Monday, March 3, 2014

'સાગર'સંહિતા aka The Saga of the Sagar यानि दास्तान-ए-सागर (૩)


(અમેરિકાથી આવીને અમદાવાદમાં સ્થાયી થયેલાં દક્ષાબેન પુસ્તકના આલેખન માટે કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં હતાં. દરમ્યાન તેમની મુલાકાત આકસ્મિક રીતે તેમના સહાધ્યાયી ચંદ્રશેખર વૈદ્ય સાથે થઈ. લાયબ્રેરી સાથે સંકળાયેલા તેમજ જૂનાં ગીતોનાં શોખીન હોઈ ચંદ્રશેખર વૈદ્ય પોતાને આવી કોઈ વ્યક્તિ સૂચવી શકશે એમ દક્ષાબેનને લાગ્યું. ચંદ્રશેખરભાઈ દ્વારા મારી મુલાકાત સુકેતુ દેસાઈ અને દક્ષાબેન દેસાઈ સાથે ગોઠવાઈ. તેમના અમદાવાદના નિવાસસ્થાને અમે મળ્યા. શું થયું એ મુલાકાતમાં?)  

પહેલાંના જમાનામાં સૈનિકો પોતાના રાજાના મિજાજને બરાબર ઓળખતા. એક રાજાની બીજા રાજા સાથે મુલાકાત થવાની હોય ત્યારે આગોતરી તૈયારીરૂપે આ સૈનિકો પોતપોતાનાં તલવાર, ભાલાઓની ધાર તેજ કરવા લાગતા. આવું ક્યાંય નોંધાયું નથી તો શું થયું? 
મારી સ્થિતિ જરા ઉલટી હતી. સૈનિકને રણમેદાન તરફ જતો જોઈને રજાઓ પોતપોતાનાં શસ્ત્રોની ધાર કાઢવા લાગ્યા હતા. અને સૈનિકને હજી એ પણ ખબર નહોતી કે તેણે ખરેખર મેદાનમાં ઉતરવાનું છે કે નહીં. રાજા પાસે સામાન્ય રીતે સૈનિકોની ફોજ હોય, તેને બદલે મારા જેવા સૈનિક પાસે રાજાઓની ફોજ હતી. 
દક્ષાબહેન અને સુકેતુભાઈ દેસાઈ સાથે એ પહેલી મુલાકાત હતી. એ દિવસે અન્ય એક બહેન પણ ત્યાં આવેલાં હતાં. સુકેતુભાઈએ તેમનો પણ પરિચય કરાવ્યો. એ હતાં ભરુચથી આવેલાં શીલાબેન દેસાઈ. વીરેન્‍દ્ર દેસાઈનાં એ પુત્રવધૂ થતાં હતાં. આમ, પહેલી જ મુલાકાતમાં વીરેન્‍દ્ર દેસાઈનો ઉલ્લેખ થઈ ગયો. શરૂઆતમાં એમ હતું કે વીરેન્‍દ્રભાઈનું નામ જરા સાચવીને લેવું પડશે. કારણ એ કે વીરેન્‍દ્ર દેસાઈ સુકેતુ દેસાઈના કાકા અને ચીમનલાલ દેસાઈના દીકરા થાય. તેમણે બીજાં લગ્ન નલિની જયવંત સાથે કર્યાં હતાં. આટલી માહિતી તો એ ગાળાની ફિલ્મોમાં રસ ધરાવતા કોઈ પણને હોય. અહીં મને વાતવાતમાં એ જાણવા મળ્યું કે વીરેન્‍દ્રભાઈનાં પહેલાં પત્ની મધુરીબહેન હજી હયાત છે. અને મારી સામે બેઠેલાં શીલાબેન તેમનાં પુત્રવધૂ થાય. ફિલ્મો સાથે સંકળાયેલા પરિવારમાં સ્ત્રી-પુરુષોના સંબંધોને બહુ ઉદારતાથી જોવામાં આવે છે, એવી એક માન્યતા છે. અમુક અંશે સાચી પણ હશે. છતાં અહીં મારે એ બધી જિજ્ઞાસાને હાલ પૂરતી દાબી રાખવાની હતી.
