Monday, October 16, 2017

ઘર ઘર મેં દીવાલી હૈ, ઈનકે ઘર મેં અંધેરા.....


- ઉત્પલ ભટ્ટ 

(ડાંગ વિસ્તારના સતત સંપર્કમાં રહેતા અમદાવાદના ઉત્પલ ભટ્ટની દીવાળીના આ દિવસોમાં એક નાનકડી અપીલ.) 

દર વર્ષની જેમ વર્ષે પણ દીવાળી આવી છે. દીવાળી પ્રકાશનું પર્વ કહેવાય છે. જ્યારથી ડાંગ અને સોનગઢના ખૂબ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી દર દીવાળીએ પહેલો વિચાર આદિવાસીઓનો આવે છે કે જેમના ઘરમાં હજુ સુધી સાચો પ્રકાશ નથી રેલાયો. આપણે તો દર વર્ષની જેમ નવાં કપડા, ફટાકડા, લાઇટો, અતિ મોંઘી મીઠાઇઓ લાવીશું અને ધામધૂમથી દીવાળી ઉજવીશું પરંતુ આપણા રાજ્યના આદિવાસી ભાઇ-બહેનો દીવાળી કઇ રીતે ઉજવશે?

એક-બે જરૂરી અપડેટ આપી દઉં. ડાંગ જિલ્લાના જાખાના ગામની મંગલા MSW ની પહેલી ટર્મ પૂરી કરી છે અને હાલમાં 'દીવાળી' કરવા ભાવનગરથી જાખાના આવી છે. ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો તેમાં તેના મા-બાપે લીધેલો ડાંગરનો બધો પાક નિષ્ફળ ગયો છે. એટલે કે આ 'દીવાળી' માં ઘરમાં પ્રકાશ રેલાવાનો નથી. ડાંગરનો પાક નિષ્ફળ જવાની વાત ડાંગમાં 'ઘર ઘર કી કહાની' છે. બીજી તરફ સોનગઢ તાલુકાના ખાંજર ગામની કલાવતી સિલાઇકામમાં ફાવટ મેળવતી જાય છે. ગામમાંથી ચણિયા સીવવાના નિયમિત ઓર્ડર મળતા થયા છે. આગામી આયોજનમાં ડિસેમ્બર મહિનામાં ગામની પાસે મેળો ભરાય છે તેમાં નાની દુકાન કરીને તેણે સીવેલા ચણિયા-ગાઉન વેચવાનું નક્કી કર્યું છે. કમોસમી વરસાદથી એના ખેતરમાં પણ તૈયાર ડાંગર પલળી ગઇ છે. 'ડાંગર પલળી ગઇ' એનો અર્થ એમ થાય કે ખેડૂત-ખેડિકાઓએ ચાર મહિના સુધી કરેલી કઠોર મહેનત સાવ પાણીમાં ગઇ. આખું વર્ષ ઘરમાં ચાલે તેટલા ચોખાનું નુકસાન, બાકી વધેલા ચોખા બજારમાં વેચી શકાય તેમાં પણ નુકસાન ગયું છે. ઉપરથી વર્ષ માટે રોજ ખાવાના ચોખા બજારમાંથી ખરીદવા પડશે. નાના ખેડૂતો પાસે કોઇ પ્રકારનો પાક વીમો હોતો નથી અને એમને ક્યારેય પાકને થતા નુકસાનની સરકારી સહાય મળતી નથી.
 
પ્રોજેક્ટ યુનિફોર્મ, સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ, સ્વનિર્ભર ખેડિકા ઘર પ્રોજેક્ટ --  એમ બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. પરંતુ દીવાળીના તહેવાર નિમિત્તે વખતે વાત ફક્ત 'રસોડા કીટ'ની કરવી છે જે અત્યંત જરૂરી છે.

હું જેમને અંગત રીતે ઓળખું છું તેમાંના મોટા ભાગના આદિવાસીઓ પાસે લગભગ એક મહિનાથી બાંધકામ ક્ષેત્રે ચાલતું મજૂરીકામ પણ ઉપલબ્ધ નથી. તેમને કોન્ટ્રાક્ટર તરફથી કહી દેવાયું છે કે "દીવાળી પછી આવજો." મજૂરી કરવાની તૈયારી છે પણ કામ ઉપલબ્ધ નથી એટલે હાલમાં તો તેઓના ઘરમાં સખત આર્થિક સંકડામણનો ગાળો ચાલી રહ્યો છે. ડાંગર પાકીને કાપણી માટે તૈયાર હતી ત્યારે ક્મોસમી વરસાદ પડ્યો છે એટલે મોટા ભાગની ડાંગર જમીન પર પડી ગઇ છે અથવા તો પલળી ગઇ છે. દુકાળમાં અધિક માસનો માહોલ સર્જાયો છે. બધા કુટુંબોની આર્થિક તકલીફ છે કે મહિને સાત-આઠ હજારની પણ આવક થતી હોય તો ઘર કેવી રીતે ચલાવવું? દીવાળીની ઉજવણી તો બહુ દૂરની વાત છે.

