(ઘેર બનાવેલું મોઝેક)
ફાઈન આર્ટ્સનો અભ્યાસ અધવચ્ચે પડતો મૂકી દીધા પછી પણ તેના જીવાણુઓ ક્યાંય સુધી કાર્યરત રહ્યા. લેખનનો માર્ગ હજી પકડાયો નહોતો, નોકરી ચાલુ હતી, અને એ દરમિયાન મકાન બનાવવાનું શરૂ થયું. 1997-98નો એ સમયગાળો. મકાનને લગતી એક પણ બાબતમાં કશી જ ખબર નહોતી, પણ જાતે એ કામ હાથ પર લીધેલું.
ખોખું તૈયાર થયા પછી ફીનીશીંગનો તબક્કો આવ્યો એટલે 'ઈનસાઈડ આઉટસાઈડ'ના જૂના અંકો ખરીદીને ફેંદવા માંડ્યા. એમાં એક અંકમાં રસોડાની દિવાલ પર ટાઈલ્સના ટુકડાઓનું મોઝેક બનાવેલું જોયું. જો કે, એ ફોટોફીચર મૂળ તો કીચન ફર્નિચર માટે હતું, પણ એ મોઝેક નજરમાં વસી ગયું. એ વખતે રસોડાની ટાઈલ્સ પર ફળો, આઈસ્ક્રીમ કે શાકભાજીનાં ચિત્રો ચીતરાવવાનું ચલણ હતું. કામિનીએ અને મેં નક્કી કર્યું કે આપણે રસોડાની ટાઈલ્સ પર જાતજાતનાં ફળો અને આઈસ્ક્રીમ ચીતરાવવાને બદલે મોઝેક બનાવવું.
મોઝેકમાં શું બનાવવું એ અંગે બે-ત્રણ અલગ અલગ કમોઝીશનના નાનકડા કોલાજ બનાવ્યાં, જેથી કયા રંગો હશે એનો ખ્યાલ આવે. છેવટે પર્પલ, લાલ અને લીલો રંગ મૂકવાનું નક્કી કર્યું અને એ રંગ ધરાવતાં ત્રણ શાકના નમૂનાને ગોઠવવાનું વિચાર્યું.
હવે સવાલ હતો આ રંગની ટાઈલ્સ મેળવવાનો, જે શક્ય નહોતું, કેમ કે, આવા રંગોની ટાઈલ્સ ક્યાંય મળતી નહોતી. પણ જ્યાંથી ટાઈલ્સ ખરીદી હતી એ ભાઈએ મને મારા જોઈતા રંગો ટાઈલ્સ પર કરી આપવાની ખાતરી આપી એટલે મેં એમને ટાઈલ્સ અને મારા જોઈતા રંગોની ટીકડી આપી. આ ટીકડી કોઈક મેગેઝીનના રંગીન કાગળમાંથી મને જોઈતા શેડની બનાવેલી. થોડા દિવસમાં ટાઈલ્સ રંગાઈને આવી ગઈ, પણ સૌથી મોટો સવાલ હતો મોઝેક બનાવવું કેમનું? મેં કદી એ બનાવ્યું નહોતું કે શીખ્યો પણ નહોતો.
રસોડામાં ટાઈલ્સ લાગી ગઈ એમાં વચ્ચે મોઝેક માટેનું માપ નક્કી કરીને એટલી ખાલી જગ્યા છોડાવેલી. મારા સલાટ ભાણજીએ આ મથામણ જોઈ. ભાણજી બહુ કુશળ કારીગર હતો. એની સાથે દીનેશ નામનો એક હિન્દીભાષી છોકરો પણ આવતો. ફ્લોરિંગના મુખ્ય સુપરવાઈઝર સ્વરૂપસીંગ હતા, જેનો વધુ ઉલ્લેખ મારા બ્લોગ પરની માર્બલ વિષેની બે ભાગની પોસ્ટમાં
અહીં છે. અમે થોડી ચર્ચા કરી. મેં એને કહ્યું કે એક એક કરીને ટાઈલ્સના ટુકડા ચોંટાડવાનું નહીં ફાવે. હું ઘેર પહેલાં એ તૈયાર કરી દઉં પછી તમે એને સીધા સફેદ સિમેન્ટ વડે લગાવી દેજો. એ ભલા માણસે મને પોતાનું ટાઈલ્સ કટર પણ આપ્યું અને કહ્યું, 'પાછું ન આપશો. તમે જ રાખજો.'
રોજ નોકરીએથી આવીને હું ટાઈલ્સ અને કટર લઈને બેસતો. સુરક્ષા માટે આંખે સાદા ગોગલ્સ ચડાવતો અને એક એક ટુકડો કાપીને મૂળ કદનું ડ્રોઈંગ બનાવેલું એની પર ગોઠવતો જતો. આમ ને આમ, ખૂબ મહેનત અને દિવસોના સમય પછી આખું મોઝેક કાગળ પર ગોઠવાઈને તૈયાર થઈ ગયું. એક વાર એ તૈયાર થયું એટલે તેના ઉપરના એટલે મુખ્ય, ચત્તા ભાગે આખું ડ્રોઈંગ પેપર ફેવીકોલથી ચોંટાડી દીધું. પાછળથી જોનારને ટાઈલ્સના ટુકડાઓનો પાછળનો સફેદ ભાગ જ લાગે. એક શુભ દિવસે મારા સલાટે એને સિમેન્ટ વડે રસોડાની દિવાલે ચોંટાડી આપ્યું. કદાચ થોડી ભૂલો રહી હશે, લેવલ ઉંચુંનીચું રહ્યું હશે, પણ આજે પંદર વરસ પછી પણ એ મોઝેક જોઈને સંતોષ થાય છે.
|
અમારા રસોડામાં બનાવેલું મોઝેક |
|
આખા રસોડામાં મોઝેક આવું દેખાય છે |
ત્યાર પછી મહેમદાવાદના ઘરનું રસોડું બન્યું ત્યારે પણ તેમાં એક નાનકડું મોઝેક બનાવેલું. જો કે, ત્યાર પછી એ આખું ઘર ઉતારવામાં આવ્યું એટલે એ મોઝેક આપોઆપ નષ્ટ થયું.
હજી એ કટર, થોડી લાલ, લીલી ટાઈલ્સ એક ડબ્બામાં બંધ છે.
મઝા એ છે કે અમુક લોકો ઘરે આવે અને મોઝેક પર અનાયાસે નજર પડે તો એ આશ્ચર્યથી બોલી ઉઠે છે, 'ઓહો! રીંગણ છે, ને ટામેટું છે, ને મરચું પણ છે ને! ઓળખાઈ જાય છે, હોં!'
ત્યારે મને પણ થાય કે- કળા સામાન્ય માણસ સુધી પહોંચી એટલે જેવી હોય એવી, પણ સાર્થક ગણવી.
(ક્રમશ:)
(નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.)
આ શ્રેણીની બીજી કડી
અહીં અને
ચોથી કડી અહીં વાંચી શકાશે.
No comments:
Post a Comment