Wednesday, May 29, 2013

દૂર તક નિગાહોં મેં હૈ ગુલ ખિલે હુએ: એક અનોખા સ્થળના પ્રવાસનો અહેવાલ



-     દેવેન્‍દ્રસિંહ ગોહિલ અને સતીશચંદ્ર પટેલ

[પડીકાબંધ પ્રવાસ અને ટ્રેકીંગમાં ઘણો ફરક છે. ભરુચ રહેતા મારા મિત્રો સતીશ પટેલ અને દેવેન્‍દ્ર  ગોહીલ ગયે વરસે ટ્રેકીંગ માટે ઉપડવાના છે એ સમાચાર જાણ્યા ત્યારે મારો જીવ અદ્ધર થઈ ગયો હતો. ના, મને લીધા વગર જવાના હતા એટલા માટે નહીં, પણ દેવેન્‍દ્રસિંહે ૨૦૦૯માં જ એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. હૃદયની આવી નાજુક સ્થિતિમાં અત્યંત ઉંચાઈવાળા સ્થળે ટ્રેકીંગ માટે જવાનો વિચારમાત્ર જોખમી છે. પૂછતાં ખબર પડી કે કશી તકલીફ થાય તો પોતાને કઈ કઈ દવાઓ આપવી તેની સૂચના તેણે પોતાના મિત્રો સતીશ અને શૈલેષને આપી રાખી હતી.
આ સંજોગોમાં માનસિક ઉપરાંત શારિરીક તૈયારી પણ કરવી પડે. જવાના મહિનાઓ અગાઉ ટ્રેડમિલ પર તેણે ચાલવાની પ્રેકટીસ કરી દીધી હતી. પ્રવાસનો સમય નજીક આવતો ગયો એમ ટ્રેડમિલનો ઢાળ વધારીને બન્ને પગે એક એક કિલો વજન બાંધીને ચાલવાનું શરૂ કર્યું. આટલું ઓછું હોય એમ પ્રવાસે જવાના વીસેક દિવસ અગાઉ તેના જમણા પગની ઘૂંટીના લીગામેન્‍ટ ખેંચાઈ ગયા. મિત્ર સતીશની સહાયથી અને તેના માર્ગદર્શન હેઠળ ફીઝીયોથેરાપીની કસરત શરૂ  કરી. પણ જવાનું પાછું ન ઠેલ્યું. મારો છેક કૉલેજસમયનો મિત્ર અને સુખદુ:ખ તેમજ સંઘર્ષ સમયનો જોડીદાર એ રહ્યો છે એટલે પોતે વેઠી એટલી જ તકલીફ હું પણ વેઠું એવો ઉમદા અને નેક તેનો વિચાર, એટલે અહેવાલ લખી મોકલવામાં તેણે બહુ રાગરસ્તા કર્યા. આ અહેવાલ તેની પાસે મેળવતાં ક્યારેક તો એમ લાગ્યું કે આના કરતાં તો એ મને પોતાની સાથે લઈ ગયો હોત તો સારું થાત. પોતાની શારિરીક તકલીફમાં અને એ પછી પ્રવાસમાં સતીશ તેની ભેગો હતો, એમ આ આલેખનમાં પણ સતીશને સાથે રાખીને તેણે છેવટે એ લખી મોકલ્યું ખરું.
આટલી પૂર્વભૂમિકા પછી વાંચો એ રસપ્રદ અહેવાલ. 


