Thursday, June 30, 2011

સર્કસસંહિતા


સેલ્ફ મેઈડ સ્ટ્રક્ચર
ટી.વી. પર દેખાડાતા જાતભાતના શો તેમજ વૈવિધ્યસભર ચેનલને કારણે હવે મોટે ભાગે બાળકોમાં વિસ્મયનો લોપ થતો જાય છે. તેમને કોઈ વસ્તુ નજર સમક્ષ જોવા મળે તોય વિસ્મય પામવાને બદલે તેઓ આવું તો પેલી ચેનલ પર બતાવે જ છે ને!’ જેવા રીઢો પ્રતિભાવ આપતાં જોવા મળે છે. વયસ્કો પણ આમાંથી બાકાત નથી. અમુક જરૂરી વસ્તુ માટે પૈસા ખર્ચવાના આવે ત્યારે તેઓ કહી દે છે, અરે, આની પાછળ તો આટલા પૈસા ખર્ચાતા હશે? ડીસ્કવરી પર આનાથીય સરસ બતાવે છે. આટલા રૂપિયામાં તો મારા ને તારા પિત્ઝા આવી જાય.
આમ છતાં, અમુક વસ્તુઓ મારા જેવા માટે સદાય વિસ્મયકારક હોય છે. આમાં તરત યાદ આવે એવી બે મુખ્ય બાબતો એટલે જાદુનો ખેલ અને સર્કસ. આપણને ખબર હોય કે જાદુબાદુ જેવું કંઈ હોતું નથી અને બધી હાથચાલાકી જ હોય છે. તેમ છતાંય જોતી વખતે એની સરત રહેતી નથી અને એમાં ઓતપ્રોત થઈ જવાય છે. એ વખતે આમાં શી નવાઈ? એ તો અમુકતમુક રીતે કરતા હશે એવું કહીને આપણે વિજ્ઞાનના માણસ છીએ એવું (આપણી જાત આગળ જ) દેખાડવાનું ગમતું નથી.
એવું જ સર્કસનું છે. બલ્કે એથી વધારે. ગામમાં કે શહેરમાં સર્કસ આવે એટલે પહેલાં તો છાપામાં એની જાહેરખબરો જોઈને મનમાં માહોલ બંધાવા લાગે. ફરતી રીક્ષામાં થતી સમજાય નહીં એવી ભાષામાં થતી જાહેરાતો, રીક્ષામાંથી ફેંકાતા સાવ રદ્દી, પાતળા, મોટે ભાગે પીળા રંગનાં ચોપાનિયાં, એમાં કાળા ધાબા જેવા છપાયેલાં એકાદ બે ચિત્રો, જેમાં એકાદું ચિત્ર હાથીનું હોય એવો ખ્યાલ આવે અને એકાદમાં કોઈક છોકરીને અંગકસરતના દાવની મુદ્રામાં દેખાડી હોય. સર્કસની એક નિરાંત હોય. એનો મુકામ લાંબા સમય માટે હોય. એટલે મનમાં ધીમે ધીમે એ જોવાની તૈયારી થતી રહે. ફિલ્મની જેમ નહીં કે એક અઠવાડિયામાં જોઇ લેવી પડે, નહીંતર ઊડી જાય. 
આ હાથી અંદર કામ કરે છે.
સર્કસ એટલે સહકુટુંબ પિકનીક માટે જવાનું સ્થળ. તમે ક્યારેય કોઈ પ્રેમીપંખીડાને સર્કસમાં એકાંત શોધતા જોયા? કુટુંબકબીલાવાળા જ અહીં વધુ જોવા મળે. સર્કસ જોવાની ખરી મઝા રાતના છેલ્લા શોમાં. સાંજના શોમાંય ચાલે. પણ રાત્રે એનો ઠાઠ જુદો જ હોય. રાત પડે એટલે અમુક સર્કસવાળા ફોકસ લાઈટ ચાલુ કરે,જેનો શેરડો દૂર દૂર સુધી પડે. એ શેરડો ફળિયામાં પડે કે ઓટલે બેઠેલા છોકરાઓ ઓય ઓય કરીને બૂમો પાડે. સર્કસ જોવા જઈએ એટલે દૂરથી એના તંબૂ પર કરેલી રોશની જોઈને દિલ ખુશ થઈ જાય. જેમ નજીક જઈએ એમ આદમ કદનાં ચિત્રો મૂકેલાં દેખાય, જેમાં મોં ફાડીને ઉભેલો, બે મોટા દાંત દેખાડતો  હીપ્પોપોટેમસ તો હોય જ. એકાદ બે જોકરના ચહેરા દોરેલા જોવા મળે. મોટરસાયકલ અને જીપના સ્ટંટનાં દૃશ્ય પણ ચીતરેલા જોવા મળે. પહેલાં સાયકલ ચલાવતા રીંછનું કે વાઘનું ચિત્ર ખાસ જોવા મળતું. આ ચિત્રો અને દક્ષિણ ભારતીય ફિલ્મોનાં પોસ્ટરની શૈલી સરખી જ લાગે. તેનાં રંગોનું સંયોજન, ચહેરા બધું દક્ષિણ ભારતીય જણાય. સર્કસની ખરી મઝા એ હોય કે અહીં એકે એક ચીજો સર્કસના જ માણસોએ ઈનહાઉસ તૈયાર કરેલી હોય. ટિકીટબારીથી જ શરૂ કરો ને! પતરાં મારીને બનાવેલી કેબીન, પાંજરા જેવી જાળીની પાછળ લાલ,પીળા, લીલા વગેરે જેવા રંગોની ટિકીટોની થપ્પી લઈને બેઠેલો દક્ષિણ ભારતીય ચહેરાવાળો માણસ, ટિકીટબારી પર લખેલા વિચિત્ર ગુજરાતી અક્ષરોમાં ટિકીટના દર વગેરે. રનીંગ લાઈટોની રોશની હોય, એની સાથે સાથે ડીઝલથી ચાલતા જનરેટરનો તાલબદ્ધ ઢકઢક, ઢકઢક અવાજ ભળી ગયો હોય, અને સાઉન્ડ સીસ્ટમ પર ન સમજાય એવાં હિંદી ગીતો વાગી રહ્યાં હોય.
ટિકીટબારી પર લાંબી લાઈન ભાગ્યે જ જોવા મળે. ટિકીટ લઈને લોખંડના ઉભા કરેલા પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થઈએ એટલે લાંબો પેસેજ હોય. અહીં પ્રવેશતાં જ ઘાસ, પ્રાણીઓની લાદ વગેરેની મિશ્ર સુગંધ આપણા નાકમાં પ્રવેશી જાય. આ પેસેજની બન્ને બાજુએ બે-ચાર હાથી, ત્રણ-ચાર ઘોડા અને ઊંટ બાંધેલા હોય અને એ ઘાસ ખાતા હોય. એની પાછળ અસંખ્ય નાના નાના તંબૂઓ બાંધેલા જોવા મળે. આ જોઈને જ જલસો પડી જાય અને સર્કસના માહોલમાં પ્રવેશી ગયા હોઈએ એવું લાગે. વિચાર તો કરો. સિનેમામાં આવું શક્ય છે? શોલે જોવા જઈએ અને સિનેમાગૃહમાં દાખલ થતાં પહેલાં બહાર પેસેજની આસપાસ સંજીવકુમાર, અમિતાભ, ધર્મેન્દ્ર, અમજદ, હેમા માલિની, જયા બચ્ચન વગેરે બેસીને સમોસાં ખાતાં જોવા મળે ખરા?
