Tuesday, March 8, 2022

અધૂરી સફરની અધૂરી વાત (1)

થોડા સમય અગાઉ મેં પંદરેક વરસના ઉપવાસ પછી શરૂ કરેલી કલાયાત્રા વિશે અહીં લખ્યું હતુંં અને ચિત્રાંકનની નવી શરૂ કરેલી ઈનિંગ્સ દરમિયાન દોરાયેલાં ચિત્રો મૂક્યાં હતાં.  

કલાની મારી સફર અધિકૃત રીતે આરંભાયેલી 1991માં. ડિપ્લોમા ઈન કેમીકલ એન્જિ. કર્યા પછી 1984માં મને તરત જ નોકરી મળી ગઈ. એ પછી સાતેક વરસે ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પેઈન્ટીંગમાં પ્રવેશ લીધો. એ માટે મારા મિત્ર, સહયોગી અને આ કૉલેજમાં મારા જ આગ્રહથી મારી પહેલાં પ્રવેશ લેનાર બકુલેશ જોશીનો આગ્રહ જવાબદાર હતો. જો કે,ચાલુ નોકરીએ અહીં દોઢેક વરસ ગાળ્યા પછી સમયનું સંતુલન જાળવવું અઘરું જણાયું. ચાર વર્ષનો એ કોર્સ અધૂરો મૂકવો પડ્યો. ત્યાર પછી છૂટુંછવાયું કામ ચાલુ રાખેલું અને થોડાંઘણાં પેપર કોલાજ બનાવ્યાં હતાં. લગ્ન પણ આ જ અરસામાં થયું. પછી લેખનનો શોખ અને એને લગતું કામ બરાબર ચાલ્યું એટલે એ બધુંય ફાઈલોના બે પૂંઠા વચ્ચે જતું રહ્યું. 

આમ છતાં, મારા આ જોડાણ વિશે વાત કરવાની મને ખાસ ઈચ્છા થતી નહોતી. મનમાં થોડો અપરાધભાવ પણ ઘર કરી ગયેલો. 

2007થી તો પૂર્ણ સમયનો વ્યાવસાયિક લેખક બનતાં કલાને લગતું બધું સાવ જ વિસારે પડ્યું. ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ સાથેના મારા એ સવા-દોઢ વરસના સંબંધની અને મેં કરેલા તેના આંતરદર્શનની વિગતે વાત કરતો લેખ સમ્પાદક ઉર્વીશ કોઠારીના સૂચનથી મેં લખ્યો હતો, જે 'આઉટસાઈડર દ્વારા અંદરનું દર્શન' શિર્ષક હેઠળ 'સાર્થક જલસો'ના નવમા અંક(ઑક્ટોબર, 2017)માં પ્રકાશિત થયો હતો. પેલો અપરાધભાવ આ લેખ પ્રકાશિત થયા પછી પૂર્ણપણે નાબૂદ થયો. અનેક મિત્રોને એ લેખ ગમ્યો એનો આનંદ તો થયો, પણ એમના હાથ નીચે મેં પોટરીનો અભ્યાસ કરેલો એ જ્યોત્સ્ના મેડમ (જ્યોત્સ્નાબહેન ભટ્ટ)નો મારી પર એ લેખ વાંચીને રાજીપો વ્યક્ત કરતો સંદેશ આવ્યો. આ મારી દૃષ્ટિએ એક વર્તુળની સમાપ્તિ હતી. 

જો કે, આ અરસામાં કલા પ્રત્યેનો મારો રસ જીવંત રહી શક્યો હતો. એને સીંચવામાં પ્રીતિશ નાન્‍દીના તંત્રીપદ હેઠળ નીકળતા સાપ્તાહિક 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્‍ડિયા'નું સવિશેષ પ્રદાન રહ્યું છે. તેમાં આવતી કલા વિશેની વિગતોની ઉર્વીશ સાથે થતી રહેતી ચર્ચાઓને કારણે રસ સતત જળવાઈ રહ્યો અને સમૃદ્ધ થતો ગયો. 

આ શ્રેણીમાં મારી અધૂરી રહેલી કલાની સફરની વાત કરવાનો ઈરાદો છે. આ વાત કેવળ એ સમયનાં મેં બનાવેલાં ચિત્રો કે પેપર કોલાજ યા અન્ય કૃતિઓની આસપાસની વાત પૂરતી જ મર્યાદિત રહેશે. મુખ્ય આશય એ સમયની કેટલીક કૃતિઓ અહીં એક સાથે મૂકવાનો છે. 