આયોજન માટેનું આયોજન

ઘણી વાર અમુક મિત્રો આપણને ક્યાંક આંગળી ચીંધીને એવી સળી કરી આપે કે આપણને ખ્યાલ ન આવે કે તે આપણને મદદ કરવા ઈચ્છે છે કે અવળે પાટે ચડાવીને આપણને અટવાતા જોવાનો આનંદ લેવા ઈચ્છે છે. ગયે વરસે એટલે કે ૨૦૧૨ના એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મિત્ર ડાભીનો મેઈલ મળ્યો અને તેમાંની વિગત વાંચીને કંઈક આવી જ લાગણી થઈ. આ મેઈલમાં એક પ્રવાસન સ્થળ વિષેની વિગતો હતી, જેમાં યુથ હોસ્ટેલ આયોજિત આ સ્થળના ટ્રેકીંગના કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી હતી. ભાઈ ડાભી સાથે અમે એક કંપનીમાં કામ કરીએ છીએ, એટલે ધાર્યું હોત તો આ બાબતે તે રૂબરૂ પણ જણાવી શક્યો હોત. તેને બદલે તેણે આ વિગતો મેઈલ દ્વારા મોકલીને જાણે કે ઉંબાડીયું કર્યું. રસપૂર્વક આ વિગતો જોઈ ગયા પછી ડાભીને ફોન જોડ્યો. તેને પૂછ્યું, “તું આ સ્થળે જવાનો છે કે શું?” તેણે ભોળેભાવે જણાવ્યું, “આ તો ફક્ત તમારી માહિતી માટે જ છે. પણ તમને જવાની ઈચ્છા થાય તો વિચારીએ.”
વાત વિચારવા જેવી હતી. એટલે એની પર વિચારવિમર્શ થયો, દલીલબાજી અને ભયસ્થાનો અંગે ચર્ચાઓ થઈ. અમારામાંના એક એવા દેવેન્‍દ્રસિંહ ગોહિલને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આરોગ્યના કારણોસર બહાર ફરવા જવાની મનાઈ હતી, એટલે તેની દશા પાંજરે પૂરાયેલા વાઘ (આ કિસ્સામાં સિંહ) જેવી થઈ ગયેલી.  એટલે આ જાણે કે કોઈ મિશન હોય અને તેને પાર પાડવા માટે કમાન્ડોની ભરતી કરવાની હોય એવી તીવ્રતાથી તેમણે સાથીદારોની ખોજ આરંભી. જોતજોતાંમાં અમારા બે સહિત પાંચ જણ તો થઈ ગયા. એ હતા શૈલેષ પુરોહિત, તેના મોટાભાઈ જવાહર પુરોહિત, મનોજ લાલવાણી તેમજ આપના વિશ્વાસુ સતીશ પટેલ અને દેવેન્‍દ્રસિંહ ગોહીલ. જોઈ મઝા? જે મિત્રે અમને આ માટે પ્રેર્યા હતા એ ડાભી આમાં નથી. તેનું અવતારકાર્ય પૂરું થયું હતું. તેણે અમને દોડતા કરી દીધા હતા.
સૌથી પહેલું કામ ટ્રેનની ટિકીટો મેળવી લેવાનું કરવામાં આવ્યું. એ પછી પાંચેપાંચ જણ આ સ્થળ અંગેની વિગતો એકઠી કરવા લાગી પડ્યા. આ તો હજી એપ્રિલ હતો, જ્યારે અમારે જવાનું હતું ઓગસ્ટમાં. વચ્ચે ત્રણ મહિના હતા. આટલો સમય પૂરતો હતો વિગતો એકઠી કરવા માટે. આ સ્થળનું નામ ખબર હતી, તેનાં વખાણ સાંભળ્યા હતાં, પણ ત્યાં કોઈ પરિચીત ગયું હોવાનું જાણમાં નહોતું. એટલે વેબસાઈટ પર કે વાંચનમાં રૂડુંરૂપાળું દેખાતું આ સ્થળ હકીકતમાં કેવું હશે એવી પણ ચટપટી થતી હતી. આ ત્રણ મહિના દરમ્યાન રોજ કંઈક ને કંઈક નવી માહિતી, ફોટા, રૂટ વગેરેની જાણ થતી અને અમારા રોમાંચમાં ઉમેરો થતો. આમ ને આમ, આવી ગયો ઓગસ્ટ મહિનો. અમારે જવાનું હતું એ સ્થળનું નામ હતું વેલી ઑફ ફ્લાવર્સ’/ Valley of flowers યાનિ કી ફૂલોં કી ઘાટી’.