સર્કસના લાંબા પેસેજમાં ક્યારેક બન્ને બાજુએ વિવિધ તસવીરો પણ લગાડેલી જોવા મળે,જેમાં જે તે સર્કસને મળેલા ઈનામની કે કોઈ વી.આઈ.પી. સાથે સર્કસના માલિકની તસવીર હોય. હમણાં અમે જમ્બો સર્કસ જોવા ગયા ત્યારે એ સર્કસના માલિકની જવાહરલાલ નહેરુ સાથે તેમજ ડૉ. રાધાકૃષ્ણન સાથેની તસવીરો લગાડેલી હતી. એ શું દેખાડે છે? એ જ કે પહેલાંના જમાનાના વડાપ્રધાનો, રાષ્ટ્રપ્રમુખો સર્કસ જોવા તંબૂમાં આવતા હતા. હવે તેમણે એ માટે સંસદની બહાર પણ નીકળવાની જરૂર પડતી નથી. વખત વખતની વાત છે!
લાંબો પેસેજ પસાર કર્યા પછી છેવટે આવે મુખ્ય પ્રવેશદ્વાર. દ્વાર શેનું? લાંબા લાંબા પડદાને એક બાજુએ ભેગા કરીને બાંધી દીધા હોય. અહીંથી જ વિવિધ દરવાળી ટિકીટના વિભાગ પડે. આ દ્વાર પર એટલી બધી સંખ્યામાં સર્કસના માણસો ઉભેલા જોવા મળે કે ભૂલથીય સસ્તી ટિકીટવાળો મોંઘી ટિકીટવાળા વિસ્તારમાં પહોંચી ન જઈ શકે. મલ્ટીપ્લેક્સ થયા પછી તો એ બાબતેય સર્કસમાં સુખ લાગે છે કે અંદર પ્રવેશતાં કોઈ તમારા થેલા તપાસતું નથી કે એમાંની ખાદ્યચીજો બહાર મૂકાવતું નથી. જો કે, મલ્ટીપ્લેક્સમાં આવું થાય છે અને એની સામે કોઈને વાંધો પડતો નથી, એ પણ સર્કસ કે જાદુ જેવા જ વિસ્મયની વાત કહેવાય.
તંબૂ મેં બમ્બૂ
રીંગની સૌથી નજીક સૌથી મોંઘા દરની ટિકીટ હોય છે. ઘણા બધા મધ્યમવર્ગીઓ પોતાને આ ટિકીટનું પોસાણ છે, પણ પોતે એ કેમ ખરીદતા નથી, એનું સજ્જડ કારણ આપે છે: આ તો સર્કસ છે, ભાઈ! વાઘસિંહ કે રીંછ જેવા જંગલી પ્રાણીઓ ભૂલેચૂકે વિફરે અને આપણે નજીક બેઠા હોઈએ તો?” અમુક આરોગ્યપ્રેમી લોકો કહે છે: રીંગની નજીક બેસીએ એટલે ધૂળ બહુ ઉડે. અને હાથીબાથી પોદળા પાડે તો નકરી ગંધ આવે. ભઈ, પૈસા આપીને ઉપરથી આવી ગંધ લેવાની? જા, ભઈ જા. હેમ્લેટીયા મનોવૃત્તિવાળા અમુક પ્રેક્ષકો વચ્ચેના દરવાળી ટિકીટ ખરીદે છે, જેથી પોતે ગરીબીરેખામાં નથી આવતા, એવો સંતોષ એમને પોતાને થાય અને શો ચાલુ થયા પછી આગળની બેઠકો ખાલી હોય તો કૂદીને એમાં ક્યાં બેસી નથી જવાતું? હકીકત એ છે કે સર્કસ જોવાની અસલી મઝા છે ગેલેરી તરીકે ઓળખાતી ઊંચાઈવાળી પાટલીઓ પર, જેનો દર સૌથી ઓછો હોય છે. એ સૌથી છેલ્લે હોય એ વાત બરાબર, પણ એ પગથિયાંની જેમ ઊંચાઈમાં ગોઠવેલી હોવાથી કોઈનું માથું વચ્ચે નડતું નથી કે નથી કોઈ ફેરિયો ત્યાં આવતો. ચાલુ સર્કસે આવતા ફેરીયાઓનીય એક અલગ તાસીર હોય છે. એની વાત પછી. 
તંબૂમાં દાખલ થયા પછી ખરી મઝા છે યોગ્ય બેઠક શોધવાની. અહીં સીટ નંબર તો હોય નહીં. અને આખો તંબૂ એટલા બધા વાંસડાઓના ટેકે ઉભો કરેલો હોય કે બેઠા પછી કોઈ વાંસડો વચ્ચે ન નડે એનું ખાસ ધ્યાન રાખવું પડે. અમુક જાણકારો તો એ પણ જાણતા હોય કે અહીં બેસીશું તો ઝૂલાનો ખેલ બરાબર દેખાશે,પણ જીપ કૂદાવવાવાળી આઈટમ જોવાની મઝા નહીં આવે.
 ગેલેરીમાં બેસનારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય  છે કે ચાલુ ખેલે થેલામાંથી કોઈ વસ્તુ કાઢીને તેઓ પોતે ખાવા જાય કે સાથીદારને આપવા જાય ત્યારે ચમચી કે બોટલ કે બીજી કોઈ ચીજ નીચે પડી ગઈ તો ખલાસ!  એને  લેવા માટે તંબૂની બહાર જઈને પાછળથી આવવું પડે. ગેલેરી પછી સરકસના મુખ્ય  તંબૂનું કાપડ એ રીતે હોય કે નીચેના ભાગમાંથી તંબૂની પાછળનું દૃશ્ય અને હિલચાલ બરાબર દેખાય. ક્યારેક વાઘસિંહના પાંજરા પણ નજરે પડે. અને એમના  ઊંહકારા ' ઉંઅઅઅઅઅ સંભળાય. પહેલાં અમે એને ગર્જના કહેતા, પણ પછી ખ્યાલ આવ્યો કે સર્કસનું કોઈ પણ પ્રાણી જે અવાજ કાઢે એને ઊંહકારો જ કહેવાય. આ ઊંહકારાની નકલ મન થાય તો હજીય અમે ઘરમાં ક્યારેક કરીએ છીએ અને ભૂખ લાગે ત્યારે એવો જ અવાજ કાઢીને વાઘ કે સિંહ ભૂખ્યો થયો છે એવી સૂચના ઘરનાને એક શબ્દની આપ-લે વિના આપીએ છીએ. હવે તો,જો કે, મેનકા ગાંધીને પ્રતાપે એ અવાજો સર્કસમાંથી સંભળાતા બંધ થયા છે. હા, પ્રાણીબાગમાં જઈએ ત્યારે એ સંભળાય છે. પણ આ લુપ્ત થયેલા સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી માટે જાળવી લેવા માટે આપણે સૌએ ઘરમાં કમ સે કમ દિવસમાં એક વાર,મોં ખોલ્યા વિના, પેટમાં ઉંડેથી શક્ય એટલો મોટો અને લાંબો અવાજ કાઢવો જોઈએ. ભલે ને વર્તમાન પેઢીનું જે થવાનું હોય એ થાય!  (આને યુ ટ્યૂબ પર ના મૂકાય! જેને ન ફાવે એ મને કે ઉર્વીશને ફોન કરીને એનો ડેમો સાંભળી શકે. પણ પોતે દિવસમાં એક વાર ઘરમાં આવો અવાજ કાઢવાના હોય તો અને તો જ ડેમો આપવામાં આવશે,જેની સૌએ નોંધ લેવી.)  
અહી થશે ઝૂલાના ખેલ

