Friday, March 31, 2017

ચલ ચલા ચલ...(૩)


સર પે હૈં બોઝ, સીને મેં આગ, લબ પર ધુઆં હૈ જાનો

ત્રીજી પદયાત્રાનું વર્ષ 1991નું છે. આનો અર્થ એ થયો કે ત્રીસ વર્ષના ઊંબરે પહોંચતા સુધી મારી ત્રણ ત્રણ પદયાત્રાઓ સંપન્ન થઈ ગઈ હતી. કાઢવું હોય તો આનું તારણ એ કાઢી શકાય કે ઉંમરના ત્રીસ વર્ષ સુધીના અરસામાં જે યુવાનો સરેરાશ પાંચથી સાત કિલોમીટરની ઓછામાં ઓછી ત્રણ પદયાત્રાઓ કરે તો તેઓ જીવનમાં વધુ નહીં, કમ સે કમ પંદરથી વીસ કિલોમીટર આગળ આવે જ છે.
આ પદયાત્રાનો ક્રમ ત્રીજો રાખવાનો હેતુ એ છે કે ભલે તેના અસરગ્રસ્ત તરીકે અમારા જેવા સામાન્ય લોકો હોય, પણ તેનું નિમિત્ત એક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય દુર્ઘટના હતી. કોઈ મેગા પ્લૉટ ધરાવતી નવલકથામાં પૃષ્ઠભૂમિ તરીકે એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના આલેખીને તેના અનુસંગે અન્ય પાત્રોનાં જીવન પર શી અસર થઈ એ બતાવવામાં આવે છે. આમ કરવાથી કથા ગમે એવી મામૂલી હોય, તેની કક્ષા આપોઆપ ઈન્‍ટરનેશનલ બની જાય છે. આ પદયાત્રામાં અમારા કશા પ્રયત્ન વિના, કોઈ વાંકગુના વિના અમારે તેનો ભોગ બનવાનું આવ્યું હતું. પણ રાષ્ટ્રને થયેલી ક્ષતિની સામે અમારું આ અંગત દુ:ખ કશી વિસાતમાં ન ગણાય!
એ દિવસ હતો ૨૧ મી મે, ૧૯૯૧નો. દિવસ તો પૂરો થઈ ગયો અને સાંજ પડી. ત્યાર પછી સ્વાભાવિક ક્રમમાં રાત પડી. ઉર્વીશના અને મારા મનમાં સવારથી કંઈક અલગ પ્રકારનો રોમાંચ હતો. તેનું કારણ વિશિષ્ટ હતું. અમે આ રાત્રે મુંબઈ જવા નીકળવાના હતા. મુંબઈ જવાની નવાઈ ખાસ ન હતી, પણ તે માટેનું કારણ બહુ રોમાંચ પ્રેરે એવું હતું. છેલ્લા બેએક વરસથી અમે મુંબઈ જઈને ગમતા ફિલ્મકલાકારોને મળવાનો ક્રમ શરૂ કર્યો હતો. 1989માં એ રીતે કરેલી પહેલવહેલી સફર ભારે સફળ રહી હતી. અમારા ઉત્સાહમાં એ સફળતાએ ખૂબ વધારો કર્યો. ત્યાર પછી આ પ્રકારની અમારી બીજી સફર હતી. આ વખતે ઘણાં સરનામાં અને ફોન નંબરથી સજ્જ હતા. અમારી આ મુંબઈ મુલાકાતમાં થયેલા વિવિધ અનુભવો અને એ અનુભવોએ અમારા ઘડતર પર કરેલી અસર જલસોનો વિષય બની શકે એમ છે. એ ફરી ક્યારેક.
મારી અને ઉર્વીશની સંયુક્ત હોય એવો આ કદાચ મુંબઈનો બીજો પ્રવાસ હતો. ત્યારે અમે મુંબઈ જઈએ એટલે અમારું હેડક્વાર્ટર સાન્તાક્રુઝમાં આવેલું અમારા કાકા સુરેન્‍દ્ર કોઠારીનું ઘર રહેતું. આની અગાઉના પ્રવાસમાં પહેલવહેલી વાર અમારે પપ્પાના મસિયાઈ ભાઈ શૈલેષ પરીખને ત્યાં ઉતરવાનું બન્યું હતું, જેઓ પેડર રોડ રહેતા હતા. અમારી ટિકિટો રિઝર્વ થયેલી હતી. અમારો પોતાનો સામાન સાવ ઓછો હતો- બન્નેના કપડાંની એક એક બેગ.  પણ કાકાના ઘર માટે મમ્મીએ ઘણી વસ્તુઓ ભરી આપી હતી. અમુક જાતનાં કઠોળ, બીજી કેટલીક ખાદ્ય કે અન્ય ચીજો, જેમાંની અમુક કાકીએ પણ મંગાવી હશે. એ રીતે ઠીક ઠીક વજનદાર સામાન અમારી પાસે થઈ ગયો. પણ કેવળ જતી વખતે જ એ પ્લેટફોર્મ પાર કરવા પૂરતો ઊંચકવાનો હતો. આવતાં બીજું કશું રહેવાનું નહોતું એ વિચારે રાહત હતી.
રાત્રે સવા નવની આસપાસ અમે ઘેરથી નીકળ્યા. મહેમદાવાદ રાત્રે પોણા દસ વાગે અમદાવાદ જનતા એક્સપ્રેસ (હવે લોકશક્તિ એક્સપ્રેસ) આવતો હતો. અમે સ્ટેશને પહોંચ્યા. ટ્રેન સમયસર હતી. અમે ડબ્બામાં ચડ્યા અને થોડી વારમાં બર્થ પર લંબાવી દીધી. હવે આવે સીધું બોરીવલી! 
**** **** ****
ટ્રેનમાં ચહલપહલ વધી જાય, જાતભાતના રીંગટોન સંભળાવા લાગે, બસ, હવે આવવામાં જ છે.’, કૌન સા સ્ટેશન હૈ, ભાઈ?’, હા, તું બહાર ઉભો રહેજે. અંદર ન આવતો.’, વીરાર ગયું?’- આવા બધા વાક્યો કાને પડવા લાગે એટલે ખ્યાલ આવી જાય કે બોરીવલી આવવામાં છે.
પણ હજી એ સંભળાવાને વાર લાગતી હતી. અડધીપડધી ઉંઘમાં અમને એટલો ખ્યાલ આવ્યો કે ટ્રેન લાંબા સમયથી કોઈ એક જ સ્ટેશને ઉભેલી છે. થોડી વાર પછી હું બેઠો થયો અને ઘડીયાળમાં જોયું. સવારના ચારેક વાગ્યા હતા. એટલે કે બોરીવલી આવવામાં હજી કલાક- સવા કલાક બાકી હતો. ટ્રેનમાં આંખ ખૂલે એટલે માણસ બારીની બહાર જોઈને જાણવાની કોશિશ કરતા હોય છે કે પોતે ક્યાં છે. મેં પણ એ પ્રયત્ન કર્યો, છતાં ખ્યાલ ન આવ્યો કે કયું સ્ટેશન છે. ઉર્વીશ પણ જાગી ગયો હતો. બારીની બહાર જોતાં એ ખ્યાલ આવ્યો કે કેટલાય લોકો પ્લેટફોર્મ પર ઉતરીને ટહેલતા હતા. સમજાઈ જાય એવું હતું કે આટલી વહેલી સવારે આવા નાનકડા સ્ટેશન પર આટલા બધા લોકો દેખાતા હતા એ અમારી ટ્રેનના જ મુસાફરો હતા.
અમે ઉભા થયા. બારણેથી સિગ્નલ લાલ હોવાની ખાત્રી કરી. અને પછી નીચે ઉતર્યા. મામલો શું છે તે પામવાની કોશિશ કરી. કંઈ ખ્યાલ આવતો નહોતો. કદાચ સફાળેનામનું સ્ટેશન હતું. લોકો ટોળામાં ગુસપુસ કરી રહ્યા હતા. થોડી વારે એટલું સમજાયું કે આગળ કશી તકલીફ છે અને ટ્રેન હવે અહીં જ પડી રહેવાની છે. કોઈકે એમ કહ્યું કે રાજીવ ગાંધીને ઉડાડી દીધા છેએટલે હવે ટ્રેન અહીં જ પડી રહેશે. ટ્રેનના મુસાફરોમાં આવા ગપગોળાઓની (જેને ચલાવવી કહે છે એની) નવાઈ હોતી નથી, એટલે ઘણાએ આ વાત હસી નાખી. સ્ટેશન માસ્ટરની કેબિન સામેના પ્લેટફોર્મ પર હતી. અમુક લોકો ત્યાં જઈને પૂછી આવ્યા હતા. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે ટ્રેન અહીં અનિશ્ચિત મુદત સુધી પડી રહેશે. એ ક્યારે ઉપડે એ નક્કી નથી. હવે શું કરવું? સૌ અવઢવમાં હતા. એવામાં વિરાર પેસેન્જરનામની ટ્રેન આવીને ઉભી રહી ગઈ. આ ટ્રેન વિરાર સુધી જવાની એ નક્કી હતું. પણ અહીંથી વિરાર કેટલે દૂર છે એ  અંદાજ નહોતો.
