બન્નેના જનક એક જ નગરના. બન્નેનો જન્મ પણ લગભગ એક જ અરસામાં. કદાચ એકાદ-બે દિવસનો ફરક હશે. જન્મ વખતે બેયની ઉંમર પ્રૌઢ વયની, જે કોઈ વાર્તાના સુપર હીરોની જેમ પેઢીઓ સુધી વધવાની નહોતી. બેયના પહેરવેશમાં ઘણું સામ્ય. જર્જરિત કોટ અને ધોતી તેમણે પહેરેલાં. પણ એકનો જન્મ કદાચ મુંબઈમાં થયો એટલે એણે ચોકડીવાળો કોટ ચડાવેલો. બીજો મૈસૂરમાં જન્મ્યો એટલે એણે કાળો કોટ ચડાવ્યો. એના હાથમાં છત્રી પણ ખરી. માથે (પિતા/પેતા તરીકે ઓળખાતી) મૈસૂરી પાઘડી, જ્યારે બીજાનું માથું ખુલ્લું. એકનું કશું નામ જ નહોતું, અને બીજાએ નામ ધારણ કર્યું.
આ બન્ને હતા તો કૉમન મેન, જેમાંથી ચોકડીના કોટવાળાએ અનહદ ખ્યાતિ મેળવી. તેની સરખામણીએ મૈસૂરી પાઘડીવાળાએ ઓછી, છતાં પોતાના વિસ્તારમાં નોંધપાત્ર ખ્યાતિ મેળવી. ચોકડીના કોટવાળા કૉમનમેનના જનક હતા આર.કે.લક્ષ્મણ, અને મૈસૂરી પાઘડી પહેરેલા બીજા કૉમનમેનના જનક હતા બી.વી.રામમૂર્તિ, જે 'મૂર્તિ'ના નામે કાર્ટૂન બનાવતા.
મૂર્તિનાં કાર્ટૂનો મુખ્યત્વે ડેક્કન હેરલ્ડ જેવા અંગ્રેજી અને પ્રજાવાણી, મયુર, સુધા જેવાં સ્થાનિક પ્રકાશનોમાં પ્રકાશિત થતાં. મૂર્તિનાં કાર્ટૂનમાં રેખાઓનું પ્રમાણ ઓછું, રેખાઓ પાતળી અને તૂટક તૂટક રહેતી. તેમનાં કાર્ટૂનમાં અવકાશનું મહત્ત્વ વધુ રહેતું. એટલે કે આખી ફ્રેમ ભરેલી ન હોય. તેમની રેખાઓ પણ એકદમ સુરેખને બદલે જાણે કે ઉતાવળે દોરાયેલી લાગે. 'As you like it'ના શિર્ષકથી તેમણે પૉકેટ કાર્ટૂન દોરવાનો આરંભ કર્યો, જેમાં કૉમન મેન તરીકે ઉપર વર્ણન કર્યું એવું પાત્ર તેમણે સર્જ્યું. પાત્રનું નામ 'મિ.સીટીઝન'. આ પાત્ર બહુ ઝડપથી સ્થાનિકોમાં લોકપ્રિય બની ગયું. એક વખત એક ચિત્રમાં તેમણે મિ.સીટીઝનને મૈસૂરી પાઘડી વિના, બોડા માથા સાથે ચીતરવાનો અખતરો કરી જોયો. આ જોઈને મિ.સીટીઝનના અનેક ચાહકો નારાજ થઈ ગયા. તેમની માંગણીથી રામમૂર્તિએ ફરી એક વાર મિ.સીટીઝનને મૈસૂરી પાઘડી પહેરાવી.
કાર્ટૂનમાં જોવાથી ખ્યાલ આવશે કે તેમણે માત્ર બે કે ત્રણ રેખાઓથી જ આ પાઘડી ચીતરી દીધી છે. તેમાં ઝીણવટભરી રેખાઓ નથી. રામમૂર્તિ પોતે એક અચ્છા ચિત્રકાર પણ હતા.
2011માં તેમનું અવસાન થયું ત્યારે તેમણે સર્જેલા મિ.સીટીઝનનું આયુષ્ય લગભગ 33 વર્ષનું હતું.
આ કૉમન મેનની તકલીફો કોઈ પણ કૉમન મેન જેવી જ હતી. તેણે અનેક બનાવોના સાક્ષી બની રહેવું પડતું, અને અનેક સ્થાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બનાવો વચ્ચે તેનું પોતાનું બજેટ ખોરવાઈ ન જાય એની ફિકર તેને સતાવતી રહેતી. લક્ષ્મણના કૉમનમેનની જેમ તેની પણ પત્ની હતી, જે તેને યાદ કરાવતી રહેતી કે દેશદુનિયાનું જે થવું હોય એ થાય, આપણા ઘરનું શું થાય એ વધુ મહત્ત્વનું છે.
અહીં મૂકેલાં મૂર્તિનાં કેટલાંક કાર્ટૂનોમાં આ કૉમન મેન જોઈ શકાશે.
No comments:
Post a Comment