 પોતાની બેઠક લેવાઈ જાય, સૌ કુટુંબીઓ સર્કસ પૂરતા ઠેકાણે પડી જાય, ત્યાર પછી બધાની નજર રીંગ પર સ્થિર થાય છે. ખેલાડીઓને આવવાના પ્રવેશદ્વાર પર ઢાંકેલો પડદો અને તેની પર ચમકતા જરીવાળા અક્ષરે અંગ્રેજીમાં લખેલું જે તે સર્કસનું ગ્રેટ રેમન સર્કસ’, એપોલો સર્કસ’, ગોલ્ડન સર્કસ જેવું નામ, પ્રવેશદ્વારની બરાબર ઉપર સાજિંદાઓને બેસવા માટેનું પ્લેટફોર્મ, મોટે ભાગે પ્રવેશદ્બારની જમણી બાજુએ ગોઠવેલો જાળીવાળો મોતનો ગોળો’, રીંગની છેક ઉપર બાંધી રાખેલા ઝૂલા, રંગીન ફોકસ ફેંકવા માટેની લાઈટનાં બે પ્લેટફોર્મ, જેના સુધી પહોંચવા માટેની સીડી ઝૂલાના ખેલાડીઓ વાપરે છે એવી જ લટકતી હોય, જીપ કે મોટરસાઈકલ કૂદાવવા માટે મૂકેલું ઢાળવાળું પાટિયું અને ઉપર લટકતી બીજી અનેક ચિત્રવિચિત્ર ચીજો.
એક વાર બેસી જઈએ પછી બંધિયાર તંબૂમાં ખાસ્સો ઊકળાટ થાય છે. હવે સર્કસ ચાલુ થવાની કેટલી વાર, એવું વિચારીને વારંવાર ઘડિયાળમાં સમય જોઈએ ત્યાં ઘંટડી વાગે છે. ટ્રીનનનનનનનનનનન....હવે ગણતરી શરૂ થાય છે કે બસ, બીજી ઘંટડી વાગશે, ત્યાર પછી ત્રીજી અને પછી ખેલ શરૂ.
(સર્કસનો  ખેલ શરૂ થયા પછીની વધુ વાતો હવે પછી...)
(તમામ તસવીરો: બીરેન કોઠારી)

Sunday, June 26, 2011

કેટલીક કાલ્પનિક કમેન્ટ્સ : હમ બોલેગા તો....


હજી તો આ બ્લોગ માંડ ચાર પોસ્ટ જૂનો થયો છે, પેલેટમાં અનેક રંગો મેળવાયા વિના એમના એમ શુદ્ધ દેખાય છે, ત્યાં અનેક મિત્રો-વાચકોએ-વડીલોએ એને દિલથી આવકાર્યો છે. એ સૌનો હૃદયપૂર્વક આભાર. ખાતરી છે કે કમેન્ટ્સ લખી છે, એનાથી વધારે સંખ્યામાં લોકોએ એ વાંચ્યો છે. વાંચનાર સૌ કોઈ કમેન્ટ ન પણ કરે. પણ એવાય કેટલાક મહાનુભાવો છે, જેમણે આ બ્લોગ વાંચ્યો હોત તો કેવી કમેન્ટ કરી હોત એની કલ્પના કરવાનું મન થાય અને એ કલ્પના કંઈક આવી હોય!



ભગવાન શ્રીકૃષ્ણ- હે વત્સ! સર્ચ એન્જિનમાં હું ગૂગલ છું, એવું મેં કહ્યું છે, એમ ગુજરાતી બ્લોગમાં હું પેલેટ છું એવું કહીશકાય.







નેતાજી સુભાષચંદ્ર બોઝ- તુમ મુઝે પોસ્ટ દો, મૈં તુમ્હેં કમેન્ટ દૂંગા!




મહાત્મા ગાંધી- ચિ. બીરેન, તેં જે તે વિષયની નાડ આબાદ પકડી છે, પણ હજી ઘણું બાકી છે. છેવાડાના માણસની વાત એમાં ન આવે ત્યાં લગી આલેખ્યું અધૂરું ગણાય. એ બધું આલેખવામાં તારી કલમનો ગજ કદી ટૂંકો ન પડો. –બાપુના આશીર્વાદ.





રવીન્દ્રનાથ ટાગોર- તારી પોસ્ટ વાંચીને કોઈ કંઈ ન લખે તો, તું તારે લખ્યે જા ને રે!  