હમ સાથ સાથ હૈ

અમે પાંચ જણા ૫મી ઓગસ્ટે ભરૂચથી નીકળ્યા. અમારે દિલ્હી/Delhi થઈને હરદ્વાર/Haridwar અને ત્યાંથી ઋષિકેશ/Rishikesh પહોંચવાનું હતું. ઋષિકેશમાં અમારું રિપોર્ટિંગ અને ઓરીએન્ટેશન પ્રોગ્રામ હતો. ઓગસ્ટનો એક દિવસ જોશીમઠ/Joshimath ખાતે સીઝનીંગ માટે રાખવામાં આવ્યો હતો.
હરદ્વાર પહોંચતાં જાણે અમે કોઈ બહુ મોટા આરોહણઅભિયાન પર નીકળ્યા હોય તેમ જાતજાતની વ્યૂહરચનાઓ ઘડવાનું શરૂ કરી દીધું. ડુઝ એન્‍ડ ડોન્‍ટ્ઝની ગંભીર ચર્ચાઓ કરી. એ રીતે માનસિક વોર્મ અપ શરૂ કરી દીધું. વાયા દિલ્હી હરદ્વારા અમે આવી ગયા. અહીંથી ઋષિકેશ જવા માટે એક સીટર રીક્ષા (છકડો) કરી. આ રીક્ષાનો ડ્રાઈવર હિમાલયન કાર રેલીમાં અગાઉ ભાગ લઈ આવ્યો હોય એવું એની વાહન ચલાવવાની રીત પરથી લાગ્યું. રસ્તો ગમે તેવો હોય, પોતાનું વાહન ચાલતું રહેવું જોઈએ. રસ્તા પરના બીજા બધાં તુચ્છ પરિબળોને અવગણવાના. તુઝકો ચલના હોગાનો મંત્ર તેણે બરાબર આત્મસાત કરી લીધેલો. તેનું સંધાન સકળ સૃષ્ટિ સાથે હતું. આ નાશવંત પૃથ્વીના એક નાનકડા દેશના ટચૂકડા રાજ્યના કાયદાકાનૂન તેને માન્ય નહોતા. બીજી રીતે કહીએ તો તે કોસ્મિક લયને અનુસરતો હતો. પણ એ તણખલા જેવા નગરના કેટલાક અલ્પજ્ઞાની અને તુચ્છ જીવો રીક્ષાવાળાના ઉચ્ચ વિચારને પામી શક્યા નહીં. તેમણે રીક્ષા ધરાર ઉભી રાખી. આમ, લોકલ લય થકી પાડવામાં આવેલા વિક્ષેપ થકી કોસ્મિક લય ખોરવાયો. રીક્ષાવાળાને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ પ્રસાદીરૂપે કરાવવામાં આવી. આવા સદ્યજ્ઞાની રીક્ષાવાળાએ અમને બપોરે સાડા ત્રણના સુમારે ઋષિકેશ પહોંચાડ્યા.
અહીં હોસ્ટેલમાં રજીસ્ટ્રેશન વગેરે જરૂરી વિધિઓ પતાવી. પણ ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ છેક સાંજે હતો. એટલે સૌએ ગંગાસ્નાનનો કાર્યક્રમ બનાવ્યો. મેલી ગંગામાં થોડા મેલનો વધારો કરીને સાંજે અમે સૌ હોસ્ટેલ પર આવ્યા. ત્યાં સુધીમાં આ મહાઅભિયાનમાં અમારી સાથે જોડાનારા બીજા મિત્રો પણ આવી પહોંચ્યા હતા. કુલ ૨૭ વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થયેલું, તેની સામે ૨૨ જણ હાજર હતા. આમાંથી પણ ત્રણ જણે તબિયતના કારણસર આગળનો કાર્યક્રમ પડતો મૂક્યો. આમ રહ્યા કુલ ૧૯.
યુથ હોસ્ટેલની કાનપુર શાખાના કર્તાહર્તા વિજય જયસ્વાલ અને શર્મા અંકલે સૌને આખા કાર્યક્રમની રૂપરેખા કહી. do's & don'ts  જરા વધારે ભાર દઇને સમજાવ્યા. એક ગૃપ લિડરની પણ વરણી થઇ. અને સૌથી છેલ્લે ૧૯ સભ્યોની ઓળખ વિધિ થઈ. વિવિધ વયજૂથ ધરાવતું આ આખું ગૃપ હતું.  દાદર (મુંબઈ)ના એક સ્ટેશન માસ્ટર સપત્નીક હતા. અન્ય એક મરાઠે દંપતિ પણ સિનીયર સિટીઝન હતા. અન્ય ચાર ટ્રેકર્સ અનુભવી હતા, તેમણે પોતાના ગૃપનું નામ કમીના ગૃપ છે એમ જાહેર કરી દીધું. અમારી મંડળીમાં અમારા બન્ને ઉપરાંત બે વિદ્યાર્થીઓ યશ ધોળકીયા અને કુલદીપ ઉપરાંત ત્રીજો તુષાર ગોહિલ  હતો. આ ઉપરાંત હતો ભરત પટેલ. હવે અમારે આગળ વધવાનું હતું. રાત્રે ત્રણ વાગ્યે જાગીને અમારે જોશીમઠ જવા નીકળવાનું હતું.  

**** **** ****

વહેલી સવાર કહો તો એમ અને મોડી રાત કહો તો એમ, પણ સૌ વેળાસર જાગી ગયા, જરૂર પૂરતું પરવાર્યા અને બસમાં ગોઠવાયા. ભરત પટેલ બાજુમાં જ ગોઠવાયો. હજી તો અમારી આંખમાં ઉંઘ હતી, પણ ભરતનો અસલ ભારતીય આત્મા જાગી ઉઠ્યો હતો. તેણે પૂછ્યું, “આપણે અંતકડી રમીશું?” આપણે ત્યાં ગુજરાતમાં હોત તો કહેત, “પંખો ચાલુ કર.” (અહીંથી ફૂટ અને હવા આવવા દે.) પણ બસમાં શું કહેવું? મનોમન કહ્યું, “ગીયર બદલો, ભાઈ.” અમારી પીડા ડ્રાઈવરના હૈયા સુધી પહોંચી હોય એમ તેણે ખરેખર ગિયર પાડ્યો. 'જય બદરીવિશાલ'નો સૌએ નાદ કર્યો. એ સાથે જ અમારી બસ ઊપડી. અમારી ખરી યાત્રા હવે શરૂ થઈ રહી હતી. ભરતને તેના હાલ પર છોડીને અમે આંખો મીંચી દીધી.
આંખ ખૂલી ત્યારે અમારી બસ હિમાલયની પહાડીઓમાંથી પસાર થઈ રહી હતી. બારીની બહાર અત્યંત રમ્ય દૃશ્યો રચાતાં હતાં. ત્રણ-ચાર કલાક વીત્યા હશે. અમારી બસ ઊભી રહી ત્યારે બહાર પહાડીઓની વચ્ચે ઊડતા વાદળો અને આછી ગુલાબી ઠંડીમાં બીજું કશું યાદ જ ન આવે! બસની સફર પ્રથમ ગંગાજીને તીરે અને ત્યાર પછી અલકનંદાને તીરે તીરે થઈ રહી હતી. લગભગ બધા પ્રયાગ બસનો કંડક્ટર નામ દઈને બતાવતો હતો. (બે નદીઓના સંગમને પ્રયાગ કહેવાય છે.) 



અમે શિવાલિકની પહાડીઓમાં યાત્રા કરી રહ્યા છીએ અને સ્થાન દેવભૂમિ તરીકે ઓળખાય છે એ હકીકત આપોઆપ સમજાઈ જાય. સ્વર્ગ કદાચ હશે તો આનાથી વધુ સુંદર શું હોવાનું? ભૂમિમાં  કંઈક અજબ આકર્ષણ છે, જે આપણને તેની તરફ આકર્ષે છે.