અમે વિચારતા હતા કે તેમાં ચડવું કે નહીં. એટલામાં તેને સીગ્નલ મળ્યો. ટ્રેન ઉપડવાની નિશાનીરૂપે તેનું ભૂંગળું વાગ્યું. અમે ઝાઝું વિચાર્યા વિના ઝપાટાબંધ અમારી ટ્રેનમાં ચડ્યા. અમારો સામાન ઉઠાવ્યો અને દોડાદોડ વિરાર પેસેન્જરમાં ચડી બેઠા. તે ઉપડી. હવે અમારી ઉંઘ ઉડી ગઈ હતી. એટલે અમે જાગતા-ઊંઘતા બેઠા રહ્યા. જોતજોતાંમાં ટ્રેન વિરાર પહોંચી અને પ્લેટફોર્મ પર ઉભી રહી. આ ટ્રેનનું આખરી સ્ટેશન હતું. અમે અમારો ભારેખમ સામાન ધીમે ધીમે નીચે ઉતાર્યો. ઠીક ઠીક અજવાળું થઈ ગયું હતું. સવારના સાત- સાડા સાત થયા હશે.
અમારો સામાન ઊંચકીને અમે વિરાર સ્ટેશનનો દાદર ચડ્યા અને એક નંબરના પ્લેટફોર્મ પર ઉતર્યા. આખું સ્ટેશન સૂમસામ હતું. મુંબઈમાં આ સમયે આવો માહોલ કદી જોયો નહોતો. સબર્બન ટ્રેનોની ચહલપહલ સદંતર બંધ હતી. પ્લેટફોર્મ પર એક બોર્ડ મૂકેલું હતું. તેમાં રાજીવ ગાંધીની તસવીર લગાડેલી હતી, જેની પર હાર પહેરાવેલો હતો. નીચે મરાઠીમાં નોંધ લખેલી હતી, જે સૂચવતી હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી છે અને તેને કારણે મુંબઈ આખું બંધ રહેશે. 
વિરાર સ્ટેશને: જાયે તો જાયે કહાં (ચિત્ર: બીરેન)

મુંબઈ આખું બંધ રહેશે એનો અર્થ અમે સમજ્યા ખરા
, પણ હજી એની ખાત્રી થઈ નહોતી. અમે એક જગાએ સામાન મૂક્યો. સ્ટેશનની બહાર પણ સૂમસામ દેખાતું હતું. એકે એક દુકાન બંધ હતી. ન હતા કોઈ રીક્ષાવાળા કે ન હતા કોઈ અન્ય વાહન. જાણવા મળ્યું કે સબર્બન ટ્રેનસેવા પણ બંધ કરવામાં આવી છે, કેમ કે મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યાં છે. હજી તો સવાર માંડ પડ્યું હતું. અમારે પહોંચવાનું હતું સાન્તાક્રુઝ. પણ ત્યાં જવા મળે એવી કોઈ શક્યતા લાગતી નહોતી. તો પછી? ચોવીસ કલાક અહીં જ કાઢવા પડશે? અહીં એટલે ક્યાં? હોટેલ, દુકાન, ગલ્લા, લારીઓ કશુંય ખુલ્લું નહોતું. પ્લેટફોર્મ પર રહેવું પડશે? અને તોફાનોનું શું? આવા બધા સવાલો મૂંઝવતા હતા. સ્ટેશનની બહાર એક ઘરમાં ટી.વી.ચાલુ હતું અને થોડા લોકો ત્યાં એકઠા થયેલા હતા. અમે પણ ત્યાં ગયા. કોઈકને પૂછ્યું કે ટી.વી.માં શું આવે છે? એ ભાઈએ કહ્યું, કુછ નહીં. વો ચન્‍દ્રશેખર (તત્કાલીન વડાપ્રધાન) બડબડ કરતા હૈ. આ જવાબ સાંભળીને બીજી કશી સમજણ પડે કે ન પડે, આપણે મુંબઈમાં જ છીએ એની ખાત્રી થઈ જાય.
અમારે આઠ-દસ નહીં, પૂરા ચોવીસ કલાક કાઢવાના હતા. આખો દિવસ અને આખી રાત! હવે શું કરવું એ વિચારતા હતા અને મૂંઝાતા હતા. અચાનક અમને યાદ આવ્યું કે અમારા મામા વસઈમાં રહે છે. એમને ત્યાં જઈ શકાય. શરદમામા કદાચ દસેક વર્ષથી મુંબઈ સ્થાયી થયા હતા. એ કારણે હજી મુંબઈના યજમાન તરીકે અમારા મનમાં તેમનું ઘર નોંધાયું નહોતું. શરદમામાની સાથે અમારા બીજા મામાઓના દીકરા ધર્મેન્‍દ્ર અને નિલેશ (ગોકુલ) પણ હતા. શરદમામા યાદ આવ્યા એટલે સહેજ રાહત લાગી. હવે બીજો સવાલ એ હતો કે વિરારથી વસઈ પહોંચવું શી રીતે? એનું અંતર કેટલું?
અમને સાન્‍તાક્રુઝથી ચર્ચગેટ સુધીનાં સ્ટેશનોનો ક્રમ યાદ હતો, પણ છેક વિરાર સુધીનાં સ્ટેશનોનો ક્રમ ખબર નહોતી. એટલો ખ્યાલ હતો કે બોરીવલી વટાવ્યા પછી સ્ટેશન વચ્ચેનાં અંતર વધુ છે. એ રીતે વિરારથી વસઈ ટ્રેનમાં દસ-બાર મિનીટ થાય છે. મુંબઈની સબર્બન ટ્રેનની ઝડપ મુજબ આ અંતર જોઈએ તો સહેજે દસ-બાર કિલોમીટર થાય. અમે સ્ટેશન બહાર જઈને જાણી લાવ્યા કે વિરાર અને વસઈની વચ્ચે એક જ સ્ટેશન છે- નાલાસોપારા.
આ જાણીને અમે એક નિર્ણય પર આવ્યા. ચોવીસ કલાક અહીં ગાળવા શક્ય નહોતા. એને બદલે શરૂ કરી દઈએ પદયાત્રા. રેલ્વેના પાટેપાટે ચાલવા માંડીએ. અને વસઈ પહોંચી જઈએ. એક વાર આ નિર્ણય લીધો એટલે બીજી ગૂંચવણ ઉભી થઈ. વસઈની ખાડી વિરારથી વસઈ જતાં આવે કે વસઈ પછી? ખાડી વસઈ પહેલાં આવતી હોય તો અમારી પદયાત્રા શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. અમે બે ત્રણ અલગ અલગ ઠેકાણે પૂછીને માહિતી મેળવી કે વસઈ વટાવ્યા પછી ખાડી આવે છે. અમને હાશ થઈ.
અમે ચાલવાનું નક્કી કર્યું એટલે હવે અમારી નજર અમારા સામાન પર ગઈ. સામાન શી રીતે ઊંચકવો એનું આયોજન કર્યું. અમને રહી રહીને યાદ આવતું હતું કે ટિકિટનું રિઝર્વેશન હતું એટલે હા, મૂકો ને તમતમારે! કહીને જાતજાતની વસ્તુઓ ભરાવી હતી. હવે એ બધી ઊંચકીને જવાનો વારો આવ્યો હતો. ડૂબતી સ્ટીમર હોત તો આ બધું એક પછી એક વામવા માંડત. પણ એવો કોઈ સવાલ હતો નહીં. અને આવી ખાદ્યસામગ્રી એમ ફેંકી દેતાં જીવ ન ચાલે એ હકીકત હતી.  
અમારા બન્નેના એક એક હાથમાં એક વજનદાર દાગીનો ઊંચક્યો. એક દાગીનો સૌથી વજનદાર હતો. તેને અમે બન્નેય જણે બે બાજુથી પકડ્યો. એ ઉપરાંત બાકીનો સામાન પોતપોતાના ખભે ભરવી દીધો. પાણીની બોટલ ખાલી થઈ ગઈ હતી. અમે સ્ટેશનની બહાર નીકળ્યા. બહાર આવેલા એક એપાર્ટમેન્‍ટમાં જઈને બારણું ખટખટાવ્યું. એક સજ્જને બારણું ખોલ્યું. અમે તેમને પાણીની બોટલ ભરી આપવા વિનંતી કરી. અમારો સામાન જોઈને તેઓ સમજી ગયા કે અમે અટવાયેલા મુસાફરો છીએ. તેઓ બોટલ લઈને અંદર ગયા અને તેને ભરી લાવ્યા. અમે તેમનો આભાર માન્યો અને પાટા પર ચાલવાનું શરૂ કર્યું ત્યારે સાડા આઠ નવ થયા હશે. બંધ એટલું જડબેસલાક હતું કે ચાનો ગલ્લો સુદ્ધાં ક્યાંય ખુલ્લો નહોતો.
રાજીવ ગાંધીની હત્યા શી રીતે થઈ એ હજી ખ્યાલ નહોતો. એ દુર્ઘટનાને લઈને અમારી આ નોબત આવી હતી. પણ તેમના પરિવારને અને અમુક રીતે દેશને થયેલા નુકસાન સામે અમારી તકલીફ એવી મોટી ન કહેવાય! જે હોય એ, અમારે એ ભોગવવાની હતી.
પાટા પર ટ્રેન આવવાની ન હતી. એટલે અમે પાટે પાટે જ આગળ વધવાનું નક્કી કર્યું. અમારા જેવા અસંખ્ય લોકો હતા. કોઈકને દાદરથી બીજી ટ્રેન પકડવાની હતી. કોઈકને ક્યાંક લગ્નપ્રસંગમાં પહોંચવાનું હતું. સૌ પાટા પર ચાલતા જતા હતા. જાતજાતની રીતે લોકોએ સામાન ઉંચક્યો હતો. કોઈએ માથે, કોઈએ ખભે, કોઈએ હાથમાં, તો કોઈએ કેડમાં સુદ્ધાં સામાન મૂક્યો હતો. લોખંડની ટ્રન્‍ક, કોથળો, બગલથેલા, સૂટકેસ અને બીજા અનેક પ્રકારના સામાન કેટલાય લોકોએ ઉંચક્યા હતા. નાનાં બાળકો પણ નજરે પડતાં હતાં. સૌ પોતપોતાની રીતે આગળ વધતા હતા અને બે ઘડી વાત કરી લેતા હતા. મનમાં અકળામણ બહુ થતી હશે, પણ કોની પર કાઢવી એ સમજાવું જોઈએ ને?
ધીમે ધીમે સૂરજ માથે ચડવા લાગ્યો હતો. અને આ સૂરજ મુંબઈનો હતો. એક તરફ સખત ગરમી, અને મુંબઈની ખાસિયત જેવો પસીનો. લીંબુ નીચોવતાં તેનો રસ છૂટે એમ પસીનો છૂટી રહ્યો હતો. ભારેખમ સામાન ઊંચકતાં પડતી અગવડ પણ ઓછી ન હતી. આ બધાની સાથેસાથે પાટા પરના ઉબડખાબડ પથ્થર પર ચાલતાં ફાવતું ન હતુ. અમે હાથ બદલતા, હાંફતા જતા, વચ્ચે રોકાતા, શ્વાસ ખાતા, પાણીનો ઘૂંટડો ભરતા અને આગળ વધતા જતા હતા. સંતોષ હોય તો એક જ વાતનો કે અંતર કપાતું જતું હતું.  
મામાનું ઘર કેટલે? વસઈ આવે એટલે... (ચિત્ર: બીરેન) 
જોતજોતામાં નાલાસોપારા સ્ટેશન આવ્યું. અડધી મંઝીલે આવી પહોંચી ગયાનો અમને આનંદ થયો. સ્ટેશને ક્યાંય કોઈ સ્ટૉલ સુદ્ધાં ખુલ્લો નહોતો. હવે અમારી પાસેનું પાણી પણ ખલાસ થવા આવ્યું હતું. હજી બીજું આટલું અંતર બાકી હતું. એટલે અમે પાણીનું પણ રેશનિંગ કરી દીધું. પણ શરીરમાંથી જે ગતિ અને માત્રામાં પરસેવાનો ધોધ વહેતો હતો એ જોતાં લાગતું હતું કે આટલા પાણીએ શું થાય? આગલે દિવસે સાંજે શું જમ્યા હતા એ યાદ નહોતું કે નહોતું યાદ આજે સવારની ચા પીવાની બાકી છે એ. કોઈ પણ રીતે વસઈ પહોંચીએ એટલે બસ. જેમ તેમ કરતાં અમે આગળ ને આગળ વધતા ગયા. પગમાં બૂટ નહીં, પણ ચપ્પલ પહેરેલા હતા. પથ્થર પર ચાલતા રહેવાથી ક્યાંક ક્યાંક ચપ્પલનું ચામડું પગ સાથે ઘસાવાથી એ ભાગની ચામડી છોલાઈ રહી હતી. સૌથી વધુ અમને તકલીફ પડી હોય તો સામાનની. ભારેખમ સામાનને કારણે આ યાત્રા એક રીતે સાહસયાત્રાનો દરજ્જો પામવાની હતી. મામાનું ઘર કેટલેવાળું જોડકણું કેટલું સચોટ અને સાર્થક છે એ ત્યારે ખ્યાલ આવ્યો. હોઠ શોષાઈ રહ્યા હતા અને પાણી ખૂટવા આવ્યું હતું. અમે હિંમત રાખીને આગળ વધતા રહ્યા.
આખરે દૂરથી સ્ટેશન દેખાયું. આગળ વધ્યા અને પીળા રંગની વચ્ચે કાળા અક્ષરે લખેલું વસઈ રોડ એટલે દૂરથી પણ સ્પષ્ટપણે વંચાયું. ત્યારે સમજાયું કે અમુક સ્થાને અમુક જ રંગો મૂકવા પાછળ હેતુ હોય છે. અમારા જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે કરતાં આખરે અમે સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યા ખરા. આ એક એવી સિદ્ધિ હતી કે અમે ત્યારે કોઈને એ કહી શકીએ એ સ્થિતિમાં સુદ્ધાં નહોતા.
શરદમામા એમ.એસ.ઈ.બી.માં નોકરી કરતા હતા. અને તેમની ઑફિસ સ્ટેશનની સાવ બહાર જ હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે સમય જોવાના પણ અમને હોશકોશ નહોતા. અમે ઓટલો ચડ્યા. અંદર જોયું તો તેઓ ખુરશીમાં બેઠેલા હતા. આવા હાલહવાલ અને આટલા સામાન સાથે અમને અચાનક આવેલા જોઈને તેઓ નવાઈ પામી ગયા. તેમણે અમને શાંતિથી બેસાડ્યા. અમે કહ્યું કે પહેલાં તો પાણી આપો. તેમણે અમને ધરાઈને પાણી પાતાં કહ્યું, બિન્‍દાસ પીવો, જેટલું પીવું હોય એટલું. પાણી પીધું એટલે અમારા હોશ ઠેકાણે આવ્યા. તેમણે કહ્યું કે હવે ચિંતા ન કરો. બેસો શાંતિથી. તમને ઘેર મોકલવાની વ્યવસ્થા કરું છું. તેમનાં ક્વાર્ટર નજીકમાં જ હતા. પણ છેક વિરારથી અમે ચાલીને આવ્યા એની નવાઈ તેમને ઓસરી નહોતી. તેમણે મારા બીજા મામાના દીકરા ધર્મેન્‍દ્રને બોલાવ્યો. ધર્મેન્દ્ર બાઈક લઈને આવ્યો. બે ત્રણ ધક્કા ખાઈને તે અમને સામાન સહિત મામાના ક્વાર્ટર પર ઉતારી ગયો. ત્યારે મામા એકલા હતા. મામી કદાચ પિયરમાં આવેલાં.
અમે તેમના ઘરમાં પ્રવેશ્યા એ સાથે જ હાશકારાની લાગણી થઈ. હાલવાચાલવાનું મન જ થતું નહોતું. એટલામાં મામા પણ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે સહેજ વાર બેસો. પછી જમીએ. અને પછી તમે આરામ જ કરજો. સૂઈ જાવ અને ફાવે ત્યારે જાગજો. અમારી પણ એ જ ઈચ્છા હતી. હવે થોડી થોડી ભૂખ પણ લાગી હતી. તેમણે અને ધર્મેન્દ્રે ખીચડી બનાવી દીધી. ડુંગળી સમારી. પાપડ શેક્યા. દહીં પણ હતું. અમે ભેગા બેસીને જે લિજ્જતથી ખીચડી ઝાપટી છે! જમ્યા પછી આંખો પણ ઘેરાવા લાગી હતી. અમને બીજી એક ફિકર એ હતી કે સાન્‍તાક્રુઝ કાકા અમારી રાહ જોતા હશે અને ફિકર કરતા હશે. શરદમામાને અમે એ વાત કરી તો તેમણે કહ્યું કે સાંજે એમને ફોન કરી દઈશું. જમ્યા પછી વધુ એક વાર પાણી પીને અમે લંબાવી દીધી. સાંજના સમયે આંખ ખૂલી. અમે જાગ્યા. સહેજ બેઠા. સ્નાન કર્યું.
સ્ટેશન ઘરની સાવ પાછળ હોવાથી ખ્યાલ આવ્યો કે એક બે ટ્રેનોને છેક મુંબઈ સુધી જવા દેવાઈ હતી. બાકીની બધી ટ્રેનો ક્યાંક ને ક્યાંક રોકી દેવામાં આવી હતી. સાંજે અમે કાકાના પાડોશીને ત્યાં ફોન કરીને ખબર આપી દીધા કે અમે વસઈમાં છીએ.
હજી અમારા માનવામાં નહોતું આવતું કે અમે આટલું ચાલીને આવ્યા હતા. બરાબર ભોજન અને ઊંઘ પછી અમે સ્વસ્થ થયા. ત્યારે અમને જે જ્ઞાન લાધ્યું તે એ કે ભલે ટિકિટ રીઝર્વ કરાવી રાખી હોય, પણ સાથે એટલો જ સામાન રાખીને મુસાફરી કરવી કે ચાલવાનો વારો આવે ત્યારે આસાનીથી તેને ઉંચકીને ચાલી શકાય. એક રીતે આ તીસરી કસમ હતી. એ વાતને આટલાં વરસો વીત્યાં. અમારા પરિવારનો વિસ્તાર થયો. પરિવાર સાથે પણ ફરવા જવાના કાર્યક્રમો બનતા રહ્યા છે. અત્યારે હવે ચૌથી કસમ લેવા જેવી એ લાગે છે કે સામાન પૅક કરતાં તીસરી કસમ હંમેશાં યાદ રાખવી.
રાજીવ ગાંધીના મૃત્યુદિને તેમનો પક્ષ કે દેશ ભલે ગમે તે દિન મનાવે, રાહુલ, પ્રિયંકા કે સોનિયા માટે એ મહા ગમગીન દિવસ હોય એ સમજી શકાય એમ છે. અમે પણ આ દિવસને ભૂલી શકતા નથી. અમારો હાથ અનાયાસે અમારા પગના તળિયે જતો રહે છે અને એ છાલાની યાદ આવતાં પગ ધ્રુજી ઉઠે છે. અમારા કશા પ્રયાસ વિના અમારી આ પદયાત્રા આંતરરષ્ટ્રીય કક્ષાની બની રહી છે.

(કુલ ત્રણ ભાગની આ શ્રેણીનો પહેલો ભાગ અહીં અને બીજો ભાગ અહીં વાંચી શકાશે.) 

Saturday, March 25, 2017

ચલ ચલા ચલ.... (૨)


આગે તૂફાન, પીછે બરસાત, ઉપર ગગન પે બીજલી

મારી બીજી પદયાત્રાનો સમયગાળો આશરે 1995-96ના અરસાનો હશે. અગાઉની કડીમાં થોડો પરિચય મેં આઈ.પી.સી.એલ.ના ભૌગોલિક સ્થાનનો આપ્યો હતો, જેથી મારી નોકરી સાથે ચાલવાનું શી રીતે અને કેટલા પ્રમાણમાં સંકળાયેલું હતું એ સમજી શકાય. આઈ.પી.સી.એલ.ના પ્લાન્‍ટ સંકુલની જેમ જ તેની ટાઉનશીપ પણ વિશાળ જગ્યામાં પથરાયેલી હતી. આ સ્થળને વડોદરા સ્ટેશનના સંદર્ભે જાણી લઈએ.
વડોદરા સ્ટેશનનો પશ્ચિમ વિસ્તાર હજી એટલો નહોતો વિકસ્યો. સારાભાઈથી એલેમ્બિક જતો રોડ ગોરવા, સહયોગ થઈને છેક ઊંડેરા ગામ સુધી જતો. આજે ન્યુ આઈ.પી.સી.એલ.રોડ તરીકે ઓળખાતો ઈલોરાપાર્ક- સુભાનપુરાને ઘસાઈને નીકળતો રોડ હજી કદાચ બન્યો નહોતો. એલેમ્બિક વટાવ્યા પછી ગોરવા ગામ આવતું. ત્યાર પછી થોડો સૂમસામ વિસ્તાર. અને પછી સહયોગ સોસાયટીનો વિસ્તાર આવતો, જે મોટા પ્લોટ ધરાવતા બંગલાઓને કારણે ખૂબ વિશાળ લાગતો. તેની આજુબાજુમાં થોડી સોસાયટીઓ બની હતી. આવ્યા ત્યારે અહીં ખેતરો હતાં, અને આજે? અમે વચ્ચોવચ્ચ આવી ગયાં છીએ. આ સોસાયટીઓમાં રહેતા મકાનમાલિકો હજી આ વિકાસસૂત્ર કહેવાની સ્થિતિમાં નહોતા આવ્યા. ટૂંકમાં કહીએ તો સહયોગ વિસ્તાર આવે એટલે ગામને છેડે આવી ગયાં હોઈએ એમ જણાઈ આવે. (મુંબઈથી વરસો પહેલાં વડોદરે વસેલા અમારા એક સગા પહેલેથી તેને સુધરેલું ગામડું જ કહે છે. અલબત્ત, સુધરેલુંની તેમની વ્યાખ્યામાં શહેરનો અર્થ સમાયેલો છે.)
સહયોગ વટાવીએ એટલે તરત પંચવટી આવે. આ વિસ્તારની પ્રજા હજી કદાચ ઈતિહાસથી અજાણ હશે. અંગ્રેજોથી મળેલી આઝાદીની તેમને મન કશી કિંમત નહોતી. એટલે આ આઝાદી કાજે જે વીરલાઓએ પોતાના જાન ખોયા એમનાં નામ અહીંના રસ્તાઓને, સોસાયટીઓને આપવાની તેમને સમજણ નહોતી આવી. ઉદય પાર્ક, રાધાકૃષ્ણ, ભાગ્યોદય, ગુરૂકૃપા, સત્યનારાયણ, જય સત્યનારાયણ, ચંદ્રવિલાસ, જય અંબે, શ્રી જય અંબે, સહયોગ વાટિકા.......આ નામ વિવિધ સોસાયટીઓનાં છે, જે આ વિસ્તારમાં હતી અને મારા તારણના સમર્થનમાં મેં ટાંક્યા છે. આવી જ એક સોસાયટી હતી પંચવટી’, જેના નામથી આખો વિસ્તાર પંચવટીના નામે ઓળખાતો. આજે કદાચ સમજણ આવી હશે, પણ સોસાયટીનું નામ કંઈ માણસનું નામ ઓછું છે કે એફીડેવીટ અને છાપામાં જાહેરખબર આપીને બદલી કઢાય?
પંચવટી વિસ્તારનું આટલું વિવરણ આપવાનો હેતુ એ કે વડોદરા શહેરનો એક તરફનો એ છેડો હતો. પંચવટી વિસ્તાર પૂરો થતાં જ ઓકટ્રોય નાકું હતું. નવી પેઢીને કદાચ ઓકટ્રોય નાકું એટલે શું એ જ ખબર નહીં હોય. આ કારણે જ તે સીત્તેરના દાયકાની ફિલ્મોને સમજી શકતી નથી. સ્મગલિંગ શું છે એ ઓનલાઈન ઓર્ડર આપીને, એમાં સમાઈ જતા બધા ચાર્જને કાર્ડ દ્વારા હોંશે હોંશે ચૂકવી દેતા લોકોને ક્યાંથી સમજાય? આ નાકું ત્યારે કાર્યરત હતું. તેમાં બે ત્રણ જણનો સ્ટાફ બેસતો. બહાર એક ચોકીયાત રહેતો. રોડ પર આડો પડી શકે એવો દંડો પણ હતો, જેને કદી પડે નહીં એ રીતે ઉભો બાંધી દેવામાં આવેલો. પતરાંની બનેલી આ કેબિનની નીચે લોઢાનાં પૈડાં પણ હતાં, જે સૂચવતાં હતાં કે શહેરની ઓકટ્રોય સીમા ગમે ત્યારે વિસ્તરી શકે છે. આ નાકા પર કડક બજાર ઓકટ્રોય નાકું લખેલું હતું, જે સૂચવતું હતું કે ક્યારેક કડક બજાર (સ્ટેશન વિસ્તાર)માં ઉભું રહેતું આ નાકું કાળક્રમે પાંચ છ કિલોમીટર ખસતું ખસતું છેક પંચવટી સુધી આવી પહોંચ્યું છે. વડોદરાના ચાંપાનેર દરવાજા વિસ્તારમાં માર્ગની વચ્ચોવચ્ચ બનાવાયેલી એક કબર મહારાજા સયાજીરાવના શાસનકાળ દરમ્યાન થોડા મીટર ખસીને માર્ગની બાજુ પર આવી ગઈ હતી. ઈતિહાસના પાને આ ઘટના નોંધાઈ છે કે નહીં એનો ખ્યાલ નથી, પણ અનેક લોકોની જુબાને આ વાત છે. આમ છતાં જેની અંદર જીવતા માણસો હોય એવું આ જકાતનાકું ખસતું ખસતું છેક આટલે આવી ગયું એની કોઈને નવાઈ ન લાગે એ ઠીક, નોંધ સુદ્ધાં લેવામાં નહોતી આવી. અહીં ઉભેલો યુનિફોર્મધારી ચોકિયાત સિસોટી મારે એટલે અહીંથી પસાર થતા દરેક વાહનચાલકને એમ લાગતું કે પોતાને ઉદ્દેશીને સિસોટી મારવામાં આવી હશે. પોતાના કાયદાપાલન કરતાં ચોકિયાતના ફરજપાલનમાં તેમને વધુ શ્રદ્ધા હતી.
પંચવટીનું નાકું પસાર કરતાં અધિકૃત રીતે વડોદરા શહેરની સીમા સમાપ્ત થઈ જતી. ત્યાર પછી ખુલ્લી જગ્યા, વૃક્ષો, ભંગારના વેપારીઓનાં સ્ક્રેપયાર્ડ વગેરે આવતાં. આ રોડ પર સીધા ને સીધા જઈએ તો એક સર્કલ આવતું. તેની ડાબી તરફ ઊંડેરા ગામ હતું. જમણી તરફ વળીએ કે તરત આઈ.પી.સી.એલ. ટાઉનશીપનો વિસ્તાર શરૂ થઈ જતો. આઈ.પી.સી.એલ.ટાઉનશીપને ટૂંકમાં લોકો પી.ટી. (પેટ્રોકેમિકલ્સ ટાઉનશીપ) તરીકે ઓળખતા. જો કે, અહીંના એક સ્થાનિક ખબરપત્રી (નામ કદાચ દેવકુમાર કે દેવેન્‍દ્રકુમાર)ના પ્રદાનને કારણે અખબારી આલમમાં તે પી.ટી.ટાઉનશીપ તરીકે ઓળખાતી. એસ.ટી.ની બસ પર પણ આ નામનાં જ પાટિયાં હતાં, જે સૂચવે છે કે કૂપન વિનાનાં અખબારોનો જનમાનસ પર કેવો પ્રભાવ હતો. આ મહાશયને મળવાની તક એક વાર પ્રાપ્ત થતાં મેં તેમને પૂછેલું, તમે આમ કેમ લખો છો? તમને તો સાચું નામ ખબર હશે ને?’ તેમણે હસીને જવાબ આપતાં કહેલું, ખબર છે, પણ હવે આવું જ છપાય છે તો પછી એને શું કામ બદલવું?’ મને આજે સમજાય છે કે અખબારમાં કોલમના માપ અંગેની તેમની સૂઝ જબરદસ્ત હોવી જોઈએ. કેમ કે પી.ટી.માં થયેલી ચોરી જેવું હેડીંગ કરે તો બે કોલમમાં એ ઓછું પડે. તેને બદલે પી.ટી. ટાઉનશીપમાં થયેલી ચોરી લખે તો બે કોલમમાં આ હેડીંગ બરાબર બેસી જાય. મારા જેવા અબુધ જીવને આ જ્ઞાન તેઓ આપે તો પણ સમજાય એમ નહોતું. એટલે તેમણે હસીને કામ ચલાવ્યું. આપણે અહીં પી.ટી.ને ટાઉનશીપ તરીકે ઓળખીશું.
સીધા જતાં ટાઉનશીપની પાછળનો વિસ્તાર પડતો, જ્યાં અવરજવર ખાસ નહોતી. પણ આ સર્કલ સુધી પહોંચીએ એનાથી સહેજ પહેલાં જમણી તરફ એક વળાંક આવતો, જે ટાઉનશીપના સેક્ટર 1 નો પાછલો દરવાજો હતો. આ દરવાજાની બહાર આઈ.પી.સી.એલ.ની અંગ્રેજી માધ્યમની શાળા હતી. આ રસ્તે ટાઉનશીપમાં પ્રવેશતાં જ તાપમાનમાં દેખીતો ઘટાડો અનુભવાતો. પુષ્કળ વૃક્ષો હોવાને કારણે અહીં ખૂબ ઠંડક રહેતી. આ જ કારણસર આ રસ્તે ક્યારેક સાપ પણ ફરતા દેખાતા.
બધો વિસ્તાર ખાલી હોવાને કારણે જકાતનાકું વટાવ્યા પછી ટાઉનશીપ છે એના કરતાં વધુ દૂર લાગતી. બીજી રીતે કહીએ તો સારાભાઈથી સીધા ને સીધા આવીએ તો બીજા છેડે ઊંડેરા સર્કલ હતું. જે આઠેક કિલોમીટરનું અંતર હશે. એ રીતે સ્ટેશનથી સારાભાઈ વધુ નહીં તો પણ એક દોઢ કિલોમીટર ખરું, તો ઊંડેરા સર્કલથી ટાઉનશીપ અડધો કિલોમીટર હશે. એટલે સ્ટેશનથી દસેક કિલોમીટરે ટાઉનશીપ આવેલી હશે એવો અંદાજ માંડી શકાય.
ટાઉનશીપથી સ્ટેશનની તેમજ ન્યાયમંદીરની બસો આઈ.પી.સી.એલ. દ્વારા નિર્ધારીત સમયે દોડાવાતી. એ જ રીતે એ બસો ન્યાયમંદીર અને સ્ટેશનેથી નિર્ધારીત સમયે પાછી ફરતી. આનું નાનકડું ટાઈમટેબલ ટાઉનશીપના ઘણા દુકાનદારો છપાવીને પોતાના ગ્રાહકોને વહેંચતા.
આ ટાઉનશીપમાં સેક્ટર 1માં મારું સૌથી છેલ્લું ક્વાર્ટર હતું. તેની સાવ નજીક એક દરવાજો હતો, જેની બહાર અંગ્રેજી માધ્યમની શાળા હતી. એનો અર્થ એ કે હું વડોદરાથી આવતાં છેક ઊંડેરા સર્કલ સુધી ન જાઉં અને પહેલા વળાંકે વળી જાઉં તો ત્યાંથી મારું ક્વાર્ટર વહેલું આવે. અલબત્ત, આ દરવાજો રાત્રે બાર સાડા બારે બંધ કરી દેવામાં આવતો.
હું મારી અનુકૂળતા મુજબ ક્યારેક ચાલીને બાજવા સ્ટેશને જતો અને ત્યાંથી ટ્રેન પકડતો, તો ક્યારેક ટાઉનશીપથી બસ દ્વારા સ્ટેશને જતો. પણ વડોદરા સ્ટેશનેથી ટાઉનશીપ આવવા માટે એક માત્ર બસનો જ આશરો હતો. મારી ફર્સ્ટ શિફ્ટ (સવારના છથી બપોરના બે) હોય તો હું આગલા દિવસે સાંજે મહેમદાવાદથી નીકળીને વડોદરા આવી જતો. વડોદરા રાત્રે સાડા આઠની આસપાસ ઉતરીને કુપન બસ દ્વારા ટાઉનશીપ આવી જતો.
રખે સમજતા કે લખનાર મૂળ કથાથી ફંટાઈને પોતાનું ઐતિહાસિક અને ભૌગોલિક જ્ઞાન પ્રદર્શિત કરી રહ્યો છે. એમ કરવું હોય તો અખબારની કોલમ ક્યાં નથી? બ્લૉગ પર એની જરૂર નથી. હેતુ એ છે કે આ વિસ્તારની ઓળખ આપણી કથાની પૃષ્ઠભૂમિ માટે જરૂરી છે.