મહંમદઅલી ઝીણા- મિ.બ્લોગર, આ પોસ્ટની નીચે સીધી જ કમેન્ટ લખવાની સુવિધા છે,ડાયરેક્ટ એક્શન જેવી જ છે. બાકી પોસ્ટમાં દમ નથી.





રાજીવ ગાંધી- હમને દેખા કિ તુમને ક્યા લિખા. અબ હમેં દેખના હૈ કિ આગે તુમ્હેં ક્યા લિખના હૈ.






મજરૂહ સુલતાનપુરી- તૂ તો અકેલા હી ચલા થા જાનિબે બ્લોગ મગર, કમેન્ટ આતે ગયે, બ્લોગ ચલતા ગયા.

સાહિર લુધિયાનવી- કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ, કિ ક્યું ઈસકો બનાયા ગયા હૈ મેરે લિયે.







 હસરત જયપુરી- યે તેરા બ્લોગપોસ્ટ પઢકર કિ મૈં નારાજ ન હુઆ, ના યે મેરી બંદગી હૈ, ના યે તેરી જિંદગી હૈ.





ગબ્બરસીંગ- પોસ્ટ ચાર ઔર કમેન્ટ બયાલીસ? સરાસર નાઈન્સાફી!





 સઆદત હસન મંટો- ક્રિષ્ના કા બચ્ચા મુઝસે તેરે અફસાને  પઢવાના ચાહતા થા, ઈસલિયે ઉસને મુઝે બતાયા કિ પેલેટમેં પઢને જૈસા કુછ નહીં રખ્ખા હૈ! ઉસસે તો તુમ કાફી અચ્છા લિખ સકતે હો! મુઝે ઉસકી યે મઝાક પસંદ નહીં આઈ. મૈંને સફીયા કે સાથ યે પઢા. ઉસે તો પસંદ આયા લેકિન મુઝે....


ન્યૂટન- સાત રંગ ધરાવતું રંગચક્ર ફેરવવાથી સફેદ રંગ દેખાય છે, પણ મેં પેલેટ ફેરવી જોઈ તો ધબ્બા જ દેખાયા. એની વે, હું મારો સિદ્ધાંત ફરી તપાસી લઈશ.  



  
 ડૉ. અબ્રાહમ કોવુર- તેં કરેલો કોંકણનો અને દાનસીંગનો   પર્દાફાશ વાંચ્યો. તારી દાળરોટી આની પર છે, છતાંય તેં આવું  લખવાની હિંમત કરી છે, એ માટે અભિનંદન.




જહોન કેનેડી- Ask not what your readers can write for u, ask what u can write for your readers.






કબીરજી- કહત કબીર આનંદ ભયો હૈ.








પ્રેમ ધવન- બ્લોગી, હમ તો ફસ ગયે તેરે બ્લોગ મેં, જાને તુઝ કો ખબર કબ હોગી.









(નોંધ: તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.)

Friday, June 24, 2011

વનસ્પતિવિહાર



 વનસ્પતિઓ અને વૃક્ષો વિષે મારી જાણકારી મર્યાદિત છે, પણ એનું અવલોકન કરવાનું બહુ ગમે છે. એનાં અઘરાં લેટિન નામો જાણવાની કે યાદ રાખવાની જફામાં પડવાની ઈચ્છા થતી નથી, પણ મૂળ, કુળ વિષે સહજપણે જાણવું ગમે. રીઢા જાણકાર બનવાને બદલે જિજ્ઞાસુ એમેચ્યોર બની રહેવું વધારે ગમે છે.   
શાળામાં ભણતી વખતે ભૂગોળમાં આવતું કે ફલાણી નદી ઢીંકણા પ્રદેશની જીવાદોરી ગણાય છે અને ઢીંકણું વૃક્ષ ફલાણા પ્રદેશના લોકોનું કલ્પવૃક્ષ ગણાય છે. એ વખતે થતું કે કલ્પવૃક્ષ એટલે શું? એ કેવું હોય?
વરસો વીતતાં ગાર્ડનીંગમાં થોડી સમજણ પડવા માંડી ત્યારે કલ્પવૃક્ષની વ્યાખ્યા સમજાઈ. કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે જેનો છાંયો અને ફળ આપણા આંગણામાં આવે અને પાંદડા પાડોશીના આંગણામાં પડે. આવું કોઈ વૃક્ષ વાસ્તવમાં તો છે નહીં. એટલે તો તે કાલ્પનિક છે.

બોગનવેલ
કાલ્પનિક પરથી વાસ્તવિક વાત પર આવીએ. બોટનિકલ ગાર્ડનમાં 
ઉગાડેલાં વૃક્ષો મુખ્યત્વે અભ્યાસુઓ માટે હોય છે, પણ શહેરોમાં જોવા મળતાં વૃક્ષોને નીરખવાની મઝા ઓર છે. મારા ઘરમાં અનેક વૃક્ષો બોન્સાઈ સ્વરૂપે ઉછેર્યા છે. એમાંના ઘણા એવા છે કે એનું પરંપરાગત બોન્સાઈ બનાવી ન શકાય, છતાં અમે પ્રયત્ન કર્યો છે અને મોટે ભાગે સફળતા મળી છે. નર્સરીમાં જઈને સાદા રોપા જ લાવ્યા પછી ઉછેરીને એને બોન્સાઈ બનાવ્યા છે. ઘણા મિત્રો અમારો બોન્સાઈ સંગ્રહ જોઈને કહે છે: તમે કોમ્પીટીશનમાં ભાગ લેતા હો તો?” કેમ જાણે, સ્પર્ધામાં ઈનામ જીતવામાં જ કશુંક કર્યાની સાર્થકતા ન હોય? ઘણા લોકોને એમ લાગે છે કે બોન્સાઈનામમાં કંઈક ખૂટે છે. એટલે તેઓ બોન્સાઈટ (બોક્સાઈટની જેમ) ઉચ્ચાર કરે છે. જેમને રસ ન હોય અને સમજણ તો જરાય ન હોય એવા લોકોય વિવેક ખાતર કહે છે, આમાં બહુ મહેનત પડે,નહીં!” અમુક જણા અમારામાં ફાટફૂટ પડાવવાનોય પ્રયત્ન કરે અને પૂછે, તમારા બન્નેમાંથી કોને આનો શોખ છે?”  
બટનવેલ