ધીમે ધીમે ટીમના સભ્યો જાગી ગયા અને વાતો શરૂ થઈ. આરંભની અપરિચીતતાની દિવાલ ઓગળવા લાગી. વાંકાચૂકા રસ્તે બસ આગળ વધી રહી હતી. રસ્તામાં બે-ત્રણ જગાએ લેન્‍ડસ્લાઈડ પણ થયેલા જોવા મળ્યા. ટીમમાં મુંબઈનાં મીનલ સવાદે નામનાં બહેન પાસે એક પેટી હતી. થોડી થોડી વારે આ પેટીમાંથી તે કશી ખાદ્યચીજ કાઢતા અને સૌને આપતા. એમની પેટી જાણે કે અક્ષયપાત્ર ન હોય! પેલા ભરતનું નામ સર્વાનુમતે જડભરત પડી ગયું, તો મીનલબહેનનું નામ પડ્યું મા અન્નપૂર્ણા’.
આમ, દિવસ આખાની સફર પછી સાંજે જોશીમઠ પહોંચ્યા ત્યારે ટીમના સભ્યો વચ્ચેનું અંતર પણ ઘટી ગયું હતું. અહીંથી રાતવાસો કરીને અમારે બીજા દિવસે સવારે ઔલી જવા માટે નીકળવાનું હતું.

યે હસીં વાદીયાં, યે ખુલા આસમાં

જોશીમઠનું ધાર્મિક માહાત્મ્ય ઘણું છે. અહીં આદિ શંકરાચાર્યજીએ તપશ્ચર્યા કરી હતી. ભારતની ચારેય
દિશાઓમાં આવેલાં સ્થળોએ તેમણે મઠની સ્થાપના કરી, જે પૈકી ઉત્તરનો મઠ અહીં સ્થાપ્યો. (પશ્ચિમમાં દ્વારકા, પૂર્વમાં પુરી અને દક્ષિણે શૃંગેરીમાં છે.) આ મઠના વડા શંકરાચાર્ય તરીકે ઓળખાય છે. આવા એક શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીજીની અહીં બેઠક છે.  એ ઉપરાંત નરસિંહ મંદિર અને રાજરાજેશ્વરી દેવીનાં મંદીર છે. આદિ શંકરાચાર્યે જે ગુફામાં તપશ્ચર્યા કરી હતી એ ગુફા પણ છે. અહીં ગરમ પાણીના કુંડ તપોવન છે. જો કે, અમને બીજા દિવસે જ્યાં જવાનું હતું તે ઔલીમાં ફરવામાં વધુ રસ હતો. યુથ હોસ્ટેલના ટ્રેકીંગ કાર્યક્રમ/YHAI Trekking Programમાં જનારાને ખબર હશે તેમાં કાર્યક્રમ મુજબ એક બેચ જાય અને એક બેચ આવતી રહે. અમે વધુ માહિતી માટે અમારી આગળ ફરીને આવેલી બેચવાળા પાસેથી માહિતી મેળવવાના પ્રયત્ન કર્યા. પણ ગોળના ગળપણની વાતો કરતી અને ગોળ ખાવો જુદી વાત છે, એ હકીકત અમને બીજે દિવસે ત્યાં ગયા પછી સમજાઈ ગઈ.

સવારે ઔલી માટે નીકળ્યા, જે જોશીમઠ/ Joshimath થી લગભગ છએક કિલોમીટર હશે. તે પહેલાં યુથ હોસ્ટેલના કાર્યક્રમ મુજબ વહેલી વોર્મિંગ અપ માટે જોશીમઠમાં ચાર-પાંચ  કિલોમીટર ઝડપી ગતિએ ચાલવાનું હતું. એ કર્યું, પછી ચા-નાસ્તો પતાવ્યો અને ઉપડ્યા. ઔલી/Auli જોશીમઠથી ૨૦૦૦ ફીટ ઉપર આવેલું છે. જોશીમઠ ૭૦૦૦ ફીટે વસેલું છે,  જ્યારે ઔલીની ઊંચાઈ ૯૦૦૦ ફીટ કરતાં વધારે છે.




અહીં શિયાળામાં સ્કીઈંગની રમત માટેની સુંદર જગ્યા તેમજ અનુકૂળતા છે. તેને પ્રોત્સાહન આપવા માટે જરૂરી રોપ-વે, પ્રેક્ટીસ ગ્રાઉન્ડ, રેસ્ટ રૂમ, કાચની બનેલી વ્યૂ હટ વગેરે પણ છે.  રોપ-વે દ્વારા ઓછા સમયમાં અને ઓછી તકલીફે જઈ શકાય એમ છે, પણ તકલીફ વેઠવા તો અમે અહીં આવ્યા હતા. એટલે સૌએ 'ટ્રેકીંગ' કરીને જવાનું નક્કી કર્યું.
અહીં વનસ્પતિ અને ફૂલછોડ છે, પણ જૂજ માત્રામાં. આખા પહાડનું ચઢાણ સીધું છે. આ એક વાતને બાદ કરતાં બધું આનંદદાયક છે. બસ, સીધો ઢાળ હોય એટલે ચડતાં ચડતાં ઠૂસ થઈ જવાય એટલું જ.


