Showing posts with label જન્મદિન. Show all posts
Showing posts with label જન્મદિન. Show all posts

Sunday, March 12, 2023

અકાદમી જેવા એકલવીરના જન્મદિને

 જ્યોતીન્દ્ર માનશંકર ભટ્ટનો આજે 89મો (જન્મવર્ષ 1934) જન્મદિન છે. આ નામ કદાચ થોડું અજાણ્યું લાગે, પણ 'જ્યોતિ ભટ્ટ' કહેતાં તેમની ઓળખાણ તરત પડી જાય. 'જ્યોતિભાઈ' તરીકે જાણીતા આ કલાકારને કોઈ એક ઓળખમાં બાંધવા મુશ્કેલ છે. ચિત્રકાર, પ્રિન્ટમેકર, તસવીરકાર તરીકે તેઓ જાણીતા છે. ઉપરાંત તેમનું લેખન પણ ઉત્તમ કક્ષાનું છે. તેમનાં લખાણો મુખ્યત્વે કળાવિષયક અને ગુજરાતીમાં હોય છે.

ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં મેં 1991માં પેઈન્ટીંગ વિભાગમાં પ્રવેશ લીધો એ તેમનું કૉલેજમાં છેલ્લું વરસ હતું. આથી તેમનો થોડોઘણો લાભ મળી શક્યો ખરો. એકાદ વરસમાં મેં પણ કૉલેજ છોડી. મને તેઓ એક ઉમદા પ્રાધ્યાપક તરીકે યાદ રહેલા, અને તેમને હું યાદ રહું એવી કોઈ શક્યતા નહોતી. એ પછી 1996- 97ની આસપાસ હોમાય વ્યારાવાલાનું સરનામું મેળવવા માટે મેં તેમને ફોન કરેલો. ત્યાર પછી મારા સંજોગો બદલાયા અને 2007થી પૂર્ણ સમયના લેખનક્ષેત્રે હું પ્રવેશ્યો. ફેબ્રુઆરી, 2008થી 'અહા!જિંદગી' માસિકમાં 'ગુર્જરરત્ન' નામે મારી કોલમ શરૂ થઈ, જેમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા ગુજરાતીઓ વિશે મારે તેમની મુલાકાત લઈને લખવાનું હતું. એ ક્રમમાં બરાબર એકાદ વરસ પછી, એટલે કે ફેબ્રુઆરી, 2009માં મેં જ્યોતિભાઈનો સંપર્ક કર્યો. અમે રૂબરૂ મળ્યા. બે દિવસ સુધી લીધેલા તેમના સુદીર્ઘ ઈન્‍ટરવ્યૂના આધારે લખાયેલો એ લેખ 'અહા!જિંદગી'ના માર્ચ, 2009માં પ્રકાશિત થયો. એ લેખ જ્યોતિભાઈ સાથેના અનિયમીત સંપર્કનું નિમિત્ત બની રહ્યો. ત્યારથી લઈને આજ સુધી, અમે એકમેકના અનિયમીત, છતાં નિયમીત સંપર્કમાં છીએ. (એ લેખ હવે 'ગુર્જરરત્ન' નામના મારા પુસ્તકમાં છે.)
તેમને મળવાનું નાનામોટા કોઈ કામસર ગોઠવાય, પણ મળવા જઈએ અને કામની વાત પૂરી થાય એ પછી અલકમલકની વાતો નીકળે. તેઓ 'મૅડ'ના પણ પ્રેમી, એટલે એના વિશે વાત થાય જ, ઉપરાંત બીજા અનેક વિષયો પર વાત થાય. 2009 પછી તેમની દૃષ્ટિ સતત નબળી થતી ચાલી છે, અને હવે તો એ સાવ ક્ષીણ થઈ ગઈ છે. છતાં તેમનો વાંચનરસ એટલો જ પ્રબળ રહી શક્યો છે. હવે તેઓ એક સહાયક પાસે પોતાને ગમતું વાંચન કરાવે છે, એટલું જ નહીં, તેનો પ્રતિભાવ પણ આપે છે.
જ્યોતિભાઈની વાત કરીએ એટલે જ્યોત્સ્નાબહેનને અવશ્ય યાદ કરવાં પડે. દેશનાં અગ્રણી સીરામીસીસ્ટ એવાં જ્યોત્સ્નાબહેન પણ એટલાં જ પ્રેમાળ. જુલાઈ, 2020માં તેમનું અવસાન થયું અને તેમની જોડી ખંડિત થઈ. જ્યોતિભાઈને તેમની ખોટ કેવી અનુભવાતી હશે એ કલ્પી શકાય એમ છે, પણ તેમણે જે સકારાત્મકતાથી પોતાની જાતને સંભાળી લીધી છે એ જોઈજાણીને આનંદ થાય એવું છે.
ચારેક દિવસ પહેલાં એક કામ અંગે તેમને મળવા જવાનું બન્યું અને રાબેતા મુજબ વૈવિધ્યસભર વાતોમાં અમે થોડો સમય ગાળ્યો. આ વખતે તેમનાં દીકરી જાઈ પણ હતાં.

જ્યોતિભાઈ સાથે અનૌપચારિક વાતચીત (તસવીર સૌજન્ય: જાઈ સિંઘ)

જ્યોતિભાઈની તસવીર અંગેનાં ઘણાં પુસ્તક પ્રકાશિત થયાં છે, જેમાંના કેટલાંકનાં નામ આ મુજબ છે: Parallels that Meet, The Photographic Eye of Jyoti Bhatt,The Inner Eye and the Outer Eye, Jyoti Bhatt: Time & Time Again, Where? When? Why? Photologue by Jyoti Bhatt વગેરે.
તેમનાં કળાવિષયક લખાણો 'રૂપ નામ જૂજવાં' પુસ્તકમાં (પ્રકાશક: ગુજરાત કલા પ્રતિષ્ઠાન, સુરત) તેમજ વાસવી ઓઝા સંપાદિત 'Modernism/ Murderism: The Modern Art Debate in Kumar' પુસ્તકમાં સંઘરાયેલાં છે.
પોતાના કામ થકી અનેકો માટે પ્રેરણારૂપ બની રહેનાર તેમજ જીવનરસથી સભર અભિગમ દાખવનાર જ્યોતિભાઈને જન્મદિને અનેકાનેક શુભેચ્છાઓ.