ઈલાયચી
જીવદયાપ્રેમીઓ, પ્લીઝ! બોન્સાઈ એ ક્રૂર પદ્ધતિ છે અને એનાં મૂળ કાપવાથી મૂંગી વનસ્પતિ પર અત્યાચાર થાય છે, એવું નિવેદન કશું જોયાજાણ્યા વિના ફટકારી ન દેશો. એટલા બધા સંવેદનશીલ બનવાની જરૂર નથી. રજનીભાઈ(પંડ્યા)એ એક વાર આ બાબતે કહ્યું હતું- વૃક્ષોમાં સંવેદનશીલતા હોય છે એ વાત સાચી, પણ એમનામાં સંવેદના નથી હોતી. હા, જેકી ચાન (કે ચેન જે હોય એ) ની કે માર્શલ આર્ટની જાપાનીઝ ફિલ્મોમાં મારામારીનાં દૃશ્યોમાં સંખ્યાબંધ બોન્સાઈનો ખુડદો નીકળતો બતાવાય એ જોઈને જીવ અવશ્ય બળે છે.
નર્સરીનો અનુભવ મોટે ભાગે એવો હોય છે કે તમે જે છોડ ખરીદો, તેની માવજત વિષે ભાગ્યે જ કશી જાણકારી આપવામાં આવે. આને કારણે સાવ શરૂઆતમાં ઓછા પાણીની જરૂરતવાળા કેટલાય 
એડેનિયમ વધુ પડતા પાણીથી અકાળે મરણને શરણ થયા છે. ઘણા છોડ એવા છે કે બહુ માવજતથી એને ઉછેરીએ, એ સુંદર દેખાય, પણ એનું નામ ખબર ન હોય. સાવ ટચૂકડા કૂંડામાં પામ ટ્રી જેવા (નીચે) દેખાતા આ છોડને ૨× ૧.૫ કૂંડામાં ઉછેર્યો છે. કોઈ સુજ્ઞજન એનું નામ જણાવશે તો આનંદ થશે. નર્સરીમાં વેચાતા વૃક્ષ સિવાયના મોટા ભાગના રોપાઓનું નામ શો પ્લાન્ટ હોય છે. અમુક નામો આપણા કાળીયા,’ ધોળીયા જેવાં નામોની જેમ વૃક્ષના દેખાવ આધારિત હોય છે. જેમ કે, બટન વેલ, બોટલ બ્રશ વગેરે. કેકટસના તો હજારો પ્રકાર છે, એ તરફ તો નજર જ માંડી નથી. મોટાં ભાગનાં વૃક્ષો તેના અસલ વૈજ્ઞાનિક નામને બદલે સ્થાનિક અને પ્રચલિત નામે ઓળખાય છે અને આપણી સંસ્કૃતિમાં મોટા ભાગના વૃક્ષોમાં કોઈ ને કોઈ દેવતાનો વાસ હોવાનું મનાય છે. સંસ્કૃતિપ્રેમીઓ કહી શકે કે એ તો લોકો વૃક્ષો કાપે નહીં એટલા માટે આપણા વડવાઓએ કહ્યું છે. વગેરે.. એમ હોય તો સારું કહેવાય, પણ આપણને મર્મ પકડવા કરતાં સ્થૂળ અર્થ પકડવાનું વધુ ફાવે છે. વટસાવિત્રીએ વડને પવિત્ર ગણીને વડના ફેરા ફરતી બહેનોને (કે ભાઈઓને) એ વડ કપાય ત્યારે કશું થતું નથી.

આનું નામ જણાવશો?
એક સગા મારી પાસેથી ઉત્સાહમાં પીપળાનું બોન્સાઈ લઈ તો ગયા, પણ પછી એમને યાદ આવ્યું કે એ વૃક્ષના મૂળમાં એક્સ ભગવાનનો, પાંદડામાં વાય ભગવાનનો. ડાળીઓમાં ઝેડ ભગવાનનો વાસ હોય છે. એટલે એ મને પીપળો સાભાર પરત કરી ગયા. આપણી કોઈ કૃતિ સાભાર પરત આવે ત્યારે કદાચ દુ:ખ થાય, પણ આ કૃતિનું એમ થયું તેથી આનંદ થયો હતો.
રાવણતાડ: ધડ એક, માથાં અનેક
આપણા ઘણા વૃક્ષો કે વનસ્પતિઓનાં નામ સાથે ભગવાનનાં નામ સંકળાયેલાં હશે. કદાવર પ્રકારની વનસ્પતિ કે ચીજવસ્તુઓ સાથે મોટે ભાગે ભીમનું નામ જોડવામાં આવે છે. ધર્મગ્રંથોમાં પણ અનેક વૃક્ષોનો ઉલ્લેખ છે. કાલીદાસે મેઘદૂતમાં તો વિગતવાર બત્રીસ- તેત્રીસ વૃક્ષોનું વર્ણન કર્યું છે. રામાયણમાં રાવણે સીતાજીને અશોકવાટિકામાં રાખ્યાં હતાં. એ શું દર્શાવે છે? એ જ કે ત્યારેય હાઉસીંગ સોસાયટીઓનાં નામ આજે હોય છે એવા જ હતા. પણ કોઈ વૃક્ષ સાથે ખલનાયકનું નામ જોડાયું હોય એવું ધ્યાનમાં નથી, સિવાય કે રાવણતાડ. એ સિવાયના અન્ય નામ પર કોઈ ધ્યાન દોરશે તો આનંદ થશે. રાવણતાડની અન્ય વિગતો આ બ્લોગ પર જમણી બાજુએ મૂકેલી માય ફેવરીટ સાઈટ્સમાંની www.gujaratiprakruti.com ની સાઈટ પર છે જ. પણ એનું નામ રાવણતાડ શાથી પડ્યું? એ વૃક્ષનો ફોટો જોઈને જ ભદ્રંભદ્રની શૈલીમાં પ્રશ્નસ્ય અનૌચિત્યમ કહી શકાય. પ્રકૃતિમાં આપેલી માહિતી મુજબ અમદાવાદના નગીનાવાડી અને વટવા વિસ્તારમાં આ વૃક્ષો જોવા મળે છે. જો કે, આ વિસ્તારમાંથી અનેક વાર પસાર થવાનું બન્યું હોવા છતાં એ તરફ ધ્યાન ગયું નથી. શક્ય છે કે એના નામમાં રાવણ હોવાને કારણે એનો નાશ થઈ ગયો હોય! વડોદરામાં કમાટી બાગમાં આ વૃક્ષ છે તેમ એ વિસ્તારમાં બીજે પણ ક્યાંક છૂટાંછવાયાં જોવા મળી જાય છે. અહીં જે ફોટો મૂક્યો છે એ કમાટી બાગના (આગળ ઉભા રહો તો) પાછળના (અને પાછળ ઉભા રહો તો આગળના) ભાગમાં વિશ્વામિત્રી નદીને કિનારે આવેલા રાવણતાડનો છે. ફોટામાં આ વૃક્ષની નીચે દેખાતા રીક્ષા તેમજ અન્ય વાહનો એ દર્શાવે છે કે તે આ વિસ્તારના જનજીવનમાં વણાઈ ગયું છે. 8-)
સુરતના સંશોધક મિત્ર હરીશ રઘુવંશી જણાવે છે કે સુરતમાં રાવણતાડ નામનો એક વિસ્તાર પણ છે. આ નામ કેમ પડ્યું એ અંગે કોઈ પ્રકાશ પાડશે તો આનંદ થશે.