સુકેતુ દેસાઈ અને દક્ષાબહેન સાથે વાત શરૂ કરી. બહુ સ્પષ્ટપણે મેં જણાવ્યું કે મને ગુજરાતીમાં જ લખતાં ફાવશે. તેમણે પણ એ વાત મંજૂર રાખી. તેમણે મારાં અમુક પુસ્તકો વિષે વાત કરી. એ તેમને ગમ્યાં છે એમ જણાવ્યું. મેં પણ તેમને પુસ્તક શી રીતે આલેખાશે એની આછી રૂપરેખા આપવાનો પ્રયત્ન કર્યો. મારા મનમાં પુસ્તક માટેનો જે સૂચિત નકશો હતો એ પણ મેં તેમને જણાવ્યો, અને કહ્યું કે એકાદ અઠવાડિયામાં હું એ તેમને લખીને મોકલી આપીશ.
મારે એ જાણવું હતું કે તેમની પોતાની પાસે શી સામગ્રી હતી. તેમની પોતાની પાસે જે સામગ્રી હોય એમાં દસ્તાવેજો, પત્રો જેવું સાહિત્ય હોય તો ઘણું કામ લાગે. મારા પ્રશ્નના જવાબમાં સુકેતુભાઈ અને દક્ષાબહેને જણાવ્યું કે બે મોટી ટ્રન્‍ક ભરીને સામગ્રી તેમની પાસે મુંબઈમાં પડી છે. આ પેટીઓમાં બીજું શું હશે એ તો જોઈએ ત્યારે ખબર પડે, પણ સુકેતુભાઈએ જણાવ્યું કે તેમાં મુનશીજી અને ર.વ.દેસાઈની સહીઓ કરેલા કોન્‍ટ્રાક્ટ પણ છે. આ બન્ને સાહિત્યકારોની કથાઓ પરથી સાગર દ્વારા ફિલ્મોનું નિર્માણ થયેલું. આવી દુર્લભ વસ્તુ મળે તો કેવી મઝા પડી જાય? આ સાંભળીને મારા રુંવાડા ખડા થઈ ગયા.
ચા-પાણીના દોર વચ્ચે વાતો આગળ ચાલી. કુટુંબમાં કોને કોને મળવું જોઈએ, ક્યાં ક્યાં જવું જોઈએ, ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકોમાંથી કોને મળી શકાય વગેરે ચર્ચાઓ ચાલી. હકીકત એ હતી કે સાગર મુવીટોન છેક ૧૯૪૮માં બંધ થઈ ગયું હતું. તેની સાથે સંકળાયેલા હોય એવા મોટા ભાગના કલાકારો હવે હયાત રહ્યા નહોતા. તદુપરાંત ફિલ્મજગતના દસ્તાવેજીકરણનો મુખ્ય આધાર રાખી શકાય એવું મેગેઝીન ફિલ્મફેર છેક ૧૯૫૨માં શરૂ થયું હતું. એટલે તેના જૂના અંકો મળે તોય સાગર મુવીટોન વિષે કશું જાણવા મળે એવી શક્યતા નહીંવત હતી.
હા, જૂનાં ફિલ્મ ઈન્‍ડીયા મળી શકે. પણ એ તો ૧૯૩૫ થી શરૂ થયેલું, જ્યારે સાગર કંપનીનો આરંભ તો ૧૯૩૦માં થઈ ગયેલો. આ છ વરસની માહિતી ક્યાંથી મેળવવી? આવા અનેક સવાલો અને મૂંઝવણો હતી. વાતવાતમાં અચાનક દક્ષાબેનને કંઈક યાદ આવ્યું હોય એમ એ ઉભાં થયાં, અને અંદરના રૂમમાં ગયાં. થોડી મિનીટોમાં તે રૂમની બહાર આવ્યાં ત્યારે એમના હાથમાં કોઈક છાપાનું લેમિનેટ કરેલું અડધું પાનું હતું. એના રંગ અને કદ પરથી એ ઓળખતાં મને વાર ન લાગી. એટલે દૂરથી જ મેં કહ્યું, “તમે હરીશભાઈએ લખેલો લેખ મને બતાવવા માટે લાવો છો?” દક્ષાબેન અને સુકેતુભાઈને નવાઈ લાગી. એટલે દૂરથી મને શી રીતે જાણ થઈ ગઈ કે આ હરીશભાઈનો લેખ હતો? અલબત્ત, હરીશભાઈને તે ઓળખતા નહોતા. તેમણે મને પૂછ્યું, “તમે ઓળખો છો આ ભાઈને? એ આપણને ઘણી મદદ કરી શકશે એમ લાગે છે.” આ સાંભળીને મને અને ચંદ્રશેખરભાઈને હસવું આવ્યું. તમે ઓળખો છો એમને?’ નો શો જવાબ આપવો? હિમાલયની તળેટીમાં રહેનારને કોઈ પૂછે કે 'હિમાલયને ઓળખો છો?' તો શો જવાબ હોય? છેવટે મેં કહ્યું કે એ મારા પરમ મિત્ર છે, અને તેમના તરફથી આપણને બધી સહાય મળશે. તેમણે મને આખી ફિલ્મોગ્રાફી તૈયાર કરીને મોકલી હતી એની વાત પણ મેં તેમને કરી.