**** **** ****
આવા જ ક્રમમાં એક સાંજે હું મહેમદાવાદથી વડોદરા આવવા નીકળ્યો. ચોમાસાનો સમય હતો-કદાચ ઑગસ્ટ કે સપ્ટેમ્બર. એ આખો દિવસ વરસાદ ધોધમાર ચાલુ રહેલો. ગુજરાતભરમાં આ સ્થિતિ હતી. રજાની મારી પાસે સામાન્ય સંજોગોમાં છત રહેતી. એ દિવસે પણ મને થઈ ગયું કે સાંજે ન જાઉં. રજાને આવા સમયે ન વાપરીએ તો ક્યારે વાપરીશું? ત્યારે હજી ફેસબુક જીવનમાં આવ્યું નહોતું, એટલે વરસાદ પડતો હોય ત્યારે ફીલીંગ ભીંજાયેલા ઈન રેઈન કે એન્‍જોઈંગ ભજીયા વીથ કામિની કોઠારી જેવાં સ્ટેટસ મૂકવાની ચિંતાને બદલે ભીંજાઈને શરદી ન થઈ જાય એની ચિંતા વધુ રહેતી.
પણ સાંજે પાંચ સાડા પાંચે વરસાદ સહેજ રહી ગયો. વાતાવરણ વાદળછાયું હતું અને વરસાદ પડશે એમ કળાતું હતું. આવું થાય ત્યારે એક નોકરીયાતને રજા બચાવવાના જ વિચાર આવે. મને પણ થયું કે આજે તો મારી રજા જ હતી. નોકરી કાલ સવારની છે. અત્યારે વરસાદ બંધ રહ્યો છે, તો નીકળી જવું જોઈએ. જેથી આ રીતે બચેલી રજા ભવિષ્યમાં ક્યારેક કામ લાગે. હજી ટ્રેનના સમયની વાર હતી. મારા ઘરનાં સભ્યો મને કદી કહે નહીં કે આજે રજા પાડી દે. કેમ કે, તેમને ખબર છે કે હું કદી તેમનો બોલ આ બાબતે ઉથાપું નહીં. પણ હું મારી જાતે રજા પાડવાનું નક્કી કરું તો તેઓ મને કારણ પૂછવાને બદલે રાજી થાય. એટલામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. પહેલાં ન જવાનું નક્કી કરેલું, પછી જવાનું, અને હવે ન જવાના વિચાર આવવા લાગ્યા. હેમ્લેટની જેમ ટુ ગો ઓર નોટ ટુ ગોની મનોદશા થઈ ગયેલી. પણ સવા છની આસપાસ ઝરમર બંધ થઈ ગઈ એટલે મેં નક્કી કરી લીધું કે બસ, હવે જવું જ.
સમય પણ થવા આવેલો તેથી ફટાફટ તૈયાર થઈને હું સ્ટેશને જવા નીકળ્યો. વરસાદ જાણે કે હું મારા ઘેરથી નીકળું એની જ રાહ જોતો હતો. જેવો હું સ્ટેશને પહોંચ્યો કે ફરી પાછો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. આ વખતે તે ઝટ અટકે એમ નહોતું લાગતું. ઘેરથી રજા બચાવવા નોકરીએ નીકળેલો નોકરીયાત અને બંદૂકમાંથી છૂટેલી ગોળી ફંટાય ખરા, પણ પાછા ન આવે. ટ્રેન દસેક મિનીટ મોડી હતી. હું ઉભો હતો એટલામાં કામિનીના એક પિતરાઈ, એટલે કે મારા સાળા અશ્વિનભાઈ સ્ટેશન પર મળી ગયા. પોતે કોઈ અન્ય કામે મહેમદાવાદ આવ્યા હશે, અને અમારે ઘેર નહીં આવ્યા હોય. પણ સ્ટેશને હું જ તેમને મળી ગયો એટલે તેમની સ્થિતિ શાયદ વો જા રહે હૈં, છુપકર મેરી નઝર સે જેવી થઈ ગઈ. તેને સરભર કરવા માટે તેમણે કહ્યું, આવામાં જશો નોકરીએ?’ ધોધમાર વરસાદમાં તેઓ અને હું બન્ને પ્લેટફોર્મના શેડ નીચે હોવા છતાં પલળી રહ્યા હતા. છતાં ભરતડકે ઉભા હોય એમ સહજતાથી મેં કહ્યું, કેમ કેવામાં?’ ભલે પિતરાઈ બહેનના પતિ હોય,પણ સગપણે પોતાના કુમાર’(બનેવી) હતા. એટલે ઉંમરમાં મોટા હોવા છતાં તેમણે મારા પ્રત્યે આદર વ્યક્ત કરવાની ચેષ્ટારૂપે દલીલ ન કરી. એટલામાં ટ્રેન આવી અને અમે તેમાં ચડ્યા. વરસાદ ચાલુ જ હતો. જોતજોતાંમાં નડીયાદ આવી ગયું એટલે તેઓ મુઝે મેરે હાલ પે છોડીને ઊતરી ગયા. આવા ફરજપરસ્ત કુમાર પોતાના કુટુંબમાં આવવાથી તેમને રાજીપો થયો હશે કે પસ્તાવો એ વરસતા વરસાદમાં તેમના ચહેરા પરથી રેલાઈ રહેલા પાણીને કારણે દેખાયું નહીં.
Image result for claude monet paintings train steam
વિલીયમ ટર્નરનું વિખ્યાત ચિત્ર 'રેઈન, સ્ટીમ એન્ડ સ્પીડ' 
સામાન્ય રીતે આ ટ્રેનમાં અમારા કોઈ ને કોઈ સાથીદારો હોય અને અમે એકબીજાને શોધી લઈએ. પણ એ દિવસે કોઈ જણાયું નહીં. હવે અંધારું થઈ ગયું હતું અને બહાર વરસાદ ચાલુ હતો. આણંદ અને વાસદ પણ ગયાં. વાસદ પછી ટ્રેન મહીસાગરના પુલ પર પ્રવેશી. હું એ વખતે દરવાજા પાસેના પેસેજમાં ઉભો હતો. રેલ્વેના જૂના, લોખંડના ગર્ડરવાળા પુલ પર ટ્રેન પ્રવેશી એ સાથે જ તાલબદ્ધ અવાજ શરૂ થયો. મારી નજર સ્વાભાવિકપણે જ નીચે દેખાતા નદીના પાણી પર પડી અને હું રીતસર ધ્રુજી ગયો. એ પહેલાં તો ઠીક, એ પછી પણ આજ સુધી મહી નદીમાં પાણીનું આવું જોર મેં કદી જોયું નથી. મને ધ્રુજારી થઈ આવી તે પાણીના જોર કરતાં વધુ પાણીની સપાટી જોઈને. પુલને અડવામાં માંડ બે-ત્રણ ફીટ બાકી રહ્યું હશે. આવામાં કોઈ અકસ્માત થાય તો આખી ટ્રેન ડૂબીને ક્યાંની ક્યાં તણાઈ જાય! મને ખ્યાલ આવ્યો કે મહીસાગરમાં આટલી સપાટી છે તેથી બીજે પણ પાણી ભરાયાં જ હશે. ટ્રેનની ઝડપ સાવ ઓછી થઈ ગયેલી. ધીમે ધીમે ટ્રેને પુલ પાર કર્યો. હજી તેની ઝડપ ઓછી જ હતી. મેં બારીની બહાર જોવાનો પ્રયત્ન કર્યો પણ કશું કળાતું નહોતું. નંદેસરી ગયું પછી ટ્રેન ઓર ધીમી થઈ. રણોલી સ્ટેશન આવ્યું ત્યારે તેની ગતિ એટલી ઓછી થઈ ગઈ કે આરામથી ઉતરી શકાય. એટલામાં છપ્‍ છપ્‍ અવાજ સંભળાયો. માન્યામાં આવે નહીં એવું હતું. રેલ્વે ટ્રેક પર પાણી હતાં અને ટ્રેનનાં પૈડાં તેને અડતાં હતાં એને લઈને આ અવાજ આવતો હતો. રોડ પર આવું જોવા-સાંભળવા મળે એ સામાન્ય છે, પણ ટ્રેનમાં આવો અનુભવ કદી કર્યો ન હતો. એવી જ ગતિએ ટ્રેન આગળ વધતી રહી. બહાર ખાસ ખ્યાલ આવતો ન હતો, પણ પાણી ભરાયેલું હશે એ અંદાજ આવતો હતો. આમ ને આમ બાજવા આવ્યું. અહીં ટ્રેન ઉભી રહી. મને થયું કે અહીં ઉતરી જાઉં તો ચાલીને ટાઉનશીપ જતા રહેવાય. પણ અંધારામાં કશું દેખાતું નહોતું અને પેલો છપ્‍ છપ્‍ અવાજ હજી કાનમાં ગૂંજતો હતો. એટલે એ સાહસ કરવાનું માંડી વાળ્યું. ટ્રેન ઉપડી અને ધીમે ધીમે વડોદરા સ્ટેશન નજીક આવવા લાગ્યું. ટ્રેન ઘણી મોડી થઈ ગઈ હતી. મેં સમય જોયો. સ્ટેશનથી ઉપડતી એક કુપન બસ મળી જાય એમ હતું. મેં વિચાર્યું કે ઉતરીને સીધી દોટ લગાવીશું અને બસ પકડી લઈશું.
વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રહી. હવે વરસાદ રહી ગયો હતો. તેથી હાશ લાગતી હતી. ડબ્બામાંથી ઉતરીને હું પ્લેટફોર્મ પરથી બહાર આવ્યો અને સીધી દોટ મૂકી. પણ દોડતાં પહેલાં પ્લેટફોર્મના દૃશ્યની ઝાંખી થઈ.  ભીના થયેલા પ્લેટફોર્મ પર કેટલાય લોકો હતા. તેઓ બેઠેલા, કે કશું પાથરીને સૂતેલા. ટ્રેન રોજના સમય કરતાં મોડી હતી એટલે મને લાગ્યું કે આ મુસાફરોએ કોઈક ટ્રેનમાં જવાનું હશે. તેમને નજરઅંદાજ કરીને પ્લેટફોર્મનાં પગથિયાં હું ઉતર્યો. ઉતરીને સીધી દોટ મૂકી, પણ અચાનક છપ્‍ છપ્‍ અવાજ સંભળાયો અને મારી ગતિ ધીમી થઈ ગઈ. ત્યારે મારી નજર નીચે રોડ તરફ ગઈ. ઓહોહો! એસ.ટી.ડેપો તરફથી પૂર જોશમાં પાણી વહેતું આવી રહ્યું હતું. અને પગની પીંડી સુધીનું પાણી બધે ભરાઈ ગયેલું હતું. મને દૂર ઉભેલી બસ દેખાઈ. એ જોઈને મેં ફરી દોટ મૂકી અને બસ સુધી પહોંચી ગયો. મને હાશ થઈ કે ચાલો, બસ મળી ખરી. બસની આસપાસ ખાસ્સું પાણી ભરાયેલું હતું. મેં બસમાં ચડીને જોયું તો કોઈ દેખાયું નહીં. એટલે નીચે ઉતરીને ડ્રાઈવરની કેબિન તરફ ગયો. કેબિનનું બારણું ખટખટાવ્યું. ડ્રાઈવરે આંખો ચોળતાં ચોળતાં,ઊંઘરેટી નજરે બારીમાંથી ડોકું કાઢ્યું. મેં પૂછ્યું, ટાઈમ થઈ ગયો ને?’ તેણે નહીં ઉપડે જેવો કશો ગણગણાટ કર્યો અને પાછો સૂઈ ગયો. મને એટલો ખ્યાલ આવ્યો કે આ બસ ઉપડવાની નથી.
હવે મને આસપાસ નજર કરવાનો મોકો મળ્યો. જોયું તો ચારેકોર પાણીપાણી હતું, અને એ પાણી સ્થિર નહીં, વહેતું હતું. મેં કોઈક રીક્ષાવાળાને પૂછ્યું તો જાણવા મળ્યું કે કમાટીબાગવાળો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કેમ કે, ત્યાં વિશ્વામિત્રી રોડ પરથી વહી રહી છે. આ સાંભળીને હું પાછો સ્ટેશન પર આવ્યો અને દાદર ચડીને અલકાપુરી તરફ ઊતર્યો. ત્યાં જોયું તો કોઈ વસતી નહોતી. અચાનક મારી નજર પડી તો અલકાપુરીવાળું ગરનાળું છેક સુધી પાણીથી ભરાઈ ગયું હતું. સ્પષ્ટ હતું કે બન્ને તરફ વાહનવ્યવહાર બંધ હતો. હવે? સ્ટેશન પર રાત કાઢવી પડે. પણ સ્ટેશનનો માહોલ જોતાં એ શક્ય નહોતું. પાછા મહેમદાવાદ જવાય એવી કોઈ ટ્રેન એ સમયે નહોતી, કેમ કે, ટ્રેક પર ભરાયેલાં પાણીને કારણે ટ્રેનવ્યવહાર પણ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવાયો હતો. મારે હવે એ વિચારવાનું હતું કે રાત ક્યાં વીતાવવી. સ્ટેશન આસપાસમાં એવું કોઈ પરિચિતનું ઘર નહોતું. ચારેકોર અંધકાર હતો, એટલે બીજલી કૌંધ જાયેગીની જેમ મને છેવટના ઉપચાર જેવો એક ઉપાય ઝબક્યો. અહીંથી ચાલતાં ટાઉનશીપ જતો રહું તો? આ વિચાર આવ્યો એવો જ વિલાઈ ગયો. અલકાપુરીનું નાળું જે રીતે છેક સુધી પાણીથી ભરેલું હતું એ જોતાં આગળ ક્યાં અને કેટલું પાણી હશે એ અંદાજ માંડી શકાય એમ હતો. આમ છતાં, જે ગણો એ, વિકલ્પ આ જ હતો. આવામાં પૂછવું કોને? ચાલતો-દોડતો હું આમતેમ ફર્યો કે કોઈ મળે તો પૂછું. એવામાં એક રીક્ષા ઉભેલી નજરે પડી. દૂરથી જ ખ્યાલ આવતો હતો કે એ ક્યાંય જવા માટે નહોતી. છતાં હું નજીક ગયો તો એમાં એનો ડ્રાઈવર બેઠેલો દેખાયો. મેં તેને બધા રસ્તાની વિગત પૂછી. તેણે કહ્યું કે બધા રસ્તા બંધ છે અને ક્યાંય કોઈ વાહન જતું નથી. મેં તેને ટાઉનશીપવાળા રોડ વિશે પૂછ્યું કે ત્યાં પાણી કેવું ભરાયેલું છે. તેણે કહ્યું કે બધે પાણી છે. મેં પૂછ્યું, કેટલે સુધીનું પાણી છે? ચાલતા જવાય?’ તેને બિચારાને આ બધી ક્યાંથી ખબર હોય? છતાં તેણે ખબર હતી એટલું કહ્યું કે સારાભાઈ સુધી જવાશે. આગળની ખબર નથી. મેં નક્કી કરી લીધું કે જે હોય એ, પદયાત્રા આરંભી દઈએ. આગળ જે થવાનું હોય એ થશે. પણ અહીં બેઠા રહીને રાત કાઢી શકાય એમ નથી.

**** **** ****

વરસાદ બંધ થયો હતો. કોઈનું પણ નામ દીધા વગર મેં પગ ઊપાડ્યા અને ચાલવાનું શરૂ કર્યું. રસ્તાની લાઈટો અમુક બંધ હતી તો અમુક ચાલુ હતી. તેને લઈને પાણીના સ્તરનો થોડો ખ્યાલ આવતો હતો. સારી વાત એ હતી કે મોટે ભાગે રોડ પર પાણી પીંડીઓ સુધી હતું, પણ રોડની પડખે કદાચ વધુ પાણી હતું. હું ધીમે ધીમે આગળ વધતો રહ્યો. એ વખતે મને કોઈ ફિલ્મનું ગીત યાદ આવતું નહોતું. વાત કરનાર કોઈ હતું નહીં. અલકાપુરી, અરુણોદય સોસાયટી, કુંજ સોસાયટીની ગલીકૂંચીઓ વટાવતો હું સારાભાઈ સુધી આવી પહોંચ્યો. અહીં સુધી આવવામાં ખાસ વાંધો ન આવ્યો. સારાભાઈ આવીને જોયું તો આગળનો રોડ જોઈ શકાતો હતો. પાણી ભરાયેલું હતું, પણ એમ લાગ્યું કે ધાર્યું હતું એટલું નથી. હવે શું કરવું એ અવઢવ હતી, પણ આગળ વધવા સિવાય બીજું કશું સૂઝતું નહોતું. ઉપર આકાશમાં તારલાઓ પણ મારા આ સાહસના સાક્ષી બનવા તૈયાર ન હતા, તેથી છુપાઈ ગયા હતા.