કહેવાય છે કે વડોદરા નામ આ નગરીમાં રહેલા વડના વૃક્ષોને કારણે પડ્યું હતું. આ વાત સાચી હશે જ, કેમ કે કેટલાંય વડનાં વૃક્ષો કપાઈ ગયાં છતાંય હજી ઘણા વિસ્તારમાં વડનાં વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળે છે. પહેલાં કોઈ પ્રજાતિનો આડેધડ વિનાશ કરી નાંખવો અને પછી તેને લુપ્ત પ્રજાતિની શ્રેણીમાં મૂકીને તેના રક્ષણ માટેના કાર્યક્રમો ઘડવા અને તેને રાષ્ટ્રીય પશુ/પક્ષી/વૃક્ષનો દરજ્જો આપી દેવો એ માત્ર આપણી જ નહીં, સમગ્ર માનવજાતની તાસીર રહી છે. (વધુ વિગતો માટે જુઓ સફારીના જૂન, ૨૦૧૧ ના અંકનો સુપર ક્વિઝ વિભાગ).  
નાગજીભાઈનો વડ
વડોદરામાંથી વડનાં વૃક્ષોનો કદાચ ભવિષ્યમાં નાશ થઈ જાય તોય વાંધો નથી. ફતેગંજ સર્કલની વચ્ચોવચ્ચ વિખ્યાત શિલ્પકાર નાગજીભાઈ પટેલે પત્થરમાંથી બનાવેલા વડના વૃક્ષના શિલ્પનું સ્થાપન આગોતરું કરી દેવાયું છે. શિલ્પ સુંદર છે, આકર્ષક છે, પણ અહીં વડનાં સાચાં વૃક્ષો ઉછેરી શકાય એટલી જગા છે જ. આ સર્કલનું અધિકૃત નામ જે હોય એ, લોકો તેને વડ સર્કલ તરીકે જ ઓળખે છે. એટલે એ વાત ચોક્કસ કે આવનારી પેઢી વડથી સાવ અજાણી નહીં રહી જાય.  
આપણી ઘણી કહેવતોમાંય વૃક્ષોનો ઉલ્લેખ છે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા’, સુથારનું ચિત્ત બાવળીયે’, ભૂતનો વાસ પીપળે વગેરે. આવી કહેવતો સાંભળીને હવે મને પહેલો વિચાર એ જ આવે છે કે આ ઝાડનું બોન્સાઈ બની શકે કે કેમ?  સાવ એવુંય નથી કે બોન્સાઈના બધા રોપા અમે નર્સરીમાંથી જ લાવ્યા હોઈએ. એક વખત મહેમદાવાદથી વડોદરા જતા હતા. નડીયાદના રસ્તે કેટલાંય બાવળ ઉગેલા છે. નર્સરીમાં બાવળ જલ્દી મળે નહીં. એક જગાએ અમે કાર ઉભી રાખી અને બાવળનો નાનકડો રોપો ઉખાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. વરસાદી મોસમ હતી એટલે જમીન પોચી હતી, પણ કાંટા હોવાથી પકડવાનું ફાવતું નહોતું. એટલામાં સામેથી એક ટ્રેકટર પસાર થયું. એમાં ચાર-પાંચ રબારી યુવાનો બેઠા હતા. એમણે અમને જોઈને લાગલું ટ્રેકટર ઉભું જ રાખી દીધું અને અમારી પાસે આવ્યા. કહે.હટી જાવ. તમારું કામ નહીં. જોતજોતામાં એમણે આખો રોપો મૂળસોતો ઉખાડીને અમારા હાથમાં આપી દીધો અને કહે, તમને આ ન ફાવે. અમારે તો રાતદિવસનું કામ. અમે હસી પડ્યાં એટલે એમણે પૂછ્યું, પણ આનું કરશો શું?” આનો જવાબ અઘરો હતો. અમે કહ્યું, અમારા ઘરમાં રોપીશું. હવે હસવાનો વારો એમનો હતો. બાવળીયો ઘરમાં રોપશો?” નવાઈ પામતા એ લોકો પાછા ટ્રેકટરમાં ગોઠવાઈ ગયા અને ટા ટાની મુદ્રામાં હાથ હલાવતા ઊપડી ગયા. 