Sunday, September 15, 2013

કૃષ્ણકાન્‍ત (કે.કે.) નો ૯૨ મા વર્ષમાં પ્રવેશ: સૌમ્યતા, સજ્જનતા અને શાલીનતાનો સંગમ


ગુજરાતી, મારવાડી, સિંધી, પંજાબી, બંગાળી જેવી પ્રાંતિક ઓળખ આપણે જે તે પ્રાંતના લોકોને લગાડતા હોઈએ છીએ, અને તેમની વિવિધ લાક્ષણિકતાઓને ઘેરી બનાવીને ઉજાગર કરતા વિવિધ જોક્સ બનાવીને છૂટથી કહેતા હોઈએ છીએ. ખરેખર તો આ લક્ષણો પ્રાંતવિશેષ નહીં, પણ દરેક વ્યક્તિમાં જોવા મળી શકે, પણ અલગ અલગ સમયે.
જેમ કે, એક મારવાડી સજ્જને બહુ તપ કર્યું એટલે તેની પર ભગવાન પ્રસન્ન થયા. રાજી થયેલા ભગવાને વગર માંગ્યે ભગવાને તેને વરદાન આપી દીધું, “તારી સાત પેઢી સુધી ચાલે એટલું ધન તને આપું છું.” ભગવાનને એમ કે આ ભક્ત અત્યંત ખુશ થઈ જશે, અને ભક્તિભાવપૂર્વક તેમના પગ પકડી લેશે. તેને બદલે તેમનું મોં પડી ગયું. ભગવાને ચિંતાથી પૂછ્યું, “વત્સ, શું થયું? તારી સાત પેઢી ચાલે એટલું ધન તને આપી દીધું તોય તું દુ:ખી કેમ જણાય છે?” પેલા સજ્જને ચિંતાગ્રસ્ત ચહેરે ભગવાનને પૂછ્યું, “મારી આઠમી પેઢીનું શું થશે?”
આમ જોઈએ તો આ જોક બહુ સામાન્ય છે, પણ એમાં ‘મારવાડી’ ભક્તને ખોટા બદનામ કરાયા છે. એની જગાએ કોઈ પણ હોઈ શકે. બીજાની વાત જવા દઈએ, આપનો વિશ્વાસુ એટલે કે આ બ્લોગર પણ એક વખત આ ભૂમિકામાં આવી ગયેલો. એ શી રીતે? ક્યારે?
**** **** ****
સુરતના અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્‍ત (કે.કે.)ના નામ અને કામથી આ બ્લોગના વાચકો પરિચીત છે. તેમનાં ફિલ્મી જીવનનાં છ દાયકાનાં સંભારણાંનું આલેખન કરતા પુસ્તક ‘ગુઝરા હુઆ ઝમાના’ના કામનો આરંભ થયો એ તબક્કાથી તેની વિવિધ વાતો અહીં વહેંચી છે. પુસ્તકનું સંપાદનકાર્ય પૂરું થયું એ અંગેની સૌ પ્રથમ જાણ અહીં કરવામાં આવી હતી. (એ પોસ્ટ અહીં  ક્લીક કરવાથી વાંચી શકાશે.)
છએક મહિનાનો સમય વીત્યો. હસ્તપ્રત તૈયાર થયા પછી તેના પ્રકાશન અંગેની ગતિવિધીઓ ચાલતી રહી. છઠ્ઠી એપ્રિલ, ૨૦૧૩ના દિવસે ‘સાર્થક પ્રકાશન’ દ્વારા આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. પણ ખરી કમાલ સર્જી કે.કે.ના સુરતના ચાહકોએ. ૨૦ એપ્રિલ, ૨૦૧૩ના દિવસે સુરતમાં યોજાયેલા આ પુસ્તકના લોકાર્પણ સમારંભમાં સૌ ઉલટભેર ઉમટ્યા. આ પુસ્તકની પહેલી આવૃત્તિ એ દિવસે, એટલે કે લગભગ પંદરેક દિવસની અંદર મોટે ભાગે વેચાઈ જવા આવી. (પુસ્તકનિર્માણના તબક્કાની થોડી વાતો અને સુરતના એ કાર્યક્રમનો અહેવાલ અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.)

સુરતના કાર્યક્રમની એક ઝલક 

‘સાર્થક પ્રકાશને’ એક મહિનામાં જ આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. એ જાણીને ક્ષણિક પેલા મારવાડી ભક્તની મનોદશામાં પ્રવેશી જવાયું. મનમાં થયું, “પહેલી આવૃત્તિ એક મહીનામાં વેચાઈ ગઈ, એ રીતે બીજી આવૃત્તિ થોડી વેચાઈ જવાની છે?” પછી તરત થયું કે આપણે કેમ પેલા જોકમાં આવતા મારવાડી ભક્ત જેવા બની ગયા?  
**** **** ****
આજે હવે જુદા કારણસર ‘ગુઝરા હુઆ ઝમાના’ને યાદ કરવાની છે. મૂળ વિચાર એવો હતો કે એક વાર પુસ્તક આવી જાય એ પછી તેની પ્રક્રિયા  અંગેની કેટલીક વાતો લખીશું. વિચાર આવવાનું કારણ એ કે આ વાતો એવી હતી કે જેનો ઉલ્લેખ પુસ્તકમાં ક્યાંય થયો ન હોય કે એવા સંજોગોય ન હોય. નિર્માણસંબંધી અનુભવ મોટે ભાગે યાદગાર બની રહેતો હોય છે- સારી રીતે કે ખરાબ રીતે. આમ છતાંય તેની પ્રગાઢતા સમયાંતરે ઓસરતી જાય છે. આવા સમયે તે સમયસર લખાઈ જાય તો એમાં રસ પડે એ તો ખરું જ, પણ અંગત રીતેય એ બાબતનું દસ્તાવેજીકરણ થઈ જાય એ પણ એક વાત ખરી. અહીં માત્ર બે-ત્રણ કિસ્સા. 
**** **** ****

રમાશંકર ચૌધરી:
મૂળ આ ફોટો
મૂકવાનું
વિચારેલું. 
આ પુસ્તકના પહેલવહેલા પ્રકરણનું નામ ‘ગુઝરા હુઆ ઝમાના’ છે, જેમાં વીતેલા સમયના ખ્યાતનામ દિગ્દર્શક રમાશંકર ચૌધરીની વાત કરવામાં આવી છે. મૂંગી ફિલ્મોના જમાનામાં ચૌધરીસાહેબનો કેવો દબદબો હતો! પાન ખાવાના શોખીન એવા ચૌધરીસાહેબ અતિ વ્યસ્ત રહેતા, ઉપરાંત સ્વભાવે ધૂની અને અતડા. કે.કે.એ એપ્રેન્ટીસ આસિસ્ટન્‍ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું એ ફિલ્મ ‘આદાબ અર્ઝ’ના દિગ્દર્શક રમાશંકર ચૌધરી હતા.