હજી આ વાત ચાલી રહી હતી ત્યાં જ મારા ખિસ્સામાંનો ફોન રણક્યો. નામ જોયું તો હરીશભાઈનું! હરીશભાઈની આ વિશેષતા છે. તેમને ખબર હોય કે હું બહારગામ જવાનો છું એટલે બહારગામ હોઉં ત્યારે વચ્ચે એકાદ વાર ફોન કરીને ખબરઅંતર પૂછી લે. ફોન ઉપાડ્યા પછી હરીશભાઈ અને સુકેતુભાઈનો પરસ્પર પરિચય કરાવીને બન્ને સાથે વાત કરાવી.

હરીશ રઘુવંશી પોતાની અંગત લાયબ્રેરીમાં:
પુસ્તક થાય એની મારાથી વધુ ફિકર . 
હજી સુરતના એક બીજા સજ્જનનો પરિચય મારે સુકેતુભાઈને કરાવવાનો હતો. આ સજ્જને પોતાની અભિનયકારકિર્દી ચીમનલાલ દેસાઈની કંપની અમર પિક્ચર્સથી કરી હતી. એ હતા કૃષ્ણકાન્‍ત (કે.કે.). અગાઉ એક વાર તેમનો ઈન્‍ટરવ્યૂ લેવાનું બન્યું ત્યારે કે.કે.સાહેબે બહુ ભાવપૂર્વક ચીમનલાલ દેસાઈનો અને તેમના પુત્ર બુલબુલભાઈ એટલે કે સુરેન્‍દ્રભાઈનો ઉલ્લેખ કર્યો હતો. સુરેન્‍દ્રભાઈ એટલે સુકેતુભાઈના પિતાજી. મને ખાતરી હતી કે સુકેતુભાઈ સાથે વાત કરતાં કે.કે.સાહેબને બહુ ખુશી થશે. સુકેતુભાઈને કે.કે. વિષે વાત કરી તો તેમણે કહ્યું કે મુંબઈમાં એક નાટકમાં કે.કે.ને જોયા હતા. તેમની મંજૂરી લઈને કે.કે. સાહેબને સુરત ફોન જોડ્યો. કે.કે.સાહેબને મારી આ મુલાકાતનો કશો અંદાજ નહોતો. એટલે અચાનક તેમને ખ્યાલ ન આવ્યો. પણ પછી પરિસ્થિતિની ગડ બેઠી એટલે કહે, “શું વાત કરો છો? તમે બુલબુલભાઈના સનને ત્યાં બેઠા છો? બુલબુલભાઈ, ધ ગ્રેટ? વાહ.” આમ તેમને બરાબર ઓળખાણ પડી એ પછી સુકેતુભાઈને મેં ફોન આપ્યો.
આ બધી ગતિવિધીઓ સાવ સહજ ક્રમમાં થઈ હતી. મારી કેટલી અને કેવી ઓળખાણો છે એ બતાવવાનો બિલકુલ આશય નહોતો. પણ કલાકેકની એ બેઠકમાં એક વાતની મેં ખાતરી આપી કે તમે એમ ન માનતા કે મને એકલાને જ આ કામ તમે સોંપી રહ્યા છો! હરીશભાઈ, હરમંદિરસીંઘહમરાઝ’, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ, ઉર્વીશ કોઠારી જેવા તો આપોઆપ આ પ્રોજેક્ટ સાથે સંકળાઈ જશે. અને તેમની સાથે સંકળાયેલા બીજા અનેક રસિકો પણ મદદરૂપ થશે. ચંદ્રશેખરભાઈએ પણ આ જ વાત દક્ષાબહેનને કહી હતી. પણ દક્ષાબહેનને એમ હતું કે પોતાના મનમાં આવેલા એક વિચાર સાથે આ બધાને શી લેવાદેવા? અને છતાંય આ બધા સંકળાતા હોય તો ખોટુંય નથી.