કપોક

યાદ આવે તો અમે ક્યારેક મુસાફરીએ જતાં વાહનમાં (પ્લાન્ટ) કટર પણ મૂકી દઈએ. આઈ.પી.સી.એલ.ના રસ્તે સરસ વડલા છે. એની ડાળી એક વાર કાપવાનો અમે પ્રયત્ન કરતા હતા. દૂરથી કોઈક પશુપાલકે અમને જોયા. નજીક આવીને એણે પોતાની પાસેનું કટર કાઢ્યું અને ખાસ્સી જાડી એવી ડાળી મહામહેનતે અમને કાપી આપી. પણ પાછો એ જ સવાલ. 
આનું નામ શું?
આનું કરશો શું?”  આ જ છે ઈન્ક્રેડીબલ ઈન્ડીયા’, જેમાં કશી ઓળખાણ-પિછાણ વિનાનો માણસ સામે ચાલીને મદદ કરે. (અને ઓળખાણવાળો માણસ મોં ફેરવીને ચાલ્યો પણ જાય.)   
પીપળી
નાના હતા ત્યારે એક રોડ પરથી પસાર થતાં ખાસ ચેતવણી અપાતી. જો જો, અહીંથી પસાર થતાં કોઈ મિત્રને આવવું છે એમ નહીં કહેવાનું. કારણ? કારણ એ કે આ ઝાડ પર ભૂત રહે છે. આપણે આવવું છે?’ કહીએ એટલે એને એમ થાય કે આપણે એને સાથે આવવાનું કહ્યું. એ આવવા માંડે અને આપણને વળગી પડે. આ સાંભળીને ભયનું લખલખું ત્યારે તો પસાર થઈ જતું, પણ થોડા સમજણા થયા પછી એ ઝાડવાળા રસ્તેથી રાત્રે પસાર થતી વખતે અમે મોટેથી બૂમો પાડતા, ઓય! આવવું છે? ચાલ, થઈ જા તૈયાર.  
જાસૂદ
હવે તો મારા ઘરમાં જ બે-ત્રણ આંબલી, બે-ત્રણ પીપળા, વડ વગેરે બોન્સાઈ સ્વરૂપે છે. તો શું એની પર બોન્સાઈ ભૂત રહેતા હશે? શક્ય છે, કેમ કે સાંભળ્યું છે કે ભૂત તો ગમે એવો આકાર લઈ શકે.
બોન્સાઈના કે વૃક્ષઉછેરના વધુ અનુભવો (જ્યારે થશે ત્યારે) જણાવતા રહીશું.
(તમામ તસવીરો: બીરેન કોઠારી)
(બોન્સાઈ: અમારા ઘરના સંગ્રહમાંથી)
(નોંધ: કોઈક કારણસર આ પોસ્ટની તમામ તસવીરો ઉડી ગઈ હતી. એ બધી જ તસવીરો ફરીથી મૂકી છે. ગોઠવણીમાં થોડો ફેરફાર થયો છે, પણ એકેય ઓછી કરી નથી.)

Tuesday, June 21, 2011

દાનસીંગની વિદાય: અપની કિસ્મત હી કુછ ઐસી થી...



(image courtsey: India Today)
હિંદી ફિલ્મોના ગીતસંગીતનો દરિયો અગાધ છે. અનેક ગાયકો, સંગીતકારો, ગીતકારોનું તેમાં પ્રદાન છે. સંખ્યાબંધ ફિલ્મોમાં સંગીત આપનારા સંગીતકારોથી લઈને ગણીગાંઠી ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર સંગીતકારોએ આ દરિયાને સમૃદ્ધ કર્યો છે. આવા જ એક સંગીતકાર દાનસીંગનું ૧૮મી જૂન, ૨૦૧૧ ને શુક્રવારના રોજ અવસાન ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું. દાનસીંગની ફિલ્મોની સંખ્યા તો એક જ આંગળીના વેઢામાં સમાઈ જાય એટલી છે, પણ તેમના સંગીતની ગુણવત્તા સદાકાળ છે.
ગીતસંગીતના પ્રેમીઓ અને જાણકારો માટે આ નામ અજાણ્યું નથી. ગીતસંગીતની મર્યાદિત જાણકારી ધરાવતા લોકોને કદાચ આ નામ અજાણ્યું લાગે, પણ આવા લોકો માટે દાનસીંગે સંગીતબદ્ધ કરેલું એક ગીત જ યાદ કરાવવું કાફી છે. એ ગીત એટલે મુકેશે ગાયેલું અને આનંદ બક્ષીએ લખેલું વો તેરે પ્યાર કા ગમ, ઈક બહાના થા સનમ’. (ફિલ્મ માય લવ’)
(જુઓ મુકેશ વિષે દાનસીંગ:

 
પત્ની ડો. ઉમા યાજ્ઞિક સાથે દાનસીંગ
(image courtsey: India Today)
દાનસીંગનો જન્મ ૧૪મી ઑક્ટોબર, ૧૯૨૭ના રોજ થયેલો. તેમના પિતાજી સાંવલસિંહ જયપુર કલાવિદ્યાલયના આચાર્ય હતા. મેટ્રીક સુધી શાળાનો અભ્યાસ કરીને દાનસીંગ નોકરીની તલાશમાં ઊપડ્યા દિલ્હી. તેમનો કંઠ સુંદર અને કેળવાયેલો હતો. સંગીતકાર તરીકે જાણીતા થયા પછીય તેઓ પોતાને મૂળભૂત રીતે ગાયક જ ગણાવતા. દિલ્હીમાં તેમણે સાહિત્યરત્ન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આકાશવાણી, દિલ્હીમાં તેમણે એક વખત કવિ સુમિત્રાનંદન પંતની કવિતા પોતાના કંઠમાં રજૂ કરી, એ સાંભળીને પંતજી બહુ રાજી થઈ ગયેલા.
નસીબ અજમાવવા માટે દાનસીંગ મુંબઈ આવ્યા. મુંબઈ આવીને બેએક વરસ તેમણે સંઘર્ષ કરવો પડ્યો. પોતે ધુરંધર સંગીતકાર ખેમચંદ પ્રકાશ (મહલ ફેઈમ)ના શિષ્ય હતા. આ કારણે ફિલ્મોમાં કામ મળી રહેશે એવો તેમને વિશ્વાસ હતો. પણ તેમને ક્યાં ખબર હતી કે ફિલ્મ લાઈનમાં પ્રતિભા ઊપરાંત બીજી પણ અનેક આવડતો જરૂરી છે. જો કે, આ જ્ઞાન લાધવામાં બહુ વાર ન લાગી.
(ફિલ્મ: બવંડર)
કોઈકે તેમને ફિલ્મ્સ ડીવીઝનમાં મોકલ્યા. ફિલ્મ્સ ડીવીઝનવાળા ભાસ્કર રાવે તેમને સાંભળ્યા. સાંભળ્યા પછી તેમને આ સંગીતકારની પ્રતિભાની ઓળખ થઈ. અને ફિલ્મ્સ ડીવીઝનની એક ફિલ્મ રેત મેં ગંગામાં તેમને સંગીતની તક આપવામાં આવી. આ ફિલ્મ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પુરુષોત્તમ રુંગટાએ દાનસીંગની મુલાકાત ગાયક મુકેશ સાથે કરાવી. આ મુલાકાત ફળી અને દાનસીંગને માય લવ ફિલ્મ મળી. આ ફિલ્મમાં મુકેશે ગાયેલા વો તેરે પ્યાર કા ગમ ગીતની નોંધ લેવાઈ (આ ગીતમાં પીયાનો અને સેક્સોફોનનો અદભૂત ઉપયોગ થયો છે). તો મુકેશનું જિક્ર હોતા હૈ જબ કયામત કા, તેરે જલવોં કી બાત હોતી હૈ પણ વખણાયું. પણ દાન સીંગને સબક મેળવવા માટે બહુ રાહ ન જોવી પડી. માય લવ ફિલ્મના સંગીત પેટે તેમને કાણી પાઈ પણ ન મળી. હદ તો ત્યારે થઈ કે ક્યારેક કોઈક મહેફિલમાં પોતે સંભળાવેલી ધૂનો સીધી જ અન્ય ફિલ્મોમાં,અન્ય સંગીતકારના નામે ગીત તરીકે આવવા લાગી. દાનસીંગ માટે આ વિશ્વાસઘાત જીરવી ન શકાય એવો હતો. તેમને લાગ્યું કે આ માયાવી દુનિયા પોતાને માટે નથી. આથી તેમણે વહેલી તકે મુંબઈને અલવિદા કહી દેવાનું નક્કી કર્યું. એ અગાઉ તેમણે તૂફાનમાં સંગીત આપેલું. ભારત-ચીન યુદ્ધની કથા આધારીત ફિલ્મ ભૂલ ના જાનામાં પણ તેમનું સંગીત હતું, પણ સંરક્ષણ મંત્રાલયે વાંધો પાડતાં આ ફિલ્મ સેન્સર થઈ નહોતી. આ ફિલ્મમાં મન્નાડે દ્વારા ગવાયેલું ગીત બહી હૈ જવાં ખૂન કી આજ ધારા, ઉઠો હિંદ કી સરજમીંને પુકારા (ગીત: હરીરામ આચાર્ય) ચીનની ભૂમિમાં ઘાયલ થઈને અંતિમ શ્વાસ લેતા અને માતૃભૂમિમાં આવીને શ્વાસ છોડવા ઈચ્છતા ઘાયલ સૈનિકની મથામણ આબાદ વ્યક્ત થઈ હતી. ( આ ગીત ઓડીયોમાં  છે. સાભળવા અહી ક્લિક કરો.
<object classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" codebase="http://fpdownload.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=8,0,0,0" width="335" height="28" id="divplaylist"><param name="movie" value="http://www.divshare.com/flash/playlist?myId=15395670-ba9" /><embed src="http://www.divshare.com/flash/playlist?myId=15395670-ba9" width="335" height="28" name="divplaylist" type="application/x-shockwave-flash" pluginspage="http://www.macromedia.com/go/getflashplayer%22%3E%3C/embed%3E%3C/object%3E