‘એપ્રેન્ટીસ આસિસ્ટન્‍ટ ડિરેક્ટર’ નો સાદી ગુજરાતીમાં અનુવાદ એટલે ‘મફતમાં ઢસરડા કરનાર મદદનીશ.’ વરસો વીત્યાં. કે.કે.ની કારકિર્દી ચરિત્ર અભિનેતા તરીકે આગળ વધી. અને ચૌધરીસાહેબ? કે.કે. એક વખત પોતાની કારમાં પસાર થતા હતા. તેમણે ચૌધરીસાહેબને બસસ્ટેન્‍ડે લાઈનમાં ઉભેલા જોયા. કે.કે.એ કાર નજીક લીધી અને ચૌધરીસાહેબને જ્યાં જવું હોય ત્યાં ઉતારી દેવાની ઑફર મૂકી. “બેટે, કૌન હો તુમ?” પૂછતાંય ચૌધરીસાહેબને ઓળખાણ ન પડી કે આ કોણ હતું જે તેમના આવા સમયમાં કારમાં બેસવાની ઑફર કરતું હતું. અચકાતા અચકાતા એ અંદર ગોઠવાયા. થોડી વારમાં તેમને ઉતરવાનું ઠેકાણું આવ્યું એટલે તેમણે કાર થોભાવવા કહ્યું. કે.કે.એ કાર થોભાવી એટલે એ નીચે ઉતર્યા. પછી કહ્યું, “બેટા, એક કામ હૈ. મુઝે દસ રૂપિયા દોગે? મૈં તુમ્હેં બાદ મેં દે દુંગા.” આ સાંભળીને કે.કે.ના કાળજે કેવો ચિરાડો પડ્યો હશે એ સમજી શકાય છે. ‘બાદ મેં’ એટલે ક્યારેય નહીં. પણ એક સમયના ટોચના દિગ્દર્શકની આ હાલત? તેમણે દસ રૂપિયા આપ્યા.
આ આખો કિસ્સો અમે ફોન પર વાંચ્યો. વાંચ્યા પછી બે ઘડી સ્તબ્ધ થઈ જવાયું. છેવટે મૌન તોડતાં મેં કે.કે.ને કહ્યું, “ચૌધરીસાહેબનો એકમાત્ર ફોટો અત્યાર સુધી ઉપલબ્ધ છે. મારી પાસે એ છે. આપણે અહીં એ મૂકીએ તો વાત વજનદાર બને અને વાંચનારને તરત જ અનુસંધાન સધાય.”
આ સાંભળીને કે.કે.એ ક્ષણનાય વિલંબ વિના કહ્યું, “ચૌધરીસાહેબ માટે મને બહુ આદર છે, કેમ કે તેમની ફિલ્મથી મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેમનો ફોટો મૂકવો મને સામાન્ય સંજોગોમાં ગમ્યો હોત, પણ આ પ્રકરણમાં તેમના અસ્તાચળની વાત આવે છે, એટલે તેમનો ફોટો મૂકીને તેમનું ગૌરવભંગ કરવાનું મને નહીં ગમે.” 

'આદાબ અર્ઝ'ની બુકલેટનું કવર: છેવટે
આ મૂકીને સંતોષ માનવો પડ્યો. 
પોતે જેમના હાથ નીચે કામ શીખ્યા તેમનું ગૌરવ જાળવીનેય સાચી વાત લખવી એવા કે.કે.ના આગ્રહને માન આપવું જ પડે. છેવટે અમે ચૌધરીસાહેબના ફોટાની જગાએ ‘આદાબ અર્ઝ’ની બુકલેટનું કવરપેજ મૂક્યું.
**** **** ****
પુસ્તકનું સંપાદન કરવાનું હોય અને એ વિષય ગમતો હોય તો બસ! એમ થાય કે બને એટલી વધુ વિગતોનો સમાવેશ એમાં કરીએ. કેમ કે, આપણને ખુદને જ એટલી બધી જિજ્ઞાસા હોય કે ન પૂછો વાત! એક લીટીમાં લખાયેલી સીધીસાદી જણાતી વાત કે માહિતી મેળવવા પાછળ ઘણીવાર કેવી કવાયત કરવી પડે એ કહ્યા વિના અંદાજ ન આવે. એ કવાયતની પણ મઝા હોય છે!
દેવર ફિલ્મ્સ 
‘ગુઝરા હુઆ ઝમાના’માં એક પ્રકરણ છે ‘તકદીર કા સારા ખેલ હૈ યે’. ફિલ્મની દુનિયામાં તકદીર કેવો ભાગ ભજવે છે એ દર્શાવતા કેટલાક સ્વતંત્ર કિસ્સાઓનું તેમાં આલેખન કરાયું છે. આમાં સૌથી મહત્વનો અને રસપ્રદ કિસ્સો છે દેવરસાહેબનો. રાજેશ ખન્નાની સુપરહીટ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ના નિર્માતા તરીકે તેમની ઓળખ આપવી વધુ યોગ્ય ગણાય.
‘સેન્‍ડો એમ.એમ.એ. ચિનપ્પા દેવર’ જેવું આખું નામ ધરાવતા આ નિર્માતાના આરંભકાળના આકરી ગરીબીના દિવસોનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. ભગવાન મુરૂગનમાં અતૂટ અને અખૂટ આસ્થા ધરાવતા દેવરને એક તબક્કે ત્રણ-ચાર દિવસ લગી અન્ન નસીબ થતું નથી. અચાનક અણધારી સહાય તેમને પ્રાપ્ત થાય છે. તે પ્રતિજ્ઞા લે છે કે પોતે જે કંઈ કમાણી કરશે એમાંથી પચીસ ટકા હિસ્સો ભગવાન મુરૂગનને ચરણે ધરશે.
નસીબનું ચક્ર પલટાય છે અને દેવરસાહેબ ફાઈટ માસ્ટરમાંથી એનિમલ ટ્રેનર અને એ પછી નિર્માતા બને છે. પોતાની પહેલવહેલી તમિળ ફિલ્મ બનાવે છે, જે સુપરહીટ થાય છે. આવા વર્ણનને અંતે પ્રકરણમાં લખ્યું છે: "ભગવાન મુરૂગનની આસ્થાને વણી લેતી વાર્તા પર આધારીત તમિળ ફિલ્મ તેમણે બનાવી, જે સુપરહીટ થઈ." 
આ રસપ્રદ કિસ્સો વિગતે આ પ્રકરણમાં આલેખાયો છે. પણ લખાણમાં તમિળ ફિલ્મનું નામ નહોતું લખવામાં આવ્યું. પણ આ પ્રકરણ અંગે વાત કરતી વખતે મને સવાલ થયો કે દેવરની એ ફિલ્મ કઈ? તેનું નામ શોધીને લખવું જોઈએ. કે.કે.સાહેબને પૂછી જોયું, પણ તેમને એ ફિલ્મનું નામ ખબર નહોતી. નામ ન લખીએ તો ચાલે એમ હતું, પણ એમ કરવાથી એક અધૂરપ લાગતી હતી. ફિલ્મ તમિળ હતી એટલે પૂછવુંય કોને? છતાંય કે.કે.સાહેબે એક દિવસની મુદત માંગી. મને મનમાં થયું કે એક દિવસમાં તે શું દેવરના ‘પ્લેન્‍ચેટ’નું આવાહન કરીને તેને નામ પૂછશે?
બીજે દિવસે અમારા ત્યારના નિત્યક્રમ મુજબ કે.કે.નો ફોન આવ્યો એટલે તેમણે જણાવ્યું, “પહેલાં પેલી તમિળ ફિલ્મનું નામ લખી લો.” આશ્ચર્ય વચ્ચે મેં પૂછ્યું, “અરે, ક્યાંથી મેળવ્યું આ નામ?” એની કથા કંઈક આવી હતી.
આગલે દિવસે મારી સાથે વાત પત્યા પછી કે.કે.સાહેબે ફોન લગાવ્યો હતો ચેન્નાઈમાં રહેતા એચ. વિજયકુમારને. મૂળ ગુજરાતી એવા એચ. વિજયકુમાર દક્ષિણ ભારતમાં વરસોથી વસેલા છે અને દક્ષિણના ઘણા નિર્માતાઓ સાથે કામ કરી ચૂક્યા છે. સ્વાર્થ અને મતલબની ગણાતી ફિલ્મી દુનિયામાંથી પોતે નિવૃત્ત થઈ ગયા પછી આટલા વરસેય કે.કે.સાહેબે પોતાના સંપર્કો જીવંત રાખ્યા હતા. એચ. વિજયકુમાર સાથે પણ તેમનો સંપર્ક જીવંત હતો. ફોન પર તેમણે તરત જ દેવરની એ સૌ પ્રથમ ફિલ્મનું નામ જણાવી દીધું. એ નામ અમે યોગ્ય જગાએ મૂકી દીધું. ફિલ્મનું નામ હતું ‘દૈવમ’.
એક સહજ ક્રમમાં વાક્યમાં આવતું આ નામ વંચાઈ જાય, ત્યારે ભાગ્યે જ ખ્યાલ આવે કે આ એક નામ શોધવા અને લખવા માટે આવી મગજમારી કરી હશે.
**** **** ****
નિતીન બોઝ વિષેના અદ્‍ભુત પ્રકરણનું વાંચન અમે ફોન પર પૂરું કર્યું. કોલકાતાના એક જમાનાના ટોચના આ દિગ્દર્શક મુંબઈ આવ્યા અને એ પછી તેમની ફિલ્મો ઉપરાઉપરી નિષ્ફળ ગઈ. તેમના એ દિવસોનું વર્ણન બહુ સચોટ રીતે કે.કે.એ કર્યું છે. પ્રકરણના પુન:આયોજન પછી વાત આવી તેનું શિર્ષક આપવાની. નિતીન બોઝ દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘દુશ્મન’નું કુંદનલાલ સાયગલે ગાયેલું અમર અને અવિસ્મરણીય ગીત ‘કરું ક્યા આસ નિરાસ ભઈ’ આ પ્રકરણ માટે મને તદ્દન બંધબેસતું લાગ્યું. એટલે કંઈક આ રીતે પ્રકરણનું નામ લખવાનું સૂચન કર્યું: ‘નિતીન બોઝ:કરું ક્યા આસ નિરાસ ભઈ’.
નિતીન બોઝ: આસ નિરાસ ભઈ? 
કે.કે.ને પણ શીર્ષક યોગ્ય લાગ્યું. પણ તેમણે કહ્યું, “નિતીન બોઝ મારા માટે બહુ આદરણીય દિગ્દર્શક હતા, એ ઉપરાંત મારા ગુરુ પણ હતા. હું જે કંઈ પણ શીખ્યો એ તેમની પાસેથી શીખ્યો છું. તેમના વિષે આવું નકારાત્મક શીર્ષક આપવું મને ગમતું નથી. વાત ભલે સાચી હોય, પણ આજેય હું તેમને ગુરુભાવે સ્મરું છું. એટલે મારો એ ભાવ પ્રગટ થાય એવું સીધુંસાદું શીર્ષક આપીએ.” કે.કે.ની લાગણીની જાણ હોવાથી એ બાબતે દુરાગ્રહનો કોઈ સવાલ નહોતો. એ શીર્ષકને બદલે ‘મારા ગુરુ નિતીન બોઝ’ જેવું સીધુંસાદું, પણ કે.કે.ની ખરા હૃદયની લાગણી સૂચવતું શીર્ષક રાખવામાં આવ્યું.
**** **** ****
આવી અનેક નાનીનાની વાતો હતી, પણ આ તમામમાં એક ગુણ કે.કે.નો સતત જોવા-અનુભવવા મળ્યો તે એમની શાલીનતા અને ગરવાઈનો. સામાન્યપણે ફિલ્મના પુસ્તકમાં અનિવાર્ય ગણાય એવી ‘ગોસિપ’નો આમાં કોઈ ઉપક્રમ જ નહોતો. પોતાની આસપાસનાં પાત્રો, એ સમયગાળો, કાર્યપદ્ધતિ વગેરે અનેક બાબતોના એ સક્રિય સાક્ષી રહ્યા હતા, તેનું આલેખન કરવાનો આશય મુખ્ય હતો, જે ફળીભૂત થઈ શક્યો છે એમ અમને લાગ્યું છે.

આજે ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ કે.કે. એકાણું વર્ષ પૂરાં કરીને ૯૨ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે,  કે.કે.ના અભિનયની, તેમની કારકિર્દીનો લાંબો પટ દર્શાવતી કેટલીક વીડીયો ક્લીપ્સ તેમજ કે.કે.નું પ્રદાન દર્શાવતી ફિલ્મોગ્રાફી બે વરસ પહેલાં આ જ દિવસે મૂકી હતી, જે  અહીં  ક્લીક કરવાથી જોઈ શકાશે.

૯૨મા વર્ષમાં પ્રવેશ 
સુરતમાં નિવાસ કરતા ગુજરાતના ખરા અર્થમાં ગૌરવરૂપ આ અભિનેતા-દિગ્દર્શકને આજે ૯૨ મા વરસમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
તેમને  ફોન દ્વારા શુભેચ્છા પાઠવવા ઈચ્છતા મિત્રો-શુભેચ્છકો +૯૧- ૨૬૧- ૨૨૫૯ ૩૦૯ (ભારતમાંથી ફોન કરનાર મિત્રો માટે ફક્ત ૦૨૬૧- ૨૨૫૯ ૩૦૯) પર પાઠવી શકે. 
                                            **** **** ****

અભિનય-દિગ્દર્શન ક્ષેત્રે છ દાયકાની સફર તય કરનાર કૃષ્ણકાન્‍ત (કે.કે.)નાં સંભારણાં
‘ગુઝરા હુઆ ઝમાના' (આલેખન: કૃષ્ણકાન્‍ત, સંપાદન: બીરેન કોઠારી, બીજી આવૃત્તિ: મે, ૨૦૧૩, પૃષ્ઠસંખ્યા: ૩૦૪, કિંમત: ૩૦૦ રૂ., કદ: ૮.૫ ઈંચ બાય ૫.પ ઈંચ, સાર્થક પ્રકાશન) 
વિક્રેતા: 'બુકશેલ્ફ', સાર્થ ૧૬, સીટી સેન્‍ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૯  
બુકશેલ્ફનો ઈ-મેલ: bookshelfa@gmail.com અથવા 'સાર્થક પ્રકાશનનો ઈ-મેલ: spguj2013 @gmail.com 
ફોનસંપર્ક: +91 90990 00362 (બુકશેલ્ફ),  +91 98252 90796 (શ્રી કાર્તિકભાઈ શાહ, સાર્થક પ્રકાશન) 

Friday, July 6, 2012

બારહ આંખે, દો હાથ




એક કંપનીની કોર્પોરેટ ઓફિસની કલ્પના કરો. કેવું હોય એનું માળખું, વિવિધ વિભાગ, તેમની કાર્યપદ્ધતિ અને કાર્યનો વ્યાપ?
એચ.આર.વિભાગ/H.R.Section પાસે તમામ કર્મચારી અને કર્મચારીને સંબંધિત અન્ય વ્યક્તિઓનાં નામ-સરનામાં અને કંપનીના સંપર્કોનો શહેર મુજબ ડેટાબેઝ હશે, જે જોઈએ ત્યારે હાથવગો હોય. પોતાના માણસની લાયકાત, પગાર અને અન્ય ભથ્થાંઓ, ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન, એલ.ટી.સી; મેડીકલ, ડી.એ. ઉપરાંત જન્મદિન, લગ્નદિન, પરિવારજનોના શુભ દિન જેવી અંગત માહિતી અહીંથી તરત મળી શકે. 
એના પરચેઝ/Purchase- એડમીન વિભાગમાં/Administration Section કંપની માટે જોઈતી તમામ ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હોય અને એ ખરીદતાં અગાઉ તેનો નિર્ધારીત જથ્થો, ગુણવત્તાની ચકાસણી અને ભાવતાલ સુધીની વિધિ થતી હોય. આ સિવાય ખરીદ કરેલી વસ્તુ કે સેવાની ચૂકવણી માટેની શરતો અને સમયમર્યાદા પણ નક્કી થતી હોય. સેલ્સ વિભાગ/ Sales Department ના સતત અને સખત પ્રયત્નોથી નવા નવા ઓર્ડરો કંપનીના આંગણે ઠલવાતા રહેતા હોય. 
કો-ઓર્ડીનેશન ઈઝ મસ્ટ, યુ સી! 

સેલ્સ વિભાગનો પૂરક એવો માર્કેટીંગ વિભાગ/ Marketing Department કંપનીના ઉત્પાદન અને સેવાઓ વિષે ગ્રાહકોને માહિતગાર કરવાનું અને તે માટે પ્રેરિત કરવાનું કામ કરે અને આ માટે વીજાણું, મુદ્રિત, મૌખિક એમ તમામ માધ્યમનો ઉપયોગ કરતો હોય. ગ્રાહકની જરૂરિયાતની સુક્ષ્મ સમજ ધરાવતા, તેની જરૂરત મુજબ સ્વરૂપમાં આવશ્યક ફેરફાર કરવાનો, અને એમ ન થાય તો ગ્રાહકને તેની જરૂરતમાં ફેરફાર કરવા માટે સમજાવવાનું કામ આ વિભાગના ધુરંધરો કરતા હોય. તેનાથી મળતી સફળતાને પ્રોડક્શન વિભાગ પોતાની ગુણવત્તાનો પ્રતાપ માને અને માર્કેટીંગ વિભાગ પોતાના કૌશલ્યનો- પણ પરિણામ એવું હોય કે વરસોવરસ કંપની જથ્થા અને ગુણવત્તા- બન્નેમાં પોતાના અગાઉના રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપતી જતી હોય. 
ફાયનાન્સ વિભાગ/ Finance Section કર્મચારીઓનો પગાર તેમજ માલ આપનાર વેપારીઓનાં નાણાં સમયસર ચૂકવાય એની કાળજી રાખે. હિસાબ, બેન્કિંગ, શેર-મૂડી, અને વિવિધ વેરા વગેરેની પણ જવાબદારી આમાં સામેલ હોય. એચ.આર. વિભાગ અને સેલ્સ વિભાગના ડેટાબેઝનો સદુપયોગ કરીને પી.આર.વિભાગ/ P.R.Department વારેતહેવારે સૌને શુભેચ્છા, અભિનંદન પાઠવવા કે દુ:ખદ પ્રસંગે ખરખરો કરવા ઉપરાંત અવારનવાર ફોન કે રૂબરૂ મુલાકાત કે સહભોજન દ્વારા, સારેમાઠે પ્રસંગે હાજરી આપીને કર્મચારીઓ, ગ્રાહક, તેમનાં પરિવારજનો, સંબંધિત ખાતાં, રાજકીય પાર્ટી, અન્ય કંપની વગેરે સાથે જીવંત સંપર્ક રાખતો હોય. ટૂંકમાં મુખ્ય ધ્યેય ગુડવિલ અને ગુણવત્તાનું.

કોઈ પણ આદર્શ કંપનીમાં આટલી બાબતો હોવી જોઈએ. ખરેખર આમાંની કેટલી બાબતો કેટલે અંશે વાસ્તવિક હોય એ અલગ સવાલ છે. પણ આજે જે કંપનીનો અહીં પરિચય કરાવવાનો ઉપક્રમ છે, તેમાં ઉપર જણાવેલા વિભાગો, ઉપર જણાવ્યા મુજબ પૂરજોશમાં કાર્યરત છે જ. એ સિવાય આ કંપની જે કામ, જે રીતે કરે છે એની આછેરી ઝલક આપવાનો પ્રયાસ છે. અન્ય વિભાગો અંગે જણાવ્યું જ છે, પણ 
લાખ દુ:ખોં કી એક દવા હૈ... 
હવે વાત પી.આર. વિભાગથી આગળ વધારીએ. કંપની સાથે સંકળાયેલા નાનામોટા તમામ લોકોની નાનીમોટી જરૂરિયાતોની ખરેખરી ફિકર પણ આ વિભાગ કરે અને એનો નિવેડો લાવવાનો પણ પ્રયત્ન કરે. અને કેવી કેવી બાબતોની કઈ હદની ફિકર તેમજ નિસ્બત ? આ ઉદાહરણો પર નજર નાંખવાથી તેની રેન્જનો અંદાજ આવશે. 


ધારો કે, એક જણને હાથમાં ખંજવાળ આવે છે અને તેને કોઈકની હથેળીમાં તાલી મારવાનું મન થઈ આવ્યું છે, તો લગાવો ફોન. કંપની ખાસ ઓર્ડરથી લાકડાની બનાવડાવેલી મિકેનાઈઝ્ડ હથેળી મોકલી આપશે. ઈચ્છા થાય ત્યારે લગાવતા રહો તાલી. કોઈકને ત્યાં ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિ ફેરિયો નાંખવાનું ભૂલી ગયો છે અને એમાં આવતી ધૈવત ત્રિવેદી લિખિત ધારાવાહીક નવલકથા ‘લાઈટહાઉસ’નો હપ્તો વાંચ્યા વિના એનું પેટ સાફ નથી આવતું. રણકાવો કંપનીની ઓફિસે સવારસવારમાં ફોનની ઘંટડી અને કલાકમાં તો ગયા રવિવારનો, આ રવિવારનો તેમજ આવતા રવિવારે છપાનારો હપ્તો ઘેર આવી જશે. કોઈકની દીકરીને મુંબઈ જવા માટે ટ્રેનની ટિકિટ રીઝર્વ કરાવવાની છે, પણ ક્યારે મુંબઈ જવું એ નક્કી નથી. વાંધો નહીં, ઘેરબેઠાં બે-ત્રણ દિવસની ઈ-ટિકિટ આવી જશે. ઈચ્છો એ દિવસ નક્કી કરી લો. કોઈકના ભત્રીજાને શાળામાં પ્રવેશ અપાવવાનો છે અને શાળામાં સંખ્યા પૂરી થઈ ગઈ છે, ઉપરાંત પેલા બાળકની માર્કશીટ ખોવાઈ ગઈ છે. જાવ કંપનીમાં રૂબરૂ મળવા. કંપનીના કહેવાથી શાળાના આચાર્ય પોતે જ અહીં આવી જાય છે અને બાળકને ક્લાસની ચોઈસ આપે છે. કોઈકની ભાભીના મોટા ભાઈને ઈલાજ માટે ડૉક્ટર પાસે લઈ જવાના છે, પણ મોટા ભાઈ ગામડેથી બસમાં સવારના નવ વાગ્યે શહેરમાં આવી જાય છે,જ્યારે ડૉક્ટર બપોરે સાડા બારે આવવાના છે. કંપનીને જાણ કરો તો કંપનીની કાર બસસ્ટેન્ડ પર મોટા ભાઈને લેવા આવી જશે અને ત્રણ કલાક પોતાની એ.સી.ઓફિસમાં આરામથી બેસાડીને, જમાડીને સાડા બારે દવાખાને મૂકી જશે. કોઈકને પોતાના મિત્રના વૃદ્ધ પિતાના ઈલાજ માટે નાણાંની જરૂર છે, પણ ઈચ્છા એવી છે કે મિત્રને એ વાતની ખબર ન પડવી જોઈએ કે એને કોઈકે સહાય કરી છે. એનોય રસ્તો નીકળશે. એક પાર્ટી એવી છે કે જેને સહાય આપવી છે, પણ એ કોણે આપી એ જણાવવું નથી. પડી ગયો મેળ? કોઈકને વળી ઉદાસીનો મૂડ છે અને એને લાગે છે કે બસ,એ કોઈકને ફોન જોડે અને સામેવાળાને જોક કહે, તો કંપની જોક સાંભળવાની સુવિધા પણ આપે. એટલું જ નહીં, પેલાને 'ચેન્જ ઑફ ઓડીયન્સ' લાગે એટલે બીજી બે કંપનીનાય નંબર આપીને ત્યાં ફોન કરવા કહે. કોઈકને થાય કે બહાર જમવા જવું છે, પણ એકલા જવાનો કંટાળો આવે છે અને પૈસા પણ ખર્ચવા નથી. કંપની તરફથી કાર આવીને એને લઈ જશે અને સરસ જગાએ ભરપેટ જમાડશે. ઉપરથી એને મનપસંદ એવી તલત મહેમૂદનાં ગીતોની સી.ડી.પણ ભેટ આપશે. કોઈકના મિત્રના દીકરાને વિખ્યાત ફિલ્મ સ્ટારને મળવાનું અને તેની સાથે ફોટો પડાવવાનું મન છે, પણ તકલીફ એ છે કે મિત્ર કાચ્છઈ ગામમાં રહે છે અને દીકરો જીદ લઈને બેઠો છે કે મૂનચાંદ ખાન કાચ્છઈમાં આપણા ઘેર જ આવે અને પોતાના હાથે મને બોર્નવીટા પાય. એમાં શું? મૂનચાંદ ખાન ડમડમ બાબાનો ભક્ત છે અને ડમડમ બાબાની કેરીયર જ આ કંપની દ્વારા શરૂ થયેલી. એટલે બાબા કંપનીનું માન રાખશે અને મૂનચાંદ બાબાની ઈજ્જત કરશે અને કાચ્છઈ અવશ્ય પધારશે. કાચ્છઈમાં બોર્નવીટા ક્યાંથી લાવવું એ પ્રશ્ન ખરો, પણ કંપની એટલું ય ન કરે તો એ શા કામની? કોઈકના દૂરના સગાને પોતાના સદગત પિતાજીના નામે ક્યાંક
'જો ભી માંગો..' 
દાન આપવાનું મન થયું અને એ માટે એ સમારંભ કરવા ઈચ્છે છે તેમજ સદગત પિતાજીની ઈચ્છા મુજબ એ સમારંભના પ્રમુખ તરીકે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ્લાને નિમંત્રવા ઈચ્છે છે. મુશ્કિલ હૈ. તપાસ કરતાં ખબર પડે છે કે લેફ્ટનન્ટ જનરલ તો વરસોથી કંપનીનાં ઉત્પાદનો વાપરે છે અને એ પોતે જ કંપનીની મુલાકાત લેવા ઉત્સુક છે. બન ગઈ બાત? કોઈક મિત્રના મિત્રની પત્નીની ભાભીએ ઉંટડીના દૂધમાંથી ડ્રાયફ્રુટ હલવો બનાવવાની રીત ટી.વી.પરના એક શોમાં જોઈ હતી (જેનું નામ એને યાદ નથી) અને તેને એ એપિસોડની સી.ડી.જોઈએ છે. કંપનીના અધિષ્ઠાતા આ કામ માટે ખુરશીમાં બેઠા બેઠા ડાબા હાથ વડે અડધી ચપટી વગાડે છે, જેને કારણે પેલાં બહેનને સિરીયલનું નામ યાદ આવી જાય છે. એ પછી એ પા ચપટી વગાડે છે, જેથી જોઈતી સી.ડી. સીધી જ યોગ્ય ઠેકાણે પહોંચી જાય છે. હજીય પા ચપટી બાકી રહી. કોઈક ભાઈના દૂરના વૃદ્ધ કાકાને પોતાની જુવાનીમાં જોયેલી ફિલ્મ ‘ગૌના’નું રફી અને શમશાદે ગાયેલું ગીત ‘મેરે દિલ કો જલાયા ન કરો’ સાંભળવાની ઈચ્છા થઈ છે. વળતા ઈ-મેલમાં આ ગીતની યુ-ટ્યૂબ લીન્ક અને તેનું એમ.પી.થ્રી સ્વરૂપ મોકલવામાં આવે છે અને બીજા દિવસે આ જ ગીતની સી.ડી.પણ આંગડિયા દ્વારા પહોંચાડી દેવાય છે. એ અગાઉ કાકાને ફોન પર તો તરત જ ગીત સંભળાવી દેવામાં આવ્યું હોય છે. 


આ યાદી આપવાનો હેતુ ફક્ત કંપનીના કાર્યના વ્યાપનો અંદાજ આપવાનો છે. અહીં દર્શાવેલા ઉદાહરણો કાલ્પનિક છે. પણ કલ્પના કરતાં સત્ય વધુ વિચિત્ર હોય છે. કહેવાનું એટલું જ નાની કે મોટી, ભાવનાત્મક કે ભૌતિક, તમામ પ્રકારની જરૂરત સંતોષવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવે. અને આ કામોની કોઈ ભૌગોલિક મર્યાદા નહીં. કોઈ પણ ગામ,નગર, શહેર, દેશ કે ખંડમાં આ સેવા પૂરી પાડવામાં આવે. હા, પૃથ્વી સિવાયના ગ્રહો પર હજી માનવજીવન શોધાયું નથી એટલે ત્યાં કંપનીનો વ્યાપ ન હોય એ સ્વાભાવિક છે. 
એ પણ સ્વાભાવિક છે કે આના માટે અસંખ્ય પ્રવાસો પણ અવારનવાર અનેક સ્થળે ખેડવાના થાય, અને કંપનીના સંબંધિત અધિકારી જરાય આળસ કે કંટાળા વિના એ પ્રવાસ ખેડે. લીમ્કાની પેલી જાહેરખબરની જેમ  'પ્રવાસ પહેલાં પ્રવાસ' અને 'પ્રવાસ પછી પ્રવાસ' જેવી સ્થિતિ સર્જાવાની કશી નવાઈ નથી. 
પી.આર.વિભાગની આવી નિષ્ઠા, નિસ્બત અને તત્પરતા જોઈને ઘણા મજાકમાં આ વિભાગને ‘મેઈક એ વીશ ફાઉન્ડેશન’/Make a wish foundation તરીકે પણ ઓળખે છે. કોઈ પણ માણસ, કંઈ પણ ઈચ્છા વ્યક્ત કરે, તેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન ખરા દિલથી કરવામાં આવે અને નવાઈ લાગે એવી વાત એ છે કે મોટા ભાગના કિસ્સામાં સફળતા પણ હાથ લાગે છે.
લીગલ વિભાગ: તુમ તુમ્હારા કામ કરો, હમ અપના. 
જો કે, ‘મેઈક એ વીશ ફાઉન્ડેશન’ દ્વારા, સોરી, પી.આર.વિભાગ દ્વારા પ્રયત્ન ગમે એવો સંનિષ્ઠ હોય, એવું જરૂરી નથી કે દર વખતે બધું સમૂસૂતરું પાર ઉતરે. સવાલ ઈરાદાનો નહીં, બદલાયેલા સંજોગોનો અને અન્ય ઘણા પરિબળોનોય હોય છે. ક્યારેક કુરિયરના માણસના સ્લીપરની પટ્ટી તૂટી જાય, ક્યારેક સર્વર ડાઉન હોય, કંપની ચાલુ હોય, પણ બેન્કમાં રજા હોય, કોર્પોરેશન અચાનક રસ્તા ખોદી નાંખે.. આવાં ઘણા કાબૂ બહારના સંજોગો હોઈ શકે. પણ બધા આ વાત ક્યાંથી સમજે? આને કારણે કંપનીના લાભાર્થીઓ જ ક્યારેક કંપનીની સામે કોર્ટે ચડવાના કિસ્સા નોંધાયા છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક રીતે જ કંપનીએ લીગલ વિભાગ/ Legal Department પણ રાખવો પડે. આ વિભાગ પણ ખાસ્સો કાર્યક્ષમ અને કાર્યરત છે. જો કે, આ વિભાગનું વલણ કોઈને શિક્ષા કરવાનું નહીં, પણ જરૂરી પાઠ યાદ કરાવવાનું જ હોય છે. તેની પ્રતિતિ એ વાતથી થઈ શકે છે કે આ વિભાગમાં ન્યાયી વલણના મુદ્રાલેખ સમી હાથમાં ત્રાજવાં પકડીને ઉભેલી ન્યાયની દેવીની તસવીર નથી, બલ્કે હથેળીમાં વીંછી મૂકીને ઉભેલા સાધુનું ચિત્ર છે. 

**** **** ****


કોઈ પણ કંપની વિષે અન્ય માહિતી મેળવ્યા પછી મનમાં થતો બીજો સવાલ એ હોય કે કંપની કરે છે શું? મતલબ કે એ કઈ લાઈનમાં છે અને શું બનાવે છે? પણ આ કંપનીના આટઆટલા વિભાગો અને તેની કાર્યશૈલી તેમજ કાર્ય અંગે જાણ્યા પછી મનમાં પહેલો સવાલ એ થઈ આવે કે આટલું વિરાટ તંત્ર નભાવવું કંપનીને શી રીતે પોષાય છે? એટલું ખરું કે કંપની માતબર છે. એનું મૂલ્ય મૂડીરોકાણ કે ઈક્વીટીની દૃષ્ટિએ ખબર નથી, પણ ગુડવીલની રીતે તો ખરી જ. પણ એવુંય નહીં કે એ માત્ર ગુડવીલ પર જ નભે છે. કેમ કે, ગુડવીલનું પ્રોડક્શન કંઈ ફેક્ટરીમાં ઓછું થાય છે? કંપનીની ગુડવીલ પણ કેવી? વરસમાં કોઈ પણ સમયે આ કંપનીનું ભરણું બહાર પડે કે લોકો એ ભરણું છલકાવી દે. પણ ગુડવીલ આ નથી. હકીકત એ છે કે કંપની પોતે ગમે એવા આર્થિક સંકટમાં હોય એ પોતે પોતાના માટે કદી ભરણું કાઢતી નથી. એનું ભરણું અન્ય કંપનીઓ કાજે જ હોય અને છતાં લોકો એને છલકાવી દે.

તેરા હાથ થામા તો હુએ મેહરબાં

જો કે, કંપનીના સંકુલમાં નજર કરવાથી એટલો અંદાજ તો આવે જ કે ઉત્પાદન ધમધમાટ ચાલી રહ્યું છે. સમયાંતરે તેનાં ઉત્પાદનો બહાર પડતાં જ રહે છે. અને એ તમામ ઉત્પાદનોમાં કંપનીની વિશ્વસનિયતા તેમજ ગુણવત્તાનું એ જ પરંપરાગત ધોરણ જાળવવામાં આવે છે, જેના માટે કંપની ખ્યાતનામ છે. કંપનીનો પોતાનો બ્લોગ પણ છે, જેના પર મૂકેલી વિગતોથી પણ કંપનીના માલની ગુણવત્તાનો અંદાજ આવી શકે એમ છે.

હવે પાયાનો સવાલ આવે છે. અને એ સવાલ એ કે કંપની ઉત્પાદન શેનું કરે છે? આ સવાલનો જવાબ સીધેસીધો આપવાને બદલે એક ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરું. ટાટા સ્ટીલની જાહેરખબર જુઓ. મૂળભૂત રીતે સ્ટીલ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ કંપની શી રીતે પોતાના ઉત્પાદનની વાત મૂકે છે? તેની સામાજિક, શૈક્ષણિક, તબીબી, રમતગમતલક્ષી અને બીજી અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ વર્ણવતા જિંગલની સૌથી છેલ્લી લીટી છે ‘ઈસ્પાત ભી હમ બનાતે હૈ’. કંપનીની જાહેરખબરનું સૂત્ર હતું: We also make steel. મતલબ કે જેના થકી તે આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતી છે, તેને તો એ સાવ વિનમ્રતાથી સૌથી છેલ્લે ગણાવે છે.
આટલા વર્ણન પછીય આ જાહેરખબરને જોવાથી જ મારે જે કહેવું છે એ વધુ સ્પષ્ટ થશે. એટલે ક્લીક કરીને એ જોઈ જ લો. 



બિલકુલ આ જ શૈલીમાં આપણી કંપનીનું સૂત્ર મૂકી શકાય: We also create literature.
અત્યાર સુધી લખેલી તમામ વાતો તમને સાચી લાગી હશે, પણ આ વાંચતાં જ તમને લાગશે કે હવે ગપ્પાં મારવાનાં શરૂ થઈ ગયાં. ગપ્પું લાગતું જ હોય તો થોડાં બીજાં તથ્યો પણ ઉમેરી દઉં અને છેલ્લે એક સાથે જ જણાવી દઉં કે ઉપરોક્ત તમામ હકીકતો મારી જાણ મુજબ અને જાણ બહાર એમ બન્ને રીતે સાચી છે.
એટલે આગળનો સવાલ. કશો અંદાજ ખરો કે આ કંપની દ્વારા ઉપર જણાવેલી અને હજીય લખવાની બાકી રહી જતી કાર્યવિધિઓ માટે કેટલી મોટી સેના કામે લગાડાતી હશે? એનો સંપર્ક ક્યાં, ક્યારે કરવો? એમાં ક્યારે રજા હોય છે?
છેલ્લા સવાલનો જવાબ સૌથી પહેલો આપું. ‘રવિવારે રજા’, ‘બેંક હોલીડેના દિવસે કામકાજ બંધ રહેશે’ જેવી કશી વાયડાઈ આ કંપનીમાં જોવા નહીં મળે. બસ, રોજ બપોરના બેથી ચાર કામકાજ બંધ. એ સિવાય ૨૪×૭ પોતાના તમામ વિભાગો સહિત કંપની ચાલુ જ હોય. 
હવે કંપનીના સ્ટાફની સંખ્યા અંગેના પહેલા સવાલનો જવાબ. ના, અનુમાન કરવાની જરાય જરૂર નથી, કેમ કે એ ખોટું જ પડશે. એટલે આ જવાબ પણ વ્હી.શાંતારામની પેલી ફિલ્મના શીર્ષકને સહેજ ઉલટાવીને આપી દઉં: બારહ આંખે, દો હાથ. આનો શો મતલબ? એક્ઝેક્ટલી કેટલા માણસ ગણવા? શું કોઈ સાયન્સ ફિક્શન વાંચીને શોધવું પડશે કે આવો કોઈ માણસ ખરેખર ક્યારે જન્મ્યો હતો? જો એમ હોય તો અત્યારે એ ક્યાં છે? એનું શું થયું? 
આનો  સીધોસાદો અને છતાં સાચો જવાબ એ છે કે આવો માણસ ૧૯૩૮ની છઠ્ઠી જુલાઈએ જન્મી ચૂક્યો છે. આજના દિવસે એ ૭૪ વર્ષ પૂરાં કરીને ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. મતલબ કે આજે પણ એ આપણી વચ્ચે વિદ્યમાન છે. રજનીકુમાર પંડ્યાના નામે આ 'વન-મેન કંપની' ઓળખાય છે. અંગ્રેજીમાં ભલે કહેવત હોય કે 'ટુ ઈઝ કંપની', પણ આ કિસ્સામાં કહી શકાય કે 'વન ઈઝ કંપની'. આ કંપનીના ડાયરેક્ટરમાંના એક એવા બિનીત મોદી પણ તેમના વિષે અલગથી લખ્યું છે, તે વાંચવા અહીં ક્લીક કરો. 
http://binitmodi.blogspot.in/2012/07/blog-post_06.html.


રજનીભાઈની પોતાની કેફીયત પણ તેમના બ્લોગની આ લીન્ક ક્લીક કરવાથી વાંચી શકાશે. 


http://zabkar9.blogspot.in/2012/07/blog-post_06.html


રજનીકુમાર પંડ્યાનો સંપર્ક કરી શકાશે (079) 2532 3711 અને + 91 98980 15545 પર (બપોરના બેથી ચાર સિવાય).
ઈ-મેલ: rajnikumarp@gmail.com


(ટેકનીકલ વિગતો માટે વિશેષ આભાર: રોશન રાવલ, અમદાવાદ) 

(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લીધી છે.) 


[વિશેષ નોંધ: પૂર્વી મોદી મલકાણ લિખિત લેખમાળા ‘પાકિસ્તાનના પ્રવાસે (૩) હવે પછી.]