- બીરેન કોઠારી
પ્રથમ નવરાત્રિની સવારે, એટલે કે 22 સપ્ટેમ્બર, 2025ને સોમવારના રોજ એક વિશિષ્ટ કાર્યક્રમના સાક્ષી બનવાનું થયું. આમ તો, એકાદ મહિના પહેલાં જ મારે ઉપસ્થિત રહેવાનું ગોઠવાયું હતું, અને એમાં બીજા કોઈ પરિવર્તનને અવકાશ ન હતો, કેમ કે, એનું ખરું માહાત્મ્ય આ દિવસનું, એટલે કે પ્રથમ નવરાત્રિની સવારનું હતું.
આથી, 20મીએ માંડવી, 21મીએ અમદાવાદ અને એ પછી 22મીએ વહેલી સવારે મારે સીધા અંકલેશ્વર જવાનું હતું. સ્થળ હતું જી.આઈ.ડી.સી.માં આવેલું 'સંસ્કારદીપ વિદ્યાલય'. આ શાળાના કાર્યને છેલ્લા નવેક મહિનાથી બહુ નજીકથી જોવાનું બન્યું છે. અને તેના અવનવા ઉપક્રમો આશ્ચર્ય પમાડે એવા જણાયા છે. કેમ કે, એમાં 'કંઈક નવું' કે 'હટકે' કરવાના ઉન્માદને બદલે બહુ દૃષ્ટિપૂર્વકનું વિચારબીજ અને એનું આયોજન હોય છે.
મોટા ભાગના ભારતીયો જાણે છે કે ભારતમાં શક્તિની આરાધના કે પૂજા થાય છે. નવરાત્રિ એટલે શક્તિના સ્વરૂપની આરાધનાનો અવસર. આવું બધું શાળાના નિબંધમાં લખવાની મજા આવે. 'નારી એ શક્તિનું સ્વરૂપ છે', 'નારી તું નારાયણી' વગેરે સૂત્રો પણ વક્તૃત્વ સ્પર્ધામાં ચાલી જાય. પણ એમાં અમલના નામે? મસમોટું શૂન્ય. ઘરમાં જ રહેલી 'નારીશક્તિ'ની કદર નહીં, એને હડધૂત કરાય, અને એની મજાક પણ ઊડાવાય. શક્તિસ્વરૂપા માતાજીની આરતીમાં એના તમામ ગુણોના વખાણ થાય, પણ એ જ ગુણો કોઈ નારીમાં જોવા મળે તો એને તમામ રીતે ઊતારી પાડવાના પ્રયાસો થાય. આ બધું એટલું સહજ અને સામાન્ય છે કે એના વિશે વાત પણ ભાગ્યે જ થાય.
આ અને આવાં અનેક કારણોસર 'સંસ્કારદીપ'ના સંચાલકોએ એક એવા કાર્યક્રમ વિશે વિચાર્યું કે જેમાં બાળક (એટલે કે વિદ્યાર્થી) પોતાની માતાની કદર કરે, એના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે, અને એ રીતે તેનો મહિમા કરે. ઘરમાં રહેલી શક્તિના આ સ્વરૂપને પોંખવા માટે નવરાત્રિથી ઉત્તમ કયો દિવસ હોઈ શકે? એટલે આ કાર્ય પહેલવહેલી નવરાત્રિએ કરવું એમ ઠર્યું. આમાં ખરેખર કરવાનું શું?
એમ નક્કી થયું કે એ દિવસે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની માતાઓ શાળામાં ઊપસ્થિત રહે. સંતાનો પોતાની માતાને પ્રણામ કરે, એમને વધાવે, અને છેલ્લે માતા અને સંતાન એકમેકને આલિંગન આપે. એક સાથે આઠસો- નવસો બાળકો પોતાની માતાને આમ કરે તો એના અમલ માટે સૂચના આપવી પડે. એ જરા યાંત્રિક લાગે, પણ તેની અસર એવી કે એ જોયા વિના માન્યામાં ન આવે. આવી બધી વાત મને સંચાલકોએ જણાવેલી ખરી. આથી જ મેં નક્કી કર્યું કે આ કાર્યક્રમમાં હાજર રહેવું.
શાળાનો પહેલો તાસ આ કાર્ય માટે જ ફાળવવામાં આવે. તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં જાય, ત્યાં એમને વિવિધ સામગ્રી ભરેલી થાળીઓ આપવામાં આવે. દરમિયાન શાળામાં આવેલા મેદાનમાં ગોઠવાયેલી ખુરશીઓ પર માતાઓ આવતી જાય અને પોતાના સંતાનના વર્ગ અનુસાર ખુરશીમાં ગોઠવાતી જાય. પૂર્વ પ્રાથમિકથી લઈને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આમાં જોડાય. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ પણ ઉપસ્થિત હોય. દસમા ધોરણના ચુનંદા વિદ્યાર્થીઓ શાળા વિશે કશી વાત કરે, અને કેટલીક માતાઓ પણ પોતાની વાત કરે એવો આખો ઉપક્રમ. વચ્ચે મમતાના ભાવવાળું એકાદ ગીત પણ વાગતું હોય.