બપોરે અમે તપોવન (તપ્તકુંડ)માં સ્નાન કર્યું. એપછી હોટલ પર પહોંચ્યા. સાંજે કેમ્પફાયરની પ્રતિકવિધિ થઈ. એટલે કે તાપણું સળગાવવા સિવાય બધું જ. યૂથ હોસ્ટેલ પોતાના પર્યાવરણલક્ષી અભિગમ અને તેના પાલન માટે જાણીતી છે. એટલે અહીં કેમ્પફાયરના નામે એક દિવાસળી સુદ્ધાં સળગાવવાની પરવાનગી નહોતી. અમે કૂંડાળે વળીને જોક્સ, ગીતો, ગરમ પીણું વગેરેની મઝા લીધી. જો કે, પેલા કમીના ગ્રુપના એક સભ્યે લાઈટર સળગાવીને કેમ્પ ફાયર કર્યાનો સંતોષ મેળવ્યો. આમ, બીજો પડાવ પણ આનંદદાયક અને ઉત્સાહવર્ધક રહ્યો.
**** **** ****

પછીના દિવસે એટલે કે ૧૦મી તારીખે અમારે સવારે -૦૦ વાગ્યે જોષીમઠથી બસમાં નીકળીને ગોવિંદઘાટ જવાનું હતું. ગોવિંદઘાટ/Govindghat થી જ અમારું ખરેખરું ટ્રેકિંગ શરૂ થવાનું હતું.  સવારે આઠેક વાગ્યે અમે ગોવિંદઘાટ પહોંચી ગયા. જોષીમઠથી બદ્રીનાથ/Badrinath ના માર્ગ પર તે આવેલું છે અને જોષીમઠથી લગભગ ૨૭ કિલોમીટરના અંતરે છે. અહીં શીખ સંપ્રદાયનું વિશાળ ગુરુદ્વારા છે.  રહેવા-જમવાની પણ સારી વ્યવસ્થા છે. અમારે અમારો રકસેક (સામાન ભરેલો થેલો) ખભે ઉંચકીને ચાલતા જવાનું હતું. અલકનંદા નદીની એક તરફથી મુખ્ય બજારમાં થઈને નાનકડો બ્રીજ પસાર કર્યા પછી સામેના છેડેથી જે ટ્રેક શરૂ થતો હતો એ ઘાંઘરીયા સુધીનો હતો. વધારે નહીં, ફક્ત સાડા તેર કિલોમીટર ચાલવાનું હતું, અને એ પણ સામાન ઉંચકીને. છતાં સૌ ઉત્સાહમાં હતા. સામે દેખાતો ગંધમાદન/Gandhmadan પર્વત પણ અમારા ઉત્સાહને વધારતો હતો. એમ તો આ રસ્તે ઘોડાપર પણ જઈ શકાય છે. પણ પહાડી ઘોડાનો આપણને પરિચય હોય નહીં. ઉંચાઈ જોઈને એને ચક્કરબક્કર આવે તો? એટલે એ વિકલ્પ સુદ્ધાં કોઈને ન વિચાર્યો.
ગોવિંદઘાટ ખાતે અલકનંદા/Alaknanda તથા પુષ્પાવતી/ Pushpawati નદીનો સંગમ થાય છે. અમારે પુષ્પાવતીના કિનારે કિનારે પહાડી ચઢવાની હતી. શરૂઆતના એક બે કિ.મી. સરળતાથી ચાલી જવાયું. પણ એ પછી શરૂ થયો ઉબડખાબડ રસ્તો. આખા રસ્તે પથ્થરો પથ્થરો. પગ મુકવામાં સહેજ પણ ગફલત થઈ તો ઘૂંટીના લીગામેન્ટ ગયા સમજવા. પણ રમણીય પહાડ, બાજુમાં વહેતી પુષ્પાવતી નદી અને વચ્ચે વચ્ચે રસ્તામાં આવતા વિશાળ ધોધ. 

બધું કયાંય તકલીફનો એહસાસ જ થવા ના દે એવું હતું. સદનસીબે વાતાવરણ પણ વાદળછાયું હતું, જેથી ગરમી પણ ખાસ કનડતી નહોતી. આ આખા રસ્તે છેક ઘાંઘરીયા સુધી ચા- કૉફી, આલુ-પરાઠા, કોલ્ડ્ર ડ્રીન્‍ક ના સ્ટોલ્સ આવેલા છે.  એટલે વચ્ચે થોડો પોરો ખાવા રોકાઈ પણ શકાય. એમ તો છેક જોષીમઠથી ગોવિંદઘટ સુધી વેલી ઑફ ફ્લાવર્સના સપનાં જોતાં જોતાં જ આગળ વધવાનું હતું.  સુંદર, લીલાછમ પહાડો, નદી, ઝરણાં, ધોધ, વરસાદ, વાદળમાંથી પસાર થતાં થતાં  રસ્તો કાપવાનો. આવામાં ગમે એવા અજાણ્યા સાથેય દોસ્તી કરી લેવાનું મન થાય.
વચ્ચે એક બે વાર વરસાદને કારણે થોભવું પડયું. લગભગ નમતી બપોરે અમે ઘાંઘરિયા પહોંચ્યા. ચાલતી વખતે જે થાક અનુભવાયો ન હતો એ હવે લાગવા લાગ્યો. હવે કાલે સવારે અમારે અમારી મંઝીલે પહોંચવાનું હતું.