આમ, પહેલી મુલાકાતમાં કેટલીક મહત્ત્વની વાતો થઈ અને અમે છૂટા પડ્યા. અલબત્ત, કામ મને મળશે કે નહીં એ નક્કી નહોતું. છતાં રૂબરૂ મુલાકાતને લઈને એક પ્રકારનો વિશ્વાસ પરસ્પર પેદા થય હતો.
**** **** ****

એકાદ અઠવાડિયામાં મેં પુસ્તકના આલેખન વિષેની ઝીણીઝીણી વિગત તૈયાર કરી. કોને મળવું, કયાં સ્થળોની મુલાકાત લેવી, કઈ સામગ્રી મેળવવી વગેરે સહિત પુસ્તકનું આયોજન શી રીતે થશે, તેમાં કેવાં કેવાં પ્રકરણો આવશે, મારી વાસ્તવિક ભૂમિકા શી રહેશે અને તેમણે શું કરવાનું રહેશે એ બધી જ વિગત આવરી લીધી. પાંચેક પાનાંનો એ મુસદ્દો એવો હતો કે અન્ય કોઈના હાથમાં એ પકડાવી દેવામાં આવે તો પુસ્તક શી રીતે કરવું એનું માર્ગદર્શન બેઠ્ઠું મળી જાય. પણ એવું બધું વિચારાય નહીં.
આ અરસામાં જ ગ્રામોફોન ક્લબમાં કામિની કૌશલ અતિથિ તરીકે આવવાનાં હતાં. દક્ષાબેન સાથે આ બાબતે ફોન પર વાત થઈ એટલે તેમણે કહ્યું કે એક વાર ચીમનલાલ દેસાઈ બીમાર પડ્યા ત્યારે કામિની કૌશલ તેમને મળવા આવેલાં. મતલબ કે કામિની કૌશલ ચીમનલાલ દેસાઈ વિષે ચોક્કસ કંઈ કહી શકશે. અને એ અમદાવાદ આવી જ રહ્યાં છે, તો તેમનો ઈન્‍ટરવ્યૂ લઈ લેવો. તેમનું સૂચન યોગ્ય હતું. પણ અમુક વ્યાવહારિક મુશ્કેલીઓ હતી.
એક તો એ કે હજી કામ મને આપવાનું ઠરાવાયું નહોતું. મેં જે મુસદ્દો મોકલાવ્યો એ પછી હવે તેમના કહેણની રાહ જોવાની હતી. એ નક્કી થાય ત્યાર પછી જ હું આગળ વધી શકું. જો કે, હરીશભાઈને મેં આ અંગે જણાવતાં તેમણે કહી દીધું કે કામિની કૌશલનો ફિલ્મોમાં પ્રવેશ થયો ત્યારે સાગર બંધ થઈ ગયું હતું. એટલે એ ભાગ્યે જ કશું કહી શકે. મારું પણ આમ જ માનવું હતું. એટલે કામિની કૌશલને આ કારણે મળવા માટે હું એટલો ઉત્સુક ન હતો. 
કામિની કૌશલના એ કાર્યક્રમમાં મેં હાજરી આપી. ત્યાં દક્ષાબેન અને સુકેતુભાઈ બન્ને મળ્યા. અમે નક્કી કર્યું કે બીજા દિવસે સવારે મળવું.
**** **** ****

બીજા દિવસે સવારે અમે એલિસબ્રીજ જીમખાનામાં આવેલી ચંદ્રશેખરભાઈની લાયબ્રેરીમાં મળ્યાં. દક્ષાબહેન અને તેમની દીકરી રાધિકા આવ્યાં હતાં. ફરી એક વાર પેલા પાંચ પાનાંની એકે એક વિગત મેં વાંચી, રાધિકાને તે અંગ્રેજીમાં પણ સમજાવતો ગયો, અને તેમના જે પ્રશ્નો હતા એના જવાબ પણ આપતો ગયો. વાતવાતમાં એ પણ જાણવા મળ્યું કે દક્ષાબેન કામિની કૌશલને મળ્યાં હતાં અને સાગર મુવીટોન કે ચીમનલાલ દેસાઈ વિષે પૂછપરછ કરી હતી. પણ કામિની કૌશલે પોતાને ઝાઝી જાણ હોવાનો ઈન્‍કાર કરી દીધો હતો. આમ, અમારું અનુમાન સાચું ઠર્યું હતું. 