**** 

૧૯૯૩માં લક્ષદ્વીપ સહિત દક્ષિણના અમુક સ્થળોના પ્રવાસે મારે જવાનું બન્યું ત્યારે સારો કેમેરા નહોતો. આરો મિત્ર મયુર અને તેની પત્ની હેતલ, કામિની અને હું- એમ અમે બે યુગલો સાથે હતાં. મયુર પટેલ દ્વારા એક નાનકડા કેમેરાની વ્યવસ્થા કરવામાં આવેલી, જેના વડે ફક્ત યાદગીરી પૂરતા ફોટા લઈ શકાય એમ હતું, કેમ કે, છ ફીટથી વધુ રેન્જના ફોટા એમાં બરાબર આવતા નહોતા. એવે વખતે નામ પૂરતી એક સ્કેચબુક મેં સાથે રાખેલી, જે કામ આવી. આ સ્કેચબુક સાવ સાદી, ચોરસ આકારની, અમારા મહેમદાવાદના કાગદી પાસે કાગળ બંધાવીને તૈયાર કરાવેલી.

લક્ષદ્વીપના પ્રવાસનું આયોજન કુલ પાંચ દિવસનું હતું. કોચીનથી પહેલે દિવસે બપોરે ઉપડેલી સ્ટીમર આખી રાતની મુસાફરી કરીને સવારે એક ટાપુ પર પહોંચાડતી. આખો દિવસ ટાપુ પર ગાળીને સાંજે પાછા સ્ટીમર પર અને રાતની મુસાફરી કરી પછીના દિવસે સવારે નવા ટાપુ પર. આવો ક્રમ હતો. આ રીતે કુલ ત્રણ ટાપુની મુલાકાત અને પાંચમા દિવસે કોચીન પરત.
'એસ.એસ.ટીપુ સુલતાન' સ્ટીમરમાંથી નજરે પડતો કોચીનનો આ દરિયાકાંઠો '૯૩માં આ જ રીતે ઉતાવળે પેનથી ચીતરેલો.
'એસ.એસ.ટીપુ સુલતાન' પરથી નજરે પડતો કોચીનનો દરિયાકાંઠો
'જ્યુ ટાઉન' તરીકે ઓળખાતો કોચીનનો વિસ્તાર 

સ્ટીમર મોટી હોવાથી દરિયામાં દૂર ઉભી રહેતી અને ત્યાંથી ફેરી બોટમાં સૌને કિનારે લઈ જવામાં આવતા. દૂરતી દેખાતા ટાપુઓ પર સૂર્યપ્રકાશમાં નજરે પડતા નાળિયેરીનાં ઝુંડ, ક્યાંક એની વચ્ચે દીવાદાંડીનાં દૃશ્યો સામાન્ય હતાં. સ્ટીમરના સો-સવાસો મુસાફરોમાં અમે બને એટલા છેલ્લે ઉતરવાનો પ્રયત્ન કરતા, જેથી સમય વધુ મળે અને સ્ટીમર પરથી સામે દેખાતા કિનારાના દૃશ્યનું ઝડપથી રેખાંકન કરી શકાય. ત્યારે માત્ર ઝડપી રેખાઓ વડે સ્કેચબુકમાં ઉતારી લીધેલા લક્ષદ્વીપના આ સ્કેચ મને બહુ કામમાં લાગ્યા. આવાં કુલ છ સ્કેચ મેં બનાવેલા, જેના પરથી પછી મેં બ્લેક એન્ડ વ્હાઈટ અને રંગીન, એમ બન્ને પ્રકારના પેપર કોલાજ બનાવ્યા.
નીચેનાં બન્ને રેખાંકન કલ્પેની ટાપુનાં છે.

સ્ટીમર પરથી દેખાતું કલ્પેની ટાપુનું દૃશ્ય 

સ્ટીમર પરથી કલ્પેની ટાપુનું દૃશ્ય 
કલ્પેની ટાપુનું એક દૃશ્ય 

નીચેનાં બન્ને રેખાંકન મીનીકોય ટાપુનાં છે. ત્રીજા ટાપુનું નામ હતું કાવારાત્તી.

સ્ટીમર પરથી દેખાતો મીનીકોય ટાપુ 

સ્ટીમર પરથી દેખાતું મીનીકોયનું દૃશ્ય 

આ પ્રવાસમાં કોચીન-લક્ષદ્વીપ-થેકડી- કોડાઈકેનાલ-ઉટી- મૈસૂર-બેંગ્લોરનો રુટ હતો. ત્યારે મુનારનો રસ્તો એટલો ખરાબ હતો કે કોઈ ટેક્સીવાળા આવવા તૈયાર થતા નહોતા. લક્ષદ્વીપથી પાછા આવ્યા પછી એટલી નિરાંત હતી નહીં કે સ્કેચ બનાવી શકાય. અલબત્ત, ફરવામાં જરા પણ ઉતાવળ નહોતી કરી. એમ લાગે છે કે હવે જવાનું થાય તો કેમેરાથી જ કામ પાર પાડવું પડે. એક સ્થળે જઈએ, ત્યાં શાંતિથી બેસીએ અને ડ્રોઈંગ કરીએ એ હવે શક્ય નથી લાગતું.
આ પ્રવાસની તસવીરો ઘણી છે, પણ આ છ-સાત સ્કેચ વધુ યાદ રહી ગયા છે.

(ક્રમશ:) 

(નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.) 

આ શ્રેણીની બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી કડી અહીં વાંચી શકાશે. 

No comments:

Post a Comment