અન્ય ત્રણ ગીતોની લીન્ક અલગથી મૂકી છે.)
મુંબઈથી આવ્યા પછી થોડો સમય શેખાવતીમાં તે રહ્યા. અહીં રહીને તેમણે રામાયણ, ગીતા તેમજ ભગવાન અય્યપ્પાની પ્રાર્થનાઓ હિંદીમાં સંગીતબદ્ધ કરી. જો કે, તેની યોગ્ય કિંમત ન મળી એટલે એ કામ પણ પડતું મૂક્યું. ત્યાર પછી તે પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક સાથે જયપુરમાં જ સ્થાયી થયા અને પોતાની રીતે જીવન ગુજારવા લાગ્યા.
૧૯૯૫માં તેમના વિષે એક લેખ પ્રસિદ્ધ થયો ત્યારે આ પ્રતિભાશાળી સંગીતકાર જયપુરમાં રહેતા હોવાની નવેસરથી જાણ થઈ. ફરી એક વાર તેમને ફિલ્મની ઑફર આવી. તેમણે એ સ્વીકારી પણ ખરી. પણ અફસોસ! એ બન્ને ફિલ્મો ખિલતે ફૂલ અને મહેફિલ રિલીઝ ન થઈ શકી. ત્યાર પછી રાજસ્થાનની ભંવરી દેવીની ઘટના પરથી બનેલી જગમોહન મુંદડાની ફિલ્મ બવંડરનાં ગીતો તેમણે સંગીતબદ્ધ કર્યાં. આ ફિલ્મમાં પાર્શ્વસંગીત હતું પંડીત વિશ્વમોહન ભટ્ટનું.
પોતાના ગુરુ ખેમચંદ પ્રકાશે મહલનું અમર ગીત આયેગા આનેવાલા રચ્યું ત્યારે જ એ ધૂનમાં રહેલી તાકાતનો અંદાજ ખેમચંદજીને આવી ગયો હશે. એટલે તેમણે આવા જ ત્રણ શબ્દો જાયેગા જાનેવાલા પરથી બીજું ગીત બનાવવાનો પડકાર ઊપાડેલો. જો કે, એ શક્ય ન થઈ શક્યું અને ખેમચંદ પ્રકાશનું દુ:ખદ અવસાન થયું. પણ આ પડકાર તેમના શિષ્ય દાનસીંગે ઊપાડી લીધો. તેમણે આ શબ્દો વિસ્તારીને ગીત તૈયાર કર્યું અને તેની ધૂન પણ બનાવી, જેના શબ્દો હતા, આનેકી શહાદત હૈ જાના, જાનેકી શહાદત હૈ આના, યહ રોજ કા આનાજાના હૈ, જાયેગા જાનેવાલા, આયેગા આનેવાલા. પણ અફસોસ! એ ગીત આપણા સુધી પહોંચી ન શક્યું. દાનસીંગને એ વાતનો અફસોસ રહી ગયેલો કે પોતે લતા મંગેશકરને પોતાના સંગીત નિર્દેશનમાં ગવડાવી ન શક્યા.  
એક પ્રતિભાશાળી સંગીતકાર તરીકે દાનસીંગ હંમેશાં યાદ રહેશે. ઝાઝી ફિલ્મોમાં એ સંગીત આપી ન શક્યા એને કોની કમનસીબી ગણવી? એમની કે સંગીતપ્રેમીઓની?
(માહિતી સ્રોત: હરીશ રઘુવંશી, સુરત)
દાનસીંગનાં લોકપ્રિય ગીતો:
- વો તેરે પ્યાર કા ગામ (ફિલ્મ: માય લવ)

- જીક્ર હોતા હૈ જબ કયામત કા (ફિલ્મ: માય લવ)

-યે તુમ્હારે રાસ્તેમે (ફિલ્મ: માય લવ)

- ગમે દિલ કિસસે કહું (ફિલ્મ: ભૂલ ના જાના)
- પુકારો મુઝે  નામ લેકર પુકારો (ફિલ્મ: ભૂલ ના જાના)
-ગોરા ગોરા મુખડા યે તૂને (ફિલ્મ: ભૂલ ના જાના)

-મેરે હમનશી મેરે હમનવા (ફિલ્મ: ભૂલ ના જાના)