એલીસબ્રીજ જીમખાનાની અમારી એ બેઠકમાં બધું પાકું થયું અને વિધિવત રીતે આ કામ મને સોંપાયું. ચંદ્રશેખરભાઈ મારા અને દક્ષાબેનના મિત્ર, અને એથીય ઉપર જૂની ફિલ્મોના પ્રેમી. તેમની હાજરીમાં જ આ ગોઠવાયું એટલે સૌથી વધુ ખુશી તેમને થાય એ સ્વાભાવિક છે. એક વાત મારા મનમાં નક્કી હતી કે આ કામ મળતું હોય તો અમુક બાબતો જતી કરવી. પણ કામ તો કરવું જ. જો કે, બન્ને પક્ષો રાજી રહે એ રીતે બધું ગોઠવાયું. અમે છૂટા પડ્યા ત્યારે મેં તેમને હવે પેલી મુંબઈની ટ્રન્‍કમાં રહેલી સામગ્રી મંગાવવાની તાકીદ કરી.
બહાર આવીને મેં ઉર્વીશને, રજનીભાઈને અને હરીશભાઈને ફોન કરીને સારા સમાચાર આપ્યા. આ કામ મળ્યાની ખુશી મારા જેટલી જ એ સૌને હતી. કેમ કે, આ કંઈ મારું એકલાનું કામ નહોતું, પણ સૌનું હતું, એમ બધાને લાગતું હતું.
હજી એક વ્યક્તિને આ સમાચાર આપવાના હતા. એ હતા કે.કે. હરીશભાઈએ તેમને સમાચાર પહોંચાડી દીધા અને જણાવ્યું કે વડોદરા પહોંચીને હું તેમની સાથે વિગતે વાત કરીશ. વડોદરા પહોંચ્યા પછી કે.કે.સાહેબને સાથે ફોન પર વાત થઈ એટલે તેમણે બહુ રાજીપો દર્શાવ્યો. મેં તેમને કહ્યું, “આપણે ઘણી વાર મળ્યા છીએ અને વાતો કરી છે. પણ હવે મારે ખાસ આ બાબતે તમારો ઈન્‍ટરવ્યૂ લેવા માટે સુરત આવવું પડશે.”
**** **** ****
કાનપુરના હરમંદિરસીંઘ હમરાઝને હરીશભાઈએ સમાચાર આપી દીધા હતા, પણ તેમને વિધિવત જાણ કરતો મેલ મેં પણ તેમને કર્યો. હમરાઝે રાજીપો દર્શાવતો જવાબ તરત વાળ્યો. સાથે સાગરની ફિલ્મોનું તેમણે તૈયાર કરેલું લીસ્ટ પણ મોકલી આપ્યું અને જણાવ્યું કે આ તો કામચલાઉ બનાવેલું લીસ્ટ છે, અને પાકું લીસ્ટ તે પછી બનાવશે.
મેં તરત તેમને જવાબ લખી દીધો કે હરીશભાઈએ એ કામ કરી દીધું છે અને હમરાઝ એની તસ્દી ન લે. બીજી તરફ હરીશભાઈ કામે લાગી ગયા. તેમની પાસેનો ખજાનો તેમણે ઉલેચવા માંડ્યો. સાગરને લગતું જે કંઈ તેમને મળે એ તે ઈ-મેલ દ્વારા મોકલવા માંડ્યા.
દરમ્યાન તેમના દ્વારા જાણવા મળ્યું કે કે.કે.સાહેબને પીઠમાં દુ:ખાવો શરૂ થયો છે. દુ:ખાવો વધતો ચાલ્યો અને કે.કે.સાહેબ પથારીવશ થઈ ગયા. તેમને  દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. આ સાંભળીને મને ફાળ પડી. દવાખાને ખબર જોવા ગયેલા હરીશભાઈના ફોન પરથી જ કે.કે.સાહેબે મારી સાથે વાત કરી. તેમણે મને તાકીદ કરતાં જણાવ્યું કે મારે તેમના ઈન્‍ટરવ્યૂ માટે આવવું હોય તો બને એટલા જલ્દી સુરત આવી જવું. કારણ એ કે તેમની યાદદાસ્ત ધીમે ધીમે જવા લાગી છે. ૮૯ વરસની વ્યક્તિ દવાખાને દાખલ થયાના સમાચાર સાંભળીને જે હાલત થવી જોઈએ એવી જ થઈ. હું ગભરાયો. અસલમાં અમે એમ વિચારેલું કે સુકેતુભાઈ, દક્ષાબેન, ચંદ્રશેખરભાઈ સહિત અમે બધા કે.કે.ને મળવા જઈશું. પણ એ તો ગોઠવાય ત્યારે. મને લાગ્યું કે એ વખતે ફરી જઈશું, પણ અત્યારે મારે એકલાએ જઈ આવવું અને કે.કે.નો ઈન્‍ટરવ્યૂ લેવો.