આપણે કોઇને પણ રોકડ મદદ કરવી નથી કારણ કે મૂળ હેતુ આદિવાસીઓને સ્વનિર્ભર બનાવવાનો છે. પરંતુ ઘરમાં હાંલ્લા કુસ્તી કરે તેવા સંજોગો ઉભા થાય ત્યારે શું કરવું? જો આપણે કોઇ પણ પ્રકારની મદદ નહિ કરીએ તો લોકોએ નાછૂટકે ઉધાર લેવા પડશે અને 'ઉધાર'ના ચક્કરમાં તેઓ ફસાઇ જશે. મારા મતે કમસે કમ એમનું ઘર ચાલે તે માટે નીચે પ્રમાણેની 'રસોડા કીટ' આપી શકાય જે લગભગ રૂ.૧૦૦૦/- ની થાય.

- પાંચ લીટર કપાસિયા તેલનો ડબો
- એક કિલો ખાંડ
- એક કિલો ચા
- નહાવાના સાબુ
- વાસણ ધોવાના સાબુ
- એક કિલો કપડાં ધોવાનો ડિટર્જંન્ટ પાવડર

એક ઘરમાં જો આટલું આપીએ તો પાંચ વ્યક્તિઓના કુટુંબમાં 'સપ્લાય' લગભગ દોઢ મહિના સુધી ચાલે. પ્રકારની 'રસોડા કીટ' તમે જાતે ખરીદીને પણ મને પહોંચાડી શકો છો અથવા તો એક કીટના રૂ.૧૦૦૦/- લેખે ફંડ આપી શકો છો. જે ઘરમાં આવી જરૂર છે તે બધા ઘર જાતતપાસ પછી નક્કી કરેલા છે. હાલમાં મારા ધ્યાનમાં આવા લગભગ પચાસ ઘર છે કે જે સોનગઢ-ડાંગ વિસ્તારોમાં આવેલા છે.

દીવાળી-બેસતા વર્ષના દિવસે મહેમાનોને આપવા આપણે જે મુખવાસ-સૂકામેવા લાવીએ છીએ તે પણ અત્યંત મોંઘા ભાવના હોય છે. ફટાકડાનું પણ એવું છે. આપ સૌને મારી એવી અપીલ છે કે દીવાળીમાં કોઇ એક ખર્ચ પર કાપ મૂકીને કોઇ એક ઘરમાં 'રસોડા કીટ' આપો. રૂ.૬૦૦ પ્રતિ કિલો કાજુકતરી ખરીદીને ડાયાબીટીસને આમંત્રણ આપવાને બદલે રૂ.૪૦૦ માં પાંચ લીટરનો કપાસિયા તેલનો ડબો ખરીદીને આપણા જ કોઈ ભાઈબહેનને આપો. ખરેખર તો કોઈ ખર્ચ પર કાપ મૂકવાની જરૂર નથી હોતી. એક હજાર રૂપિયા હવે એટલી મામૂલી રકમ છે કે સહેજ સરખી આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર આસાનીથી ખર્ચી શકે. એક વખત સપરિવાર ફિલ્મ જોવાના અને બહાર જમવાના ખર્ચ કરતાં ઓછા રૂપિયામાં એક આખો પરિવાર દોઢેક મહિનાનો ગુજારો કરી શકે એમ છે. કોડિયામાં તેલ-ઘી પૂરીને દીવા પ્રગટાવવા કરતાં જરૂરિયાતમંદના ઘરમાં સાચો પ્રકાશ રેલાવશો તેના દ્વારા મળનારો આનંદ અનેરો હશે. પ્રકાશના પર્વમાં આપણા ભાઇ-બહેનોના ચહેરા પર ઉજાસ જોવા મળે, અને આપણે હૈયે પ્રગટો સમજણના દીવાના સંદેશા આપતા ફરીએ એનો કશો અર્થ નથી.  

ક્યાંક કશુંક ખોટકાઇ રહ્યું છે, મોંઘવારીનો માર જોરમાં પડી રહ્યો છે, આદિવાસીઓ પાછળ જઇ રહ્યા છે, જો આપણે પાછા ફરીને હાથ નહિ લંબાવીએ તો 'ખાઇ' વધુ ને વધુ મોટી થતી જશે.
આપણે ભલે ને બુલેટ ટ્રેનની સફર કરીએ પરંતુ ગરીબ આદિવાસીઓની નેરોગેજ ટ્રેન ખોટકાય નહિ તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે.
દીવાળીમાં કોઇક આદિવાસીના ઘરમાં સાચો પ્રકાશ રેલાવીએ. સપનાનું ભારત આ રીતે બનાવવામાં આપણું પ્રદાન આપીએ. 
મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન દ્વારા 7016110805 પર અથવા આ 
બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો