Wednesday, March 16, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (4): ઉન્ની

 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના વર્તમાન કાર્ટૂનિસ્ટ ઈ.પી.ઉન્ની એટલે કેરળ સ્કૂલનું જીવંત ઉદાહરણ. તેમના કાર્ટૂનમાં આસપાસના ડીટેલીંગને બદલે મુખ્ય પાત્રોને જાડી રેખાઓમાં ચીતરવામાં આવે છે. તેમના કાર્ટૂનમાં બે બાબતો ધ્યાન ખેંચે એવી અને તેમની આગવી શૈલીની ઓળખ જેવી છે. આર.કે.લક્ષ્મણના કૉમન મેનને સહુ કોઈ ઓળખે છે, પણ એવું નથી કે લક્ષ્મણે જ આવું પાત્ર સર્જ્યું છે. બાળ ઠાકરેએ સર્જેલો કૉમન મેન અને લક્ષ્મણનો કૉમન મેન ઘણે અંશે સમાન જેવા હતા. મારીઓ મીરાન્ડાનાં પોકેટ કાર્ટૂનમાં કૉમન મેન નહીં, પણ મિસ ફોનસેકા જેવાં અમુક પાત્રો સામાન્ય રહેતાં. ઉન્નીએ આવા સામાન્ય પાત્ર તરીકે 'ન્યુસ પેપર બૉય' તરીકે ઓળખાવાયેલા એક કિશોરને પસંદ કર્યો. ટ્રાફિક સિગ્નલ પર છાપાં વેચતાં બાળકોને જોઈને તેમને આવો વિચાર આવેલો. તેને કારણે કાર્ટૂનમાં સમાચારને દર્શાવવા સરળ બની ગયા. ઉન્નીનાં પૉકેટ કાર્ટૂનમાં આ છોકરો પીઠે થેલો ભરવીને જોવા મળે છે. જો કે, ઉન્નીની શૈલીની ખરી વિશેષતા તેમના દ્વારા દોરાતા ચહેરાઓના આકારની છે. પાત્ર ગમે એ હોય, ઉન્ની તેમના ચહેરાની બાહ્યરેખાને લોટાના આકારમાં (ટડ) ચીતરે છે. અને છતાં જે તે પાત્રના ચહેરાની અન્ય લાક્ષણિકતાઓ બરાબર પકડે છે.

ઉન્ની (ચિત્રાંકન ખબર નથી, સૌજન્ય: ઈન્‍ડિયન એક્સપ્રેસ) 

કેરળ સ્કૂલની લાક્ષણિકતા સમી વેધકતા તો ખરી જ ખરી. કાર્ટૂનિસ્ટ ઉન્ની જે જાડી રેખાઓ અને ઓછા ડીટેલિંગથી કાર્ટૂન ચીતરે છે એનાથી વિપરીત તેઓ જ્યારે ડ્રોઈંગ બનાવે ત્યારે પાતળી રેખાઓ અને ભરપૂર ડીટેલ ચીતરે છે. ચૂંટણી ટાણે કે એવા અન્ય કોઈ પ્રસંગે તે કેરળનો પ્રવાસ કરે ત્યારે તેમનાં ચિત્રોનો લાભ પણ એ રીતે મળતો રહે છે.
ઉન્નીએ દોરેલાં અલગ અલગ વ્યક્તિઓના કેરિકેચરના આધારે અહીં મૂકાયેલાં કાર્ટૂન પસંદ કરેલાં છે. પોકેટ કાર્ટૂનમાં ઉન્નીનો 'કૉમન મેન' એવો 'ન્યુસ પેપર બૉય' પણ જોઈ શકાય છે.







**** 
ઉન્ની ઉત્તમ ચિત્રકાર પણ છે. તેમના દોરેલા સ્કેચ અનેક વાર આ અખબારનાં પાને જોવા મળે છે. કોચિનના કિલ્લાના તેમણે દોરેલા સ્કેચ અને વિગતો ધરાવતું પુસ્તક 'સાન્તા એન્ડ ધ સ્ક્રાઈબ્સ: મેકિંગ ઑફ દોર્ટ કોચી' ઉપલબ્ધ છે.
અહીં ઉન્નીએ દોરેલા સ્કેચ મૂકવામાં આવ્યા છે, જેથી બન્ને પ્રકારમાં તેમની શૈલીની અલગતા જોઈ શકાય. સ્કેચમાં તેમણે પાતળી રેખાઓ તેમજ રેન્ડરિંગ (જેને ગુજરાતીમાં 'શેડિંગ' કહે છે)નો ઉપયોગ કર્યો છે. તેની સરખામણીએ કાર્ટૂનમાં ઘાટી રેખાઓ જોવા મળે છે.


No comments:

Post a Comment