જો કે, થોડા દિવસમાં કે.કે.ને પાછા ઘેર લાવી દેવામાં આવ્યા.
આખરે પ એપ્રિલ, ૨૦૧૨ના દિવસે હું અને કામિની સુરત જવા ઊપડ્યા. આશ્વાસન એ હતું કે કે.કે. ઘેર પાછા આવી ગયા હતા.
'સાગર મુવીટોન' માટેનો સૌ પ્રથમ ઈન્‍ટરવ્યૂ કે.કે.સાહેબનો. 
હરીશભાઈ સાથે અમે કે.કે.ને ઘેર ગયા અને ચીમનલાલ દેસાઈ વિષે તેમજ બુલબુલ દેસાઈ વિષે અનેક વાતો તેમણે કરી, જે મેં રેકોર્ડ કરી લીધી. ત્યાર પછી કે.કે.સાહેબને મેં તેમનાં સંભારણાં વિષે પૂછ્યું. આ સંભારણાં અગાઉ ૧૯૯૩-૯૪માં ગુજરાત મિત્રમાં ૭૫ હપ્તે પ્રકાશિત થયાં હતાં. મેં તેમને આગ્રહ કર્યો અને કહ્યું કે તમારા મનમાં જે ગૂંચવણ કે શંકા હોય એ જણાવો, તો એનો નિકાલ લાવીએ. પણ આ કામ આપણે કરીએ. તમારે અમને આ પુસ્તક તો આપવું જ રહ્યું. કે.કે.સાહેબે હસીને વાત ટાળી અને એ અંગે પછી મને જણાવશે એની ખાતરી આપી.
આમ, સાગર મુવીટોન માટેનો પહેલો ઈન્‍ટરવ્યૂ કે.કે.સાહેબનો લેવાયો. કંઈક નક્કર કહી શકાય એવી વાતો મળી હતી, જેનો આનંદ હતો. પણ આ આનંદ ઝાઝો ટકવાનો નહોતો.

**** **** ****

આ ગાળામાં દક્ષાબેન અને સુકેતુભાઈના મુંબઈથી બે પેટીઓ મેળવવાના પ્રયત્નો ચાલુ હતા. બન્ને વારાફરતી એ માટે મુંબઈ જઈ આવ્યા હતા. પણ એ પછી તેમના તરફથી કશા સમાચાર નહોતા. થોડા દિવસ પછી ચંદ્રશેખરભાઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું, “તને ફોન કરવાનું એ લોકો કેટલાય દિવસથી વિચારે છે, પણ શી રીતે કરવો એ સમજાતું નથી.” આનો અર્થ સમજું એ પહેલાં તેમણે આગળ જણાવ્યું, “પેલી બન્ને પેટીઓની ભાળ મળતી નથી. એ ખોવાઈ ગઈ છે. ખરેખર તો એ ખોવાઈ નથી, પણ એનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.”

સમાચાર આંચકો પમાડે એવા જ હતા. સુકેતુભાઈ અને દક્ષાબેને આ જાણ્યું ત્યારે તેમનું હૈયું બેસી ગયું હતું. મહામહેનતે તૈયાર થયેલું વહાણ હજી પાણીમાં મૂકાય એ પહેલાં કિનારાની રેતીમાં જ જાણે કે દફન થઈ ગયું હતું. આ વાત મને શી રીતે જણાવવી એની અવઢવ એ અનુભવતા હતા. સ્વજનના અવસાનના સમાચાર તેની સૌથી નિકટની વ્યક્તિને આપવા જેવું અઘરું કામ હતું આ. બન્ને પક્ષના મિત્ર હોવાને નાતે છેવટે એ અઘરી ફરજ ચંદ્રશેખરભાઈએ બજાવી હતી અને મને સમાચાર આપ્યા હતા. 
હવે શું? પુસ્તક આગળ વધારવું કે કેમ? એ આગળ વધી શકશે ખરું? 

(સફરના આરંભે જ કેવા જોરદાર બમ્પ આવ્યા? હવે?)