હું પહોંચ્યો ત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયેલો. મંચ પર શાળાના હોદ્દેદારો તેમજ અતિથિવિશેષ ગોઠવાઈ ગયેલાં. બાળકોનો કોલાહલ સંભળાતો હતો, છતાં વાતાવરણમાં કંઈક અજબ સ્પંદનો પ્રસરેલાં લાગ્યાં. એમાં પણ માતા અને સંતાન એકમેકને આલિંગે ત્યારે કેટલીય માતાઓની આંખો છલકાતી જોવા મળી. મંચ પર પોતાની અનુભૂતિ જણાવવા આવેલી માતાઓ ભાગ્યે જ આખું બોલી શકી. એમનો અવાજ રુંધાયો, આંખો છલકાઈ, અને પોતાના સંતાને દર્શાવેલા વહાલ અને કદરથી તેઓ લાગણીશીલ બની. આ જ ભાવ સમગ્ર વાતાવરણમાં પ્રસરતો રહ્યો.
સૌથી લાગણીશીલ પળ |
એ જ દિવસે, અન્ય એક નવો કાર્યક્રમ પણ આરંભાયો. આ શાળામાં ચાલતા 'ગર્ભસંસ્કાર કેન્દ્ર'માં આવતી બહેનો અને તેમની સાસુઓના મિલનનો. હૉલમાં ખુરશીઓ ગોઠવાઈ અને સાસુ તેમજ તેમની વહુ સામસામાં ગોઠવાયાં. જે બહેનોની સાસુ નહોતી, તેમને સ્થાને શાળાનાં કોઈ ને કોઈ બહેન ગોઠવાયાં. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કેટલીક સાસુઓ અને કેટલીક વહુઓએ પોતાની લાગણીની અભિવ્યક્તિ કરી. એ પછી સાસુ અને વહુ એકમેકને પોંખે એવું આયોજન હતું, અને છેલ્લે એકમેકને આલિંગન. એ પછી સાવ સહજપણે જ સાસુ અને વહુઓએ જોડીમાં નૃત્ય શરૂ કર્યું. સહજપણે જ સાઉન્ડ સિસ્ટમ પર ગરબા રેલાયા. સાસુ અને વહુઓએ કાયમ સાથે રહેવાનું હોય છે. આથી તેમની વચ્ચે વિખવાદ હશે જ એમ માની લેવામાં આવે છે. એ કેટલાક કિસ્સામાં સાચું પણ ઠરે છે. આવા કાર્યક્રમ થકી, એવી કોઈ નાનીમોટી ગાંઠ હોય તો સાવ સહજપણે ઓગળી જાય એ મૂળ વિચાર હતો. હજી આ વરસથી જ એ અમલી બન્યો અને પહેલી વારના કાર્યક્રમમાં એક માત્ર પુરુષપ્રેક્ષક તરીકે મારે સાક્ષી બનવાનું આવ્યું એનો આનંદ કંઈક અલગ હતો.
એક શાળા શા માટે આવાં આયોજન કરે કે જેમાં સહેજ પણ ચૂક થાય તો એને ગતકડામાં ફેરવાતાં વાર ન લાગે! કારણ બહુ સાદું છે. બાળક પર તેના ઘરના ભાવાવરણની સીધી અસર પડતી હોય છે. એ સ્વસ્થ હોય તો બાળક પણ સ્વસ્થ રહે. બસ, આટલી સાદી સમજણ, જેણે આ કાર્યક્રમની પ્રેરણા આપી. શાળાના સંચાલકો આટલા સંવેદનશીલ બનીને વિચારે તો કેટલી બધી સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય!
મેં આ કાર્યક્રમ વિશે કાનોકાન સાંભળેલું, ત્યારે સહેજ સાશંક બનીને વિચારેલું. આથી જ એને નજરે જોવાનો મેં આગ્રહ રાખેલો. નજરે જોયા પછી અનુભવાયું કે આ કેવળ કોઈ સામૂહિક, યાંત્રિક પ્રક્રિયા નથી, બલ્કે લાગણીને વહેવાનું નિમિત્ત આપતી, રોજેરોજની કાળજી લેતી વ્યક્તિની દિલથી કદર કરવાનું શીખવતી ઘટના છે.
આવા કાર્યની, એના વિચારની, એના અમલની કદર કરવી એ પણ શીખવા મળે. આ સમગ્ર ઉપક્રમ સાથે સંકળાયેલા સહુને અભિનંદન.
No comments:
Post a Comment