યે વાદીયાં, યે ફીઝાયેં બુલા રહી હૈ હમેં  

અહીંની સ્થાનિક પ્રવાસન અને વન વિભાગની ઓફિસમાં ફ્લાવર વેલી  વિશેનું ઘણું સાહિત્ય છે. પુસ્તકો, સ્મૃતિચિહ્નો (મેમેન્ટો), નકશા વગેરેના ઉપરાંત વેલી વિશે માહિતી આપતી નાનકડી (આશરે ૨૦ મિનીટની) ફિલ્મ પણ જોવાની વ્યવસ્થા હતી. અમે તે માણી પણ ખરી.
ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ગઢવાલ જિલ્લામાં આવેલી આ ખીણ વેલી ઓફ ફ્લાવર્સ તરીકે તો પછી ઓળખાઈ. પહેલાં તે ભ્યુંડાર ઘાટી’/ ના નામે ઓળખાતી હતી. કેમ કે તે ભરવાડ લોકોના ગામ ભ્યુંડાર નજીક આવેલી છે. ૧૯૩૧માં અંગ્રેજ પર્વતારોહકો ફ્રેન્ક સ્મીથ/ Frank Smith, એરિક શિપ્ટન/Eric Shipton અને આર.એલ.હોલ્ડ્સવર્થ/ R.L. Holdsworth હિમાલયનું કામેત શિખર/Mount Kamet સર કરવા નીકળ્યા હતા. અહીંથી પાછા વળતાં તે રસ્તો ભૂલી જતાં ગયા અને આ અદ્‍ભુત સ્થળે આવી ચડ્યા. દુનિયા આખીને સ્થળ વિશે માહિતગાર કરાવવાનું શ્રેય આ ત્રિપુટીને જાય છે. ઘાંઘરીયા ગામથી આ ખીણ ૫- કિલોમીટરના અંતરે  છે.  ગામના સામા છેડે ઉતારો હોય તો બીજા બે કિલોમીટર ઉમેરી દેવાના. ચાલતા જવાનું હોવાથી આ બાબત મહત્વની છે.
ગામના બીજા છેડેથી ઉત્તરે બે રસ્તા ફંટાય છે. એક રસ્તો હેમકુંડ સાહિબ તરફ જાય છે, બીજો ખીણ તરફ.  અમે ખીણવાળા રસ્તે આગળ વધ્યા. અહીં મજાનું પ્રવેશદ્વાર અને નાનકડું કાર્યાલય આવેલાં છે. કાર્યાલયમાંથી પરવાનગી-પત્ર એટલે કે પાસ કઢાવવાની વિધિ હોય છે. માથાદીઠ દોઢસો રૂપિયામાં એટલે કે એક પંજાબી સબ્જી જેટલા ભાવમાં જીવતેજીવ સ્વર્ગદર્શનનો લહાવો!
અહીં પુષ્પાવતી નદીનો પ્રવાહ ઝરણા કરતાં વધુ છે. આ નદી પર એક સરસ બ્રીજ આવેલો છે, જે વેલી ઑફ ફ્લાવર્સનો બાકીની દુનિયા સાથેનો સેતુ હોય એમ લાગે. અમે વહેલી સવારે છ વાગ્યામાં જ સફર શરૂ કરી દીધી.  વાતાવરણમાં ગુલાબી ઠંડી ઉપરાંત એક જુદી જાતની સુગંધ પણ હતી. બ્રીજ વટાવતાં જાણે અમે બધા વેલીમાં પ્રવેશી ગયાં હોઈએ એવો અહેસાસ થયો. કેમ કે અહીં પણ પુષ્કળ ફૂલો જોવા મળતાં હતાં. ખરેખરી વેલી તો હજી પાંચેક કિલોમીટરના અંતરે હતી.
બધાનો ઉત્સાહ અનેરો હતો. રસ્તામાં નદીને એક નાનકડું ઝરણું મળતું હતું. અમે બે-ચાર જણે એ ઝરણામાંથી સિંહની જેમ પાણી પીધું. મતલબ કે ગ્લાસ કે બોટલના ઉપયોગ વગર સીધા ઝરણાનાં પાણીમાં મોં બોળીને! એમ તો હરણાં, સસલાં જેવાં પ્રાણીઓય આ જ રીતે પાણી પીતાં હશે, પણ આપણે આપણા માટે લખવાનું હોય તો સિંહની જ કલ્પના કરવી, જેથી હાઈજિન જેવો શબ્દ યાદ ન આવે.



બે -અઢી કલાકના ટ્રેકિંગ પછી એક પહાડી પસાર કરીએ એટલે નજર સામે આખો ફૂલોની આખી સૃષ્ટિ હાજરાહજૂર થઈ જાય. આખે રસ્તે પણ જાતજાતનાં ફૂલો આવતાં જાય જુદી જુદી જાત, રંગ અને ગંધ ધરાવતાં ફૂલો જોઈને લાગે કે આપણે વેલીમાં આવી ગયા છીએ. પેલી પહાડી પસાર કરીએ કે તરત એક વિશાળ, ખુલ્લી, ફૂલોથી લથબથ ખીણ તમારી સામે હાજર થઈ જાય. નજર પહોંચે ત્યાં સુધી બસ, ફૂલો ફૂલો. ઉપર ખુલ્લું આકાશ, સામે હિમાચ્છાદિત પહાડો અને એ બેની વચ્ચે ફૂલોની વિશાળ ખીણ.




