા પર બાઝેલા જાળામાં રહેલો એક કરોળિયો બોલે: 'And I spin here.'

એ તો પછી જાણ થઈ કે તે જાણીતા કાર્ટૂનિસ્ટ ઓ.વી.વિજયનના ભત્રીજા થાય. એટ્ટીથ રવિશંકર તેમનું આખું નામ. અમે તેમને કાર્ટૂનિસ્ટ તરીકે જાણ્યા પણ એ ઉપરાંત તે લેખક હતા. આગળ જતાં તેમણે કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દીને બદલે લેખનની કારકિર્દીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો ત્યારે અમારા જેવા ઘણા દુ:ખી થયા હતા. યાદ છે ત્યાં સુધી કાર્ટૂનિસ્ટ હેમંત મોરપરિયાએ રવિશંકરને ઉદ્દેશીને એક પત્રરૂપી લેખ લખેલો, જેમાં તેમણે લખેલું: 'રવિ બેટા, કમ સૂન. મધર (ઇન્ડિયા) ઈઝ સિરીયસ.' દેશની એવી સ્થિતિમાં રવિશંકર જેવા વ્યંગકારની જરૂર કેટલી બધી છે એવો એ લેખનો ધ્વનિ હતો.
રવિશંકરનાં કાર્ટૂન હવે જવલ્લે જોવા મળે છે. તેમનાં લખાણો વાંચવાનો સમય રહેતો નથી. કેરળ સ્કૂલના આ કાર્ટૂનિસ્ટનાં કેટલાંક કાર્ટૂન.






No comments:

Post a Comment