હું હવે એલેમ્બિકના રસ્તે આગળ વધ્યો. પાણીમાં થઈને ચાલતા રહેવાનું હતું. આ રોડને આટલો સૂમસામ મેં અગાઉ કદી જોયો નહોતો. જાતજાતના અવાજ સંભળાતા હતા. દેડકાં, તમરાં ને બીજા અનેક, જેને હું ઓળખી શકતો ન હતો. પાણીમાં થઈને ચાલતા જવાનું હોવાથી મારી ગતિ ધીમી હતી. રસ્તામાં અનેક વાહનો ત્યજી દેવાયેલાં જોવા મળ્યાં. કાર, સ્કૂટર વગેરેને અંતરિયાળ છોડી દેવામાં આવ્યાં હતાં. તેને જોઈને મારા મનમાં ગભરાટ વધતો જતો હતો કે આગળના વિસ્તારોમાં હજી વધુ પાણી ભરાયેલું હશે તો?

સંગ ચલને કો તેરે કોઈ હો ન હો તૈયાર (ચિત્ર: બીરેન) 
જે હશે એ જોયું જશે એમ જાતે જ સવાલનો જવાબ આપતો હું આગળ વધતો રહ્યો. આ રસ્તા પરથી સેંકડો વખત અવરજવર કરી હશે, પણ આ રીતે ચાલવાનો કદી વારો આવ્યો ન હતો. સારાભાઈ, એલેમ્બિક વટાવીને ધીમે ધીમે હું ગોરવા સુધી આવી પહોંચ્યો. રોજ બસમાં કે સ્કૂટર પર જે રસ્તે જતા હોઈએ એ સ્થળોનું વાસ્તવિક અંતર ચાલીને જઈએ તો જ સમજાય. ગોરવામાં રોડના કિનારે જ તળાવ આવેલું હતું, તે પણ છલકાઈ ગયું હશે એમ મેં ધાર્યું. એમ હોય તો એ રોડ પસાર કરતાં ભારે મુશ્કેલી પડે એમ હતું. ધીમે ધીમે આગળ વધતાં મેં જોયું તો રોડ પાણીમાં ડૂબેલો હતો, પણ પાણી એટલું નહોતું જેટલું મેં ધારેલું. હું આગળ ને આગળ વધતો રહ્યો અને ગોરવા વિસ્તાર પણ પસાર કર્યો. હવે બાપુની દરગાહ અને સહયોગ વિસ્તાર આવે. એનો અર્થ એ કે મેં લગભગ અડધાથી વધુ અંતર પાર કરી લીધું ગણાય. અહીં પ્રમાણમાં ઓછું પાણી હતું. સૌથી આશ્ચર્ય મને એ વાતે થયું કે અત્યાર સુધીમાં મને ક્યાંય કોઈ માણસ કે પશુ જોવામાં નહોતું આવ્યું. સૃષ્ટિ આખી જાણે કે જંપી ગઈ હતી. અંગ્રેજી ફિલ્મોમાં આવતા ડૂમ્સ ડે પછી બચી ગયેલો એકલદોકલ માણસ (હીરો) સર્વનાશ નિહાળતો જતો હોય એ રીતે હું ચાલતો આગળ વધી રહ્યો હતો. સહયોગ વિસ્તારમાં રોડ ખુલ્લો હતો, એટલે એ ઝડપથી પસાર થઈ ગયો અને પંચવટીનું જકાતનાકું પણ આવી ગયું. એવરેસ્ટ ચડવા માટે બેઝકેમ્પ સુધી પહોંચ્યાનો આનંદ થઈ ગયો. આટલે સુધી આવ્યો છું તો ટાઉનશીપ સુધી પણ પહોંચી જવાશે એ આશા બળવાન બની. હવે બે વિકલ્પ હતા. એક તો હું ઊંડેરા સર્કલ સુધી પહોંચીને ત્યાંથી વળું. અથવા તેની પહેલાં આવતા રસ્તેથી વળીને સીધો મારા ક્વાર્ટર સુધી પહોંચું. બીજો વિકલ્પ જરા જોખમી હતો. આ રસ્તે પાણી કેટલું હતું એ ખ્યાલ નહોતો કેમ કે સાવ અંધારું હતું. અને અહીં સાપ પણ બહાર નીકળીને ફરતા હોય એ શક્યતા પૂરેપૂરી હતી. આસમાન સે ગિરા, ખજૂરી મેં અટકા જેવો ઘાટ મારે થવા દેવો નહોતો એટલે હું ઊંડેરા તરફ આગળ વધ્યો. ઊંડેરા સર્કલથી ટાઉનશીપ તરફ વળ્યો એ સાથે જ મારા ઘૂંટણ સુધી પાણી અનુભવાયું. આટલું પાણી આખા રસ્તે ક્યાંય નહોતું. ચાલવું અઘરું બન્યું. નીચે કોઈ ખાડો હોય યા સાપ-દેડકા હોય તો પણ ખ્યાલ આવે એમ નહોતો. અહીં ઘોર અંધકાર હતો. અબ દિલ્લી દૂર નહીં લાગતું હતું, પણ દિલ્લી આવી ગયા પછી લાલ કિલ્લો સર કરાશે કે કેમ એ સવાલ હતો. ઘોર અંધકારમાં ઘૂંટણભેર પાણીમાં માંડ માંડ પગ માંડતો હું છેક દરવાજા સુધી પહોંચ્યો. ખ્યાલ આવ્યો કે આખી ટાઉનશીપમાં પાણી ભરાઈ ગયું છે અને ઘૂંટણથી સહેજ જ નીચે સુધી બધે પાણી છે. અહીં સાપની શક્યતા વધુ હતી, કેમ કે, આ વિસ્તારમાં અમસ્તા પણ સાપ હોય છે. વરસાદને લઈને તે બહાર આવી ગયા હોય એવી સંભાવના ઘણી હતી. જે હોય એ, આટલે સુધી આવી ગયા પછી હવે પાછાં પગલાં ભરવાનો સવાલ નહોતો.
નદીના પાણીમાં હલેસાંનો અવાજ આવે એવો અવાજ પાણીમાં ચાલવાથી આવતો હતો. આમ ને આમ છેક છેવાડે આવેલા મારા ક્વાર્ટર સુધી હું પહોંચ્યો. મારા ક્વાર્ટરમાં છેક ઓટલા સુધી પાણી હતું. એ વટાવીને હું ઓટલો ચડ્યો. ત્યારે મિત્ર રાજેન્‍દ્ર પટેલ (આર.એ.પટેલ) મારી સાથે રહેતો હતો. તેણે બારણું ખોલ્યું. બારણામાં મને ઉભેલો જોઈને તેણે આંખો ચોળી. તેના માનવામાં નહોતું આવતું કે હું બારણે ઉભો છું. રાતના કેટલા વાગ્યા હશે એ ખબર નથી. પણ મેં તેને ટૂંકમાં કહ્યું કે હું આ રીતે છેક સ્ટેશનથી ચાલતો આવ્યો છું. તેણે મને જણાવ્યું કે ભારે વરસાદને કારણે પ્લાન્‍ટ બંધ કરાયો છે.
મારે બીજા દિવસે ફર્સ્ટ શિફ્ટમાં જવાનું હતું. આટલે આવ્યા પછી હવે રજા પાડવાનો સવાલ જ ન હતો. સવારે પાંચ વાગે જાગીને હું બસમાં નોકરીએ ગયો ત્યારે પણ આખા વિસ્તારમાં પાણી ભરાયેલું હતું. પ્લાન્‍ટ પર જે લોકો નોકરીએ આવેલા હતા તેમને ખાત્રી હતી કે સવારે કોઈ આવી શકવાનું નથી.
એ સવારે નોકરીએ આવનાર હું એકલો જ હતો. વડોદરાના સ્થાનિક લોકો નોકરીએ ન આવી શકે ત્યાં અપડાઉન કરતો હું સમયસર હાજર થઈ જાઉં એ કોઈએ ધાર્યું નહોતું. પણ મને આવેલો જોઈને ઘણાએ આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કર્યાં. હું નોકરીએ આવ્યો એ જ ઘણું હતું. નોકરીએ આવવા માટે હું શી રીતે આવ્યો એ કોઈને પૂછવાની જરૂર લાગી નહીં, અને મને કહેવાની.

આ પદયાત્રા એવી નથી કે એમાંથી કશો બોધ લઈ શકાય. એક માત્ર બોધ લેવો હોય તો એટલો જ કે કોઈ પણ કથામાંથી બોધ સૂંઘતા ન ફરવું.
(નોંધ: કુલ ત્રણ ભાગ ધરાવતી આ શ્રેણીનો પહેલો ભાગ અહીં અને ત્રીજો ભાગ અહીં વાંચી શકાશે.)