 આ અનુભવને ન તો શબ્દોમાં ઢાળી શકાય, ન કેમેરામાં ઝડપી શકાય. બસ, એને અનુભવવો જ પડે.
આ આખી વેલી ફૂલોથી ભરી પડી છે પણ થોડા થોડા અંતરે ફૂલોના પ્રકાર બદલાતા જાય છે. એક જગ્યાએ મોટે ભાગે એક જાતના ફૂલ જોવા મળે. થોડે આગળ જઈએ એટલે પાછી ફૂલની જાત બદલાય, સુગંધ બદલાય, રંગ અને દેખાવ બદલાય. બસ, ચાલ્યા જ કરવાનું મન થાય.



જહાંગીરે કાશ્મીરને જોઈને 'સ્વર્ગ અહીં છે.' કહ્યું હતું, પણ કદાચ એ બિચારાએ આ સ્થળ જોયું નહીં હોય. શીખ સંપ્રદાયના અનુયાયીઓના મતે ગુરુ ગોવિંદદિંહે પૂર્વજન્મમાં 'હેમકુંડ' ના કિનારે તપસ્યા કરી હતી. તેમને  આશીર્વાદ આપવા માટે સ્વર્ગમાંથી દેવોએ પુષ્પવર્ષા કરી હતી તે જ આ જગ્યા.



અહીં ૨૦૦૦થી વધુ જાતનાં ફુલો/ વનસ્પતિઓ ઉગે છે, અને અમુક તો અત્યંત કિંમતી છે. તેની ચોરી થાય તે માટેની પણ કડક વ્યવસ્થા છે એવું જ્ઞાન અમને આપવામાં આવ્યું હતું. એવી વ્યવસ્થા અમને ક્યાંય જણાઈ નહીં. કદાચ અતિ ગુપ્ત હશે. અહીંનો નજારો જોઈને ફૂલ તોડવાની ઈચ્છા જ ન થાય એ વાત અલગ છે.

વાદળની પેલે પાર આસ્થાનાં સ્થાન 

બીજા દિવસે અમે હેમકુંડ સાહેબ/ Hemkund Sahib જવા નીકળ્યા. શીખ લોકોની આસ્થાનું આ સ્થાનક છે. ઘાંઘરિયા ગામના છેડે જ્યાંથી બે રસ્તા જુદા પડે છે, ત્યાંથી હેમકુંડ તરફના રસ્તે આગળ વધીએ કે દૂરથી માઈક પર ગ્રંથસાહિબના શબ્દ, ભજનના સૂર  એકધારા સંભળાયા કરે છે. એ સાંભળતાં એમ જ લાગે કે હમણાં આપણે ત્યાં પહોંચી જઈશું. અમે તો નકશામાં જોઇને  રસ્તે આવતા વળાંકો પણ ગણી કાઢેલા. નકશામાં રસ્તાનું અંતર દેખાડેલું હોય, રસ્તાનું વર્ણન એમાં ક્યાંથી હોય? એ તો આગળ વધીએ એમ ન અનુભવ થાય. મોટા મોટા પથ્થરોને ઢંગધડા વગર ગમે તેમ ગોઠવીને રસ્તો બનાવાયો છે અને તેની પર ઘોડાઓની ભરમાર સતત એવી ચાલ્યા કરે કે સરખી રીતે પગ મૂકવાની પણ જગ્યા મળે. આમ છતાંય શીખબંધુઓ આસ્થાથી પ્રેરાઈને ભાવપૂર્વક અહીં આવે. કોઇક કોઇક તો વળી સાવ અડાયા પગે ચાલતા જોવા મળ્યા. પથ્થરો બરફ જેવા ઠંડા અને વચ્ચે વચ્ચે વાદળમાંથી પણ પસાર થવું પડે. આવામાં વરસાદ પડે તો શું થાય એ વિચાર જ થથરાવી મૂકનારો છે. સદનસીબે હવામાન અમારી તરફેણમાં કરતું હતું.
અહીં પણ પહાડોમાં ફુલો થાય છે, પણ જૂજ માત્રામાં. એક ખાસ ફુલ અહીં જોવા મળે છે, જેનું નામ  છે બ્રહ્મકમળ. 
બ્રહ્મકમળ 
હેમકુંડસાહિબ નામનું સરોવર છેક પહાડની ટોચ પર છે. આ સરોવરના કિનારે વિશાળ ગુરુદ્વારા છે. અહીં લક્ષ્મણજીનું પણ એક મંદિર છે. કહેવાય છે કે આખા ભારતમાં બીજે ક્યાંય એવું મંદિર નથી. હેમકુંડસાહિબમાં સ્નાન અને ગુરુદ્વારામાં દર્શન કર્યા પછી લંગરમાં સ્વાદિષ્ટ પ્રસાદ! અહીં આવતાં પડેલી બધી તકલીફો વસૂલ લાગે.


હવે અમારો વળતો પ્રવાસ શરૂ થવાનો હતો. પીઠે રકસેક ભરવીને ચાલતાં નીચે ઉતરવાનું પ્રમાણમાં સરળ છે, પણ તેમાં સાવચેતી બહુ રાખવી પડે. વાતવરણ ચોખ્ખું હોવાને કારણે અવારનવાર હેલિકોપ્ટરનાં દર્શન પણ થતાં હતાં. પગપાળા યાત્રા ઓછા સમયમાં અને સરળતાથી કરવા ઇચ્છતા લોકો માટે ડેક્કન એર  તરફથી આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. તે માટે ગોવિંદઘાટ તેમ ઘાંઘરીયા ખાતે હેલિપેડ ઊભાં કરવામાં આવ્યાં છે.
અમે ગોવિંદઘાટ પહોંચ્યા. ભોજન કર્યું. હવે અમારે ચારધામમાંના એક એવા બદ્રીનાથ/Badrinath  જવાનું હતું, જે અહીંથી આશરે પચીસેક  કિ.મી. છે. અમે બસમાં ગોઠવાયા અને ત્યાં પહોંચ્યા.
પહોંચીને સૌથી પહેલાં તો ત્યાંના ગરમ પાણીના કુંડમાં નહાવાનું જ મન થઈ જાય. છેલ્લા ઘણા દિવસથી ગરમ પાણીથી નહાવાનો તેમ થાક ઉતારવાનો મોકો ક્યાં મળ્યો હતો!  અમે ભારત સેવસંઘમાં ઉતર્યા હતા. અને અહીંથી અલકનંદા નદી, ધોધ, નીલકંઠ પર્વત તેમ બદ્રી-વિશાલના મંદિરનું પ્રાંગણ- દરવાજો- શિખર બિલકુલ સાફ દેખાતાં હતાં.  




બીજે દિવસે અમે બદ્રી-વિશાલથી કિલોમીટર દૂર આવેલા માના ગામ ગયા. ગામ ભારત અને તિબેટ (હાલ ચીન) સરહદ પરનું આપણા દેશનું અંતિમ ગામ છે. અને દર્શાવતું એક ચાની દુકાનનું પાટિયું ખાસ 
પ્રખ્યાત છે




માના ગામમાં ગણેશ ગુફા અને વ્યાસ ગુફા (મહર્ષિ વેદ વ્યાસ) જોવાલાયક છે. પણ અમને વધુ રસ વસુધારા ધોધ અને ભીમ પુલ જોવામાં હતો. લોકવાયકા એવી છે કે પાંડવો દ્રોપદી સહિત રસ્તેથી સ્વર્ગારોહણ માટે સંચર્યા હતા. અહીં ઝરણાને પાર કરવા માટે એક મોટી શિલા પરથી પસાર થવું પડે છે, જે ભીમપુલ તરીકે પ્રખ્યાત છે. માના ગામના બીજા છેડેથી વસુધારા ફોલ/Vasudhara Fall આશરે પાંચેક કિલોમીટરે આવેલો છે. આખો રસ્તો સૂમસામ અને ભેંકાર જણાય. આજુબાજુ મોટા મોટા પહાડો છે, પણ અહીં ટ્રેકર સિવાય ખાસ કોઈ અવરજવર હતી. હવામાન ચોખ્ખું હોય તો રસ્તો આહ્લાદક પણ એટલો છે. પથ્થરોને વ્યવસ્થિત રીતે ગોઠવીને બનાવેલો હોવાને કારણે રસ્તો પ્રમાણમાં સરળ હતો.



દૂરથી વસુધારા પ્રપાતનાં દર્શન થતા રહે એટલે તેને નજર સામે રાખીને ચાલતા રહેવાય. બાકી તો બે પહાડો વચ્ચેની ખુલ્લી ખીણ અને વાદળોની રમત ક્યારેક ચિંતા પણ કરાવી દે. પાંચેક કિલોમીટર ચાલ્યા પછી પ્રપાત પાસે પહોંચતાં જ અકલ્પનીય દૃશ્ય નજરે પડે. એક સીધા પહાડ પરથી પાણી સીધું નીચે પડે છે અને પહાડના પથ્થરો સાથે અથડાઈને નાના જળબિંદુઓમાં વિભાજીત થઈ જાય છે. આખુંય દૃશ્ય અલૌકિક જણાય. આ પ્રપાતના છેક તળિયાના ભાગ સુધી જઈ શકાય છે.

**** **** **** 

બસ, આ અમારો આ પ્રવાસ પૂરતો આખરી મુકામ હતો. અહીંથી તબક્કાવાર વળતો પ્રવાસ કરીને અમે પાછા ભરુચ આવ્યા ત્યારે વધુ આનંદ સલામત પાછા આવ્યાનો હતો કે પ્રવાસનાં સ્મરણોને વાગોળવાનો હતો એ નક્કી કરવું અઘરું હતું. હવે આ બ્લોગપોસ્ટ નિમિત્તે તેને ફરી યાદ કરીને આપ સૌની સાથે તેને વહેંચવાનો આનંદ પણ એટલો જ છે. 

(તસવીરો: યશ ધોળકીયા, દેવેન્‍દ્રસિંહ ગોહિલ, સતીશચંદ્ર પટેલ) 

(આ અલૌકિક સ્થળની કેટલીક તસવીરી ઝલક હવે પછી.)